૯. ઉપાસના અને ધ્યાન - ૧
कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च ।
न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्माविदोऽपि च ।। शि. श्लो. ११५ ।।
શ્રીકૃષ્ણ તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે તેમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું (૧૧૫). આમાં શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે શ્રી સહજાનંદ સ્વામીએ પોતાને જ કહ્યા છે તે સત્સંગિભૂષણ - અં. ૨, અ. ૫૮માં કહ્યું છે જે :-
कृष्णोऽहं भगवानस्मि सर्वकारण-कारणम् ।
प्रकाशकानां सर्वेषां स चैवाऽस्मि प्रकाशकः ।। ३१ ।।
શ્રી સ્વામિનારાયણ ભગવાન હું જ અનાદિ કૃષ્ણનામક છું, તે હું સર્વ કારણનો કારણ છું ને સર્વ પ્રકાશકનો પ્રકાશક છું (૩૧).
अहं दिव्ये ब्रह्मपुरे वसामि मूर्तिमान् सदा ।
दिव्यदेहोऽमितैश्वर्यः कोटिमुक्तगणै-र्वृतः ।। २ ।।
‘અહં’ કહેતાં હું સહજાનંદ સ્વામી સદાય દિવ્ય મૂર્તિમાન સાકાર સ્વરૂપ છું ને અપાર ઐશ્વર્યવાળો છું ને દિવ્ય એવું મારું બ્રહ્મપુરધામ તેમાં સદા નિવાસ કરીને રહ્યો છું ને અનંતકોટિ મુક્તોએ સહિત છું (૨).
नृदेवपशुयादः सु धृतानां त्वमनेकशः ।
रामकृष्णादि रूपाणां धर्त्ताऽस्येव पृथुश्रवाः ।। ३ ।।
હે મોટી કીર્તિવાળા શ્રીહરે ! મનુષ્ય, દેવ, પશુ ને જળચર તેમાં ધારણ કરેલા જે અનેક રામ-કૃષ્ણ આદિ અવતાર તે સર્વેના ધારણ કરનારા તમે છો અર્થાત્ તે અવતારમાં તમારી સત્તા છે (૩). આ વચનથી જ જાણવું જે, સહજાનંદ સ્વામી કૃષ્ણનામક પોતાને જ કહે છે અને પોતે કૃષ્ણાદિક અવતારના અવતારી ને અનંત મુક્તના સ્વામી ને અક્ષરબ્રહ્મ ધામના નિવાસી છે.
આંહીં ભાવાર્થ એ છે જે શ્રીજીમહારાજ રામ, કૃષ્ણ, નરનારાયણ આદિ સર્વે અવતારના અવતારી છે ને મુક્ત તથા અનાદિમુક્તના સ્વામી ને શ્રીકૃષ્ણ, હરિકૃષ્ણ આદિ નામના નામી છે ને શ્રી ધર્મભક્તિ થકી મનુષ્યરૂપે પ્રગટ થયા છે તો પણ દિવ્ય સ્વરૂપ જ છે. શ્રીજીમહારાજે પણ શ્રીમુખે કહ્યું છે : જે પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે હું જ ધ્યાન કરવા યોગ્ય છું અને મારા કૃષ્ણ, નરનારાયણ આદિ અવતાર તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. મારી ધાતુ, પાષાણ ને ચિત્રની પ્રતિમાઓ તે પણ ધ્યાન કરવા યોગ્ય છે પણ મારા અનન્ય ભક્તો તેમણે તો મારું જ ધ્યાન કરવું. તે જુઓ હ. સુ. તરંગ ૧૬૮માં :-
सांप्रतं त्विह सर्वेषां भवतां सुदृढामतिः ।
मय्येव कृष्णोऽयमिति तत्कार्या मदुपासना ।। ३२ ।।
मच्चरित्राणि गेयानि श्रोतव्यानि च सादरम् ।
मम ध्यानं विधातव्यं स्मर्तव्या मत्कृतोत्सवाः ।। ३४ ।।
આ સમયમાં તો આ લોકમાં આ શ્રી સ્વામિનારાયણ જ અનાદિ કૃષ્ણનામક સર્વોપરી ભગવાન છે એ પ્રકારે તમારે સર્વેને મારે વિષે નિર્વિકલ્પ નિશ્ચયવાળી મતિ છે, એ હેતુથી તમારે મારી જ ઉપાસના કરવી (૩૨). મારાં ચરિત્ર દિવ્ય જાણીને ગાવાં ને સાંભળવાં ને મારું જ ધ્યાન કરવું અને મેં જ કરેલા જે ઉત્સવ-સમૈયા તે દિવ્ય સમજીને સંભારવા (૩૪).
જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે પ્રગટ થઈને વિચરે છે ત્યારે જેમ ભગવાનને પ્રત્યક્ષ કહેવાય છે તેમ જ ભગવાનનું પ્રતિમા સ્વરૂપ પણ પ્રત્યક્ષ છે એમ શ્રીહરિએ જ કહ્યું છે તે જુઓ સત્સંગિજીવન - પ્ર. ૫, અ. ૬૮માં :-
चिंता कार्या न युष्माभि-रहं तिष्ठामि भूतले ।
वृत्तालये भक्तिधर्म-युक्तं मां वित्तसंस्थितम् ।। ३७ ।।
साक्षात्कृष्णे भगवति नरनारायणादिषु ।
तन्मूर्तिंषु च नास्त्येव भेद इत्येव धार्यताम् ।। ३८ ।।
શ્રીજીમહારાજ પોતાને અંતર્ધાન થવાના સમયે પોતાના સંતોને કહે છે જે, તમારે મારા વિયોગની ચિંતા ન કરવી કેમ જે હું ભૂતકાળમાં રહીશ તેમાં વૃત્તાલયપુરમાં ભક્તિધર્મ સહિત હરિકૃષ્ણનામક પ્રતિમારૂપે રહ્યો છું એમ મને જાણો (૩૭). અને આ પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન હું, તે મારામાં ને શ્રીનગરમાં નરનારાયણ ને ભક્તિધર્મે સહિત હરિકૃષ્ણ આદિ મારી મૂર્તિઓ છે તેમાં ભેદ નથી અર્થાત્ શ્રીનગરમાં ભક્તિધર્મ સહિત હરિકૃષ્ણરૂપે હું જ રહ્યો છું ને નરનારાયણ સ્વરૂપે પણ હું જ રહ્યો છું, એમ તમારે સમજવું (૩૮). તેમ જ સત્સંગિજીવન - પ્ર. ૩, અ. ૨૪માં :-
स्वतंत्रत्वात् स भगवान् प्रत्यक्षः क्वापि वर्तते ।
क्वचित् परोक्ष-वच्चासावदृश्यो वर्तते नृभिः ।। ५५ ।।
अदृश्यः स यदा तर्हि तूपास्या तस्य सर्वथा ।
प्रतिमैवाथ साधूनां सेवा कार्या च पूजनम् ।। ५६ ।।
ભગવાન સ્વતંત્ર છે માટે કોઈ સમયે પ્રત્યક્ષ રહે છે અને ક્યારેક આ ભગવાન મનુષ્યોને અદૃશ્ય કહેતાં દેખી શકાય નહિ તેમ પરોક્ષની માફક વર્તે છે (૫૫). જ્યારે ભગવાન અદૃશ્ય હોય ત્યારે તો મુમુક્ષુ તેમણે તે ભગવાનની પ્રતિમા જ સર્વ પ્રકારે ઉપાસના કરવા યોગ્ય છે અર્થાત્ પ્રતિમાનું જ ધ્યાન-ભક્તિ કરવાં ને સાધુની સેવા તથા સમાગમ કરવો. (૫૬).
