૬. સ્વરૂપનિષ્ઠા જે શ્રીજીમહારાજ અનાદિમુક્તને મૂર્તિમાં રાખે છે તેનું વિવેચન
ગ. પ્ર. વ. 51 માં : - 'અક્ષરથકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે; અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે નહિ.'
ભાવાર્થ : પુરુષોત્તમની દૃષ્ટિએ કેવી રીતે જોવાતું હશે? તો શ્રીજીમહારાજ જે મુક્તને પોતાની મૂર્તિમાં રાખે છે તે મુક્તને શ્રીજીમહારાજ સાથે અંગેઅંગમાં એકતા થાય છે ને તે અનાદિમુક્ત કહેવાય છે. તે મુક્ત 'પુરુષોત્તમની દૃષ્ટિએ' એટલે પુરુષોત્તમના નેત્રે કરીને જુએ છે ત્યારે એને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસતું જ નથી, તે પુરુષોત્તમની દૃષ્ટિએ જોયું કહેવાય છે. અને એ મુક્તને કોઈને વિષે સારપ કે મહત્તા રહેતી નથી અને કાંઈ જોતા પણ નથી. આવી રીતે પુરુષોત્તમની દૃષ્ટિએ જોવું એ અનાદિમુક્તની સ્થિતિ છે.
'જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇંદ્રિયો - અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે.' (ગ. પ્ર. વ. 51)
ભાવાર્થ : - 'ઇંદ્રિયો-અંત:કરણ દિવ્ય થાય છે' એમ કહ્યું તે અવરભાવમાં પુરુષોત્તમનો મહિમા અને અનાદિમુક્તની સ્થિતિ તે સંતના સમાગમથી મુમુક્ષુને સમજાય છે ત્યારે એનાં ઇંદ્રિયો-અંત:કરણ પુરુષોત્તમરૂપ એટલે પુરુષોત્તમના જ્ઞાન-ધ્યાને કરીને દિવ્ય થાય છે, પછી એ દિવ્ય ઇંદ્રિયો-અંત:કરણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે એટલે શ્રીજીમહારાજ અનાદિમુક્તને પોતાની મૂર્તિમાં રાખે છે, એવા અનંત અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજ છે. આવો માહાત્મ્યજ્ઞાને સહિત અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય છે.
અને પરભાવમાં મહિમા સમજાય છે ત્યારે એનાં 'ઇંદ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થાય છે' એટલે એ મુમુક્ષુનો આત્મા જ પુરુષોત્તમના જેવો સાકાર અનાદિમુક્ત થાય છે તેણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે, એટલે એ અનાદિમુક્ત થયો તે જ અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજને જેવા છે, તેવા યથાર્થ અનુભવજ્ઞાને કરીને સાક્ષાત્કાર અનુભવી શકે છે, એટલે સળંગ સ્વરૂપનો સુખભોક્તા થાય છે. આવો ભાવાર્થ છે.
હવે અનાદિમુક્તની સ્થિતિની દૃઢતાને અર્થે શ્રીહરિ હીરાના દૃષ્ટાંતથી સમજાવે છે: 'જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો તેમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે.' (ગ. પ્ર. વ. 51)
ભાવાર્થ :- અવરભાવમાં 'ભગવાનનો નિશ્ચય' એટલે પરમ એકાંતિક મુક્ત અને અનાદિમુક્તના સ્વામી શ્રીજીમહારાજ છે તે પોતે પોતાની સાથે મુક્તને એકાત્મતા પમાડે છે એટલે મૂર્તિમાં રાખે છે. આવો માહાત્મ્ય જ્ઞાને સહિત નિર્વિકલ્પ નિશ્ચય 'ભગવાન વતે જ થાય છે' એટલે શ્રીજીમહારાજ પોતે, કે સંતદ્વારે કૃપા કરીને જેને આવું માહાત્મ્ય જ્ઞાન સમજાવે છે તે જ સમજી શકે છે.
અને પરભાવમાં અનાદિમુક્તની સ્થિતિને શ્રીહરિ પોતે જ જેને પ્રાપ્ત કરાવે છે તેને જ પ્રાપ્ત થાય છે અર્થાત્ અનાદિમુક્ત થાય છે તે 'ભગવાન વતે જ થાય છે' એટલે શ્રીજીમહારાજ જેને મૂર્તિમાં રાખે છે તે જ મૂર્તિમાં રહી શકે છે.
