૪. ભગવાનમાં અખંડ વૃત્તિ તથા ધ્યાનનો મહિમા

ગ. પ્ર. વ. 24 માં શ્રીજીમહારાજે કહ્યું છે જે, 'જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ : - એ જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરુષ થકી પર છે, (પ્રકૃતિ=પ્રધાનમાયા ને મહામાયા, અને પુરુષ=પુરુષ વર્ગ જેમ મહાપુરુષ, મહાકાળ-પુરુષ અને અક્ષર તે પુરુષ જાણવા) ને એ જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ એ નજરમાં આવતું નથી ને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે, ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી, અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ; એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે.'

ગ. મ. વ. 48 માં : - સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે, 'વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ.' એ ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'બહુ સારાં કીર્તન ગાયાં, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્ - પ્રણામ કરીએ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે (એટલે અક્ષરધામમાં શ્રીજીમહારાજના મુક્ત છે) તેવો જ એ પણ નિરન્નમુક્ત થઈ રહ્યો છે અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે, તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડ્યો તેને કોટિકલ્પે દુ:ખનો અંત આવતો નથી, માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું.'

ગ. મ. વ. 49 માં : - 'પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ભેદ છે (અહીં પ્રત્યક્ષ ભગવાન એટલે મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા સ્વરૂપ એવા શ્રીજીમહારાજને જ જાણવા)... અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે, ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે તૃપ્તિ થાતી જ નથી ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું.'

ગ. મ. વ. 50 માં : - શ્રીજીમહારાજે કહ્યું છે જે, 'એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ (જે અમારી મૂર્તિના તેજનો સમૂહ) તેને વિષે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે અને તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ (મૂર્તિનું તેજ, તેને વિષે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે.'

ગ. મ. વ. 56 માં : - 'અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જે ન થાય અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે, ને પરમ સાર વસ્તુ છે.'

ગ. મ. વ. 57 માં : - 'ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇંદ્રિયો, અંત:કરણ - તેનું કોઈ આવરણ નથી.'

વ. વ. 16 માં : - 'અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે, માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે ને બીજું સર્વે દુ:ખરૂપ જણાય છે.' આવી રીતે શ્રીજીમહારાજે પોતાના સ્વરૂપમાં અખંડ વૃત્તિ તથા ધ્યાનનો મહિમા ઘણાં વચનામૃતમાં કહેલ છે.