• અષ્ટાક્ષર - મંત્રજપ વિધિ - ૨

મંત્રજપ વિધિ

હવે તે મંત્રનો જપ કેવી રીતે કરવો તે વિધિ સત્સંગિજીવન - પ્ર. ૩, અ. ૩૦માં કહ્યો છે :

कृष्णमंत्रजपस्याहं कार्यस्य प्रत्यहं हरे ! ।

विधान श्रोतुमिच्छामि कृतः सिद्ध्येत्स येन वै ।। २ ।।

स्नातः शुचिः स्वस्थचित्तः क्रोध-चिन्ता-विवर्जितः ।

सद्‌गुरुप्राप्तमंत्रश्च जापकः पुरुषो मतः ।। ४ ।।

વાસુદેવાનંદ સ્વામી પૂછે છે : હે હરે ! પ્રતિદિન જપ કરવા યોગ્ય કૃષ્ણમંત્રના જપના વિધિને હું જાણવા ઇચ્છું છું કે, જે વિધિથી કરેલો જપ સિદ્ધિને આપનારો થાય છે (૨). ત્યારે શ્રીહરિ બોલ્યા : હે વાસુદેવાનંદવર્ણી ! મંત્રરાજ અષ્ટાક્ષરનો સચ્છાસ્ત્રમાં પ્રતિપાદન કરેલો જપવિધિપ્રકાર સંક્ષેપમાં તમને કહું છું તેને સાવધાનતાથી સાંભળો. તેમાં પ્રથમ જપ કરનાર પુરુષનું લક્ષણ કહે છે :- યથાવિધિ સ્નાન જેણે કર્યું છે અને ‘શુચિઃ’ કહેતાં પવિત્ર જે કામાદિક દોષના સંકલ્પે રહિત, માટે એકાગ્ર ચિત્તવાળો અને સદગુરુથી કહેતાં ધર્મવંશી આચાર્ય પરંપરાથી પ્રાપ્ત કર્યા છે મંત્ર જેણે, આવા લક્ષણે યુક્ત હોય તે જ મંત્રજપના અધિકારી થાય છે (૪).

આસન વિધિ

वास्त्रं वा काम्बलं कौश-मासनं जपसिद्धिदम्‌ ।। ६ ।।

स्यादापदि शुभं सर्वं विना ह्यषुचि लेपनम्‌ ।। ८ ।।

બેસવા યોગ્ય આસન ધોયેલા વસ્ત્રનું, કાંબળનું કે રેશમી વસ્ત્રનું કરવું. અપવિત્ર વસ્તુના સ્પર્શ રહિત જે કોઈ આસન તે આપત્કાળમાં શુભ કહેલું છે, એવા આસન ઉપર બેસીને જપ કરવા (૬-૮).

જપમાળા વિધિ

तुलसीकाष्ठसम्भूता जपमाला शुभा मता ।

धात्रीकाष्ठभवा वापि चन्द्रनादिमया च वा ।। ९ ।।

सर्वापिमाला श्रीविष्णु-पादस्पर्शाच्छुचिर्भवेत्‌ ।

जपोचिता च तस्मात्‌ तां बिभृयात्‌ तादृशीं पुमान्‌ ।। ११ ।।

अष्टोत्तरशतेनोक्ता मणिभिर्मालिकोत्तमा ।

मध्यमा स्यात्‌ तदर्धेन तदर्धेन कनीयसी ।। १४ ।।

હવે આ જપમાં જપમાળા તુલસીકાષ્ટથી કરેલી શ્રેષ્ઠ માની છે અથવા ચંદનકાષ્ટથી કરેલી પણ ઉત્તમ માની છે અને આંબળાના કાષ્ટથી કરેલી માળાને પણ ગ્રહણ કરવી (૯). ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરાવીને પવિત્ર કરાવેલી ને સુસંસ્કૃત કરેલી માળા જપ કરવામાં યોગ્ય માની છે માટે તેવી માળા રાખવી (૧૧). તેમાં એકસો ને આઠ મણિકાની માળા ઉત્તમ માની છે. ચોપન મણિકાની માળા મધ્યમ માની છે અને સત્તાવીસ મણિકાની માળા કનિષ્ઠ માની છે માટે ઉત્તમ માળા પાસે રાખવી (૧૪).

