મુકામ ત્રીજો: મનની ઉત્પત્તિ
શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં (5/91) ભગવાન શ્રી રામચંદ્રે ગુરુદેવ મહર્ષિ વસિષ્ઠને એક ખૂબ જ માર્મિક સવાલ કર્યો છે. શ્રીરામ પૂછે છે: 'ગુરુદેવ, આ શરીરની ઉત્પત્તિનું કારણ શું છે? અને પ્રભુ, કૃપા કરીને એ પણ કહો કે આ શરીરની ઉત્પત્તિના કારણનું કારણ શું છે?' મહામુનિ વસિષ્ઠ કહે છે, 'રામ, આ સ્થૂળ શરીરનું બીજ એટલે કે ઉત્પત્તિનું મૂળભૂત કારણ ચિત્ત અર્થાત્ મન છે. વત્સ! તને સંશય થશે કે ચિત્તથી વળી શરીર કેમ ઉદભવે? પણ એવી શંકા કરવી નિરર્થક છે, કારણ કે સ્વપ્નાવસ્થામાં ચિત્તથી જ શરીરનો ઉદય થતો આપણા સર્વના અનુભવમાં આવે છે. હે રામ! જેમ ઘડા તથા કૂંડાં આદિ પદાર્થો માટીનું જ વિશાળ રૂપ છે, તેમ જે કાંઈ આ મોટા આડંબરવાળું જગત જોવામાં આવે છે, તે પણ ચિત્તનું જ વિશાળ રૂપ છે. વત્સ, હવે આ ચિત્તની ઉત્પત્તિનું કારણ શું છે તે સાંભળ. અનેક જન્મોનાં સંચિત કર્મોના પરિપાકરૂપે અજ્ઞાનમય દૃઢ વાસનાનું પડ આત્માને વગળે છે, જેને કારણ શરીર કહેવામાં આવે છે. આ કારણ શરીર વાસનામય છે, અજ્ઞાનરૂપ છે, અવિદ્યાત્મક છે તેથી તેને જ માયા અથવા પ્રકૃતિ કહે છે. જીવ જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે આ વાસના અને પ્રાણની ગતિ બંને પ્રવૃત્ત થતાં એમાંથી જન્મે છે ચિત્ત! હે રામ! એક પ્રાણની ગતિ અને બીજી દૃઢ વાસના, એ બે ચિત્તની ઉત્પત્તિના કારણ છે. એમાંથી એક ક્ષીણ થતાં તરત બંને ક્ષીણ થઈ જાય છે. એકલી પ્રાણની ગતિ કે એકલી વાસના ચિત્તને જન્મ આપી શકે તેમ નથી. જેમ તલમાં તેલ રહે છે તેમ પ્રાણની ગતિ વાસનામાં અને વાસના પ્રાણની ગતિમાં રહે છે. જેમ બીજથી અંકુર થાય છે અને અંકુરથી બીજ થાય છે તેમ વાસના અને પ્રાણની ગતિથી ચિત્ત અને ચિત્તથી વાસના અને પ્રાણની ગતિ એવો ક્રમ ચાલ્યા કરે છે.'
આ સમગ્ર હકીકતને સંક્ષિપ્તમાં સમજવી હોય તો એમ કહી શકાય કે, વાસના પોતે ઊછળી આત્મામાં ક્ષોભ કરીને પ્રાણની ગતિને જાગૃત કરે છે અને તેથી ચિત્તરૂપી બાળક જન્મે છે. જ્યારે ક્યારેક પ્રાણ પોતે ગતિ કરી આત્મામાં ક્ષોભ કરીને કારણ શરીરમય રાગાદિ વાસનાને પ્રેરે છે અને પરિણામે ચિત્તરૂપી શિશુ અવતરે છે. તેથી જ મુંડક ઉપનિષદ પણ કહે છે કે, 'एतस्माज्जायते प्राणो, मन: सर्वेन्द्रियाणि च ।' (2-1-3) અર્થાત્ મન આત્મતત્ત્વમાંથી પ્રાણની સાથે જ સ્ફૂરે છે અને સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે.
