૧. પંચ વર્તમાન અને તેનું મહત્ત્વ
સર્વોપરી ઉપાસ્યસ્વરૂપ, અધમોદ્ધારક ભગવાન શ્રી સ્વામિનારાયણે આ લોકની જીવસૃષ્ટિમાં ચૈતન્યની ઉત્ક્રાંતિરૂપ સીડીના શ્રેષ્ઠ સોપાનરૂપ મનુષ્યજીવનના ઊર્ધ્વગમન માટે, પાયાના મૂલ્યો દ્વારા ઉત્કૃષ્ટ જીવન તરફ દોરી જતાં પંચ વર્તમાન આપ્યાં છે. તેના દ્વારા પશુમાંથી નર અને નરમાંથી નારાયણ બની શકાય છે. જીવમાંથી શિવ બની શકાય છે. અર્થાત્ પશુ તુલ્ય નિમ્ન કક્ષાના જીવનમાંથી નર અર્થાત્ સાચા મનુષ્ય અને નરમાંથી નારાયણ અર્થાત્ પ્રભુનું પરમસાર્ધમ્ય પામેલ મુક્ત જે પરમાત્મા તુલ્ય છે, એમના જેવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.
આ પંચ વર્તમાન એટલે પાંચ મહાવ્રતો - દારૂનો ત્યાગ, માટી (હિંસા)નો ત્યાગ, ચોરીનો ત્યાગ, અવેરીનો ત્યાગ અને વટલવું નહિ ને વટલાવવું નહિ તે છે. આ પંચ વર્તમાનના સ્થૂળ તેમ જ સૂક્ષ્મ અર્થોનો ભેદ મનુષ્ય પોતાની મર્યાદિત બુદ્ધિથી સમજી શકવા શક્તિમાન નથી. એ અર્થો સમજવા માટે પરમાત્મા તેમ જ તેમના દિવ્યસ્વરૂપમાં અખંડ સાક્ષાત્કાર દ્વારા જેમની અલૌકિક દિવ્ય સ્થિતિ થઈ હોય અને એ સ્થિતિમાં જેઓ નિરંતર વર્તતા હોય એવા સિદ્ધ મુક્તના જોગ-સમાગમ-સેવા અનિવાર્ય બને છે. પરમાત્મા અથવા સિદ્ધ મુક્ત પાસેથી એ અંગેની સ્પષ્ટ સમજણ મેળવ્યા પછી જ પંચ વર્તમાનનું યથાર્થ રીતે પાલન થઈ શકે છે. અન્યથા એના પાલનમાં ક્ષતિ રહે છે ને તેનું પાલન યંત્રવત્ બની જાય છે. એવા યંત્રવત્ પાલનથી આ લોકમાં ક્ષણિક વાહ-વાહ કે કીર્તિ મળી જાય, પણ આધ્યાત્મિક પ્રગતિ સંભવતી નથી.
ઉપલક દૃષ્ટિએ સ્થૂળ જેવાં જણાતાં પંચ વર્તમાન તેના ઊંડાણમાં અતિ સૂક્ષ્મ ને ગહન છે. પરમાત્મા અથવા મુક્ત પુરુષના જોગથી તેમના વાણી-વર્તનના બારીક અવલોકન દ્વારા તેમ જ તેમના ઉપદેશ વચનો દ્વારા પંચ વર્તમાનના સૂક્ષ્મ અર્થો દીવા જેવા સ્પષ્ટ થતાં તેનું યથાર્થ પાલન કરવાની અભિપ્સા જાગે છે. ત્યાર બાદ તેનું આચરણ શક્ય બને છે. એવા યથાર્થ આચરણથી ઇંદ્રિયો અંતઃકરણની પરિશુદ્ધિ થઈ સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે. એવા સત્ત્વગુણયુક્ત પરિશુદ્ધ અંતઃકરણમાં પરમાત્માના સ્વરૂપના સર્વોપરી યથાર્થ જ્ઞાન, ધ્યાન ને ઉપાસના દ્વારા જીવોનું મૂળ અજ્ઞાનરૂપ ગાઢ તિમિર દૂર થઈ અનુભવજ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. અને આધ્યાત્મિક જીવનની ચરમસીમારૂપ પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ આત્યંતિક મોક્ષની ઉપલબ્ધિ થાય છે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પંચ વર્તમાનનું જીવનમાં કેટલું વિશેષ મહત્ત્વ છે. દેહધારીને જીવન જીવવા માટે પ્રાણવાયુની જેટલી આવશ્યકતા છે તેટલી, બલ્કે તેનાથી પણ વિશેષ આવશ્યકતા છે પંચ વર્તમાનના સમજપૂર્વક યથાર્થ પાલનની! આ વાત વિચારશીલ, ગ્રહણશીલ મુમુક્ષુ સાધકને સમજાયા વગર રહેશે નહિ.
