• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૯)
દુર્વાસા ઋષિ સર્વે ગોપીઓના થાળ જમી ગયા તો ય ઉપવાસી કહેવાણા, અને યમુનાજીએ માર્ગ દીધો. એ વાત શાસ્ત્રમાં લખાણી છે તેની સૌ હા પાડે છે, પણ શ્રીજીમહારાજના મુક્તોએ તો એવાં અનંત ચરિત્રો બતાવ્યાં છે; તે જુએ તેને ખબર પડે. મોટા મુક્ત ગોવરધનભાઈએ દાતણ કર્યા વિના સુતરફેણી શ્રીજીમહારાજની આજ્ઞાથી જમવા માંડી પણ પોતે જમ્યા નહોતા. એ સુતરફેણી તો શ્રીજીમહારાજ એમના દ્વારે પોતે જ જમ્યા હતા. ને મહાસમર્થ સચ્ચિદાનંદ સ્વામીએ હજાર માણસ જમે એટલા પકવાનની કોરડ કરી ત્યારે કાઠીઓ કહે, ‘મહારાજ ! આ તો દુર્વાસાના મોટાભાઈ’ એમ કહ્યું પણ એમની સ્થિતિની ખબર ન પડે.
એક વાર ગઢડામાં પાંચસો પરમહંસની રસોઈમાં શ્રીજીમહારાજે અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ ચાર સંતોને જમાડી દીધા, તો ય શ્રીજીમહારાજ કહે સંતો હજી ભૂખ્યા છે. આ વાતથી જેની રસોઈ હતી તે ડોશી આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યાં જે, ‘હે મહારાજ ! સંતો આટલું બધું જમી ગયા તો ય લાવો, લાવો કેમ કરે છે ?’ ત્યારે શ્રીજીમહારાજે સંતોને પૂછ્યું તો કહે, ‘અમે તો એક એક પૈસાભાર જમ્યા છીએ, અને બીજું બધું આપના હાથની પ્રસાદી જાણી કેટલાંય ધામોના મુક્તોને તાણ હતી તે સૌ જમી ગયા.’ આવી વાતની જીવની નજર શું પહોંચે ! પણ સત્સંગમાં એવાં રત્નો શ્રીજીમહારાજે રાખ્યાં છે, નહિ તો કલ્યાણો માર્ગ બંધ થઈ જાય. જ્યારે ઐશ્વર્ય, ચમત્કાર જણાવે ત્યારે મોટા મુક્ત લાગે અને એવું ન જણાવે ત્યારે એવો ભાવ ન રહે તો જેમ છે તેમ મહિમા જાણ્યો ન કહેવાય અને એવાને ક્યારેક વિઘ્ન પણ ખરું, કેમ કે મોટા મુક્તનો મનુષ્યભાવ જોઈને તેને દિવ્યભાવ સમજતાં ન આવડે, તેથી સત્સંગમાંથી પડી જવાય. માટે શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્ત તો સદાય દિવ્ય, તેજોમય ને કલ્યાણકારી જ છે એવો મહિમા જાણવો, મહિમા વિનાની ભક્તિ અંતે નાશ પામી જાય છે. માટે મહિમાએ સહિત બધું કરવું.
શ્રીજીમહારાજની દયા કેવડી બધી છે, તે અહીં દર્શન આપી પોતાનું જ્ઞાન પોતે જ પ્રવર્તાવ્યું. મોટા મોટા મુક્તોની ઓળખાણ પડાવી. વળી સંકલ્પ કર્યો જે, મૂર્તિરૂપે દેખાઉં એટલે મૂર્તિરૂપ દેખાણા. માટે જેમ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ તેમ પ્રત્યક્ષ મૂર્તિ છે. અને એ જ સૌનું કારણ છે. એ મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે. અને બહાર પણ પરમ એકાંતિકની સભા છે તે સર્વે સેવક છે. અને શ્રીજીમહારાજ એ સૌના સ્વામી છે. મુક્ત ગમે તેવા મોટા હોય તો પણ શ્રીજીમહારાજ પાસે એ સેવક; કોઈ ભગવાન નહિ. ભગવાન તો એક શ્રી સ્વામિનારાયણ પોતે જ છે. એ સમજણ દૃઢ રાખવી, કેમ કે આ ભગવાનની તડોવડ કોઈ નથી. આ તો ‘જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી’ એવી અકળ મૂર્તિ છે.
