મુકામ પાંચમો: મનના પ્રકાર
મન આમ તો એક જ છે, પરંતુ તેને બે પ્રકારે અનુભવવામાં આવે છે. એક જાગૃત મન, જેને બાહ્ય મન કે બહિર્મુખ મન પણ કહેવામાં આવે છે અને બીજું અજાગૃત મન, જેને આંતરમન-અંતર્મુખ મન કે અજ્ઞાત મન કહેવામાં આવે છે.
આપણી ચેતનાનો બહુ થોડો જ ભાગ જેમાં પ્રગટ થાય છે તેને આપણે જાગૃત મન કહીએ છીએ. તે અનેક પ્રકારની ઇચ્છાઓથી ભરેલું છે. આ ઇચ્છાઓમાં જ્યારે વિરોધાભાસ આવે છે ત્યારે આપણું મન વિક્ષુબ્ધ બને છે અને તેને પરિણામે આપણને શરીરમાં થાક વર્તાય છે. ધ્યાન દ્વારા પ્રથમ એકાગ્રતા અને પછી નિરાગ્રતા આવે છે. એકાગ્રતામાં વિચારોનો વિરોધ શમી જતો હોવાથી શક્તિનો ઘણો વ્યય બચી જાય છે. આમ એકાગ્રતા ઘણી શક્તિ બચાવે છે, જ્યારે નિરાગ્રતામાં શક્તિનો લગભગ સંચય થાય છે. તેથી જ સમાધિમાં શક્તિનો પૂર્ણ સંચય થતો હોય છે.
આપણા સ્થૂળ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું મન તે અંતરમન છે, જે સતત કાર્યશીલ રહીને શરીરની નવરચના અને સંરક્ષણ કર્યા કરે છે. પથ્થર, વનસ્પતિ, કીટ, પક્ષી અને મનુષ્યમાં આ આંતરમન એક સરખું વ્યાપ્ત અને ક્રિયાશીલ છે. પશુપક્ષી તથા વનસ્પતિમાં જાગૃત મન સુષુપ્ત છે. તેથી આંતરમનને મોકળું મેદાન મળેલું છે, અને તેથી જ પથ્થરના આયુષ્ય અને સ્થિતિ લાંબા કાળ સુધી એક સરખા ટકી રહે છે. વનસ્પતિમાં પણ જાગૃત મન ઘણી ઓછી માત્રામાં હોવાથી તેની નવરચના અને સંરક્ષણની કાર્યવાહી અત્યંત પ્રબળ છે, પરિણામે વડ, પીપળો વગેરે વૃક્ષો સદીઓ સુધી ટકે છે અને જીવે છે. પશુ-પક્ષી તથા જીવ-જંતુઓમાં મનુષ્યના પ્રમાણમાં રોગો પણ ઓછા છે. તેનું કારણ તેઓમાં જાગૃત મન કરતાં આંતરમન બળવાન હોવાથી શરીરની નવરચના અને સંરક્ષણ સ્વાભાવિક રીતે થયા કરે છે.
ખ્યાતનામ મનોવૈજ્ઞાનિક ડૉ. સિગ્મંડ ફ્રોઇડ કહે છે: 'આપણા રોજિંદા જીવનમાં બનતી ઘણી ઘટનાઓ આપણે ભૂલી જઈએ છીએ એવું ઉપર ઉપરથી લાગે છે, પરંતુ હકીકતમાં કાંઈ જ ભૂલાતું નથી. બધું જ આપણા અજાગૃત મનમાં (Unconcious mind)માં સંઘરાય છે. આ દબાઈ ગયેલી સ્મૃતિ જ આપણને દોરે છે. તેને જ આપણે અંતઃપ્રેરણા યાને Intuition કહીએ છીએ. જ્યારે આપણે અંતઃપ્રેરણા કે સ્ફૂરણા વિરુદ્ધ કોઈ કામ કરીએ છીએ, ત્યારે મનમાં વિકૃતિ પેદા થાય છે. આ વિકૃતિ ક્યારેક ક્રોધ દ્વારા કે નિંદા દ્વારા પ્રગટ થતી હોય છે, પરંતુ આવું વારંવાર બને અને વિકૃતિ બહાર આવી ન શકે ત્યારે તે અજાગૃત મનને ક્ષતિ પહોંચાડે છે. પરિણામે અજ્ઞાત મનમાં એક પ્રકારનું અસંતુલન પેદા થાય છે, જે સમય જતાં શારીરિક રોગનું સ્વરૂપ ધારણ કરે છે.'
