૭. બાપાશ્રીનાં સંસ્મરણો

અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી કચ્છમાંથી શ્રીનગર, વડતાલ, ગઢપુર આદિ ધામોમાં દેવ, આચાર્ય ને સંત તેમનાં દર્શન કરવા તથા સંતહરિભક્તને દર્શન દેવા કેટલીક વખત પધાર્યા છે તેની યાદી :-

સંવત 1917માં કેટલાક ભક્તજન સહિત મુક્તશ્રી અબજીબાપા અમદાવાદ આદિ તીર્થમાં પ્રથમ પહેલા દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે ઘણા હરિભક્તો હતા. તે સમયે શ્રીનગરમાં મોટા મોટા નંદ સાધુ 18 હતા ને જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી પણ આવ્યા હતા અને પૂજ્ય ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા ને સ્વામી નિર્ગુણદાસજી પણ હતા. તે સમયે અનાદિમુક્ત બાપાશ્રીને તે સર્વેનાં દર્શન-સમાગમ થયાં હતાં.

તે વખતે બાપાશ્રી મંદિરમાં તથા રંગમહોલમાં ઠાકોરજીનાં દર્શન કરીને ધ. ધુ. આચાર્યશ્રી મહારાજનાં દર્શન કરવા ગયા, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજે અનાદિમુક્ત શ્રી અબજીભાઈને ઓળખ્યા ને કહ્યું કે સમાધિવાળા અબજીભાઈ! તમે આવ્યા છો કે? આવો મળીએ. ત્યારે ભાઈશ્રી મહારાજશ્રીને ચરણમાં નમસ્કાર કરીને મળ્યા ને પાસે બેઠા. પછી આચાર્ય મહારાજશ્રીએ તેમની સાથે ઘણી વાતો કરી. પછી બીજા સર્વે ભક્તને સમાચાર પૂછીને ઉતારા કરવાની ભલામણ કરી. (1)

સં. 1922માં અનાદિમુક્ત બાપાશ્રી કેટલાક હરિભક્તને સાથે લઈને શ્રીનગર, વડતાલ, ગઢપુર આદિ ધામોમાં પધાર્યા હતા ત્યારે પણ શ્રીનગરમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા, તેમનો તથા સ્વામી નિર્ગુણદાસજીનો મેળાપ બાપાશ્રીને થયો હતો. (2)

સં. 1942માં અનાદિમુક્તરાજશ્રી કચ્છમાંથી 600 હરિભક્તનો સંઘ લઈ ગઢપુર આદિના તીર્થ કરવા પગે ચાલીને નીકળ્યા હતા, તે જેતલપુરમાં ધ્રૂવાનંદ સ્વામીનાં દર્શન કરી શ્રીનગર પધાર્યા. તે વખતે ધ. ધુ. આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ તથા સ્વામી નિર્ગુણદાસજી ને બીજા ઘણા મોટા મોટા સંત તથા હરિભક્ત ત્યાં હતા. તે સર્વને સ્વામી નિર્ગુણદાસજીએ બાપાશ્રીની અનાદિમુક્તપણાની ઓળખાણ પડાવી હતી. (3)

સં. 1944માં સદગુરુ સ્વામી નિર્ગુણદાસજી મૂળીમાં ચાતુર્માસ રહ્યા હતા અને કચ્છમાંથી કેટલાક હરિભક્તો સહિત બાપાશ્રીને બોલાવ્યા હતા, ત્યારે મુક્તશ્રી મૂળીમાં આવી સ્વામી સાથે કથાવાર્તા કરતા થકા બે માસ રહ્યા હતા. (4)

સં. 1948 માં સ્વામી નિર્ગુણદાસજી માંદા હતા ને બાપાશ્રી પણ વૃષપુરમાં માંદા હતા. પછી શ્રીજીમહારાજે બાપાશ્રીને દર્શન દઈને સાજા કર્યા, ત્યારે બાપાશ્રી તથા કેટલાક હરિભક્ત સ્વામીશ્રીનાં દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. તે સમે સ્વામી નિર્ગુણદાસજીએ મુક્તશ્રીને કહ્યું કે તમારાં દર્શન થયાં તેથી મારો મંદવાડ મટી ગયો, પણ હવે હું ધામમાં જઈશ ને તમને જીવોના મોક્ષ કરવા આ લોકમાં રાખવાની શ્રીજીમહારાજની ઇચ્છા છે માટે તમે જીવોના મોક્ષ કરવા રહો. ત્યારે ભાઈશ્રી બોલ્યા કે, શ્રીજીએ મને પણ દર્શન દઈને જીવોના મોક્ષ કરવા આ લોકમાં રહેવાનું કહ્યું છે, માટે હું રહીશ. (5)

