૨. પ્રથમ વર્તમાન : દારૂનો ત્યાગ

0:000:00

દારૂ એટલે શું?

સૌ પ્રથમ દારૂનો સ્થૂળ અર્થ જોઈએ. દારૂ એટલે જુદા જુદા પદાર્થોમાંથી વિવિધ પ્રક્રિયા વડે તૈયાર કરવામાં આવતું એક કેફી પીણું (Alcohol) જેના દ્વારા કેફ-નશો ચડે છે. દારૂને મદ્ય, સૂરા, શરાબ, સોમરસ, મદિરા વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેની અનેક પ્રકારની જાત હોય છે.

આજે વિશ્વમાં દારૂનું વ્યસન અનેકગણું વધી ગયું છે. લોકો ક્યારેક દેખાદેખીથી, ક્યારેક નશો કરી વિષયભોગ ભોગવવા, તો ક્યારેક મનોદૈહિક દુઃખોને વિસારવા માટે દારૂનો નશો કરે છે. એકાદ વખત એ નશાનો અનુભવ કર્યા પછી કેટલાક લોકો વારંવાર તેનો નશો કરવા તરફ પ્રેરાઈને નશાની આદત પાડે છે. એ દુર્વ્યસનની લતે ચડ્યા પછી એના સિવાય તે રહી શકતા નથી. દારૂના અનેક ગેરફાયદાઓ જણાયા પછી પણ તેની ચુંગલમાંથી તેનો વ્યસની જલદી છટકી શકતો નથી. દારૂના સેવનથી જ્ઞાનતંતુઓ temporary - થોડા સમય પૂરતાં ઉત્તેજિત થાય છે. એટલે શરીરનું દુઃખ તથા માનસિક આઘાતો, હતાશા, તાણ-તણાવ વગેરે મનના દુઃખો થોડા વખત પૂરતાં ભૂલાઈ જાય છે. પરંતુ તેનો વારંવાર નશો કરનાર એ ભૂલી જાય છે કે એ દુર્વ્યસનથી તેનું ભાવિ ધૂંધળું ને અંધકારમય બની જાય છે. આર્થિક, સામાજિક, કૌટુંબિક પાયમાલી તરફ તેનું જીવન ધકેલાઈ જાય છે. વારંવારના દારૂના સેવનથી જ્ઞાનતંતુઓ નબળા પડે છે. મગજ, લીવર, હૃદય વગેરે અંગોની કાર્યક્ષમતા મંદ પડે છે અને અનેક પ્રકારની શારીરિક ને માનસિક તકલીફો ઊભી થાય છે. કહે છે ને કે - “દારૂડિયો દારૂ નથી પીતો, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે.” અર્થાત્ દારૂનો નશો દારૂડિયાનું શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક એમ અનેક પ્રકારે શોષણ કરી તેને પાયમાલ કરી નાંખે છે. દારૂના વ્યસનીની આધ્યાત્મિક ચેતના સાવ નિમ્નકક્ષાએ સરી પડે છે, તે અધઃપતન નોતરે છે.

દારૂનું વ્યસન થવાના અનેક કારણો છે. જેવા કે --

(1) સામાજિક અપૂર્ણતા : સગા, સ્નેહી, પ્રેમી, મિત્ર સાથેના ઝઘડા, ક્લેશ, પતિ-પત્નીના અણબનાવો, પ્રેમમાં નિષ્ફળતા કે અન્ય કોઈ કાર્યમાં નિષ્ફળતા, વ્યાપાર-ધંધો-રોજગાર-શિક્ષણ-રાજકારણ વગેરે અનેક પ્રકારના કાર્યક્ષેત્રોમાં અસફળતા વગેરે દારૂનું વ્યસન થવાના મૂળ કારણરૂપ છે. જાહેરક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલી મોભાદાર વ્યક્તિઓ પણ તેમની અનેક પ્રકારની જવાબદારીઓ ને ફરજોને લીધે આવી પડેલી ઉપાધિઓ, મુશ્કેલીઓ, ચિંતાઓ, તણાવ વગેરે ઓછાં કરવા, દુઃખો ભૂલવા, ઊંઘ લાવવાના પ્રયત્ન માટે, મિત્રોના ટોળામાં કે સામાજિક પ્રસંગોમાં આનંદ માણવા, ધંધામાં એકબીજાનો પરિચય કેળવી સ્વાર્થસિદ્ધ કરવા, પોતાનું કે અન્યનું કામ પાર પાડવા, દેખાદેખી વગેરે અનેક કારણોસર દારૂ પીએ છે. દારૂ પહેલાં જ્ઞાનતંતુઓમાં ઉત્તેજના લાવે છે. પછી ધીરે ધીરે નિરુત્સાહ-હતાશા (depression) લાવે છે. ત્યાર બાદ શારીરિક ને માનસિક પરાધિનતા (dependence) લાવે છે. પછી દારૂની માત્રા પણ વધતી જાય છે. દારૂ બંધ કરવાથી કે માત્રા ઓછી કરવાથી શરીરની નસો ખેંચાય છે, ઊંઘ બરોબર આવતી નથી, ભૂખ ઓછી થઈ જાય છે. એટલે દારૂની આદત વધુ મજબૂત બને છે, દારૂનું વળગણ (Addiction) થઈ દારૂના ગુલામ બની જવાય છે.

(2) ધાર્મિક કારણ : ઘણી આદિવાસી ને પછાત જાતિઓમાં અમુક ધાર્મિક વિધિઓમાં, મહોત્સવોમાં દારૂનો છૂટથી ઉપયોગ થતો જોવામાં આવે છે. સ્ત્રીઓ અને બાળકો પણ દારૂ પીએ છે. આપણા દેશમાં અમુક તહેવારો જેવા કે હોળી, ધૂળેટી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, નવું વર્ષ, ક્રીસમસ વગેરે પર્વોએ જાણે દારૂ પીવાની ને જુગાર રમવાની ફૅશન થઈ પડી છે. પરંપરાગત અમુક જાતિના લોકો દારૂનો છૂટથી ઉપયોગ કરે છે. તેની દેખાદેખીથી અન્ય લોકો પણ એ બદીમાં સપડાય છે.

(3) અજ્ઞાનતા : અભણ-અજ્ઞાની લોકો દારૂ વધુ પીએ છે. ભારત દેશની અમુક નીચલા થરની સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિઓ તથા કામદાર-મજૂરવર્ગ વગેરેમાં દારૂના નશાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તેઓ શારીરિક-માનસિક થાક ઉતારવા દેશી બનાવટના દારૂનો ઉપયોગ કરે છે. મનોરંજનના સાધનોના અભાવને લઈને પણ દારૂ તરફ વળે છે.

