૩. હાં રે તેરી સાંવરી સુરત છટાદાર

ધરમપુરના રાજરાણી કુશળકુંવરબાએ તેમના દીવાન અને તેના પત્નીને અઢળક ભેટ સોગાદો અને મોટા રસાલા સાથે શ્રીજીમહારાજને શિરપાવ આપવા માટે ગુજરાતમાં મોકલ્યા હતા. એ વખતે શ્રીહરિ ઘોડાસરના રાજાના આમંત્રણને માન આપીને તેમના મહેલમાં મહેમાન બન્યા હતા. તેથી ધરમપુરનો રસાલો પણ મહારાજને મળવા માટે ઘોડાસર પહોંચ્યો.

દીવાન અને તેના પત્નીએ શ્રીજીમહારાજનું ષોડશોપચારે પૂજન કરી મહારાણીએ મોકલેલ કિંમતી નજરાણું ભેટ ધર્યું. મહારાજે મંદ મંદ મુસ્કાન સાથે પોતાની પ્રસન્નતા દર્શાવી. એ વખતે શ્રી સહજાનંદ સ્વામીની સાંવરી સુરત અને છટાદાર વ્યક્તિત્વ નિરખીને દીવાન પત્નીનું મન મહારાજમાં લુબ્ધ થઈ ગયું. ભીને વાન ભગવાનની મોહિની મૂરત એ કામિનીના કોમળ કાળજાને કોરી ગઈ. એને થયુંઃ વાહ! આવું મોહક રૂપ, આવું વાક્‌ચાતુર્ય, આવી છટાદાર ચાલ... જિંદગીમાં ક્યારેય કોઈના જોયા નથી! રસાલાના ઉતારે પાછા આવ્યા પછી પણ એ વનિતાનું ચંચળ મન વારંવાર મહારાજને મળવા માટે ઝંખી રહ્યું. પોતાની ઇચ્છાપૂર્તિ માટે તેણે યુક્તિ કરીને દીવાન સાથે મહારાજને પોતાના ઉતારે ભોજન માટે પધારવા નિમંત્રણ મોકલ્યું. દીવાન પત્નીને પોતાના રૂપ અને ચાતુર્યનો ગર્વ હતો, તેથી અજ્ઞાનવશ એને મહારાજને વશ કરવાના કોડ જાગ્યા. શ્રીજીમહારાજ તો અંતર્યામી હતા. દીવાન પત્નીનો પડકાર મનોમન ઝીલી લેતાં તેમણે તેના નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો.

બીજે દિવસે ભોજન વેળાએ પાલખીમાં બિરાજીને મહારાજ દીવાનના ઉતારે પધાર્યા. દીવાન પત્નીએ જાતે જ શ્રીહરિ માટે છપ્પનભોગ તૈયાર કર્યા હતા. કલાત્મક બાજોઠ ઉપર મશરૂની ગાદી બિછાવી તેની ઉપર શ્રીજીમહારાજને બિરાજમાન કરી સોનાના થાળમાં વિવિધ વ્યંજનો પિરસી દીવાન પત્ની સોળે શણગાર સજીને સામે બેઠી. પોતાના નયન કટાક્ષ, ભાવ-ભંગિમા અને વાક્‌ચાતુર્ય દ્વારા મહારાજને પ્રભાવિત કરી તેમના ભગવાનપણાની એ કસોટી કરવા માગતી હતી. તેણે મનમાં ધારેલું કે જો આ સલુણા સહજાનંદ ભગવાન કહેવાય છે, તો એ જમવાની કળામાં પણ પારંગત હોવા જોઈએ.

