૯. યજ્ઞ-પારાયણો : દિવ્ય સુખની લહાણી
જીવને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અથવા તેમના મુક્તનો યોગ થાય છે ત્યારે જ તે મોક્ષમાર્ગે ચાલવા સમર્થ થાય છે. આથી જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક યજ્ઞ, સમૈયા આદિ આત્યંતિક મોક્ષકારી પ્રવૃત્તિઓનું આયોજન કરી જીવોને ખેંચ્યા ને તેમને જ્ઞાન પ્રદાન કરી પોતાના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો. અનાદિ મુક્ત બાપાશ્રીએ પણ શ્રીજીમહારાજની એ પ્રણાલી ચાલુ રાખી, અનેક યજ્ઞ પારાયણો દ્વારા અસંખ્ય મુમુક્ષુજનોને શ્રીહરિની મૂર્તિમાં જોડી સુખિયા કર્યા હતા.
બાપાશ્રી પાસે નાના નાના જ્ઞાનયજ્ઞો તો હંમેશ ચાલુ જ રહેતા. તદુપરાંત બાપાશ્રીએ છ મહામોટા કલ્યાણકારી યજ્ઞો કર્યા હતા. આ યજ્ઞોની સ્વયંસંચાલિત તૈયારીઓ, વ્યવસ્થા ને ઉમંગ અનેરા હતા. બાપાશ્રીને વિષે અનન્ય હેતવાળી ગુજરાતની મુક્તત્રયી- સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી તથા સ. ગુ. શ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામી તો પ્રથમથી જ હોય. સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી સૌના માર્ગદર્શક સંત-મૂર્તિ હતા. બાપાશ્રીના સમગ્ર હેતવાળા સત્સંગ પરિવારમાં તેમનું કહ્યું મનાય એવા સમર્થ ને દિવ્ય ગુણે સંપન્ન હતા. તેમનામાં અનુવૃત્તિમાં રહેવું વગેરે રૂડા ગુણો હોઈ તેમણે બાપાશ્રીને વશ કરી લીધા હતા. બાપાશ્રી પણ 'સ્વામી, સ્વામી' એમ કરતા. જ્ઞાનાચાર્ય સદ્. વૃંદાવનદાસજી તો વાત્સલ્યની જ મૂર્તિ. આખો દિવસ મૂર્તિ સિવાય કશું ચિંતવન જ નહિ. તેમની પરાવાણીના અધિકારી થવું એ તો અતિ દુર્લભ લહાવો. ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની તો વાત જ ન્યારી. બાપાશ્રીને વિષે અનન્ય પ્રેમ. બાપાશ્રીના રાજીપાથી તેઓ તો સઘળું 'શ્રીજીમય' જ દેખતા. બાપાશ્રી તેમને પ્રાણ સમાન હતા. તેમની વાતોમાં 'મહારાજ' ને 'બાપા' જ હોય. બ્રહ્મચારી મહારાજ બાપાશ્રી સારુ સેવા માટે ખડા પગે સદાય તત્પર. સ. ગુ. પુરાણી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી તો બાપાશ્રીના રાજીપાથી મૂર્તિનું સુખ અખંડ ભોગવતા હતા. બાપાશ્રીના પારાયણ યજ્ઞના સર્વોત્તમ વક્તા તરીકે તેમની વરણી થતી.
આ પાંચ સંતવિભૂતિઓ ઉપરાંત બીજા પણ ઘણા મોટા સંતો આવા કાર્યમાં સેવારૂપ થવા હંમેશાં હાજર હોય જ. એ બધાને બાપાશ્રીમાં એવી આત્મબુદ્ધિ હતી, જે સ્વયં બાપાશ્રી પણ તેમને "મારા સાધુ" એમ કહેતા હતા. આવા યજ્ઞની તૈયારીમાં બાપાશ્રીના હજૂરી સેવક આશાભાઈ તો આગળ ને આગળ હોય. બાપાશ્રીના સંકલ્પ પ્રમાણે તેમનું અંગ વળે અને વીજળીના જેવી ચપળતાથી બાપાશ્રીની સેવા કરે. મોતીભાઈ કારભારી પણ હિસાબ-કિતાબ રાખવા અને અન્ય વ્યવસ્થા કરવા શરૂથી જ હાજર થઈ જતા.
