૭. ત્વદ્રૂપે નિશ્ચલા મે મતિઃ ।
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજીસમકાલીન નંદસંતોની શ્રેણીમાં યોગાનંદ નામે બે સંતોનો ઉલ્લેખ છે. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃતમ્માં લખે છેઃ
'યોગાનંદ મોટા યોગી' (અ.65)
આ યોગનિષ્ઠ યોગાનંદ સ્વામી ઘણુંખરું ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં નિવાસ કરી હંમેશાં યોગ સાધનામાં રત રહેતા. શ્રીહરિ ચરિત્ર ચિંતામણિ (ભાગ-2, વાર્તા-67)માં એમનો એક અનોખો પ્રસંગ આવે છે.
એકવાર વાડીએથી યોગાનંદ મુનિએ દાદાખાચરના દરબારમાં શ્રીજીમહારાજને એવો સંદેશો મોકલ્યો કે આજે સંધ્યાકાળે સભા પ્રસંગે હું મારા મૂળ સ્વરૂપે આપના દર્શન કરવા આવીશ. એ જ દિવસે સાંજે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડાના વૃક્ષ નીચે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા અને એમની સમક્ષ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ વખતે અચાનક સુસવાટાભેર વાયુનો વંટોળ આવતા આકાશમાં ઊંચે ધૂળની ડમરીઓ ચડવા લાગી. થોડીવારમાં ઝીણી ઝીણી બુંદોરૂપે વરસી વાદળો વિખેરાઈ ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યુંઃ 'સ્વામી, આ વાયુનો વંટોળ ને વરસાદના અમી છાંટણાં કોણ કરી ગયું ખબર છે? વાયુ અને વૃષ્ટિ જેમને મુખ્યપણે છે તે ઇંદ્રના અવતારસમા આપણા યોગાનંદ સ્વામી સભાના દર્શન કરવા આવ્યા હતા તે અમી વર્ષા કરી તમારી સર્વેની પૂજા કરીને ગયા.' મહારાજની વાત સાંભળીને સભામાં સૌ દિગ્મૂઢ થઈ ગયા. વાયુ ને વૃષ્ટિનો દેવ ઇંદ્ર યોગાનંદ રૂપે અવતરી શ્રીજી અને સંતોની નિશ્રામાં આત્યંતિક કલ્યાણની વાંછના કરતો હતો. ક્યારેક અનાવૃષ્ટિ થતી ત્યારે ભક્તોની આજીજીથી યોગાનંદ સ્વામી માગ્યો મેહ વરસાવી સત્સંગીઓને રાજી રાખતા. આ યોગસિદ્ધ યોગાનંદ મુનિ ભૂસ્તર શાસ્ત્રના પણ પ્રખર જાણકાર હતા. ઉનાળામાં દાદાના દરબારમાં પાણીની બહુ તાણ વર્તાતી હોવાથી મહારાજે એક કૂવો ગળાવવાનું નક્કી કર્યું. મહારાજની આજ્ઞાથી યોગાનંદ સ્વામીએ આખા દરબારમાં ફરી પોતાની વિદ્યાના પ્રતાપે શોધી કાઢ્યું કે મીઠા પાણીનો અખૂટ જળભંડાર અક્ષરઓરડીની દક્ષિણ બાજુમાં છે. મહારાજે ત્યાં કૂવો ગળાવી એ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો આપ્યું.
બીજા યોગાનંદ સ્વામી સંસ્કૃતના પ્રખર પંડિત, રસજ્ઞ કવિ તથા સંગીતજ્ઞ ગવૈયા હતા. વચનામૃતમાં (ગ.પ્ર.78) એમને શ્રીજીમહારાજે સત્સંગના મોટેરા સંતો પૈકીના એક ગણાવ્યા છે.
નંદમાળામાં સદગુરુ મંજુકેશાનંદ સ્વામી તેમના વિશે નોંધે છેઃ
'યોગાનંદ મોટામુનિ, કર્યા પ્રથમ શુભ રીત,
યોગાનંદ નામ એક, ગુણિ ગવૈયા પુનિત.'
