11. મદદયાચના માટેની યોગ્યતા

0:000:00

માનવસમાજમાં આપણને અવારનવાર એવા ઘણા મનુષ્યોનો અનુભવ થાય છે કે જેઓ હંમેશાં નાણાની ભીડમાં જ રહેતા હોય. એમાંના ઘણા લોકો બીજા પાસેથી દેવું કરીને અથવા ઉધાર લઈને પોતાનો વ્યવહાર ચલાવ્યા કરતા હોય છે. એ લોકો ધન સંબંધી ફરિયાદ કરી દુઃખનાં રોદણાં જ રડતા રહેતા જણાય છે. તેઓને પોતાનામાં કંઈક ઊણપ છે કે દોષ છે તેવું લાગતું જ નથી હોતું. તેથી તેઓ કુદરત, પરમાત્મા કે પોતાના પ્રારબ્ધ ઉપર દોષારોપણ કરે છે, પરંતુ સૂક્ષ્મ રીતે તેમની એવી પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવે તો તેમનામાં રહેલી ક્ષતિઓ ને નબળાઈઓ જણાયા વગર રહેતી નથી.

કેટલીક વખત આવી વ્યક્તિઓ પ્રામાણિક, કરકસરવાળી કે ઉદ્યમી પણ હોય છે તો પણ પોતાના નિર્બળ વિચારો ને નકારાત્મક વલણ (Negative Attitude) ને લઈને નિર્ધનતાને સતત આમંત્રણ આપ્યા કરે છે. જો એમ ન હોય તો નિર્ધનતા તેમને ત્યાં લાંબો સમય શું કામ રહે? નિર્ધનતાની સ્થિતિ કાંઈ અચલ નથી.

તેવા લોકોમાં રહેલાં આળસ, પ્રમાદ, નિરાશા, નિરુત્સાહ, આત્મશ્રદ્ધા તથા પરમાત્મામાં શ્રદ્ધાની ખામી વગેરે નકારાત્મક ભાવો જ તેમની નિર્ધન અને દુઃખદ સ્થિતિ ટકાવી રાખવામાં કારણભૂત હોય છે. ભવિષ્યનાં દુઃખ, વિપત્તિ અને મુશ્કેલીઓનો ભય, ભૂતકાળમાં ભોગવેલાં દુઃખો તથા સંસારમાં બધે દુઃખ જ ભરેલું છે, એવા નબળા વિચારોમાં જ તેઓ નિરંતર રાચ્યા કરતા હોય છે. આવા નિર્માલ્ય વિચારો ગમે તેવા ઉદ્યમી અને વ્યવહારકુશળ વ્યક્તિને પણ નિરાશા અને વિપત્તિની ઊંડી ગર્તામાં ધકેલી દેવા માટે પૂરતા છે.

સંકટ સમયે કોઈ ખરેખરી યોગ્યતાવાળી વ્યક્તિને પૈસાની મદદ કરવી તે બેશક ઇચ્છનીય છે, પરંતુ પાત્રતા જોયા સિવાય દરેક વ્યક્તિને આર્થિક સહાય કરવાની ટેવ હોવી તે મદદ કરનાર તેમજ મદદ સ્વીકારનાર બંને વ્યક્તિ માટે હાનિકર્તા નીવડે છે, કારણ કે પાત્રતા જોયા સિવાય કુપાત્રને મદદ આપવાથી ધનનો દુરુપયોગ થાય છે. તે અનર્થકારી જ ગણાય. કોઈ વ્યક્તિ નિઃસ્વાર્થભાવે અન્યના કલ્યાણની ભાવના રાખીને મદદ કરે તો તેને તે હાનિકારક ન બને, પરંતુ યોગ્યતા વગરની મદદ સ્વીકારનાર વ્યક્તિ માટે તે ચોક્કસ હાનિકારક બને છે.

