૧. માનસિક પૂજા

।। श्री स्वामिनारायणो विजयतेतराम्‌ ।।

સ્તુતિ

यं साम्येन वदन्ति येऽक्षरपरं सर्वावतारै – र्जनाः

मंदास्ते त्ववतारिणोऽस्य न परं जानन्ति तत्त्वं प्रभोः ।

यस्याज्ञां निवहन्ति मंगलकरां सर्वेऽक्षराद्याः सदा

वन्दे तं पुरुषोत्तमं च सहजानंदं सदा नन्ददम्‌ ।।

૧. માનસિક પૂજા

શ્રીજીમહારાજના ભક્ત હોય તેમણે હંમેશાં માનસી પૂજા અવશ્ય કરવી એમ મહારાજની આજ્ઞા છે. હવે માનસી પૂજા એટલે શું? તો જેવી રીતે બહારથી બધી સામગ્રીઓ ભેગી કરીને દેહે કરીને આપણે મહારાજનું પૂજન, વંદન, સેવા વગેરે કરીએ છીએ, તેવી જ રીતે મનની ભાવનાએ કરીને બધી સામગ્રીઓ એકઠી કરી મહારાજનું પૂજન-વંદન-સેવા કરવી તે જ છે. આવી રીતે જો રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને જો પૂજા કરે તો મહારાજે વચનામૃતમાં પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાનું સરખું ગૌરવપણું કહેલું છે તે માનસી પૂજા કરવાની આજ્ઞા શિક્ષાપત્રી શ્લો. ૫૩માં કરેલી છે તે જુઓ :-

पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया ।

मनसा पूजनं कार्यं तत: कृष्णस्य चाखिलै:॥53॥

આ શ્લોકમાં મહારાજે કહ્યું છે જે, ‘‘અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન - પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. આમાં શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે શ્રીજીમહારાજે પોતાને જ કહ્યા છે એ હેતુથી શ્રીજીમહારાજની માનસી પૂજા દિવસમાં પાંચ સમય કરવી. તેમાં (૧) પ્રથમ મંગળા ને શણગાર - આરતીથી માનસી પૂજા સવારમાં પાંચથી સાત વાગ્યા સુધીના સમયે કરવી. પછી પ્રતિમા પૂજા કરવી. ત્યાર બાદ (૨) બીજી રાજભોગની માનસી પૂજા સાડાદસથી સાડાઅગિયાર વાગ્યા સુધીમાં કરવી. પછી (૩) ત્રીજી ઉત્થાપનની માનસી પૂજા દિવસે ચાર વાગ્યાના સુમારે કરવી. (૪) ચોથી સાયં સંધ્યા - આરતી કર્યા પછી કરવી અને (૫) પાંચમી શયન-આરતી કરીને અથવા નિત્યનિયમ કરીને કરવી. વહેલું - મોડું થઈ જાય તો પણ માનસી પૂજા કરવી, કારણ કે માનસી પૂજા કરવાનું માહાત્મ્ય સત્સંગિભૂષણ - અં. ૩, અ. ૪૮માં કહ્યું છે ત્યાં શ્લોક :-

तामिमां धनदां सधः पुत्रदां पापनाशिनीम्‌ ।

तदर्चां सहजानन्द – नाम्नस्तस्य शुभप्रदाम्‌ ।। १ ।।

पञ्‌चसु कालतो ये या नराः नार्यश्च कुर्वते ।

तेषां च श्रद्धया स्नेह-वृद्धिस्तत्रान्वहं हरौ ।। २ ।।

अध्यधि जायते तस्य प्रेम्णा पुंभिस्ततोऽनघाः ।

सस्त्रिभि – र्वोऽन्वहं कार्या तत्‌ पूजात्यादराद्धरेः ।। ३ ।।

શ્રીહરિ ભગવાન પોતાના ભક્તોને કહે છે : ‘હે અનઘાઃ’ કહેતાં નિષ્પાપ એવા ભક્તજનો ! તમારે સહજાનંદ નામક પ્રત્યક્ષ પુરુષોત્તમ એવો હું તે મારી માનસી પૂજા કરનાર સકામ ભક્તને સ્ત્રી, પુત્ર ને ધનની તત્કાલ પ્રાપ્તિ કરાવે છે ને પાપનોે પ્રલય કરે છે અને મોક્ષ પ્રદાન કરે છે, એવી મારી માનસી પૂજાને જે પુરુષો ને જે વનિતાઓ શ્રદ્ધાથી નિત્યે કરે છે તેમને ભગવાન એવો હું તે મારે વિષે સ્નેહની વૃદ્ધિ થાય છે. માટે સ્ત્રીઓ ને પુરુષો એવા તમારે શ્રીહરિ જે હું તે મારી માનસી પૂજા અતિ પ્રેમભાવથી નિત્યે કરવી. તે માનસી પૂજા કરવાનું છે. વ. ૨૩માં પણ કહ્યું છે તે જુઓ :-

શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, ‘જે ભગવાનનો ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસી પૂજા કરે, તે માનસી પૂજા કરવાની એમ વિક્તિ છે જે ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણે ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી.’