ઉત્તર ગુજરાતના ગલોથર ગામમાં રણજિતસિંહ નામના ક્ષત્રિય રાજવંશીને ઘેર સં. 1841ના ચૈત્ર સુદના ગુડી પડવાને દિવસે એમનો જન્મ થયો હતો. માતા રૂપવતીબા પરમ ભગવદીય સન્નારી હતા. એમનું પૂર્વાશ્રમનું નામ વનરાજ હતું.
એકવાર શ્રીજીમહારાજ દંઢાવ્ય દેશમાં વિચરણ કરતાં કરતાં અમદાવાદ પાસે કણભા ગામે પધાર્યા. ગલોથર ને આજુબાજુનાં ગામના મુમુક્ષુઓ મહારાજનાં દર્શને ઉમટ્યા. એમાં વનરાજ પણ હતો. મહારાજે વનરાજના મસ્તકે પોતાનો વરદ હસ્ત મૂકતા કહ્યુંઃ 'અમારી સાથે આવવું છે?' વનરાજ હા ના કાંઈ કહી ન શક્યો. પરંતુ ઘેર ગયા પછી એના અંતરને ચેન ન પડ્યું. થોડા દિવસો જેમ તેમ કાઢ્યા પછી એક દિવસ તેણે માતાપિતાને કહ્યુંઃ 'મારે મહારાજ પાસે જવું છે, તેમની નિશ્રામાં રહી જીવનને ધન્ય કરવું છે, માટે મને રજા આપો.' માતાપિતાએ રજા ન આપી, એને સમજાવી પટાવી ખેતીના કામકાજમાં જોડી દીધો. પરંતુ વનરાજના અંતરમાં તો મહારાજની મોહિની મૂરત ઘર કરી ગઈ હતી. તેથી દિવસો વીતતા ગયા તેમ તેમ વનરાજનો પ્રેમ પ્રગાઢ બનતો હતો. છેવટે માતાપિતાએ રાજીખુશીથી રજા આપી. શ્રીહરિને શોધતાં શોધતાં વનરાજ વહેલાલ આવ્યો. શ્રીજીમહારાજે ત્યાં વનરાજને સાધુની દીક્ષા આપી 'યોગાનંદ' નામ ધારણ કરાવ્યું.
યોગાનંદ સ્વામી યુવાવસ્થામાં જ ત્યાગી થયા હોવાથી ઝાઝું ભણેલા નહોતા, પરંતુ મહારાજે તેમની સુષુપ્ત બુદ્ધિ-પ્રતિભાને પારખી સંસ્કૃતના તલસ્પર્શી અભ્યાસ માટે તેમને ધોળકા મૂક્યા. ભગવત્કૃપાથી તેઓ થોડા જ સમયમાં સંસ્કૃત વાઙમયમાં પારંગત બન્યા. પછી તો તેઓ જ્યારે શ્રીજીમહારાજનું સ્મરણ કરે ને સરસ્વતી વહેવા લાગે. મહારાજે તેમનામાં અદભુત કાવ્યશક્તિ મૂકી દીધી. એ શક્તિ સંસ્કૃત સાહિત્યમાં સોળે કળાએ ખીલી ઊઠી. સાહિત્યની સાથે સાથે તેમણે સંગીતની પણ સઘન સાધના કરી.
