7. કારણપ્રદેશ અને કાર્યપ્રદેશ
'કાર્ય કાર્યને શીખવે છે' એ ઉક્તિ અનેક મનુષ્યો પ્રસંગોપાત બોલે છે ખરા, પણ તેમાં રહેલા ગૂઢ બોધને ગ્રહણ કરી બહુ થોડા મનુષ્યો પોતાનાં જીવનમાં તેને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે છે.
પ્રારંભમાં ન આવડતું કોઈ કાર્ય અથાક પ્રયત્ન કરી વારંવાર કરવામાં આવે, તેનું એકાગ્ર ચિત્તે પુનરાવર્તન કરવામાં આવે તો આખરે એ કામ આવડ્યા વગર રહે જ નહિ, એ સત્ય હકીકત છે.
આ કાર્ય કરવાની આવડત અને જ્ઞાન મનુષ્યમાં ક્યાંથી આવે છે? એ જ્ઞાન કે આવડત શું તેને બહારથી મળે છે? જો બહારથી જ તે મળતું હોય તો શ્રીમંતો વિદ્વાનોને ધન આપી આપીને જ્ઞાનીઓ ને વિદ્વાનો પાસે જ્ઞાન અને વિદ્વતા ખરીદી લેત અને વગર પ્રયત્ને જ્ઞાની તેમજ વિદ્વાન બની જાત. પરંતુ એવું વાસ્તવમાં જોવામાં આવતું નથી. જે શ્રીમંતો વિદ્વાનોને ધન આપી વિદ્યા સંપાદન કરતા જણાય છે, તેમાં એની પાછળ તેમનો પોતાનો પણ પુરુષાર્થ અવશ્ય હોય છે. આ ઉપરથી જાણી શકાય છે કે સઘળું જ્ઞાન તથા કાર્યશક્તિ આપણી અંદર જ સમાયેલાં છે. બાહ્ય સાધનો તો તે જ્ઞાન અને શક્તિને આપણી અંદરથી પ્રકટાવવા માટે ફક્ત નિમિત્તરૂપ જ બને છે. એ સઘળું જ્ઞાન અને સાર્મથ્ય આપણા ચૈતન્યમાંથી પ્રગટે છે. આપણા ચૈતન્યમાં તે જ્ઞાન તથા સાર્મથ્ય સર્વોપરી, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વાંતર્યામી, પરબ્રહ્મ પરમાત્મામાંથી આવે છે. એ જ્ઞાન તથા સાર્મથ્ય જ્યાંથી પ્રગટ થાય છે, એ છે આપણો કારણપ્રદેશ.
મનુષ્ય એકાગ્રતા દ્વારા, ધ્યાન-મનન-ચિંતન દ્વારા આ જ્ઞાન તથા સાર્મથ્ય કારણપ્રદેશનાં અનંત, અસીમ જ્ઞાન તથા સાર્મથ્યના ભંડારમાંથી બહાર લાવે છે. જે વ્યક્તિને આ કારણપ્રદેશના અનંત વિસ્તારમાં પ્રવેશીને તેમાંથી જ્ઞાન તથા સાર્મથ્ય બહાર લાવવાનો માર્ગ હાથ આવ્યો છે. તે વ્યક્તિ પોતે જેટલું ઇચ્છે તેવું અને તેટલું જ્ઞાન તથા સાર્મથ્ય કારણપ્રદેશમાંથી પ્રગટ કરી કાર્યપ્રદેશમાં, જીવન વ્યવહારના ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરી પોતાનું જીવન ધન્ય બનાવે છે.
જેમ પૃથ્વીમાં અખૂટ જળભંડારો ભરેલા હોય છે. કોઈક જગ્યાએ વધુ ઊંડાઈમાં હોય છે, તો કોઈ જગ્યાએ ઓછી ઊંડાઈમાં. જેને તેની બરોબર જાણકારી છે તે પ્રયત્ન વડે પોતાને જોઈતો જળનો જથ્થો બહાર લાવે છે. તેમ કારણપ્રદેશનો ભોમિયો તેમાં સંયમ-સમાધિ દ્વારા પ્રવેશ કરી પોતાને જોઈતું જ્ઞાન, શક્તિ ને સાર્મથ્ય તેમાંથી બહાર લાવે છે.