સં. 1951માં અનાદિમુક્તશ્રીને ઉપરદળના રામજીભાઈએ તેડાવ્યા હતા, તેથી કેટલાક સંતહરિભક્તને સાથે લઈ મૂળી થઈને બાપાશ્રી ઉપરદળ આવ્યા ને ત્યાં રામજીભાઈને દર્શન દઈ રાજી કરી ત્યાંથી ધોળકા આવ્યા. આ વખતે સ્વામી વૃંદાવનદાસજી ધોળકામાં મહંત હતા. તેમને બાપાશ્રીએ પૂર્વનું જ્ઞાન કરાવી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો ને કેવળ કૃપા કરીને અનાદિમુક્તની સ્થિતિનું ભાન કરાવ્યું હતું. પછી બાપાશ્રી ત્યાંથી જેતલપુર દર્શન કરી અમદાવાદ આવ્યા, ને ત્યાં સમૈયો કરીને કચ્છમાં પધાર્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી પણ મહંતાઈ મૂકી મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવતા ને બીજાને પણ મૂર્તિમાં જોડતા. (6)

સં. 1956 માં ઉપરદળના રામજીભાઈ માંદા હતા તેથી તેમને દર્શન દેવા સારુ અનાદિમુક્તશ્રી મૂળી થઈને ઉપરદળ આવ્યા હતા. ત્યાં રામજીભાઈને દર્શન દઈને અમદાવાદમાં દેવ, આચાર્ય ને સંતના દર્શન કરી, તથા સર્વેને દર્શન દઈને પછી પ્રાણશંકરભાઈ, પ્રેમજીભાઈ ને ખીમજીભાઈ આદિ થોડા હરિભક્તને સાથે લઈને છપૈયે ગયા હતા. ત્યાં મુક્તશ્રીનાં ને ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા મોટા મોટા દેવ આવ્યા હતા ને તેજના ગોળારૂપે ભગવાનપ્રસાદબાબુ તથા સાધુ શ્યામચરણદાસજી આદિને દેખાયા હતા. (7)

સં. 1957 માં અમદાવાદમાં ધ. ધુ. આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને નાની વયે ગાદીએ બેસાડ્યા હતા તેથી કેટલાક સંતહરિભક્તો કુંજવિહારીપ્રસાદને આચાર્યપદે બેસાડવા વિચાર કરતા હતા તેનો કલેશ થયો હતો. તેમને સમજાવવા સારુ બાપાશ્રી તથા સદગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી મૂળી આવ્યા હતા ને મૂળીના સર્વે સંતહરિભક્તને કહ્યું જે, ત્રીજી ગાદી કરવાની શ્રીજીમહારાજની આજ્ઞા નથી, માટે શ્રીજીમહારાજની ઇચ્છાથી આ વાસુદેવપ્રસાદજી મહારાજ આચાર્યપદે આવ્યા છે. તો આપણે તેમને જ ધ. ધુ. આચાર્યશ્રી માનવા તથા પૂજવા એમ સર્વેને સમજાવીને સમાધાન કર્યું. પછી અમદાવાદ આવીને પણ તેવી જ રીતે સર્વેને સમજણ પાડી ને સત્સંગમાં શાન્તિ કરાવી. (8)

સં. 1958 માં પણ અનાદિમુક્ત બાપાશ્રી અમદાવાદ આવ્યા હતા અને તે સમે પણ સર્વે સંતહરિભક્તને કહ્યું હતું જે, મૂળ ગાદી ને મૂળ શ્રીજીમહારાજના પધરાવેલા દેવ તેમને મેલીને નોખા પડવું નહિ એમ સર્વેને સમજાવ્યા હતા. (9)

