૬. પૂર્વેનું પુણ્ય પ્રગટ થયું જ્યારે...
વાસણા ગામના તરવાડી મેવાડા બ્રાહ્મણ જેરામ ભટ્ટે જ્યારે જાણ્યું કે સાંપ્રત સમયમાં શ્રીહરિ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને હાલમાં સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર વિચરી રહ્યા છે ત્યારે તેઓ સહસા સોરઠ આવ્યા. ધોરાજીમાં તેમને શ્રીજીમહારાજના પ્રત્યક્ષ દર્શન થયા. પ્રથમ મિલનમાં જ ભાવુક હૃદયના ભૂદેવ પામી ગયા કે આ જ પરાત્પર પરમાત્મા છે. મહારાજે પણ ભટ્ટજીને નિર્વાસનિક મુમુક્ષુ જાણી પોતાની પાસે રાખ્યા. થોડા સમય બાદ જેરામ ભટ્ટના અતિ આગ્રહને વશ થઈને મહારાજે તેમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપી તેમનું નામ જયાનંદ ઉર્ફે જયરામાનંદ વર્ણી રાખ્યું, પરંતુ સત્સંગમાં તેઓ બહુધા જેરામ બ્રહ્મચારીના નામે જ ઓળખાય છે.
જેરામ બ્રહ્મચારી મોટેભાગે મૂળજી બ્રહ્મચારીની જેમ શ્રીજીમહારાજની નિશ્રામાં તેમની સેવામાં રહેતા હતા. તેઓ બહુ શારીરિક સ્ફૂર્તિવાળા હોવાથી ઘણીવાર શ્રીહરિ સાથે બહારગામ જતા ત્યારે દિવસમાં ચાળીસ ગાઉ જેટલું અંતર પગપાળા ઝડપભેર સરળતાથી કાપી નાખતા. ક્યારેક મહારાજ ચાલતા ચાલતા થાકી જતા ત્યારે બ્રહ્મચારી તેમને પોતાના ખભે બેસાડીને બીજે ગામ પહોંચાડતા. આ સિવાય તેઓ શ્રીજીમહારાજના વસ્ત્રો ધોવાની સેવા નિયમિતપણે કરતા. આપણાં ધર્મશાસ્ત્ર સત્સંગિજીવનમાં આ વાત સુપેરે નોંધાયેલી દૃષ્ટિગોચર થાય છે. (સ.જી.તૃ.પ્ર.અ.2)
એકવાર શ્રીજીમહારાજ સરવૈ ગામે જીવણાંધાધલના દરબારમાં થાળ જમતા હતા ત્યારે મહારાજે સૌ પ્રથમ મૂળજી બ્રહ્મચારીના ઉમદા ગુણોની ભરપેટ પ્રશંસા કરી. પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીની જેમ જ પોતાની સેવામાં તત્પર રહેતા જેરામ બ્રહ્મચારીના વખાણ કરતાં બોલ્યાઃ 'આ જેરામ બ્રહ્મચારી પણ મૂળજી બ્રહ્મચારીની જેમ અતિ શુદ્ધ છે.'