જેમ કોઈ વ્યક્તિને અર્જીણનો રોગ થયો હોય અને તેના ઉપાય તરીકે પાચનશક્તિ વધે તે હેતુથી કોઈ વૈદ્યે તેને બે-ચાર માઈલ ચાલવાનો વ્યાયામ કરવાની સલાહ આપી હોય અને તે વ્યક્તિ ઉપર દયા લાવીને આપણે તેને ગાડીમાં બેસાડી ફેરવીએ તો તેમાં તેનું હિત નહિ, પણ અહિત જ થાય છે. તેમ વિપત્તિથી કષ્ટ પામતી વ્યક્તિને તેની મુશ્કેલીનાં કારણો શોધી તેને દૂર કરવાના ઉપાયો બતાવી તેને પ્રયત્નશીલ બનાવવાને બદલે કેવળ આર્થિક સહાય કરવાથી તેને લાભને બદલે હાનિ થવાનો વધુ સંભવ છે. મોટે ભાગે પાત્રતા વગરના જરૂરિયાતમંદને પૈસાની સહાય કરવાથી તેને હાનિ થાય છે. એક વખત મુશ્કેલીમાં કોઈનો ટેકો મળે એટલે બીજી વખત તે તેનાથી વધારે મદદ મેળવવાની અપેક્ષા રાખતો થઈ જાય છે. આવું વારંવાર બનવાથી તે બીજાની મદદ ઉપર જ અવલંબન રાખતો થઈ જાય છે. તે અન્યની સહાય વગર જીવી જ ન શકે એવો પાંગળો બની જાય છે. તેને અન્ય પાસે મદદ મેળવવાની કુટેવ પડી જાય છે, જે કુટેવ દુર્વ્યસન જેટલી જ હાનિકારક હોય છે. એક વખત દેવું કરવાની ટેવ પડી જાય પછી તે વધુ ને વધુ દેવાદાર થતો જાય છે. અંતે મૃત્યુ પર્યંત દેવાદાર ન મટતાં પોતાનાં સંતાનોને પણ વારસામાં દેવું સોંપતો જાય છે.

એવી વ્યક્તિને પ્રથમ વખતે જ કોઈએ દ્રવ્યની મદદ ન કરી હોત તો તે પોતાની માનસિક શક્તિઓનો વિશેષ વિકાસ કરવા માટે પુરુષાર્થ કરત. અને તેના મનની નિર્બળતા વધી ન હોત. તે સ્વાશ્રયી બનવા પ્રયત્ન કરત.

બીજાઓનું કલ્યાણ તેમજ અભ્યુદય ઇચ્છતા દાતાઓએ બીજાને મદદ ન જ કરવી જોઈએ એમ કહેવાનું અહીં બિલકુલ તાત્પર્ય નથી. ઘણી વખત આત્મશ્રદ્ધાવાળી ને ઉદ્યમી વ્યક્તિને જરા સરખી સહાય કરવાથી તેનું આખું જીવન સુધરી જતું હોય છે. એવી વ્યક્તિને ખરા વખતે જો મદદ ન મળે તો સંસારસાગરમાં તેની નાવ ડૂબી જાય તેવું પણ બને. આ પ્રકારની વ્યક્તિ વારંવાર મદદ માટે આશા નથી રાખતી. ઠોકર વાગવાથી પડી ગયેલ વ્યક્તિને કોઈનો જરા સરખો ટેકો મળવાથી તે પોતાની મેળે ઊઠવાનો પ્રયત્ન કરે એવી વ્યક્તિને નિઃસંદેહ સહાય કરવી જોઈએ. પરંતુ કેવળ બીજાના ટેકાનો જ આધાર રાખી ઊઠવા માટે સ્વયં પ્રયત્ન ન કરનારને મદદ કરવા જતાં અટકવું જોઈએ. એને પોતાની મેળે જ ઊઠવા દેવો, તેમાં ભલે તેને સહન કરવું પડતું હોય. આત્મશ્રદ્ધાવાન ને પુરુષાર્થી વ્યક્તિને ક્યારેક ખરે વખતે મદદ મળવાથી તેની મુશ્કેલી દૂર થઈ જતાં તે મદદ કરનારનો ઉપકાર કદી ભૂલતી નથી. અને યેનકેન પ્રકારેણ તેનો બદલો જરૂર વાળે છે. જ્યારે કેવળ બીજાની મદદની જ અપેક્ષાવાળા ઉપકાર કરનાર ઉપર પણ અપકાર કરે છે. જેનું ખાય છે, તેનું જ ખોદતા હોય છે. એવા કુપાત્રને સહાય કરવી બિલકુલ યોગ્ય નથી.

