૧૦. કલ્યાણકારી વિચરણ
સર્વોપરી પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મહાસમર્થ સંતોએ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીને પોતાના પાવનકારી ચરણકમળોના સ્પર્શથી ધન્ય કરી છે. શ્રીજીમહારાજે પોતાના સંતોને ગામોગામ ફરી જીવોનું કલ્યાણ કરવાનો આદેશ આપ્યો હતો. બાપાશ્રીએ પણ જાણે એ આજ્ઞાને માથે ચડાવી હોય તેમ શ્રીજીમહારાજની મૂર્તિના સુખની લહાણી કરવા અનેક સ્થળોએ વિચરણ કર્યું છે.
સંવત 1942માં બાપાશ્રી અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુથી છસો માણસોનો સંઘ લઈ ગુજરાત-સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં આવતા શ્રીજીમહારાજના દરેક પ્રસાદીભૂત સ્થાનોએ દર્શન કરતા. આવાં સ્થળોએ જો કોઈ પ્રસાદીરૂપ સ્મારક ન થયું હોય તો સ્થાનિક લોકોના સહકારથી તે માટે વ્યવસ્થા કરતા. અને ત્યાં થોડી વાર રોકાઈને શ્રીજીમહારાજના મહિમાની, તેમની મૂર્તિના સુખની વગેરે વાતો કરી આનંદ પમાડતા. ચાલતાં ચાલતાં પણ ધૂન-ભજન-કીર્તન તો અખંડ ચાલ્યા જ કરતા. વળી ક્યારેક અનેકના સમાસને અર્થે પ્રસંગોપાત ઐશ્વર્ય પ્રતાપ પણ બતાવતા. કાજરડા ગામની સીમમાં અવકાશમાં મોટા મોટા દેવો વિમાનમાં બેસીને, બાપાશ્રી તથા સંઘના દર્શન કરવા આવેલા. તે સમયે વાદળોથી સૂર્ય ઢંકાઈ ગયેલો ને બાપાશ્રીના સ્વરૂપમાંથી તેજ નીકળતું હોય તેવાં દર્શન હાજર રહેલા સૌ કોઈને થયેલાં.
શ્રીજીમહારાજની પ્રાગટ્ય ભૂમિ છપૈયા ધામના દર્શને બાપાશ્રી બે વખત ગયેલા. પહેલી વાર સં. 1956માં 600 માણસોના સંઘ સાથે અમદાવાદ, જયપુર થઈ છપૈયા ગયેલા અને બીજી વાર સં. 1972માં બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વખતે મોટો સંઘ લઈને ગયેલા. બંને વખતે બાપાશ્રીએ અઢળક દિવ્યતા દેખાડી હતી.
કરાંચીવાસી હરિભક્તોનો પ્રેમ, તેમની તાણ, તેમનો મહિમા તો અજોડ હતો. તેઓએ તો ચાર વખત આગ્રહ કરી કરીને કરાંચી તેડાવી, બાપાશ્રીને પોતાને ત્યાં રાખી તેમની સેવા-પૂજા-સમાગમનો અલૌકિક લ્હાવો ધરાઈ ધરાઈને લીધો હતો. સં. 1967, 1972, 1979 અને છેલ્લે 1983માં બાપાશ્રી સંતોએ સહિત કરાંચી પધાર્યા હતા અને દિવ્ય સંભારણારૂપ લીલાઓ કરી બાઈ-ભાઈ સર્વે પર અઢળક ઢળ્યા હતા.
અમદાવાદ અને મૂળીએ સમૈયે બાપાશ્રી જ્યારે જ્યારે પધારતા ત્યારે ત્યારે તેમનો પ્રતાપ છાનો રહેતો નહિ. પોતે જ્યાં હોય ત્યાં તેમની આસપાસ સંત-હરિજનનો મોટો સમૂહ એકત્ર થઈ જાય. સભામાં પધારે ત્યારે સભા ભરી દેખાય. બાપાશ્રી પણ મૂર્તિના સુખની વાતોનો મીઠો મહેરામણ રેલાવી સૌને તેમાં રસતરબોળ કરી દેતા. અમદાવાદ સ. ગુ. સ્વામી શ્રી નિર્ગુણદાસજી અને મૂળી સ. ગુ. સ્વામી શ્રી હરિનારાયણદાસજીને લઈને બાપાશ્રીને અવારનવાર જવાનું થતું. વળી અમદાવાદ અને મૂળીના સંતો પણ બાપાશ્રીનો મહિમા ખૂબ જાણતા હોવાથી શક્ય તેટલો વધારે બાપાશ્રીના જોગ-સમાગમનો લાભ લેવો ચૂકતા નહિ. ગુજરાત-સૌરાષ્ટ્રનાં મોટાં ધામો : વડતાલ, ગઢડા, ધોલેરા, ધોળકા, જેતલપુર, કારિયાણી, સારંગપુર, જૂનાગઢ આદિ તથા અન્ય સ્થળો જેવાં કે : મોરબી, વાંટાવદર, ગોંડળ, ઘાંટીલા, માલણિયાદ, લીલાપુર, ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, વઢવાણ, લીંબડી, ભાવનગર, વિરમગામ, ઉપરદળ વગેરે ગામોમાં જ્યાં જ્યાં બાપાશ્રી વિચર્યા ત્યાં શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા અને અનાદિ મુક્તની સ્થિતિના જ્ઞાનનો બહોળો ફેલાવો થયો છે, જે આજે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો જોવા મળે છે.
આ બધાયથી વિશેષ લાભ તો કચ્છની ધરતીને મળ્યો છે. ભૂજ અને તેની આજુબાજુનાં ગામોમાં તો બાપાશ્રીને અન્નકૂટ, સમૈયા, કથા-પારાયણ પ્રસંગોએ તેમ જ તે સિવાય પણ કોઈ ને કોઈ નિમિત્તે અવારનવાર જવાનું થતું. આ ભાગ્યશાળી ગામોમાં રામપુર, સુખપુર, કુંભારિયા, દહીંસરા, ભારાસર, નારાયણપુર, કેરા, માનકૂવા, માધાપર, સિનોગ્રા, અંજાર, સૂરજપુર, સામત્રા, દેવળીઆ, ધમડકા, ગોડપુર વગેરે વગેરે હતાં. તેમાં પણ રામપુરના ગંગાજી અને કેરાનો ધરો- એ બે જળાશયોનો મહિમા તો બાપાશ્રીએ અસંખ્ય લીલાઓ કરી અનેક ગણો વધારી દીધો છે.
બાપાશ્રીએ આમ અનેક સ્થળોએ દિવ્ય વિચરણ કરી અસંખ્ય મુમુક્ષુજનોને શ્રીજીમહારાજની મૂર્તિનો સંબંધ કરાવી ન્યાલ કરી દીધા, એટલું જ નહિ તે સર્વે સ્થળોને પણ કારણ સત્સંગથી ગુંજતા નૈમિષારણ્યક્ષેત્રસમ બનાવી દીધા છે.