અને 'ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે' એટલે અનાદિમુક્ત શ્રીજીમહારાજ સાથે એકાત્મતા પ્રાપ્ત કરીને એ મૂર્તિનાં દર્શન કરે છે, એ શ્રીજીમહારાજ વતે શ્રીજીમહારાજનું દર્શન કહેવાય છે. ઇતિ ગઢડા પ્રથમના 51નો ભાવાર્થ.
હવે શ્રીજીમહારાજ પોતાના એકાંતિક ભક્તને દિવ્ય સાકાર કરીને પોતાની મૂર્તિમાં રાખે છે તે સારંગપુરના 11મા વચનામૃતમાં કહ્યું છે તે જુઓ :-
ભાવાર્થ : - 'વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ધર્મ ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન સિદ્ધ કરે તે પુરુષ પ્રયત્ન છે, તેણે યુક્ત થાય તે જન્મ-મરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે' એટલે અમારા તેજઃપુંજરૂપ જે બ્રહ્મ તે રૂપ થાય છે અને એના ઉપર જ અમારી કૃપા થાય છે ત્યારે અમારો એકાંતિક ભક્ત થાય છે. પછી તેને અમે અમારું પરમ સાર્ધમ્યપણું જે 'અમારા તુલ્યપણાને પમાડીએ છીએ.' અર્થાત્ અમારા જેવો દિવ્ય મૂર્તિમાન કરીને અમારી સાથે એકાત્મતા પ્રાપ્ત કરાવીએ છીએ.
'અને લક્ષ્મીજીની પેઠે તે ભક્ત અતિશય હેતે કરીને ભગવાનને (અમારે) વિષે ક્યારેક લીન થઈ જાય છે.' એટલે મૂર્તિમાન થકો જ અમારી મૂર્તિ સાથે એકાત્માપણે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે છે અને 'સ્વતંત્ર થાય છે' એટલે અમે જ કૃપા કરીને એ મુક્તને અમારામાં લીન રહી શકે ને સુખ ભોગવી શકે અને અમને તથા મુક્તને જાણી શકે એવો સ્વતંત્ર કરીએ છીએ. 'અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે.' એટલે જ્યારે અમે જીવોના મોક્ષ કરવા મનુષ્ય-રૂપે દર્શન આપીએ છીએ ત્યારે એ મુક્ત પણ મનુષ્ય-રૂપે થઈને અમારી સેવામાં રહે છે.
વળી અનાદિમુક્તની સ્થિતિ સૌથી અધિક છે એમ શ્રીજીમહારાજ પોતે જ સમજાવે છે. છે. વ. 21 માં:-
'શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે ને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે ને અમે તો જેવા સર્વથી પર જે અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.' (જુની પ્રતમાં)
ભાવાર્થ : - આમાં શ્રીજીમહારાજે દિવ્ય ધામમાં જે 'પાર્ષદ' કહ્યા તે પરમ એકાંતિક મુક્તને કહ્યા છે, તેથી અધિક 'આ સત્સંગીને' કહ્યા તે ગોપાળાનંદ સ્વામી આદિક પોતાના અનાદિમુક્તને કહ્યા છે. આ વાત ગોપાળાનંદ સ્વામી થકી શુકસ્વામીએ જાણી ને શુકસ્વામી થકી નિર્ગુણદાસજી સ્વામી દ્વારા સત્સંગમાં પ્રવર્તેલ છે.
(શિક્ષાપત્રી ભાષ્ય)
मुक्तानामपि सिद्धानां नारायण-परायणः ।
सुटुर्लभः प्रशान्तात्मा कोटिष्वपि महामुने!॥
હે મહામુને! સિદ્ધદશાને પામેલા એવા કોટિ કોટિ મુક્તના મધ્યે પણ નારાયણ જે શ્રી સ્વામિનારાયણ એ જ છે પરમ 'अयन' કહેતાં નિવાસસ્થાન જેમને અર્થાત્ શ્રીહરિની સાથે એકાત્મ્યતા પ્રાપ્ત કરીને શ્રીહરિ સ્વરૂપમાં રહેલા અને પ્રશાન્તાત્મા કહેતાં શ્રીહરિ સંબંધી સુખભોક્તા એવા મુક્ત અતિ અધિક છે.1
ગ. પ્ર. વ. 56 માં : - શ્રીજીમહારાજ બોલ્યા જે, 'કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થાતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, હું આત્મા-અનાત્માની વિગતી કરી લઉં એમ વિગતી થાતી નથી; એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે, પણ ઇષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થાતાં નથી.'