(4) માનસિક કારણ : પોતાના કુટુંબીજનોથી દૂર રહેનારા સૈનિકો, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ, ગુનેગારો વગેરે જીવનની નિરસતા કે એકાકીપણું દૂર કરવા દારૂનો નશો કરે છે. કૌટુંબિક નિયંત્રણ ન હોવાથી તેમને છૂટો દોર મળી જાય છે. બેકાર લોકો દુઃખ ભૂલવા ને કેટલાક લોકો લઘુતાગ્રંથિથી પીડાતા હોવાથી દારૂ પીએ છે. આર્થિક કે સામાજિક અસલામતી, ગંદા વસવાટ, ભૂખમરો, મનોરંજનના પૂરતાં સાધનોનો અભાવ, ગજા ઉપરાંતની જવાબદારીઓ વગેરે અનેક પરિબળો દારૂના વ્યસન પાછળ ભાગ ભજવે છે.

(5) ફૅશન : સમાજના કહેવાતા ઊંચા સ્તર (High Status)ના લોકોમાં દારૂ પીવો એ ફેશન ગણાય છે. દારૂ ન પીનારને વેદીયો, વેવલો, નમાલો, જુનવાણી કે સંકુચિત ગણી તેની મઝાક ઉડાડવામાં આવે છે. એવા કુટુંબોમાં બાળકો, કિશોરો ને યુવાનો પોતાના મા-બાપ વગેરે વડીલવર્ગને દારૂ પીતા જોઈને પોતે પણ દારૂ પીવા માટે જિજ્ઞાસાથી પ્રેરાય છે, પછી દારૂની બૂરી લતે ચડી જાય છે. ટી.વી. ચૅનલો વગેરે પ્રચાર માધ્યમો દ્વારા દારૂની લલચામણી જાહેરખબરોથી પણ યુવા પેઢી દારૂ તરફ આકર્ષાય છે.

દારૂથી થતી અસરો

(1) ઉશ્કેરાટની અવસ્થા: (Stage of excitement)

દારૂથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થવાથી ઉશ્કેરાટનો અનુભવ થાય છે. વ્યક્તિને પોતાનામાં વધુ પડતો આત્મવિશ્વાસ (Over confidence) અનુભવાય છે. ધીરે ધીરે તે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેસે છે. વધુ પડતો ને વ્યર્થ બકવાટ કરવા લાગે છે. સાર-અસાર, સાચા-ખોટાનો વિવેક ચૂકી જાય તથા વસ્ત્રોનું પણ ભાન ન રહે. માનસિક એકાગ્રતા ખોરવાઈ જાય. નિર્ણયશક્તિનો હ્રાસ થાય.

(2) અસબદ્ધતા: (Inco-ordination Stage)

લોહીમાં 100 સી.સી. (c.c.) જેટલું દારૂનું પ્રમાણ ભળે ત્યારે આ અવસ્થા આવે. વ્યક્તિનું વર્તન વિચિત્ર થાય, અસબદ્ધ વાતો કરે, કોઈને મારી પણ બેસે. નકારાત્મક વલણ બતાવે, અસમતોલપણું આવે, શ્વાસમાં દારૂ ગંધાય, નાડીના ધબકારા વધી જાય, ક્યારેક ઊબકા-ઊલટી પણ થાય. આંખની કીકીઓ પહોળી થાય.

(3) બેભાન અવસ્થા: (Stage of Coma)

દારૂ વધુ પડતો પીવાઈ જાય ત્યારે ચક્કર આવે, જીભ થોથવાય, વારંવાર લથડી પડાય, કીકીઓ સંકોચાવા માંડે, ત્યાર બાદ બેભાન બની જાય. બેભાન અવસ્થા બાદ ઊંઘ આવે. સવારે જાગે ત્યારે ભાંગી પડેલો, નંખાઈ ગયેલો, નિરૂત્સાહી લાગે. માથું દુઃખે ઊબકાઓ આવે. પીધેલો દારૂ શરીરમાંથી ૧૦% શ્વાસોશ્વાસ દ્વારા તેમ જ પેશાબ, પરસેવા વાટે નીકળી જાય. બાકીનો ૯૦% દારૂ Liver - યકૃતમાં જઈ બગાડ કરે. તેમાંથી ક્યારેક “સીરોસીસ ઓફ લીવર” નામનો જીવલેણ રોગ થાય.

દારૂથી ઊભી થતી મુશ્કેલીઓ

(1) સામાજિક : પતિ-પત્ની વચ્ચેનો કે કુટુંબ, સ્નેહી-સગા વચ્ચેનો સુમેળ તૂટી જાય. દારૂડિયાનું વિચિત્ર વાણી-વર્તન સમાજમાં ગેરસમજ અને ખરાબ છાપ ઉત્પન્ન કરે. તેથી લોકો ધીરે ધીરે દારૂડિયા સાથેનો સંબંધ ઓછો કરી નાંખે. લોકોની દારૂડિયા પ્રત્યેની સહાનુભૂતિ ઓછી થતી જાય અને ઘૃણા તથા નફરત વધતી જાય. દારૂના વ્યસનથી રસ્તાઓ ઉપરના તથા કારખાનાઓમાં અકસ્માતની માત્રા વધતી જાય. હિંસાખોરી, બળાત્કાર વગેરે ગુનાઓનું પ્રમાણ નશાની હાલતમાં વધારે બનવા પામે છે. ઘણા દેશોનું એવું તારણ છે કે ૫૦% ગુનાઓ નશાખોરીને લીધે થાય છે. નશાખોરીથી આત્મઘાતના કિસ્સાઓ પણ બને છે.

(2) આરોગ્ય (તબીબી રીતે) : દારૂથી મોં, ગળાના, અન્નનળીના કેન્સર થવાનો સંભવ રહે છે. દારૂથી લીવર બગડે છે. Cirrhosis of Liver નો ભયંકર રોગ થાય છે. જળોદર થાય છે. કીડની ખરાબ થાય તેથી પગે સોજા ચડે છે. હૃદય નબળું પડે છે. જ્ઞાનતંતુઓની નબળાઈ થાય છે (Peripheral Neuropathy). હાથની આંગણીઓમાં ધ્રુજારી થાય, ભૂખનો અભાવ, અનિદ્રા, હતાશા-નિરાશા-તાણ વગેરે અનેક પ્રકારના શારીરિક-માનસિક રોગો થાય.