બેસવાનો વિધિ

स्वस्तिकासनमासीनो मुक्तपद्मासनं तु वा ।

ऋजुरेकाग्रदृष्टिश्च भगवन्तं हृदि स्मरन्‌ ।। १८ ।।

वस्त्रगोपितमालाञ्‌च मंत्रमेकैकमुच्चरन्‌ ।

त्यजन्नैकैक-मणिकम्‌ जपेन्नियत-सख्यया ।। १९ ।।

જપ કરતાં સ્વસ્તિકાસને કે સિદ્ધાસને કે પદ્માસને બેસી સરલ શરીર રાખી એકાગ્ર દૃષ્ટિ કરીને, હૃદયમાં પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણનું સ્મરણ કરતા થકા, અને વસ્ત્રથી માળાને ઢાંકીને અથવા ગોમુખીમાં રાખીને, એક એક મંત્રોચ્ચારણમાં એકેક મણિકાને મૂકતા થકા, પ્રતિદિન આટલો જપ કરવો, એવી સંખ્યાની ગણતરી રાખીને નિયમથી જપ કરવો. (૧૮-૧૯).

મંત્રજપનો વિશેષ વિધિ

मालां न च स्पर्शयेद्‌ भूमिं स्वस्य पादतलं तथा ।

जपं कुर्वन्न हस्तं च धूनयेन्न च मस्तकम्‌ ।। २३ ।।

प्रहसंस्त्वरमाणश्च नेक्षमाण इतस्ततः ।

करसंज्ञां नेत्रसंज्ञां कुर्वन्नैव जपेत्युमान्‌ ।। २८ ।।

જપ કરતાં માળાને ભૂમિ વિષે તથા પગને અડવા દેવી નહિ તથા જપ કરતાં હાથ, મસ્તક આદિ અંગને કંપાવવા નહિ તથા હસતા થકા, ત્વરા કરતા થકા ને આડું-અવળું જોતા થકા તથા હસ્તસંજ્ઞાને કે નેત્રસંજ્ઞાને કરતા થકા ક્યારેય જપ ન કરવા (૨૩-૨૮).

मनः संयमनं शौचं मौनं मंत्रार्थचिन्तनम्‌ ।

अव्यग्रत्व-मनिर्वेदो जपसंसिद्धिहेत्तवः ।। ३३ ।।

જપસિદ્ધિ થવામાં આ છ હેતુ છે :- (૧) પ્રથમ તો મનને અન્ય વિષયમાંથી પાછું વાળીને મૂર્તિમાં જ નિરોધ કરવો, (૨) પવિત્રપણું, (૩) મૂર્તિનું જ મનન, (૪) મંત્રના અર્થનું સ્મરણ, (૫) એકાગ્રતા ને વિશ્વાસ (૩૩).