ભાવાર્થ : - માટે અમારો મહિમા સમજવો જે, આ ભગવાન જે શ્રીજીમહારાજ તે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ તે ધામ અને એ ધામમાં રહ્યા જે મુક્ત અને તેમના પતિ તે સર્વેને સુખ, સાર્મથ્ય ને પ્રકાશના પ્રકાશક છે. અને બ્રહ્મમહોલ જે પોતાના પ્રકાશરૂપ અક્ષરધામ તેના નિવાસી છે. અને તે ધામને વિષે પોતાની પાસે રહ્યા જે પરમ એકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રાખ્યા જે અનાદિમુક્ત તેમના સ્વામી છે અને તે મુક્તને પોતાનું સર્વોપરી સંપૂર્ણ સુખ, સાર્મથ્ય ને પ્રકાશાદિકના પ્રદાતા છે ને નિયંતા છે, અને પોતાના પ્રકાશરૂપ અક્ષરધામમાં દાસભાવે મૂર્તિનું સુખ ભોગવવું તે રૂપી સેવાના કરનારા તો પરમ એકાંતિક મુક્ત તથા મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે. અને તે શ્રીજીમહારાજના એક અંગમાં અનંતકોટિ અનાદિમુક્ત ને પરમ એકાંતિક મુક્ત તેમના સુખ, સાર્મથ્ય ને પ્રકાશાદિક સર્વે સમાઈ જાય છે, એવા શ્રી સ્વામિનારાયણ શ્રીજીમહારાજ અતિશય રૂપાળા છે ને અતિશય સુખસ્વરૂપ છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. એવા જે શ્રીજીમહારાજ તે પોતાનો પ્રકાશ અને પોતાના મુક્તને પોતામાં લીન રાખીને ભક્તના સુખ સારુ મનુષ્ય જેવા થઈને દર્શન-સેવા-સમાગમનું સુખ આપે છે. અને ગોલોકાદિક ધામના પતિ તથા પાર્ષદો તે પણ પ્રગટના સુખની પ્રાપ્તિને અર્થે મનુષ્ય જેવા થઈને આ શ્રીજીમહારાજની સેવામાં રહ્યા છે. અને અક્ષરધામના નિવાસી એવા પરમ એકાંતિક મુક્ત પણ શ્રીજીની ઇચ્છાથી મનુષ્ય જેવા થઈને આ શ્રીજીમહારાજની સેવા-સમાગમ કરવા આવ્યા છે. અને આવા સર્વોપરી પુરુષોત્તમ શ્રીજીમહારાજ છે તે મને પ્રત્યક્ષ સાક્ષાત્કાર મળ્યા છે ને પોતાની સેવા-સમાગમનું સુખ આપ્યું છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય દઢ કરાવીને પાત્ર કર્યો છે ને કેવળ કૃપા કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન-ધ્યાન કરાવી, પોતા જેવો અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે; હું અનાદિમુક્ત છું; સળંગ મૂર્તિનું રોમરોમ નવીન નવીન સુખ અખંડ અનુભવું છું. આવો પ્રત્યક્ષ શ્રીજીમહારાજનો મહિમા વિચારવો, એમ મનન કરવાથી શ્રીજીમહારાજમાં પ્રેમ વૃદ્ધિ પામે છે. અને ઉપાસના ને સ્વરૂપનિષ્ઠા પરિપક્વ થાય છે. તથા ગોરધનભાઈની પેઠે શ્રીજીમહારાજની મૂર્તિમાં ઉપશમ વર્તે છે. અને સ્વરૂપાનંદ સ્વામીની પેઠે અખંડ મૂર્તિમાં જ રહેવાય છે, ને દૈહિક ક્રિયા તો આજ્ઞા પ્રમાણે શ્રીજીમહારાજની ઇચ્છાથી થાય છે. અને દેહના દેખાવનો અહંભાવ નથી રહેતો. વળી દેહાભિમાન, પંચવિષયના રાગ, ઐશ્વર્યની ઈષણા તથા કામાદિક સ્વભાવ આદિ સર્વે જીવમાંથી નીકળી જાય છે: એક મૂર્તિ જ રહે છે, આ સર્વોપરી માહાત્મ્યજ્ઞાને સહિત ઉપાસના તથા સ્વરૂપનિષ્ઠા કહેવાય છે.