યોગાનંદ સ્વામીએ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ ખેડાણ કર્યું. અર્થગાંભીર્ય અને પદલાલિત્યની દૃષ્ટિએ એમના સ્તોત્રો 'જલધરસુંદર મદનમનોહર', 'વસતુ મે મતિ ધર્મનંદને', 'વિહરતિ યોડક્ષરે ક્ષરપદાઽક્ષરમુક્તપતિઃ' અદ્વિતીય છે. સ્તોત્રો ઉપરાંત એમણે 'બુધરંજની' નામનો એક અનુપમ ગ્રંથ રચ્યો. આ ગ્રંથ રચવાની પ્રત્યક્ષ પ્રેરણા સ્વયં શ્રીજીમહારાજે તેમને આપી હતી. આ ગ્રંથમાં 'શ્રીજીમહારાજ' એ છ અક્ષરના નામના ચોત્રીસ ઉપરાંત અર્થો જુદા જુદા શબ્દકોશોના આધારે સવિસ્તાર આપેલા છે. તેમણે બીજો ગ્રંથ લખ્યો 'પ્રશ્નોત્તરસાગર'. એમાં શ્રીજીમહારાજની વાણીનો સારાંશ સમાવ્યો છે. એમાં જેટલા વિષય છે તે વચનામૃતના આધારે લીધા છે. 'પ્રશ્નોત્તરસાગર' પૂર્ણ કરીને એમણે જ્યારે શ્રીજીને સમર્પિત કર્યો, ત્યારે મહારાજે પ્રસન્ન થઈને મોજ માગવાનું કહ્યું. યોગાનંદ સ્વામીએ તત્કાળ સ્તોત્ર ‘त्वद्रूपे निश्चला मे मतिः’ રચીને રજૂ કરી મહારાજ પાસે માગ્યું-'હે મહારાજ! મારી મતિ તમારા સ્વરૂપમાં અચલ રહો!' શ્રીજીમહારાજે તથાસ્તુ કહી પોતાનો વરદ હાથ તેમના મસ્તકે મૂક્યો.
એકવાર સત્સંગ પ્રચારાર્થે યોગાનંદ મુનિ દૂર દેશાવર ગયેલા. ઘણા સમયથી શ્રીજીમહારાજના દર્શન-સેવા-સમાગમ સાંપડેલા નહિ તેથી સ્વામીના અંતરમાં મહારાજના દર્શનની તીવ્ર ઉત્કંઠા જાગી. મુનિ મનોમન મહારાજને પ્રાર્થના કરતા ગાવા લાગ્યાઃ
‘जनपातकहारिणीं हरे जनतामेत्य तवात्र तत्पराम् ।
विरहानभहैमसन्निभां तव तां मा तनुमीश दर्शये ||'
અર્થાત્ 'હે મહારાજ! જનમાત્રના પાપને નાશ કરનારી, આશ્રિતોની વચ્ચે પ્રગટ થનારી, ભક્તપરાયણ આપની મૂર્તિ મારા વિરહાગ્નિને શાંત કરવા માટે હિમશીલા સમાન છે. હે પ્રભુ, એ મૂર્તિનું મને આપ દર્શન કરાવો.' સ્તોત્ર પૂરું થતાં સુધીમાં તો મહારાજ ત્યાં પ્રગટ થઈને બોલ્યાઃ 'આટલા અધીરા કાં બન્યા કવિ? આપણે તો અખંડ ભેળાને ભેળા જ છીએ.'
યોગાનંદ સ્વામીની સત્સંગ સેવા અજોડ હતી. સેલણા-ભમોદરાના દરબાર ઓઘડ ખુમાણ, વાસુર ખુમાણ, રામ ખુમાણ અને આંબરડીના જોગીદાસ ખુમાણ જેવા માથાભારે માણસોને પણ તેઓ સત્સંગમાં વાળી લાવ્યા હતા. મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે યોગાનંદ સ્વામીએ મહારાજને ભવ્ય ભાવાંજલિ અર્પતા લખ્યું હતુંઃ ‘सुरराजराज ! तव दर्शनं विना भगवन्नपि क्षणभर्वा युगायते |' - હે દેવાધિદેવ! તમારાં દર્શન વિના એક ક્ષણ પણ એક યુગ જેવી લાગે છે. મહારાજના વિરહમાં સ્વામીએ હૈયાફાટ વેદનાસિક્ત સ્વરે સ્તોત્રનું ગાન કર્યું. કહે છે ત્યારે તત્કાળ પ્રગટી મહારાજે સ્વામીને છાના રાખતા કહ્યુંઃ 'કવિરાજ, અમે ક્યાંય ગયા નથી. સત્સંગમાં અમે અખંડ પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છીએ, માટે જે આવી રીતે આર્ત સ્વરે અમને સંભારશે તેમની મનોકામના અમે અવશ્ય પૂરી કરીશું.'
સંવત 1802ના જેઠ વદ ચોથના દિવસે ગુરુવારે ધંધુકા પાસે તળાવના કાંઠે 61 વર્ષના યોગાનંદ સ્વામીએ યોગાસનમાં બેસી મહારાજની મૂર્તિમાં રસલીન થઈ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. એમની શિષ્યપરંપરાના સંતો મુખ્યત્ત્વે ગઢડામાં છે.
