• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૭)
સાધન માત્રમાં મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવી એ જેવું એકે ય નથી. સર્વ ક્રિયામાં શ્રીજીમહારાજનો સંબંધ રાખતાં રાખતાં પરભાવમાં જવાય; પછી તો માનસી પૂજામાં પણ તેજમાં મૂર્તિ ધારવી. નવરાવવા, ચંદન ચર્ચવું, પુષ્પના હાર પહેરાવવા, પૂજા કરવી, એ બધું તેજમાં જ કરવું, એવી સ્થિતિ ન થઈ હોય ત્યાં સુધી અવરભાવમાં કરવું. પણ મૂર્તિ ક્યારેય ન ભુલાય એવો ખટકો રાખવો, તો મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. મૂર્તિ ધારતાં જુદાં જુદાં અંગ દેખાય પણ સળંગ મૂર્તિ ન દેખાય ત્યાં સુધી લટક આવી નથી એમ જાણવું. દેહથી નોખા પડતાં ન આવડે તેથી ઇન્દ્રિયોની વૃત્તિઓનો ભાવ રહી જાય. જો દેહથી નોંખું પડતાં આવડે તો સમગ્ર મૂર્તિ જેમ છે તેમ દેખાય પછી તો એક મૂર્તિ જ ભાસે અને મુક્તપણું આવે, માટે મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં જોડાવું એ જ કરવાનું છે, કેટલાક ભણેગણે, વાતો કરે અથવા કીર્તન ગાય. એ બધું ઠીક છે, પણ એ સૌથી ધ્યાનમાં અધિક સુખ આવે, કેમ કે એમાં નકરો મૂર્તિનો સંબંધ રહે છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે, પછી તેને કોઈ વિઘ્ન નડે નહિ, તેમ કોઈ બીજી વસ્તુ પણ દેખાય નહિ. જેમ સમુદ્રમાં ધૂળ, કાંકરા કે બીજી વસ્તુ કોઈ નાખે તે દેખાય જ નહિ, તેમ મૂર્તિમાં વૃત્તિ રાખતાં પિંડ, બ્રહ્માંડ કોઈ નડી શકે નહિ.
કોઈ તપ કરીને દેહ સૂકવી નાખે અને લાકડા જેવો થઈ જાય તો ય મૂર્તિની લટક હાથ આવ્યા વિના દિવ્ય દૃષ્ટિ ન થાય અને જો મૂર્તિમાં જોડાવાની લટક હાથ આવી ગઈ હોય તો તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય ને ઘેર છોકરાં હોય તો ય મહાસુખિયો વર્તે, પણ લટક શીખ્યા વિના કોઈ જપ, તપ કરે તો તેનું ફળ તો મળે, પણ મૂર્તિ રાખ્યા જેવું કામ ન થાય.
ભૂજમાં સુંદરજીભાઈને શ્રીજીમહારાજે કહ્યું, ‘‘સુંદરજીભાઈ, જુઓ ! આ અમારી મૂર્તિ કેવી છે ! આ મૂર્તિમાં વૃત્તિ રહે તો ભારે કામ થઈ જાય.’’ એમ કહીને એવી કૃપાદૃષ્ટિ કરી કે, ઝળઝળાટ તેજમાં શ્રીજીમહારાજને દેખ્યા, એટલે નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. પછી એ ઘર વાસીને બેઠા તો ય ઘર સોંસરું બધે ય તેજ, તેજ દેખાય. અને એ તેજમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં કરે. પછી તો જ્યાં વૃત્તિ જાય ત્યાં મૂર્તિ જ દેખાય એવું થઈ ગયું. આમ શ્રીજીમહારાજ અથવા શ્રીજીમહારાજના મુક્ત દયા કરે તો સહેજમાં મૂર્તિ સિદ્ધ થઈ જાય, જરા ય વાર ન લાગે. અમે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા તમને એ મૂર્તિમાં રાખવા શ્રીજીમહારાજના સંકલ્પે દેખાઈએ છીએ. એમ સમજવામાં તમે સુખિયા થશો. શ્રીજીમહારાજ સૌના આધાર અને સુખદાતા છે. એ મૂર્તિનું બળ બહુ રાખવું, એ મૂર્તિ દિવ્ય ચિંતામણિ ને પારસમણિ છે એમ જાણવું. કેટલાક કહે છે કે શ્રીજીમહારાજ અંતસમે તેડવા આવશે એ તો ઉધારાની વાત થઈ. જો શ્રીજીમહારાજ અંત સમેય કોઈને દર્શન આપે તો એમ જાણવું જે, એ તો અનેક જીવને પોતાની મૂર્તિમાં ખેંચવા પ્રબળ પ્રતાપ જણાવે છે, પણ શ્રીજીમહારાજને આવવું જવું ન હોય, એ તો સંકલ્પમાત્રે દર્શન આપી મૂર્તિના સુખમાં જીવને તાણી લે છે. આવી વાતો સમજાય તેને બહુ ખુમારી આવે.
શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણ્યા વિના તેમનો ખરો રાજીપો થતો નથી. એ કારણ મૂર્તિના પમાડનારા અનાદિ મહામુક્ત છે. આપણને તો ભારે પ્રાપ્તિ થઈ છે. શ્રીજીમહારાજ અને તેમના મોટા મુક્ત મળ્યા એ કાંઈ જેવી તેવી વાત નથી. આપણા તો કાળ, કર્મ, માયા આદિ સર્વે કાઢી નાખ્યા છે. આજ પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે. તે શું ! તો આવા શ્રીજીમહારાજના અનાદિમુક્તનો જોગ મળ્યો છે. અનાદિને મૂર્તિના સુખ વિના બીજો આધાર નથી. મૂર્તિમાંથી નવીન નવીન સુખ લીધા જ કરે છે, તે એક મિનિટે જે સુખ આવ્યું હોય, તેથી બીજી મિનિટે અનંતગણું આવે છે. એમ નવીન આવ્યા કરે છે. પોતાના મુક્ત વિના બીજા અક્ષર આદિ સર્વે અધિકારવાળાને સુખ આપ્યું છે તે તો સિંધુ આગળ બિંદુ જેવું ગણાય. આવી રહસ્ય વાતો જ્યારે અનાદિમુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સમજાવતા ત્યારે કેટલાક એમ કહેતા જે આ તો ખૂણિયું જ્ઞાન કરે છે.
શ્રીજીમહારાજનો મહિમા બહુ સમજવો, કેમ કે અનંત મહામુક્તો એ મૂર્તિમાંથી સુખ લીધા જ કરે છે, પણ કોઈ પાર પામતા નથી. એ મૂર્તિ સૌને જીવનદોરી રૂપ છે. સુખમાત્રનું સ્થાન એ કારણ મૂર્તિ છે. એ મૂર્તિમાં જોડાવું હોય તેને આજ્ઞા અને ઉપાસના એ બે જોઈએ જ. તે વિના કામ ન આવે. આજ્ઞામાં ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી એમાં બધું ય આવી જાય ને ઉપાસનામાં તો કારણ મૂર્તિ જે શ્રીજીમહારાજ એમના જેવું તો કોઈ છે જ નહિ. એ જેવા એ એક જ છે. એમની કોઈ જોડ જડે જ નહિ, તેમ એમના જેવી કોઈની સત્તા નહિ. એમના જેવું કોઈનું સામર્થ્ય નહિ. એવા સર્વના નિયંતા સર્વના કારણ સર્વોપરી ભગવાન આપણને દયા કરી મળ્યા છે. એમણે આપણો હાથ ઝાલ્યો છે. પોતાના જાણ્યા છે, એવું સમજી સદાય આનંદમાં રહેવું. બીજા અવતાર કે ઐશ્વર્યાર્થી આદિ છે, તેની કોઈ ના નથી. એ સૌ સૌના સ્થાનકે ભલે હોય. એ પોતાના સામર્થ્ય પ્રમાણે કામ કરે, પણ શ્રીજીમહારાજે તો બહુ જ પ્રતાપ જણાવ્યો. તે જુઓને ! લાગઠ સમાધિઓ કરાવી, કેટલાક સંત-હરિભક્તોને સમાધિનિષ્ઠ રાખેલા, કેટલાકને સોટી, રૂમાલ કે ફૂલના હાર આપેલા. તેથી તેઓ સમાધિઓ કરાવી ધામમાં મોકલતા અને પાછા જગાડતા. આ બધું કારણ મૂર્તિનું કામ છે. આપણને એ મૂર્તિ મળી છે. જેમ મોર ભેગાં પીંછાં શોભે, પણ મોર વિના પીંછાં શું કામના ? એમ કારણ મૂર્તિ વિના કોઈ વાત પૂર્ણ ન થાય, તેમ કલ્પના મટે નહિ અને ખરું સુખ પણ ન આવે.