આ રીતે દારૂ વિશેની ઊંડી માહિતી જાણ્યા પછી તેની ખરાબ અસરોથી મુક્ત થવા માટે પાણી પહેલાં પાળ બાંધવી આવશ્યક છે. અર્થાત્ સમાજને તેથી થતાં નુકસાન અંગે સ્પષ્ટ ખ્યાલ આપી જાગૃત કરવો જોઈએ. એ બાબતમાં સાયકોલોજિસ્ટ, સાઈકીયાટ્રીસ્ટ- માનસશાસ્ત્રીઓ, સંતો-ધર્મગુરુઓ, સમાજ-સેવકો, સેવા-સંસ્થાઓ, ડૉક્ટરો, વૈદ્યો વગેરેનો વ્યસનમુક્તિના અભિયાનમાં ઘણો મહત્ત્વનો ફાળો ગણાય. વ્યક્તિને સાચી સમજણ આપી સજાગ કરવામાં આવે તો તે દુર્વ્યસનોમાંથી ચોક્કસ મુક્ત થઈ શકે.

આ રીતે આપણે દારૂનો સ્થૂળ અર્થ જોયો, દારૂની જેમ જ અન્ય નશાકારક કેફી પદાર્થો જેવા કે અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, બીડી- સિગારેટ, તમાકુ, વધુ પડતી ચા-કોફી વગેરે દારૂ તુલ્ય જ સમજવા. કારણ કે આવા કેફી પદાર્થો ઇંદ્રિયો-અંતઃકરણને કેફ ચડાવી ભ્રષ્ટ કરે છે. તે પ્રભુપ્રાપ્તિના સાત્ત્વિક-માર્ગથી વિચલિત કરી અધઃપતન તરફ દોરી જાય છે. તન-મનના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. ક્ષય, કેન્સર વગેરે જીવલેણ રોગોનો ઉદભવ પણ આવા નશાકારક પદાર્થોથી વિશેષ થાય છે. સમય, શક્તિ અને ધનનો દુર્વ્યય થાય છે. ચેતનાને આધ્યાત્મિક પ્રગતિમાં રુકાવટ થવી તે સૌથી મોટું નુકસાન છે. માટે એ દુર્વ્યસનોને તકલીફ વેઠીને પણ જીવનમાંથી હાંકી કાઢવા હિતાવહ છે.

દારૂના સૂક્ષ્મ અર્થ : આપણા શરીરમાં દશ ઇંદ્રિયો છે. પાંચ જ્ઞાનેંદ્રિયો-શ્રોત્ર (શ્રવણ-કાન), ત્વક (ત્વચા), ચક્ષુ (દર્શન-આંખ), રસના (જીભ-સ્વાદેંદ્રિય), ઘ્રાણ (નાસિકા-નાક) તથા પાંચ કર્મેંદ્રિયો- વાક્ (વાણી), પાણિ (હસ્ત-હાથ), પાદ (પગ), પાયુ (ગુદા) ને ઉપસ્થ (પ્રજનન ઇંદ્રિય) તથા ચાર અંતઃકરણ-મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ બધા ઉપકરણો દ્વારા જીવાત્માને બાહ્ય વિષયોનું જ્ઞાન થાય છે. આ ઇંદ્રિયો અંતઃકરણના માધ્યમથી જીવાત્મા ભૌતિક જગત સાથે વ્યવહાર કરી શકે છે. આ સાધનો ન હોય તો જીવાત્માની ભૌતિક જગત સાથેના વ્યવહારની સાંકળ તૂટી જાય. ઇંદ્રિયો-અંતઃકરણને પોતપોતાના વિષયો શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ પ્રત્યે આકર્ષણ-પ્રલોભન થાય છે. તેથી તેમને અમુક પ્રકારનો કેફ-નશો ચડે છે. ઇંદ્રિયો-અંતઃકરણરૂપ સાધનો જીવાત્માને પરમાત્માએ જ આપેલાં છે. પરંતુ તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડાવા માટે આપેલાં છે, નહિ કે વિષયભોગના ઉપયોગ માટે. આ ઉપકરણોનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. જો તે પ્રભુના સ્વરૂપમાં આકર્ષાવાને બદલે ભૌતિક પંચ વિષયમાં આકર્ષાઈ જાય, અથવા પ્રભુ સંબંધી પંચ વિષયને બદલે ભૌતિક પંચ વિષયમાં લોભાઈ જાય તો પ્રભુપ્રાપ્તિના લક્ષ્યમાંથી વિચલિત થઈ ભ્રષ્ટ કરે. આ દારૂનો સૂક્ષ્મ અર્થ થયો.

ઉદાહરણ તરીકે:

(1) કુસંગીઓની સોબતથી બિભત્સ-અશ્લીલ વાતોનું શ્રવણ કરવું. રજોગુણ - તમોગુણની વૃદ્ધિ કરે તેવી વાણી, સંગીત, ગીતો, સંવાદો વગેરેનું રસપૂર્વક શ્રવણ કરવું. ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, ધિક્કાર, તિરસ્કાર, નિંદા-ટીકા, કૂથલી, અહંકાર, વેર-ઝેર, બદલાની ભાવના વગેરે દુષ્ટવૃત્તિઓને જાગૃત કરે, ઉત્તેજિત કરે અને તેને પોષણ મળે એવા શબ્દોનું જાણી જોઈને હેતુપૂર્વક શ્રવણ કરવું એ શ્રોત્રનો દારૂ છે. અર્થાત્ શ્રવણેંદ્રિય માટે દારૂ તુલ્ય છે. માટે શ્રવણેંદ્રિયના દારૂ-કેફનો ત્યાગ કરવો હોય તો સત્પુરુષની વાણીનું, સત્શાસ્ત્રો તથા ભગવદ્ કથામૃતનું, મનમાં સાત્ત્વિકભાવ તથા આધ્યાત્મિક ચેતના જગાડે તેવા પ્રેરક ને ભક્તિરસ સભર કીર્તનો-ભજનો-સંગીત-કાવ્યરચનાઓ વગેરેનું શ્રવણ કરવું. આવા પ્રકારના શ્રવણથી આધ્યાત્મિક ચેતનાની ઊર્ધ્વગતિ થાય છે.

(2) રજોગુણ - તમોગુણની વૃદ્ધિ કરે તેવા પદાર્થોનો સ્પર્શ કરવો, જે સ્પર્શથી વિષયવિકાર ઉદય થાય એવો સ્પર્શ કરવો, તેવો સ્પર્શ કરવાનું મનમાં આકર્ષણ થવું તે ત્વક અર્થાત ત્વચાના, સ્પર્શેન્દ્રિયના દારૂ તુલ્ય છે. દા.ત. રજોગુણી-તમોગુણી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ, તેવા લોકોના સંસર્ગમાં આવેલા દ્રવ્ય કે પદાર્થોનો સ્પર્શ, પાપી ને દુરાચારી વ્યક્તિનો સ્પર્શ એ સર્વે ત્વચાના દારૂ સમાન છે.

