૧. ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્

0:000:00

સનાતન હિન્દુધર્મમાં પરંપરાગત એક એવી માન્યતા પ્રવર્તે છે કે દશ મુખ્ય ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતા - આ ત્રિપુટી કે જેને 'પ્રસ્થાનત્રયી' કહેવામાં આવે છે તેના ઉપર જે ભાષ્યની રચના કરે તેને ધર્માચાર્યનું ગૌરવવંતું બિરુદ પ્રાપ્ત થાય. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, ર્મધ્વાચાર્ય ઇત્યાદિ ધર્માચાર્યોએ પોતપોતાના જ્ઞાનમતો જેવા કે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈત વગેરેનું સમર્થન આ પ્રસ્થાનત્રયીને આધારે તેના પર ભાષ્યો રચીને કર્યું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુમોદન આપી એમાં પોતાની આગવી લાક્ષણિકતા ઉમેરી એક અભિનવ જ્ઞાનમત સ્વરૂપાદ્વૈત પ્રસ્થાપિત કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાનત્રયી પર વિદ્વતાપૂર્ણ ભાષ્યો રચી આપણા જ્ઞાનમત સ્વરૂપાદ્વૈતનું સુપેરે સમર્થન કર્યું છે. એ દૃષ્ટિએ વિચારીએ તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્વિતીય ધર્માચાર્ય કહી શકાય. પરંતુ સ્વામીશ્રીએ ક્યારેય પોતાને ધર્માચાર્ય કહેવડાવવાની ખેવના કરી નથી, એ જ એમની મહાનતાને સમ્યક્પણે સિદ્ધ કરે છે. અદ્વૈત વેદાંતમાં જે સ્થાન સર્વેશ્વરાચાર્યનું છે તેમ જ રામાનુજ વેદાંતમાં જે સ્થાન દેશિકાચાર્યનું છે, તે સ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના તત્ત્વજ્ઞાનમાં મહામુનિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું છે.

સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો જન્મ સં. 1837માં મહા સુદ આઠમે સોમવારે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં બુઢેલી નદીના કાંઠે વસેલા ટોરડા ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ હતું. પિતા મોતીરામ ઠાકર અને માતા જીવીબા બંને ઉચ્ચ કોટીના દૈવી જીવ હતા. 'પુત્રના લક્ષણ પારણામાં' એ લોકોક્તિ પ્રમાણે બાલ્યકાળના પ્રત્યેક પ્રસંગો ખુશાલનું જન્મસિદ્ધ યોગેશ્વર તરીકેનું અપાર સાર્મથ્ય પ્રગલ્ભપણે પ્રગટ કરે છે. ખુશાલ ત્રણ વરસના થયા ત્યારે એમની બાળલીલામાં સહભાગી થવા સ્વયં શામળાજી એમની સાથે રમવા આવતા. પાંચમા વરસે ખુશાલને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. ઉપવિત સંસ્કારથી સાતમે દિવસે મોતી ઠાકરે ખુશાલને મુડેટીના ભોળાનાથ શુકલને ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. ખુશાલે બાર વરસ ગુરુગૃહે રહીને વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત અને તર્કશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સત્તર વરસની કિશોર વયે ખુશાલ અત્યાર સુધી કરેલા અધ્યયનની પરીક્ષા આપવા માટે કાશી ગયા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર લગભગ દોઢ વરસ જેટલું રહીને ખુશાલભાઈ પરીક્ષામાં ઉચ્ચ ગુણે ઉત્તિર્ણ થઈ વેદવેદાંતપારંગત અને વ્યાકરણકેસરી જેવી પદવીથી વિભૂષિત થયા.

કાશીથી નીકળી બદરિકેદાર ઇત્યાદિ ચાર ધામોની યાત્રા કરી ટોરડા પરત આવ્યા બાદ ખુશાલભાઈએ પાઠશાળાનો પ્રારંભ કર્યો. હવે તેઓ ખુશાલ ભટ્ટ તરીકે ઓળખાવા લાગ્યા. ખુશાલ ભટ્ટ વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે ભજન પણ કરાવતા. ખુશાલ ભટ્ટની પાઠશાળા એ ફક્ત વ્યાકરણની વિદ્યાપીઠ જ નહોતી, પરંતુ અધ્યાત્મની આધારશીલા પણ હતી. ત્યાં સાહિત્યની ઉપાસનાની સાથે સાથે સમાધિના વિરલ અનુભવોનો પણ સઘન અભ્યાસ કરાવાતો.