મન-વાણીને અગોચર ને અક્ષરાતીત સત્ય સંકલ્પ એવા શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુ તે જેમ સ્વેચ્છાથી સર્વ મનુષ્યને નયનગોચર પ્રાપ્ત થયા હતા, તેમ જ શ્રીજીએ પોતાનું મનુષ્ય સ્વરૂપ અંતર્ધાન થવાના સમયે, પ્રતિમારૂપે દર્શનદાનનો સંકલ્પ કરેલો છે, એ હેતુથી જ પ્રતિમા સ્વરૂપ પણ મનુષ્ય સ્વરૂપની માફક દિવ્ય, ધ્યેય, ગેય, દર્શનીય ને પૂજા કરવા યોગ્ય જાણવું પણ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપમાં ને પ્રતિમા સ્વરૂપમાં ભેદ ન સમજવો. તે સ. ભૂ. અં. ૧માં કહ્યું છે જે :-
मयि मत्प्रतिमायां चाप्यल्पं भेदं करोति यः ।
तस्य भेददृशः कालो मच्छक्तिः कुरुते भयम् ।। १ ।।
જે પુરુષ મારા પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપમાં ને મારી પ્રતિમા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ સમજે છે તે ભક્તને મારી શક્તિભૂત કાળથી ભય થાય છે (૧).
પ્રતિમારૂપે હું પ્રત્યક્ષ છું એમ શ્રીજીમહારાજનાં વચન છે એ હેતુ માટે પ્રતિમામાં ધાતુ, કાષ્ઠ, પાષાણ, ચિત્રભાવ વગેરે ત્યાગ કરીને દિવ્ય સ્વરૂપ પ્રત્યક્ષ ભગવાન સમજીને તે પ્રતિમા સ્વરૂપનું ધ્યાન કરવું આવો ભાવ છે. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું પણ સપાર્ષદ ભગવાનનું ધ્યેયપણું કહ્યું છે માટે શ્રીહરિના સાથ સિવાય ભક્તના ધ્યેયપણાનો પ્રતિબંધ છે એમ જાણવું.
ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનું પ્રયોજન
ગોપાળાનંદ સ્વામીએ ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનું પ્રયોજન તેને જાણીને ધ્યાન કરવું એમ પોતાના વાર્તા-સંગ્રહ ગ્રંથમાં કહ્યું છે તે જુઓ :-
ध्याता-ध्यानं तथा ध्येयं यच्च ध्यान-प्रयोजनम् ।
एतच्चतुष्टय ज्ञात्वा योगं युंजीत तत्त्ववित् ।। २ ।।
તત્ત્વ જે ભગવાનનું સ્વરૂપ તેને જાણનારો યોગી તે ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનું પ્રયોજન એ ચારનાં સ્વરૂપ જાણીને ધ્યાનયોગ પ્રત્યે જોડાય (૨). તે ચારમાં પ્રથમ ધ્યાતાનાં લક્ષણ કહીએ છીએ :-
શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના ને માહાત્મ્યજ્ઞાન તેને યથાર્થ સત્પુરુષના સમાગમથી સમજ્યો હોય ને કોઈ પ્રકારનું માન ન હોય ને દાસભાવવાળો હોય અને પંચવિષયને વિષે દૃઢ વૈરાગ્યવાળો હોય ને શાન્ત ને દાન્ત(સંયમી) હોય અને નિંદા-સ્તુતિ, માન-અપમાનમાં સમભાવવાળો હોય તે ધ્યાતા જાણવો.
હવે ધ્યાન સ્વરૂપ કહીએ છીએ : જે ધ્યાનયોગી પોતાને ત્રણ દેહથી પૃથક્ આત્મારૂપ માનીને અમુક સ્થાનમાં વિરાજમાન ને વસ્ત્ર-આભૂષણ સહિત ને મનુષ્યાકૃતિ અથવા પ્રતિમાકૃતિ એવા પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરે, તે સમગ્ર મૂર્તિનું ધ્યાન કરે અથવા એક એક અંગને પૃથક્ ધારીને ધ્યાન કરે તે ધ્યાન અવરભાવનું જાણવું.
જે ધ્યાનયોગી પોતાના આત્માને શ્રીહરિના તેજનો સમૂહ તે રૂપ અક્ષરબ્રહ્મ તેની સાથે ઐક્યતા કરીને તે તેજના સમૂહરૂપ ધામમાં વિરાજમાન દિવ્યાકાર મૂર્તિ એવા પોતાના સ્વામી શ્રીજીમહારાજની સમગ્ર મૂર્તિનું અતિ પ્રીતિએ કરીને અખંડ ધ્યાન કરે તે પરભાવમાં ઉત્તમ ધ્યાન કહ્યું છે.
જે ધ્યાનયોગી પોતાના આત્માને શ્રીહરિની સાથે ઐકાત્મ્યપણાની ભાવના કરી પોતાને પુરુષોત્તમરૂપ માની અત્યુત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને તથા આત્યંતિક પ્રલયના ઉપશમે કરીને પોતાના ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિમાં જ મૂર્તિમાન થકો રહીને શ્રીહરિજીના સળંગ સ્વરૂપનું ધ્યાન કરે તે પરમભાવમાં અતિ ઉત્તમ ધ્યાન કહ્યું છે. હવે ધ્યેય સ્વરૂપ સત્સંગિભૂષણ - અં. ૨, અ. ૩૭માં કહ્યું છે :-
श्वेतांबरधरा पुष्टा पुप्पहरोल्लसद्गला ।
प्रसन्नवदनां भोजा चलदुष्णीषशेखरा ।। ५ ।।
दक्षनेत्रादधो नासांकेऽवस्थतिल लक्षणा ।
वामश्रोत्रांतरे श्यामं वृत्तं बिंदुं च ब्रिभती ।। ६ ।।
શ્રીહરિની મૂર્તિ કેવી ધારવી તો, શ્વેત વસ્ત્રને ધરી રહેલા, સુંદર પુષ્ટ મૂર્તિ અને પુષ્પના હારથી જેમના કંઠનો ભાગ સુશોભિત છે ને જેમનું વદન પ્રસન્ન છે ને મસ્તકે મોળિયામાં તોરા ઝૂલી રહ્યા છે (૫). તથા જમણા નેત્રથી નીચે ને નાસિકાની સમીપે શ્યામ તિલ છે અને ડાબા કાનની અંદર ગોળ ને શ્યામ તિલ છે. આવી મૂર્તિનું ધ્યાન કરવું (૬). અને વળી સત્સંગિજીવન - પ્ર. ૨, અ. ૧૬માં પણ શ્રીજીમહારાજની મૂર્તિનું વર્ણન છે તે જુઓ :-
प्रौढाकृतिः समवपुः पद्मच्छदसमेक्षणः ।
दीर्धबाहु-र्घनश्यामः सस्मितास्य सरोरुहः ।। ७ ।।
पीनांसः कंबुकंठश्च सुनासश्च विशालहृद् ।
वलिवल्गूदरः सौम्यो निम्ननाभिरुदग्रपात् ।। ८ ।।
ऊर्ध्वपुंड्र ललाटे च तुलसीमालिके गले ।
दधत् सितांबरधरो वर्णिवेष - मनोहरः ।। ९ ।।
भक्तैश्चंदन – पुष्पस्रक् – शेखरादिभिरर्चिंतः ।
दधद्दक्षिणपाणौ च तुलसीकाष्ठमालिकाम् ।। १० ।।
करुणार्द्रदृशा भक्तान् पश्यन् स परितो निजान् ।
हर्षयामास भगवान् निजवक्रार्पिंतेक्षणान् ।। ११ ।।