જેમ ચિંતામણિ મનોરથ સિદ્ધ કરે છે તેમ શ્રીજીમહારાજ ને મહામુક્તો આશ્રિતજનના મનોરથ સિદ્ધ કરે છે. આ તો દિવ્ય સભા છે; તે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી સુખ ભોગવે છે; પણ જેને બહિર્વૃત્તિ છે, તેને તો લાખો ગાઉનું છેટું છે. જેને મોટા પુરુષનો રાજીપો થયો હોય તેને તો આ સભા દિવ્ય તેજોમય ભાસે અને ઝળઝળાટ તેજમાં શ્રીજીમહારાજ અને તેમના મુક્ત દેખાય, પણ જીવની માયિક દૃષ્ટિ છે તેથી એવો ભાવ બેસતો નથી. જેને આ સભાને વિષે દિવ્યભાવ આવે તે તો છતે દેહે જ ધામમાં છે.
આપણે તો એક શ્રીજીમહારાજનું કામ છે અને તે તો સાથે જ છે. મૂર્તિ સામું જોઈએ એટલે અવરભાવમાંથી પરભાવમાં જતું રહેવાય. મૂર્તિ વિના બધું ય દુઃખરૂપ છે.
શ્રીજીમહારાજના અનાદિમુક્તો આ લોકમાં બીજું કાંઈ કરવા નથી આવતા. એ તો જે જીવ નજરે ચડે કે કાંઈ જોગમાં આવી જાય તેને અનાદિ કરી મૂર્તિમાં લઈ જવા આવે છે. અમારો પણ એ જ વેપાર છે. તમારા જેવા સંતોનું પણ એ જ કામ છે. તમે તો અનેક જીવને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાઓ છો. આ બધી સભા પુરુષોત્તમનારાયણની છે, તેમાં શ્રીજીમહારાજે નિર્ગુણાનંદ, અખંડાનંદ, સ્વરૂપાનંદ, સચ્ચિદાનંદ, સુખાનંદ એવાં મુક્તોનાં નામ પાડ્યાં છે તે પોતાની મૂર્તિના સુખનાં છે અને પોતામાં તો અતિ અપાર સુખ છે. માટે શ્રીજીમહારાજ સુખના સિંધુ કહેવાય છે. એ મૂર્તિના સુખમાં કલ્પેકલ્પ વીતી જાય તો ય તૃપ્ત ન થવાય અને પાર ન આવે. અહો ! શ્રીજીમહારાજની દયા તો જુઓ ! ઝીણામાં ઝીણા ને અલ્પમાં અલ્પ જીવ તેને પણ પોતે કેવું સુખ આપી દે છે. રાજાના વૈભવ રાંકને સોંપે તો ગાંડપણ આવી જાય અને અહો ! અહો ! થઈ જાય. તેમ શ્રીજીમહારાજે આ સમે અગમ સુગમ કર્યું છે. આવી વાતો જીવમાં ઉતારે તો ભારે કામ થઈ જાય.
શ્રીજીમહારાજે કેવો મહિમા કહ્યો છે અને કેવો પ્રતાપ જણાવ્યો છે ? બહિર્વૃત્તિએ જોઈએ ત્યાં સુધી કાંઈ ખબર ન પડે, પણ અંતર્વૃત્તિ થાય તો આ ઠેકાણે જ શ્રીજીમહારાજ અને દિવ્ય સભા બધી ઝળેળાટ તેજોમય દેખાય. મૂર્તિમાં નકરું તેજ જ ભર્યું છે, મુક્તો પણ એવા જ છે. અવરભાવમાં એ ન દેખાય પણ પરભાવમાં તો મૂર્તિ વિના છે જ નહિ.