દરેક પ્રાણી કે પદાર્થમાંથી વિવિધ પ્રકારના ઉર્જા તરંગો નીકળે છે. Radiations નીકળે છે, જેને અંગ્રેજીમાં Aura અથવા Aurical Radiations કહે છે. આ તરંગો અતિ સૂક્ષ્મ હોઈ તે નરી આંખે જોઈ શકાતા નથી. એ તંરગોને વિવિધ આકૃતિઓ, રંગો, લંબાઈ-પહોળાઈ હોય છે. ધ્યાન-યોગ દ્વારા જેની સૂક્ષ્મ દૃષ્ટિ થઈ હોય એવી વિરલ વ્યક્તિ જ આવા તરંગોને આંતરચક્ષુઓ - દિવ્ય દૃષ્ટિ દ્વારા જોઈ શકે છે. આધુનિક વિજ્ઞાનક્ષેત્રમાં રશિયામાં કીરલીયન ફોટોગ્રાફીની શોધ થઈ છે. તે કેમેરામાં આવા તરંગો ઝડપી શકાયા છે. પવિત્ર વ્યક્તિમાંથી પવિત્ર તરંગો-લેશ્યાઓ નીકળે છે, જ્યારે પાપી, દુરાચારી, અપવિત્ર ને અશુદ્ધ લોકોમાંથી અશુદ્ધ તરંગો વહે છે.

રજોગુણી-તમોગુણી, હિંસા, વ્યભિચાર, અનીતિ, દુરાચાર વગેરેમાં સતત પ્રવૃત્ત રહેતા પાપી મનુષ્યોના સ્પર્શથી તેના સૂક્ષ્મ તરંગોની અસર થાય છે અને સ્પર્શ કરનાર વ્યક્તિના ઇંદ્રિયો-અંતઃકરણને તેની અસર વિહ્વળ બનાવે છે. જેવી વ્યક્તિનો સ્પર્શ કર્યો હોય અને તે વ્યક્તિના જેવા મનોભાવો હોય તે ભાવોની સ્પર્શ કરનારને અસર થાય છે. તેની કેફી અસર થઈ હોય તેવો અનુભવ થાય છે. આ પ્રકારના ત્વચાના દારૂ-કેફનો ત્યાગ કરવો હોય તો પ્રભુના સ્વરૂપનો, પવિત્ર સંત-મુક્તપુરુષોનો, નિર્મળ વ્યક્તિનો સ્પર્શ તથા તેમના સેવા-સુશ્રુષા કરવાં જોઈએ. એવી પવિત્ર વ્યક્તિના સંસર્ગમાં આવેલા પદાર્થોનો સ્પર્શ કરવો જોઈએ. તેવો સ્પર્શ મનમાં સાત્ત્વિકતા ઉપન્ન કરે છે. માટે એવો સ્પર્શ કરે તો ત્વચાના ખરાબ સ્પર્શરૂપ દારૂનો ત્યાગ થયો ગણાય.

(3) મનમાં વિકાર ઉત્પન્ન કરે, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દોષ સંબંધી વૃત્તિ જગાડે તેવું રૂપ જોવું, અશ્લીલભાવ જગાડે તેવા ફિલ્મ, નાટક, નૃત્યો-નાચગાન, ભાંડ-ભવાઈ, મેળા, ચિત્રો, શિલ્પ, મૂર્તિઓ, ફોટોગ્રાફ્સ, કલાકૃતિઓ, દૃશ્યો વગેરે ઇચ્છાપૂર્વક ને આસક્તિપૂર્વક જોવાથી વૃત્તિ વિકારમય બને તે સઘળાં ચક્ષુ માટે દારૂ તુલ્ય છે. આવાં દૃશ્યો વૃત્તિને ઉત્તેજિત કરી ગેરમાર્ગે દોરે છે. વારંવાર એવાં દૃશ્યો અને રૂપ જોવાથી મન એવી બીભત્સ વસ્તુઓમાં રસ લેવાના વલણવાળું બની જાય છે. પછી એનો કેફ-આસ્વાદ માણવાની વૃત્તિ રહ્યા કરવાથી તેનું મન વ્યસની બને છે. તેથી મનની પવિત્રતા ને સાત્ત્વિકતા નષ્ટ થાય છે. માટે ચક્ષુઇંદ્રિયના - નેત્રના દારૂ-નશાનો ત્યાગ કરવો હોય તો પ્રભુના સુંદર સ્વરૂપના દર્શન તથા પવિત્ર સંતપુરુષોના તથા તેમના પ્રેરણાદાયક ચિત્રો અથવા ફોટોગ્રાફ્સના દર્શન કરવાં. તેમના સંસર્ગમાં આવેલ પદાર્થોના દર્શન કરવાં. મનમાં સાત્ત્વિકભાવ જગાવે તેવાં કુદરતી દૃશ્યો વગેરેના દર્શન કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો વગેરેના દર્શન પણ મનને શુદ્ધ-સાત્ત્વિક બનાવે છે. આ પ્રકારના સાત્ત્વિક દર્શન કરી આગળ જણાવેલા રજોગુણી-તમોગુણી ભાવવાળાં, અશ્લીલભાવવાળાં દર્શનોનો ત્યાગ કરવો એ ચક્ષુ ઇંદ્રિયના દારૂનો ત્યાગ ગણાય.

(4) રજોગુણ - તમોગુણ ઉત્પન્ન કરે તેવાં અતિ ખારાં, ખાટાં, તીખા, ઉષ્ણ, તમતમતા, તેજાના- મસાલાયુક્ત, ગળ્યા-ચીકણા ને અતિ સ્વાદિષ્ટ પદાર્થો ગ્રહણ કરવાની અભિરૂચિ હોવી, પ્રલોભન હોવું, આ સર્વ સ્વાદેંદ્રિય માટે દારૂ તુલ્ય છે. આવા પ્રકારના ખોરાકના અતિરેકથી મનમાં વિષયવિકાર ઉત્પન્ન થાય છે. ડુંગળી-લસણ જેવા ખાદ્ય પદાર્થો, વાસી શાકભાજી તથા ફળફળાદિના સેવનથી મનમાં તમોગુણ વૃદ્ધિ પામે છે. તેથી મનમાં જડતા, સંકુચિતતા, આળસ-પ્રમાદ આવે છે ને ગ્રહણશક્તિ, સ્મૃતિશક્તિ ને વિવેકશક્તિનો અભાવ વર્તે છે. પેટના રોગો, અપચો, આફરો, દુર્ગંધયુક્ત વાયુવિકાર, પિત્ત વગેરેના રોગો જન્મે છે. ઘેન કે ઊંઘ જેવી અવસ્થા આવે છે. કાર્યમાં એકાગ્રતાનો અભાવ વર્તે છે. આ રીતે રજોગુણી-તમોગુણી આહારનું સેવન દારૂ તુલ્ય છે. “જીવવા માટે ખાવાનું છે, નહિ કે ખાવા માટે જીવવાનું” એ વાત ખાવાની લાલસાવાળા ભૂલી જાય છે અને ખાવાની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ જુએ કે તરત જ અકરાંતિયાની જેમ આખો દિવસ ખાધા જ કરે છે. ભગવદ્ગીતામાં પણ આવા રજોગુણી-તમોગુણી આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરેલો છે. મોટા ભાગના પેટના રોગો મંદાગ્નિ, ગેસ, એસીડીટી, કબજિયાત, સંઘ્રણી, ગોળો, આફરો, અર્જીણ વગેરે સ્વાદેંદ્રિયને નિયમમાં ન રાખવાથી જ જન્મે છે.