કચ્છના દિવ્ય સત્સંગની અનેક સાંખ્યયોગી બાઈઓને બાપાશ્રી વિષે મુક્તભાવ હોવાથી તેઓ પણ બાપાશ્રીને ત્યાં કાંઈ નાનો મોટો અવસર હોય ત્યારે પહેલેથી જ સેવામાં હાજર થઈ જતાં. પાકશાળાનો બધો જ ભાર તેઓ જ ઉપાડી લેતાં અને તેમાં ઊભે પગે સેવા કરતાં.
આ બધી સાંખ્યયોગી બાઈઓનાં મોવડી હતાં રામપુરના અ. મુ. ફઈબાશ્રી ધનબાઈ. ફઈબાશ્રીને તથા બાપાશ્રીને એક ગાંઠ હતી. બન્ને એકબીજાને પૂછીને કાર્ય કરતાં અને એકબીજાને ત્યાં કાર્ય પ્રસંગમાં એક પગે ઊભા રહેતાં. આ બધામાં બાપાશ્રીની મહામુક્ત દીકરીઓ વાલબાઈ અને રાધાબાઈ તો દિવસ-રાત જોયા વગર સેવારત રહેતાં.
નારણપુરવાળા ધનજીભાઈ પટેલ તો બાપાશ્રીના દીવાન. વ્યવહારકાર્યમાં તે હંમેશાં બાપાશ્રીની પડખે રહેતા. એ ઉપરાંત રામપુરના મુક્તરાજ દેવરાજભાઈ, બળદિયાના ઝીણોભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, ગાંગજીભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો સહિત કણબીની આખી જ્ઞાતિ બાપાશ્રીના યજ્ઞકાર્યમાં કેડ બાંધી સેવા કરતી. કચ્છના સત્સંગમાં ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય કરતા પહેલાં 'બાપાશ્રી' તથા ભૂજ મંદિરના સંતોની આજ્ઞા લઈ, તેમના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવાની પદ્ધતિ હતી. ભૂજમાં જે મોટા સંતો ગણાતા તે સૌ પણ આવા યજ્ઞ પારાયણ સમૈયામાં અગાઉથી જ ઉપસ્થિત રહેતા ને સૌને સત્સંગનું સુખ આપતા.
કચ્છના હરિભક્તોને તો આવા સમૈયાઓમાં વિવાહથી પણ વિશેષ આનંદ આવતો. કામકાજ છોડી, સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરી સૌ પારાયણમાં હાજર થઈ જતા. ઠાકોરજી જમાડી મોડી રાત સુધી કીર્તન-ભજન-રાસ વગેરેમાં મસ્ત રહેતા. ઠાકોરજીની પાલખી આખા ગામમાં ફરે. તેના વરઘોડામાં બાઈ-ભાઈ ઉત્સવ કરતાં અને કીર્તન ગાતાં આવે. આગળ કણબી જુવાનો બંદૂકોના ભડાકા બહાર કરતા આવે. ગામમાં ઘેર ઘેર રોશની થઈ જાય, જાણે દિવાળી ન હોય, એમ સર્વત્ર ઝાકમઝોળ થઈ જતું. જમવામાં પણ હારબંધ પંક્તિ કરી ચૂપચાપ મહારાજ સંભારી જમી લેતાં. ઉતારા પણ ગામને પાદરે સીમમાં ગાડાં છોડી ત્યાં જ કરતાં ને શહેરથી પધારેલા હરિભક્તો માટે ગામના હરિભક્તો પોતાનાં ઘર ખાલી કરી દઈ વાડીએ જઈ રહેતાં.
