૧૩. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધામ

(પ્રત્યક્ષાર્થ)

સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે, તે ‘‘અમને પ્રિય એવું ધામ ‘ગોલોક’ છે’’ - એમ મૂળશ્લોકમાં કહ્યું. તેમાં ‘ગો’ શબ્દ કિરણવાચક છે ને ‘લોક’ શબ્દ સમૂહવાચક છે, એ હેતુથી કિરણ તેનો સમૂહ તેને ગોલોક કહ્યું છે; અર્થાત્‌ શ્રીહરિનું ધામ તેજના સમૂહરૂપ છે; કહેતાં પોતાનો પ્રકાશ - એ જ અક્ષરધામ છે. તે હરિવાક્યસુધાસિંધુ તરંગ ૧૨૭ તથા ૬૬માં અનુક્રમે સ્વયં શ્રીજીમહારાજે કહ્યું છે :-

सच्चिदानंदरूपं यद्‌ ब्रह्म निर्गुणमक्षरम्‌ ।

अंगप्रकाशस्तत्त्वस्य धाम चेत्युक्तमस्ति हि ।। ३ ।।

निराधारं न तेजः स्यादिति सर्वत्र दृष्यते ।

तदंगकांतिस्तेजोऽतो यद्‌ ब्रह्मेत्युच्यतेऽक्षरम्‌ ।। ४ ।।

સત્‌, ચિત્‌ ને આનંદરૂપ એવું જે નિર્ગુણ અક્ષર અવિચળ બ્રહ્મ, તે આ શ્રી હરિકૃષ્ણ ભગવાનના ‘અંગનો પ્રકાશ’ છે; તેને જ અક્ષરધામ કહ્યું છે (૩). વળી તે તેજ, નિરાધાર નથી રહેતું, - સર્વ સ્થળને વિષે દેખાય છે; એ જ હેતુ માટે ભગવાનના ‘અંગની કાંતિ’ જે શ્રીહરિનો પ્રકાશ, તેને જ અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે (૪). વળી એ જ ગ્રંથના તરંગ ૪૫ તથા ૧૪૬માં પણ અનુક્રમે શ્રીહરિએ કહ્યું છે :-

सच्चिदानंदरूपं यत्‌ पूर्णं ब्रह्मास्ति सर्वतः ।

तेजस्‌ तस्यैव तज्ज्ञेयं निराकारमनावृतम्‌ ।। ५ ।।

यस्मिस्तेजसि तद्रूपं भक्त्येकरसे सिते ।

आत्मब्रह्माऽक्षराद्याभिस्तदाख्याभिः प्रकीर्त्यये ।। ६ ।।

સત્‌, ચિત્‌ ને આનંદરૂપ, સર્વત્રપૂર્ણ, નિરાકાર ને આવરણે રહિત - એવું જે બ્રહ્મ, તે ભગવાન એવો હું તે મારું તેજ છે (૫). વળી કહ્યું છે : એકરસ, શ્વેત, એવું જે તેજ તેને વિશે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે, તે ‘તેજ’ને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ (૬).

સ. ભૂ. અંશ ૨, અ. ૩૮માં ત્રિદેવો શ્રીહરિની સ્તુતિ કરે છે :-

अगणितचंद्रमोऽर्ककरशुभ्रतरे निबिडे महसि घनाकृतिस्त्वम-गुणोऽक्षरनाम्नि सदा ।

स्वजनयुतः स्थितोऽसि स किमभ्युदयाय तु नो विचरति वर्ण्यतेंऽडह दिष्टमतो बत नः ।। ९ ।।

હે ભગવન્‌ સ્વામિનારાયણ ! અસંખ્ય સૂર્ય-ચંદ્રસંબંધી કિરણસમૂહની માફક, અતિ શુભ્ર ‘અક્ષરનામક ઘાટા તેજ’માં પોતાના મુક્તોએ સહિત રહેલા તમે ઘનશ્યામ દિવ્ય નિર્ગુણ મૂર્તિ છો, તે તમે અમારા અભ્યુદય માટે જ આ બ્રહ્માંડમાં સદા વિચરો છો - એ આનંદની વાત છે; અમારા ભાગ્યનું શું વર્ણન કરીએ ! તેનું વર્ણન થઈ શકે તેમ નથી. (૯)

વળી શ્રીજીમહારાજનું ધામ તેજના સમૂહરૂપ જ છે એમ જણાવે છે :-

तेजःपुंजे स्थिते दिव्ये सिंहासने स्थितः सदा ।

भगवानस्त्यक्षरातीतो भवान्‌ पुरुषोत्तमः ।। १० ।।

‘અક્ષરાતીત’ એટલે મૂર્તિમાન અક્ષરથી પર, પુરુષોત્તમ એવા તમે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે ‘તેજઃપુંજરૂપ’ તમારું ધામ, તેમાં દિવ્ય સિંહાસન ઉપર સદા વિરાજમાન છો (૧૦). વળી સદ્‌. નિત્યાનંદ સ્વામીએ વિશ્વમંગલ સ્તોત્રમાં કહ્યું છે :-