સં. 1959 ની સાલમાં ચૈત્ર માસમાં અનાદિમુક્ત બાપાશ્રીએ વૃષપુરમાં મોટો યજ્ઞ કર્યો હતો ને સત્સંગિજીવનનું પારાયણ કરાવ્યું હતું અને બ્રહ્મચારી બાળમુકુંદાનંદજી કથાના વક્તા હતા ને ભૂજના સદગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંત તથા સ્વામી ઈશ્વરચરણદાસજી, વૃંદાવનદાસજી, ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી આદિ અમદાવાદ, મૂળીના સંત તથા ઘણા હરિભક્તો આવ્યા હતા ને કચ્છના સર્વે હરિભક્તને તેડાવ્યા હતા. (10)

સં. 1962 માં ધ. ધુ. આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને યજ્ઞોપવીત આપવાનો ઉત્સવ હતો. તે પ્રસંગે કેટલાક હરિભક્તને સાથે લઈ બાપાશ્રી શ્રીનગર પધાર્યા હતા. તે વખતે બાપાશ્રીએ આચાર્ય મહારાજશ્રીને ભારે ભેટ મૂકીને આરતી ઉતારી હતી અને બીજા પણ કચ્છના હરિભક્ત પાસે ભેટ-આરતી કરાવી હતી. (11)

સં. 1963 માં પ્રાણશંકરભાઈએ શ્રીનગર-મંદિરમાં પારાયણ કરાવ્યું હતું, તે પ્રસંગે બાપાશ્રી શ્રીનગર આવ્યા હતા. આ વખતે મૂળીના મહંત સ્વામી હરિનારાયણદાસજીની આંખે મોતિયા ઊતરાવ્યા હતા, તેમને બાપાશ્રીએ દર્શન દઈને શરીરે હાથ ફેરવ્યો એટલે સ્વામીને ગરમીની પીડા હતી તે મટી ગઈ. (12)

સં. 1969 માં અસલાલીના સાંખ્યયોગી કંકુબાએ શ્રીનગરમાં પારાયણ બેસાડ્યું હતું, તે પ્રસંગે બાપાશ્રી પધાર્યા હતા અને અમદાવાદ સમૈયો કરીને દેવપરામાં વચનામૃતનું પારાયણ તથા મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યાં મૂર્તિઓની પ્રતિષ્ઠા વગેરે કરીને કચ્છમાં પધાર્યા હતા. (13)

સં. 1971 ના ફાગણ માસમાં સિનોગરામાં દેવજીભાઈ ડાહ્યાભાઈના યજ્ઞમાં બાપાશ્રી પધાર્યા હતા. પછી વૃષપુર આવી બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કર્યો તેમાં ભૂજના તમામ, તથા બંને દેશના સંત તથા ઘણા હરિભક્ત આવ્યા હતા, તથા કચ્છદેશની નાતના સર્વે હરિભક્તને તેડાવ્યા હતા. આ વખતે બાપાશ્રીએ કાળી તલાવડીએ છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં હતાં ને આ સ્થળે જે દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે એ વરદાન આપ્યું હતું. (14)

સં. 1972 ના ચૈત્ર માસમાં અનાદિમુક્ત બાપાશ્રી સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા વૃંદાવનદાસજી સ્વામીની અરજી સાંભળીને પ્રથમ મૂળી આવ્યા ને ત્યાંથી પાટડી આવીને મૂર્તિઓ પધરાવી. પછી સરસપુર રહી અમદાવાદ નરનારાયણ દેવનાં દર્શન કરી જેતલપુર પારાયણમાં પધાર્યા ને ત્યાં તલાવને કાંઠે છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં, ત્યાંથી અમદાવાદ આવી શ્રીહરિજયંતિનો સમૈયો કર્યો. પછી છપૈયે પધાર્યા. તે સમયે બાપાશ્રી સાથે દસ બાર હજાર સત્સંગીઓ છપૈયે આવ્યા હતા અને આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પણ પધાર્યા હતા ને ત્યાં બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી હતી ને મોટો સમૈયો ભરાયો હતો. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા હતા. (15)

સં. 1973માં સદગુરુ આદિ સંત વૃષપુર આવ્યા ને બાપાશ્રીએ પોતાને અંતર્ધાન થવાની વાત કરી. પછી કુંભારિયે ગોવામલભાઈના યજ્ઞમાં પધાર્યા ને ત્યાં તળાવને કાંઠે છત્રીએ ચરણારવિંદ તથા હનુમાનજી પધરાવ્યા હતા. (16)