એવા રસનેંદ્રિયના દારૂનો ત્યાગ કરવા માટે હંમેશાં શુદ્ધ, સાત્ત્વિક, પૌષ્ટિક ને સમતોલ આહારનું સેવન કરવું ઘટે. શરીરને જેટલા પોષણની જરૂર હોય તેટલો જ આહાર લેવો હિતાવહ છે. વધુ પડતો આહાર તન-મન બંને માટે હાનિકારક છે. ખોરાકની દરેક વાનગી શુદ્ધ ભાવથી પ્રભુને અર્પણ કરી, ધરાવીને ખાવી, જેથી પ્રભુની દિવ્યદૃષ્ટિ વડે અને શુદ્ધભાવ વડે ખોરાકમાં રહેલ રજસ-તમસની અસર કેટલેક અંશે દૂર થઈ સાત્ત્વિક બને છે. તેથી અંતઃકરણ પણ સાત્ત્વિક બને છે.

મુખ્ય છ પ્રકારના (ષટ્રસ) રસો છે - ખારો, ખાટો, મધુર, તીખો, કડવો ને તૂરો. શરીરના પોષણ માટે આ બધા રસો અતિ અગત્યના છે. તેથી જે ખોરાકમાં આ છએ રસોનું યોગ્ય પ્રમાણ હોય તે સમતોલ આહાર ગણાય. એવા સમતોલ ને સાત્ત્વિક આહાર વડે શરીરની સાથે સાથે મનને પણ પોષણ મળે છે. તંદુરસ્ત શરીર ને સ્વસ્થ - સાત્ત્વિક મન દ્વારા આધ્યાત્મિક વિકાસ સુંદર રીતે થઈ શકે છે.

આપણું શરીર પંચમહાભૂતો-પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમાંથી બનેલું છે. છ રસો દ્વારા આ પંચભૂતોને પોષણ મળે છે. જેમ કે તીખો રસ શરીરમાં રહેલ તેજ તત્ત્વની વૃદ્ધિ કરે છે. સપ્રમાણ તેજ-અગ્નિ તત્ત્વથી ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન થાય છે. સૂક્ષ્મ સમજણ, વિવેકબુદ્ધિ, ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ વગેરેની વૃદ્ધિ તેજ તત્ત્વ દ્વારા થાય છે. આધ્યાત્મિક જ્ઞાનના ગહન રહસ્યો સમજવામાં પણ તેજ તત્ત્વની આવશ્યકતા છે. એ તેજ તત્ત્વની વૃદ્ધિ તીખા રસમાંથી તથા ઉષ્ણ પદાર્થોમાંથી થાય છે, પરંતુ તીખો રસ પ્રમાણસર લેવો જોઈએ. તેનો અતિરેક થાય તો તે હાનિકારક નિવડે છે. તેના અતિ પ્રમાણથી દાહ, અમ્લપિત્ત Acidity, હરસ-મસા, અલ્સર વગેરે રોગો થાય છે. તીખો રસ મરી-મસાલા, આદુ, મરચાં વગેરે ઉષ્ણ પદાર્થોમાંથી મળે છે.

મધુર રસથી શરીરમાંના વાયુ તત્ત્વને પોષણ મળે છે. આ રસ મીઠાં ફળો, અનાજ, શાકભાજી, ખાંડ-સાકર, મધ, મીઠાઈઓ વગેરે પદાર્થોમાંથી મળે છે. તેના યોગ્ય પ્રમાણથી શરીરની કાર્યશક્તિ, મગજની કાર્યશક્તિ વધે છે, પરંતુ તેના અતિરેકથી વાયુ વિકાર તથા પ્રમેહ વગેરે રોગો થાય છે. ખારા રસથી શરીરમાંના પૃથ્વી તત્ત્વને પોષણ મળે છે. આ રસ મીઠું, સિંધવ, સંચળ, બીડ લવણ, ભાજીઓ વગેરે ક્ષારોમાંથી મળે છે. તેના વધુ પડતા સેવનથી કીડનીના રોગો, ઉચ્ચ રક્તચાપ- હાઈ બ્લડપ્રેશર, પાંડુ રોગ વગેરે રોગો થાય છે. માટે ખારારસનો અતિરેક વર્જવો.

ખાટો રસ શરીરમાંના જળતત્ત્વના પોષણ માટે જરૂરી છે. આ રસ ખાટાં-મીઠાં ફળફળાદિ તથા આંબલી, લીંબુ વગેરેમાંથી મળી રહે છે. જળતત્ત્વની શરીરના બંધારણમાં, લોહીના પરિભ્રમણમાં અતિ આવશ્યકતા છે. લોહીનું શુદ્ધિકરણ, વિષયુક્ત પદાર્થોનું ઉત્સર્જન વગેરે શરીરની અનેક ક્રિયાઓમાં જળતત્ત્વની અગત્યતા છે. તે ખાટા રસની અધિકમાત્રાથી શરીરમાં સોજા ચડવા, હાડકાની નબળાઈ, કફના ને સાંધાના રોગો થાય છે, માટે તેની અધિકમાત્રા વર્જવી. કડવો તથા તૂરો રસ શરીરમાંના આકાશતત્ત્વના પોષણ માટે આવશ્યક છે. તેનાથી કફના રોગો તથા વિષાણુઓથી થતા રોગો મટે છે. કડવા રસની અધિકમાત્રાથી શુક્રધાતુની ક્ષીણતા થાય છે તથા વાયુ પ્રકોપના રોગો પણ સંભવે છે.

