નિવેદન

સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણારવિંદની સેવારૂપ પરમપદને પામવું એ કેવળ મનુષ્ય દેહમાં રહીને જ શક્ય થાય છે. અને તે માટે સર્વોપરી પરમાત્માની આજ્ઞા--ઉપાસનાની દૃઢતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કળિકાલની વિષમતાઓ આગળ ભલભલાની નિષ્ઠા ડગમગવા લાગે છે ને તેમાંથી બચવા ક્ષુદ્ર દેવ--દેવીઓનો આશ્રય અનાયાસે જ ગ્રહણ થાય છે. શ્રીજીમહારાજના આશ્રિતને સુખ--દુઃખ તે શ્રીજીમહારાજની મરજીથી જ આવે છે. અન્ય કોઈ દેવના મંત્ર આદિનો જાપ કરીને હરિભક્તો ઉપાસના ભંગ ન કરે તે માટે સમર્થ સંતોએ એવાં સ્તોત્રો--મંત્રોની રચના કરી છે કે જે અન્ય મંત્રો કરતાં અનેકગણા વધારે પ્રભાવશાળી હોય. માટે શ્રીહરિના આશ્રિતોને આ સ્તોત્રો--મંત્રોનો શુદ્ધભાવે પાઠ કરવાથી કોઈ પણ જાતની આધિ--વ્યાધિ--ઉપાધિમાંથી મુક્તિ મળે છે.

સત્સંગના હિતાર્થે પ્રકાશિત કરવામાં આવેલ આ પુસ્તિકાનો સૌ આવશ્ય લાભ લેશે ને શ્રીહરિજી પ્રત્યે એકનિષ્ઠા દૃઢ કરશે એ જ અભ્યર્થના.

સં. 2066, ફાગણ સુદ બીજ

ઈ.સ. 2010, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન