• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૩)

0:000:00

શ્રીજીમહારાજનું જ્ઞાન, ધ્યાન અને એમના મુક્તનો જોગ તેણે કરીને જીવ મુક્ત થઈ જાય, પણ જીવને અનાદિ કાળના અવળા ફેર ચડ્યા છે, તેથી એના એ વેગે ચડી ગયો છે. તે માટે, એેને બીજી જે જે ક્રિયા બતાવો તો તત્કાળ રાજી થઈને કરવા તૈયાર થઈ જાય; ડુંગર ઉથાપવો હોય તો ય મંડી પડે; પણ ધ્યાન કરવાનું કહીએ તો અટકે ને કહે જે, ‘એ કઠણ પડે છે !’ પણ કરવાનું તો એ જ છે. મહારાજની મૂર્તિ વિના જપ, તપ, તીર્થ, વ્રત, હોમ, હવન, યજ્ઞાદિ કરે તો પણ જેમ ફળ વિનાનો આંબો હોય તેમાં ફળ ન આવે, તેમ મૂર્તિ વિનાનાં સાધન સર્વે વાંઝિયાં ઝાડ જેવાં છે.

શ્રીજીમહારાજ અને અક્ષરધામની સભા આ પૃથ્વી ઉપર સદાય પ્રત્યક્ષ બિરાજે છે, એમ કોણ જાણે ? ધામમાંથી આવ્યા હોય તે જાણે, કાં આવા સંત જાણે. આપણે તો એક મૂર્તિરૂપી નાવમાં બેઠા છીએ. એક નાવમાં બેઠા એ તો ભેગા જ હોય. આપણે તો જે આવે તેને ભેગા લેવા.

શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખના ઢગલે ઢગલા છે. અપાર સુખનું વચને કરીને શું વર્ણન થાય ? શ્રીજીમહારાજ અને મુક્ત તો સદાય સાથે ને સાથે જ છે. તેમાં દાતા-ભોક્તાપણાનો અને સ્વામી-સેવકપણાનો સંબંધ છે, એટલે એનું જુદું સુખ શું હોય ? સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. એને લઈને પછી જેનું સુખ કહેવું હોય તેનું કહેવાય.

આપણે તો સદાય આમ ને આમ દિવ્ય સભા ભેળી ને ભેળી રાખવી અને ક્યારેય શ્રીજીમહારાજ તથા અનાદિમુક્તનો વિયોગ થવા દેવો નહિ; એટલે સદાય આનંદ ! આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે. આપણે એ મૂર્તિ વિના બીજો સંકલ્પ કરવો નહિ. આ તો હીરા માણેકના વેપાર જેવું છે. તે વસ્તુના મૂલ બહુ, તેમ શ્રીજીમહારાજના અનાદિમુક્ત મોંઘામૂલા છે. તે આજ સોંઘા થઈને જીવના મોક્ષ અર્થે પધાર્યા છે, એમ જાણી દિવ્યભાવ રાખવો. આવા અવસરે ખરા ખબરદાર થઈને વિજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું ! એ ઝબકારા કોઈના ધાર્યા થાય નહિ, એ તો ઓચિંતા થાય ! એવી રીતે શ્રીજીમહારાજ અને તેમના મુક્તોએ આ લોકમાં ઓચિંતાનું સુખ આપવા માંડ્યું છે, તેથી અનેકના મોક્ષ થઈ જાય છે.

મોટા મુક્ત ઉપરથી આપણી પેઠે સૂઈ રહ્યા હોય પણ એ તો મૂર્તિના સુખમાં આનંદ કરતા હોય. જેમ આકાશ અને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબંધ જ નથી, તેમ એમને તો અખંડ મૂર્તિ જ છે. જેમ વાયુ ઝાડને ભટકાય છે અને દેખાતો નથી, તેમ મોટા મુક્તની બોલવા, સાંભળવા કે ખાવા, પીવા જેવી ક્રિયા દેખાય છે, પણ એ તો કાંઈ કરતા જ નથી. એમની સર્વે ક્રિયા શ્રીજીમહારાજ કરે છે. અને પોતે તો મૂર્તિના સુખરૂપ અમૃતના સમુદ્રમાં ઝીલતા જ રહે છે. માટે શ્રીજીમહારાજ વિના બીજે ક્યાંય સુખ માનવું નહિ અને દિવ્યભાવ રાખવો. આ ટાણે સત્સંગમાં એવા મોટા છે કે એક સંકલ્પે અનેકના આત્યંતિક મોક્ષ કરી નાખે, પણ જીવને દેહાભિમાનરૂપી રાહુએ ઘેરી લીધા છે, તેથી એવો મહિમા સમજાતો નથી.