હવે માનસી પૂજા કરવાની વિગત કરીએ છીએઃ ભગવદ્‌ ભક્ત પ્રથમ પવિત્ર થઈને પવિત્ર આસન ઉપર બેસી શ્રીહરિનો મહિમા વિચારે, પછી પોતાના આત્માને ત્રણ દેહ થકી પૃથક્‌ માનીને તેજઃપુંજરૂપ અક્ષરબ્રહ્મની સાથે તે આત્માની ઐક્યપણાની ભાવના કરે, પછી અક્ષરધામરૂપ પોતાના આત્મામાં વિરાજમાન રહે ને મુક્તે સહિત એના પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરે. પછી માનુષી લીલાને કરતા એવા શ્રીજીમહારાજ યોગનિદ્રા ગ્રહણ કરીને સુખશય્યામાં પોઢ્યા છે, અને સંતો ને ભક્તજનો દર્શન કરવાની રાહ જોઈને બેઠા છે. તેમાં કોઈ સ્તુતિ - પ્રાર્થના કરે છે, કોઈ ધ્યાન કરે છે, તે જ સમયે શ્રીહરિ જાગ્રત થયા ત્યારે તકિયો લઈને શ્રીહરિને કમરે મૂક્યો ને શ્રીજી તકિયાનું ઓઠિંગણ દઈને વિરાજમાન છે, તેમના અંગેઅંગ અતિશય શોભે છે, તે સર્વે અંગમાં ચિત્તનો નિરોધ કરવો-એમ ધ્યાન કરું છું, ત્યાં શ્રીજીને સ્નાન કરવાનો સમય થયો ત્યારે શ્રીજીમહારાજ સ્નાન વગેરે નિત્યનિયમ કરવા ઊભા થયા ત્યારે તેમને જળનો લોટો આપ્યો. તેને લઈને શ્રીજી શૌચવિધિ કરીને આવ્યા; તેમને જળ ને મૃત્તિકાથી હસ્ત - ચરણની શુદ્ધિ કરાવીને દાતણ આપ્યું ને શ્રીજીમહારાજ દાતણ કરે છે. તેમને સારું સુગંધીમાન જળપાત્ર મુખમાર્જન કરવા મૂક્યું. તેણે કરીને શ્રીજીમહારાજ મુખમાર્જન કરીને એક સુંદર પાટ ઉપર સ્નાન કરવા બેઠા. તેમના અંગેઅંગમાં અત્તર ને સુવાસિત સુગંધીથી હું કોમળપણે મર્દન કરું છું. પછી શ્રીહરિ ઉપર સુગંધીમાન સુંદર જળધારા પડે છે. હું શ્રીહરિજીના ચરણથી કટિપર્યંત ને કટિથી કંઠ સુધી બે બાહુ ને મસ્તકપર્યંત સર્વે અંગેઅંગને મર્દન કરીને સ્નાન કરાવું છું, એમ શ્રીજીને ધારવા. પછી શ્રીહરિના અંગેઅંગનું માર્જન કરીને અતિ ઉત્તમ ધોતી પહેરવા આપવી ને કંઠમાં કંઠી પહેરાવવી ને ડાબે ખભે શ્વેત ઉપવીત ધરાવવું ને અતિ સુંદર વસ્ત્રનું અંગરખું પહેરાવવું ને સૂક્ષ્મ ને બહુ મૂલ્યવાળું વસ્ત્ર મસ્તકે બંધાવવું ને ઝીણું ને ઉજ્જવળ વસ્ત્ર ખભા વિષે ધરાવવું. પછી અતિ ઉત્તમ અત્તર, કેસર, ચંદન તે લલાટ વગેરે અંગમાં ચર્ચવું અને ગુલાબ, ડોલર, જૂઈ, જાઈ, ચંપા, ચમેલી આદિ પુષ્પના હાર, તોરા, ગુચ્છ, ગજરા, બાજુબંધ તે અંગેઅંગમાં ધરાવવા ને ધૂપ-દીપ અર્પણ કરવા. પછી સાકર, એલાયચી વગેરે નાખી ગરમ કરીને સોનાના કટોરામાં રાખેલું જે દૂધ તથા ચાંદીના પાત્રમાં દહીં હોય તે તથા જલેબી, મેસૂર વગેરે દિવ્ય ભોજન જમવા ને પાન કરવા આપવા; તેને શ્રીહરિ જમે છે ને પાન કરે છે, હું પંખો નાખું છું ને શ્રીજીની મૂર્તિ અતિશય જ શોભે છે એવી મૂર્તિ જીવાત્મામાં ધારવી. પછી શ્રીહરિએ જમીને તૃપ્ત થઈ શીતળ સુગંધીવાળું જળપાન કર્યું ને મુખવાસ જમતા થકા પલંગ ઉપર વિરાજમાન થયા અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ઉત્તમનૃપ (દાદાખાચર) ને પર્વતભાઈ આદિ અનંત મુક્ત પ્રસાદી જમીને શ્રીજીની ચારેકોર આવીને બેઠા થકા દર્શન કરે છે ને મૂર્તિનું સુખ લે છે, એવા મુક્તે સહિત શ્રીજીમહારાજનાં દર્શન - સ્પર્શના સુખરૂપ પ્રસાદ લઈને તેમને અક્ષરધામરૂપ પોતાના આત્મામાં પધરાવીને તેમાં અખંડ વૃત્તિ જોડી રાખવી.

