૧૧. દિવ્ય પ્રભાવ અને અદભુત સાર્મથ્ય
ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરી પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે પોતાના દિવ્ય પાર્ષદ, ઐશ્વર્ય, સાર્મથ્ય સહિત જ પધારે છે. મનુષ્યો જોગ-સમાગમ કરી શકે તે માટે મનુષ્ય જેવા દેખાય પણ વિભૂતિ માત્ર સાથે જ હોય. તેવી જ રીતે, જેમને શ્રીજીમહારાજે સ્વયં રૂપ, ગુણ ને ઐશ્વર્યે કરીને પોતાના જેવા કહ્યા છે એવા અનાદિ મુક્તો પણ તેમના અગાધ ઐશ્વર્ય-સાર્મથ્યે સહિત જ પ્રગટ થતા હોય છે. એવું ઐશ્વર્ય-સાર્મથ્ય હોવા છતાં તે ઢાંકીને વર્તવું એ જ મોટું ઐશ્વર્ય છે. સમર્થ થકા જરણા કરી ક્ષુદ્ર જીવનાં અપમાન સહન કરી, તેમને સન્માર્ગે વાળવા એ જ તેમનું ખરું સાર્મથ્ય છે.
શ્રીજીમહારાજ અને સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીની જેમ બાપાશ્રીએ પણ અનેકનાં કેવળ કલ્યાણ અર્થે ઐશ્વર્ય પ્રતાપ જણાવ્યો હતો. જેમ કે, એક સ્થળે રહ્યા થકા બીજે સ્થળે દર્શન દેવાં, હેતવાળા ભક્તજનોને અંત વખતે શ્રીજીમહારાજ ભેળાં દર્શન દઈ ધામમાં તેડી જવા, કોઈને વાયદો દેવો કે આ સમયે તમને તેડી જઈશું, કોઈને આયુષ્ય થઈ રહી હોવા છતાં દેહમાં રાખવા અને કોઈને આયુષ્ય હોવા છતાં દેહ છોડાવી સુખમાં લઈ જવા, યજ્ઞ-સમૈયાઓ વખતે સીધું-સામાન કે રસોઈ ખૂટવા ન દેવી તેમ જ પારાયણ ચાલતી હોય તે વખતે જો વરસાદ આવે તો જે ગામમાં પારાયણ હોય તે ગામની ફરતો વરસાદને વરસવા દે પણ તે ગામમાં વરસવા ન દેતા. અસદગતિ પામેલા અસંખ્ય જીવોને પળવારમાં માયાના બંધન થકી છોડાવી તેમનું આત્યંતિક કલ્યાણ કરતા.
દૃષ્ટાંત: કાળી તલાવડીના કાંઠે છત્રી કરાવી તે પહેલાં ત્યાં આજુબાજુમાં ઘણાં ભૂત રહેતાં હતાં. તે સર્વેનો મોક્ષ કરવાનો સંકલ્પ કરીને બાપાશ્રીએ અધમણ ગોળ-સાકર મૂઠીઓ ભરી ભરીને હવામાં ફેંકી તે સર્વે ભૂતોએ ભેગા થઈને બધી જ પ્રસાદી અધ્ધરથી ઝીલી લીધી પણ એકેય કણી નીચે પડવા પામી નહિ; ને તે સર્વે ભૂતનો કેવળ કૃપાએ કરીને મોક્ષ કર્યો.
એક વખત ચોમાસામાં પોતે વાડીએથી ઘેર આવતા હતા. ત્યાં બહુ જ વૃષ્ટિ થઈ, તે સમયે પોતે એક વૃક્ષની ઓથે વરસાદ બંધ રહ્યા પછી પણ ઘણી વાર ઊભા રહ્યા. પછી ત્યાંથી ચાલીને ઘેર આવતા માર્ગમાં કોઈએ પૂછ્યું જે, "તમે એ ઝાડ પાસે શું કરતા હતા?" ત્યારે પોતે એમ બોલ્યા જે, "અમે તો કલ્યાણ કરવા આવ્યા છીએ, તે બીજું શું કરીએ? વરસાદ બહુ વરસતો હતો અને એ ઝાડે અમને પલળવા ન દીધા, તેથી એનું કલ્યાણ તો કરવું જ પડે ને?"