શ્રીજીમહારાજ સૌને અલૌકિક દર્શન આપે છે, પરચા પૂરે છે, ચમત્કાર જણાવે છે. મોટા સદગુરુઓ અહીં આવી આવી સૌને સુખિયા કરે છે. આવા સંતનો મહિમા પણ શ્રીજીમહારાજે ઘણો કહ્યો છે. આ તો દિવ્ય સભા છે. આ સભામાં શ્રીજીમહારાજના હજૂરી સંત પ્રત્યક્ષ દર્શન દે તે કેવડી વાત !
જેમ મા-બાપ છોકરાને બધું આપી દે છે, તેમ શ્રીજીમહારાજે કહ્યું કે - ‘‘અમારો દેહ અમારા ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે,’’ - આનું કારણ એ છે કે કોઈ જીવથી અમારી મૂર્તિ સુધી પહોંચાશે નહિ, એવું જાણી અનંત જીવોને સુખિયા કરવા શ્રીજીમહારાજે પોતે જ દયા કરી દર્શન આપ્યાં છે. નહિ તો કોટિ કલ્પ જપ-તપ કરીને પણ સર્વોપરી એવા જે શ્રીજીમહારાજ તે મળે તેવા નથી, તેથી જ ‘‘નર વિગ્રહ ધર્યો કરુણા કરી’’ એમ કેવળ કરુણાએ કરીને સૌને દર્શન આપ્યાં, તેથી અક્ષરાદિ જેવાને પણ અગમ એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તે આજ સૌને સહેજે સુગમ થયા છે. તેણે કરીને વર્તમાનકાળે સત્સંગમાં અનેક જીવોના મોક્ષ થાય છે. એ મૂર્તિના સંબંધ વિના તો ઠેઠ અક્ષર જેવડી મોટાઈ આવે તો ય શું ? કેમ કે જીવને જ્યાં ત્યાં ચોટવાનો સ્વભાવ છે. આ તો શ્રીજીમહારાજે - ‘‘બાંહ્ય ઝાલીને તાણી લીધી બારણે, નહિ તો વહીને જાત ક્યાંય ને ક્યાંય.’’ એમ ભગવાન પુરુષોત્તમે આપણો હાથ ઝાલ્યો છે, તે એમના હાથમાંથી હાથ મુકાવી ન દેવો. કોઈ એમ જાણે કે, ‘જીવ કેમ કરીને હાથ મુકાવી દે ?’ તો તેનું એમ છે કે, દેહ - ઇન્દ્રિયોને આધીન થઈ શ્રીજીમહારાજની નાની મોટી આજ્ઞા લોપે તો શ્રીજીમહારાજ તેના પર કુરાજી થાય, એટલે હાથ મુકાવી દીધો કહેવાય માટે એ વાતનો તો બહુ જ ખટકો રાખવો અને એમ જાણવું જે, ‘મૂર્તિ વિના બીજું કોઈ સુખદાયી નથી. મૂર્તિને સંભાર્યા વિના ઊંચે સાદે રાગ તાણે, વાજાં વગાડે, મોટા મોટા ખર્ચ કરે, પણ એક કોડી જેટલી ય કમાણી ન થાય. પોતાની મેળાએ પુસ્તક વાંચી વાંચીને પણ પાર ન આવે. પાર તો શ્રીજીમહારાજ કાં શ્રીજીમહારાજના મોટા મુક્ત મળે તો આવે.’
આપણને સર્વોપરી પુરુષોત્તમ ભગવાન મળ્યા તે અમૂલ્ય વસ્તુ મળી છે, મહામોંઘી પ્રાપ્તિ થઈ છે. તેથી હવે કોઈ વાતે તેમની આજ્ઞામાં ભૂલ આવવા દેવી નહિ. તેથી હવે કોઈ વાતે તેમની આજ્ઞામાં ભૂલ આવવા દેવી નહિ. આ જોગ બહુ ભારે છે, તેને સદાય સંભારી રાખવો ને હલર વલરમાં પડવું નહિ. આપણે સૌને એક સ્થળમાં રહેવું છે તે સ્થળ કયું ? તો શ્રીજીમહારાજની મૂર્તિ. એ સદાય અચળ, અખંડ ને અવિનાશી છે. માટે આ ચળ સૃષ્ટિમાંથી જુદા પડી જવું.