પચ્ચીસ વરસની વયે ખુશાલ ભટ્ટના લગ્ન ચિત્રોડા ગામના વ્યાસ કુટુંબની કન્યા કુશળબા સાથે થયા. લગ્નના એક વરસ બાદ એમને ત્યાં કોમળ કળી સમી સુંદર કન્યા અનુપનો જન્મ થયો. છતાં પણ ખુશાલ ભટ્ટનું અંતર હંમેશાં સંસાર પ્રતિ અનાસક્ત જ રહ્યા કરતું. તેથી તેઓ ટોરડાની પૂર્વ દિશામાં આવેલા ધારેશ્વરના ડુંગરોમાં દિવસો સુધી અન્નજળ લીધા વિના વાઘ અને અજગર જેવાં વિકરાળ પ્રાણીઓના સાનિધ્યમાં ધ્યાનમગ્ન બનીને બેસી રહેતા. સ.Дગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી 'ભક્તચિંતામણિ'માં એમના વિશે લખે છેઃ

'એવા ભક્ત તે ખરા ખુશાલ,

જેને ન ગમી સંસારી ચાલ.

બાળપણામાં રાચ્યા ભજને,

બીજું કાંઈ ગમ્યું નહિ મને.'

એક વાર ખુશાલ ભટ્ટ નભોઈ ગયા હતા ત્યારે ત્યાં તેમનો ભેટો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સર્વેશ્વરાનંદ સાથે થતાં એ સંતો સાથે ડભાણ જઈને તેમણે શ્રીજીમહારાજના દર્શન કર્યા. શ્રીહરિએ તેમને આશીર્વાદ આપીને કહ્યું : 'હમણાં તમે ઘરે જાઓ, સમય આવ્યે તમને બોલાવી લઈશું.' ખુશાલ ભટ્ટ ટોરડા પાછા ફર્યા, પરંતુ એમનું અંતર તો હંમેશાં ઝંખ્યા જ કરતું કે ક્યારે મને મહારાજ પોતાની પાસે બોલાવી લે.

થોડો સમય વિત્યા બાદ એક વાર ખુશાલ ભટ્ટ પોતાની પાઠશાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યારે એક વિદ્યાર્થીએ સમાધિમાંથી જાગૃત થઈને કહ્યુંઃ 'ગુરુજી, એક વટેમાર્ગુ વિપ્ર અચલેશ્વર મહાદેવની જગ્યામાં આપની વાટ જોઈને બેઠો છે.' ભટ્ટજી સમજી ગયા કે આ તો મારા વ્હાલીડાનું તેડું આવી ગયું છે. તત્કાળ તેઓ ઘરબાર, માતા-પિતા, પત્ની તથા બાળકીને છોડીને વટેમાર્ગુ વિપ્ર સાથે જેતલપુર ભણી ચાલી નીકળ્યા.

જેતલપુરમાં દેવસરોવરના કાંઠે મહોલ પાસે આસોપાલવના વૃક્ષ નીચે શ્રીજીમહારાજ ગાદી તકીયે વિરાજમાન હતા. શ્રીજી સન્મુખ સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં ખુશાલ ભટ્ટે આવીને શ્રીજીમહારાજને ચરણસ્પર્શ કર્યા. મહારાજે ઊભા થઈને પ્રગાઢ આલિંગનમાં લેતાં ભટ્ટજીને પૂછ્યું : 'અહો... તમે આવી ગયા? બોલો હવે તમારે શું કરવું છે?' બે હાથ જોડીને ખુશાલ ભટ્ટ બોલ્યાઃ 'મહારાજ, બસ હવે તો આપના ચરણોમાં રહીને બ્રહ્મવિદ્યા શીખવી છે અને બ્રહ્મભોજન કરવું છે!' મહારાજે પ્રસન્નતાપૂર્વક કહ્યુંઃ 'બ્રહ્મવિદ્યા તો તમારા વિશે અનાદિકાળથી છે! હા, બ્રહ્મભોજન તૈયાર છે... ચાલો આપણે સાથે... બ્રહ્મભોજન કરીએ.' શ્રીજીમહારાજ ખુશાલ ભટ્ટને પોતાની સાથે ગંગામાને ત્યાં લઈ ગયા અને પોતાની સાથે જ જમવા બેસાડ્યા.