જેમ સૂર્યના તેજમાં તારાનાં તેજ લીન થઈ જાય છે તેમ રૂપ, બળ ને તેજથી જેમની આકૃતિ સર્વોત્કૃષ્ટ છે એવા; સર્વ અંગમાં સુશોભિત, કમલપત્ર સમ નેત્રવાળા, જાનુપર્યંત હસ્તવાળા ને ઘનશ્યામ ને જેમનું મુખકમળ મંદ હાસ્યવાળું છે (૭); જેમના ખભા પુષ્ટ છે, જેમનો કંઠ રેખાઓવાળો છે, નાસિકા રૂપાળી છે, જેમનું હૃદય વિશાળ છે ને જેમનું ઉદર સુંદર ત્રિવળીવાળું ને સૌમ્ય કહેતાં નિરુપમેય શોભાવાળું છે; ઉદરમાં ઊંડી નાભી શોભી રહી છે ને બે ચરણ ઊપડતા છે (૮); લલાટમાં ચાંદલે સહિત ઊભું તિલક ને કંઠમાં તુલસીકાષ્ઠની કંઠી તેને ધારી રહ્યા છે; શ્વેત વસ્ત્રધારી ને વર્ણીવેશવાળા મનોહર મૂર્તિ (૯) ને ભક્તજને ચંદન-પુષ્પના હાર-તોરા આદિથી પૂજેલા ને જમણા હાથમાં તુલસીકાષ્ટની જપમાળાને ધારણ કરતા (૧૦) એવા શ્રીહરિ, તે પોતાની ચોમેર બેઠા ને પોતાના મુખ સામું જોઈ રહ્યા એવા પોતાના ભક્તને કરુણાદ્ર દૃષ્ટિથી જોતા થકા હર્ષને પમાડે છે. એવા શ્રીહરિજીને ધારીને ધ્યાન કરવું (૧૧) તથા સર્વમંગલ સ્તોત્રમાં કહ્યું છે જે :-
खट्वांगात्मा हृद्रं भोज ध्येयो ध्यातृमनोहरः ।
ज्योतिः संस्थोऽतिरम्यांगः सुरेखारुणपत्तलः ।। १०४ ।।
चार्वंगुलि – र्नखेन्द्वालि प्रभापहृतहृत्तमाः ।
पद्मकोशातिमृदुल – चरणस्तुंग – गुल्फकः ।। १०५ ।।
हृस्वजंघो वृत्तजानुः समोरुः सत्सितां शुकः ।
गंभीरनाभिराजानु भुजस्तत भुजांतरः ।। १०६ ।।
ધ્યાનમાં શ્રીહરિનું સ્વરૂપ કેવું ધારવું તો ખટ્વાંગ રાજાના આત્મા છે ને ભક્તજન તેમણે પોતાના હૃદયકમળમાં ધ્યાન કરવા યોગ્ય છે ને ધ્યાતાના મનને આકર્ષણ કરે છે ને તેજના સમૂહમાં રહ્યા છે (૧૦૪). શ્રીજીના ચરણના અંગૂઠા ને આંગળીઓ તે તેજસ્વી છે ને કાંતિથી ભક્તના હૃદયના અંધકારને હરે છે. બે ચરણ તે કમલકોશ જેવા કોમળ છે. બે પગની ઘૂંટીઓ તે ઊપડતી ને અંગેઅંગમાં રમણીય છે. પગનાં તળાં રક્ત ને ઊર્ધ્વરેખા આદિ ચિહ્ને સહિત છે (૧૦૫). બે ચરણની જંઘાઓ, પિંડીઓ ને નળીઓ તે અનુક્રમે ઉપલે ભાગે પુષ્ટ છે ને સુંદર કોમળ છે, અને બે જાનું જે ઢીંચણ તે ગોળ ને તેજસ્વી છે. બે ઉરુ જે સાથળ તે સમ છે ને શ્વેત એવા સુંદર વસ્ત્રથી ઢંકાયેલા છે. ઉદરમાં નાભી ગોળ ને ગંભીર છે. શ્રીજીના બે ભુજ તે જાનુ પર્યંત લાંબા છે ને ભુજાંતર જે વક્ષસ્થળ૧ તે વિશાળ છે (૧૦).