અમુક ધનાઢ્ય વ્યક્તિ કેવળ યશ, કીર્તિ ને પ્રસિદ્ધિ માટે જ બીજાઓને દાન તથા મદદ કરતી હોય છે. એવા દાતાઓને પણ પ્રસિદ્ધિ મેળવવાના આશયથી કરેલું દાન હાનિકર્તા છે. દાનની ક્રિયા હાનિકારક નથી નીવડતી, પરંતુ તેની પાછળનો પ્રસિદ્ધિનો ભાવ, કીર્તિનો મોહ તેના આત્માની ઉન્નતિમાં ચોક્કસ વિઘ્નકારક છે. પુષ્કળ ધન-સંપત્તિ હોવા છતાં કોઈને મદદ ન કરવાની ભાવનાવાળા કેવળ સ્વાર્થપરાયણ લોકો પણ સમાજને માટે દુષણરૂપ છે. તેમની પાસે પડી રહેલો ધનનો ઢગલો પણ ઉકરડાની જેમ સડે છે અને કોઈના ઉપયોગમાં આવતો નથી. એ સંચય કરેલા ધનમાં તેને આસક્તિ રહેવાથી મૃત્યુ વખતે અને મૃત્યુ બાદ પણ તેને શાંતિ મળતી નથી. એ રીતે પ્રસિદ્ધિના રાગવાળા તથા ધન-સંપત્તિ હોવા છતાં અન્યને સહાય ન કરનાર કંજૂસ ને સ્વાર્થપરાયણ લોકો પણ પોતાને તથા સમાજને હાનિકર્તા છે. જે દાતાઓ કીર્તિ-પ્રસિદ્ધિના રાગે રહિત, નિઃસ્વાર્થભાવે, બીજાના કલ્યાણની ઉદાત્ત ભાવના સાથે કેવળ પ્રભુપ્રસન્નતા માટે પાત્રતાનો ખ્યાલ રાખી બીજાને મદદ કરે છે તેઓ શ્રેષ્ઠ દાતાઓ છે. તેઓ દાનની પ્રવૃત્તિ દ્વારા પોતાનું તથા બીજાનું શ્રેય સાધવામાં જ હિત સમજે છે.

જે પુરુષાર્થી, આત્મશ્રદ્ધાવાન તથા પ્રભુમાં પ્રેમ અને અનન્ય નિષ્ઠા હોય તેવી વ્યક્તિને પ્રારબ્ધવશાત્ કે સંજોગવશાત્ આપત્તિ આવતાં ક્યારેક દેવું કરવાનો પ્રસંગ બને, ત્યારે અન્યની પાસેથી આર્થિક મદદ લેવા જતાં પહેલાં સહેજ થોભી જવું. પહેલાં સ્વપ્રયત્નથી આવી પડેલ મુશ્કેલીને દૂર કરવાનો પુરુષાર્થ કરી જોવો. પ્રભુમાં અટલ શ્રદ્ધા રાખી પ્રયત્નમાં ચોક્કસ પ્રભુની સહાય ભળશે જ અને સફળતા મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખવો. પ્રભુમાં અડગ શ્રદ્ધાવાન ને પુરુષાર્થી વ્યક્તિને પ્રભુ ચોક્કસ સહાય કરે છે. તેને માટે પ્રેરણા દ્વારા અથવા અનુકૂળ સંજોગો ઊભા કરીને એમ કોઈ પણ પ્રકારે સહાય કરે છે.

જેવી રીતે વ્યવહારમાં યોગ્યતા સિવાય મદદ કરવી હિતાવહ નથી, તેવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ યોગ્યતા-પાત્રતાનો વિચાર કર્યા વગર જ્ઞાનદાન, માર્ગદર્શન, અનુગ્રહ વગેરે દ્વારા સહાય કરવાથી તેવી આધ્યાત્મિક સહાય કરનારને, સહાય લેનાર કુપાત્રને તથા સમાજને માટે હાનિકર્તા બને છે. ઈતિહાસ-પુરાણગ્રંથોમાં દેવોની કે ઋષિઓની આશિષ, વરદાન કે સહાય મેળવી અસુરોએ સમાજમાં કેવો કાળો કેર વર્તાવેલો તે નોંધાયેલું છે. દરેક યુગમાં તેમ બનતું હોય છે. માટે કુપાત્રને કે નિર્બળ, વિષયી, આળસ-પ્રમાદવાળી વ્યક્તિને આધ્યાત્મિક સહાય કરવી તે હિતાવહ નથી, તે અનર્થકારી બને છે. તે સમય અને શક્તિનો વ્યયમાત્ર છે. જેને ખરેખર ત્વરા ને ખપ છે, જે થોડા માર્ગદર્શનથી પ્રચંડ પુરુષાર્થ કરી શ્રેયમાર્ગે વિકાસ સાધવા તત્પર છે એવા પાત્ર મુમુક્ષુ સાધકને જ આધ્યાત્મિક સહાય કરવી ઇચ્છનીય છે. આ વાત પણ જ્ઞાની વ્યક્તિએ લક્ષ્યમાં રાખવી ઘટે.

જેઓને પ્રભુના સ્વરૂપમાં તથા સત્પુરુષમાં સંપૂર્ણ શ્રદ્ધા ને આત્મવિશ્વાસ છે અને જેઓ ઉદ્યમી અને પુરુષપ્રયત્ન કરવાવાળા છે, તેમની આપત્તિઓ ને દુઃખો સૂર્યોદય થતાં ધુમ્મસની જેમ વિખરાઈ જાય છે. પ્રભુકૃપાથી સઘળી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પોતાના ધ્યેયને સિદ્ધ કરી લે છે.