૨. અકૃતદ્રોહ

દ્રોહ એટલે મન - કર્મ - વચનથી કોઈનું શારીરિક, માનસિક કે આધ્યાત્મિક એમ કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષથી પ્રેરાઈને કે પોતાનો સ્વાર્થ સાધવાના હેતુથી અહિત કરવું, કોઈનો અવગુણ - અભાવ લેવો, મિથ્યાપવાદ આરોપણ કરવો વગેરે અપરાધ કર્મો એ દ્રોહ છે ને એ સૂક્ષ્મ હિંસા છે. અંગ્રેજીમાં દ્રોહને offence કહે છે.

આત્મા - પરમાત્માના સાક્ષાત્કારવાળા પૂર્ણ સંતને સર્વ પ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન થતાં હોવાથી અને પોતાને પરમાત્માના દિવ્યસ્વરૂપ સાથે સર્વત્ર વ્યાપક અનુભવતા હોવાથી દરેક જીવપ્રાણીમાત્ર આત્મવત્‌ લાગે છે. તેઓ જાણે છે કે સર્વ જીવનો ચૈતન્ય તો મૂળભૂત રીતે શુદ્ધ ને નિર્મળ જ છે, કેવળ મૂળમાયાનાં, અજ્ઞાન- અવિદ્યાનાં, કર્મસંસ્કારોનાં આવરણોને લઈને તેનામાં દોષો ને મલિનતા ભાસે છે. જેવા એ બધાં આવરણો ખસી જાય તો ચૈતન્ય નિર્મળ ને નિર્દોષ બની જાય છે. પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માનો એવો સંકલ્પ જ છે કે દરેક જીવાત્મા પૂર્ણ બને. એટલે મોડા-વહેલા દરેક જીવ ચોક્કસ પૂર્ણતાને પામવાના જ છે. આવું જ્ઞાન હોવાથી સત્પુરુષને ક્યારેય પણ કોઈનો અવગુણ - અભાવ આવતો જ નથી. અરે! કોઈને વિશે અશુભ સંકલ્પ પણ થતો નથી તો મન-વચન-કર્મે કોઈનો દ્રોહ કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવા પૂર્ણ સંતમાં અકૃતદ્રોહનું લક્ષણ પૂર્ણરૂપે વિકસેલું હોય છે. અ. મુ. સ. ગુ. ગોપાળાનંદ સ્વામી એમ કહેતા હતા કે, ‘‘મને દૈવી કે આસુરી એવા કોઈ પણ જીવમાત્ર વિશે ક્યારેય અભાવ નથી આવતો.’’ અ. મુ. પૂ. નારાયણભાઈ પણ કહેતા કે, ‘‘મને સર્વમાં ભગવાન સ્વામિનારાયણનાં દર્શન થાય છે. બધાના ગુણ-દોષનું જાણપણું હોવા છતાં પણ કોઈનો અભાવ-અવગુણ આવતો નથી, કારણ કે હું જાણું છું કે પ્રભુના સૃષ્ટિસર્જનમાં જીવો ઉત્ક્રાંતિમાં આગળ વધતા અંતે પૂર્ણસ્થિતિને જરૂર પામશે.’’

આમ સંત અકૃતદ્રોહ હોવાથી કોઈનો દ્રોહ તો કરતા જ નથી, પરંતુ સાધક મુમુક્ષુને તેના દોષો ને નબળાઈઓ પ્રત્યે સભાન બનાવી તેને ટાળવામાં ચોક્કસ સહાય કરે છે. તે માટે સાચી સમજણ ને સદ્‌બોધ આપે છે ને ક્યારેક જરૂર જણાય તો કડક વલણ અપનાવીને પણ શરણાગત સાધકના દોષો દૂર કરવામાં મદદ કરે છે.