બાપાશ્રીના અંતર્યામીપણાનો અનુભવ અમદાવાદ દેશના ધ. ધુ. પ. પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજને પણ થયેલો. સં. 1953ની સાલમાં આ આચાર્યશ્રી કચ્છ પધારેલા. સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી મહારાજશ્રી બાપાશ્રીનો મહિમા જાણતા. તેથી તેમણે શ્રીહરિ જયંતીનો સમૈયો ભૂજ કરવો કે અમદાવાદ કરવો એમ પૂછ્યું ત્યારે બાપાશ્રીએ પોતાનું અંતર્યામીપણું જણાવતા મહારાજશ્રીને કહેલું જે, "સમૈયો તો અમદાવાદ કરજો, પણ તમે જ્યારે અહીંથી નીકળી ધ્રાંગધ્રા પહોંચશો ત્યારે અમદાવાદમાં પ્લેગનો રોગ ચાલે છે, તેથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે એવો કાગળ તમારા પર આવશે. અને ધ્રાંગધ્રામાં રાજ્ય તરફથી બે મહિના રોકાવાનો આગ્રહ થશે. તે વખતે તમારી સાથેના સંતો પણ તમને ધ્રાંગધ્રા રોકાઈ જવાનું કહેશે. પણ તમે તેમની વાત ન માનતા સમૈયા પહેલા અમદાવાદ નજીક પહોંચી જજો ને ત્યાં તમને સરકાર તરફથી સમૈયાની છૂટી થઈ ગઈ છે, એવો બીજો કાગળ આવશે તેથી તમે અમદાવાદ જજો. રોગની (પ્લેગની) કાંઈ મૂંઝવણ ન રાખજો ને સમૈયામાં કોઈને કાંઈ નહિ થાય." પછી મહારાજશ્રી ત્યાંથી ચાલ્યા તે બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ અક્ષરશ: બન્યું. તેથી સમૈયા પછી તેમણે એ મુજબનો પત્ર પણ બાપાશ્રી પર લખાવ્યો હતો.
બાપાશ્રીના દિવ્ય પ્રભાવ ને સાર્મથ્યનો ખરો ચમત્કાર ક્યો? તો તેમના આશીર્વાદથી આત્મામાં મહારાજની સુખરૂપ મૂર્તિ દેખાય, હૃદયમાંથી અપૂર્ણપણું મટી જાય ને ભગવાન મળ્યાની દિવ્ય ખુમારી આવે, તેમને સંભારતાં દુઃખી હોય તેમની પીડાનું શમન થાય; માત્ર પોતાનો દેહ છોડતી વખતે જ નહિ, પરંતુ જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ જણાય ત્યારે ત્યારે શ્રીહરિની મનોહર મૂર્તિ અને બાપાશ્રીના દર્શન થાય, એ જ મોટો ચમત્કાર. બાપાશ્રીના સંબંધમાં આવનાર હરિભક્તોને કોઈ અદભુત પ્રકારનો ચમત્કાર જણાતો કે જાણે તેઓ અનાદિ મુક્ત બની ગયા હોય અને છતે દેહે જ શ્રીહરિની મૂર્તિમાં રમી રહ્યા હોય તેવો તેમને સાક્ષાત્ અનુભવ થતો.
આમ બાપાશ્રીના ઐશ્વર્ય-પ્રતાપની કોઈ સીમા ન હતી. એ તો જેણે જાણ્યા તેણે માણ્યા. જેણે બાપાશ્રીને ઓળખ્યા, તેમનાં દર્શન કર્યાં, તેમને સેવ્યા તેનું કામ થઈ ગયું. આવો સમય કાંઈ વારંવાર આવે નહિ. બાપાશ્રી જેવા અનાદિ મુક્ત તો જવલ્લે જ મળે.