જેતલપુરથી બીજે દિવસે શ્રીજીમહારાજ ખુશાલ ભટ્ટને સાથે લઈ ગઢપુર ગયા. થોડા દિવસ ગઢપુરમાં પોતાની સાથે રાખ્યા બાદ મહારાજે ખુશાલ ભટ્ટને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે વડોદરા મોકલ્યા. વડોદરામાં પાંચ વરસ જેટલા પોતાના રોકાણ દરમ્યાન ખુશાલ ભટ્ટે સત્સંગનો બહુ બહોળો પ્રચાર કર્યો. શ્રીનાથ પટેલ (નાથભક્ત), સદાશિવ પાઠક, શોભારામ શાસ્ત્રી, લક્ષ્મીરામ વૈદ્ય વગેરે અનેક મહાનુભાવો ખુશાલ ભટ્ટની પ્રખર વિદ્વત્તા અને દિવ્ય પ્રભાવને પરિણામે સત્સંગમાં આવ્યા.

એક વાર કોઈકે શ્રીજીમહારાજને પૂછ્યુંઃ 'મહારાજ, છેલ્લા પાંચ વરસથી ખુશાલ ભટ્ટ સત્સંગનો પ્રચાર-પ્રસારરૂપ સેવા કરી રહ્યા છે, એમને પરમહંસની દીક્ષા આપ ક્યારે આપશો?' મહારાજે કહ્યુંઃ 'ખુશાલ ભટ્ટનું પરમહંસપણું તો સ્વયંસિદ્ધ છે, છતાં લોકવ્યવહારે તેમને થોડા સમયમાં જ દીક્ષા આપીશું.'

સં. 1864ના કાર્તિક વદી આઠમના દિવસે શ્રીજીમહારાજે ખુશાલ ભટ્ટને ગઢપુરમાં અક્ષર ઓરડીમાં ભાગવતી દીક્ષા આપી તેમનું નામ 'ગોપાળાનંદ સ્વામી' પાડ્યું.

શ્રી હરિચરિત્રામૃતમ્ (અ.64, શ્લો.52)માં સ. ગુ. શ્રી કૃષ્ણાનંદ સ્વામી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો યથાર્થ પરિચય આપતાં લખે છેઃ

'ધ્યાન કરાવે ભક્તને, તેને થાય સમાધિ તે વાર.

ગોલોકાદિક લોકમાં, પહોંચાડે કરીને પ્યાર.

સ્વતંત્ર યોગી સિદ્ધ તે, કહે જનના મનની વાત;

એવા ચમત્કાર સિદ્ધમાં, મહા મોટા મુનિ વિખ્યાત.

મહિમા જાણે મહારાજનો, સર્વોપરી સુખકંદ;

અપાર ગુણે ઓપતા, જેનું નામ ગોપાળાનંદ.

અવતાર સમ અવતારીના, છે સંતનૃપ સુખકંદ,

તારા છુપાયે સૂર્યથી, કવિ કહે છે કૃષ્ણાનંદ.'

દીક્ષા પછી શ્રીજીમહારાજે સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળ બાંધીને સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે ફરી વડોદરા મોકલ્યા. વડોદરાના વસવાટ દરમ્યાન સ્વામીશ્રીએ ઘણાં મહત્ત્વના નોંધપાત્ર કાર્યો કર્યા, જેવા કે સત્સંગના દ્વેષી તાંત્રિક ઢુંઢુરાવનો પરાજય, ઢુંઢુરાવની પાંચ વર્ષની પુત્રી મથુરાને સમાધિ, મહારાજા સયાજીરાવ (બીજા)ને સત્સંગ, ભાઉ પુરાણિક તથા નારુપંત નાનાનો સત્સંગમાં પ્રવેશ, બાપુરામ ગાર્દીની સત્સંગ-દીક્ષા અને વડોદરામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડના ભાવભીના નિમંત્રણનો સ્વીકાર કરી શ્રીજીમહારાજ સં. 1882ના કારતક વદ પાંચમે વડોદરા પધાર્યા. આમ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં સત્સંગના વટવૃક્ષરૂપી બીજનું સિંચન કરી એને પાળી પોષી વિરાટ વડલામાં પરિવર્તિત કર્યું.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં યોગેશ્વર સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના પરમ દિવ્ય ઐશ્વર્યના જે પ્રસંગો નોંધાયેલા છે તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવા અજોડ છે. તેનું સંપૂર્ણ વિવરણ કરવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાય, માટે એ પૈકી થોડાં પ્રસંગોનો કિંચિત્ ઉલ્લેખ કરી સંતોષ માનીએ. બોટાદમાં જૈન મુનિ નેમીવિજયજીનો પરાભવ, સુંદરિયાણાના શેઠ હેમરાજશાની સત્સંગમાં શરણાગતિ, સારંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિષ્ઠા, વડોદરામાં યજ્ઞનારાયણના પ્રત્યક્ષ દર્શન ઇત્યાદિ અનેક પ્રસંગોમાં શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામી દ્વારા અપાર ઐશ્વર્યદર્શન કરાવ્યું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણનાં વચનામૃતોનું સંપાદન સંપ્રદાયના પાંચ અગ્રગણ્ય સંતો - સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી, સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી, સ. ગુ. શ્રી શુકાનંદ સ્વામી તથા સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ કરેલું છે. પરંતુ શ્રીજીમહારાજના એ અમૃત વચનોનો ગૂઢાર્થ તો એ સર્વે મોટેરા સંતોને પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યો ત્યારે જ તે સંતો સમજ્યા હતાં.

