12. નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા
આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનને અનુભવમાં ઉતારી આપણે માનવસેવા, પરમાર્થ વગેરે કોઈ કલ્યાણકારી શુભ પ્રવૃત્તિ કરતા હોઈએ, પરંતુ બીજા લોકોને આપણી સદ્પ્રવૃત્તિઓનું સત્યસ્વરૂપ ન સમજાવાથી તેઓ તેમાં દોષ કે ક્ષતિઓ જુએ છે. અથવા ક્યારેક દ્વેષી ને ઈર્ષાળુ લોકો પણ દોષ કાઢે છે. આવા પ્રસંગોએ આપણી પ્રવૃત્તિ આવાં ને આટલાં કારણોથી નિર્દોષ છે, એવું સાબિત કરવાનો પ્રયત્ન આપણે કદી ન કરવો જોઈએ. એમ કરવાથી આજે આપણે એક વ્યક્તિને સાબિત કરી આપીએ તો કાલે વળી કોઈ બીજાને આપણી પ્રવૃત્તિ દોષવાળી લાગે. આ વિશ્વમાં આપણાથી વિરુદ્ધ પ્રકૃતિ તથા વિચારસરણીવાળા અનેક મનુષ્યો હોય છે. તેથી કેટલાને આપણી પ્રવૃત્તિની નિર્દોષતા સાબિત કરી આપીશું? એવી મગજમારીમાં જો આપણે ઊતરીશું તો પ્રભુ દ્વારા આપણને ફાળે આવેલું આપણું કર્તવ્ય આપણે ક્યારેય પૂર્ણ નહિ કરી શકીએ. અને સમય ને શક્તિનો ખોટો વ્યય થશે તે આપણા માટે અહિતકર બનશે. આપણી પ્રવૃત્તિની નિર્દોષતા બીજા પાસે સાબિત કરવાનો પ્રયત્ન કરવો તે આપણા મનની એક પ્રકારની નિર્બળતા છે. કોઈ પણ શુભકાર્ય કરવામાં, 'સારા કામમાં સો વિઘ્ન' એ ઉક્તિ પ્રમાણે ઈર્ષા-દ્વેષવાળા લોકો વિરોધ કરવા કે વિઘ્ન નાંખવા પ્રયત્ન કરતા જ હોય છે. પરંતુ તે પ્રત્યે દુર્લક્ષ રાખી, પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપણી શુભપ્રવૃત્તિ આપણે કરતા રહેવી જોઈએ. એ પ્રવૃત્તિ નિઃસ્વાર્થભાવ સાથે કેવળ પ્રભુપ્રસન્નતા માટે થવી જોઈએ એ આવશ્યક છે.
આપણે જો આપણા મનોબળને અને આત્મબળને વિકસાવવું હોય તો આપણા વિશે બીજાઓનો શો અભિપ્રાય છે, કેવી ધારણા છે, એ બાબત લક્ષ્યમાં ન લેવી. આપણા કર્તવ્યમાં તન-મનથી પ્રયત્નશીલ રહેવું અને જ્યાં સુધી તે પૂરું ન થાય ત્યાં સુધી અટકવું નહિ.
બીજા લોકો આપણા વિશે સ્વાર્થી, દંભી, લોભી, કપટી, ધૂર્ત વગેરે ગમે તેવા અભિપ્રાયો ઉચ્ચારે અથવા તેવો પ્રચાર કરવાનો હિન પ્રયત્ન કરે તો પણ આપણા સત્યમાર્ગથી ને આપણા ધ્યેયથી આપણે વિચલિત થવું ન જોઈએ. તેમજ આપણા કર્તવ્યપાલનમાં શિથિલ પણ ન થવું જોઈએ. આપણું જીવન પરમાત્મા, સત્પુરુષ ને સત્શાસ્ત્રોની આજ્ઞા તથા સિદ્ધાંતાનુસાર છે કે નહિ, તેની જ એક ચિંતા હોવી જોઈએ. જીવન જો તે પ્રમાણે હોય તો પછી કોઈ વાતનો ભય રાખવાની અવશ્યકતા ક્યાં છે?
આ લોકમાં તો ઈશ્વરના રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરે અવતારો તથા મીરાંબાઈ, નરસિંહ મહેતા, ક્રાઇસ્ટ, સૉક્રેટિસ જેવા જગતના સંત-મહાત્માઓને તથા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સંત-મુક્તોને પણ લોકોએ પોતાની મર્યાદિત બુદ્ધિથી માપ્યા-તોળ્યા છે. એમને કષ્ટ દેવામાં તથા ઘણું અઘટિત બોલવામાં બાકી નથી રાખ્યું, તો આપણી શી ગણતરી?
બીજા લોકો આપણને લક્ષાધિપતિ કે કરોડપતિ કહે તો આપણે કોઈ લક્ષાધિપતિ કે કરોડપતિ થઈ નથી જતા! તેમ બીજાઓ આપણને હલકા કે દુર્જન ગણશે તો આપણે દુર્જન થઈ જવાના નથી. તેથી આપણા વિશેના બીજા લોકોના અભિપ્રાયો માટે વ્યર્થ ચિંતા કરવાની કે ભય રાખવાની જરૂર નથી. હાથી પાછળ શ્વાન ભસે તેની હાથીને કોઈ અસર થતી નથી. તેમ પોતાના કર્તવ્યપાલનમાં અડગ, નિષ્ઠાવાન અને પ્રયત્નશીલ વ્યક્તિને જગતના તમામ લોકોનો બડબડાટ સ્પર્શી શકતો નથી. આખરે વિજયમાળા એવા પરમાત્મામાં અડગ શ્રદ્ધાવાળા, નિર્ભય ને નિષ્ઠાવાળા પુરુષોના જ કંઠમાં આવી પડે છે, એ વાત નિશ્ચિત છે.