શીતઋતુ હોય તો શ્રીજીમહારાજને પ્રથમ કહ્યું તેવી જ રીતે ધારવા, પરંતુ ગરમ પકવાન જમાડવાં ને વસ્ત્ર પણ ભારે ને ગરમ તથા સોનેરી પહેરાવવાં અને હીરા-મોતીથી જડેલાં અમૂલ્ય આભૂષણ પહેરાવવાં ને ચોમાસું હોય ત્યારે શ્વેત, ઝીણાં ને ઘાટાં એવાં સુંદર વસ્ત્ર પહેરાવવાં, આવી રીતે શ્રીજીની સેવા ઋતુને અનુસારે કરવી. આ પ્રથમની માનસી પૂજા કહી.

હવે (૨) બીજી રાજભોગની જે માનસી પૂજા તેનો સમય દસથી સાડાઅગિયાર સુધીનો ઉત્તમ છે. તેમાં શ્રીહરિને એમ ધારવા જે, દિવ્ય સિંહાસનમાં શ્રીજી વિરાજમાન છે, દિવ્ય પોશાક પહેર્યો છે ને મુક્તો શ્રીહરિજીનાં દર્શન-સ્પર્શનો આનંદ અનુભવે છે. પછી જમવાનો સમય થયો ત્યારે શ્રીહરિએ ભારે પોશાક ઉતારીને એક પીતાંબર પહેર્યું ને એક શ્વેત વસ્ત્ર ઓઢ્યું ને સુશોભિત પાટલા ઉપર જમવા બેઠા ત્યારે શ્રીજીમહારાજને જમવા સોનાના થાળમાં તે વાડકામાં દૂધપાક, પૂરી, આમ્રરસ ને પૂરણપોળી વગેરે પૂર્ણ ભરીને ધર્યાં ને બીજા કેટલાક વાડકામાં શાક, દાળ, ભાત આદિ દિવ્ય ભોજન શ્રીજીની આગળ ધર્યાં અને શ્રીહરિ જમે છે ને સર્વે મુક્ત દર્શન કરે છે એમ ધારવા. પછી જમીને તૃપ્ત થયા એટલે શીતળ સુગંધીમાન જળપાન કરવા આપ્યું. તે વડે હસ્ત ને મુખ શુદ્ધ કરીને જળપાન કર્યું. પછી મુખવાસ જમે છે ને પલંગ ઉપર વિરાજમાન થાય છે ને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ઉત્તમનૃપ જે દાદાખાચર તથા પર્વતભાઈ આદિ મુક્ત શ્રીજીની પ્રસાદી જમીને શ્રીજીની ચોમેર આવીને બેઠા થકા દર્શન-સ્પર્શનો આનંદ અનુભવે છે ને મેં શ્રીજીનાં દર્શન, સ્પર્શ ને સુગંધરૂપ પ્રસાદ લઈને મુક્તે સહિત શ્રીજીમહારાજને મારા હૃદયાકાશરૂપ ચિદાકાશમાં પધરાવ્યા. એમ ધ્યાન કરવું. આ બીજી માનસી પૂજા થઈ.