શ્રીજીમહારાજે સં. 1886ના જેઠ સુદ દશમે દેહોત્સવ કર્યો તે પહેલાં, એ દિવસે સવારે અક્ષર ઓરડીમાં બંને આચાર્યો તથા સર્વે અગ્રગણ્ય સંતો, હરિભક્તોને બોલાવી ભલામણ કરતાં સર્વેને કહ્યુંઃ 'આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે. એમને અમે બંને દેશના મધ્યસ્થી તરીકે સ્થાપીએ છીએ. અમારા આશ્રિત એવા તમો સર્વેએ એમની આજ્ઞામાં રહેવું અને જે એ રીતે નહિ રહે તે અમારો ભક્ત નથી.' આમ કહી મહારાજે બંને દેશના આચાર્યોના કાંડા પકડીને સ્વહસ્તે સ્વામીશ્રીને સોંપ્યા. પછી શ્રીજીમહારાજે સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સંતો, મૂળજી બ્રહ્મચારી ઇત્યાદિ બ્રહ્મચારી સંતો તથા દાદાખાચર, ભગુજી વગેરે હરિભક્તોને વ્યક્તિગત બોલાવીને સર્વેને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાની ખાસ ભલામણ કરી. આ આખોય પ્રસંગ સ્વામીશ્રીનું સર્વોત્કૃષ્ટ પરમહંસપણું બહુ સમ્યક્ રીતે સિદ્ધ કરે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદસંતો પૈકી જે સંસ્કૃત વાઙમયમાં નિપુણ કવિઓ હતા તેમાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું નામ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. સ્વામીશ્રીએ શ્રીમદ્ ભાગવતના દ્વિતીય, દશમ તથા એકાદશ સ્કંધની વિશદ તાત્પર્યદર્શક ટીકાઓ, શ્રીહરિસ્વરૂપ નિર્ણય, વિવેકદીપ, વેદસ્તુતિ પર ભાષ્ય, શ્રીભક્તિ સિદ્ધિ તથા વિષ્ણુયાગ પદ્ધતિ જેવા સંસ્કૃત ભાષામાં કુલ 19 ગ્રંથો રચ્યાં છે. તેમ જ ગુજરાતીમાં પાંચ અને શિક્ષાપત્રીનું મરાઠી ભાષાંતર એમ બીજા છ પુસ્તકો લખ્યાં છે. સ્વામીશ્રીએ સંસ્કૃતમાં અનેક સ્તોત્રોની રચના પણ કરી છે. એમની લેખનશૈલી અર્થગંભીર છતાં સરળ, સ્વતંત્ર અને તાત્પર્યને સ્પષ્ટપણે પ્રકાશિત કરનારી છે.