બાપાશ્રી આ સૌ પ્રેમી સંત-હરિજનોને લાડ લડાવવા અને શ્રીજીમહારાજની મૂર્તિનું અનુસંધાન રખાવે એવા દિવ્ય સંભારણાં કરવા, મોટા યજ્ઞ-પારાયણોનું આયોજન કરાવતા. વળી આવા યજ્ઞમાં પણ યજ્ઞ થયા કરતા તે શું તો કોઈ સંત કે હરિજન ચંદન બનાવી લાવે ને બાપાશ્રીને ભાલે ચર્ચે. બીજા પણ બાપાશ્રીની ચંદનથી પૂજા કરતા. બાપાશ્રી પણ સૌ હરિભક્તોને ચંદન ચર્ચે, કંકુના ચાંદલા કરે ને માથે હાથ મૂકી આશીર્વાદ આપે. સેવા કરતા સંત-હરિભક્તોને ઉત્સાહ પ્રેરવા બાપાશ્રી વારંવાર દર્શન દેવા પાકશાળામાં પધારે, પંક્તિમાં ફરે અને સૌને જમાડી રમૂજ કરતા જાય, લાકડી અડાડતા જાય, જરૂરી સૂચનાઓ આપતા જાય ને બધું કામ તપાસતા જાય. ઘણી વાર તો એક ઠેકાણે રહ્યા થકા બીજે બધે દર્શન દેતા. કથામંડપમાં બેઠેલા દેખાય, કાળી તલાવડીએ નહાવા જાઓ તો ત્યાં દર્શન થાય, પાકશાળામાં, પંક્તિમાં, ઉતારામાં જ્યાં જુઓ ત્યાં બાપાશ્રી તો પ્રત્યક્ષ જ. આવી રીતે પ્રતાપ ને અલૌકિકતા જણાવી યજ્ઞમાં આવેલાં સર્વે સંત-હરિજનોને મૂર્તિના સુખના મહારસનું પાન કરાવી સુખિયા કરતા.
બાપાશ્રીએ કરેલા આત્યંતિક મોક્ષકારી છ મહાયજ્ઞો
(1) સં. 1959ના ચૈત્ર માસમાં બાપાશ્રીએ મંગળકારી યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં 'સત્સંગિજીવન' તથા 'શિક્ષાપત્રી ભાષ્ય'નું પારાયણ બેસાર્યું હતું. તેના વક્તા તરીકે મૂળીના સદ્. બ્રહ્મચારી બાળમુકુંદદાસજી શાસ્ત્રી હતા. આ મહાયજ્ઞમાં અનેક સંત-હરિભક્તો, બાઈઓ, ભાઈઓ, આબાલ-વૃદ્ધ સૌએ કથા-શ્રવણનો તથા બાપાશ્રીના દર્શન-સેવા-સમાગમનો અનેરો લહાવો લીધો હતો. મોટા મુક્તના જોગે કરીને, જેવું પ્રગટ શ્રીહરિના જોગમાં સુખ આવે, તેવું સુખ તે યજ્ઞમાં સર્વેને આવતું. બાપાશ્રીએ તે યજ્ઞમાં સારાં ભોજન કરાવીને તેની સાથે મૂર્તિનો મહારસ સૌને જમાડ્યો હતો.
(2) શ્રીજીમહારાજે દેવબાને કાળી તલાવડીના કાંઠે જે જગ્યાએ બાપાશ્રીના પ્રાકટ્યનો વર આપ્યો હતો તે ઠેકાણે બાપાશ્રીએ છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવા, સં. 1971ના ફાગણ માસમાં મહામોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં અમદાવાદના બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી અને મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજીના વક્તાપદે 'સત્સંગિજીવન'નું પારાયણ કરાવ્યું હતું. કચ્છ-ભૂજ તથા અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢપુર ને જૂનાગઢથી સંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તે યજ્ઞમાં શ્રીજીમહારાજે મુક્તશ્રીની પ્રીતિને વશ થઈને ઘણાં ઐશ્વર્ય-પ્રતાપ બતાવ્યા હતા. શ્રીજીમહારાજ ને બાપાશ્રીએ એકીસાથે ઘણે ઠેકાણે દિવ્યરૂપે દર્શન આપ્યા હતા. ઘીના ડબ્બા ખાલી કરીને રાખ્યા હતા- તે બાપાશ્રીએ ફક્ત લાકડી અડાડી ઘીથી ભરી દીધા હતા ને તે ઘી યજ્ઞમાં વપરાયું હતું.