કાવ્યકૃતિ (યાચના સ્તોત્રમ્)
ત્વદ્રૂપે નિશ્ચલા મે મતિરતિરસિકા સ્યાત્સદા ભક્તિરૂપા
ત્વત્સૌખ્યેનૈવ સૌખ્યી સતતમતિતરાં સ્યાં ન ચાન્યેન જાતુ ।
માયાજાતા અનિત્યાસ્ત્વદિતરતનવોઽત્યન્તતુચ્છા ભવન્તુ
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥1॥
ભક્તિર્માહાત્મ્યયુક્તા ત્વયિ વૃષતનયે સ્યાચ્ય ધર્માદિયુક્તા
પ્રત્યૂહાદ્રક્ષણં મે કુરુ મદનમુખાધર્મસર્ગાત્તુ તસ્યામ્ ।
જ્ઞાનાદૌ તત્સહાયે ભવતુ દૃઢતરા ચ સ્થિતિધર્મવંશે
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥2॥
સાધૂનાં તે પ્રિયાણાં ભવતુ મમ સદા સંગ એકાંતિકાનામ્
કુંડાનાં નાસ્તિકાનાં વિટકુલમતિમત્સંગતિઃ ક્વાપિ ન સ્યાત્ ।
દાસત્વે દોષલેશોઽપિ ભવત ઈહ મે નાવશિષ્યેત કશ્ચિત્
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥3॥
દ્રોહસ્તે સેવિનાં તે ન ભવતુ મનસાપિ કવચિત્સજ્જનાનામ્
તિષ્ઠૈન્નૈવાન્યનિષ્ઠા હ્યણુરપિ હૃદિ મે વાસના સેવનાત્તે ।
દાસ્યં દુર્યાં સદાહં તવ નિકટગતો વાંછિતં સજ્જનાનામ્
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥4॥
દેહેડહંતાં તદીયે કવચિદપિ મમતા મે ન ચ સ્યાત્સુતાદૌ
સા તુ સ્યાન્મે સદૈવ ત્વયિ વૃષતનયે ચ ત્વદીયેષુ સત્સુ ।
નિત્યં બ્રહ્માત્મનો મે ત્વયિ રતિરધિકા સ્યાત્સદાનંદરૂપે
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥5॥
વિશ્વાસો વાચિ તે સ્થાન્મમકિલ કુહચિન્નાસ્તિકત્વં ન મે સ્યાત્
સલ્લક્ષ્માણ્યવ્યયાનિ સ્યુરપિ મયિ સદા ત્વત્પ્રણીતાનિ તાનિ ।
નો મે સ્યાદાસુરત્વં કવચિદવ જનકાત્તસ્ય કામાદિતોમામ્
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥6॥
નિત્યં ર્ત્વદ્શને મે નયનયુગમપિ સ્યાન્ત્વદીયેક્ષણે ચ
ત્વદ્ભુક્તાન્નેઽસ્તુ જિહ્વા પ્રભવતુ મમ વાક્ કીર્તિસંકીર્તને તે ।
કર્ણૌ મે ત્વત્કથાનાં શ્રવણપરતરૌ ત્વજ્જનોસ્યાત્ સદૈવ
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥7॥
ત્વત્સંકલ્પન્વિદધ્યાદૃનિશમપિ મનો મે ચ તચ્છુદ્ધિહેતૂન્
મચ્ચિતં ચિન્તનં તે વિદધતુ વપુષો નાસિકા ત્વત્સુગન્ધૌ ।
સેવાયાં તે સતાં તે વ્રજતુ કરયુગં મે ત્વદીયસ્યનિત્યં
હે નાથ! પ્રાર્થયે ત્વાં મુહુરિતિ સહજાનંદ! તદ્દેહિ મે ત્વમ્ ॥8॥
આસ્વાદઃ
સંસ્કૃત સાહિત્યમાં જેમ ઉપમા, શબ્દલાલિત્ય, અર્થગાંભીર્ય વગેરે બાબતોમાં મહાકવિ કાલિદાસ, ભારવિ તથા બાણનું સ્થાન સર્વોચ્ચ છે તેમ સ્વામિનારાયણ સંત સાહિત્યમાં ભાવનિરૂપણ અને ભગવત્પ્રસાદની બાબતમાં સદગુરુ યોગાનંદ સ્વામીનું સ્થાન અદ્વિતીય છે.