માટે દરેક રસનો અતિરેક ર્વજીને યોગ્ય પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. છએ રસ સપ્રમાણ હોય તે સમતોલ આહાર કહેવાય. માટે સમતોલ ને સાત્ત્વિક આહાર લઈ રજોગુણી - તમોગુણી આહારનો ને તેના અતિરેકનો ત્યાગ એ રસના ઇંદ્રિયના દારૂનો ત્યાગ કર્યો ગણાય.

(5) મન તથા ઇંદ્રિયોની વૃત્તિને અયોગ્ય રીતે ઉત્તેજિત કરે એવા રજોગુણપ્રધાન સુગંધીમાન દ્રવ્યો - અત્તર, તેલ, ક્રીમ, લોશન, સાબુ, પાવડર વગેરે સૌંદર્ય પ્રસાધનોનો અતિ ઉપયોગ કરવો તથા તેના વગર ન જ ચાલે એ પ્રકારની મનોવૃત્તિ રહેવી, રજોગુણી-તમોગુણી ને વિજાતીય વ્યક્તિએ ધારણ કરેલા અત્તર, પુષ્પ, અલંકાર, વસ્ત્ર વગેરેની ગંધ લેવાની વૃત્તિ એ ઘ્રાણેન્દ્રિયના દારૂ તુલ્ય છે. એવા દ્રવ્યોના વધુ પડતા ઉપયોગથી મનની ચંચળતાને વેગ મળે છે. મન ચંચળ થાય એટલે ઇંદ્રિયો વિહ્વળ બની પોતપોતાના વિષય તરફ ખેંચાઈને વ્યક્તિને અવળે માર્ગે ચડાવી દે. તે માટે એવા ઘ્રાણેન્દ્રિયનાં દારૂ-કેફનો ત્યાગ કરવો હોય તો પ્રભુને અર્પણ કરેલાં, પ્રભુ તથા સંતપુરુષોની પૂજાના ઉપયોગમાં લેવાયેલા ફૂલો, ગુલાબ, મોગરો, ચંપો, પારિજાત વગેરે સુગંધીમાન પુષ્પોના હાર તથા સુખડ, ચંદન, અત્તર, તુલસી વગેરે પદાર્થોની સુગંધ પ્રસાદરૂપ જાણીને લેવાથી મનમાં સાત્ત્વિકભાવ જગાવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં જણાવ્યું છે તે પ્રમાણે પંચ વિષય જ્યારે જગત સંબંધી ન રહીને ભગવાન સંબંધી બની જાય, ત્યારે જીવની આધ્યાત્મિક ઊર્ધ્વગતિ થાય છે. પ્રભુ અને સત્પુરુષ પ્રત્યે પ્રેમભાવ, આદરભાવ, સમર્પણભાવ ને ભક્તિભાવની વૃદ્ધિ થાય છે. તે માટે એવી પ્રસાદીરૂપ સામગ્રીની સુગંધ લેવી અને રજોગુણી, તમોગુણી ને જુગુપ્સા પ્રેરક ગંધ-સુગંધનો ત્યાગ રાખવો એ ઘ્રાણેન્દ્રિયના દારૂનો ત્યાગ થયો ગણાય.

(6) કોઈ વ્યક્તિની, સંસ્થાની, સમાજની, જાતિની, સંસ્કૃતિની, ધર્મની, સંપ્રદાયની, દેવની અયોગ્યપણે અસત્ય રીતે મિથ્યા નિંદા-ટીકા કરવી, કોઈને વિશે મિથ્યાપવાદ આરોપણ કરવો, કોઈને ગાળ દેવી, અશ્લીલ-બીભત્સ વાણી ઉચ્ચારવી, અવિવેકીપણે અસંયમીપણે મિથ્યા બકવાટ કરવો, અસત્ય બોલવું, કોઈનું અપમાન કરવું, કોઈને હલકા પાડવા કે મન દુભાય તેવી વાણી વદવી, ક્રોધે યુક્ત ને તિરસ્કારભરી કટુવાણી ઉચ્ચારવી, બીજાને મનમાં ક્રોધ, વૈર, ઈર્ષા, દ્વેષ વગેરે ભાવો ઉત્પન્ન થાય તેવી વાણી બોલવી, કોઈને વચને કરીને ગેરમાર્ગે દોરવા તથા સ્વાર્થયુક્ત ને દંભયુક્ત વાણી ઉચ્ચારવી, સંતપુરુષમાં અવિશ્વાસ, અશ્રદ્ધા ઉત્પન્ન થાય, તેમનો અભાવ-અવગુણ આવે એવી તથા છળ-કપટયુક્ત વાણી વદવી. આ સર્વે વાક્-વાણીના દારૂ તુલ્ય છે. આથી વિપરીત “સત્યં વદ્ પ્રિયં વદ્” એ ઉક્તિ મુજબ વિનમ્રપણે, વિનયે યુક્ત, સત્ય ને સાથે સાથે અન્યનું હિત થાય એવી પ્રિય વાણી ઉચ્ચારવી. કોઈના પ્રત્યે કોઈને મનમાં અભાવ, અવગુણ, ઈર્ષા-દ્વેષ, વૈરબુદ્ધિ રહેલાં હોય તો તેને બળવાન વચને દૂર કરી તેમાં પ્રેમ, સંપ, ભાઈચારો વગેરે પ્રગટે તેવી વાણી બોલવી જોઈએ. કોઈના ક્લેશ, લડાઈ, ઝગડાનો મધુર ને બોધપ્રેરક વચનો દ્વારા અંત લાવવો જોઈએ. ભગવાન તથા ભગવાનના મુક્તપુરુષોનું વર્ણન, તેમના ગુણગાન, સ્તુતિ-પ્રાર્થના કરવા, સત્શાસ્ત્રોની કથા-વાર્તા વગેરેમાં વાણીનો સદ્ઉપયોગ કરવો. વાણી દ્વારા અન્યને પ્રભુને માર્ગે, સત્યને માર્ગે દોરવા, સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન ઉન્નત બને તેવો નમ્ર પ્રયાસ કરવો. વાણીમાં નિર્દંભપણું, નિઃસ્વાર્થપણું હોવું, એ રીતે વાણીનો સદુપયોગ કરે તો આગળ જણાવેલ વાણીના દુર્વ્યયરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય.