આપણાં જીવનના અગત્યના આ બે પ્રદેશો છે. કારણપ્રદેશ અને કાર્યપ્રદેશ. કારણપ્રદેશ અમર્યાદ વિસ્તારવાળો છે. તેમાં અનંત, અમર્યાદ જ્ઞાન, પ્રકાશ, શક્તિ, સુખ, સાર્મથ્ય, ઐશ્વર્ય વગેરે અનંત ગુણોનો ભંડાર ભરેલો છે. આપણો કાર્યપ્રદેશ મર્યાદિત છે. કારણપ્રદેશમાંથી જેટલું આપણે પ્રગટ કરી શક્યા હોઈએ એટલાનો જ અનુભવ આપણને કાર્યપ્રદેશમાં (વ્યાવહારિક જગત-પ્રદેશમાં) થાય છે.
માનવસમાજનો મોટાભાગનો વર્ગ કારણપ્રદેશથી અજ્ઞાત હોવાથી, તેમાં શું શું ભરેલું છે તે જાણી શકતો ન હોવાથી અને પોતાને જે જોઈએ છીએ તે તેમાંથી મળશે કે કેમ? એવી આશંકા હોવાથી દુઃખી ને હતાશ જણાય છે.
જેમ પોતાના ઘરમાં જ ધન કે ખજાનો દટાયેલો પડ્યો હોય, પરંતુ વ્યક્તિને જો તેની જાણ ન હોય તો તે દ્રવ્યને શોધીને બહાર ન લાવી શકવાથી નિર્ધન રહે છે. તેમ કારણપ્રદેશમાં રહેલ અનંત જ્ઞાન, સાર્મથ્ય, સુખ વગેરેના ભંડારને ન જાણનાર પુરુષપ્રયત્ન વડે તેને કાર્યપ્રદેશમાં લાવી નથી શકતા તેથી દુઃખી રહે છે.
સત્શાસ્ત્રો અને સત્પુરુષો આપણા આ કારણપ્રદેશને બ્રહ્મ, પરબ્રહ્મ પરમતત્ત્વ કહે છે. એ પ્રદેશ સાથે આપણો અનાદિ ને અખંડ સંબંધ છે. કારણપ્રદેશમાં રહેલું જે કાંઈ છે તે સઘળું આપણું જ છે. પરંતુ અજ્ઞાનનું આવરણ એ પ્રદેશને ઢાંકીને રહેલું હોવાથી આપણે તેના અખૂટ ને અમૂલ્ય ખજાનાથી વંચિત રહીએ છીએ.
કારણપ્રદેશમાં રહેલા અખૂટ ભંડારને ખોલવાની શક્તિ પણ આપણામાં જ છે. સત્પુરુષે દર્શાવેલ માર્ગે પ્રયત્ન કરવાથી તે પ્રદેશમાં પ્રવેશી શકાય છે. તેમાંથી આપણી ઇચ્છા મુજબ જ્ઞાન, શક્તિ, પ્રકાશ, આનંદ વગેરે બહાર લાવી કાર્યપ્રદેશમાં તેનો ઉપયોગ કરી જીવનને ઉન્નત અને મધુર બનાવી શકાય છે. આ જગતમાં લોકોને અશક્ય ને અસંભવિત લાગતી અનેક વસ્તુઓ કારણપ્રદેશમાં પ્રવેશી શકનારે તે બહાર લાવી કાર્યપ્રદેશમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. તેવા અનેક કિસ્સાઓ ઇતિહાસમાં ભર્યા પડ્યા છે.