ગ. મ. વ. 66 માં :- શ્રીજીમહારાજ બોલ્યા કે, 'જેને ભગવાન અને ભગવાનનાં સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતા થકાં જ દિવસ ને રાત્રિ વીતે છે. અને ત્રણે અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિષે વૈરાગ્ય થાય છે, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે, અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે... તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે..... ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે એવી દેહ મૂક્યા કેડે પ્રાપ્તિ થાય છે.'
ભાવાર્થ :- આમાં શ્રીજીમહારાજે 'અમારા ભક્તને અમારા જેવો જ કરીએ છીએ ને અખંડ સેવામાં રાખીએ છીએ' એમ કહ્યું, તે નિષ્કામ ભક્તને પોતાના જેવો એટલે અનાદિમુક્ત કરે છે અને 'અખંડ પોતાની સેવાને વિષે' એટલે શ્રીહરિમાં એકાત્મ્યભાવે જોડાઈએ રહીને મૂર્તિનું સુખ ભોગવાવવું તે રૂપી સેવાને વિષે રાખે છે.
ગ. મ. વ. 67 માં : - શ્રીજીમહારાજ બોલ્યા કે, 'અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે ભગવાનનો (અમારો) ભક્ત દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને (અમારારૂપ થઈને) ભગવાનના (અમારા) ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં (મુક્તમાં ને અમારામાં) શો અંતરાય રહે છે જેણે કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે? કેમ જે એ ભગવાનનો (અમારો) ભક્ત છે તે પણ જેવા ભગવાન (શ્રીજીમહારાજ) સ્વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે? એ પ્રશ્ન છે.' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો (અમારો) ભક્ત હોય તેણે જેવા ભગવાનને (અમને) જાણ્યા હોય, જે ભગવાન (શ્રીજીમહારાજ) આટલી સામર્થીએ યુક્ત છે, અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો (અમારો) મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને (અમને) જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના (અમારા) ધામમાં જાય છે, ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભકતની પણ તેવી જ (અમારા જેવી જ) થાય છે તો પણ ભગવાનની (અમારી) સામર્થી અને ભગવાનનું (અમારું) સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે એ ભક્તને (મુક્તને) ભગવાનને (અમારે) વિષે અતિશય જણાય છે, ત્યારે એ ભક્ત (મુક્ત) એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને સુંદરપણું તો મુને પણ ભગવાને (શ્રીજીમહારાજે) આપ્યું છે તો પણ ભગવાનનું (શ્રીજીમહારાજનું) ઐશ્ચર્ય ને સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે, માટે મું જેવા અનંત ભગવાનના (શ્રીજીમહારાજના) સાર્ધમ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન (શ્રીજીમહારાજ) જેવો કોઈ થાવાને સમર્થ થાતો નથી. શા માટે જે ભગવાનનો (શ્રીજીમહારાજનો) મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી, અને ભગવાન (અમે) પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી, માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે અને ભગવાનને (અમને) ભજીને અનંતકોટિ વૈષ્ણવ, ભગવાન સરખા (અમારા સરખા) થયા છે તો પણ ભગવાનમાંથી (અમારામાંથી) કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી, જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થાતું નથી. શા માટે જે સમુદ્ર તો અગાધ છે તેમ જ ભગવાનનો (અમારો) મહિમા પણ અતિશય અપાર છે માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારુ જે જે ભગવાનના (અમારા) ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે (અનાદિમુક્ત થયા છે) તો પણ ભગવાનના (અમારા) દૃઢ દાસ થઈને ભગવાનનું (અમારું) ભજન કરે છે, એવી રીતે ભગવાનના (અમારા) ભક્ત ભગવાનના (અમારા) સાર્ધમ્યપણાને પામે છે (અમારા રૂપ અનાદિમુક્ત થાય છે) તો પણ સ્વામી સેવકપણું રહે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.'