મૂર્તિ વિના બધું ય ભૂલવાનું છે. કારણ તો એક શ્રીજીમહારાજ છે. તેને મૂકીને કાર્યમાં ગોથાં શું ખાવા ? કથા, વાર્તા, કીર્તન, ભજન, સેવા, માળા, માનસીપૂજા એ બધા ય કારણ પામવાનાં સાધન છે. કારણ મળે પછી થઈ રહ્યું. ‘મેરે તો તુમ એક આધારા’ એવું કરી રાખવું.

મોટા મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં ગરકાવ રહ્યા થકા મૂર્તિના મહારસનું પાન કરે છે. એ બોલે છે એમ જણાય, પણ બોલતા જ નથી; એ જમે છે, સૂવે છે, જાગે છે - એવી ક્રિયા કરતા જણાય, પણ એ કાંઈ કરતા જ નથી- એ તો મૂર્તિના સુખમાં ઝીલ્યા જ કરે છે. એમનું કરેલું કાર્ય છે એમ બીજા દેખે, પણ એ તો એક મહારાજને આધારે જ છે. એ તો મૂર્તિ વિના બીજું કાંઈ જોતાં જ નથી. માટે જેને મોટા અનાદિ મળ્યા તેને સાક્ષાત્‌ શ્રીજીમહારાજ મળ્યા તુલ્ય જાણવું. મોટા મૂર્તિના સુખમાં ગુલતાન હતા એમ કહેવામાં પણ પરોક્ષભાવ થઈ જાય છે. એ તો સદાય મૂર્તિમાં છે, છે ને છે જ. એ મૂર્તિ ક્યાં ન હોય ? સર્વત્ર છે. તેજના સમૂહમાં ઝળક ઝળક ઝળકે છે, ત્યાં આ સભા છે. અવરભાવ પરભાવની વાત ન જાણતા હોય તેને આ વાત સમજાય નહિ. આ જ્ઞાન તો શ્રીજીમહારાજ ભેળા અનાદિ મહામુક્તો પધાર્યા તેમણે પ્રવર્તાવ્યું છે, માટે ખરેખરો મૂર્તિના સુખભોક્તાનો ખપ કરવો.

શ્રીજીમહારાજ ને તેમના આવા સંત અનંત કોટિ બ્રહ્માંડમાં ખોળતાં ન મળે, તે ઘેર બેઠાં મળ્યા છે, આ તો અનંત જીવને ઉદ્ધારવા આવ્યા છે. આ સભામાં સાક્ષાત્‌ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે, ને અનંત મુક્ત ફરતા બેઠા છે, એમ જે સમજે તેને મહારાજ સદાય પ્રત્યક્ષ છે; આપણને તો મહાપ્રભુએ ન્યાલ કર્યા છે; તેમના પ્રતાપે સુખિયા છીએ, એમના મુક્ત પણ એવા જ કલ્યાણકારી અને અનંત બ્રહ્માંડનો એક સંકલ્પમાત્રમાં મોક્ષ કરે એવા બળવાન છે, તેને દેહાભિમાની જીવ જાણી ન શકે. આવા શ્રીજીમહારાજ અને શ્રીજીમહારાજના લાડીલા મુક્ત મળ્યા પછી જ્યાં ત્યાં સાંધા ન રાખવા ને બીજે ક્યાંય હેત ન કરવું. બીજે હેત રહે તો જાણવું જે, જીવમાં રોગ છે. તે રોગ આ સભાના જોગથી ટળે છે. શ્રીજીમહારાજ અને તેમના મુક્ત બરાબર બીજું કોઈ છે જ નહિ, એવી સમજણ દૃઢ કરવી. મુક્ત તો સર્વે મૂર્તિને આધારે છે. પછી કોણ રહ્યું ? એક કારણ મૂર્તિ જ રહી. માટે અખંડ એકતાર મૂર્તિમાં જોડાઈ રહેવું. કર્તા, નિયંતા એ જ છે. ‘‘કર્તા થકા અકર્તા રે, જુગજુગમાં નરદેહ ધરે.’’ મોટા મુક્તને જોગે ખરો સત્સંગ થયો હોય તે તો એક મૂર્તિને દેખે. મૂર્તિ વિના સર્વત્ર દુઃખ જ છે. જુઓને ! મૂર્તિ વિના બીજો ઘાટ સંકલ્પ થાય એટલે જન્મમરણ આવે છે. એથી બીજું વધું દુઃખ કયું ? માટે એક શ્રીજીમહારાજને જ રાખવા. એ કારણ મૂર્તિનું જ્ઞાન આપવા અને એ કારણ મૂર્તિને પમાડવા આજ મોટા મુક્ત દયા કરીને પધાર્યા છે. શ્રીજીમહારાજ પણ ભેળા બિરાજે છે, તેથી મોટા મોટા અવતાર પણ પોતાના આત્યંતિક મોક્ષને અર્થે આ સત્સંગમાં આવે છે અને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજીને સુખિયા થઈ જાય છે. એવો દિવ્ય સત્સંગ અને આવા દિવ્ય સંત મળ્યા છે, માટે આવા જોગમાં પોતાનું પૂરું કરી લેવું.