સં. 1974 ના અષાડ માસમાં બાપાશ્રીએ મોટો મંડવાદ ગ્રહણ કર્યો હતો. તે મંદવાડને સાંભળી સદગુરુ આદિ સંત તથા ઘણા હરિભક્તો ગુજરાત દેશમાંથી બાપાશ્રીના દર્શન માટે વૃષપુર આવ્યા હતા, પરંતુ તે સર્વેની પ્રાર્થનાથી બાપાશ્રી કેવળ દયાએ કરીને સાજા થયા. પછી તે નિમિત્તે છત્રીએ 'પુરુષોત્તમલીલામૃત-સુખસાગર'નું પારાયણ તથા મોટો યજ્ઞ કરીને સર્વેને જમાડ્યા હતા. તે યજ્ઞમાં કથાના વક્તા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી હતા. (17)

સં. 1975 માં વૃષપુરમાં સદગુરુ સ્વામી ઈશ્વરચરણ-દાસજી, વૃન્દાવનદાસજી, ઘનશ્યામજીવનદાસજી, નારાયણ-સેવકદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી તથા મૂળીના સ્વામી શ્વેતવૈકૂંઠદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, ભગવત્સ્વરૂપ-દાસજી વગેરે ઘણા સંતો તથા હરિભક્તો બાપાશ્રી પાસે સમાગમ કરવા આવ્યા હતા, તેમને બાપાશ્રીએ પોતાના સમાગમનું ઘણું જ સુખ આપ્યું હતું. (18)

સં. 1976 માં અનાદિમુક્તરાજ બાપાશ્રી મૂળીએ પધાર્યા હતા. તે સમયે ઘણા સંતહરિભક્ત મૂળીમાં ભેગા થયા હતા. તેમણે બાપાશ્રીને પૂછીને મહાસભા સ્થાપન કરી હતી. તે વખતે નદીમાં પાણી નહોતું પણ સૌ હરિભક્તોએ બાપાશ્રીની પ્રાર્થના કરી તેથી નદીમાં પાણી આવ્યું હતું. (19)

સં. 1978ના ચૈત્ર માસમાં બાપાશ્રીએ મોટા યજ્ઞનું પરિયાણ કર્યું હતું અને તે સમે ગામ ઘડાણીમાં પણ યજ્ઞમાં પધારી અબડાસાના હરિભક્તને દર્શન આપ્યાં હતાં. પછી વૃષપુરમાં મોટો યજ્ઞ કર્યો અને છત્રીએ ઠાકોરજીના મંદિરની જાગીરનું વાસ્તુ તથા ભીડભંજન હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી ને સારંગપુરના હનુમાનજીની પેઠે આ હનુમાનજી પણ સૌના મનોરથ પૂરા કરશે એ વર આપ્યો હતો ને સર્વેને મોક્ષના આશીર્વાદ આપ્યા હતા. તે યજ્ઞમાં સત્સંગિજીવનનું પારાયણ બેસાડ્યું હતું. આ યજ્ઞ તથા 1982 ને 1984 એ ત્રણે યજ્ઞમાં કથાના વક્તા શ્રીનગરના પુરાણી મુનિસ્વામી કેશવપ્રિયદાસ તથા ભૂજના પુરાણી ઉત્તમપ્રિયદાસ હતા.(20)

સં. 1979 માં મૂળીમાં રાધાકૃષ્ણ-હરિકૃષ્ણ મહારાજના શતવાર્ષિક પાટોત્સવમાં બાપાશ્રીએ પધારી સર્વેને દર્શન દઈને રાજી કર્યા હતા. પછી અમદાવાદ આવીને જાદવજીભાઈને આંખનું ને હરજીભાઈને પેટમાં દુઃખાવાનું ઔષધ કરાવ્યું હતું. તે સમે બાપાશ્રી ગામેગામ વિચરણ કરી કરાંચી ગયા. પછી સરસપુર આવી ફરીથી ગામડામાં જઈ ભાવનગર પધાર્યા ને ત્યાંથી વૃષપુર પધાર્યા. (21)

સં. 1982 ના કાર્તિક માસમાં મિસ્ત્રી મનજીભાઈ તથા અમરસીભાઈના યજ્ઞમાં બાપાશ્રી પોતાના પુત્ર કાનજીભાઈને સાથે લઈને કુંભારિયે પધાર્યા હતા તે સમે કાનજીભાઈની આંખે પીડા હતી, તેથી તેઓ ત્યાંથી જ અમદાવાદ ગયા ને બાપાશ્રીને પણ અમદાવાદથી શેઠશ્રી બળદેવભાઈએ તાર કરીને તેડાવ્યા, ત્યારે બાપાશ્રી પોતે હરજી ધનજી તથા ખીમજી એ બંનેને સાથે લઈને અમદાવાદ આવ્યા અને ગામેગામ ફરીને પાછા કચ્છમાં ગયા હતા.