શ્રીજીમહારાજે કહ્યું છે કે ‘અનંત નરનારાયણ, અનંત વાસુદેવ તથા અનંત અક્ષર છે, પણ એ સર્વે અમારા આગળ પરતંત્ર છે. અને કોટાનકોટિ મુક્ત છે તે પણ અમારી આગળ પરતંત્ર છે, કેમ કે એમનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે પણ ન ચાલવા દઈએ તો લેશમાત્ર ન ચાલે. જેમ અનંત અપાર સમુદ્ર છે તેમાંથી છાંટો પાણી નોખું પાડીએ કે વધારે નોખું પાડીએ પણ એ કાંઈ સમુદ્ર થાય ? ચક્રવર્તી રાજાના રાજ્યમાં રજવાડાં હોય, શેઠ, શાહુકાર કે સાધારણ મનુષ્ય હોય અને કેટલાક રાંક પણ હોય, તે જેમ રાજાની ગણતરીમાં ન હોય, તેમ શ્રીજીમહારાજની આગળ બીજા કોઈ લેખમાં જ નથી. શ્રીજીમહારાજના પ્રકાશમાં કોઈનો પ્રકાશ દેખ્યામાં જ ન આવે. અનંત અક્ષરકોટિ તથા અનંત મુક્તકોટિ આદિ સર્વેનો પ્રકાશ શ્રીજીમહારાજના રોમના કોટિના ભાગમાં લીન થઈ જાય, પણ શ્રીજીમહારાજનો પ્રકાશ કોઈ ઢાંકી ન શકે તેમ લીન પણ ન કરી શકે. એવા પુરુષોત્તમનારાયણ તે મારા સ્વામી છે ને હું એનો દાસ છું. અને એ મૂર્તિ વિના બીજે ક્યાંય હેત જ ન થાય એવી દૃઢ પતિવ્રતાની ભક્તિ કરવી.
કોઈને ધ્યાન કરતાં મૂર્તિમાંથી સુખ આવતું હોય, પણ જાગીને એમ જાણે કે, હું કેવું ધ્યાન કરું છું તો તે પાછો વળ્યો અને પોતામાં કંઈક રૂડા ગુણ આવ્યા હોય તો સર્વે વાતમાં માન આગળ પડે છે, પણ શ્રીજીમહારાજ અને તેમના આશ્રિતનો મહિમા સમજે તેને એ નડી શકે નહિ. જીવને મહિમાની કાચપ છે એટલે શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણી ન શકે, નહિ તો એમની પાસે માન કે બીજું કાંઈ કેમ રહે ?
આવા સર્વોપરી અને સર્વના કારણ શ્રીજીમહારાજ પોતાના મુક્તોને બહુ જ મોટી પદવી આપે છે, તેથી તેમને એ મૂર્તિ વિના બીજું કંઈ દૃષ્ટિમાં જ રહેતું નથી. એવા શ્રીજીમહારાજ અને તેમના મુક્તના તો મોટા મોટા અવતારાદિ પણ દર્શન ઇચ્છે છે. એમના સામર્થ્ય પાસે બીજા કોઈકનું સામર્થ્ય શું લેખામાં ? કેમ કે આત્યંતિક મોક્ષ કરવામાં શ્રીજીમહારાજ અને મુક્ત એ બે જ સમર્થ છે. જેમ કોઈને હીરો ખરીદવો હોય તો ઝવેરી પાસેથી મળે પણ જ્યાં ત્યાં ન મળે; કેમ કે તેની કિંમત મોટી છે, તેમ મોક્ષ સૌથી મોંઘો છે, તે શ્રીજીમહારાજ અથવા તેમના મુક્ત પાસેથી જ મળે છે.
ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિ છે ને અહીં પણ એ જ મૂર્તિ છે. એ અહીં રાખે ત્યાં સુધી છે ને અહીં પણ એ જ મૂર્તિ છે. એ અહીં રાખે ત્યાં સુધી અહીં રહેવું ને ધામમાં રાખે ત્યાં રહેવું. અહીં ને ત્યાં એ બહિર્વૃત્તિઓ છે, અંતર્વૃત્તિવાળાને તો બધું અહીં જ દેખાય; ઘડીએ મૂર્તિને ન મૂકીએ તો સદાય ધામમાં જ છીએ એમ લાગે.