અમે મૂર્તિ વિના બીજે ક્યાંય ભાગ રાખ્યો નથી અને જે અમારો જોગ કરશે, તેને પણ એવા કરવા છે. કેટલાક કહે છે કે આને મંદવાડ આવ્યો, પણ અમે તો એમ જાણીએ છીએ જે, શ્રીજીમહારાજ વિના અન્ય પદાર્થમાં રુચિ રહે એ જ મંદવાડ છે.
આજ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની દયા જીવો પર અપરંપાર છે, પણ જીવને એવા ફેર ચડી ગયા છે કે આખો દિવસ દેહની ને દેહની સેવા કર્યા કરે અને એને જ સાચવવાનું ને પંપાળવાનું તાન. જો એટલું જતન મૂર્તિનું કરે તો મહારાજ સાક્ષાત્ દેખાય.
જ્યાં શ્રીજીમહારાજ ત્યાં એમની દિવ્ય સભા હોય જ. આ સભામાં અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા પ્રત્યક્ષ દર્શન દે છે; માંહી પરમ એકાંતિક ને એકાંતિક પણ છે અને એ સહુની વચ્ચે શ્રીજીમહારાજ અખંડ બિરાજે છે તેથી આ સમે ખરેખરી શરદ્ઋતુ આવી છે, માટે આવા જોગમાં રહી ખરેખરા મૂર્તિના સુખભોક્તા થવું અને મૂર્તિમાં જોડાવું, શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્ત વિના આત્યંતિક કલ્યાણ કોઈ પાસે નથી.
સહુ સુરત રાખજો અને જેને ભગવાનના ધામમાં જવું હોય તે બરાબર વર્તજો. ત્યાગીને ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ પ્રમાણે રહેવું અને ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વરતવું, પણ તેમાં ક્યારેય ફેર પાડવો નહિ. જડ, ચૈતન્ય એ બેમાંથી ત્યાગીને એકેયનો ફેર પડે તો તે કોયલા જેવો છે.
આવી દિવ્ય સભાનાં દર્શન, પ્રસાદી ને જોગસમાગમ બહુ દુર્લભ છે. કેમ કે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત જેવા અક્ષરધામમાં બિરાજે છે તેવા ને તેવા જ દિવ્ય છે અને મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે આ પ્રાપ્તિ મોટી છે - અતિશય મોટી છે. ક્યા સ્થાનમાં બેઠા છીએ અને કોનો જોગ થયો છે એ બધું વિચારવું.
શ્રીજીમહારાજની મૂર્તિમાંથી વૃત્તિ ચળાયમાન ન થાય તો કાંઈ કરવું બાકી રહે નહિ. જીવનું કલ્યાણ કોઈ વાતે થાય તેમ નથી, પણ ભગવાન કે ભગવાનના મુક્ત પૃથ્વી પર વિચરતા હોય અને તેનો આશરો કરે તો તત્કાળ કલ્યાણ થઈ જાય. બીજાથી એ કામ થાય તેવું નથી.
શ્રીજીમહારાજ ભેળા અનંત મુક્ત છે. તે મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે ને અમૃતના યજ્ઞ કરે છે. આવી દિવ્ય સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદમંદ હસે છે અને દિવ્ય પ્રસાદી આપે છે તથા સૌને અમૃત નજરે જુએ છે. જો એટલું સમજાય તો કામ થઈ જાય.
આપણે તો સહુનું સારું થાય એમ કરવાનો ઠરાવ છે, પણ શ્રીજીમહારાજની બાંધેલી પ્રણાલિકા તૂટતી હોય તો તૂટવા ન દેવી; એટલું તો રાખવું. કેમ કે આપણાં મંદિરોમાં શ્રીજીમહારાજની મૂર્તિઓ છે તે પ્રત્યક્ષ ભગવાન છે અને એ સૌના સામું જોઈ રહ્યા છે, કેટલાયના મનોરથ પૂરા કરે છે, દર્શન આપે છે તેથી એમનું જે કાંઈ હોય તે પોતાના ઇષ્ટદેવનું માની બગાડવા દેવું નહિ અને એમને અર્થે જે કાંઈ કરવું પડે તે પોતાના ઇષ્ટદેવની સેવા ગણાય.