પંચ વર્તમાનના યથાર્થ પાલન દ્વારા મનુષ્યની અનેક દોષોરૂપ મલિનતા દૂર થઈ તેનું જીવન સ્ફટિક સમાન પારદર્શક અને નિર્મળ બને છે. ત્યારે તેમાં થાય છે પ્રભુના દિવ્ય કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ! તેના દ્વારા સાધક પોતાનું પરમશ્રેય સાધી શકે છે તથા જગતના અન્ય જીવોનું શ્રેય સાધવા માટે પણ સક્ષમ બને છે. તે પ્રભુનું ઉત્તમ માધ્યમ બની રહે છે. “आत्मनो मोक्षार्थं जगद्विताय च ।” એ ઉક્તિ પ્રમાણે પ્રથમ પોતાના આત્માનો મોક્ષ સાધી પછી જગતનો ઉદ્ધાર કરવા તે શક્તિમાન બને છે. માટે પંચ વર્તમાનનું પાલન કેવળ સ્થૂળ ભૌતિક અર્થમાં રહી યંત્રવત્ બની ન રહેતાં તેના ઊંડાણમાં રહેલા સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થને સ્પર્શતું હોવું જોઈએ.
આ પંચ વર્તમાન એ કેવળ સ્વામિનારાયણ ધર્મના અનુયાયી પૂરતાં સીમિત નથી. એ સર્વજીવહિતાવહ છે. સ્વામિનારાયણ ધર્મ એ કોઈ સંકુચિત કે મર્યાદિત વાડો નથી. “સ્વામિનારાયણ ધર્મ તો વિશ્વધર્મ છે. It is a global Religion.” અધમોદ્ધારક ભગવાન શ્રી સ્વામિનારાયણે મનુષ્યજીવનને સર્વોચ્ચ ધ્યેય તરફ દોરી જતો સર્વોત્કૃષ્ટ માર્ગ દર્શાવવા, તેને ફક્ત Channelize કરવા માટે એક સુવ્યવસ્થિત આયોજન કર્યું છે, એક બંધારણ ઘડ્યું છે, જેને આપણે સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. તેના દ્વારા મુમુક્ષુ ચોક્કસ નિયમ-ધર્મમાં વર્તી, સુયોગ્ય રીતે પોતાનું જીવનઘડતર કરી, ચૈતન્યની સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સાધી શકે છે.
ભગવાન સ્વામિનારાયણે આપેલાં પંચ વર્તમાનમાં ધર્મ, અહિંસા, સત્ય, સદાચાર, ક્ષમા, તિતિક્ષા, નીતિમત્તા, પ્રામાણિકતા, નિર્મળતા, શમદમાદિ, ધૈર્ય, આંતર-બાહ્ય શુદ્ધિ, મનોદૈહિક સંયમ, સહિષ્ણુતા, સંવાદિતા, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા, મુમુક્ષુતા, વિનમ્રતા, ચારિત્ર્ય, પ્રેમભાવ, સંપ, ઔદાર્ય, ભાઈચારો, માનવતા વગેરે અનેક કલ્યાણકારી ઉદાત્ત ગુણોનો સહજ રીતે જ સમાવેશ થઈ જાય છે. યોગશાસ્ત્રમાં વર્ણવેલા યમ (સત્ય-અહિંસા-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ), નિયમ (શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાન)નો પણ સમાવેશ આપોઆપ થઈ જાય છે.
