નિવેદન
'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થાના સંસ્થાપક ને આજીવન પ્રમુખ અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ આત્મા-પરમાત્માના અખંડ સાક્ષાત્કારવાળા, પ્રબુદ્ધ, અનુભવસિદ્ધ ને મહાન આર્ષદૃષ્ટા હોવાથી અધ્યાત્મજ્ઞાનની સાચી પીપાસા ધરાવતા મુમુક્ષુ સાધકો માટે પ્રખર આધ્યાત્મિક માર્ગદર્શક હતા. તેઓશ્રી 'સ્વામિનારાયણ ધર્મ'ને કોઈ સંકૂચિત વાડો નહિ ગણતાં એક મહાન વિશ્વધર્મ તરીકે પ્રતિપાદન કરતા. તેમની દૃષ્ટિ વિશદ્ ને સર્વધર્મ સમન્વયકારી હતી. તેઓશ્રીનો અભિગમ હંમેશાં સર્વજીવહિતાવહ જ રહેલો. તેઓશ્રી કહેતા કે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા તત્વ એક જ છે ને તે અંતિમ-સર્વોપરી સત્તા છે. તે સ્વરૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણરૂપે પૂર્ણસ્વરૂપે આવિર્ભાવને પામેલું હતું. મનુષ્યજીવનનું સર્વોચ્ચ ધ્યેય એ સર્વોપરી પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિરૂપ આત્યંતિક મોક્ષ (Ultimate redemption)ની સ્થિતિ છે. એ સ્થિતિની ઉપલબ્ધિ પરમાત્માના પૂર્ણ આવિર્ભાવ (manifestation) ના યથાર્થ જ્ઞાન-ધ્યાન ને શુદ્ધ ઉપાસના વગર શક્ય નથી બનતી. તે માટે એ સ્વરૂપની શુદ્ધ ઉપાસના તથા તેનું ધ્યાન ને યથાર્થ જ્ઞાન અનિવાર્ય છે. મુમુક્ષુએ આ વાતનો ઊંડાણથી વિચાર કરવો રહ્યો.
પૂજ્યશ્રી નારાયણભાઈ પાસે વિવિધ ધર્મના અનુયાયીઓ પણ આધ્યાત્મિક માર્ગદર્શન માટે આવતા, તેમના વાત્સલ્યપૂર્ણ સાંનિધ્યમાં બેસવા માત્રથી જ અનેક પ્રશ્નોના ખુલાસા આપોઆપ અંતઃકરણમાં જ થઈ જતા. સંસારના ત્રિવિધ તાપ શમી જઈ અંતરમાં શિતળતા વ્યાપી જતી, આવા અનુભવો અનેકને થયેલ છે. તેઓશ્રી પોતાના અંતરંગ સેવક પાસે અનેક વખત આધ્યાત્મિક જ્ઞાનના ગહન રહસ્યોને પ્રગટ કરી તેમને ઉપકૃત કરતા. આ દિવ્ય વિચારભંડોળમાંથી પૂજ્યશ્રી નારાયણભાઈની હયાતીમાં જ અંતરંગ સેવકો દ્વારા સંકલિત કેટલાંક પ્રેરક ને સૈદ્ધાંતિક વચનોના આધારે આ લઘુ પુસ્તિકા વિવિધ વિષયમુદ્દાઓ હેઠળ તૈયાર કરી છે, જે સરળ હોવા છતાં પણ તેનું અર્થગાંભીર્ય દર્શાવે છે. સ્વામિનારાયણ ધર્મના કે અન્ય, સત્વગુણી સજ્જનોને પણ તે ઉપયોગી નિવડે અને મુમુક્ષુ-સાધકો તેમ જ ભાવિ પેઢી તેનો મહદ્ લાભ ઉઠાવી પોતાની જીવનયાત્રા સફળ બનાવે તેવી આશા.
સં. 2066, ફાગણ સુદ બીજ
ઈ.સ. 2010, 16 ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
અમદાવાદ