મનની ઉત્પત્તિનો જો ઇતિહાસ શોધવા જઈએ તો તેનાં મૂળ બ્રહ્માંડની ઉત્પત્તિના ઇતિહાસ તરફ આપણને લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે (ગ.મ. 12મા) વચનામૃતમાં આ અંગે ખૂબ સ્પષ્ટ વાત કરી છે. પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિની ઉત્પત્તિ માટે મૂળઅક્ષર સામે પ્રેરક દૃષ્ટિ કરે છે ત્યારે મૂળઅક્ષર સૃષ્ટિની ઉત્પત્તિનો સંકલ્પ કરી મૂળપુરુષને પ્રેરણા આપે છે. મૂળપુરુષ મહામાયા રૂપ મૂળપ્રકૃતિ સાથે સંલગ્ન થાય છે અને પરિણામે પ્રકૃતિ દ્વારા અનંતકોટિ પ્રધાન (નિમ્નપ્રકૃતિ) અને પુરુષ રૂપી હિરણ્યમય ગર્ભનો જન્મ થાય છે. ત્યાર બાદ પ્રત્યેક પ્રધાનપુરુષ યુગ્મમાંથી મહતત્ત્વ અને ચિત્ત ઉત્પન્ન થાય છે. મહતત્ત્વમાં સૂક્ષ્મરૂપે સમગ્ર જગત રહ્યું છે. મહતત્ત્વ નિર્વિકાર, પ્રકાશમાન, સ્વચ્છ અને શુદ્ધ સત્ત્વમય છે. મહતત્ત્વમાંથી ત્રિગુણાત્મક, અહંકાર ઉત્પન્ન થાય છે. મહતત્ત્વમાંથી જન્મેલા સાત્ત્વિક અહંકારમાંથી મન અને ઇંદ્રિયોના દેવતા ઉત્પન્ન થાય છે. રાજસ અહંકારમાંથી દસ ઇંદ્રિયો, બુદ્ધિ ને પ્રાણ ઉત્પન્ન થાય છે, અને તામસ અહંકારમાંથી પંચભૂત અને પંચ તન્માત્રા જન્મે છે. સાત્ત્વિક અહંકારમાંથી જન્મેલું મન સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે ને સંકલ્પ-વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇંદ્રિયોનું નિયંતા છે. ભગવાન કપિલ મુનિ રચિત સાંખ્યદર્શન મનની ઉત્પત્તિના ઉપરોક્ત ઉપક્રમને સમર્થન આપે છે. સાંખ્યદર્શન એવો દાવો કરે છે કે બુદ્ધિથી માંડીને પથ્થરના ટુકડા સુધીના સર્વે પદાર્થો એક જ પદાર્થમાંથી બનેલા છે. તેઓમાં જે કંઈ તફાવત છે તે તેમના અસ્તિત્વની સૂક્ષ્મતા કે સ્થૂળતાને લીધે છે. સૂક્ષ્મ અવસ્થા કારણ છે અને સ્થૂળ અવસ્થા કાર્ય છે.
આપણું યોગશાસ્ત્ર સંપૂર્ણપણે સાંખ્યદર્શનને આધારે રચાયેલું છે. સાંખ્ય અને યોગના સમન્વય દ્વારા જ આપણે મનની ઉત્પત્તિની ઘટનાને સમ્યક્પણે સમજી શકીએ છીએ. આપણાં યોગશાસ્ત્રો સમજાવે છે કે પ્રાણશક્તિ પાંચ સ્વરૂપો ધારણ કરી આપણા શરીરનું પોષણ કરે છે. પ્રાણ, વ્યાન, અપાન, સમાન અને ઉદાન. આ પાંચમાંથી જે સમાન છે તે શરીરના રોમેરોમે વ્યાપીને રહેલો છે અને તેની મદદથી જ મન ક્રિયાશીલ બને છે. આખાય શરીરમાં તે સંચાર કરીને આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનો અનુભવ કરાવે છે.