દીવાન પત્નીએ અતિશય ચતુરાઈથી યુક્તિપૂર્વક થાળ પિરસ્યો હતો. શ્રીજીમહારાજ પણ એવી કુશળતાથી જમવા લાગ્યા કે નખથી ઉપરની આંગળીઓ બગડે નહીં અને એક પછી એક વાનગી ગ્રહણ કરી માપસરનો ગ્રાસ મુખમાં આરોગે. શ્રીજીમહારાજનું ભોજન કરવામાં આવું અદ્‌ભુત ચાતુર્ય નિહાળીને એ ચતુરા દિગ્મૂઢ થઈ ગઈ. જેને પોતે પ્રભાવિત કરવા નીકળી હતી તેનાથી જ પોતે પ્રભાવિત થઈ ગઈ. ચંચળ નયને તે મહારાજના મુખારવિંદની લાવણ્યમયી કાંતિનું રસપાન કરતી રહી, પરંતુ ભગવાનની નિર્ગુણ રૂપમાધુરીથી નિષ્કામ થવાને બદલે તે દેહાભિમાની માનુની પ્રભુના રસિકરૂપથી મોહિત થવાથી કામદેવે તેના અંતરમાં પ્રવેશ કર્યો. અત્યારે તેને મન સહજાનંદ સ્વામી, પુરુષોત્તમ નારાયણ નહીં, પણ સર્વોત્તમ પુરુષ માત્ર જ હતા. પરિણામે તે મહારાજને પોતાના સૌંદર્ય પ્રતિ આકર્ષવા વિવિધ ભાવ ભંગિની દ્વારા પોતાનો રૂપવિલાસ પ્રગટ કરવા લાગી.

પરંતુ એ તુચ્છ બુદ્ધિની લલના ક્યાં જાણતી હતી કે આજે એની સામે માત્ર કોઈ પ્રભાવશાળી પુરુષ જ નહીં, મહારાજાધિરાજ અનંત કોટિ બ્રહ્માંડનાયક પરાત્પર પરબ્રહ્મ સ્વયં બિરાજમાન છે. શ્રીહરિએ તેના અંતરના મલિન ભાવોને પામી જઈને તરત જ ઊલટી કરીને એનું સઘળું અન્ન ઓકી કાઢ્યું. દીવાન પત્ની આ જોઈ એકદમ ડઘાઈ ગઈ. એની બધી આશાઓ, અરમાનો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા. છતાં પણ એના અંતરમાં જન્મેલો મોહજ્વર નિઃશેષપણે હજી નાબૂદ નહોતો થયો.

ઘોડાસરથી શ્રીજીમહારાજ ડભાણ પધાર્યા અને ડભાણમાં મહાયજ્ઞ સંપન્ન કરી ત્યાંથી અમદાવાદ સીધાવ્યા. ત્યારે દીવાન પત્ની પણ પોતાના પતિ સાથે અમદાવાદ પહોંચી. યોગાનુયોગે એ વેળા અમદાવાદમાં સાંખ્યયોગી બહેનોએ મહારાજ અને સંતોને રસોઈ આપી હતી. શ્રીજીમહારાજ થાળ જમ્યા પછી બહેનોની પંક્તિમાં પિરસવા પધાર્યા. એ વખતે મહારાજે સુંદર જરિયાન વસ્ત્રો પહેર્યાં હતાં. માથે જરકસી સોનેરી પાઘ અને કંઠે મોતીની માળાઓ ધારણ કરી હતી. શ્રીહરિના કાનમાં કલાત્મક મકરાકાર કુંડળો શોભી રહ્યાં હતાં. મહારાજની મધુરી મુસ્કાનથી એમના ગાલે પડતા ખંજનમાં સૌનું ચિત્ત ચોંટી જતું હતું.

બહેનોની પંક્તિમાં જમવા માટે ધરમપુરના દીવાનની પત્ની પણ બેઠી હતી. મહારાજની મોહક અદાઓને એ રમણી રસિક નજરે નિરખી રહી હતી. એકાએક શ્રીજીમહારાજે તેના તરફ સહજ નજરે જોયું અને ચાર આંખો એક થતાં જ અદ્‌ભુત ચમત્કાર સર્જાયો. મહારાજના નેત્રોમાંથી વહેતી સહસ્ત્ર અમીધારાઓમાં દીવાન પત્નીની સર્વ વૃત્તિઓ તદાકાર થઈ ગઈ. જટાજૂટ શંકરના ત્રિનેત્રમાંથી નીકળેલી અગનવર્ષાએ જેમ અનંગને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યો હતો, તેમ આજે શ્રીહરિના પ્રેમાળ નયન કટાક્ષોમાંથી વર્ષેલા દિવ્ય પ્રેમે એ અબળાના અંતરને અજવાળી હરિરસમાં રસલીન કરી દીધું. સાથે સાથે સર્વ સાંખ્યયોગી બહેનોની વૃત્તિપણ મહારાજની મૂર્તિમાં એકાકાર થઈ ગઈ.

