6. તત્ત્વજ્ઞાન સિદ્ધ કરવાનો ઉપાય

0:000:00

જીવનનાં પચાસ-સાઠ વર્ષ વિતાવ્યા છતાં મોટા ભાગના મનુષ્યો જેવા હોય છે, તેવા જ રહેલા જણાય છે. તેમનામાં કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ કે વિકાસ થયેલો હોતો નથી. ઘણાને દસ-વીસ વર્ષ પહેલાં આપણે જેવા જોયેલા હોય તેવા જ અત્યારે પણ જણાય છે. ક્યારેક તો પહેલાં કરતાં પણ નિમ્નકક્ષાએ ઊતરી ગયેલા જણાય છે. જ્ઞાન સંબંધી કે આધ્યાત્મ સંબંધી તેઓની અલ્પસરખી પ્રગતિ પણ સાધેલી હોય તેમ નથી લાગતું. એવું શાથી બને છે?

વિકાસ કંઈ રાતોરાત, એક સાથે નથી થઈ જતો. વિકાસ હંમેશાં ક્રમે ક્રમે જ થાય છે. આ બાબતનું અજ્ઞાન જ વિકાસ ન થવાનું મુખ્ય કારણ છે. વ્યક્તિ પોતાની યોગ્યતાની, પાત્રતાની નિસરણીનું પ્રથમ સોપાન ન ચડતાં, એ નિસરણીના છેક અંતિમ સોપાન પર પહોંચી જવાની ઉતાવળ ને લોલુપતા રાખે છે તેનું જ આ ફળ છે.

અહીં એવું દર્શાવવાનું તાત્પર્ય નથી કે વ્યક્તિએ સર્વોત્કૃષ્ટ ધ્યેય ન રાખવો કે સર્વોત્તમ અભિલાષા ન રાખવી. ઉચ્ચ ધ્યેય ને ઉચ્ચ અભિલાષા તો સિદ્ધમાત્રનું મૂળ છે, ઉદગમ સ્થાન છે. પરંતુ જેટલી અગત્ય ઉચ્ચ ધ્યેય ને અભિપ્સા રાખવાની છે, તેટલી જ અગત્ય ધ્યેયને શિખરે પહોંચવા માટે આળસ-પ્રમાદનો ત્યાગ કરી, શ્રદ્ધાપૂર્વક, ધૈર્યપૂર્વક ને એકાગ્રતાપૂર્વક પુરુષપ્રયત્ન વડે ક્રમે ક્રમે એક પછી એક સોપાનો સર કરવાની છે. ક્રમે ક્રમે પગથિયાં નહિ ચડતાં છેક શિખરે ઉતાવળે પહોંચી જવાનાં વલખાં મારવાં એ વ્યર્થ છે.

આત્મા-પરમાત્માના તત્ત્વજ્ઞાનને ત્વરિત મેળવવાની અભિપ્સા રાખનારા શું કરે છે? સંયમથી (ઇંદ્રિયોનો નિગ્રહ, ધારણા-ધ્યાન-સમાધિની એક કાળે થતી ક્રિયા દ્વારા ચિત્તના નિરોધને સંયમ કહેવામાં આવે છે.) આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, તત્ત્વજ્ઞાન સિદ્ધ થાય છે, એવું જાણી તેઓ સંયમરૂપ છેલ્લા પગથિયે તત્કાળ પહોંચી જવાની ઇચ્છા રાખે છે, જે શક્ય નથી. સંયમરૂપ સોપાન સિદ્ધ કરવા માટે શરૂઆતમાં યમ-નિયમરૂપ, ધર્મ-જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યરૂપ કેટલાં સોપાનો સિદ્ધ કરવાં પડે છે તેની દરકાર તેઓ બિલકુલ રાખતા નથી. અને પરમાત્માના સ્વરૂપમાં મનની એકાગ્રતા એક જ દિવસમાં સિદ્ધ કરી લેવાની ઉતાવળ કરે છે, જે શક્ય નથી.

વ્યાવહારિક અનેક બાબતોમાં વ્યક્તિ ક્રમે ક્રમે વિકાસ સાધવાનું અનુભવે છે, પરંતુ પરમાર્થમાર્ગમાં, શ્રેયના માર્ગે ત્વરિતપણે ઉચ્ચ સ્થિતિ પામવાની ઉતાવળ કરે છે. ગણિતમાં પ્રથમ આંક, પછી સરવાળા શીખ્યા વગર બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર શીખવાની ઇચ્છા કોઈ કરતું નથી. એવી ઇચ્છા રાખનારને મૂર્ખમાં ખપાવવામાં આવે છે. સાદા વ્યાજની ગણતરી આવડ્યા વગર ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબો ગણવા કોઈ પ્રયત્ન કરતું નથી. સા-રે-ગ-મ વગેરે સાત સૂરોને જાણ્યા વગર કોઈ શાસ્ત્રીય સંગીતમાં પારંગત થવા નથી ઇચ્છતું. પહેલાં ધોરણથી લઈને ગ્રેજ્યુએટની ડિગ્રી હાંસલ કર્યા પહેલાં કોઈ પી.એચ.ડી. થવાની ઇચ્છા નથી રાખતું. પરંતુ સેવા આદિ કલ્યાણકારી પ્રવૃત્તિ, સત્કર્મ, આંતરબાહ્ય પવિત્રતા તથા પરમાત્માની શુદ્ધ ઉપાસના ને આરાધનાથી ઇંદ્રિયો અંતઃકરણની મલિનતા અને વિક્ષેપોને ટાળ્યા સિવાય સીધા જ ધ્યાન તથા નિદિધ્યાસન જેવી ગહન સાધના કરવા પ્રેરાય છે. એવા લોકો ફળપ્રાપ્તિ ન થતાં અધવચ્ચેથી જ સાધના છોડી દે છે.