પ્રસ્તુત યાચના સ્તોત્રમાં પ્રત્યેક મુમુક્ષુએ પ્રાતઃપૂજા પછી પ્રભુ પાસે શેની યાચના કરવી તેનું બહુ સુંદર નિરૂપણ છે. સ્તોત્ર એકવીસ માત્રાના સ્ત્રગ્ધરા છંદમાં રચાયેલું છે. આ છંદ શાસ્ત્રીય સંગીતના શુદ્ધ રાગમાં પણ ભાવપૂર્ણ રીતે ગાઈ શકાય છે તે એની આગવી વિશિષ્ટતા છે. આ અતિ સુંદર ભાવવાહી અષ્ટકના અર્થને આચરણમાં મૂકવાથી જ તેનો મહામૂલો આનંદ માણી શકાય તેમ છે.
સંતકવિ યોગાનંદ સ્વામી પ્રભુ પાસે યાચના કરે છેઃ 'હે નાથ! હે સહજાનંદ મહાપ્રભુ! હું વિનમ્રભાવે વારંવાર પ્રાર્થનાપૂર્વક આપની પાસે યાચના કરું છું કે (નીચે જણાવેલી) ત્રણ બાબતો અતિ કૃપા કરીને મને આપો.
(1) આપના સ્વરૂપમાં મારું મન અને બુદ્ધિ હંમેશાં અત્યંત રસબસ થઈને ભક્તિભાવે અચળ જોડાયેલા રહો.
(2) આપની સાથે જ મારું સાચું સગપણ, સંબંધ, સખ્ય અને મૈત્રી થાઓ, આપના સિવાય અન્ય કોઈ સાથે મારે સગપણ, સંબંધ, સખ્ય કે મૈત્રી કદી ન હો.
અને (3) આપના સિવાય બીજાં બધાં પદાર્થો માયામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ક્ષણભંગુર અને અનિત્ય છે તેથી તે સર્વે અતિતુચ્છ અને ત્યાજ્ય છે - એવો નિશ્ચય મારામાં હંમેશાં પ્રવર્તો.'
અહીં કવિ પ્રભુ પાસે નિત્ય શેની યાચના કરવી તેની બહુ સુંદર વિક્તિ બતાવે છે. આ યાચનામાં ભારોભાર જ્ઞાન અને ભક્તિ ભળેલા છે. સાથે સાથે વૈરાગ્યનો વિશિષ્ટ ભાવ પણ વિધિવત્ દેખાય છે. શ્રીજીમહારાજના મતે જેનું મન ભગવાનના સ્વરૂપમાં અખંડ જોડાયેલું રહે તેને પછી કાંઈ કરવાનું રહેતું નથી, તેના સર્વ સાધનની સમાપ્તિ થઈ જાય છે. ભગવાનની મૂર્તિ તો ચિંતામણિતુલ્ય છે, ભગવાનની મૂર્તિમાં જેના મનની વૃત્તિ અખંડ રહે તે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાને ઇચ્છે તો તે તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ ઇત્યાદિ જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. (વચનામૃત - ગ.પ્ર.1) તેથી જ કવિ માગે છે, મહારાજ! આપના સ્વરૂપમાં મારી મતિ હંમેશાં અચળ રહો! વળી કવિ ખાસ ખુલાસો કરતા કહે છેઃ મારી મતિ અતિરસિક અને ભક્તિયુક્ત બનીને તમારા સ્વરૂપમાં અખંડ જોડાયેલી રહે. અહીં अतिरसिका તથા भक्तिरूपा એ બે વિશેષણો પ્રયોજીને કવિએ કમાલ કરી છે. દેહરૂપે સ્થૂળભાવે થતી લૌકિક ભક્તિનું કવિ બ્રહ્મભાવે થતી પ્રેમલક્ષણા ભક્તિમાં ઉર્ધ્વીકરણ કરી એ એકાંતિક ભક્તિને અતિરસિકા કહીને બિરદાવે છે. પરમાત્મા રસરૂપ છે, રસનિધિ છે, रसो वै सः છે. સર્વે રસ પરમાત્માના સ્વરૂપમાં સમાયેલા છે. એ પરમાત્માના સ્વરૂપમાં બ્રહ્મરૂપે સંલગ્ન થવું એ જ અતિરસિક પ્રેમલક્ષણા ભક્તિ છે. હરિવર સાથેનું સગપણ એ જ સાચું સગપણ છે, એ સિવાય માયાનું કાર્યરૂપ જગત જૂઠ્ઠું છે - મિથ્યા છે એવો ભાવ કવિને અહીં અભિપ્રેત છે.