મહારાજે પંગતમાં પિરસી દીધું પણ કોઈની સૂરત ભોજનમાં રહી નહોતી. સલુણા સહજાનંદની સાંવરી સુરતની રસિક રૂપમાધુરીનો કિંચિત્‌ પણ રસાસ્વાદ કર્યા પછી હવે આ લોકના છપ્પનભોગ પણ એ અબળાઓ માટે અકારા થઈ પડ્યા, તેથી કોઈ કાંઈ જ જમી ન શક્યું. પ્રભુએ આજે એક અલ્પજીવના કલ્યાણ અર્થે અનેકને પોતાની અલૌકિક મૂર્તિનું મહાદાન દઈ દીધું.

આ મહાપર્વ પ્રસંગે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી હવેલીની ઊંચી અટારીએ ઊભા ઊભા મહારાજની આ દિવ્યલીલાનું રસપાન કરી રહ્યા હતા. એમનું કવિહૃદય મહારાજનું મનભાવન રૂપમાધુર્ય નિરખીને તત્કાળ ગાઈ ઉઠ્યુંઃ

‘હાં રે તેરી સાંવરી સુરત છટાદાર...

મન હરે પ્રાણ હરે...’

આખું ય વાતાવરણ ભક્તિરસથી તરબોળ હતું. ભાવનાની રસસમાધિમાં આજે નારીભક્તોનો સમગ્ર સમુદાય પરાત્ર પરબ્રહ્મના દિવ્યાતિદિવ્ય સ્વરૂપસુખમાં રસલીન બન્યો હતો. આખો ય માહોલ અલૌકિક આનંદની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, ત્યારે કોઈ પુરુષ નહોતું કે કોઈ સ્ત્રી નહોતું. બધાં જ પુરુષોત્તમ બનીને મહારાજની મૂર્તિમાં મગ્ન બન્યા હતા.

એજ દિવસે રાત્રિ સભામાં પ્રેમસખીએ ઠુમરી રાગમાં આલાપન કરીને આ પદ ગાયું ત્યારે શ્રીહરિએ અત્યંત પ્રસન્ન થઈને એમ વર દીધો કે આ પદનું શ્રદ્ધાપૂર્વક ગાન કરનારનું અંતર તત્કાળ નિર્વાસનિક થશે.

કાવ્યકૃતિ :

હાં રે તેરી સાંવરી સુરત છટાદાર (૨)

મન હરે પ્રાન હરે ષ્ઠષ્ઠટેક.

ચલત મેરો રે, હસી ચિત્ત ચોરે;

હાં રે બસ કર લીની સબ બ્રજનાર. મન. ૧

શિર જરકસી ચીરા, પહેરે પટ પીરા;

હાં રે તેરે ઉર બીચ મોતીયુંદા હાર. મન. ૨

ધર્મદે સલોના જાને કછુ ટોના,

હાં રે મેરો મન બસ કીનો મોરે યાર. મન. ૩

પ્રેમાનંદ હરિકૃષ્ણ છબી તેરી,

હાં રે નિત રાખત ઉર બીચ ધાર. મન. ૪

આસ્વાદ :

ભારોભાર ભક્તિશૃંગારથી ભરેલી આ કવિતા પ્રેમસખી પ્રેમાનંદની અનેક શ્રેષ્ઠ રસિક રચનાઓ પૈકીની એક છે. વ્રજભાષાના અષ્ટછાપ કવિઓની સીધી અસર અહીં વર્તાય છે.

પોતાના ઇષ્ટ આરાધ્યના નિત્ય નવીન સૌંદર્યના સુખદ અને મંદમંદ પરિવર્તનોમાં ચિત્તને પરોવી રાખવું, એની મધુસ્મૃતિ અને સુખાનુભાવોમાં મનને રસલીન રાખવું, મિલન-પ્રાપ્તિના સુખનો ધીરે ધીરે આસ્વાદ કરવો અને હૃદયમાં ઉદ્‌ભવતા સૂક્ષ્મ પ્રણય સંવેદનોને ભાવુકતાથી પ્રગટ કરવા એ જ ભક્તિશૃંગારરસ છે!