અ. મુ. પૂ. નારાયણભાઈ કહેતા કે, ‘‘કેટલીક વાર દ્રોહની વ્યાખ્યા યથાર્થ ન સમજાઈ હોય ત્યારે કોઈ સાધુનું, બ્રહ્મચારીનું, પાર્ષદનું, આચાર્યનું કે હરિભક્તનું અધર્માચરણ જોઈને કેટલાક આંખ આડા કાન કરે છે ને ધર્મલોપ કે પ્રભુની આજ્ઞાનો લોપ ચલાવે છે, કારણ કે તેઓને એવી ગેરસમજ હોય છે કે જો તેમને વિશે અવગુણ- અભાવ લઈશું કે કંઈક વિરોધ પ્રદર્શિત કરીશું તો તેમનો દ્રોહ થઈ જશે ને આપણા જીવનું બગડી જશે, એવા ભયથી ધર્મલોપ કરનારનો વિરોધ કરતા નથી અને પોતાની ઊણપને લઈને પણ વિરોધ કરી શકતા નથી.’’

દ્રોહ એટલે મન - વચન - કર્મથી કોઈનું કોઈપણ પ્રકારે અહિત કરવું તે દ્રોહ છે, પરંતુ પ્રભુએ આપેલાં પંચ વર્તમાનરૂપી આજ્ઞાનો લોપ કોઈ જાણી જોઈને કરતું હોય, ધર્મભંગ કરતું હોય તો તેને સાચી સમજણ આપી તેમ કરતાં અટકાવવો તેમાં તેનું હિત સમાયેલું હોવાથી તે દ્રોહ નથી, પણ અદ્રોહ છે. ધર્મલોપ કે આજ્ઞાલોપનો વિરોધ ન કરી તેને ધર્મલોપ કરતાં ન અટકાવવો એ જ દ્રોહ છે, કારણ કે તેમ ન કરવાથી ધર્મલોપ કરનારને છૂટો દોર મળી જાય છે ને તે પોતાની સાથે અન્યની પણ અધોગતિ નોતરે છે. માટે સમર્થ ધર્મપરાયણ અધિકારી વ્યક્તિએ તેનો સમજણપૂર્વક વિરોધ કરી આજ્ઞાલોપ - ધર્મલોપ અટકાવવો જ જોઈએ, નહિતર તે વ્યક્તિના અધર્માચરણમાં મૂક સંમતિ દર્શાવી ગણાય અને તેનો દોષ પણ લાગે. માટે કોઈનો ધર્મલોપ અટકાવવા પ્રયત્ન કરવો એ દ્રોહ નથી, પણ અદ્રોહ છે. શ્રીજીમહારાજે વચનામૃત ગઢ. પ્ર. ૧૮માં આ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. તેમાં આજ્ઞાલોપ ચલાવનાર અધિકારીવર્ગને બ્રહ્મરાક્ષસનો દેહ આવશે એવી ચીમકી પણ આપી છે.

સાચા સત્પુરુષને ક્યારેય કોઈનો અવગુણ - અભાવ આવતો નથી, પરંતુ કોઈ જીવનું અહિત થતું હોય તેવો ધર્મલોપ - આજ્ઞાલોપ અટકાવવા પ્રેમપૂર્વક સમજ આપીને અથવા આવશ્યક કડક વલણ દ્વારા પણ પ્રયત્ન જરૂર કરે છે, કારણ કે ચૈતન્યનું ઊર્ધ્વીકરણ કેમ થાય એ ઉપર જ તેમની દૃષ્ટિ હોય છે. આમ અકૃતદ્રોહનું લક્ષણ યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજવું ઘટે.

અકૃતદ્રોહનું લક્ષણ સિદ્ધ કરેલા સંત વિશે આપણે જાણ્યું. હવે સાધક સંતને અકૃતદ્રોહનો ગુણ સિદ્ધ કરવા માટે દ્રોહ નહિ કરવા વિશેના શ્રીહરિનાં વચનો જોઈએ. શ્રીહરિએ વચ. વ. ૧૧માં કહ્યું છે કે, ‘‘ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ - આટલાનો ક્યારેય દ્રોહ ન કરવો.’’ તે વચનામૃતના રહસ્યાર્થમાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી આ વાતની સ્પષ્ટતા કરતાં કહે છે :-