શ્રીજીમહારાજ હંમેશાં સંતોને જુદા જુદા પ્રદેશોમાં સત્સંગના પ્રચાર અને પ્રસાર અર્થે ફરવા મોકલતા હતા. એકવાર મહારાજે જેરામ બ્રહ્મચારીને પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈ સત્સંગ કરાવવાની આજ્ઞા કરી. બ્રહ્મચારી તો પંચમહાલના ગામે ગામ ફરી વળ્યા. એમની ભ્રમણયાત્રાના અંતે જ્યારે તેઓ સુથરામપુરમાં સત્સંગ કરાવીને ગઢપુર પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં એક જંગલ આવ્યું. જંગલમાં ખાખરાના વૃક્ષો ઉપર સુંદર કેસૂડા ખીલ્યાં હતાં. તેવામાં એક પલાસનું વૃક્ષ બ્રહ્મચારીને જોઈને વગર વાયુએ ડોલવા લાગ્યું. આ જોઈને બ્રહ્મચારીને વિચાર આવ્યોઃ આ વૃક્ષના કેસૂડામાંથી રંગ તૈયાર કરીને શ્રીહરિને આપી આ વૃક્ષનો મોક્ષ કરાવીએ. એમ વિચારી બ્રહ્મચારીએ તે ખાખરાના વૃક્ષના થડ ઉપર મંત્ર બોલીને જળ રેડ્યું, એટલામાં તો તે ઝાડ કંપવા લાગ્યું અને જોતજોતામાં બધા જ કેસૂડા જમીન ઉપર ખરી પડ્યા. તે કેસૂડાના ફૂલ લઈને બ્રહ્મચારી ગઢપુર આવ્યા. કેસૂડામાંથી કસુંબલ રંગ તૈયાર કરી બ્રહ્મચારીએ મહારાજને આપ્યો. મહારાજે અત્યંત પ્રસન્ન થઈને તે રંગ પોતાના રેંટામાં છાંટ્યો અને બાકીનો પ્રસાદીનો તે રંગ સંતો ને હરિભક્તો ઉપર ઉડાડ્યો. ચારેકોર રંગ અને સુગંધસભર ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું. મહારાજે પછી એક મહત્ત્વની વાત કરતાં સૌને કહ્યુંઃ 'આ પલાસના વૃક્ષની પૂર્વ કથા કંઈક એવી હતી કે પૂર્વે તે એક તપસ્વી હતો, પરંતુ પોતાના ઉગ્ર તપના અહંકારમાં તેનાથી એક ઋષિનો અપરાધ થઈ ગયો. એ બ્રહ્મનિષ્ઠ ઋષિના શાપને કારણે તે તપસ્વી આ ખાખરાના વૃક્ષ તરીકે જન્મ્યો હતો. આ ખાખરાનો મોક્ષ કરીને જેરામ બ્રહ્મચારીએ અતિ ઉત્તમ કાર્ય કર્યું છે.'
શ્રીજીમહારાજના અનન્ય સેવક હોવા ઉપરાંત જેરામ બ્રહ્મચારી એક સિદ્ધહસ્ત કવિ હતા. તેમના અસંખ્ય પદો સંપ્રદાયમાં ઘેરેઘરે ગવાય છે. એમના પદોમાં શ્રીજીમહારાજનો આત્યંતિક મહિમા પ્રગલ્ભપણે અભિવ્યક્ત થયેલો અનુભવાય છે.
જેરામ બ્રહ્મચારીની બીજી એક વિશિષ્ટતા એ હતી કે તેઓ રસોઈકળામાં અત્યંત નિપુણ હતા. શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી ગઢપુરમાં દિવસો સુધી સંતો-હરિભક્તો માટે રસોઈનું આયોજન ચાલ્યું ત્યારે જેરામ બ્રહ્મચારીએ ખૂબ લાડુ ખાંડેલા, પરિણામે તેમનું સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા અને ભારે પરિશ્રમને કારણે કથળી ગયું. બ્રહ્મચારીએ શ્રીહરિને ગદગદ્ કંઠે પ્રાર્થના કરીઃ 'પ્રભુ, હવે આ દેહથી વધુ સેવા થઈ શકે તેમ નથી માટે મહારાજ હવે અક્ષરધામમાં આપની હજૂરમાં મને કૃપા કરીને રાખો.' મહારાજે બ્રહ્મચારીની પ્રાર્થના તત્કાળ સાંભળી. સં. 1887માં બ્રહ્મચારી મહારાજ ગઢપુરમાં સ્વધામ સિધાવ્યા.
