1. સર્વોપરી સત્તા

0:000:00

પંચમહાભૂતનાં આ ભૌતિક શરીરમાં 'હું'પણાનું ભાન કરાવનાર વૃત્તિ રહેલી હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિને અમુક અંશે એવી પ્રતીતિ જરૂર થાય છે કે પોતાના કરતાં અધિક જ્ઞાન અને શક્તિ-સાર્મથ્ય ધરાવતી કોઈ વિશેષ સત્તા અદૃશ્યપણે સમગ્ર વિશ્વમાં સર્વત્ર વ્યાપેલી છે. વ્યક્તિને પોતાની અલ્પજ્ઞતા, અલ્પશક્તિ, અલ્પસત્તા ને અલ્પસાર્મથ્ય વિશેની સભાનતા છે તે તેની કલ્પનાશક્તિને સર્વજ્ઞતા, સર્વોપરીતા, સર્વશક્તિમાનતા ને સર્વઐશ્વર્યસંપન્નતા તરફ આકર્ષે છે. વ્યક્તિ પોતાને અલ્પજ્ઞ અનુભવતી હોવાથી તેને લાગે છે કે સર્વજ્ઞ કંઈક હોવું જ જોઈએ. પોતે અલ્પશક્ત હોવાથી તેને જણાય છે કે સર્વશક્તિમાન પણ કંઈક હોવું જ જોઈએ. આમ તેની મર્યાદિત બુદ્ધિ હોવા છતાં કલ્પનાબળ તેને પરમાત્માની સર્વોપરી સત્તા પ્રત્યે પ્રાકૃતિક રીતે સભાન થવા પ્રેરે છે. આ રીતે પરમાત્મા પોતાની ચૈતન્યપ્રકૃતિ-પરાપ્રકૃતિ દ્વારા અપરા પ્રકૃતિને પ્રેરીને જીવોના આધ્યાત્મિક વિકાસને સહજ રીતે પોષે છે.

માનવીની બુદ્ધિ મર્યાદિત હોવાથી અમુક પ્રસંગે તેને એમ લાગે છે કે આમ થવું જ યોગ્ય છે, અને જો એમ ન થાય તો તે ખૂબ જ અહિતકર નીવડે તેવી સંભાવના છે. વ્યક્તિની એવી ધારણા પ્રમાણે જ્યારે એવું કંઈ બનતું નથી અને તેમ ન બનવાથી કંઈ નુકસાન પણ થયેલું નથી જણાતું, બલકે હિત થયેલું અનુભવાય છે. ત્યારે એને સ્પષ્ટ જણાય છે કે આ સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થા કરનાર, આયોજન કરનાર, તે વ્યવસ્થાની જાળવણી કરનાર અને જીવમાત્રનું સર્વદા હિત જ થાય એવા માર્ગમાં તેને પ્રેરનાર, દોરનાર ને પોષણ આપનાર માનવ કરતાં કોઈ અધિક જ્ઞાની અને શક્તિશાળી સત્તા છે. જેનાથી ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂલ સંભવતી નથી. એ સર્વોપરી પરમાત્માની સર્વવ્યાપી દિવ્ય ચૈતન્યસત્તા છે.

સૃષ્ટિની ઉત્પત્તિ ને સ્થિતિ તો જીવોનાં હિતમાં છે જ, પરંતુ પ્રલય પણ જીવોના હિતમાં જ હોય છે. આપણી મર્યાદિત, ભૌતિક બુદ્ધિથી આપણને જે હિતકર લાગે એવું જ વિશ્વમાં બન્યા કરતું હોત તો આ વિશ્વનો અંત ક્યારનોય આવી ચૂક્યો હોત! પરંતુ અમર્યાદિત, અલૌકિક જ્ઞાન ને સાર્મથ્ય ધરાવતી પરમાત્માની સત્તાને જે હિતકર, શ્રેયકર ને યોગ્ય લાગે તે પ્રમાણે જ વિશ્વમાં થતું રહેતું હોવાથી સૃષ્ટિમાં સુસંવાદિતા ને સુવ્યવસ્થા જણાય છે.