कंठलंबित हारालिः कंबुकंठाऽरुणाधरः ।
प्रफुल्लपद्मवदनः कुंददंतोऽमितस्मितः ।। १०७ ।।
કંઠમાં હારની પંક્તિ લંબાયમાન છે ને કંઠ શંખ સરખો રેખાઓવાળો છે, અધર (ઓષ્ટ) રક્ત છે, વદન પ્રફુલ્લિત કમળ જેવું શોભે છે, દંત તે કુંદકુસુમ સરખા છે ને મુખ મંદમંદ હાસ્યવાળું છે (૧૦૭).
तिलपुष्पाभनासांत श्यामबिंदुः समश्रवाः ।
वामश्रवोऽन्तरश्याम बिंदुः पद्मदलेक्षणः ।। १०८ ।।
विशालभालतिलकः सूक्ष्मवक्रशिरोरुहः ।
शिरः पटलसत्पुष्पा पीडराजि स्वभक्तद्दक् ।। १०९ ।।
તિલ-પુષ્પસદશ કોમળ નાસિકાને સમીપે શ્યામ તિલ છે ને બંને શ્રવણ તે સરખા છે, ને ડાબા કર્ણની અંદર પણ શ્યામ તિલ છે. બે નેત્ર પદ્મપત્ર જેવા સુશોભિત છે (૧૦૮). વિશાળ લલાટમાં ચંદ્રક સહિત ઊભું તિલક છે. મસ્તકના કેશ સૂક્ષ્મ ને વક્ર છે ને મસ્તકે મોળિયામાં પુષ્પના શેખરની (તોરાની) પંક્તિ શોભી રહી છે ને પોતાના ભક્ત સામું જોઈ રહ્યા છે (૧૦૯). ભક્ત તેમણે આવી પોતાના ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ ધ્યાનમાં ધારવી એ જ ધ્યેય સ્વરૂપ જાણવું.
હવે ધ્યાનનું પ્રયોજન કહીએ છીએ : અનાદિમુક્તની માફક નિરવધિકાતિશય પ્રેમપૂર્વક શ્રીજીમહારાજની મૂર્તિના આનંદના અનુભવની પ્રાપ્તિ એ જ ધ્યાનનું પ્રયોજન છે. તે સ. જી. પ્ર. ૫, અ. ૬૦માં જણાવે છે :-
ध्यानमभ्यसतो नित्यमित्थं वै योगिनोऽचिरात् ।
प्रेमा विवर्धते विष्णौ भक्तानामभिवांछितः ।। १२ ।।
આ પ્રકારે નિત્યે ધ્યાનનો અભ્યાસ કરતો એવો યોગી - ધ્યાની - જ્ઞાની ભક્ત તેને અભિવાંછિત પ્રેમ શ્રીહરિમાં વૃદ્ધિ પામે છે (૧૨).
वेदैस्तूक्ता सर्वयज्ञक्रियास्तु यज्ञाज्जप्यं ज्ञानमाद्दुश्च जप्यात् ।
ज्ञानात् ध्यानं संगरागादपेतं तस्मिन् प्राप्ते शाश्वतस्योपलंभः ।। ७ ।।
સર્વ યજ્ઞની ક્રિયા વેદે કહી છે અર્થાત્ સકલ યજ્ઞવિધિ વેદ પ્રતિપાદિત છે તે યજ્ઞસમૂહ થકી, જપવા યોગ્ય ‘સ્વામિનારાયણ’ નામમંત્રનો જપ કરવો તે શ્રેષ્ઠ છે. નામમંત્ર જપવા થકી પણ ‘જ્ઞાન’ કહેતાં, પ્રત્યક્ષ ભગવાનનું યથાર્થ માહાત્મ્યજ્ઞાન સમજવું તે શ્રેષ્ઠ છે. જ્ઞાન થકી રાગે રહિત એવું ધ્યાન તે શ્રેષ્ઠ છે. એવું ધ્યાન સિદ્ધ થતાં, અનાદિ દિવ્યમૂર્તિ શ્રીહરિની પ્રાપ્તિ થાય છે કહેતાં પોતાના આત્મામાં શ્રીજીની તેજોમય મૂર્તિનાં દર્શન થાય છે (૭).