(7) હાથવડે અયોગ્ય સ્પર્શ કરવો, કોઈને માર મારવો, કોઈની હિંસા કરવી, ચોરી કરવી, લૂંટ-ફાટ કરવી, બીભત્સ ઈશારા કરવા, વ્યસનો તથા જુગાર વગેરે અન્ય કુકર્મોમાં હાથનો દુરુપયોગ કરવો એ (પાણિ) હાથ માટે દારૂ તુલ્ય છે. માટે હાથ વડે પ્રભુના સ્વરૂપનું પૂજન-અર્ચન કરવું. સત્પુરુષની સેવા-સુશ્રુષા-પરિચર્યા કરવી, માળા વગેરે ભક્તિના સાધન કરવાં, માતા-પિતા-ગુરુ, રોગી, દુ:ખી-ગરીબ વગેરેની સેવા કરવી, સત્કાર્યો કરવાં, પ્રભુના કલ્યાણકારી કાર્યોમાં હાથનો સદુપયોગ કરવો, માનવ સમાજની નિઃસ્વાર્થભાવે નિર્દંભપણે સેવા, પશુપાલન વગેરે સત્કાર્યોમાં હાથનો સદુપયોગ કરવો તે હાથ દ્વારા કરાતાં કુકર્મોરૂપ હાથના દારૂનો ત્યાગ કર્યો ગણાય.

(8) વ્યસન, હિંસા, ચોરી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર વગેરે કુકર્મો કરવા માટે એ દિશામાં પ્રયાણ કરવા પગનો ઉપયોગ કરવો, હિંસકવૃત્તિથી કે ક્રોધે કરીને કોઈ ઉપર પગ વડે પ્રહાર કરવો, બેદરકારીથી પગ વડે સંતપુરુષ, ભગવદ્પ્રતિમા, સદગ્રંથ, બાળક, ગાય, ગલુડિયાં, અન્ન ભરેલું પાત્ર વગેરેને ઠેબું વગાડવું, જાહેરમાં અસભ્ય રીતે પગ હલાવવા, પગ દ્વારા બીભત્સ ઇશારા કરવા વગેરે પગ (પાદ્) માટે દારૂ તુલ્ય છે. તેથી વિપરિત પ્રભુના સેવા કાર્યો માટે, પ્રભુ તથા સત્પુરુષોના દર્શન તથા જોગ-સમાગમ - સેવા અર્થે જવા માટે, પ્રભુના સ્વરૂપની પ્રદક્ષિણા કરવા માટે, આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય એવાં ભક્તિભાવ રેલાવતાં તીર્થસ્થાનો તથા મંદિરો પ્રત્યે જવા માટે, સમાજ સેવાર્થે, દુઃખી, ગરીબ, રોગી વગેરેની સેવાર્થે ગમન કરવું એ પાદેંદ્રિયનો સદુપયોગ છે. માટે પગના દુરુપયોગરૂપ દારૂનો ત્યાગ કરી સદુપયોગ કરવો જોઈએ.

(9) કેટલાક અજ્ઞાની લોકો કુદરતી હાજત માટેના અંગોનો સજાતીય અનૈતિક-અકુદરતી મૈથુન દ્વારા નિકૃષ્ટ પ્રકારનો આનંદ મેળવવા વિકૃત આનંદ માટે દુરુપયોગ કરે છે. તે પાયુ ઇંદ્રિય (ગુદા) માટે દારૂ તુલ્ય ગણાય. માટે એવા બીભત્સ ઉપયોગ માટે નહિ, પણ ફક્ત કુદરતી હાજત માટે જ ઉપયોગ તે પાયુના દારૂનો ત્યાગ થયો ગણાય.

(10) ઉપસ્થ-પ્રજનન ઇંદ્રિયો એ કેવળ ભૌતિક વિષયભોગની પ્રાપ્તિના સાધનો નથી. તે માટે તેનો અનુચિત-અનૈતિક મૈથુન કે વ્યભિચાર માટે દુરુપયોગ કરવો એ પ્રજનન અંગો માટે દારૂ તુલ્ય છે. ત્યાગી વર્ગે તો એ ઇંદ્રિયોનો કુદરતી હાજત સિવાય બીજા ઉપયોગનો નિષેધ છે. કારણ કે તેમને માટે ઇંદ્રિય નિગ્રહ-સંયમ એ કડક ને અનિવાર્ય નિયમ છે. આદર્શ ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને પણ કેવળ સારી સંતતિ માટે જ મૈથુન ઉચિત છે, પરંતુ વિષયભોગ અર્થે નથી. માટે પ્રજનન અંગોના મૈથુનરૂપ દુરુપયોગનો ત્યાગ એ એના દારૂનો ત્યાગ ગણાય.

(11) મન તો સંકલ્પ-વિકલ્પનું ઉપાદાન ક્ષેત્ર છે. જીવાત્માને મન દ્વારા જ બંધન ને મન દ્વારા જ મોક્ષ થાય છે, “मनः एव मनुष्याणां कारणं बंधमोक्षयोः” મનમાં વિષય વિકાર ઉત્પન્ન થાય તેવા ઘાટ-સંકલ્પ કરવા; કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, માન, ઈર્ષા, આશા-તૃષ્ણા, નિંદા-ટીકા, કૂથલી વગેરે આંતરદોષો અને મનોવિકારોને પોષણ મળે તેવા વિચારોનું મનમાં ચિંતન-મનન કરવું, ઈર્ષા-દ્વેષ, વૈર, હિંસા, વ્યભિચાર વગેરે ખરાબ ભાવો મનમાં જાગ્રત થવા દેવા, જાણવા છતાં સજાગપણે એવા કુભાવોનું મનમાં મનન કરવું વગેરે મન માટે દારૂ તુલ્ય છે. માટે મનને પ્રભુના નામ-સંકીર્તન, જપ, ધ્યાન-ચિંતન-મનન કરી સાત્ત્વિકભાવ તથા દિવ્યભાવથી ભરી દેવું. મનનું પ્રાકૃતિક વલણ જ જગત સંબંધી ભૌતિક પદાર્થો સંબંધી ઘાટ ઘડવાનું હોય છે. એટલે ખોટા-ખરાબ કુસંગ પ્રેરિત ઘાટ-સંકલ્પને થતા જ રોકી દેવા. સત્પુરુષોની વાણીનું તથા સત્શાસ્ત્રોના વાચન-પઠન-શ્રવણ કરી તેનું મનન કરવું. પ્રભુના સ્વરૂપમાં મનનો નિરોધ કરવાનો અભ્યાસ કરવો. યોગ્ય જીવનઘડતર થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા પ્રેરણાદાયી, ઉમદા ને બળપ્રેરક વિચારોનું મનન કરવું. એવા વિચારો જે ગ્રંથોમાં કે પુસ્તકોમાં હોય તેનું વાંચન-મનન કરવું. આવા ઉપાયો યોજવાથી મનના દોષરૂપ-વિકારોરૂપ દારૂનો ત્યાગ થાય.