સતત કાર્યપ્રદેશ (ભૌતિક જગત - વ્યવહાર પ્રદેશ)માં પ્રવર્તવાથી કેવળ બાહ્યદૃષ્ટિ રહે છે. તેને પલટાવીને પ્રતિલોમ દૃષ્ટિ, અંર્તદૃષ્ટિ કેળવવાથી કારણપ્રદેશમાં પ્રવેશવાની યુક્તિ હાથ આવે છે. કાર્યપ્રદેશ તરફ જોતાં મોટેભાગે આપણને નિરાશા ને નિરુત્સાહ પ્રગટે છે. આ કાર્યપ્રદેશમાં આપણે અસંખ્ય મનુષ્યોને દુઃખ, રોગ, વિપત્તિ, કષ્ટ, નિર્ધનતા, નિર્બળતા, નિઃસહાયતા અને અજ્ઞાનમાં સબડતા જોઈએ છીએ. ક્યાંક રોગચાળો ફાટી નીકળેલો જણાય છે તો ક્યાંક કુદરતી પ્રકોપ, યુદ્ધ કે દુષ્કાળના ઓળા ઊતરેલા જણાય છે. ક્યાંક ગરીબાઈ ડોકાઈ રહી છે, તો ક્યાંક દુરાચાર, ભ્રષ્ટાચાર, અધર્મ, હિંસા, અન્યાય, અનીતિ, અંધેર, વિસંવાદિતા વગેરે પ્રવર્તતાં જણાય છે. આપણને સર્વાંગે શુભ જેવું ક્યાંય જણાતું નથી. શુભ જેવાની ક્યાંક ઝાંખી થતી લાગે ત્યાં પણ અશુભ તત્ત્વ ભળેલું લાગે છે. આ બધું જોઈને આપણે નિરાશ અને નિરુત્સાહી બની જઈએ છીએ. આવા પ્રદેશમાં સુખ શી રીતે પ્રાપ્ત થઈ શકે? એવી શંકા ઉત્પન્ન થતાં આપણી પુરુષાર્થ કરવાની શક્તિઓ અને મનોબળ પણ શિથિલ બની જાય છે.
કારણપ્રદેશમાં તો આમાંનું કશું જ આપણને જોવા મળતું નથી. એ પ્રદેશ તો આપણી સુખ-શાંતિ ને આનંદની કલ્પનાઓથી પણ પર છે. વ્યક્તિએ કલ્પેલાં સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રકાશ, સાર્મથ્ય વગેરેથી અનંતગણા વિશેષ સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રકાશ, સાર્મથ્ય વગેરે કારણપ્રદેશમાં પ્રવેશનારને અનુભવાય છે. આ ભૌતિક જગતમાં પણ બધું તેને માટે સુખરૂપ ને રળિયામણું બની જાય છે. તેના દરેક પ્રયત્નમાં, પુરુષાર્થમાં નવીન ઉત્સાહ, બળ, શક્તિ, આનંદ વગેરે વૃદ્ધિ પામે છે. અરે! તેનો સંગ કરનાર, તેના જોગમાં આવનાર વ્યક્તિ પણ સુખ-શાંતિનો અનુભવ કરી ધન્ય બની જાય છે.
વ્યક્તિને કાર્યપ્રદેશમાં પોતાનામાં જણાતા અલ્પજ્ઞતા, અલ્પશક્તિ, અલ્પસુખ, અલ્પઐશ્વર્ય, નિર્બળતાઓ, ક્ષતિઓ, દોષો વગેરે કારણપ્રદેશમાં પ્રવેશતાં અનંત ઐશ્વર્ય, સુખ, સર્વજ્ઞતા, શાશ્વત સુખ-શાંતિ-પ્રકાશ-બળ વગેરે અનુભવવામાં આવે છે. કારણપ્રદેશમાં વારંવાર પ્રવેશી તેની સાથે અખંડ તાદાત્મ્ય સાધી કારણપ્રદેશ અને કાર્યપ્રદેશને એકાકાર કરવા એ જ આપણું ધ્યેય છે ને કર્તવ્ય પણ છે.