આ લોકના તુચ્છ ને નાશવંત સુખ સારુ શ્રીજીમહારાજનું અખંડ ને અવિનાશી એવું દિવ્ય સુખ મેલી દેવું નહિ. આ સમયે સત્સંગ ઉપર શ્રીજીમહારાજની બહુ જ કૃપા છે, તેથી ગમે તેવો જીવ નજરે આવે તેને મૂકતા નથી; પણ આપણે પતિવ્રતાની ટેક રાખવી. શ્રીજીમહારાજ વિના બીજો કોઈ કર્તા, નિયંતા નથી, માટે જ્યાં ત્યાં માથાં ભટકાવવાં નહિ અને કોઈને કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ય આવી દિવ્ય સભા પાસે માફી માગવી.
શ્રીજીમહારાજના આશ્રિત હોય તેમણે તો એ કારણ મૂર્તિનું બળ રાખવું જોઈએ. એ મહાપ્રભુ વિના સૂકું પાંદડું કોઈથી તોડી શકાતું નથી. આવા સર્વોપરી ભગવાન મળ્યા ને જેનો તેનો ભાર રહી જાય તો મોક્ષમાં વાંધો આવી જાય. શ્રીજીમહારાજ કહે છે કે ‘અમારા સંત-હરિભક્તોનાં દર્શને કલ્યાણ, ગુણ લે તેણે કરીને કલ્યાણ, સત્સંગીના ઘરનું પાણી પીધે કલ્યાણ.’ આવો મહિમા શ્રીજીમહારાજનો છે.
આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, બહાર પણ મુક્તની સભા છે. આવી દિવ્ય સભા ઉપર આમ બે ફૂલની પાંખડીઓ નાખતાં કાંઈ કરવું બાકી રહે નહિ, પણ મહિમા વિના કોઈ અવળા સંકલ્પ કરી માયિક ભાવ પરઠે તો મોક્ષનું બારણું વસાઈ જાય.
શ્રીજીમહારાજે અનંત જીવોનાં દૃષ્ટિમાત્રે કલ્યાણ કરવાં માંડ્યાં એ જોઈને માયાને ઘણું દુઃખ થયું ને જાણ્યું જે, હવે જીવ મારા હાથમાં નહિ આવે. પછી તો એણે ખીજાઈને ધૂળ ઉડાડવા માંડી, પણ શ્રીજીમહારાજ ને તેમના મુક્ત પાસે એનું શું ચાલે ? આપણને તો શ્રીજીમહારાજે દયા કરી એવી દુઃખરૂપ માયામાંથી ઉગારી લીધા છે ને પોતાની મૂર્તિના સુખે સુખિયા કર્યા છે, માટે જરા વાર પણ મૂર્તિથી નોખા ન પડવું. સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. એ વસ્તુ મહામોંઘી ને અલૌકિક દિવ્ય છે.
આ ટાણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ જવું. આ લોકમાં જાણે કાંઈ છે જ નહિ, એક શ્રીજીમહારાજ અને તેમના મુક્ત એ બે જ છે, જે અક્ષરધામમાં તેજોમય મૂર્તિ છે તે જ અહીં દર્શન આપે છે અને પોતાને સંકલ્પે તેજ, ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે છુપાવી રાખ્યું છે તે આપણા સુખને અર્થે છે.
મોટા મુક્ત પ્રત્યક્ષ બેઠા હોય ત્યાં સુધી તેમની સેવા અને જોગ-સમાગમ કરી મૂર્તિ સિદ્ધ કરી લેવી. મૂર્તિ વિના જે જે થાય તે બધું ય લૂખું છે. કેટલાક તો કોઠાર, ભંડાર, મહંતાઈ વગેરેમાં જ્યાં ત્યાં બંધાઈ જાય છે, માટે આ લોકમાં સર્વે ઠેકાણેથી વૃત્તિ ઉખાડીને મૂર્તિમાં જોડાવું અને સત્સંગની સેવા કે બીજું કાંઈ કરવું; તેમાં માન, ઈર્ષા, ક્રોધ આદિ દોષ કે વિક્ષેપ વગરનો ત્યાગ કરી એક મૂર્તિ જ રાખવી, પણ મૂર્તિ ભૂલીને કાંઈ કામ ન કરવું.