त्रयोभेदा जपस्योक्ता वाचिकोपांशु मानसाः ।

कनीयो मध्यमोत्कृष्टास्तान्‌ ज्ञात्वोत्तम-माचरेत्‌ ।। ३७ ।।

उदात्त-नीच-स्वरितैः शब्दैः स्पष्ट-पदाक्षरैः ।

मंत्रस्योच्चारणं यत्र स जपो वाचिको मतः ।। ३८ ।।

किंचिच्छ्रवण-योग्यं च मंत्रस्योच्चारणं शनैः ।

यत्रेषच्चौष्ठचलनं स उपांशु-र्जपो मतः ।। ३९ ।।

धिया यत्राऽक्षरश्रेणी स्वरवर्ण-पदात्मिका ।

उच्चार्येत च संस्मृत्या स जपो मानसो मतः ।। ४० ।।

उच्चैंर्जपादुपांशुः स्याद्‌ विशिष्टो दशभिर्गुणैः ।

जिह्‌वाजपः शतगुणः सहस्रगुण आन्तरः ।। ४१ ।।

अध्याहारः नामस्मरणात्‌ दशभिर्गुणैः विशेष्ठात्‌ उचैर्जपात्‌ वाचिकात्‌

અર્થ - જપમાં ત્રણ પ્રકારનો ભેદ છે : વાચિક, ઉપાંશુ અને માનસ. તેમાં ઉત્તરોત્તર એકબીજાથી શ્રેષ્ઠ છે કહેતાં કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ એવા ક્રમથી આ ભેદને જાણીને ઉત્તમ કહેતાં માનસ જપ કરવો (૩૭). તે જપભેદનાં લક્ષણો કહું છું :- ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત-આવા ત્રિવિધ સ્વરથી યથાયોગ્ય ઉચ્ચારણ કરેલા સ્પષ્ટ મંત્રપદના અક્ષરો જેમાં છે એવા શબ્દોથી જે મંત્રનું ઉચ્ચારણ થાય તે જપ વાચિક કહ્યો છે અર્થાત્‌ બીજા સાંભળી શકે તે વાચિક અથવા ઉચ્ચૈર જપ કહેવાય અને તે કનિષ્ઠ છે (૩૮). જે મંત્રજપ બીજાને શ્રવણ-ગોચર ન થાય ને જપ કરનારના કિંચિત્‌ હોઠ તથા જિહ્‌વા હાલે એમ ધીમેથી મંત્રનું ઉચ્ચારણ થાય તે ઉપાંશુ અથવા જિહ્‌વા જપ કહેવાય અને તે મધ્યમ છે (૩૯). જે મંત્રજપમાં સ્વર, વર્ણ અને પદ તે ક્રમવાળું એવું મંત્રનું સ્વરૂપ બુદ્ધિથી જણાય ને ઉચ્ચારણની સ્મૃતિ રહે તે માનસ અથવા આંતર જપ કહેવાય અને તે ઉત્તમ જપ માનેલો છે (૪૦). જપવિધિ વિના નામ-સ્મરણ કરવાથી ‘વાચિક’ જપ (વિધિ સહિત જપ) દસગણો અધિક છે અને તે ‘ઉચૈર્જપાત્‌’ કહેતાં વાચિક જપ થકી કિંચિત્‌ શ્રવણયોગ્ય ને જપ કરતા હોઠ તથા જિહ્‌વા હાલે એવો જિહ્‌વા જપ જે ‘ઉપાંશુ’ જપ તે સો ગણો અધિક છે અને તેથી આંતર જપ જે ‘માનસ’ જપ તે સહસ્રગણો અધિક છે (૪૧).

સ્થાન-ભેદ વડે ફળમાં ન્યૂનાધિકપણું

गृहे जपं समं प्राहुर्गोष्ठे दशगुणं तथा ।

गृहोद्याने शतगुणं सहस्रगुणकं वने ।। ४२ ।।

अयुतं पर्वते पुण्यं नद्यां लक्षगुणं तथा ।

देवालये कोटिगुण – मनन्तं हरिसन्निद्धौ ।। ४३ ।।

તેમ જ પુણ્ય સ્થાનક-વિશેષથી ફળનું અધિકપણું છે, જેમ કે પોતાના ઘરમાં કરેલો જપ સમ એટલે જેટલા જપ તેટલું જ પુણ્યફળ આપે છે. અને ગૌશાળામાં કરેલો જપ તેથી દસગણો અધિક ફળ આપનારો છે. ઘરના બાગમાં કરેલો જપ સોગણો અધિક છે. વનમાં કરેલો જપ તો સહસ્રગણો અધિક છે (૪૨).