(3) સંવત 1974ના અષાડ-શ્રાવણમાં બાપાશ્રીએ મનુષ્ય દેહ અદૃશ્ય કરવાના સંકલ્પથી ભારે મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે વખતે સદગુરુઓ તથા હેતવાળા હરિભક્તોની હેતભરી ગદગદ પ્રાર્થનાથી રાજી થઈને પરમ કૃપાળુ બાપાશ્રીએ મંદવાડને રજા આપી અને વધુ દસ વર્ષ રહેવાનું વચન આપ્યું હતું. આ અપૂર્વ સંભારણાં નિમિત્તે છત્રીએ મોટો યજ્ઞ કર્યો હતો ને તેમાં શ્રીજીમહારાજના કચ્છ-વિચરણ પર રચાયેલ 'શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર'નું પારાયણ કરાવ્યું હતું. મૂળી-અમદાવાદના સંત હરિભક્તો તો મંદવાડના સમાચાર સાંભળી બાપાશ્રીનાં દર્શન કરવા પ્રથમથી જ આવ્યા હતા. કચ્છ-ભૂજના ને ફરતાં ગામડાંના સર્વે હરિભક્તને તેડાવ્યા હતા. તે યજ્ઞમાં સભામંડપ છત્રીના ચોકમાં રાખ્યો હતો ને છત્રીના પડખે ખેતરમાં પાકશાળા કરી હતી. કથાના વક્તા અમદાવાદના સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી હતા. બાપાશ્રીએ આ બ્રહ્મયજ્ઞમાં હેતવાળા સર્વે સંત-હરિભક્તોને શ્રીહરિની મૂર્તિના સુખમાં તરબોળ કરી દીધા હતા.
(4) સં. 1978માં બાપાશ્રીએ છત્રીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ત્યારે પણ મહાયજ્ઞનું આયોજન કરેલું. તે વખતે કચ્છ દેશના મોટા મોટા હરિભક્તોને તેડાવીને બાપાશ્રીએ વાત કરી જે, "શ્રી સ્વામિનારાયણ ભગવાને અમને જીવોનો મોક્ષ કરવા મોકલ્યા છે ને અમને એમ કહ્યું છે જે, "જેમ ઘણા જીવનો મોક્ષ થાય તેમ કરશો." તેથી આ યજ્ઞ કરવો છે. તેમાં સર્વે આવજો ને હજારો સંત-હરિભક્ત આવશે. તેમના સેવા-સમાગમનો લાભ લેજો. આ યજ્ઞની જે પ્રસાદી જમશે, સેવા કરશે તેનો શ્રીજીમહારાજ મોક્ષ કરશે, એમ અમે શ્રીજીમહારાજની સમક્ષ સંકલ્પ કર્યો છે. અમે અમારી નાતના કણબી નથી; કોઈના બાપ-દીકરા નથી; અમે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લીન રહીએ છીએ ને તેમના સંકલ્પથી આવ્યા છીએ. અને જે વાતો તથા યજ્ઞ કરીએ છીએ તે કાંઈ મોટા થવા નથી કરતા, પણ શ્રીજીમહારાજનો સંકલ્પ છે, તેથી શ્રીજીમહારાજ આ મુક્ત દ્વારે કાર્ય કરે છે; અમે તો સદાય મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ.
આવાં દિવ્ય વચનો કહી, બાપાશ્રીએ મહાજ્ઞાનમય યજ્ઞ ચાલુ કર્યો. તે યજ્ઞમાં અમદાવાદના મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી ને ભૂજના પુરાણી સ્વામી શ્રી ઉત્તમપ્રિયદાસજી 'સત્સંગિજીવન'નું પારાયણ વાંચતા અને બાપાશ્રી તથા સંતો અહોનિશ કથાવાર્તારૂપી જ્ઞાનયજ્ઞ કરતા. તે યજ્ઞમાં છત્રીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી, "આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે" એવો આશીર્વાદ આપ્યો હતો, જે આજ દિન પર્યંત કાર્ય કર્યા કરે છે. વળી તે વખતે છત્રીની જાગીર અને કૂવાનું ભર્યું પણ કર્યું હતું. આવા એ યજ્ઞમાં જે આવ્યા તે સર્વે મોક્ષભાગી થઈ ગયા.