કાવ્યકૃતિ :
પૂર્વેનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા ત્યારે. 1
નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણકામ થયું મારું ત્યારે. 2
પ્રેમ કરી મંદિર પધરાવ્યા, શ્યામસુંદરવર મનડે રે ભાળ્યા. 3
નિરખી નારાયણની મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળિયા મારા ત્યારે. 3
કેસરચંદન ર્ચચ્યુ છે ભાલે, હસતા સુંદર ખાડા પડે છે ગાલે. 5
કાનમાં કુંડળ મકરાકૃત શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે. 6
આસ્વાદ :
ભગવાન શ્રી સ્વામિનારાયણના અંતેવાસી સેવક જેરામ બ્રહ્મચારી રચિત પ્રસ્તુત પદમાં પરમાત્માના મિલનનો આનંદ-મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયો છે.
કવિ દેવોને પણ દુર્લભ એવી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉપલબ્ધિના આનંદને અંતરના અહોભાવથી મહિમાસભર શબ્દોમાં ગાય છે.
આ બ્રહ્માંડના વૈરાજ પુરુષે હજારો વર્ષો સુધી ઉગ્ર તપ કરી પુરુષોત્તમનારાયણ પાસે આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું વરદાન પ્રાપ્ત કર્યું ત્યારે આ લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા, છતાં પણ કમભાગી જીવો એમને ઓળખી શક્યા નહોતા. જેના અનેક જન્મોના સુકૃત્યો એકી સાથે ફળ દેવા માટે સક્રિય થયાં હોય તેવા બડભાગી મનુષ્યો જ એમને ઓળખીને એમના શરણે ગયા.
કવિ અનુભવના સત્યનો સમ્યક્પણે સ્વીકાર કરતા કહે છે : મારા અનેક જન્મોના સત્કર્મોના ફળસ્વરૂપે મને ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા, ઓળખાયા અને અંતઃકરણપૂર્વક એમનો આશ્રય પ્રાપ્ત થયો. સાચું કહું ને તો એમનો યથાર્થ મહિમા સમજાયા પછી અંતરની આંખે જ્યારે મેં એમના અલૌકિક સ્વરૂપને નિરખ્યું ત્યારે જ હું પૂર્ણકામ થયો. મારા મનમંદિરમાં મેં સ્નેહપૂર્વક શ્રીહરિને પધરાવ્યા. પરમાત્મા તો रसो वै सः છે. એમનું રસાત્મક સ્વરૂપ મારા મનડામાં વસી ગયું. જ્યારે મારા અંતરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થયો - સહજભાવે શ્રી સહજાનંદના દર્શન થયાં ત્યારે તત્કાળ મારા ત્રિવિધ તાપ - આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી ગયા.
હવે કવિ પોતે નિરખેલી નયનરમ્ય મૂર્તિ કેવી છે તેનું માર્મિક વર્ણન કરતાં કહે છે : શ્રીહરિએ લલાટમાં કેસરચંદનની અર્ચા કરી છે. એ હસે છે ત્યારે એમના ગાલમાં સુંદર ખંજન પડે છે. વળી શ્રીજીના કાનમાં સુંદર મકરાકૃત કુંડળ શોભી રહ્યા છે. અહીં કવિ પોતાની કવિત્વ શક્તિનો કમાલ દેખાડે છે. કવિ એમ નથી કહેતા કે સુંદર મકરાકૃત કુંડળને કારણે શ્રીહરિ શોભી રહ્યા છે, પરંતુ એમનું એવું માનવું અને કહેવું છે કે મારા પ્રભુનું સ્વરૂપ એટલું બધું સુંદર છે કે એમની અલૌકિક શોભાને લીધે એમને કૃપા કરીને કાનમાં ધારણ કરેલા કુંડળ પણ શોભી રહ્યાં છે. શ્રીજીમહારાજનું આવું અનુપમ સ્વરૂપસૌંદર્ય જોઈને કવિનું મન એ સૌંદર્યનું વધુ ને વધુ રસપાન કરવા માટે લલચાય છે - લોભાય છે.
પ્રસ્તુત પદ સુગેય અને પ્રસાદમધુર છે.