પર્વતમાં કરેલો જપ તે દસ હજારગણો અધિક પુણ્ય આપે છે. પવિત્ર નદીતટે બેસીને કરેલો જપ તો લાખગણો અધિક ફળપ્રદ છે અને તેથી સ્વેષ્ટદેવ-મંદિરમાં કરેલો જપ તે કોટિગણો ફળવાન છે. ‘હરિસન્નિધૌ’ કહેતાં પોતાના આત્મામાં શ્રીહરિને ધારીને કરેલો જપ તે અનંતગણા ફળને આપનારો થાય છે (૪૩).

इत्थं योषापि कुर्वीत नाममंत्रजपं हरेः ।

सधवा विधवा वापि भक्ता भगवतोऽनघ ! ।। ४४ ।।

હે વર્ણિન ! આ પ્રકારે સ્ત્રીઓએ પણ ભગવાનના નામમંત્રનો જપ કરવો. સધવા હોય કે વિધવા હોય, સર્વ કોઈ સ્ત્રીઓને તુલ્યપણે તેમાં અધિકાર છે. શ્રીજીમહારાજના આશ્રિત એવાં વનિતાઓએ તો નામમંત્ર જપ કરવો જ (૪૪).

આ અષ્ટાક્ષર મંત્રજપનો વિધિ કહ્યો તે ‘બ્રહ્માહં કૃષ્ણદાસોઽસ્મિ’ આ મહામંત્રનો તથા ‘શ્રીકૃષ્ણ ત્વં ગતિર્મમ’ આ શરણમંત્રનો છે. ‘ૐ નમોઽવતારિણે શ્રી સ્વામિનારાયણાય’ આ મંત્રનો મહાપૂજા સમયે જપ થાય છે. તેમ જ ‘સ્વામિનારાયણ’ આ નામમંત્ર તે ષડક્ષર મહામંત્ર કહેવાય છે. તે સત્સંગિભૂષણ - અં. ૪, અ. ૨ માં કહ્યું છે જે :-

षडक्षरं महामंत्रं स्वामिनारायणं शुभं ।

जपद्‌भि-र्व प्रदोषेऽत्र मालिका संख्ययान्वहम्‌ ।। ३६ ।।

શ્રીહરિ કહે છે : મારા આશ્રિત જપ કરનારા પુરુષો તથા સ્ત્રીઓને અતિશય જ પવિત્ર કરનારો આ મંત્ર છે, જે મંત્રમાં છ અક્ષર છે એવો ‘સ્વામિનારાયણ’ એ નામમંત્ર છે તેને મહામંત્ર કહેવાય છે. તેનો જપ કરનારા પુરુષો અને વનિતા એવા તમારે નિત્યપ્રત્યે સાયં સમયે મંદિરમાં બેસીને માળાની સંખ્યાથી જપ કરવો અર્થાત્‌ ‘સ્વામિનારાયણ’ નામની માળા ફેરવવી. (૩૬).

મંત્રજપનો મહિમા

અષ્ટાક્ષર મંત્ર અથવા નામમંત્રનો જપ કરવાથી શ્રી સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના ને આજ્ઞાની દૃઢતા તથા અખંડ જ્ઞાન-ધ્યાન અને બ્રહ્મરૂપપણાની સ્થિતિ વગેરેની પ્રાપ્તિ થાય છે અને કામ-લોભાદિક દોષ તથા વિષયવાસના અને ત્રિવિધ તાપ એ સર્વેની નિવૃત્તિ થાય છે અને સકામ ભક્તને સુપાત્ર સ્ત્રી, પુત્રપરિવાર તથા સારા દેહ, ગેહ, સમૃદ્ધિ અને સત્પુરુષનો સમાગમ, તે પણ શ્રીહરિની ઇચ્છાથી મળી આવે છે. (શિક્ષાપત્રીનો મૂળ શ્લોક ૫૬મો છે તેના વિવેચનમાં ઉપર કહેલો શ્લોક ૩૬ છે.) ઇતિ અષ્ટાક્ષર મંત્રજપ વિધિ સમાપ્તમ્‌.