સં. 1908માં સ્વામીશ્રી ઉમરેઠ હતા ત્યારે તેમને ધ્યાનમાં મહારાજનો મહાસંદેશ મળ્યોઃ 'આત્મકલ્યાણ તો અમારા દિવ્ય સાકાર સ્વરૂપને યથાર્થ ઓળખવાથી જ થાય છે. માટે ભલે ગમે તેટલાં વિઘ્ન આવે, અમારા સર્વોપરી સ્વરૂપની ઉપાસના પ્રગલ્ભપણે સર્વત્ર પ્રવર્તાવો. આજે એમ નહિ કરો તો બીજાં હજાર વર્ષ સુધી તમારે જ તે કરવાનું રહેશે.' સ્વામીશ્રીએ મહારાજનો એ મહાસંદેશ અંતરમાં ઝીલી લીધો અને અનેક વિરોધ વંટોળ સામે સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનની જેહાદ જગાવી. પછી તો સ્વામીશ્રીએ સંતો, આચાર્યો અને હરિભક્તોની સભાઓમાં બેધડક બોલવા માંડ્યુંઃ 'સચરાચર વિશ્વમાં એક માત્ર પરબ્રહ્મ પરમાત્માની શક્તિ જ તારતમ્યતા પ્રમાણે સર્વમાં પ્રકાશે છે. સર્વે અવતારો, તીર્થંકરો, પયગંબરો, પ્રભુ-પુત્રો એ બધાં જ એ એકમાત્ર સ્વરૂપમાંથી જ પ્રગટે છે અને અંતે એમાં જ લીન થાય છે. એ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ આ યુગમાં મનુષ્ય સ્વરૂપે શ્રી સહજાનંદ સ્વામી યા ને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે અને એ જ આપણા ઇષ્ટદેવ છે.' એકેશ્વરવાદના અજોડ સિદ્ધાંતનો આ અર્ક હતો. સત્સંગમાં કુસંગરૂપ કેટલાક અનિષ્ઠ તત્ત્વોએ સ્વામીશ્રીની વાતોનો વિરોધ કર્યો, પરંતુ સાચને આંચ ન આવે એ પ્રમાણે સ્વામીશ્રીએ પ્રભુના આદેશ અનુસાર પોતાનું કાર્ય પૂર્ણ કર્યું.

સં. 1908ના વૈશાખ વદ પાંચમે વડતાલમાં સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો. એ વખતે દિવ્ય દૃષ્ટિવાળા અનેક સંત મુક્તોએ નજરે નિહાળ્યું કે ચારેકોર દિવ્ય તેજના અંબાર ઊભરાતા હતા. એમાં શ્રીજીમહારાજ અસંખ્ય મુક્તો સાથે દિવ્ય વિમાનમાં બેસી સ્વામીશ્રીને ધામમાં તેડી જવા સારુ પધાર્યા અને મહા ઐશ્વર્ય જણાવી સ્વામીશ્રી શ્રીહરિના દિવ્ય સાકાર સ્વરૂપમાં રસલીન થઈ ગયા. સ્વામીશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જ્ઞાનબાગમાં જ્યાં કરવામાં આવેલો ત્યાં આજે પણ એની સ્મૃતિરૂપે છત્રી વિદ્યમાન છે.

કાવ્યકૃતિ : (શ્રી હરિમહિમાષ્ટકમ્)

શ્રીધર્મસદ્મન્યવતીર્ય વિષ્ણુઃ ।

યો વાસુદેવો હરિકૃષ્ણ ઈશઃ ॥

શ્રી નીલકંઠોડત્રપુનાતિ ર્મત્યાંન્ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥1॥

યસ્ય સ્વરૂપે તિલલક્ષણાનિ ।

સ્વભક્તચેતાંસિ હરંતિ યદ્વત્ ॥

અયાંસિચાકર્ષમણિપ્રવેકાઃ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥2॥

યસ્યાક્ષરે ધામનિયત્પ્રસક્તાઃ ।

ક્રીડંતિ દિવ્યેડક્ષરસંજ્ઞમુક્તાઃ ॥

સમ્રાટતનૂજા ઈવ સર્વમાન્યાઃ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥3॥

યસ્યાસ્યપદ્મેડદ્ભુતભૂરિશોભે ।

વસંતિ નેત્રભ્રમરા જનાનામ્ ॥

હંસાયથા માનસપદ્મવૃન્દે ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥4॥

યઃ પોષયત્યત્ર નિજાન્ સ્વકીય ।

જ્ઞાનોપદેશેન સુધોપમેન ॥

વત્સાન્ સુશીલા પયસા યથા ગૌઃ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥5॥

પાષંડધર્માદ્યુધ્યને યસ્ય ।

શાકતા વ્યલીયન્ત યથોદિતેડર્કે ॥

દ્યૂકા વૃષદ્વેષિણ એવ ચાન્યે ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥6॥

યત્પાદપદ્મેડક્ષરમુક્તચેતો ।

ભૃંગા રમન્તે સરસીવમીનાઃ ॥

આસેવ્યમાને ભુવિ ભૂરિભક્તૈઃ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥7॥

યદીયસૌંદર્યગુણાદિપારં ।

શેષાદયો યાન્તિ ન યસ્ય ભક્તાઃ ॥

વાંછન્તિ નાપ્યક્ષરસૌખ્યમન્તઃ ।

ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥8॥

(સ્રગ્ધરાવૃત્તમ્)