દ્વિતીય શ્લોકમાં કવિ પ્રાર્થનાપૂર્વક પ્રભુ પાસે માગે છેઃ 'હે નાથ! હે સહજાનંદ મહાપ્રભુ! હું વિનમ્રભાવે વારંવાર પ્રાર્થનાપૂર્વક આપની પાસે યાચું છું કે -
(1) ધર્મદેવના પુત્ર એવા આપના વિશે મારી ભક્તિ હંમેશાં માહાત્મ્યજ્ઞાન તેમ જ ધર્મયુક્ત જ રહો.
(2) કામ ક્રોધાદિક અધર્મસર્ગોથી આપ સદાય મારું રક્ષણ કરો. અને (3) ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય વગેરેમાં મારી મતિ સ્થિર થઈ વૃદ્ધિ પામો અને આ બધાની પુષ્ટિ માટે ધર્મદેવના વંશમાંથી જેમને આપે આચાર્યપદે સ્થાપેલા છે તેમના વિશે મારી નિષ્ઠા સુદૃઢ રહે.'
એકલું જ્ઞાન કે એકલી ભક્તિ કાર્યસાધક બનતી નથી, પરંતુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારેયનો જેમાં સમન્વય સધાયેલો હોય એવો એકાંતિક ધર્મ જ મોક્ષોપકારક બને છે. ધર્મવંશી આચાર્યપદ પ્રત્યે પ્રત્યેક આશ્રિત સત્સંગીએ નિષ્ઠા રાખવી આવશ્યક છે.
તૃતીય શ્લોકમાં યોગાનંદ મુનિ વળી શ્રીહરિ પાસે માગે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું યોગાનંદ મુનિ આપની પાસે વિનમ્રભાવે વારંવાર માગું છું કે,
(1) આપને પ્રિય એવા આપના એકાંતિક ભક્તો અને સાધુઓનો જ સંગ સદા થાય એવી કૃપાદૃષ્ટિ કરજો.
(2) કુંડાપંથી, નાસ્તિક, વામાચારી અને શુષ્કવેદાંતીનો સંગ કદી ન થાય એવી કૃપા કરજો.
અને (3) આપની દાસત્ત્વભક્તિમાં લેશ પણ ખામી ક્યારેય કદી ન રહે એવી દયા રાખજો.'
મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિ માટેની સાધનભક્તિમાં સૌથી મહત્ત્વની બે બાબતો ધ્યાનમાં રાખવી ઘટે છે. એક તો એકાંતિક મુક્તોનો નિત્ય સંગ અને બીજી કુંડાપંથી, નાસ્તિક, વામાચારી અને શુષ્કવેદાંતી એ ચાર પ્રકારના કુસંગીઓથી હંમેશાં દૂર રહેવું. પોતાની દાસત્ત્વ ભક્તિમાં લેશમાત્ર ક્ષતિ ન રહે તે માટે હંમેશાં દાસાનુદાસ વૃત્તિ કેળવવી. પોતાના ભક્તનો જે ભક્ત બને છે તે ભગવાનને બહુ વહાલો લાગે છે.
વળી યોગાનંદ સ્વામી પ્રભુ પાસે માગે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું વિનમ્રભાવે આપની પાસે વારંવાર માગું છું કે,
(1) આપના ભક્તોનો મન-વાણી અને દેહથી ક્યારેય દ્રોહ ન થાય.