આ સભા અક્ષરધામની જાણે તે સુખના સમુદ્રમાં ઝીલે. આપણે તો સદાય એ દિવ્ય સભામાં જ બેઠા છીએ, પણ દેહ મૂકીને જવું છે એમ ન જાણવું. જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તેને આ સત્સંગમાં આવ્યા વિના છૂટકો નથી; પછી ભલે ઐશ્વર્યાર્થી કે નાના મોટા અવતાર હોય. એ સૌને આજ શ્રીજીમહારાજ અભયદાન આપે છે ને ન્યાલ કરે છે. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા’ એવું છે. આવા અવસરમાં ને આવા જોગમાં જે ધ્યાન કરી મૂર્તિ સિદ્ધ નહિ કરે, તે શ્રીજીમહારાજ તથા મોટાના ગુનેગાર થશે. માટે મૂર્તિથી નોખું ન પડાય એવો ખટકો રાખવો. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમારી તથા અમારા મુક્તની નજરે ચડ્યો તેને મૂકવો નથી.’ એમના મુક્ત પણ એ જ કામ કરે છે. જીવની કેડે કેડે ફરે છે, પણ બહિર્દૃષ્ટિવાળાને એ વાતની ગમ પડે નહિ, તેથી મહિમા જાણી રાજી ન કરી શકે. આપણે તો એક મૂર્તિ જ રાખવી. મૂર્તિનું બીજ સર્વે વાતમાં લાવવું શ્રીજીમહારાજને ભૂલીને લૂખી વાત તો ક્યારેય કરવી જ નહિ. આઠે પહોર એમ જાણવું જે અક્ષરધામના ધામી શ્રી સ્વામિનારાયણ ભગવાન તે આપણને પ્રત્યક્ષ મળ્યા છે, એની ખુમારી રાખવી. ખરું કલ્યાણ એમના પાસે છે. આવા શ્રીજીમહારાજ અને તેમના લાડીલા મુક્તો આ સભામાં દર્શન દે, તે કાંઈ સાધારણ વાત ન કહેવાય. આ સમયે તો અલભ્ય લાભ મળે છે. કોઈના કાંઈ કામ થાય છે.

મોટા સંત કહે છે કે, મૂર્તિ વિના ઘડી યે રહેવું નહિ ને શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા; એ વાતનો આપણે ઘણો ખટકો રાખવો. આ લોકમાં વ્યવહાર તો કરવો પડે, પણ શ્રીજીમહારાજને ભેળા રાખીને કરવો. શ્રીજીમહારાજ જરાય છેટા નથી. દિવ્ય દૃષ્ટિ થાય તો આ રહ્યા ! આપણે જોયા જેવું તો એક શ્રીજીમહારાજનું રૂપ છે.

આ સમે શ્રીજીમહારાજે મોક્ષ સાવ સુગમ કર્યો છે, તેથી કોઈ આવો ! કોઈ આવો ! મહાપ્રભુનો પ્રતાપ તો જુઓ ! મૂર્તિમાંથી ઝળળ ઝળળ તેજ છૂટે છે એવા સર્વોપરી શ્રીજીમહારાજ મળ્યા તેને બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ. નાના મોટા અવતાર કે કોઈ બીજામાં શ્રીજીમહારાજ જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય. આવી દિવ્ય સભામાં મહાપ્રભુ સાક્ષાત્‌ બિરાજે છે, ફરતા મુક્ત બેઠા છે, તે એક નજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, ત્યાં આપણે બેઠા છીએ એમ સદાય પ્રત્યક્ષ જાણવા, મૂર્તિમાં દિવ્ય સભા છે. બહાર પણ છે. ઉપર, નીચે, અડખેપડખેની મુક્તની ઠઠ્ઠ છે. મુક્ત સર્વે મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે. આપણે પણ એ સુખના ભોગી થવું.