ભાવાર્થ :- આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો ભક્ત છે તે પણ જેવા અમે સ્વતંત્ર છીએ ને કાળ, કર્મ, માયા તેને આવરણે કરીને રહિત છીએ તેવો જ થાય છે. અને અમને જેવા જાણે તેવા થાય છે તથા 'અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે તથા ભગવાનના સાર્ધમ્યપણાને પામે છે.' એમ શ્રીજીમહારાજે કહ્યું તેનો ભાવાર્થ એવો છે જે, અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજ સ્વરૂપ છે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં તલ્લીન તદ્રૂપ થઈને રહે છે અને સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ અખંડ અનુભવે છે એવા આનાદિમુક્ત થાય છે. અને તે અનાદિમુક્ત જેમ શ્રીજીમહારાજ અનાદિ ને સ્વતંત્ર છે તેમ જ તે પણ અનાદિ ને સ્વતંત્ર થાય છે ને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ તેમને લઈને થાય છે, એવા અનાદિમુક્ત થાય છે એમ સમજાવ્યું છે. અને તે અનાદિમુક્ત શ્રીહરિ સાથે એકાત્મ્યપણું પામીને મૂર્તિમાં જોડાઈ રહે છે ને શ્રીજીમહારાજનું સુખ પરમએકાંતિક મુક્તથી અધિક ભોગવે છે, તેમ જ તે અનાદિમુક્ત શ્રીજીમહારાજનું માહાત્મ્ય પણ અપાર અધિક જાણે છે તેથી કરીને તે અનાદિમુક્તને દાસપણું પણ અતિ અધિક રહે છે. અને અનાદિમુક્ત ભગવાનનું સાર્ધમ્યપણું પામે છે. હવે સાર્ધમ્યપણું તે શું, તો સર્વ મુક્તનું સ્વામીપણું, દાતાપણું અને નિયંતાપણું. એ વિના બીજા રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સાર્મથ્ય, સુખદાયીપણું ઇત્યાદિક ગુણે કરીને સાર્ધમ્યપણાને પામે છે એટલે સરખા ભાવને પામે છે તો પણ તે મુક્તોને શ્રીજીમહારાજમાં પ્રકાશ, રૂપ, ઐશ્વર્ય, પ્રતાપ, સાર્મથ્ય, સુખ, સ્વતંત્રપણું આદિ અનંત ગુણ પોતાથી અધિક ને અપાર જણાય છે તેથી શ્રીહરિમાં દાસપણું પણ વિશેષ રહે છે. ઇતિ ભાવાર્થ.
સા. વ. 17 માં : - 'તેમ માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢુંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દઢ થાતું જાય છે.' આમાં અનાદિમુક્તને સૌથી અધિક મહારાજનો મહિમા સમજાય છે ને દાસભાવ પણ દઢ રહે છે. એવો ભાવ છે કારણ કે તેમને શ્રીજીમહારાજનું અત્યંત સમીપપણું છે.
છે. વ. 39 માં : - 'ભગવાનનો (અમારો) જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના (અમારા) માહાત્મ્યનું બળ એ બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે.'
ભાવાર્થ :- આ વચનામૃતમાં પોતાના સ્વરૂપને તથા શ્રીજીમહારાજના સ્વરૂપને જાણી શકે એવો જે આત્મા તેને શ્રીજીમહારાજના સ્વરૂપમાં લીન કરીને એટલે શ્રીહરિ સાથે એકાત્મ્યતા પ્રાપ્ત કરીને શ્રીજીમહારાજરૂપ માનવો જે, હું આત્મા છું એટલે શ્રીજીમહારાજ સ્વરૂપ અનાદિમુક્ત છું; મારા સ્વામી પરમાત્મા શ્રીજીમહારાજ છે; હું બ્રહ્મ છું અને મારા સ્વામી પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે; હું અક્ષરધામ છું અને અક્ષરાતીત અને અક્ષરધામના ધામી એવા સહજાનંદ સ્વામી મારા સ્વામી છે, આવી રીતે શ્રીજીમહારાજરૂપ પોતાનો જે આત્મા તેને અનાદિમુક્તરૂપ માનવો અથવા શ્રીજીમહારાજના પ્રકાશરૂપ અક્ષરધામ તે રૂપ છું એમ માનવું. પછી શ્રીજીમહારાજ કૃપા કરે છે ત્યારે તે ભક્ત શ્રીજીમહારાજના જેવો દિવ્ય સાકાર થાય છે અને એ મુક્તને શ્રીહરિ પોતાના સ્વરૂપમાં રાખે છે તથા પોતાના આનંદનો અનુભવ કરાવે છે.