ગોપાલાનન્દનામ્ના રચિતમતિશુભંવષ્ટકં સન્મયેદમ્ ।

પ્રીત્યૈ શ્રીધર્મસૂનોઃ પ્રકટભગવતઃ સ્વામિનારાયણસ્ય ॥

તન્માહાત્મ્યાવબોધં ય ઈદમિહ જનઃ શ્રાવયેત્કીર્ત્તયેત્ વા ।

સ સ્યાદ્વૈબ્રહ્મરૂપો હરિસ્તુલમુદં ચાપ્નુયાતત્ર ધાર્મિઃ ॥9॥

આસ્વાદ :

સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સમા સંત શિરોમણિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત સુંદર શબ્દમાધુર્ય, પદલાલિત્ય અને અર્થગાંભીર્ય ધરાવતું પ્રસ્તુત અષ્ટક અગિયાર માત્રાના ઉપજાતિ છંદમાં રચવામાં આવેલું છે. મંદિરોમાં સંધ્યા આરતી પછી જ્યારે આ અષ્ટકનું સમૂહ સંકીર્તનગાન થાય છે ત્યારે ગાનારા અને સાંભળનારાના અંતરમાં દિવ્ય આનંદના ઓઘ ઉતરે છે.

કવિ કહે છે : જે શ્રીધર્મદેવના ત્યાં પ્રગટ થયા છે, જે વિષ્ણુ છે, વાસુદેવ છે, હરિકૃષ્ણ છે, ઈશ છે, શ્રી નીલકંઠ છે, જે મન અને વાણીને અગોચર હોવા છતાં અનેક જીવોના કલ્યાણાર્થે સૌ કોઈને નયનગોચર વર્તે છે એવા ધર્મપુત્ર શ્રીહરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું હું ધ્યાન કરું છું.

ઉપરોક્ત ચરણમાં કવિએ શ્રીહરિ માટે જે વિશિષ્ટ વિશેષણો પ્રયોજ્યા છે તેનું ગહન ચિંતન અનિવાર્ય છે. અહીં કવિએ વિષ્ણુ શબ્દ અતિ વ્યાપક અર્થમાં વાપર્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સચરાચર વિશ્વની જડચેતન સૃષ્ટિ, જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી તથા માયા એ સર્વમાં પોતાની અન્વયશક્તિ દ્વારા નિરંતર વ્યાપીને રહેલા છે તેથી કવિ તેમને વિષ્ણુ કહે છે. વાસુદેવ એટલે સર્વ અવતાર સ્વરૂપો તથા સર્વ શક્તિસ્વરૂપોનું મુખ્ય સ્રોતરૂપ પરબ્રહ્મ પરમાત્મ સ્વરૂપ. શ્રીજીમહારાજનું જન્મ સમયનું એક નામ છે હરિકૃષ્ણ, તેનો તાત્ત્વિક અર્થ પણ સમજવા જેવો છે.

પોતાના આશ્રિતમાત્રના ત્રિવિધ તાપને હરી લઈ પોતાના રસાત્મક સ્વરૂપમાં ભાવુક ભક્તના અંતરને આકર્ષિત કરે તે હરિકૃષ્ણ. શ્રીજીમહારાજ સાચા અર્થમાં હરિકૃષ્ણ છે. જે અક્ષરબ્રહ્મ પર્યંત સૌ કોઈના નિયામક સ્વામી છે તેથી કવિ શ્રીહરિને ઈશ કહે છે. વળી વનવિચરણ દરમ્યાન શ્રીજીમહારાજનું નામ નીલકંઠ વર્ણી હતું. તાત્ત્વિક દૃષ્ટિએ જે તપસ્વી, ત્યાગી, જ્ઞાની અને યોગીઓમાં શ્રેષ્ઠ હોય તેને નીલકંઠ કહે છે. શ્રીજીમહારાજનું નીલકંઠ નામ પણ એમની વનવિચરણલીલાની દૃષ્ટિએ યથાર્થ જ છે! આ શ્લોક દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વવ્યાપક, સર્વસમર્થ અને સર્વતંત્ર સ્વતંત્ર છે, જ્યારે અક્ષરબ્રહ્મ પર્યંત સૌ કોઈ વ્યાપ્ત, અસમર્થ અને આધીન છે એ સિદ્ધાંત ફલિત થાય છે.