‘‘શ્રીજીમહારાજને નિરાકાર તથા અકર્તા જાણે ને તેમની બાંધેલી જે પંચ વર્તમાન સંબંધી આજ્ઞા તે ન પાળે તેણે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય અને આજ્ઞા યથાર્થ પાળતા હોય ને ધ્યાન-ભજન કરતા હોય તેને ધ્યાન-ભજન કરવામાં વિક્ષેપ કરે, દુઃખ દે, તાડન કરે ને એનું ભૂંડું થવાનો સંકલ્પ કરે, એવી રીતે ભક્તનો દ્રોહ થાય છે અને બ્રાહ્મણનાં લક્ષણેયુક્ત એવા બ્રાહ્મણને ભયંકર વચને કરીને ડારો દે તથા આજીવિકા તોડે એમ દુઃખવે તે બ્રાહ્મણનો દ્રોહ કર્યો કહેવાય અને ગરીબને વિના વાંકે પીડે તથા વઢે, તાડન કરે એમ દુઃખ દે તે ગરીબનો દ્રોહ કર્યો કહેવાય.’’

શ્રીજીમહારાજ વચ. ગ. છે. ૨૨માં પણ જણાવે છે :-

‘‘પંચ મહાપાપ કરનારનો તો કોઈ કાળે છૂટકો થાય છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરે તે રાક્ષસ થઈ જાય છે અને પરિપક્‌વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટા પુરુષને સંગે ટળે છે, અને પરિપક્‌વ દ્રોહીની કોઈ યોગે દ્રોહબુદ્ધિ ટળતી નથી અને ભગવાનના ભક્તનો દ્રોહ કરનાર ઉપર ભગવાનનો અતિશય કુરાજીપો થાય છે ને તેણે ભગવાનને વશ કર્યા હોય ને જેમ હાથ સેવા કરે, તેમ હાથની પેઠે સેવા કરતો હોય તો પણ ભગવાન તેનો ત્યાગ કરી દે છે અને જેનો દ્રોહ કર્યો હોય તેને રાજી કરે તો જ દ્રોહથી મુકાય છે. માટે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો.’’

શિક્ષાપત્રીમાં પણ શ્રીહરિ પોતાનો તથા પારકાનો દ્રોહ થાય એવું સત્યવચન ન બોલવાનો પણ વિવેક શિખવે છે.

મનુષ્યજન્મ મળ્યા છતાં ગમે તેવા ધર્મરહિત, અનિષ્ટ ને પાપમય આચરણ દ્વારા પોતાના આત્માની આત્યંતિક મોક્ષની ઊર્ધ્વગતિ અવરોધવી એવું આત્મઘાતી વલણ એ પણ પોતાનો દ્રોહ છે. માટે પ્રભુની આજ્ઞાપરાયણ સદ્‌ધર્મયુક્ત વાણી - વ્યવહાર ને આચરણ દ્વારા પોતાનો દ્રોહ થતો પણ અટકાવવો એ સાધક માટે અનિવાર્ય છે.

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી કહે છે કે :-

‘‘જ્યારે મહારાજ આપણું પ્રારબ્ધ છે, ત્યારે આપણે કોઈને ગાળ દેતાં પણ વિચાર કરવો, કારણ કે સુખ-દુઃખ શ્રીજીમહારાજની ઇચ્છાથી જ આવે છે. જો આપણે કોઈનું અનિષ્ટ ઇચ્છીએ તો શ્રીજીમહારાજના નિશ્ચયમાં એટલો ફેર છે અને મહારાજને સર્વકર્તા જાણતા નથી.’’

- બાપાશ્રીની વાતો, ભાગ - ૨, વાર્તા - ૩૫

આ રીતે શ્રીજીમહારાજ તથા તેમના મુક્તનાં વચનો પણ સાધકને અકૃતદ્રોહ બનવામાં અતિ ઉપયોગી ને સહાયરૂપ છે. આમ કોઈ પણ પ્રકારે કોઈનો દ્રોહ ન થાય તે અકૃતદ્રોહનું લક્ષણ છે. એવા લક્ષણને સિદ્ધ કરેલા સંતનો સમાગમ કરી તેમની આજ્ઞા - અનુવૃત્તિમાં વર્તી તેમની પ્રસન્નતા મેળવે ને કોઈનો દ્રોહ મન - વચન - કર્મે પણ ન થાય તેવી સદાય જાગૃતિ રાખે તો સાધક સંતમાં પણ આ અકૃતદ્રોહનું લક્ષણ આત્મસાત્‌ થઈ જાય છે.