પછી (1982ના) ચૈત્ર માસમાં બાપાશ્રીએ વૃષપુરમાં મહામોટો યજ્ઞ કર્યો હતો અને કચ્છના કણબીના 24 ગામના તમામ હરિભક્તને તેડાવ્યા હતા ને ભૂજના સંત તથા ગુજરાતના ઘણા સંતહરિભક્ત આવ્યા હતા અને તે યજ્ઞમાં બાપાશ્રી કેટલાકને દિવ્યરૂપે દર્શન આપી અનેકરૂપે દેખાયા હતા.

પછી તે જ સાલના (1982ના) ભાદરવા માસમાં બાપાશ્રીએ લઘુનો મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે સમે સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ તથા બાપાના પૌત્ર જાદવજીભાઈ ને સોની મોતીભાઈ આદિ બાપાની સેવામાં રહ્યા હતા. પછી સદગુરુ વગેરે આવ્યા ને બાપાશ્રી સાજા થયા ને ભૂજમાં વચનામૃતનું પારાયણ કરાવ્યું. પછી બાપાશ્રીની આજ્ઞાથી કેટલાક સંતહરિભક્ત પોતાના દેશમાં ગયા અને સદગુરુ આદિ સંતને સાથે લઈને બાપાશ્રી વૃષપુર પધાર્યા. પછી નારાયણપુર, દહીંસરા, રામપુર, ગોડપુર વગેરે ગામોમાં જઈને પાછા વૃષપુર આવ્યા ને સંતને ગુજરાતમાં મોકલ્યા. (22)

સં. 1983 ના ફાગણ માસમાં અનાદિમુક્તરાજ બાપાશ્રીએ કરાંચીમાં ફૂલદોલનો સમૈયો કર્યો. પછી ચૈત્ર માસમાં રામજી વાલજી તથા વશરામ કેસરાના યજ્ઞમાં ભારાસર પધાર્યા ને તે યજ્ઞમાં સદગુરુને તેડાવવાનું બંધ રાખ્યું. પછી જેઠ માસમાં ગાંગજી મિસ્ત્રીએ પોતાના યજ્ઞમાં આવવા બાપાશ્રીને આમંત્રણ આપ્યું. પછી ભાદરવામાં તે મિસ્ત્રીએ પોતાના ગામ સિનોગરામાં યજ્ઞ કર્યો એટલે બાપાશ્રી ત્યાં પધાર્યા ને સદગુરુ સ્વામીને પણ તેડાવ્યા ને યજ્ઞસમાપ્તિ પછી સદગુરુની સાથે બાપાશ્રી ભૂજ આવીને વૃષપુર પધાર્યા. પછી નારાયણપુર રહ્યા ને કેરામાં પ્રબોધિની એકાદશી કરીને વૃષપુર આવ્યા ને સદગુરુને દેશમાં મોકલ્યા. પછી વૃષપુર-મંદિરની મેડીનું કામ ચાલુ કરાવ્યું. (23)

સં. 1984 ના ચૈત્ર માસમાં અનાદિમુક્તરાજ બાપાશ્રીએ વૃષપુરમાં મોટો છેલ્લો યજ્ઞ કર્યો હતો, તેમાં સંતહરિભક્તો ઘણા જ આવ્યા હતા. તે વખતે બાપાશ્રીએ કંકોતરીમાં લખાવ્યું હતું કે આ અમારો છેલ્લો યજ્ઞ છે; જે આવશે તેનો મોક્ષ કરશું. આ યજ્ઞની સમાપ્તિ પછી સદગુરુ આદિ સંત બાપાશ્રીના સમાગમનો લાભ લેવા રહ્યા હતા, પછી તેમને દેશમાં મોકલ્યા, ત્યાર પછી બાપાશ્રી ભૂજ તથા માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. પછી વૃષપુર આવી પોતાના કુટુંબી તથા સર્વે હરિભક્તને ભલામણ કરી જે હવે અમે અક્ષરધામમાં જઈને બેસશું; તમે મહારાજની આજ્ઞામાં રહીને ભગવાન ભજજો; દેશકાળમાં લેવાશો નહિ; અમે રક્ષા કરશું. એમ સૌને ધીરજ આપી. પછી દોઢ દિવસ મંદવાડ બતાવીને સં. 1984 ના અષાડ સુદ 4 ને શુક્રવારની રાત્રીએ સાડાબાર વાગે ધામમાં પધાર્યા. (24)