(2) મારા અંતરમાં આપની સેવા સિવાય અન્ય કોઈ વાસનાનો લવલેશ સરખોય ન રહે,
અને (3) જેમની સેવા સારાસારા સજ્જનો પણ ઇચ્છે છે એવા આપના મોટા મુક્તોના દાસનો પણ હું દાસ થાઉં.'
ભક્તિમાર્ગમાં સૌથી મોટું વિઘ્ન જો કોઈ હોય તો તે છે ભગવાનના ભક્તનો દ્રોહ. આ ગુનો એટલો મોટો છે કે એને ભગવાન ક્યારેય માફ કરતા નથી. એની સજારૂપે જીવ જડસંજ્ઞાને પામીને હંમેશને માટે મોક્ષપથ ઉપરથી દૂર ફેંકાઈને પતનની ઊંડી ગર્તમાં ગરકાવ થઈ જાય છે. માટે ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો. બલ્કે ભગવાનના ભક્તના દાસ થાવું. તેથી જ પ્રેમાનંદ સ્વામીએ પ્રભુ પાસે માગ્યું છે- 'દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું.'
પંચમ શ્લોકમાં કવિ આર્તસ્વરે પ્રભુ પાસે માગે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું વિનમ્રભાવે આપની પાસે વારંવાર માગું છું કે,
(1) દેહ તથા દેહસંબંધી વિષયો અને સંબંધોમાં અહંતા, તેમ જ સ્ત્રીસુતાદિકમાં મમતા મને ક્યારેય ન થાઓ.
(2) પણ એ અહંતા અને મમતા આપ તથા આપના ભક્તજનો માટે સદાય થાઓ,
અને (3) સદા સમ્યક્ આનંદ આપે એવી બ્રહ્માત્મભાવયુક્ત અતિ અધિક પ્રીતિ આપના પ્રત્યે જ થાઓ.'
યોગાનંદ મુનિ તો ત્યાગી હતા, દેહગેહની ઉપાધિથી રહિત હતા, છતાં તેમણે આવી અહંમમતાની નિવૃત્તિ માટેની માગણી શા માટે મૂકી હશે? કારણ, કવિની આ બધી યાચના મોક્ષાર્થી મુમુક્ષુની શિક્ષા અર્થે છે.
કવિ બ્રહ્માત્મભાવયુક્ત પ્રભુ પ્રત્યેની અતિ અધિક પ્રીતિની વાંછના કરે છે. ગ. પ્ર. 19મા વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છેઃ 'આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે દેહાભિમાનને યોગે કરીને બીજા પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય.' માટે દેહભાવે થતી પ્રભુભક્તિમાં નિશ્ચિતરૂપે વિઘ્ન આવે છે.
પ્રહ્લાદજી પરમ ભાગવત ભક્ત હતા અને તેમની રક્ષાના મિષે તો સ્વયં શ્રીહરિએ નૃસિંહરૂપે અવતાર ધારણ કર્યો હતો, છતાં પણ તેઓ પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને ભક્તિ ન કરતા હોવાથી જ્યારે બદરિકાશ્રમમાં ગયા ત્યારે ભગવાન નારાયણ દ્વારા માનભંગ થતાં તેમની સાથે યુદ્ધે ચડ્યા. યુદ્ધમાં પરાજિત થયા બાદ પ્રહ્લાદજીએ પ્રભુને પૂછયું કે, 'ભગવન્! આપને કેવી રીતે જીતવા?' ભગવાને રહસ્યસ્ફોટ કરતાં કહ્યુંઃ 'વત્સ, આત્મભાવે કરેલી નિષ્કામ ભક્તિથી જ ભક્ત મને વશ કરી શકે છે, અન્યથા કદાપિ નહિ.'
યોગાનંદ સ્વામી વળી યાચના કરતા માગે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું વિનમ્રભાવે આપની પાસે વારંવાર માગું છું કે,
(1) આપના વચનમાં મને સદા વિશ્વાસ વર્તો, પરંતુ તેમાં કોઈ કાળે કોઈ પણ રીતે અવિશ્વાસ કે નાસ્તિકબુદ્ધિ ન થાઓ.