ઉપનિષદમાં એક અત્યંત ચિંતનીય રૂપક આવે છે. આ શરીરરૂપી જગતમાં જઠરરૂપી વેદી છે, તેમાં જઠરાગ્નિરૂપી અગ્નિમાં અન્નરૂપી સમિધ દ્વારા પ્રાણરૂપી દેવને આહૂતિ આપવામાં આવે છે. તેથી જ વૈદિક સંસ્કાર અનુસાર જમતી વખતે પાંચેય પ્રાણને અનુક્રમે પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા અને અંતે ઉદાનાય સ્વાહા એ પ્રમાણે બોલીને કોળિયા ભરવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે આ રીતે અન્ન દ્વારા પ્રાણને આહૂતિ આપવાથી પ્રાણ તૃપ્ત થાય છે અને પ્રાણ તૃપ્ત થવાથી ઇંદ્રિય, અંતઃકરણ અને આત્મા તૃપ્ત થાય છે.
અહીં જે પ્રાણનો ઉલ્લેખ આવે છે તે પ્રાણનો અર્થ ઘણો વ્યાપક છે. પ્રાણ એ કેવળ શ્વાસ નથી, પરંતુ શ્વાસને જે ગતિ આપે છે, શ્વાસની જે ચેતનાશક્તિ છે તે પ્રાણ છે. પ્રાણ અને મનને ઘણો ગાઢ સંબંધ છે. જ્યારે પ્રાણનો સંચાર થાય છે ત્યારે મન ચિંતન કરે છે અને જ્યારે મન સંકલ્પ કરે છે, ચિંતન કરે છે અને એ રીતે સક્રિય બને છે ત્યારે પ્રાણનો વિસ્તાર થાય છે. પ્રાણનો અતિરિક્ત ભંડાર મગજ અને નાડીકેન્દ્રોમાં હોય છે. જો આપણે પ્રાણનું નિયંત્રણ કરી શકીએ તો દુનિયાની બધી શક્તિઓનું નિયંત્રણ આપોઆપ થઈ શકે છે. આ જગતમાં જે પ્રાણબળ છે તે આપણા શ્વાસ દ્વારા આપણા પ્રાણ પ્રવાહો સાથે સંકળાયેલું છે. આપણે શ્વાસની સાથે સંકલ્પનો સમન્વય કરીએ તો બ્રહ્માંડનું અગાધ પ્રાણબળ આપણું બની શકે છે. વેગ, ગુરુત્ત્વાકર્ષણ, વિદ્યુત વગેરે રૂપમાં પ્રાણ જ અભિવ્યક્ત થાય છે.
અષ્ટાંગયોગમાં પ્રાણાયામના માધ્યમથી પ્રાણના નિરોધ દ્વારા મનનો નિરોધ કરવામાં આવે છે, પરંતુ ધ્યાન દ્વારા ચિત્તનો નિરોધ કેવી રીતે થાય છે તે સમજાવતા ભગવાન સ્વામિનારાયણ (ગ. પ્ર. 25મા) વચનામૃતમાં કહે છે: 'પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો નિરોધ થાય છે, અને એ જ પ્રમાણે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે જોડાય ને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય... ત્યારે તેનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં જોડાય છે, તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે... માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાઈ તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો.'
મનની ઉત્પત્તિ અંગેની વિશદ્ ચર્ચાને સંક્ષિપ્તમાં સારરૂપે મૂકીએ તો એમ કહી શકાય કે જીવાત્માએ જન્માન્તરે સંચિત કરેલાં કર્મોરૂપી વાસના અને પ્રાણ એ બંનેના સંયોજનમાંથી મન નિપજે છે. તે અતિ સૂક્ષ્મ આકાશ તત્ત્વનું બનેલું છે. આપણા ઋષિમુનિઓએ કાવ્યાત્મક પરિભાષામાં એમ કહ્યું છે, 'પુરુષ અને પ્રકૃતિના સંયોગથી ચિત્ત જન્મે છે.' પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે માયા, અવિદ્યા, અજ્ઞાન, વાસના પ્રકૃતિના અતિ સૂક્ષ્મ અંશમાંથી ચિત્તનું શરીર અને પુરુષની અતિ સૂક્ષ્મ શક્તિમાંથી ચિત્તની શક્તિ જન્મે છે!!