બહુ થોડા મનુષ્યો કારણપ્રદેશમાં પ્રવેશ કરવાનો શ્રદ્ધાપૂર્વક ને ધૈર્યપૂર્વક પુરુષપ્રયત્ન કરતા હોય છે. કેટલીક વખત અમુક ભાગ્યશાળી વ્યક્તિઓ સ્વસ્થ ને પ્રગાઢ નિદ્રાવાળી અવસ્થામાં અથવા સમાધિ જેવી ધ્યાનાવસ્થામાં (Trance) આકસ્મિક ને અજ્ઞાત રીતે કારણપ્રદેશમાંથી પ્રેરણા દ્વારા પોષણ મેળવે છે. પરંતુ તેમાંના ઘણાખરા જાગૃત અવસ્થામાં આવતાં જ પોતાના મર્યાદિત અહંકારને લઈને કારણપ્રદેશ ને કાર્યપ્રદેશ વચ્ચે અશ્રદ્ધા, અવિશ્વાસ ને શંકા-કુશંકાઓનો ને તર્ક-કુતર્કનો પડદો નાખે છે. તેથી કારણપ્રદેશ સાથેનો સંબંધ તૂટતાં નવું બળ, પ્રેરણા, જ્ઞાન, શક્તિ વગેરે આવતાં બંધ થઈ જાય છે. અને પ્રાપ્ત કરેલાં થોડાં જ્ઞાન ને સાર્મથ્ય વિવિધ વિષયોના સુખની પ્રાપ્તિમાં ને ઉપભોગમાં ખર્ચી નાખે છે. જેમ પ્રત્યેક મનુષ્યને પોતાની આસપાસ વ્યાપી રહેલી હવાનો સંબંધ અખંડ છે, પણ જે મનુષ્ય પોતાના ઘરનાં બધાં બારી-બારણાંઓ બંધ કરીને બેસી રહે તો ઘરમાંની શુદ્ધ હવા ખૂટી જતાં ગૂંગળાઈ જાય. તેમ દરેક આત્માનો કારણપ્રદેશરૂપ પરમાત્મા સાથેનો અખંડ સંબંધ છે, પરંતુ અજ્ઞાન, અવિદ્યાનાં આવરણોને લઈને પરમાત્મા સાથે અખંડ મનન-નિદિધ્યાસ દ્વારા અનુસંધાન ન રાખે, તાદાત્મ્ય સાધી ન રાખે અને ભૌતિક જગત સંબંધી વિચારોના તથા અજ્ઞાનરૂપ, અહંકારરૂપ, તર્ક-વિતર્કરૂપ, શંકાઓરૂપ ને અશ્રદ્ધારૂપ પડદાઓ વચ્ચે નાંખે તો કારણપ્રદેશમાં રહેલ અસીમ જ્ઞાન, બળ, પ્રેરણા, પ્રકાશ, સુખ, ઐશ્વર્ય વગેરેને કાર્યપ્રદેશમાં કેવી રીતે લાવી શકે?
કારણપ્રદેશમાંથી જ બળ તથા જ્ઞાન મેળવીને વ્યક્તિ કાર્યપ્રદેશમાં કાર્ય કરી શકે છે. તે જ્ઞાન ને બળ સીધું અથવા આડકતરી રીતે કારણપ્રદેશમાંથી જ આવતું હોય છે. જે વ્યક્તિએ કારણપ્રદેશ સાથે તાદાત્મ્ય સાધેલું છે તેને જ્ઞાન, શક્તિ, પ્રકાશ વગેરે સીધું મળી આવે છે. બીજાઓને પ્રેરણારૂપે અથવા અજ્ઞાત મન દ્વારા મળી આવે છે, પરંતુ તે આવે છે તો કારણપ્રદેશમાંથી જ. જગતમાં જણાતાં આશ્ચર્યો, બળ, પ્રકાશ, સાર્મથ્ય, સુંદરતા, સંવાદિતા વગેરે સર્વ કંઈ કારણપ્રદેશનું જ તો પ્રદાન છે. આપણને જે જોઈએ તે બધું જ કારણપ્રદેશમાં ભરેલું છે. એવો જેને દૃઢ વિશ્વાસ નથી એવા શ્રદ્ધા રહિત મનુષ્યો કારણપ્રદેશથી વંચિત રહી, પ્રયત્ન રહિત બને છે. તેઓ જીવનમાં વિકાસ સાધી શકતા નથી. તે માટે વ્યક્તિએ કારણપ્રદેશ સાથે તાદાત્મ્ય સાધવામાં વૃત્તિ એકાગ્ર કરી શ્રદ્ધાપૂર્વક અવિરતપણે પ્રયત્ન કરવો જોઈએ. કારણપ્રદેશ સાથે તાદાત્મ્ય સાધવામાં વૃત્તિ અશ્રદ્ધા, અવિશ્વાસ, અહંકાર, દેહાભિમાન વગેરે દોષોથી તૂટક થતી રહે તો તાદાત્મ્ય સાધી ન શકાય.