આ સત્સંગમાં સહુ કોઈ શ્રીજીમહારાજને રાજી કરવા તથા મૂર્તિના સુખને પામવા સારુ આવ્યા છે, તેથી અનેક પ્રકારના દાખડા કરે છે, પણ માન, મોટપ, યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વગેરે મૂકી શકતા નથી, તેથી તેને એ મૂર્તિનું સુખ પણ આવતું નથી. માટે જેને શ્રીજીમહારાજનું દિવ્ય સુખ પામવું હોય તેણે એ સર્વેને હરામ કરવા જોઈએ, તમે સહુ એ વાતનો ખટકો રાખજો.
શ્રીજીમહારાજને અર્થે ભક્તિએ કરીને જે થાય તે ખરું, પછી જેવી જેની સંપત્તિ અને રુચિ. શ્રીજીમહારાજ તો પોતાના ભક્તની હેતે સહિત કરેલી સેવા અંગીકાર કરે છે. હેત જેવો કોઈ રસ નથી; હેત ન હોય ને ગમે તેવા થાળ કરે, સેવા-ભક્તિ કરે તો ય શ્રીજીમહારાજ રાજી ન થાય. અનાદિમુક્તને તો એક મૂર્તિરૂપ જ રસ છે. એમની દૃષ્ટિમાં બીજું કાંઈ છે જ નહિ. આપણે તો ‘‘રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાંહી ભળી.’’ એમ સદાય ભેળું રહેવું. કર્તા, નિયંતા શ્રીજીમહારાજને રાખવા, એવી સમજણમાં જરા ય છેટાપણું નહિ.
આપણને શ્રીજીમહારાજે દયા કરી મૂર્તિમાં રાખ્યા છે, એવો ભાવ સદાય રાખવો, કેમ કે આ સમયે અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો છે, તેથી પોતાના અનાદિમુક્ત જે ખાનગી હજૂરી, તેને આ લોકમાં શ્રીજીમહારાજે મૂક્યા છે. માટે એવા મુક્તનો જોગ કરી મૂર્તિના સુખમાં ઊતરતાં શીખવું અને જે જે વાત કરવી તેમાં મૂર્તિનું જ મુખ્યપણું લાવવું તો શ્રીજીમહારાજ રાજી થાય.
શ્રીજીમહારાજ ને મુક્ત દિવ્ય છે, તેને દિવ્ય જાણવા એ જ મોટી ઘાંટી છે. જીવ બીજાં સાધન બધાં ય કરે, પણ જે કરવાનું છે તે ઉપર તાન નહિ. શ્રીજીમહારાજે સહુને પોતાના દિવ્ય મુક્તની પંક્તિમાં ભેળવવા માટે આવા સમૈયા કર્યા છે, તેથી જો એવો ભાવ રહે તો શ્રીજીમહારાજ અને મુક્ત રાજી થાય. સત્સંગમાં કેટલાક કહે છે કે ચડતો રંગ રાખવો તે આ લૂગડાં ઉપરનો રંગ ન જાણજો. આ રંગ તો ઠેઠ ચૈતન્ય ભૂમિકામાં ઊડે છે અને શ્રીજીમહારાજ ને મુક્ત સર્વે રંગમાં રસબસ થઈ રહે છે. ચંદન-પુષ્પની પૂજા એ પણ બધી ત્યાં જ થાય છે એમ જાણવું. એ જ ખરો આનંદ ! ને એ જ ખરું સુખ !
આપણે વાતો કરતાં મૂર્તિરૂપ નિશાન ચૂકવું નહિ અને સર્વે વાતમાં મૂર્તિનું બીજ લાવવું. તે વિના શ્રીજીમહારાજ રાજી ન થાય.
આપણે કાંઈક થાય ત્યારે દેહનું અનુસંધાન રાખીએ તો દુઃખ જણાય, પણ મૂર્તિમાં જોડાઈ જઈએ તો જાણે કાંઈ છે જ નહિ. મૂર્તિમાં તો નકરું સુખ જ ભર્યું છે, દુઃખની ગંધેય નથી.
શ્રીજીમહારાજના મુક્ત સાથે જેને હેત થયું તેને તો બહુ ભારે કામ થઈ ગયું; કેમ કે એ સર્વે આવરણ ભેદાવીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડી દે એવા છે.
સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે. તે સામું જોઈ રહેવું. આપણે પુરુષોત્તમનારાયણની મૂર્તિને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે ? શ્રીજીમહારાજ વિના ‘‘સબ જગ જરત અંગારા’’ એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ.
