૬. આશીર્વાદ તથા કૃપાવાક્ય

વાર્તા 3 : બાપાશ્રી બોલ્યા જે, 'તમારા સર્વેના ઘાટ બંધ થઈ જશે.' - એ વર દીધો ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો જે, 'તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થાશે.' 1

વાર્તા 6 : બાપાશ્રી બોલ્યા જે, 'આ સુખમાં મોટા રમૂજો કરે છે, તેમ તમો સર્વે સુખ ભોગવો.' - એ વર દીધો... (પછી બોલ્યા જે) 'શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતા આપી દે છે; કોટિ સાધને અને કોટિ કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે... આ ફેરે તો તમારું તથા હેતવાળા સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપીશું અને અમારા જેવા કરીશું. આ તમને શરપાવરૂપી વર આપ્યો.' 2

વાર્તા 97 : બાપાશ્રી બોલ્યા જે, 'આજ મહાપ્રભુજી તથા મુક્ત કૃપાસાધ્ય છે, તે જેમ રાજાને એક એરંડાકાકડી (પપૈયો) આપે તેમાં રાજ્ય આપી દે. તેમ આપણે આજ્ઞા પાળીએ તે એરંડાકાકડી આપ્યા જેટલું છે, તેમાં મૂર્તિનું સુખ આપી દે... તે ત્યાં સર્વે બતાવશું.' - એ વર દીધો. 3

વાર્તા 183 : બાપાશ્રી બોલ્યા જે, "જીવ બિચારા સાધન શું કરશે? આજ તો એક એરંડાકાકડી રાજાને ભેટ મૂકે તો રાજ્ય આપી દે, એવી કૃપા છે. સાધન ક્યાં સુધી પૂગે એવાં છે? શ્રીજીમહારાજે અમદાવાદના 7 મા વચનામૃતમાં કહ્યું છે જે, 'ગરુડ ઊડી શક્યો નહિ. પછી અમે એકલા જ ઊડ્યા.' તેમાં સમજવાનું એ છે જે, ગરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી. તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ તો કૃપાએ ચલાય છે; ગોલોક સુધી સાધન ચાલે, ત્યાંથી સાધન તૂટ્યાં. પછી તો શ્રીજીમહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે ત્યારે પરમએકાંતિક થાય. પછી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં લઈ જાય છે... ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે... આજ તો કૃપાસાધ્ય મહારાજ ને કૃપાસાધ્ય મુક્ત છે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે ને કૃપા કરીને મહિમાની વાત કરે છે. તેમાં કોઈને એમ થાય જે, આ તો પોતાનો મહિમા કહે છે, પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. તે જે માનશે તેને અમે જ્યાંથી આવ્યા છીએ ને જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જઈને રાખીશું ને જેટલું છે તે સર્વે સુખ આપીશું. જેને વિશ્વાસ નહિ હોય ને આગળ થઈ ગયા તેવા આજ નથી, એમ સમજતા હશે તેને ખોટ બહુ જ આવશે." 4

વાર્તા 131 : બાપાશ્રી બોલ્યા જે, 'એક મૂર્તિના સુખનો જ ખપ કરવો. વિષયના સુખની ઇચ્છા રાખે તો સુખના સમુદ્રમાંથી ઊઠીને નરકમાં જવું પડે... મોટાને વિષે જીવ જોડે તો દેહ છતાં જ કૃતાર્થપણું મનાઈ જાય છે. કરોડ જન્મ સુધી ને કોટિ કલ્પ સુધી સાધન કરીએ તે હાડકાં સુકાઈ જાય પણ ધામ મળતું નથી; એ તો મુક્તદ્વારે જ મળે છે. મોટા તો ચહાય તે કરવા સમર્થ છે. જીવના ઘાટ સંકલ્પને મોટા જાણે છે.' 5

ભા. 2, વાર્તા 147 : બાપાશ્રી બોલ્યા જે, 'હવે આપણે આવો જોગ વારેવારે ક્યાંથી આવે! તમ જેવા સંતનું મળવું બહુ મોંઘુ છે. અંતર્વૃત્તિએ તો સદાય ભેગા છીએ, પણ આમ પ્રત્યક્ષ ક્યારે મળાય? આ વખતે સત્સંગમાં શ્રીજીમહારાજે બહુ સુખ આપ્યું, તેમ આવા અનાદિના જોગ-સમાગમે અનેક મૂર્તિના સુખભોક્તા થયા. ધ્યાને કરીને મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તો પણ આવા જોગની વાત દુર્લભ છે. આ સભામાં જે કામ આ ટાણે થાય છે તે લાખો વર્ષ સાધન કરે તો પણ ન થાય. સ્થિતિવાળો પોતે તો સુખિયો રહે, પણ આમ કરોડો જીવને મૂર્તિના સુખમાં પહોંચાડી ન શકે. આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આવું સુગમ છે. એ લાભ આપણને મળ્યો છે, તે કેવાં મોટાં ભાગ્ય! 6

આ પ્રકારે અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા, ઉપાસના, ધ્યાન વગેરે અનેક પ્રકારના આધ્યાત્મિક વિષય ઉપર વચનામૃતના અનુસારે ભારે ભારે વાતો કરી છે તેમ જ મોક્ષના આશીર્વાદ આપ્યા છે તેમાંથી આ તો કિંચિત્ નિર્દેશ કર્યો છે.