કારણપ્રદેશરૂપ પરમાત્માના સ્વરૂપમાં અખંડ સ્થિતિ થવા વિશે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે:
"જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ. પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ, તેણે કરીને ત્યાં પાણીને ધરો ભરાય નહિ. કાં જે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દૃઢ સ્થિતિ થાય છે."
(વચ. ગ. પ્ર. પ્ર. 23)
આપણને જીવનમાં અનેક વસ્તુઓની અગત્ય હોય છે. આપણા કારણપ્રદેશમાં તે છે અને તે આપણને ચોક્કસ મળે તેમ છે. આવશ્યકતા છે માત્ર કારણપ્રદેશ સાથે તાદાત્મ્ય સાધવાની અને તેમાંથી નવું બળ, નવો ઉત્સાહ, તાજગી, પ્રેરણા, કાર્યશક્તિ વગેરે નિત્ય મેળવતા રહેવાની.
અપ્રાપ્યને પ્રાપ્ત કરવાની એ જ તો કળા છે! અને તે એ કે કારણપ્રદેશ (પરમાત્મા) સાથે એકાકાર થવું અને તેમાંથી અખૂટ બળ, પ્રેરણા, જ્ઞાન, સાર્મથ્ય વગેરે મેળવી તેનો યોગ્ય રીતે કાર્યપ્રદેશમાં ઉપયોગ કરવો. જે વ્યક્તિને આમ કરતાં આવડે છે તે જીવનમાં ઉન્નતિ, અભ્યુદય, સાર્મથ્ય, વિજય, સિદ્ધિ, સફળતા આ સર્વ કંઈ મેળવે છે.
કાર્યપ્રદેશમાં પુરુષાર્થ - પ્રયત્ન કરતાં ક્યારેક શ્રમ જણાય તો તે પ્રયત્ન તત્પૂરતો અટકાવી કારણપ્રદેશરૂપ સર્વોપરી, સર્વજ્ઞ, સર્વવ્યાપી એવા પરમતત્ત્વ પરમાત્મા સાથે એકતા સાધી પોતાના સ્વરૂપને પણ અમર્યાદ-અસીમ સાર્મથ્ય, જ્ઞાન, પ્રકાશ, આરોગ્ય વગેરેથી પૂર્ણ છે તેમ નિહાળી દિવ્યભાવમાં નિરંતર રાચવું. પોતાનું ક્ષુદ્ર 'હું'પણું પરમાત્મામાં વિલિન કરી તેમની સાથે તદ્રૂપતા સાધવી. પછી નવું બળ, પ્રેરણા, જ્ઞાન, પ્રકાશ, સાર્મથ્ય, ઐશ્વર્ય વગેરે આપણામાં પ્રગટ થતાં અનુભવાશે. એ અવસ્થામાંથી જાગૃત થઈ તે જ્ઞાન ને બળ વગેરેનો કાર્યપ્રદેશમાં સદુપયોગ કરવાથી ઇચ્છિત શુભ પરિણામ મળશે.