જીવને શ્રીજીમહારાજ અને તેમના મુક્તનો મહિમા સમજવામાં દેહાભિમાનરૂપ આભડછેટ બહુ નડે છે. એ આભડછેટ જીવ મૂકે નહિ ત્યાં સુધી તેની સેવા શ્રીજીમહારાજ અંગીકાર કરે નહિ.
શ્રીજીમહારાજ ને મુક્ત દિવ્ય છે અને જીવને દેહાભિમાનરૂપ આભડછેટ છે, તેથી એ દેહભાવ ટાળી પવિત્ર ન થાય ત્યાં સુધી શ્રીજીમહારાજ રાજી ન થાય; માટે જે કાંઈ કરવું તે બધું દિવ્યભાવમાં રહીને કરવું.
સત્સંગમાં આવીને શ્રીજીમહારાજ તથા મોટા રાજી થાય એટલું જ કરવાનું છે. આગળ સંત-હરિભક્તોને કેવાં કેવાં કષ્ટ પડતાં તો ય સત્સંગ માથા સાટે રાખતા. એવાનાં નામ શાસ્ત્રોમાં લખાણાં છે.
આપણે એમ જાણવું જે, શ્રીજીમહારાજ અને મોટા મુક્ત સદાય આપણા ભેળા છે અને મોટાએ દયા કરી ચૈતન્યમાં મૂર્તિ પધરાવી દીધી છે એમ સમજીને શ્રીજીમહારાજનું ધ્યાન કરવું અને સર્વ ક્રિયામાં મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને મૂર્તિ સિદ્ધ કરવી. સત્સંગ બધો ય દિવ્ય સમજવો. તેમ નાના-મોટા કોઈ ભગવાનના ભક્તનો અવગુણ ન આવે તેવી નિર્દોષ બુદ્ધિ રાખવી, તો સત્સંગ દિવ્ય સમજાય અને કોઈનો અભાવ આવે નહિ.
હમણાં કલ્યાણની ગંગા ભરપૂર વહે છે, અહીં તો જે આવે તેને છૂટ છે, મોક્ષના દરવાજા શ્રીજીમહારાજે ઉઘાડા મૂક્યા છે, તે કોઈ આવો ! કોઈ આવો ! જેને ખપશે તે લેશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને પ્રત્યક્ષ દર્શન આપ્યાં એ વાત બહુ જબરી થઈ છે અને એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત પણ બહુ જ મોટા મળ્યા, તેથી કાંઈ પણ અપૂર્ણપણું માનવું નહિ. અમારે સૌને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડવા એટલું જ કામ છે, તેથી જીવના કલ્યાણને અર્થે ગામેગામ ફરીએ છીએ. આ સમે શ્રીજીમહારાજ અને મોટા કૃપાસાધ્ય છે, તેથી જે કોઈ જોગમાં આવે તેનું તુરત કામ થઈ જાય છે.
સમૈયા ઉત્સવ ટાણે કારણ સામી નજર રાખવી, કાર્યમાં બહુ તણાવું નહિ. શ્રીજીમહારાજે આ લોકમાં મનુષ્યરૂપે દર્શન દઈ જે જે લીલા કરી હોય તેની સ્મૃતિ રહેવા સારું આ બધું ય છે; મૂર્તિમાં રહ્યા છે, તેને તો અખંડ સમૈયા ને અખંડ આનંદ છે. એને તો મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે, તે સુખના આપનારા શ્રીજીમહારાજ સામી નજર રહે, એ સમૈયાનું ફળ.
અમે તો મૂર્તિ વિના કાંઈ દેખતા નથી, તેમ મૂર્તિ વિના બીજું કાંઈ દેતા નથી. શ્રીજીમહારાજ સદાય તેજોમય છે. તે મૂર્તિરૂપે દેખાય તો ય ભલે અને મનુષ્યરૂપે દેખાય તો ય ભલે, પણ એ કારણ મૂર્તિની પ્રાપ્તિ થઈ એટલે પોતાના અહોભાગ્ય માનવાં.
સર્વ કારણના કારણ, સર્વોપરી શ્રીજીમહારાજ તે પ્રત્યક્ષ મળ્યા પછી શું કરવાનું રહે ? પણ જેને એકરસ ચિદ્ધન તેજમાં જે મૂર્તિ છે તે જ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ પ્રમાણ દર્શન દે છે એમ જણાયું તેને તો બધું ય પૂરું થઈ રહ્યું જાણવું.