હવે (૩) ત્રીજી ઉત્થાપનની માનસી પૂજાનો સમય સાડાત્રણનો કે ચારનો છે. તે સમયે શ્રીજીમહારાજે પલંગમાં યોગનિદ્રા અંગીકાર કરીને સુખશય્યામાં શયન કર્યું છે અને સાડાત્રણનો સમય થયો ત્યારે મોટા સંતો ને હરિભક્તો શ્રીહરિજીનાં દર્શન કરવા આવ્યા. તેમાં કેટલાક શ્રીહરિજીનાં દર્શનની ઇચ્છા રાખી ધ્યાન-માનસી પૂજા કરે છે ને કેટલાક કીર્તન-ભજન કરે છે. શ્રીહરિજીના સારુ મેવો તથા ફળ સુધારીને મોટાં પાત્ર ભરી રાખ્યાં છે ને સુગંધીમાન જળના લોટા ભરીને રાખ્યા છે. શ્રીહરિ જાગ્રત થયા ત્યારે મુક્ત ‘જય ! જય !’ શબ્દ બોલી દર્શન કરતા હતા ને શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજના તથા સુખના ફુવારા છૂટતા હતા. પછી મેં શ્રીહરિજીને જળનો પ્યાલો આપ્યો, તેણે કરી જળના કોગળા કરીને મુખમાર્જન કરીને જળપાન કર્યું, ત્યારે મેં મેવાનાં પાત્ર અર્પણ કર્યાં અને શ્રીજીમહારાજ મેવો તથા દિવ્ય ફળ જમે છે, સર્વેને પ્રસાદી આપે છે અને તે મુક્તો પ્રસાદી જમે છે. પછી શ્રીહરિ અશ્વે અસવાર થઈ સંત-હરિભક્તોને સાથે લઈ સાભ્રમતિ ગંગાએ સ્નાન કરવા પધાર્યા. ત્યાં ગંગાને કાંઠે વસ્ત્ર ઉતારીને એક વસ્ત્ર પહેરીને જળમાં પ્રવેશ કર્યો અને મુક્તો સાથે જળમાં દિવ્ય જળક્રિડા કરવા લાગ્યા. આવી રીતે સ્નાન કરતા અને મુક્તોને આનંદ ઉપજાવતા થકા સ્નાન કરીને પછી જળમાંથી બહાર આવ્યા અને બીજાં વસ્ત્ર પહેરીને મુક્તમંડળ સહિત મંદિરમાં આવ્યા. ત્યાં સિંહાસન ઉપર વિરાજમાન થયા. પછી હું શ્રીજીમહારાજને ચંદન ચર્ચું છું ને ઉત્તમ પુષ્પના હાર, તોરા, ગજરા, બાજુબંધ ધરાવું છું તે સમયે શ્રીજીમાંથી અતિ સુગંધ પ્રસરી રહી છે ને તેજની સેડ્યો છૂટી રહી છે એવા શ્રીહરિનાં દર્શનથી અપાર દિવ્ય સુખ આવે છે; હું મૂર્તિ સામું જોઈ રહ્યો છું ને મૂર્તિ સાથે મારા આત્માનું એકાત્મપણું પામીને એકકાળાવચ્છિન્ન સળંગ સ્વરૂપનો આનંદ અનુભવું છું તેમ જ બીજા મુક્ત પણ શ્રીજીના સુખમાં થીજી રહ્યા છે - આમ માનસી પૂજા કરીને તે મૂર્તિનું અનુસંધાન અખંડ રાખવું. આ ત્રીજી માનસી પૂજા કહી.

