દેવદર્શન
ઇષ્ટદેવના સ્વરૂપના દર્શનનો મહિમા અતિ અલૌકિક છે. ભક્ત પોતાના આરાધ્યદેવના સ્વરૂપનું જ્યારે યથાર્થ માહાત્મ્ય સમજી શ્રદ્ધાપૂર્વક, ગદગદ કંઠે, રોમાંચિત થઈને અતિ ભાવવિભોર થઈને દર્શન કરે છે, ત્યારે એ સ્વરૂપમાં સર્વવ્યાપી, સર્વશક્તિમાન પરમાત્માનો આવિર્ભાવ થાય છે. તે પ્રતિમાસ્વરૂપ દ્વારા પ્રભુ ભક્તના પ્રેમ-ભક્તિભાવનો સ્વીકાર કરે છે. ભક્તને પરમ શાંતિ અને પરમાનંદનો અનુભવ કરાવે છે.
દૃઢ શ્રદ્ધાવાન ને નિષ્ઠાવાન એવો પાત્ર ભક્ત જ્યારે દર્શન કરે છે, ત્યારે પ્રભુ તેની ઉપર પ્રસન્નતા જણાવી પ્રતિમાભાવ છોડી દઈ, તે ભક્ત સાથે વાર્તાલાપ કરે છે. તેને દિવ્ય સ્પર્શનો પણ અનુભવ કરાવે છે. તેની સેવા-પૂજા અંગીકાર કરી શુભ મનોરથો પણ પૂર્ણ કરે છે. તેથી ભક્તને દર્શનમાત્રે કરીને જ કૃતાર્થપણું ને પૂર્ણકામપણું મનાઈ જાય છે. દર્શનાર્થી પ્રભુનું કઈ રીતે દર્શન કરે છે એના ઉપર દર્શનના ફળની નિષ્પત્તિનો આધાર છે. ડહોળાયેલ ચિત્તવૃત્તિથી ને વ્યગ્ર મન વડે દર્શન કરનારને દર્શનનું યથાર્થ ફળ મળતું નથી. જે ભક્ત એકાગ્ર ચિત્તે, એકાગ્ર દૃષ્ટિથી, પ્રભુમાં અચળ શ્રદ્ધા ને માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિભાવ, શરણાગતભાવ સાથે આર્તનાદે પ્રાર્થતો, સ્તુતિ-વંદના કરતો થકો રોમાંચિત ગાત્રે કરીને દર્શન કરે તથા તે પ્રતિમા નથી, પણ પ્રત્યક્ષ પ્રભુ જ છે, એમ ભાવના કરીને દર્શન કરે, તો તે દર્શનનું અલૌકિક ફળ પામે છે. ભક્ત એવા દિવ્યભાવથી પ્રભુનું દર્શન કરે છે ત્યારે પ્રતિમાસ્વરૂપમાં સત્પુરુષ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વખતે આવિર્ભાવ પામેલી ચેતનાશક્તિના દિવ્યતરંગો દર્શનાર્થીના ચૈતન્યને સ્પર્શે છે ને તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરી, આધ્યાત્મિક વિકાસ પામી પૂર્ણતા સુધી લઈ જાય છે.
એવી રીતે ભક્તિભાવથી દર્શન કરનાર સકામ ભક્તના લૌકિક શુભ મનોરથો પરિપૂર્ણ થાય છે. નિષ્કામ ભક્તની આધ્યાત્મિક ઉન્નતિ થઈ આત્મા-પરમાત્માના સ્વરૂપમાં સ્થિતિ થાય છે. ત્યાર બાદ પ્રભુ તથા તેમના મુક્તની કૃપાથી પાત્રતા થતાં પ્રભુના સ્વરૂપનો આત્મામાં સાક્ષાત્કાર થતાં દિવ્યસુખની અખંડ અનુભૂતિ થાય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ શ્રીમુખવાણી વચનામૃતમાં જણાવે છે -
"પરમેશ્વરનાં દર્શન કરતાં કરતાં આડી અવળી દૃષ્ટિ કરવી નહિ. પરમેશ્વરનાં દર્શન તો પ્રથમ પહેલે નવીન થયાં હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જાવું ને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિ ઉતારવી."
-વચ. સા. 2
"જે માહાત્મ્ય જાણીને અતિ પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાનેન્દ્રિયે કરીને દર્શન-સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરનાં દર્શનાદિક થાય છે, તેનું બીજબળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે."
-વચ. સા. 5
અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી તેમની વાતોમાં જણાવે છે -
"માટે મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું. તો મહારાજ જાણે જે આ બિચારો મંડ્યો છે, તો મહારાજ તેજમાં ઝળેળાટ દર્શન આપે."
"પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, મેષોન્મેષ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું. એમ ખરેખરું અંતરદૃષ્ટિથી જોઈ રહેવું."
"ધ્યાન કરતાં એકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય, ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય, ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું."
આ રીતે પ્રભુના સ્વરૂપના એકાગ્ર મન વડે દર્શન કર્યા બાદ તેનું ચિંતન, મનન ને નિદિધ્યાસ નિરંતર કરવામાં આવે, તો મૂર્તિ તદાકાર દેખાય છે. એવી જ રીતે પ્રભુના સ્વરૂપમાં અખંડ નિમગ્ન રહેલા મુક્તપુરુષનાં દર્શન કરે, તો તે દર્શનાર્થીના પાપનો ક્ષય થઈ તે નિર્મળ બને છે. પાત્ર સાધકને દર્શન દ્વારા પ્રભુ તથા તેમના મુક્તપુરુષના અનુગ્રહ વડે આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થઈ મુક્તદશા ઉપલબ્ધ થાય છે. તેનામાં પ્રભુ અને સત્પુરુષના કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ થાય છે.
પૂર્ણસ્થિતિવાળા સિદ્ધમુક્ત જે પ્રતિમાસ્વરૂપમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે, ત્યારે તે સ્વરૂપમાં પ્રભુનો પૂર્ણરૂપે આવિર્ભાવ થાય છે. મુક્તના દિવ્ય સંકલ્પ દ્વારા સર્વવ્યાપી પ્રભુ સાક્ષાત્ બિરાજે છે ને પ્રતિમામાં દૈવત આવે છે. મુક્ત સંકલ્પ દ્વારા પ્રતિમામાં દિવ્ય ચેતનાશક્તિની પ્રતિષ્ઠા કરે છે. એવી પ્રસાદીભૂત ને દિવ્ય ચેતનાશક્તિ વડે અલંકૃત પ્રતિમાના કોઈ ભાવથી દર્શન કરે તો તેની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈ શ્રેયમાર્ગે વિકાસ સાધે છે. આ રીતે દર્શનનું અલૌકિક અકલ્પ્ય ફળ દર્શનાર્થીને મળે છે. આ દેવદર્શનનું રહસ્ય છે.