ક્યાંક દુષ્કાળ, ધરતીકંપ, નદીઓમાં વિનાશકારી પૂર, રોગચાળો વગેરે કુદરતી આફતો આવે ત્યારે માનવમન વિચારે છે કે આ બધું અનર્થકારી છે, પરમેશ્વરની ક્રૂરતા છે વગેરે વગેરે. પરંતુ સૂક્ષ્મ રીતે અવલોકન કરી વિચારે તો ખબર પડે છે કે પરમેશ્વર જે કરે છે તે યોગ્ય અને ન્યાયપૂર્ણ જ છે. સૌના હિત માટે જ તે બધું કરે છે. જો દુષ્કાળ કે એવી કોઈ આપત્તિજન્ય પરિસ્થિતિ ન સજાર્ય તો મનુષ્યમાં બીજા મનુષ્ય કે જીવો માટે પ્રેમ, કરુણા, દયા, અનુકંપા, સેવા કે પરોપકારની ભાવના વગેરે ઈશ્વરીય ગુણોનો વિકાસ શી રીતે થાય? દુષ્કાળ, રોગચાળો, પૂર, ભૂકંપ વગેરે આપત્તિઓમાં મનુષ્યમાં મનુષ્ય પ્રત્યે ને પશુઓ પ્રત્યે કરુણા ને પ્રેમની લાગણી જન્મે છે. તેથી તે અન્યની સેવા-સહાય કરવા પ્રેરાય છે. નિઃસ્વાર્થ સેવાકાર્યથી તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે. તેથી મલિનતા ને પાપકર્મોનું પ્રક્ષાલન થઈ તેના ચૈતન્યનું ઊર્ધ્વીકરણ થાય છે. દુષ્કાળ વગેરે આપત્તિ મનુષ્યને પાપ કરતાં અટકાવવાની ચેતવણીરૂપે પણ ઉપયોગી થાય છે. ઘણા બધા લોકોમાં ધાર્મિક ભાવનાનો, પરસ્પર સંપ તેમજ ભાઈચારાનો, પ્રભુમાં શ્રદ્ધા ને આસ્તિકતાનો ઉદય થાય છે. માટે પરમાત્માની સત્તા જે કંઈ કરે છે તે સર્વના હિતમાં જ કરે છે તેમ જણાયા વગર રહેતું નથી.

આ અમર્યાદ જ્ઞાન ને સાર્મથ્યવાળી સત્તા છે તે સર્વોપરી, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વઐશ્વર્યવાન ને સર્વશક્તિમાન પરમાત્માની દિવ્ય અન્વય શક્તિ છે. તે સત્-ચિત્ત-આનંદમય બ્રહ્મ પ્રકાશરૂપ ચૈતન્યશક્તિ છે. તે શક્તિ અપરિમિત છે. અણુથી લઈ અનંત બ્રહ્માંડોનું નિયમન આ શક્તિ દ્વારા જ થાય છે. શાસ્ત્રોમાં તેને બ્રહ્મસત્તા, અક્ષર, ચિદાકાશ, ચિદ્ઘન, અંતર્યામીશક્તિ વગેરે પર્યાયોથી સંબોધન કરેલું છે. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આ શક્તિથી જ થાય છે. આ સત્તા અનંત વિશ્વમાં સર્વત્ર વ્યાપેલી છે. જળમાં જેમ માછલાં હરે છે, ફરે છે, રમે છે, તેમ આપણે પણ આ દિવ્ય સત્તામાં જ હરીએ-ફરીએ છીએ ને સર્વ ક્રિયા કરીએ છીએ. પરંતુ આપણી શરીર સાથેની અજ્ઞાન-અવિદ્યામય 'હું'પણાની સંકુચિત ને ક્ષુદ્ર ભાવના માયાના પડદારૂપે આપણને આ દિવ્યસત્તાના યથાર્થ અનુભવથી વંચિત રાખે છે. આ સત્તા ને આપણી વચ્ચે વાસ્તવિક રીતે અણુમાત્ર પણ અંતર નથી, તેમ છતાં અજ્ઞાન-અવિદ્યાનું આવરણ જ એ સત્તાથી આપણને વેગળા રાખે છે.

આ દિવ્ય સત્તા દરેક જીવપ્રાણીમાત્રની સહાયમાં ને રક્ષામાં સદાય રહેલી છે. તે જીવમાત્રને ઉત્ક્રાંતિ માર્ગમાં ઊર્ધ્વગતિ પમાડી પૂર્ણતા તરફ લઈ જવામાં સદાય તત્પર રહેલી છે, પરંતુ મનુષ્યને તેનું ભાન નથી. જેમ બાળકને એવું જ્ઞાન નથી હોતું કે માતા મારું રક્ષણ કરે છે, તો પણ માતા તેનું રક્ષણ તો કરતી જ હોય છે. તેવી રીતે દિવ્ય સત્તા પણ આપણા ચૈતન્યનું માતૃવત્ નિરંતર રક્ષણ કરે છે અને સર્વદા હિત જ સાધે છે.

આ દિવ્ય સત્તા નિઃપક્ષપાત હોઈ એકનું હિત કરે ને અન્યનું અહિત કરે એવું છે જ નહિ. તે દેવનું તેમજ દાનવનું, પશુ તેમજ માનવનું, જીવજંતુ, પક્ષી, વનસ્પતિ અને ભૌતિક અણુ-પરમાણુઓનું પણ નિરંતર હિત કરે છે. આપણી મર્યાદિત બુદ્ધિને અનેક પ્રસંગોમાં અયોગ્ય ને અહિતકર જણાતું હોય તે આ મહાસત્તાની દૃષ્ટિએ સર્વનું સર્વ પ્રકારે હિતમાં હોવાથી જ તેમ બન્યું હોય છે. જો એમ ન હોય તો આપણે જેને અહિતકર ને અયોગ્ય માનીએ છીએ તેવા પ્રસંગો બનતા જ ન હોત.