દ્વિતીય શ્લોકમાં કવિ શ્રીહરિના ભુવનમનોહર સ્વરૂપમાં રહેલાં ચિહ્નોનું પ્રગલ્ભ સ્વરે ગાન કરે છે. સ્વભક્તજનોના લાલનપાલન કરવાના હેતુથી ભગવાને ધારણ કરેલા માનુષી સ્વરૂપમાં જેમ લોહચુંબક મણિ ઇત્યાદિ રત્નોને આકર્ષે તેમ ભક્તના મનને હરી લે એવાં તલ અને સામુદ્રિક ચિહ્નો રહેલાં છે. કવિ કહે છે - આ ચિહ્નો જેમના અંગમાં સ્વાભાવિકપણે રહેલાં છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું.

ભગવાન સદાય દ્વિભુજ દિવ્ય સાકારમૂર્તિ છે. અક્ષરધામમાં રહેલું દિવ્ય વ્યતિરેક સ્વરૂપ અને પૃથ્વી ઉપર અવતરેલું માનુષી સ્વરૂપ બંને અભિન્ન છે એ સિદ્ધાંત ઉપરોક્ત શ્લોકમાં ગર્ભિત રીતે સમજાવેલો છે.

યસ્યાક્ષરે...થી પ્રારંભાતા તૃતીય શ્લોકમાં કવિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધામ કેવું છે અને ત્યાં કેવા ભક્તો રહેલા છે તેનું વિવરણ કરતા કહે છેઃ જેમના ધામનું નામ અક્ષર છે, જેટલા લોક કહેવાય છે- ધામ કહેવાય છે એ સર્વ લોક અને ધામથી પર અક્ષરધામ છે. એવા અક્ષરધામમાં ભગવાનનું સાર્ધમ્ય પામેલા અક્ષરમુક્તો રહેલા છે અને એ સર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવારૂપી ક્રિડા કરી રહ્યા છે. જેમ કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય તેના પુત્રોને બીજા ખંડિયા રાજાઓ તથા પ્રજા આદરપૂર્વક સન્માનતા હોય તેમ જીવકોટીથી માંડીને અક્ષરકોટી પર્યંત સર્વે અક્ષરમુક્તોનું પ્રેમ અને આદરથી સન્માન કરે છે. કવિ કહે છે એવા અક્ષરધામને ધારી રહેલા તથા અક્ષરમુક્તો દ્વારા સેવાયેલા શ્રીહરિનું હું ધ્યાન કરું છું. આ શ્લોક દ્વારા ભગવાન શ્રીહરિ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે. અક્ષરધામમાં ભગવાનના સાધમ્ય પામેલા અક્ષરમુક્તો પરમાત્માના સ્વરૂપનો આનંદ લેવા રૂપી ક્રિડામાં અહોનિશ કિલ્લોલ કરે છે - એ તાત્ત્વિક રહસ્ય સમજાવવામાં આવેલું છે.

ભગવાનને હંમેશાં પોતાના ભક્તજનો જ પ્રિય હોય છે, તેથી ભક્તવત્સવ ભગવાન સદાય ભક્તોને જ વશ વર્તે છે. આ સિદ્ધાંત સમજાવતાં કવિ ચતુર્થ શ્લોકમાં કહે છેઃ જેમ માનસરોવરમાં હંસો શોભી રહ્યા છે તેમ જેમના અદભુત મુખારવિંદની કમનીય કાંતિનો અપૂર્વ આલ્હાદ્ ભક્તોરૂપી ભ્રમરો માણી રહ્યા છે એવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું. ભગવાનને પોતાનો ભક્ત પોતાની આંખની કીકી (Apple of eyes) સમાન પ્રિયતમાદપિ પ્રિયતર હોય છે, જેમ મનુષ્ય પોતાની આંખો દ્વારા જગતને નિરખે છે તેમ ભગવાન પોતાના ભક્તો દ્વારા આ જગતને જુએ છે અને જગતને જો ભગવાનના દર્શન કરવા હોય તો પ્રભુના પ્યારા ભક્તોની આંખોમાં એની ઝાંખી અવશ્ય થઈ શકે છે.

હવે પંચમ શ્લોકમાં ભગવાન પોતાના લાડીલા ભક્તોનું જતન કેવી રીતે કરે છે તે સમજાવતાં કવિ ગાય છેઃ જેમ સુશીલ ગાય પોતાના વાછરડાંને પયપાન કરાવી તેનું પાલન પોષણ કરે છે એ રીતે જે પોતાના જ્ઞાનોપદેશરૂપી વચનામૃતોથી સ્વભક્તજનોનું સદા પોષણ અને રક્ષણ કરે છે એવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું. જગતના જીવો પોતાના કર્મ અને પ્રારબ્ધ પ્રમાણે જીવન જીવે છે, જ્યારે ભગવાનના ભક્તોનું કર્મ અને પ્રારબ્ધ ભગવાન જ હોય છે. ભક્તોના યોગ અને ક્ષેમનું વહન હંમેશાં ભગવાન કરે છે એ માર્મિક સિદ્ધાંત અહીં કવિને અભિપ્રેત છે.

ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે તે સાથે એમને ત્રાસ આપનારા અનિષ્ટ તત્ત્વોનો નાશ પણ આપોઆપ જ કરે છે. ભક્ત પ્રહ્લાદનું શ્રીહરિએ દુષ્ટ હિરણ્યકશિપુથી રક્ષણ કર્યું, એટલું જ નહિ સાથે સાથે એ દુષ્ટાત્માનો તત્કાળ નાશ પણ કર્યો. આ હકીકતને સમજાવતાં કવિ ગાય છેઃ જેમ સૂર્ય ઉદય થતાં જ અંધકાર આપોઆપ નાશ પામે છે તેમ ભગવાનનું પ્રાગટ્ય થતાં જ પાખંડધર્મ, શાક્તધર્મ અને ધર્મના દ્વેષી અધર્મી તત્ત્વો આપોઆપ નાશ પામે છે. જીવનમાં સુખ, શાંતિ અને પ્રકાશના પ્રદાતા એક માત્ર પરમાત્મા જ છે, અને અધર્મીઓ ગમે તેટલો ઉત્પાત મચાવે પરંતુ અંતે તો તેમનો નાશ નિશ્ચિત જ છે એ રહસ્ય ઉપરોક્ત શ્લોકમાં સ્ફૂટ થાય છે.

સપ્તમ શ્લોકમાં મહામુનિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગાય છેઃ જેમ પુષ્પની આસપાસ ભ્રમરો ભમે છે, જેમ જળમાં માછલાં રમે છે તેમ અક્ષરધામમાં અક્ષરમુક્તોથી જે સદાય સેવાયેલા છે એ જ પરાત્પર પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર મનુષ્યરૂપે વિચરે છે ત્યારે અનેક ભક્તજનોથી અહોનિશ સેવાયેલા રહે છે એવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું ધ્યાન કરું છું.

આપણાં શાસ્ત્રો કહે છે કે ભક્તો ભક્તિ ઉપાસનાની ફળશ્રુતિ સ્વરૂપે પ્રાપ્ત થતી પરમાત્મકૃપાના પરિણામે ભગવાનનું પરમ સાર્ધમ્ય પામે છે. પરમાત્માનું સાર્ધમ્ય એટલે પરમાત્મા જેવા જ રૂપ, ગુણ, સ્વરૂપ, સાર્મથ્યની પ્રાપ્તિ. પરંતુ કવિ કહે છેઃ ભગવાન શ્રીહરિના અપ્રતિમ સૌંદર્ય અને અપરંપાર ગુણોનું અહોનિશ ગાન શેષાદિક કરે છે છતાં તેનો પાર તેઓ પામી શકતા નથી. એવા અનંત ગુણોથી વિભૂષિત ભક્તો પણ અક્ષરબ્રહ્મનું સૌખ્યસુખ કે સાર્ધમ્ય ઇચ્છતા નથી, એમની એકમાત્ર ઇચ્છા રહે છે હજૂરની સેવા- ભગવત્સ્વરૂપની સેવા. એ સિવાય એ બીજું કાંઈ ઇચ્છતા નથી. એવા જેમના ભક્તો છે તેવા શ્રી ધર્મદેવના પુત્ર શ્રીહરિનું હું સદા ધ્યાન કરું છું. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો પરમ ભક્ત ભગવાનના સ્વરૂપની સેવા સિવાય મુક્તિ યા ઐશ્વર્ય ક્યારેય નથી ઇચ્છતો એ જ આ શ્લોકનું તાત્પર્ય છે.

અંતે અષ્ટકનો ઉપસંહાર કરતાં કવિ કહે છે કે શ્રીજીમહારાજની પ્રસન્નતાર્થે મેં આ શુભ અષ્ટકની રચના કરી છે. શ્રીહરિનો મહિમા દાખવતા આ અષ્ટકનું જે મનુષ્ય ભક્તિભાવથી શ્રવણકીર્તન કરશે તે બ્રહ્મરૂપ થશે અને જે બ્રહ્મરૂપ થઈને આનું શ્રવણકીર્તન કરશે તેના ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની અત્યંત પ્રસન્નતા ઉતરશે.