(12) બીજા બધા પ્રાણીઓની અપેક્ષાએ કેવળ મનુષ્યમાં જ મનની ચેતના વિકાસ પામીને બુદ્ધિની ભૂમિકાએ પહોંચેલી છે. બુદ્ધિ દ્વારા સાર-અસાર, સાચું-ખોટું, યોગ્ય-અયોગ્ય વગેરેનો નિર્ણય કરવામાં વિવેક ચૂકી જવાય, પ્રભુના સ્વરૂપમાં જે નિશ્ચય થયો હોય તેમાં અનિશ્ચય ને અશ્રદ્ધા ઉત્પન્ન થાય, સત્પુરુષોના વચનને વિશે અશ્રદ્ધા, નાસ્તિકભાવ કે તર્ક-કુતર્ક થાય, પોતાના સ્વાર્થ કે દંભને પોષવા, લોકોને છળ-કપટ-છેતરપિંડી કરી ગેરમાર્ગે દોરવા, એમ બુદ્ધિનો દુરુપયોગ કરવો એ બુદ્ધિના દારૂ સમાન છે. માટે બુદ્ધિને આત્મા-પરમાત્માના સ્વરૂપના શુદ્ધ જ્ઞાન-ઉપાસના દ્વારા, સાંખ્યજ્ઞાન ને યોગ દ્વારા, શુદ્ધ આહાર-વિહાર દ્વારા વિશુદ્ધ કરવી જોઈએ. સાર-અસાર, યોગ્ય-અયોગ્ય, સત્ય-અસત્યનો વિવેક રાખવો, વિનય-વિનમ્રતા ધારણ કરવાં, સ્થિતપ્રજ્ઞતા, ધૈર્ય ને સંયમ વડે બુદ્ધિનું પરિમાર્જન કરવું. સ્વાર્થ, દંભ-પ્રપંચ વગેરેથી દૂર રહેવું. પ્રભુના સ્વરૂપનો દૃઢ નિશ્ચય, દૃઢ ઉપાસના કરી આસ્તિક ને શ્રદ્ધાવાન બનવું. સત્પુરુષોના વચનમાં શ્રદ્ધા રાખી તેમને ગ્રહણ કરવાં. તે વચનોમાં તર્ક-વિતર્ક-કુતર્કનો ત્યાગ કરવો. એમ કરવાથી બુદ્ધિના દોષરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય.

(13) પ્રભુના સ્વરૂપ સિવાય ભૌતિક જગત સંબંધી રજોગુણી-તમોગુણી વ્યક્તિઓનું, પદાર્થોનું તથા પંચવિષય શબ્દ-સ્પર્શ-રૂપ-રસ ને ગંધનું ચિત્તમાં સતત ચિંતન કરવું એ ચિત્તના દારૂ તુલ્ય છે. તે માટે ભૌતિક પદાર્થો કે વિષયોનું ચિંતન છોડી દઈ કેવળ પ્રભુના સુંદર સ્વરૂપનું અખંડ ચિંતન કરવાનો, આત્મા પરમાત્માના સ્વરૂપના તત્ત્વજ્ઞાન સંબંધી ચિંતન કરવાનો નિરંતર અભ્યાસ કરવો તો ચિત્તના દોષરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય.

(14) “હું” અક્ષર બધા જ અક્ષરોમાં સૌથી વક્ર જણાય છે. “હું” અક્ષર દેખીતી રીતે વાંકો તો છે જ, પરંતુ સાથે સાથે તેના અર્થ “અહં” ની રીતે પણ વક્ર છે. હું પુરુષ છું કે સ્ત્રી છું. હું રૂપવાન, ગુણવાન, સર્વગુણ સંપન્ન છું. મારે વિશે કોઈ ખામી નથી. મારા જેવો વિદ્વાન, જ્ઞાની, ધાર્મિક, બુદ્ધિશાળી, શક્તિશાળી, સમજુ બીજો કોઈ નથી! હું પ્રતિષ્ઠિત, ધનવાન, સત્તાધીશ, સંપત્તિવાન, સર્વશ્રેષ્ઠ છું. હું સર્વશ્રેષ્ઠ ભક્તિ કરું છું, ધર્મનું પાલન કરું છું, બુદ્ધિમાન, ચતુર, કાર્યકુશળ, વ્યવહારકુશળ છું. હું સર્વશ્રેષ્ઠ કલાકાર છું. મારા જેવો સંતપુરુષ, ત્યાગી, સાધુ બીજો કોઈ નથી વગેરે અનંત પ્રકારનો મદ - અહંકાર મનુષ્યને વળગેલો છે. અહમ્ની સાથે મમત્વની ભાવના, પોતાપણાની ભાવના જીવને બલાની જેમ વળગેલી છે. આ પ્રકારનું મિથ્યાભિમાન, મદ તે અહંકારનો દારૂ છે. તેનો કેફ પીવાના દારૂ કરતાં અનેકગણો વધુ ખતરનાક ને નુકસાનકારક છે. દેહ તથા દેહના સગા-સંબંધીઓ તથા દેહ સંબંધી ભૌતિક પદાર્થોને વિશે મમત્વપણું થાય છે, રાગ અથવા દ્વેષ થાય છે, તે પણ અહંકારને લઈને જ થાય છે. તે અહંકારને દૂર કરવા માટે મનમાં એમ વિચારવું કે હું કર્તા નથી; એક પ્રભુ જ સર્વકર્તા, સર્વશક્તિમાન, સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ, સર્વવ્યાપી છે. અને હું તો તેમનો તથા તેમના મુક્તોનો દાસ છું, સેવક છું. હું ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણ તથા કાળ, કર્મ ને માયાથી પર શુદ્ધ ચૈતન્ય - આત્મસ્વરૂપ છું. પ્રભુએ પોતાની અકારણ કૃપાથી મને મુક્ત કરીને પોતાનું પરમ સાર્ધમ્ય પમાડીને પોતાના સ્વરૂપમાં સળંગ રસબસભાવે લીન રાખ્યો છે. મારા દ્વારા સમગ્રપણે કર્તાપણું એ પ્રભુનું જ છે. હું તો નિમિત્તમાત્ર માધ્યમ છું. આવા ઉત્કૃષ્ટ ભાવની દૃઢતા થાય ત્યારે માયિક અહંકાર શુદ્ધ થાય છે. અને ત્યારે અહંકારના દોષરૂપ દારૂનો ત્યાગ થયો ગણાય.

આ રીતે દારૂના સ્થૂળ-સૂક્ષ્મ અર્થને જાણ્યા પછી તેનો ત્યાગ કરવાથી દારૂના ત્યાગરૂપ પ્રથમ વર્તમાનનું પાલન થયું ગણાય.