ડૉ. સિગ્મંડ ફ્રોઇડ આંતરમનના ત્રણ ભાગ પાડે છે: ઇડ, અહમ્ અને વિશેષ અહમ્. ઇડમાં આપણા પૂર્વજોની આદિમ પ્રકારની વૃત્તિઓ ભરાયેલી હોય છે. આદિ માનવો જે રીતે જીવતાં જેના આહાર, નિદ્રા, ભય અને મૈથુનની આસપાસ જ સર્વ વૃત્તિ-પ્રવૃત્તિ રહેતી તે બધું ઇડમાં સંઘરાયેલું હોય છે. અહમ્ની વૃત્તિ ઉપર આપણું સમગ્ર વલણ રહેલું હોય છે. જ્યારે વિશેષ અહમ્નું ઘડતર આપણા સંસ્કાર અને માન્યતાઓથી મજબૂત થયું હોય છે. માન્યતાઓ ખાતર આ વિશ્વમાં દેશ દેશ વચ્ચે, કોમ કોમ વચ્ચે, ધર્મ ધર્મ વચ્ચે, રાજ્ય રાજ્ય વચ્ચે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે અને મનુષ્ય મનુષ્ય વચ્ચે સદીઓથી ઝઘડા અને યુદ્ધો થતાં જ આવ્યાં છે. માણસ બધું જ છોડવા તૈયાર થાય છે. પરંતુ પોતાની માન્યતા છોડવા તૈયાર થતો નથી.
જાગૃત અવસ્થામાં આ વૃત્તિઓ સંસ્કારનાં બંધનોને કારણે અવ્યક્ત રહે છે, પરંતુ ઊંઘમાં તે સ્વપ્ન દ્વારા વ્યક્ત થવા મથે છે. બધી જ વૃત્તિઓ એકી સાથે વ્યક્ત થવા મથતી હોવાથી સ્વપ્નમાં તે વિકૃતરૂપે પ્રગટ થાય છે. વળી ઇડ, અહમ્ અને વિશેષ અહમ્ સાથે જ વ્યક્ત થતાં હોવાથી સ્વપ્નનો કોઈ મેળ બેસતો નથી. આખી રાત જોયેલાં સ્વપ્નોને જો વિગતમાં ઉતારવા જઈએ તો માંડ પાંચ-છ લીટીઓ લખાય, કારણ કે આપણાં મોટા ભાગનાં સપનાંઓ નિરર્થક અને ગૂંચવણ ભરેલાં જ હોય છે.
આપણા શરીરને થતાં નાના-મોટા રોગ કાંઈ કારણ વિના અમસ્તા જ નથી થઈ જતા. આંતરમનના કાર્યમાં વારંવાર વિક્ષેપ થવાથી જ વ્યાધિ થાય છે. બંગાળમાં શ્રી શ્રીઠાકુર અનુકૂલચંદ્ર નામના એક ગૃહસ્થ સંત થઈ ગયા. એક વાર વહેલી સવારે તેમની પાસે દુર્ગાનાથ નામનો તેમનો એક ભક્ત આવીને કહેવા લાગ્યો, 'ઠાકુર, ઘણા મહિનાથી મને ભયંકર મરડો થયો છે તે ઘણી દવાઓ કરી છતાં મટતો જ નથી. તમે કાંઈ કૃપા કરો...' શ્રીઠાકુર કહે, 'ઓહો... એમ વાત છે? ભલે... ભગવાનની કૃપાથી હવે વગર દવાએ સારું થઈ જશે. હવે તમે બપોરે અહીં જમીને જ જજો.' શ્રીઠાકુરે દુર્ગાનાથ માટે નવા જાડા ચોખા અને જાડા વાલની દાળ રંધાવ્યા. જમવા ટાણે ભોજન જોઈને દુર્ગાનાથ તો વિચારમાં પડી ગયા. શ્રીઠાકુર એમનો મનોભાવ પામી ગયા. તેમણે કહ્યું, 'દાદા, બીશો નહિ, ખાવા માંડો અને ધરાઈને જમો.' ઘણા મહિનાઓ પછી ભાવતું ભોજન મળતાં દુર્ગાનાથ તો ભોજન પર તૂટી પડ્યા. બરાબર ધરાઈને જમ્યા એટલે શ્રીઠાકુરે તેમને કહ્યું, 'જાઓ હવે સૂઈને આરામ કરો.' લાંબી વામકૂક્ષિ પછી જ્યારે દુર્ગાનાથ ઊઠ્યા ત્યારે બિલકુલ સ્વસ્થ હતા. મરડાની બીમારીનાં કોઈ ચિહ્નો ન જણાતાં તેમણે શ્રીઠાકુરને પૂછ્યું: 'ઠાકુર, સાવ વિરુદ્ધધર્મી ખોરાક ખાવા છતાં પણ આ રોગ કેવી રીતે મટી ગયો? આમાં તો કાર્ય-કારણનો કોઈ સંબંધ શોધ્યો જડતો નથી!'