ब्रह्मतेजसि सुदिव्यविग्रहो ब्रह्मरूपनिजभक्तसंगतः ।

धर्ममन्दिरमहार्हमण्डनं प्रीति मे तु मयि भक्तिनन्दनः ।। ११ ।।

‘બ્રહ્મતેજસિ’ કહેતાં ‘બ્રહ્મતેજમાં’ સુંદર દિવ્યવિગ્રહથી પોતાના બ્રહ્મરૂપ મુક્તોની સાથે વિરાજમાન અને ધર્મદેવના ભવનના મહા અમૂલ્ય આભરણરૂપ, એવા ભક્તિનંદન શ્રી સ્વામિનારાયણ ભગવાન મારા ઉપર અતિશય પ્રસન્ન થાઓ (૧૧).

વળી તે તેજનો સમૂહ શ્રીજીમહારાજના સકલ અંગમાંથી પ્રગટ થયેલો છે. તે સ. ભૂ. અંશ ૧, અ. ૪૦માં શ્રી વ્યાપકેશમુનિએ કહ્યું છે :-

देदीप्यमानं महसा सितेनाऽनंतार्कचंद्राधिरुचासमंतात्‌ ।

निजांगतो निःसरतारुणोष्ठं शुभ्रांबरार्द्रं वयसा किशोरम्‌ ।।

પોતાના સકલ અંગમાંથી નીકળતું, અનંત સૂર્ય - ચંદ્રથી પણ અધિક ને શ્વેત એવું ‘મહસા’ જે ‘તેજ’ કહેતાં તેજનો સમૂહ - તેણે કરીને તેજોમય, શ્વેતાંબરધારી, કોમળ ને કિશોરમૂર્તિ એવા શ્રીહરિનાં ભક્તિમાતાને દર્શન થયાં (૧૩).

હરિવાક્યસુધાસિંધુ ત. ૨૬૯માં પણ કહ્યું છે :-

विराजतेऽक्षरे धाम्नि स हि राजाधिराजवत्‌ ।

स एव च नराकारो भुवि साक्षात्समीक्ष्यते ।। १६ ।।

અક્ષરધામને વિષે રાજાધિરાજપણે દર્શન દે છે, તે જ આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ મનુષ્યાકારે દેખાય છે (૧૬).

શ્રીહરિએ જ્ઞાનામૃત સ. જી. પ્ર. ૪, અ. ૭૨માં કહ્યું છે :-

ब्रह्मस्वरूपेण ततो भजेत्तं स्वेनात्मनैवाऽत्र मुने ! मुमुक्षुः ।

तेनैव यायात्परमं समाधिं ततो हरेर्धाम परात्परं च ।। २७ ।।

હે નિત્યાનંદ મુને ! તે હેતુ માટે મારો ભક્ત, પોતાના આત્માને તેજઃપુંજરૂપ જે બ્રહ્મ, તેરૂપ માનીને, ‘તં = માં’ મને ભજે. ‘તેન’ એટલે, આવી રીતે બ્રહ્મરૂપ થઈને મારું ભજન કરવાથી આ લોકમાં, ‘પરમં સમાધિં યાયાત્‌’ મારી મૂર્તિનો સાક્ષાત્કાર પામે છે; એટલે તેજમાં મૂર્તિનાં દર્શન થાય છે - મારું સાધર્મ્ય પામે છે; અર્થાત્‌ દિવ્યસાકાર થાય છે. ત્યાર બાદ ‘પરાત્પરં’ એટલે સાકાર અક્ષરથી પર મારું ધામ તેને પામે છે (૨૭).

આવી રીતે અક્ષરધામ સર્વ ધામોથી મોટું છે, ને વચનામૃતમાં પણ અક્ષરધામને અધોઊર્ધ્વ પ્રમાણે રહિત કહેલું છે. અને મૂળપુરુષનું જે ગોલોકધામ છે તેના વિસ્તારનું તો ‘વેદરસ’માં શ્રીજીમહારાજે પ્રમાણ-માપ બતાવેલું છે ને ‘ભક્તચિંતામણિ’૧ આદિ શાસ્ત્રમાં પણ, તે ગોલોકના વિસ્તારનું પ્રમાણ કહેલું છે. વળી બદરિકાશ્રમ આદિ બીજાં ધામોનું પણ, શ્રીજીસમકાલીન સદ્‌. આધારાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ આદિ ગ્રંથોમાં માપ બતાવેલું છે; અર્થાત્‌ એ સર્વે ધામ પરિમિતતાવાળાં કહેલાં છે. માટે પ્રત્યક્ષાર્થમાં તો ગોલોક છે ઉપનામ જેનું, ને અતુલ-અમાપ એવું જે તેજના સમૂહરૂપ અક્ષરધામ, તે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રિય ધામ છે એમ જાણવું, - એ જ શ્રીહરિનો મુખ્ય સિદ્ધાંત છે.