પંચ વર્તમાનનું પાલન વ્યક્તિના ભૌતિક તેમ જ આધ્યાત્મિક વિકાસમાં, પ્રેય અને શ્રેયની સિદ્ધિ માટે, જીવનઘડતર અને ચારિત્ર્ય ઘડતરમાં અતિ આવશ્યક છે. માટે તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવવું બિલકુલ હિતાવહ નથી. પંચ વર્તમાનનું યથાર્થ પાલન કરનાર જ ભગવાન સ્વામિનારાયણનો સાચો અનુયાયી છે. અન્ય કોઈ ધર્મના અનુયાયી માટે પણ આ વર્તમાન એટલા જ લાભદાયી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આપેલાં પંચ વર્તમાન કેવળ સ્વામિનારાયણ ધર્મ પૂરતાં સીમિત ન બની રહેતાં સારાય વિશ્વના ધર્મને સ્પર્શે છે.
કલ્યાણકારી પ્રવૃત્તિ ઘરેથી જ શરૂ થઈ હોવી જોઈએ. ‘Charity begins at home’ એ અંગ્રેજી ઉક્તિ મુજબ સમાજની દરેક વ્યક્તિ પંચ વર્તમાનનો વાસ્તવિક અર્થ સમજી એ પ્રમાણે પોતાનું જીવનઘડતર કરે તથા સત્ત્વગુણપ્રધાન ભૌતિક સિદ્ધિ તેમ જ ઉત્કૃષ્ટ પ્રકારની આધ્યાત્મિક સિદ્ધિ - પ્રેય અને શ્રેય તથા શાસ્ત્રોમાં વર્ણવેલી ધર્મ, અર્થ, કામ ને મોક્ષરૂપ ચતુર્વર્ગ સિદ્ધિ મેળવવા પંચ વર્તમાનનું યથાર્થ પાલન કરે, તો તે નિઃશંકાપણે તે સિદ્ધિઓ હાંસલ કરી શકે. તેમ જ હાલના કલિપ્રભાવ હેઠળના યુગમાં સમાજમાં ફેલાયેલ અંધાધૂંધી, અવ્યવસ્થા, અરાજકતા, ભ્રષ્ટાચાર, દુરાચાર, અશાંતિ, અન્યાય, વિસંવાદ વગેરે દૂર થઈ શાંતિ, પ્રેમ, સંપ, ભાઈચારો, સંવાદિતા ને સાચો માનવધર્મ પાંગરીને સર્વત્ર પ્રસરે. દિશાશૂન્ય બનેલ યુવાપેઢીને સાચો રાહ મળી રહે અને વિશ્વના મોટાભાગના કોયડાઓ ને જટિલ સમસ્યાઓનું સ્વતઃ નિરાકરણ આવી જાય.
મુમુક્ષુ સાધકે પંચ વર્તમાનની સાચી સમજણ કેળવ્યા પછી તેનું યથાર્થ પાલન કરવા માટે પરમાત્મા અથવા સત્પુરુષની કૃપા મેળવવી અતિ આવશ્યક છે. એ કૃપા પરમાત્મા અથવા સત્પુરુષના દિવ્યભાવ સાથે કરેલા જોગ-સમાગમ-સેવા દ્વારા શક્ય બને છે. પરમાત્મા અથવા સત્પુરુષ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ ન હોય, ત્યારે તેમના પ્રેરણાદાયી સ્વરૂપ સમક્ષ એકાગ્ર ચિત્તે અને દિવ્યભાવ સહિત પ્રાર્થના કર્યા કરવાથી અને અંતરમાં તેમના ઉપદેશામૃતની સ્મૃતિ દ્વારા જોગ કર્યા કરવાથી પણ તેમની કૃપા મુમુક્ષુ ઉપર અવશ્ય ઊતરે છે. અને ભગવાન કે તેમના સત્પુરુષની કૃપા થવાથી મુમુક્ષુમાં પંચ વર્તમાનના પાલન માટેની તીવ્ર અભિપ્સા, સમજણ અને મનોબળ ઉદભવે છે. તેથી વર્તમાનના યથાર્થ પાલનની પાત્રતા આવે છે. ત્યાર બાદ આવા પાલન દ્વારા આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની એકાંતિક સ્થિતિનો ઉદય થાય છે.
આપણે પંચ વર્તમાનની મહત્તા વિશે વાત કરી. હવે પંચ વર્તમાન અર્થાત્ પાંચ મહાવ્રતોના સ્થૂળ-સૂક્ષ્મ અર્થ પર ક્રમશઃ વધુ પ્રકાશ પાડીએ.