શ્રીઠાકુરે તેમને સમજાવતા કહ્યું: 'તમારા અજ્ઞાતમનને વાંચતાં મને એમ જણાયું કે ઘણા સમય પહેલાં તમને જાડા ચોખાનો ભાત તથા જાડા વાલની દાળ ખાવાની તીવ્ર ઇચ્છા થયેલી, પરંતુ સંજોગવશાત્ તે પૂરી થઈ ન શકી. તે પ્રબળ ઇચ્છાનું આંતરમનમાં દમન થવાથી આંતરડાના સ્નાયુઓમાં વિકૃતિ પેદા થઈ. તેમાંથી આ દર્દ શરૂ થયું એટલે આ ખોરાક પહેલી નજરે વિરુદ્ધધર્મી લાગે છે છતાંય એને લીધે જ ઇચ્છાનું શમન થતાં દર્દ મટ્યું.'
આમ આપણા સ્વાસ્થ્ય ઉપર આપણા માનસની પ્રબળ અસર છે. તેથી જ મનોવૈજ્ઞાનિકો ઔષધોને બદલે દર્દીને સહાનુભૂતિ, હૂંફ તેમજ આત્મીયતા આપી તેના આંતરમનમાં દબાયેલી વૃત્તિઓને બહાર લાવી તેના રોગને દૂર કરે છે. આ માટે ડૉ. ફ્રોઇડે રેચન પદ્ધતિ બતાવી છે. જે કાંઈ તકલીફ, તાણ કે સંઘર્ષ હોય તેને બહાર લાવો. એકાંત સ્થળે, ખુશનુમા વાતાવરણમાં બેસીને, એક કાગળ ઉપર તમારા મનમાં આવતા વિચારો અને તમને ન ગમતી વાતોની ફરિયાદો લખો. પછી તે કાગળ એક દિવસ વારંવાર વાંચીને તેમાં ઉમેરો કરી બધી જ મનની ફરિયાદો યાદ કરી કરીને લખી ફાડી નાખો. આ પ્રમાણે વારંવાર કરવાથી મન હળવું થતું જશે. ડૉ. ફ્રોઇડની આ રેચન પદ્ધતિના વિકલ્પરૂપે પ્રાર્થના અને નામસ્મરણ ઉત્તમ ઉપાયો છે. પ્રાર્થના દરમ્યાન મનમાંથી નકારાત્મક ભાવોનું ઉન્મૂલન થાય છે અને નામસ્મરણ દ્વારા મન નિર્મળ બને છે.
અખંડ અજપાજપ દ્વારા હરિસ્મરણ કરવાથી પરમાત્મા પ્રત્યેની નિષ્ઠારૂપી વૃત્તિ બાહ્યમન તેમજ આંતરમનમાં રમમાણ થવા લાગે છે. પરિણામે પૂર્વની રાગાદિ વૃત્તિઓ દબાઈ જાય છે અને પછી ધીરે ધીરે ક્ષીણ થવા માંડે છે. જોકે આમાં શ્રદ્ધા બહુ મોટું કામ કરે છે. શ્રદ્ધાપૂર્વક ખૂબ જ ધીરજથી સંસ્મરણ લાંબા સમય સુધી કર્યા કરવામાં આવે તો મન તેના નિર્મળ સહજ સ્વરૂપમાં આવીને પૂર્વની સર્વ રાગાદિ વૃત્તિઓ તથા વાસનાને ફગાવી દે છે. જે હેતુ સુમિરનથી સિદ્ધ થાય છે તે ધ્યાનથી પણ સિદ્ધ થઈ શકે છે. ધ્યાનમાં મન વિચારશૂન્ય (Thoughtless) થાય છે અને વિચારશૂન્ય મન ધીમે ધીમે આંતરિક વમળ અને વૃત્તિઓને વાળી-ઝાટકીને સાફ કરી નાખે છે. મન નિર્મળ બનતાં શાંત થાય છે. મન શાંત થાય ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ કે આપણું સાચું સ્વરૂપ શું છે?