કાવ્યનો ટેક ચિત્તાકર્ષક છે. કવિ પોતાના સ્વેષ્ટ શ્રી સહજાનંદજીને ઉદ્દેશીને જ ઉપાલંભના સૂરમાં કહે છે -‘તેરી સાંવરી સુરત છટાદાર... મન હરે પ્રાન હરે...’ શું કરીએ? તારું આ અલૌકિક રૂપ અમારા માત્ર મન જ નહીં, પ્રાણ પણ હરી લે એવું અદ્‌ભુત છે. પ્રેમસખી ગોપીભાવે પ્રિયતમ પાતળિયા સાથે સ્વગત સંવાદ સાધે છે. સલુણા સહજાનંદની સાંવરી સુરત અને છટાદાર વ્યક્તિત્વ કવિના કોમળ કાળજાને કોરી જાય છે.

બીજા અંતરામાં કવિ કહે છે -

‘ચલત મેરો રે હસી ચિત્ત ચોરે,

હાં રે બસ કર લીની સબ બ્રજનાર.’

પૂર્વાપર પ્રસંગના સંદર્ભમાં કવિ કહે છે કે પ્રભુ જ્યારે પંગતમાં હસીને પીરસવા આવ્યા ત્યારે જમવા બેઠેલી બધી જ નારીઓના ચિત્તને મહારાજની એક મુસ્કાને પોતાના વશમાં કરી લીધાં.

આ કોઈ દંતકથા નથી, નક્કર હકીકતરૂપ ઐતિહાસિક ઘટના છે.

આ પ્રસંગને ઉલ્લેખીને સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી તેમની વાતોમાં કહે છે : ‘એક જ સ્ત્રીની વાસનાનો નાશ કરવા વાસ્તે શ્રીજીમહારાજના સંબંધે બધી જ સ્ત્રીઓનો કામ બળી ગયો અને એ સર્વે પુરુષમાત્રના દેહની ગંધ આવે ત્યારે તરત જ ઊલટી થઈ જાય એવી અક્ષરધામના મુક્તોની પંક્તિના પદપર આરૂઢ થઈ ગઈ.’

ત્રીજા અંતરામાં રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્મા પ્રત્યે કરતાં કવિ ગાય છે :

‘ શિર જરકસી ચીરા, પહેરે પટ પીરા.

હાં રે તેરે ઉર બીચ મોતીયુંદા હાર.’

પિયુએ માથે જરકસી ફેંટો બાંધી કમર પર કસીને દુપટ્ટો પહેર્યો છે. એના ગળામાં મોતીઓની માળાઓ શોભે છે. કવિએ ‘મોતીયુંદા’ શબ્દમાં પંજાબી ષષ્ટી વિભક્તિનો ‘દા’ પ્રત્યય વાપરીને કમાલ કરી છે.

પ્રેમસખીમાં રહેલો ગોપીભાવ હવે વધુ પ્રગલ્ભપણે મુખરિત થાય છે. મધુર ઉપાલંભ આપતા પ્રેમાનંદ પ્રાણેશ્વર પ્રભુને કહે છે : ધર્મકુંવર! તમે જરૂર કોઈ જાદુટોના જાણતા લાગો છો! નહીં તો એક સાથે આટલી બધી લલનાઓ શી રીતે તમારી માધુરી મૂરતમાં મગ્ન થઈ જાય? અરે... બીજાની વાત તો છોડ... યાર, મારા મીત... તેં તો મારું જ મન તારા સ્વરૂપમાં એવું તો વશ કરી રાખ્યું છે કે બસ રાતદિવસ તારા સિવાય મને કાંઈ સૂઝતું જ નથી. પ્રેમસખીનો પ્રેમાલાપ હવે એની પરાકાષ્ઠાએ પહોંચે છે.

અંતિમ અંતરામાં કવિ પોતાના પ્રેમનો પ્રામાણિક એકરાર કરતા કહે છે : હે હરિકૃષ્ણ! હું મારા અંતરમાં અખંડ તારી મૂર્તિને - તારા સ્વરૂપને ધારી રાખું છું, કારણ કે તારી છટાદાર મૂર્તિ મારા હૈયામાં સોંસરી ઊતરી ગઈ છે.

ભક્ત અને ભગવાન વચ્ચેનો ભાવાત્મક સંબંધ પ્રેમના મધુર માધ્યમ દ્વારા કવિએ અહીં સિધ્ધ કરી બતાવ્યો છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્યના ભાવ અને કથ્યને વધુ સચોટ અને પ્રાસાદિક બનાવે છે.