આજ શ્રીજીમહારાજ ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે, તે જે જીવ નજરે ચડે તેનો મોક્ષ કરે છે. આવી દિવ્ય સભા પાસે મૂર્તિના સુખ વિના બીજું કાંઈ માગવું નહિ. શ્રીજીમહારાજની મૂર્તિનું દિવ્ય અલૌકિક સુખ મૂર્તિરૂપ થયેલા મુક્ત ભોગવે છે. એમને મૂર્તિના સુખ વિના બીજો રસ નથી. એવા મુક્ત અને શ્રીજીમહારાજને અરસપરસ એકતા છે. એવા મુક્ત દ્વારે અનેક જીવ સુખિયા થઈ ગયા ને થાય છે, પણ એમને ઓળખી જીવ જોડવો જોઈએ. સત્સંગમાં સહુ મોક્ષ માટે આવ્યા છે, પણ મોટાને ઓળખે નહિ અને સાધનને વેગે ચડી જાય, તેથી કામ થતું નથી.

આપણને કારણ મૂર્તિ સર્વોપરી ભગવાન જે શ્રીજીમહારાજ તે મળ્યા છે અને આ સભા એમની છે. તેમાં આવા મુક્તને મહારાજે રાખ્યા છે, તેનો જોગ કરી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ, એમ કરી રાખવું.

શ્રીજીમહારાજ અક્ષરધામમાંથી પોતાનો દિવ્ય સાજ લાવ્યા, તેથી અગમ હતા તે સુગમ થયા. લાખો કરોડો જન્મનાં કર્મ આવા મોટા મુક્તનાં દર્શને નાશ પામી જાય, એવી વાત જીવને ક્યાંથી સમજાય ? શ્રીજીમહારાજ કહે છે કે રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય, પણ જીવને મહિમા નહિ તેથી ખબર ન પડે. મહારાજનું સુખ તો બહુ જબરું છે, તે જો મહિમાએ સહિત ધ્યાન કરે, તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત ઝળહળાટ તેજમાં દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. મહાપ્રભુ સત્સંગમાં અખંડ બિરાજે છે. તેમના મુક્ત પણ ભેળા છે. સર્વોપરી ભગવાન જે શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્ત અનંત કોટિ બ્રહ્માંડમાં ખોળતાં ન મળે તે આજ સહેજે મળ્યા છે, એમ જાણે તો આઠે પહોર આનંદ આનંદ રહે.

શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનંત અપાર સુખના ફુવારા છૂટે છે, આ દિવ્ય મૂર્તિ અને આ દિવ્ય સ્થાન તો જુઓ ! આ તો અક્ષરધામ તુલ્ય કહેવાય. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો અનંત જન્મનાં પાપ બળી જાય. શ્રીજીમહારાજે આપણને ન્યાલ કર્યા. ક્યાં અક્ષરધામ અને ક્યાં એ ધામના ધણી. અને ક્યાં એ મૂર્તિના સુખભોક્તા મુક્ત ! આ તો ભારે વાત બની ગઈ છે. આવા જોગમાંથી રહી જવું નહિ. શ્રીજીમહારાજની સૌ ઉપર અમૃતનજર છે. આપણે પણ એ મૂર્તિ વિના ક્યાંય સુખ માનવું નહિ. આ વસ્તુ જેમ છે તેમ ઓળખાય તો તેને અર્થે શું ન થાય ? શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે, તે હવે મૂકે તેવા નથી. બહુ દયાળુ છે. પણ દેહ રહે ત્યાં સુધી તેમનું કોઈ વચન લોપવું નહિ, એટલું આપણે કરવું.

શ્રીજીમહારાજ ને મોટા મુક્તની કૃપાથી સુખ ઓચિંતાનું આવી જાય, વાર ન લાગે. સુખ તે શું ? તો શ્રીજીમહારાજનું દિવ્ય અલૌકિક દર્શન થાય તે. જેમ વિજળીના ઝબકારા ઓચિંતા થઈ જાય છે, તેમ આપણા ઉપર મોટા રાજી થયા છે, તે ઓચિંતા શ્રીજીમહારાજ આવીને ઊભા રહેશે, સાધારણ જેવા જીવ હોય તે પણ મોટાના આશીર્વાદે સુખિયા થઈ જાય છે, તો આપણે તો મોટા મોટાને સેવાએ કરીને રાજી કર્યા છે, એમજાણી અંતરમાં બહુ જ આનંદ રાખવો અને મૂર્તિમાં વૃત્તિ પરોવી મેલવી. આ ટાણે એવું કરી નાખવું કે લોક, ભોગ, દેહ, સગા, સંબંધી આદિ કોઈ છે જ નહિ. એક શ્રીજીમહારાજ અને તેમના લાડીલા મુક્ત એ બે જ વસ્તુ છે; બીજું કાંઈ નથી. મોટા મુક્ત તો શ્રીજીમહારાજના અવતાર છે, તેથી એ તો સાથે ને સાથે જ હોય એમ જાણવું.