પુનઃ વિવેચન

આવી રીતે બાપાશ્રી 16 વખત ગુજરાતમાં પધાર્યા તેમાં 14 વખત તો પોતે અમદાવાદ પધાર્યા છે ને બે વખત છપૈયે પધાર્યા તેની કિંચિત્ યાદી લખી છે, પણ તે સિવાય પોતે ઘણી વખત અમદાવાદ, મૂળી, ગઢપુર આદિ તીર્થોમાં ફર્યા છે ને ગામેગામ વિચર્યા છે. કરાંચીમાં પણ કેટલીક વખત પધાર્યા છે. વળી કેટલાંક ગામોમાં મૂર્તિપ્રતિષ્ઠાઓ પણ કરી છે. વળી કોઈ જગ્યાએ મોક્ષના આશીર્વાદ આપ્યા છે ને કોઈ કોઈ ગામોમાં ખારાં પાણી મીઠાં કર્યાં છે, તો કોઈ ગામોમાં તળાવમાં પાણી ન રહેતું હોય તોપણ એમના આશીર્વાદથી અદ્યપિ પાણી રહે છે. વળી કોઈ કોઈ જગ્યાએ પારાયણની સમાપ્તિમાં પોતે પધારી પુસ્તક તથા વક્તાઓની પૂજાઓ કરી છે, તો કોઈ જગ્યાએ મહારાજની પ્રસાદીના સ્થાને છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે. ભૂજ તો પોતે હિંડોળામાં તથા અન્નકૂટનાં દર્શન કરવા અવશ્ય આવતા ને સમૈયા તથા ધર્મામૃતની કથામાં ને કોઈ સમયે પારાયણ પ્રસંગે એમ અસંખ્ય વખત પધાર્યા છે. અને પોતે અસંખ્ય યજ્ઞપારાયણો કર્યાં તે પ્રસંગે ઠાકોરજીને વસ્ત્ર તથા હજારો રૂપિયાની સેવા ભૂજમંદિરમાં કરીને ત્યાંના એકેએક સાધુને રાજી કર્યા છે. હમીરસર તથા કાળીતલાવડીએ તો પોતે હજારો વાર નાહ્યા છે. અને કેટલીક વખત ભૂજમાં ને કેટલીક વખત વૃષપુરમાં વચનામૃતનાં પારાયણો કરાવીને સંતોને જમાડ્યા છે. એક વખત પ્લેગનો રોગ આવ્યો ત્યારે બાપાશ્રીએ કાકરવાડીમાં વચનામૃતનાં સાત પારાયણો વાંચ્યા હતાં. તેમ જ 1942ની સાલમાં મોટો સંઘ લઈને બાપાશ્રી તીર્થ કરવા નીકળ્યા હતા ત્યારે પણ રસ્તામાં સાત પારાયણો કર્યાં હતાં. તેમ જ અગિયારસો ચોસર કીર્તનો કંઠે હતાં ને મંદિરમાં પણ આરતી, ગોડી, કથા, ચેષ્ટા વગેરે નિત્ય નિયમ પણ બરાબર કરતા.

