બાહ્ય પૂજાવિધિ

સૂર્ય ઊગ્યા પહેલાં ઊઠી, શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મુક્તોના નામનું ઉચ્ચારણ કરી, તેમને સ્તુતિ-પ્રાર્થના કરી, તેમનું ધ્યાન કરવું. ત્યાર બાદ પથારીમાંથી ઊઠી પ્રાતઃવિધિ કરવી. કુદરતી હાજત-શૌચવિધિ પછી હાથ-પગની બરાબર શુદ્ધિ કરવી. તે પછી એક જગ્યાએ બેસીને, ગાળેલા પાણીથી ધોયેલું દાતણ કરવું ને ગાળેલા પાણીથી કોગળા કરી મુખશુદ્ધિ કરવી. દાતણ કરતાં કરતાં હરવું-ફરવું નહિ ને વાતો કરવી નહિ. ત્યાર બાદ ચોખ્ખા પાણીથી સ્નાન કરવું ને તે વખતે ભગવાનનાં નામોનું તથા તીર્થોનાં નામોનું સ્મરણ કરવું. નાહ્યા પછી ધોયેલાં ચોખ્ખાં વસ્ત્રો પહેરવાં. ધોતિયું પહેરવું ને ખેસ કે શાલ ઓઢવાં. સુતરાઉ ધોતી પહેર્યા પછી ફરી ધોઈને પૂજામાં પહેરવા લેવી. રેશમી ધોતી ધોયા વગર ફરી પહેરી શકાય. મેલાં વસ્ત્રો ન પહેરવાં. પૂજા કરવા માટે શાંત પવિત્ર જગ્યાએ, બરાબર બેસી શકાય તેવા પવિત્ર આસન ઉપર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું. આ બધી બહારની શુદ્ધિ સાથે મનથી પણ પવિત્રપણે રહી પ્રેમપૂર્વક પૂજા કરવી.

જમણા હાથની હથેળીમાં ચોખ્ખું-ગાળેલું પાણી લઈ 'ૐ શ્રી સ્વામિનારાયણાય નમ:' બોલી આચમન કરવું. ફરીથી પાણી હથેળીમાં લઈ 'ૐ શ્રી હરિકૃષ્ણાય નમ:' બોલી આચમન કરવું. તેમ જ ત્રીજી વાર પાણી હથેળીમાં લઈ 'ૐ શ્રી ઘનશ્યામાય નમ:' એમ નામમંત્ર બોલીને આચમન કરવું. આમ ત્રણ વખત આચમન કર્યા બાદ હથેળી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવી. ત્યાર પછી પુરુષોએ કપાળ, છાતી, બે હાથના બાહુ -એમ ચાર જગ્યાએ પ્રસાદીના ચંદનથી ઊર્ધ્વપુંડ્ર તિલક કરી તેમાં કંકુનો કે ચંદનનો ચાંદલો કરવો. સધવા સ્ત્રીઓએ કપાળમાં માત્ર ચાંદલો કરવો. તે તિલક-ચાંદલો કરતી વખતે 'સ્વામિનારાયણ' મહામંત્ર બોલવો. તે પછી માનસી પૂજા* કરવી. ભાવથી રોમાંચિત થઈ ગદગદ કંઠે કરેલી માનસી પૂજાને શ્રીહરિએ વખાણી છે, તેથી ભાવથી પૂજા કરવી.

ત્યાર બાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચિત્રપ્રતિમાને ઉત્તમ આસન ઉપર પધરાવી આવાહન કરવું:

ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ! સ્વામિનારાયણ! પ્રભો!। ધર્મસૂનો દયાસિંધો સ્વેષાં શ્રેય: પરં કુરુ ॥ આગચ્છ ભગવન્! દેવ! સ્વસ્થાનાત્ પરમેશ્વર । અહં પૂજા કરિષ્યામિ સદા ત્વં સંમુખો ભવ ॥

આ આવાહનમંત્ર પ્રેમપૂર્વક બોલી આદરથી નમસ્કાર કરવા નૈવેદ્ય-ધૂપ-દીપ-પુષ્પાદિક અર્પણ કરવાં. પછી મૂર્તિ સન્મુખ દ્રષ્ટિ રાખી 'બ્રહ્માહમ્ સ્વામિનારાયણોદાસોસ્મિ' એ મહામંત્રનો જપ કરવો. જપ માટેની માળાને ગૌમુખી કે વસ્ત્રમાં ઢાંકીને એકાગ્ર ચિત્તે જપ કરવો. ત્યાર બાદ ભગવાનની પ્રદક્ષિણા કરવી. પુરુષોએ સાષ્ટાંગ દંડવત્ ને સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા. ભગવાનને આદરપૂર્વક સ્તુતિ-પ્રાર્થના કરીને વિસર્જન કરવું.

સ્વસ્થાનં ગચ્છ દેવેશ! પૂજામાદાય મામકીમ્ । ઇષ્ટકામ પ્રસિદ્ધયર્થં પુનરાગમનાય ચ ॥

એ વિસર્જનમંત્ર બોલવો. તે પછી 'શિક્ષાપત્રી'નો પાઠ કરવો.

આ રીતે શ્રીહરિજીની પૂજા કર્યા પછી જ વ્યાવહારિક કાર્યમાં જોડાવું.