(2) આપને સદા પ્રસન્ન કરે એવા સદ્લક્ષણો જ મારામાં હંમેશાં પ્રવર્તો,
અને (3) મારામાં આસુરી સંપત્તિનો પ્રવેશ કદાપિ ન થાઓ અને કામાદિક અંતઃશત્રુઓ તથા કુસંગીઓથી આપ સદાય મારું રક્ષણ કરો.'
પરમાત્મામાં અડગ શ્રદ્ધા તથા સદગુણો દ્વારા પ્રભુપ્રસન્નતા મોક્ષના પરમ કારણરૂપ છે. અંતઃશત્રુઓ તેમ જ કુસંગીઓથી મળતું દૈવીરક્ષણ મોક્ષમાર્ગમાં થતી ઉર્ધ્વગતિને વધુ સુરક્ષિત બનાવે છે.
કવિ સપ્તમ્ શ્લોકમાં પ્રભુ પાસે પ્રાર્થનાપૂર્વક યાચના કરે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું વિનમ્રભાવે વારંવાર આપની પાસે માગું છું કે,
(1) મારાં નેત્રો સદા આપના તથા આપના ભક્તોનાં જ દર્શન કરે,
(2) મારી જીભ હંમેશાં આપની પ્રસાદીનું જ અન્નજળ ગ્રહણ કરે, મારી વાણી હંમેશાં આપના જ કથા-સંકીર્તનમાં રત રહે,
અને (3) મારા કાન આપની અને આપના ભક્તજનોની કથા સાંભળવામાં પ્રવૃત્ત રહે.'
દેહ તથા તેની ઇંદ્રિયો માયિક હોવા છતાં જો તેને સદાય ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્તોની ભક્તિમાં પ્રવૃત્ત રાખવામાં આવે તો પરમાત્મા દિવ્ય અને નિર્ગુણ હોવાથી દેહાદિ સાધનો પણ નિર્ગુણ અને નિષ્પાપ બનેછે. પરિણામે બંધન કરવારૂપી ડંખ એમાંથી નીકળી જતાં જે પરમ બંધનકારી હતાં તે મોક્ષપ્રદ - મુક્તિદાયી બની જાય છે.
અંતે કવિ અષ્ટકનો ઉપસંહાર કરતાં પ્રભુ પાસે યાચે છેઃ 'હે નાથ! હે સહજાનંદ સ્વામી! હું વિનમ્રભાવે વારંવાર આપની પાસે માગું છું કે,
(1) આપની ઇચ્છા અને સંકલ્પ એ જ મારી ઇચ્છા અને સંકલ્પ થાઓ,
(2) મારું ચિત્ત સદાય આપના ચિંતનમાં સંલગ્ન રહો, મારી નાસિકા સદા આપની તથા આપના યોગમાં આવેલા પદાર્થોની જ સુગંધ ગ્રહણ કરો,
અને (3) આપ તથા આપનું પરમ સાર્ધમ્ય પામેલા આપના મુક્તોની સેવામાં જ મારા હાથ-પગ સદા પ્રવર્તો.'
ભક્તિની આ ચરમસીમા છે જ્યાં ભક્ત પોતાનું સર્વસ્વ પરમાત્માને સમર્પી પરમાત્માના પરમ સાર્ધમ્યને પામી પરમાત્મારૂપ બની સ્વામી-સેવક ભાવને અખંડ ધારી પરમાત્માના સ્વરૂપમાં રસબસભાવે રસલીન બને છે!
અષ્ટકના અંતે કવિ અષ્ટકનો મહિમા દર્શાવતા લખે છે-
पूजनान्तसमये हरिकृष्णप्रार्थनाष्टकमिदं पठनीयम् ।
एनदुक्तकृतिना घटनीयं साधुनैतदनिशं रहनीयम् ॥
અર્થાત્ પ્રાતઃપૂજા પછી પરમાત્માની મૂર્તિમાં મન અને નેત્રોને પરોવીને આ પ્રાર્થનાષ્ટક બોલવામાં આવે તો અંતરમાં અલૌકિક આનંદનો અનુભવ અવશ્ય થાય છે.