સ્તુતિ
વિશ્વેશ છો સકળ વિશ્વ તણા વિધાતા,
ત્રાતા તમે સકળ મંગળ શાંતિદાતા;
માટે તમારું કરુણાનિધિ સત્ય નામ,
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ.
અજ્ઞાનપાશ કરુણા કરી કાપી નાખો,
નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો;
ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વ યામ,
સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ.
જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે;
જેના રોમ સુછિદ્રમાં અણુસમા, બ્રહ્માંડ કોટિ ફરે.
માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞા ન લોપે ક્ષણ;
એવા અક્ષરધામના અધિપતિ, શ્રી સ્વામિનારાયણ.
આવી અક્ષરધામથી અવનીમાં, જે દેહધારી થયા;
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા.
કીધા ચારું ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી;
વંદુ મંગળ મૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ.
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લૈ તીર્થમાંહી ફર્યા;
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા.
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી;
અન્તર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી.
જે હરિ અક્ષરધામ માંહી રાજે, સર્વોપરી છે સદા;
તે નરવિગ્રહધારી નાથ થઈને, સુખિયા કરે સર્વદા.
એવી સુખમય મૂર્તિમાં જ રહે છે, મુક્તો અનાદિ ઘણા;
પય મિસરીવત્ પ્રેમપૂર્ણ રાચે, એ સુખ મહીં ના મણા.
એવા મુક્ત સદાય નાથ સંગે, એ નાથ સાથે મળ્યા;
જેણે રૂપ અનુ આજ ધરિયું, સહેજે ન જાયે કળ્યા.
એવા સિદ્ધ સ્વતંત્ર મુક્ત કહીએ, સંકલ્પ સુખકંદના;
જેણે જીવ અનેક આજ તાર્યા, તેને કરું વંદના.