૧૩. મારા વ્હાલાજી શું વ્હાલપ દીસે રે...

સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીની જ્ઞાનવિશારદતા, વાણીમાધુર્ય અને અત્યંત મૃદુ સંવેદનશીલ સ્વભાવ સંપ્રદાયની તવારીખમાં અજોડ છે. શ્રીજીમહારાજ હંમેશાં તેમને ગુરુતુલ્ય આદર આપતા હતા. વડોદરાની વિદ્વત્સભામાં એમનો જ્વલંત વિજય એ એમના સંતજીવનનું ઉજવળ પાસું છે.

આવા પ્રેમાળ સંતવર્યના જીવનની એક વિરલ ઘટના મુમુક્ષુને અનોખો સંદેશ આપી જાય છે. એકવાર એવું બન્યું કે મુક્તાનંદ સ્વામીના મંડળમાં શ્રીજીમહારાજે કેટલાક પૂર્વ હિન્દુસ્તાની સંતોનો સમાવેશ કરાવ્યો. આ સંતોની કેટલીક વિચિત્ર ટેવો મૃદુહૃદયી મુક્તમુનિને કઠવા લાગી. સ્વામીએ આ સાધુઓને સુધારવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ કાંઈ ફરક ન પડ્યો. ગીતામાં શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ આચરણ નથી કરી શકતો. એ પૂર્વ હિન્દુસ્તાની સાધુઓ સાચા મુમુક્ષુ અને શ્રીજીમહારાજના અનન્ય ઉપાસક હતા, પરંતુ પ્રાંત અને ભાષા ભેદને

કારણે એમનું સાહજિક વર્તન પણ અન્ય સંતોને વિચિત્ર લાગતું હતું.

મુક્ત મુનિએ એકવાર ફરિયાદના સૂરમાં શ્રીજીમહારાજને કહ્યુંઃ ‘મહારાજ, આમ તો બધું બરાબર છે, પરંતુ મારા મંડળમાં આ જે પૂર્વ હિન્દુસ્તાની સાધુઓ છે એમને બીજાના મંડળમાં મૂકી એના બદલે મને બીજા સાધુઓ આપો તો બહુ સારું.’

મહારાજે આ સાંભળી સાવ અજાણ્યા થઈને પૂછ્યું : ‘અરે સ્વામી, એમ શા વાસ્તે?’

‘મહારાજ, એ સાધુઓની અમુક ટેવો મને રૂચતી નથી.’

‘સ્વામી, શું એ સંતો પંચ વર્તમાનના આચરણમાં કાચા છે?’

‘ના... મહારાજ, એવું તો નથી. આમ તો એ બધાય સાધુતાના સર્વેગુણે સંપન્ન છે. પરંતુ એમની ચાલ-ઢાલ, એમની બોલચાલ, એમની રીતભાત મને ગોઠતી નથી.’

અંતે મહારાજે એક ત્વરિત નિર્ણય લઈને કહ્યુંઃ ‘સ્વામી, એ વાત હમણાં રહેવા દો. અમારી તમને એક આજ્ઞા છે તેનું તમે તત્કાળ પાલન કરો. ધ્રાંગધ્રા રાજ્યના રામ મહોલમાં સદાવ્રત અપાય છે, ત્યાં ભારતભરમાંથી દરેક સંપ્રદાયના સાધુસંતો આવીને રહે છે. તમે એકલા ત્યાં જઈને રહો. અમે બોલાવીએ ત્યારે જ પાછા આવજો.’