તથા એ જ વચનામૃતમાં (છેલ્લાના 39 માં):- 'ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ મોટપ છે. અને તે બ્રહ્માંડને વિષે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે? કાંઈ નથી; અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડોને વિષે પંચવિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે તે સુખ કેવું છે? તો એ સુખને સારુ કેટલાક પોતાનાં માથાં કપાવે છે એવું મહા દુર્લભ જેવું જણાય છે, ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક્ પૃથક્ છે, અને જે ભગવાન છે તે તો સર્વ સુખમાત્રના રાશિ છે ને એ ભગવાન સંબંધી સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારનાં ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય ને પોતે જમતો હોય તે મહા સુખમય કહેવાય, તેમ ભગવાને બ્રહ્માંડોને વિષે અનેક જીવોને પંચવિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિષે જે સુખ છે તે તો મહા મોટું છે.'
આ વચનામૃતમાં 'પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં બહુ ભારે સુખ છે' એમ કહ્યું તે સુખ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને ભોગવે છે અને પરમએકાંતિક ધામમાં રહ્યા થકા સુખ લે છે. અને બીજા જીવ-ઈશ્વરનાં સુખ તો અતિશય સ્વલ્પ છે તે જુઓ :-
મહાપુરુષ ને મહામાયાના એક બિંદુ જેટલા સુખમાં અનંતકોટિ બ્રહ્માંડના જીવ-ઈશ્વર સુખિયા છે, એમ સ.જી. પ્ર. 4, અ. 68 માં કહ્યું છે :-
प्रकाशानन्दरूपं तद् यस्यैकेनापि बिन्दुना ।
जीवेशा: सुखिन: सन्ति नैकब्रह्माण्डवासिन: ।।
મહામાયા ને મહાપુરુષ તેમનું 'નાર' નામનું પ્રસ્વેદ જળ તે પ્રકાશરૂપ-આનંદરૂપ છે અને જેના એક જ બિંદુથી અનેક બ્રહ્માંડવાસી જીવ-ઈશ્વરો સુખિયા છે.
પંચાળા વ. 1 માં : - શ્રીજીમહારાજે કહ્યું છે કે 'જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે ને તેથી સોનામહોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે.'
ભાવાર્થ : - કોડીને દૃષ્ટાંતે માયિક સુખ જાણવું, પૈસાને દૃષ્ટાંતે મૂળપુરુષાદિક ઈશ્વરનાં સુખ જાણવાં, રૂપિયાને દૃષ્ટાંતે બ્રહ્મકોટિનાં સુખ જાણવાં, સોનામહોરના દૃષ્ટાંતે અક્ષરકોટિનાં સુખ જાણવાં અને ચિંતામણિના દૃષ્ટાંતે શ્રીજીમહારાજનું સુખ જાણવું. આવી રીતે ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા પોતાના આત્માને અક્ષરધામરૂપ અથવા અનાદિમુક્તરૂપ માનવો. આ બે વાતનું શ્રવણ-મનન સ્વાભાવિક જ થયા કરે એવો વેગ લગાડવો, ત્યારે આ જ્ઞાન જીવમાં ઊતરે અને સિદ્ધ થાય. પછી તેને અતિ રૂપવાન સ્ત્રીઓ અને ધન આદિ પદાર્થનો ભારે યોગ થાય તથા ભારે રાજ્ય મળે, અથવા હજારો મનુષ્ય માને-પૂજે તથા ભારે વસ્ત્ર-વાહનાદિક પદાર્થે કરીને સેવા કરે, તો પણ જ્યારે પોતાનું સ્વરૂપ તથા શ્રીજીમહારાજનું મહાત્મ્ય તે સામી દૃષ્ટિ કરે ત્યારે તે સર્વેની અતિશય જ તુચ્છતા થઈ જાય છે અને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાય નહિ, ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે તેમ જ આ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત જરૂર સિદ્ધ કરવી અને આ વાત સિદ્ધ થાય છે ત્યારે જ દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વ બુદ્ધિરૂપ માયા તે ટળી જાય છે, અને હું શ્રીજીમહારાજનો અનાદિમુક્ત છું અને શ્રીજીમહારાજના સ્વરૂપનો આનંદ અખંડ અનુભવું છું એવું સદા વર્તે છે. ઇતિ ભાવાર્થ.