વળી પોતે આ સિવાય મોટા મોટા છ યજ્ઞો કર્યા જેની અંદર ભૂજ, વડતાલ, અમદાવાદ, ગઢપુર, મૂળી આદિ ધામોના સંતો ને દૂર દેશના ઘણા હરિભક્તો આવતા. તેની સંખ્યા કોઈ કોઈ વખત પાંત્રીસ પાંત્રીસ હજાર મનુષ્યની થતી, બાપાશ્રી તે સર્વેની સરભરા કરતા ને કોઈ વખત ઉતારે જઈને રાત્રી-દિવસ દર્શન આપતા. આ સિવાય બીજા નાના યજ્ઞો તો ઘણા કર્યા છે. વળી યજ્ઞપારાયણ હોય તો પોતે ગામેગામ અવશ્ય પધારતા ને ત્યાં કોઈ કોઈ વખત કથાનું રહસ્ય વિવેચન કરીને સભામાં સર્વેને સમજાવતા. વળી વૃષપુરમાં તો સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા મૂળીના સંતમંડળો વારંવાર આવતાં ને કથાવાર્તાનો અખાડો અહોનિશ ચાલુ જ રહેતો.

વળી બાપાશ્રી નાના હતા ત્યારે ક્યારેક પંદર દિવસ, મહિનો, તો ક્યારેક બબ્બે મહિના સુધી સ્તનપાન કર્યા વગર રહેતા ને કિશોર અવસ્થામાં પોતાના સખાઓની સાથે રમતગમતમાં અનેક પ્રકારના ચમત્કાર જણાવતા ને ગૃહોદ્યોગ પણ કરતા ને તીર્થયાત્રા તો પોતે બહુધા પગે ચાલીને જ કરતા. વળી તેઓ બીજા જીવોના સમાસને અર્થે ઘણી વખત સમાધિમાં પણ જતા. તેની કિંચિત્ યાદિ લખીએ છીએઃ-

સં. 1942 માં બાપાશ્રી તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા ત્યારે પણ કાજરડાની સીમમાં આવ્યા, ત્યાં રણને કાંઠે મીઠા પાણીનો એક જ વીરડો હતો તોપણ બાપાશ્રીની ઇચ્છાથી સાત વીરડા મીઠા પાણીથી ભરેલા થયા હતા. તે વખતે પણ બાપાશ્રીને સમાધિ થઈ હતી, તે હળવદ આવ્યા ત્યારે સમાધિ ઊતરી હતી. પછી ત્યાંથી મૂળી આવ્યા ત્યાં પણ એક દિવસની સમાધિ થઈ હતી.

સં. 1944 માં બાપાશ્રી મૂળીએ પધાર્યા હતા. તે વખતે પણ મૂળીમાં બાપાશ્રીને સમાધિ થઈ હતી, તે ત્રણ દિવસ રહી, ને ઘણા સંતહરિભક્તો તે સમાધિમાં બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા હતા ને ચોથે દિવસે બાપાશ્રી જાગ્રત થયા હતા.

સં. 1946 માં સદગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી વૃષપુરમાં મંદિર કરાવતા હતા, તે સારુ બાપાશ્રી માંડવીબંદર ઇમારતી લાકડાં લેવા ગયા હતા. ત્યાં સમાધિ થઈ ગઈ તે પાંચ દિવસ રહી ને છઠ્ઠે દિવસે જાગ્રત થયા. વળી એક વખત તે જ સાલમાં લખાઈવાડીએ સમાધિ થઈ હતી તે ચોથે દિવસે સાંજે જાગ્રત થયા.

સં. 1948 માં શ્રીનગરમાં સદગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજીની આજ્ઞાએ કરીને બાપાશ્રી 12 કલાક સમાધિમાં રહ્યા હતા. અને વાસ્તવિક તો સદાય ઉપશમમાં જ રહેતા. આ સિવાય બીજી ઘણી વખત સમાધિ થયેલ પણ આ તો દિશમાત્ર લખી છે.

તેમ જ પરચા-ચમત્કાર તો અસંખ્ય બતાવ્યા છે તે શું, તો એકરૂપ થકા અનેકરૂપે, તો ક્યારેક થોડી રસોઈમાંથી અસંખ્ય હરિભક્તોને જમાડે, તો ક્યારેક કોઈ દેહ મૂકે તેને શ્રીજીમહારાજ સાથે તેડવા જાય, તો કોઈકને ઘેર બેઠા થકા દર્શન દે, એવી અનેક લીલાઓ તથા જ્ઞાનવાર્તાઓ છે. તેમ જ વચનામૃત પર ટીકા કરીને શ્રીજીમહારાજનો સિદ્ધાંત પણ સમજાવ્યો છે.

ઇતિ સાધુ કેશવપ્રિયદાસેન લિખિતા પ્રકરણં સમાપ્તમ્