મહારાજની આજ્ઞા થતાં જ સ્વામી તત્કાળ ધ્રાંગધ્રા ગયા. રામ મહોલમાં ભારતભરના ભેખધારી બાવાઓ ભેળા સ્વામી રહેવા લાગ્યા. એ બાવાઓના એક પણ લક્ષણ એમને સાધુ સંત કહેવડાવે તેવા નહોતાં. કોઈ ગાંજો ફૂંકે તો કોઈ છીંકણી સૂંઘે, કોઈ રોજ રાતે સોનાના સિક્કા ગણ્યા કરે તો કોઈક ગંદી બિભત્સ ગાળો બોલ્યા કરે. અલગ અલગ અખાડાની વેરાગી જમાતો એકબીજા સાથે સતત બાખડ્યા કરતી. પંચ વર્તમાન સાથે તો એ ભેખધારીઓને સ્નાન સૂતકનો પણ સંબંધ નહોતો. મુક્તાનંદ સ્વામી ચાર દિવસમાં જ એવા અકળાઈ ગયા કે એમણે તત્કાળ એક કીર્તન રચીને શ્રીજીમહારાજને ગઢપુર મોકલ્યું અને એની સાથે પોતાને તાત્કાલિક પાછા બોલાવી લેવાની નમ્ર પ્રાર્થના કરી. એ કીર્તનના મહામૂલા શબ્દો હતા -

‘મારા વ્હાલાજી શું વ્હાલ દીસે રે,

તેનો સંગ શિદ તજીએ; તે વિના કેને ભજીએ...’

આ કીર્તનના શબ્દેશબ્દમાં મુક્ત મુનિના અંતરનો સાચો પ્રશ્ચાતાપ પ્રગટ થતો હતો. સ્વામીને હવે સાચું સમજાઈ ગયું કે સત્સંગમાં જે છે તે જગતમાં બીજે ક્યાંય નથી.

આ કીર્તન વાંચીને તરત જ શ્રીજીમહારાજે મુક્તમુનિને તેડી લાવવા પત્ર લખાવીને કાસદને રવાના કર્યો.

ગઢપુર પરત આવીને અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ પાસે જઈને મુક્તાનંદ સ્વામીએ ચોધાર આંસુઓ સાથે આર્ત વચને કહ્યું : ‘મહારાજ, આપે મને ધ્રાંગધ્રા રામ મહોલમાં ન મોકલ્યો હોત તો મને આપણાં સંતોનો અવગુણ દિનપ્રતિદિન વધતો જાત. આપે મારા ઉપર અત્યંત અનુગ્રહ કરીને મને મારી ભૂલ સમજાવી છે. જેવા તેવા હોય તો પણ તમારા સાધુની તોલે મહારાજ! આ જગતના કોઈ ભેખધારી ન આવી શકે. હવે પછી મને સત્સંગમાં ક્યારેય કોઈનો અભાવ નહીં આવે. સત્સંગમાં દિવ્યભાવ હવે મારા અંતરમાં અહોનિશ રહેશે.’ આટલું કહીને મુક્તાનંદ મહામુનિ શ્રીજીમહારાજના ચરણોમાં બેસીને શીઘ્ર એક કીર્તન રચીને ગાવા લાગ્યાઃ

‘સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે,

પ્રાણી કોઈ પામત નહિ, ભવપાર રે...’

સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીના આ બંને કીર્તન સંપ્રદાયના સાહિત્યમાં સીમાચિહ્‌ન સમાન છે. શ્રીજીમહારાજને આ કીર્તનો અત્યંત પ્રિય હતા.

કાવ્યકૃતિ :

મારા વ્હાલાજી શું વ્હાલપ દીસે રે,

તેનો સંગ શિદ તજીએ રે; ટેક.

તે વિના કેને ભજીએ રે.

સન્મુખ જાતાં શંકા ન કીજે, મર ભાલા તણાં મેહ વરસે રે;

હંસ જઈ હરિજનને મળશે, કાચી કાયા પડશે રે.

તેનો. ૧

શુળી ઉપર શયન કરાવે, તો ય સાધુની સંગે રહીયે રે;

દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખદુઃખ સર્વે સહિયે રે.

તેનો. ૨

અમૃતપે અતિ મીઠા મુખથી, હરિના ચરિત્ર સુણાવે રે;

બ્રહ્માભવ સનકાદિક જેવાં, જેનાં દર્શન કરવાને આવે રે.