છે. વ. 27 માં શ્રીજીમહારાજે વાત કરી તેનો ભાવાર્થ :- શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્યમૂર્તિ એવા ભગવાન જે અમે તે અમારી સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિષે રહ્યું છે. તે અમારાં દર્શન કરવામાં સર્વ સુખ આવે છે, તો જે મારા સ્વરૂપમાં રસબસ થઈને રહ્યા એવા જે અનાદિમુક્ત તેમને અમારી મૂર્તિનું સંપૂર્ણ સુખ આવે તેમાં શું કહેવું! તેમને તો ઘણું જ અધિક સુખ આવે છે. અને માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યાં છે અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે ને અંતે અપાર દુ:ખનું કારણ છે, અને મારી મૂર્તિમાં તો સર્વે સુખ ભેળાં રહ્યાં છે તે એક સમયે જ પ્રાપ્ત થાય છે અને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ-અવિનાશી છે. તે માટે મોક્ષાર્થી હોય તેમણે માયિક સુખમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને દિવ્ય આનંદઘન એવો હું સ્વામિનારાયણ ભગવાન તે મારામાં સર્વ પ્રકારે જોડાવું.
સા. વ. 1 માં શ્રીજીમહારાજે કહ્યું છે કે 'ભગવાનનો મહિમા એમ વિચારે જે, હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે (અનાદિમુક્ત તથા અક્ષરધામના આધાર છે) અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષય સુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દઈએ. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષય સુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહિ. અને ભગવાનનું જે અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન (શ્રીજીમહારાજ) તે મુને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કૂંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું ઇચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે, એવી રીતે ભગવાનનું (અમારું) માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે.' આવી રીતે ઘણાં વચનામૃતોમાં અનાદિમુક્તની સ્થિતિ મહારાજે સમજાવી છે, તેમ જ કાવ્યકીર્તનમાં પણ પ્રસંગોપાત એ વાત આવે છે. તે જુઓ :-
(મુક્તાનંદ સ્વામી)
સુનત બંસી મેરી શુદ્ધ વિસરી, કહા જાનું કહા કીન. મો 01
સુને કોન અબ શીખ જકતકી, હું ભઈ હરિમેં લીન. મો 0
૧. મોકલી માધુરીસેં મેરો મન હર લીન.
તથા
પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ ... ... ટેક
તનમન અર્પી મીલે મનમોહનકું, હો ગઈ એકહી અંગ. પ્રી0
મુક્તાનંદ મહદ યહ આશ્ચર્ય, બીનહિ અંગ ન ઉમંગ. પ્રી0
તથા
સોઈ સાચે મમ દાસ હે, ઉધો સોઈ સાચે મમ દાસ હે.
પીંડ બ્રહ્માંડમેં પ્રીત ન જાકું, મમ પદ કંજ નિવાસ હે.
(બ્રહ્માનંદ સ્વામી પદ 451)
રસબસ હોઈ રહી રસિયા સંગ,
જ્યું મિસરી પય માંહી ભળી.
(પદ 2261)
મેં પ્રીતમકે માંહ્ય, પિયા મોય ભીતરે,
અરસપરસ એકતાર, રહ્યા હે સ્વતંત્રરે.
તથા
જોગી વાકુ જાનીએ, જાકા હરિસે જોગ,
રહે નિરંતર રામમેં, અંતર અદા અરોગ.
(નિષ્કુળાનંદ સ્વામી)
કોટિ મુક્ત સેવા કરે, રોમ રોમ રસરૂપ;
અંગ પ્રકાશ અગમ અતિ, અક્ષરાતીત સ્વરૂપ.
(ભક્તચિંતામણિ)
સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રીકૃષ્ણસ્વરૂપમાં રહેવું રે.
તથા
તજી તન ને મનનું માન, રહ્યા હરિમાંહિ ગુલતાન.
તથા
થયો જે દિનનો સતસંગ, થયું તે દિનું અલૌકી અંગ.
હરે ફરે કરે કાંઈ કામ, રહી હરિમાંહિ આઠુ જામ.
(હરિસ્મૃતિ)
એક વ્યાપકાનંદમુનિ આચરજકારી છે,
તે પર મે'ર મોટી પ્રભુની આચરજકારી છે.
હરે ફરે હરિ ઈચ્છાઈ આચરજકારી છે,
રહે હરિ મૂર્તિમાં સદાઈ આચરજકારી છે.
(સારસિદ્ધિ)
શ્રીખંડ(ચંદન) માં જેમ સુગંધી રહી, રહ્યો ઈક્ષુ(શેરડી) માંહી રસ.
તેમ હરિજનમાં હરિ, હળીમળી રહ્યા એકરસ.