ધ્યાનચિંતામણિ
રાગ : ગરબી
પદ—૧
વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. ૧
સમરું પ્રકટરૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;
જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨
જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્ત્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. ૩
વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ. ૪
પદ—૨
આવો મારા સુંદર શોભતા લાલ, કે જોઉં તારી મૂરતિ રે લોલ;
જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઉરથી રે લોલ. ૧
મન મારું મોહ્યું સહજાનંદ, પાઘડલીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ. ૨
વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યાં રે લોલ;
વહાલા તારા વામકરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ. ૩
વહાલા તારી ભ્રકુટિને બાણે પ્રાણ, કાળજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ. ૪
પદ—૩
વહાલા મુને વશ કીધી મહારાજ, વાલપ તારા વહાલમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ. ૧
વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. ૨
વહાલા તારા દંત દાડમના બીજ, ચતુરાઈ ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ. ૩
વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. ૪
પદ—૪
રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચહાય, કે જાય ચિતડું ચળી રે લોલ. ૧
વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ. ૨
વહાલા તારા ઉરમાં વિણગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમી જન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. ૩
રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ. ૪
પદ—૫
વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ. ૧
વહાલા તારી આંગળીઓની રેખા, નખમણિ જોઈને રે લોલ;
વહાલા મારાં ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ. ૨
વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ. ૩
વહાલા તારુ ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ. ૪
પદ—૬
વહાલા તારી મૂરતિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ;
વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીએ રે લોલ. ૧
વહાલા મારે સુખ સંપત તમે નાથ, શ્રીજી મન ભાવતા રે લોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ, હસીને બોલાવતા રે લોલ. ૨
વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂરતિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ. ૩
આવો મારા રસિયા રાજીવનેણ, મરમ કરી બોલતા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ. ૪
પદ—૭
વહાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ. ૧
વહાલા તારી નાભિ નૌતમ રૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઈને સહજાનંદ, કે મન રંગચોળ છે રે લોલ. ૨
વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ;
વહાલા નિત્ય નીરખું પિંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ. ૩
વહાલા તારા ચરણકમળનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ. ૪
પદ—૮
વહાલા તારા જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ. ૧
વહાલા તારે જમણે અંગૂઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ. ૨
વહાલા તારા નખની અરુણતા જોઈને, શશિકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ. ૩
વહાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ. ૪