તેનો. ૩

નરકકુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;

મુક્તાનંદ મગન થઈ માગે, વ્હાલા વાસ દેજો હરિજનમાં રે.

તેનો. ૪

આસ્વાદ :

પ્રસ્તુત ઐતિહાસિક પૂર્વભૂમિકા ધરાવતું પદ સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીની અનેક શ્રેષ્ઠ રચનાઓ પૈકીનું એક છે.

કાવ્યનો ઉપાડ અત્યંત ચિત્તાકર્ષક છે, કારણ કે આખા કાવ્યનો નિચોડ એ એક જ પંક્તિમાં કવિએ આપી દીધો છે.

કવિને સ્વાનુભવથી હવે એ સમજાઈ ગયું છે કે જે પણ સંત હરિભક્તોને મારા પ્રિયતમ પાતળિયા સ્વેષ્ટ સ્વામી સહજાનંદજીમાં હેત છે તેમનો સંગ શા માટે છોડવો? પ્રગટ પુરુષોત્તમ વિના અન્યને શા માટે ભજવા? મહારાજ અને એમના મુક્તો એ જ હવે તો આપણો પરિવાર છે!

હરિનો મારગ તો શૂરાનો મારગ છે, એના ઉપર ચાલતા ભલેને ભાલાનો વરસાદ વરસે! છતાં સહેજ પણ સંશય કર્યા વિના નિધડકપણે એ માર્ગે આગળ વધવું એમાં જ જીવનનું શ્રેય છે. આ કાયા તો ક્ષણભંગુર છે, પરંતુ આત્મા અમર છે. માટે મહારાજે શિક્ષાપત્રીમાં निजात्मानम् ब्रह्मरूपम् देहत्रय विलक्षणम् | એ શ્લોકમાં પોતાના આત્મામાં બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનની ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. માટે સત્સંગમાં બ્રહ્મરૂપની ભાવનાથી જ જો સર્વે સંત હરિભક્તોનો સંગ કરવામાં આવે તો જ સમસ્ત સત્સંગ દિવ્ય જણાય.

કવિએ હવે ઉત્કૃષ્ટ ભાવે સંત સમાગમનો મહિમા ગાયો છે.

અહીં બ્રહ્માનંદ સ્વામીની અમર કાવ્યપંક્તિ યાદ આવે છે : ‘સંત પરમ હિતકારી જગત માંહી સંત પરમ હિતકારી.’ તેથી જ મુક્તાનંદ સ્વામી કહે છે કે- શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુની સંગે રહીયે રે... અને આમ કરતાં જો દુષ્ટ મનુષ્યોની ટીકા કે ટોળટપ્પા સહન કરવા પડે તો પણ તે ધ્યાનમાં નહિ લેતાં. સુખદુઃખને નિર્મળભાવે સ્વીકારીને ભગવાનના અમૃતરસભર્યા ગુણસંકીર્તન સાંભળવામાં જ રસ લેવો જોઈએ. પ્રગટ પુરુષોત્તમનારાયણના જે મુક્તો છે તેમના દર્શન તો બ્રહ્મા, શંકર અને સનકાદિક જેવા પણ ઝંખે છે. જ્યારે જે દુષ્ટજનો ભગવાનના અનન્ય ભક્તોના દ્રોહી છે તેના મુખને કવિ નરકકુંડ સાથે સરખાવે છે. એવા દુર્જનોના મુખની જે દૂષિત વાણી સાંભળે છે તેનું મન પણ ભગવાન અને ભક્તના દ્રોહને લીધે પતિત થવાથી નર્કનું અધિકારી બને છે. તેથી જ મુક્તમુનિ મહારાજ પાસે વારંવાર માગે છે કે હે પ્રભુ! મને હંમેશાં આપના અનન્ય ભક્તોનો જ સહવાસ દેજો.

મુક્તાનંદ સ્વામીની પ્રસ્તુત રચના પ્રાસાદિક અને ગેય છે.