પોતાના મર્યાદિત 'હું'પણાનાં તુચ્છ મિથ્યાભિમાનનો ત્યાગ કરી પરમેશ્વરની સત્તાનો આશ્રય લેવાનું મનુષ્યમાત્રે શીખવું જોઈએ. એ સત્તા જે કંઈ કરે છે તે આપણા હિત માટે જ કરે છે, એવી શ્રદ્ધાને દૃઢ કરવી જોઈએ. આપણા પ્રત્યેક કાર્યમાં ને વ્યવહારમાં પ્રભુએ આપેલ બુદ્ધિ, વિવેકશક્તિ તથા કાર્યશક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. 'આ સારું થયું ને આ ખોટું થયું' એવો દુરાગ્રહ ન રાખવો જોઈએ. એવો દુરાગ્રહ આપણામાં નાસ્તિકભાવ અને પ્રભુમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. એવા દુરાગ્રહથી આપણને ક્લેશ થાય છે. અને એવા ક્લેશથી કોઈ હેતુ સરતો નથી, ઊલટાની અનેક પ્રકારની મુશ્કેલીઓ ને વિઘ્નો સજાર્ય છે. કાર્યસિદ્ધિ માટે આપણો પ્રયત્ન યોગ્ય ને સાચી દિશામાં હોવો આવશ્યક છે, પરંતુ તેનું ફળ પરમાત્માની આ મહાસત્તાને આધિન છે. આખરે આપણને જણાયા સિવાય નથી રહેતું કે બધું પરમેશ્વરની ઇચ્છાથી જ થાય છે. તેમની ઇચ્છા ઉપર જ બધું અવલંબે છે. કોઈક કાર્યમાં નિષ્ફળતાઓ આવવી તે પણ આપણા હિતમાં જ હોય છે. પ્રથમ નજરે તે અહિતકર જણાય છે, પણ સાચી સમજણવાળાને પ્રભુમાં અડગ શ્રદ્ધા થવામાં અને માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થવામાં, ચૈતન્યની અનેક શક્તિઓ ખીલવામાં નિષ્ફળતાઓ સહાયરૂપ નીવડે છે, તે સત્ય વાત છે.

મનુષ્યનું ધાર્યું બધું થતું હોત તો આ વિશ્વમાં જબરદસ્ત ગેરવ્યવસ્થા ને વિસંવાદિતા ઊભી થઈ જાત. બધું અસ્તવ્યસ્ત બની ગયું હોત. પરમાત્માનું જ ધાર્યું થતું હોવાથી, સર્વત્ર તેમનું જ નિયમન હોવાથી, તેમની આ દિવ્ય સત્તા દ્વારા સમગ્ર વિશ્વનું સંચાલન સુવ્યવસ્થિત ને સુંદર રીતે આયોજનપૂર્વક ચાલે છે.

પ્રત્યેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછો અર્ધો કે એક કલાક જેટલો સમય ગમે તેટલી વ્યાવહારિક વ્યસ્તતામાંથી ફાળવીને, પોતાના મર્યાદિત 'હું'પણાના તુચ્છ અભિમાનને આ દિવ્ય સત્તામાં વિલીન કરી દઈ પરમાત્માના સ્વરૂપમાં એકાકાર થવાનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. પોતાનો દેહ તથા દેહસંબંધી ભૌતિક પદાર્થમાત્રના, સગા-સંબંધી વિશેના તથા જગત વ્યવહારના સઘળા વિચારોને એ દરમ્યાન ભૂલી જઈ પ્રભુના સ્વરૂપમાં સંલગ્ન થવાનો પ્રયત્ન કરવો એને જ શાસ્ત્રો ને સત્પુરુષો ભક્તિ, યોગ, સંયમ કે તત્ત્વવિચાર કહે છે. આવો પ્રયત્ન નિરંતર કરનાર પ્રભુકૃપાથી પરમાત્મારૂપ થાય છે. આ સર્વોત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા માટે બહાર ક્યાંય પણ ફાંફાં મારવાની આવશ્યકતા નથી. તે પરમાત્માભાવ આપણી અંદર અંતર્મુખ થઈ, પ્રતિલોમવૃત્તિએ પરમાત્મા સાથે તેના સ્વરૂપમાં 'હું'પણાની ભાવનાનું વિલીનીકરણ કરી સંલગ્ન થવાથી સિદ્ધ થાય છે. સત્પુરુષનું માર્ગદર્શન અને કૃપા તેમાં સહાય કરે છે.

ચાલો! આપણે તે સર્વોપરી સત્તાને શરણે જઈ તેમના દ્વારા અસીમ દિવ્ય સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રકાશ, શક્તિ વગેરે મેળવી પૂર્ણતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરીએ અને પ્રભુકૃપાના હકદાર બનીએ.