પ્રભુ અને સદગુરુશ્રીની કૃપાથી હું બ્રહ્મરૂપ છું. પરબ્રહ્મરૂપ છું. સત્-ચિત્ત-આનંદરૂપ છું. હું જ્ઞાનસ્વરૂપ છું. હું નિરામય, નિરંજન, નિર્વિકારી, ગુણાતીત, માયાતીત છું. અખંડ, અવિનાશી, શાશ્વત, અપરિવર્તનશીલ, અચ્છેદ્ય, અભેદ્ય છું. આ પ્રકારની ઉત્કૃષ્ટ ભાવનાઓનું અખંડ ચિંતન જ વાસ્તવિક રીતે પ્રભુની આરાધના છે, ભક્તિ છે. કેવળ બાહ્યાચારો, વિધિવિધાનો (Rituals) જ ભક્તિ નથી. તેવી બાહ્યાચારવાળી ભક્તિ અનેક વર્ષો સુધી શુષ્કભાવે કર્યા કરવાથી કોઈ પ્રગતિ સધાતી નથી. જ્યારે ઉપર મુજબની દિવ્ય, ઉત્કૃષ્ટ ભાવનાઓ નિરંતર દૃઢ કરતા રહેવાથી, તેનું અખંડ ચિંતન-contemplation કરવાથી તેમાં રહેલ પરમાત્માના દિવ્યગુણોનો આવિર્ભાવ થતાં બધી જ ક્ષતિઓ ને નિર્બળતાઓ દૂર થઈ ચેતનાનો નિર્બાધ રીતે વિસ્મયકારક વિકાસ થાય છે. સતત એ પ્રકારના દિવ્યભાવોનું મનન પરમાત્માના સ્વરૂપ સાથે એકાત્મતા સાધી આપે છે. તેથી પરમાત્મારૂપ થવાય છે. એ ઉદ્દાત્ત ભાવોનું રટણ પ્રભુમાં પરાપ્રેમ- પરાભક્તિ પ્રગટ કરી પ્રભુ સાથે પ્રેમાદ્વૈત સધાવે છે. એ દિવ્ય ભાવોનું મનન-ચિંતન જ ખરા અર્થમાં પ્રભુની ઉપાસના-આરાધના છે.
योडन्तः सुखोडन्तरारामस्तथान्त ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोडधिगच्छति ॥
જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, તે પરમાત્મારૂપ થઈને બ્રહ્મનિર્વાણ- મોક્ષ પામે છે.
(શ્રીમદ્ ભગવદગીતા અ. 5 શ્લો. 24)
દુઃખના પ્રસંગોમાં, મુશ્કેલીઓમાં વ્યાકુળતા ને વ્યગ્રતાના વિચારવમળમાં ડૂબી જઈ રોકકળ કરવી એ સ્થિતપ્રજ્ઞતાનું લક્ષણ નથી. એવા પ્રસંગોમાં પણ હું આનંદસ્વરૂપ છું, સુખસ્વરૂપ છું, પૂર્ણ આરોગ્યરૂપ છું વગેરે ભાવોનું રટણ રહે અને સ્થિરતા- સ્થિતપ્રજ્ઞતા જળવાઈ રહે એ અગત્યનું છે.
કેવળ શુષ્કભાવે ને યાંત્રિક રીતે પ્રભુની બાહ્યપૂજા વિધિઓ, કર્મકાંડની વિવિધ ક્રિયાઓ કરવી એ ભક્તિ નથી. એવા પ્રકારની ક્રિયાઓને ભક્તિ માનનારા જરા સરખું દુઃખ આવી પડે કે કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે રોદણાં રોવા માંડે છે. આવી પડેલ દુઃખ કે મુશ્કેલી માટે દોષનો ટોપલો ભગવાન ઉપર નાંખે છે કે 'અમે તમારી પૂજાઓ, માળાઓ, માનતાઓ, બાધાઓ, વિધિઓ વગેરે કરીને થાકી ગયા તો પણ તમે અમારું દુઃખ ન ટાળ્યું! તમે નિર્દય છો, નિષ્ઠુર છો' વગેરે વગેરે. આવી વ્યક્તિને પ્રભુમાં અશ્રદ્ધા પ્રગટતાં જરા પણ વાર નથી લાગતી. એને આસ્તિકભાવ કઈ રીતે ગણી શકાય?