(5) સં. 1982માં પણ અઠ્ઠોતેરના જેવો જ મોટો બ્રહ્મયજ્ઞ કર્યો હતો ને સંત-હરિભક્તોને ઘણાં જ સુખ આપ્યાં હતાં, ને ઘણા સંત-હરિભક્તને શ્રીજીમહારાજ ને બાપાશ્રીના દિવ્યરૂપે દર્શન થયા હતા. તે યજ્ઞમાં 'સત્સંગિજીવન'નું જ પારાયણ બેસાર્યું હતું અને કથાના વક્તા પણ સ. ગુ. મુનિસ્વામીશ્રી તથા પુરાણી ઉત્તમપ્રિયદાસજી જ હતા. એ દિવ્ય સંભારણા સત્સંગ કેમ વિસરી શકે?
(6) સં. 1984ની સાલમાં બાપાશ્રીએ એમ સંકલ્પ કર્યો જે, "હવે છેલ્લો યજ્ઞ કરીને તેમાં સર્વે સંત-હરિભક્તને તેડાવવા ને સર્વેને દર્શન-સમાગમનું સુખ આપી સર્વના મનોરથ પૂરા કરવા ને પછી આ લોકમાંથી મનુષ્યસ્વરૂપે અદૃશ્ય થઈને દિવ્ય દેહે શ્રીજીમહારાજ ભેળા રહેવું." પછી મોટો કથાયજ્ઞ આરંભ્યો અને સર્વેને કહ્યું કે, 'આ અમારો છેલ્લો યજ્ઞ છે, તેમાં સર્વેને સમાગમનું અઢળક સુખ આપવું છે; પછી અમે અક્ષરધામમાં જઈને બેસશું.'- એમ કહીને પછી 'સત્સંગિજીવન'નું પારાયણ બેસાડ્યું હતું. તે યજ્ઞમાં પણ કથાના વક્તા મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી તથા પુરાણી ઉત્તમપ્રિયદાસજી જ હતા. આ યજ્ઞમાં દેશદેશાંતરથી સંત-હરિભક્તને તેડાવ્યા હતા ને દર્શન-સેવા-સમાગમનો લાભ આપીને સર્વના મનોરથ પૂરા કર્યા હતા.
આમ બાપાશ્રીએ શ્રીજીમહારાજના સંકલ્પથી જીવો પર કેવળ કૃપા કરી છ મોટા યજ્ઞ-પારાયણો કર્યા હતા. આ બધા જ બ્રહ્મયજ્ઞોની ફળશ્રુતિ એ હતી કે એ દરેક વખતે બાપાશ્રીએ કંઈક ને કંઈક નિમિત્ત કરીને લાભ લેનારા સૌને શ્રીજીમહારાજની મૂર્તિના સુખરૂપી આત્યંતિક કલ્યાણનો વર આપ્યો હતો. તેમાં પણ છત્રીએ ચરણારવિંદ પધરાવતી વખતે તો બાપાએ અનહદ કૃપા કરી વર આપ્યો કે ફક્ત આ વખતે અહીં આવેલાનું જ નહિ પણ યાવત્ચંદ્રદિવાકરૌ- જે કોઈ પણ આ છત્રીએ આવી ભાવથી દર્શન કરશે કે તે ઉપરથી ઊડીને પક્ષી જશે તેનું પણ શ્રીજીમહારાજ આત્યંતિક કલ્યાણ કરશે." આથી વિશેષ પારમાર્થિક આશીર્વાદ કયા હોઈ શકે? એ કોણ આપી શકે? બાપાશ્રી વારંવાર કહેતા કે "આ સર્વે શ્રીજીમહારાજનો પ્રતાપ છે અને અમારા દ્વારે એ પોતે જ બધું કરે છે. અમારે તો મૂર્તિ સિવાય કાંઈ છે જ નહિ."
આમ તેમની જીવનલીલા દરમિયાન બાપાશ્રીએ ઘણા યજ્ઞો કર્યા, અનેક પારાયણો કરી તેમાં અનેક વાર સંત-હરિભક્તોને જમાડ્યા-રમાડ્યા; તે બધાયનો હેતુ માત્ર શ્રીહરિની મૂર્તિનું અખંડ સ્મરણ સૌને રહે ને શ્રીજીના દિવ્ય સુખને સૌ પામે તે હતું. બાપાશ્રીના યજ્ઞ-પારાયણો એટલે મૂર્તિના સુખની અલૌકિક લહાણી!