પચીસ - પચાસ માળનાં મકાનની અગાશીની શુદ્ધ હવા લેવી બધાને ગમે છે, પણ તેવી ઇમારતના મજબૂત પાયા નાંખ્યા વગર ઈંટ પછી ઈંટ ધીરજથી મૂક્યા વગર, એક પછી એક માળનું નિર્માણ કર્યા વગર એવી અગાશી બનતી નથી. એમ તત્ત્વજ્ઞાનની ઇમારત પણ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ-સેવા વગેરે પ્રભુપ્રસન્નતાનાં સાધનોરૂપ એક પછી એક ઈંટ ધૈર્યથી ગોઠવ્યા વગર નિર્માણ થતી નથી.

તત્ત્વજ્ઞાન શી રીતે સિદ્ધ થઈ શકે તે અંગે સાધકે વ્યગ્ર થવાની જરૂર નથી. આપણી યોગ્યતા- પાત્રતા પ્રમાણે આપણે ભાગે આવેલ, પરમાત્મા તરફથી આપણને સોંપાયેલ દરેક કર્તવ્ય તન-મનથી, સંજોગોની અનુકૂળતા કે પ્રતિકૂળતા વિચાર્યા સિવાય સર્વોત્તમ પ્રકારે બજાવવું અને પ્રભુમાં અતૂટ શ્રદ્ધા રાખવી એ જ તત્ત્વજ્ઞાન સિદ્ધ કરવાનો ઉપાય છે.

વ્યક્તિને કાષ્ઠ, પાષાણ કે ચિત્રપ્રતિમા પૂજવાનું જ માત્ર જ્ઞાન હોય અને પ્રભુપ્રાપ્તિનાં બીજાં કોઈ ઉત્કૃષ્ટ સાધનોનું જ્ઞાન ન હોય, તો પણ તેને ચિંતાનું કારણ ગણવું ન જોઈએ. એ પ્રતિમાસ્વરૂપને સાક્ષાત્ પ્રભુનું સ્વરૂપ સમજીને તન-મનથી ભાવપૂર્વક પૂજવું. તે પ્રથમ પગથિયું સિદ્ધ થયે તેને આગળનું પગથિયું ચોક્કસ દેખાડવામાં આવશે. આગળનું પગથિયું કોણ દેખાડશે એ પ્રશ્ન વ્યર્થ છે. કારણ કે પરમાત્મા સર્વવ્યાપી છે, સર્વાંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તે સર્વે જીવને તેના હિતના માર્ગે જ નિરંતર દોરે છે. એ સર્વવ્યાપી પ્રભુ જ એક પગથિયું સિદ્ધ કરનાર સાધકને બીજું પગથિયું દર્શાવે છે. અને સાથે સાથે તે પગથિયું ચડવામાં તેને પ્રગટપણે કે અપ્રગટપણે પ્રેરણા અને સહાય પણ કરે છે. ધૈર્યપૂર્વક એક પછી એક પગથિયાં ચડતા સાધકને યોગ્ય પથદર્શક ગુરુ-સત્પુરુષનો મેળાપ પણ પરમાત્મા જ કરી આપે છે.

મનુષ્યમાં મોટો દોષ એ છે કે પોતે જે જાણે છે તેને અનુભવમાં સિદ્ધ કર્યા સિવાય તુરત બીજું નવું નવું જાણવાની ઇચ્છા રાખે છે. પરંતુ જાણેલું જ્ઞાન અનુભવજ્ઞાનમાં પરિણમે નહિ ત્યાં સુધી નવું જ્ઞાન શી રીતે જાણી શકાય? હા, મગજમાં ભરેલા જ્ઞાન, જે કેવળ વિવિધ માહિતીઓરૂપ છે, અનુભવરૂપ નથી અને તેથી તે અજ્ઞાન જ છે. એવા જ્ઞાનમાં નવું ઉમેરવાથી અજ્ઞાન જ વૃદ્ધિ પામે છે. તેનાથી વ્યક્તિ વાચાળ કે પંડિત જરૂર બની શકે છે, પરંતુ સાચી આધ્યાત્મિકતાથી તે વંચિત રહે છે.