જ્યારે પ્રભુના દિવ્યગુણોનું તથા દિવ્યભાવોનું અખંડ મનન-ચિંતન કરનાર દરેક પરિસ્થિતિમાં, સુખ-દુઃખાદિ દ્વંદ્વોમાં સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. તે પોતાના મિથ્યા અહંને પ્રભુનાં સ્વરૂપમાં વિલીન કરી, પરમાત્મારૂપ થઈ સુખસ્વરૂપ પ્રભુનાં સ્વરૂપમાં સ્થિર બને છે. એ જ પ્રભુની અનન્ય ભક્તિ ને સાચો આસ્તિકભાવ છે. એ સ્થિતિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, યોગ વગેરે સાધનોની પરાકાષ્ઠારૂપ છે. સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રકાશ, પ્રેમ, કરુણા, સત્ય, અહિંસા, સંયમ, સાર્મથ્ય, આરોગ્ય વગેરે પરમાત્માના જ કલ્યાણકારી ગુણો છે. એને પોતાની વૃત્તિમાં આરૂઢ રાખનાર પરમેશ્વરને જ પોતાના હૃદયમાં વિરાજમાન કરે છે. પોતાના સ્વરૂપને નિજમંદિર બનાવી તેમાં પરમાત્માનો સાક્ષાત્કાર-આવિર્ભાવ કરી શાશ્વત સુખાનુભવપૂર્વક પ્રભુને અખંડ આરાધે છે.
હું નિરાધાર, નિઃસહાય છું. હું દુઃખી છું. હું રોગી છું. હું નિર્બળ છું. હું નિર્ધન છું. હું અજ્ઞાની છું. હું અશક્ત છું. આવા નિર્માલ્ય, નબળા ભાવોનું મનન કરનાર વ્યક્તિ પ્રભુની ગમે તેટલી ઉપલકિયા ભક્તિ કરતો હોય, તો પણ તે પોતાના હૃદયમંદિરમાંથી પ્રભુના સ્વરૂપને અજ્ઞાનને લઈને દૂર જ રાખે છે. તે પરમેશ્વરની સત્તાનો પોતાનામાંથી લોપ કરી પોતાનો ક્ષુદ્ર અહંકાર પ્રગટ કરે છે. તે મિથ્યાભિમાની ને દેહાભિમાની છે, પણ સાચો ભક્ત નથી.
હું જીવ છું એવી માનીનતા એ મિથ્યાભિમાન છે. એ પ્રભુથી વિમુખતા છે. હું સત્-ચિત્ત-આનંદરૂપ મુક્ત છું. સત્પુરુષ ને પરમાત્માના અનુગ્રહથી પરમાત્મારૂપ છું, પુરુષોત્તમરૂપ છું. એવી દૃઢ ભાવના જ ખરા અર્થમાં નિરાભિમાનીપણું છે. એ પ્રભુનું સર્વોત્કૃષ્ટ પૂજન છે. પ્રભુની સર્વોત્તમ અભિમુખતા છે.
આવું જ્ઞાન જાણ્યા પછી કારણપ્રદેશરૂપ પરમાત્માના સ્વરૂપમાં એકાકાર થવાનો પુરુષપ્રયત્ન કરી તે પ્રદેશમાંથી અવિચળ સુખ, શાંતિ, પ્રકાશ, જ્ઞાન, પ્રેરણા, શક્તિ, સાર્મથ્ય પ્રગટ કરી, કાર્યપ્રદેશમાં લાવી પોતાનું તથા અન્યનું કલ્યાણ તેમજ શ્રેય સાધવું એ જ સાચી સાધના. એ સાધના કરનાર જ સાચો સાધુ!
आत्मनोद्धारयः जगत द्विताय च ।
પોતાના આત્માનો ઉદ્ધાર પહેલાં કરી, પછી જગતનો ઉદ્ધાર કરવો.