મનુષ્યજીવનમાં ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સ્થિતિ પુરુષપ્રયત્નપૂર્વક સાધના કરવાથી તથા તેના દ્વારા પ્રભુ અને સત્પુરુષની કૃપા સંપાદન કરવાથી જ પમાય છે. ઘણી બધી માહિતીઓનો મગજમાં ખીચડો કરવાથી કે વાચ્યાર્થ જ્ઞાનથી નથી પમાતી. માટે પ્રભુમાં ને સત્પુરુષમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી તેમની પ્રસન્નતાનાં સાધનો કરવા અહંકારે રહિત પુરુષપ્રયત્ન કરવો આવશ્યક છે. દરેક શુભ પ્રયત્નમાં પરમાત્માની દિવ્યશક્તિ ભળે જ છે. તેથી કોઈ પણ શુભકાર્ય નિષ્ફળ જતું નથી, એમ ભગવદ્ગીતા વગેરે શાસ્ત્રોનું વિધાન છે. ચાલવા માંડતું બાળક પ્રયત્ન દ્વારા ચાલવાનું તો શીખે જ છે, પણ સાથે સાથે ચાલવાનું નવું બળ પણ મેળવે છે ને આખરે દોડતું પણ થઈ જાય છે. પુરુષપ્રયત્ન કરનારને નવું બળ, નવી પ્રેરણાઓ, પ્રભુ તરફથી મળ્યા જ કરે છે. સાધકને સ્વાનુભવે આ વાત સમજાય છે.

વ્યક્તિની ચેતનાનો આધ્યાત્મિક વિકાસ ક્રમે ક્રમે ને ધૈર્યપૂર્વકના પ્રયત્નથી જ સંભવે છે. પોતાને કરવાનું કોઈ બીજા કરી દેશે, કોઈ મહાન સિદ્ધગુરુ માથે હાથ મૂકી દે અને મોટો સિદ્ધ થઈ જાઉં અથવા પ્રભુ કૃપા કરી દે ને સાક્ષાત્કારની સિદ્ધિરૂપ શિખરે બેસી જાઉં. એ આશામાં દિવસો જરૂર વીતી જાય, પરંતુ સરવાળે પ્રાપ્તિ કંઈ જ ન થાય, કારણ કે પાત્રતા વગર કશું જ મળતું નથી અને તે પાત્રતા પુરુષપ્રયત્ન દ્વારા કેળવવાથી જ આવે છે.

આ વિશે સ્વતંત્ર સિદ્ધ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનાં વચનો જોઈએ -

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે કૃપા કરો તો થાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે મોટાની કૃપા તો એવી છે જે મૃત્યુ આડી અર્ધી ઘડી રહી હોય તેટલામાં મૂર્તિ આપી દે ને પૂરું કરી દે, (આત્મામાં પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી દે) તો આજ મહારાજ ને મોટા સભામાં બિરાજે છે, તે આગ્રહ કરો તો (પ્રભુનો) સાક્ષાત્કાર કરાવી દે. તે છ મહિના પણ પૂરા થવા દે નહિ, એની આ સભા સાક્ષી છે.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે ઝુમખરામને સોટી મારીને તરત મૂર્તિ શ્રીજીમહારાજે આપી દીધી, તેમ કરો તો મૂર્તિ (પરમાત્માનું દિવ્ય સ્વરૂપ) દેખાય, ત્યારે બાપાશ્રી બોલ્યા જે જેમ ઝોળી માગીને જમવા કરતાં પોતે રળીને જમવું તે ઠીક, તેમ પોતે કાંઈક દાખડો (પ્રયત્ન) કરીને સિદ્ધ કર્યું હોય તો તે દાખડો જોઈને મોટા બહુ રાજી થાય ને બહુ સુખ આવે. માટે જે સુખ દેહ મૂકીને પામવું છે તે છતે દેહે ભોગવવું. એ કરવાનું છે, તે જરૂર કરવું જોઈશે. મહારાજની ને મોટાની કૃપા છે તો આજ સાક્ષાત્ મહારાજ ને મુક્ત મળ્યા છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે.

આવી આવી વાતો પછી કોણ કરશે? આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. પગલાં-પદાર્થ (પ્રસાદી) કાંઈ કામનાં નથી. મૂર્તિ રાખો તો બધું ય આવ્યું. પણ કાર્યમાં તાન છે તેટલું કારણમાં (પ્રભુના સ્વરૂપમાં) તાન થાતું નથી તે બહુ ખોટ છે. આ લાભ આ ટાણે મળ્યો છે. તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી. (અર્થાત્ આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો.

- અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીની વાતો, ભાગ-1, વાત-167

પરમાત્મા તથા સત્પુરુષના વચનમાં અતૂટ શ્રદ્ધા અને ધૈર્યપૂર્વકનો અસ્ખલિત પુરુષપ્રયત્ન જ સાધકને માટે સિદ્ધદશા પ્રાપ્ત કરાવવાના મુખ્ય સાધન છે. તો આ બે બાબતને મનમાં દૃઢ કરી આપણે આધ્યાત્મિક સિદ્ધિને માર્ગે નવાં બળ ને નવા ઉત્સાહ સાથે પ્રયાણ કરીએ, તો ભગવદ્કૃપા આપમેળે ઊતરશે.