હવે (૪) ચોથી સાયંસંધ્યાની માનસી પૂજાનો સમય આરતી પછી છે. એ સમયે શ્રીહરિ દિવ્ય આસન ઉપર બેઠા છે અને મહારાજાધિરાજપણાની શોભાયે યુક્ત શોભી રહ્યા છે. અનંતમુક્ત અને અનાદિમુક્ત જેમની સેવામાં હાજર છે અને સકળમુક્તને સુખકારી, દિવ્ય ને અલૌકિક સ્વરૂપ છે જેમનું એવા ભક્તિ - ધર્માત્મજ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની હું આરતી કરું છું; સર્વે મુક્ત દર્શન કરે છે ને આરતીનું પદ બોલે છે. શ્રીજીમહારાજમાંથી સુખમય તેજના બિંબ છૂટી રહ્યા છે. અતિશય સુખ આવે છે. એવી રીતે આરતી થઈ રહી અને મુક્ત સર્વે શ્રીજીમહારાજનાં દર્શન કરે છે ને શ્રીજી મુક્તની છાતીમાં ચરણ આપે છે. મને પણ છાતીમાં ચરણ આપ્યાં ને અતિ રાજી થઈને મળ્યા ને સર્વે મુક્ત ચોમેર બેઠા થકા દર્શન કરે છે. પછી શ્રીહરિજીને વાળુ કરવાનો સમય થયો ત્યારે શ્રીહરિએ સર્વે ભારે પોશાક ઉતારીને એક વસ્ત્ર પહેર્યું ને એક ઝીણું વસ્ત્ર અંગે ધાર્યું એવા શ્રીહરિ વાળુ કરવા બાજઠ ઉપર બેઠા. શ્રીજીમહારાજ આગળ ચાંદીના ભાજનમાં ઘી, ખીચડી, શાક, પુડલા, દહીં, દૂધ વગેરે દિવ્ય ભોજન ધર્યાં. તેને શ્રીજીમહારાજ જમે છે અને તૃપ્ત થઈને ચળુ કરી જળપાન કર્યું. પછી મુખવાસ જમતા થકા પલંગમાં બેઠા અને ગોપાળાનંદ સ્વામી તથા ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ આદિ મુક્ત શ્રીહરિના પ્રેમરૂપ પ્રસાદીનું પાન કરીને શ્રીહરિજીની પાસે સભામાં બેસીને દર્શનનું સુખ લે છે અને શ્રીહરિ સર્વે મુક્તને દર્શન, સ્પર્શ ને વાતોનું સુખ આપે છે ને હું પણ સુખ લઉં છું એમ શ્રીહરિનો અલૌકિક મહિમા વિચારીને તે મૂર્તિમાં ચિત્તનો નિરોધ કરવો. આ ચોથી માનસી પૂજા થઈ.

હવે (૫) પાંચમી માનસી પૂજાની વિગત એમ છે, જે રાત્રે અંત્ય કથા ને નિત્યનિયમની સમાપ્તિ થયા પછી શ્રીહરિને સુંદર કઢેલું દૂધ પાન કરવા આપવું. તેને પાન કરીને શ્રીહરિએ ગાદલું, ઓસીકાં ને ગાલમશૂરિયાં સહિત સુખશય્યામાં શયન કરીને યોગનિદ્રાને અંગીકાર કરી અને મારા હૃદયાકાશમાં પ્રેમરૂપ પર્યંકમાં (ઢોલિયામાં) શયન કર્યું છે, એમ દિવ્યભાવે શ્રીજીમહારાજ અક્ષરધામરૂપ મારા આત્મામાં અખંડ વિરાજમાન છે અને હું એ મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યો છું, એમ ધ્યાન કરવું. ઇતિ પાંચમી માનસી પૂજા સંપૂર્ણમ્‌.

આવી રીતે ભગવાનના ભક્ત પુરુષો ને વનિતાઓ તેમણે પ્રથમ કહ્યું તેમ પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની માનસી પૂજા માહાત્મ્યજ્ઞાને સહિત સ્નેહ અને શ્રદ્ધાથી દિવસમાં પાંચ વખત કરવી. જે ભક્તજનો શ્રીહરિના આશ્રિત થઈને માનસી પૂજા કરતા નથી તેમને મહાન દોષ લાગે છે, એમ સત્સંગિભૂષણ - અં. ૩, અ. ૪૭માં કહ્યું છે :-

सत्संगी यः पुमान्‌ भक्ताः स्त्री स्यात्‌ सत्संगिनी च या ।

द्वावेतावादीमां पूजामकृत्वा मानसीं प्रभोः ।। ४ ।।

यद्यन्नं च जलं तर्हि भुञ्‌जाते पिबतोऽनधाः ।

तावुभौ मांसमेवात्तो मदिरां पिबतश्च तौ ।

पेयं वोऽन्नं च तत्पूजां कृत्वैवाद्यं जलं ततः ।। ५ ।।

શ્રીજીમહારાજ પોતાના ભક્તોને કહે છે : હે ભક્તજનો ! સત્સંગી એવા જે પુરુષ ને સત્સંગી એવાં જે વનિતા હોય એ બેય પ્રથમ મારી માનસી પૂજા કર્યા વિના અન્ન ખાય અને જળ પીએ તો એ બંને કહેતાં પુરુષો ને વનિતાઓને આમિષ ખાધાસમ ને મદિરા પીધાસમ દોષ લાગે છે. એ હેતુ માટે તે મારી માનસી પૂજા કરીને અન્ન જમવું ને જળપાન કરવું. (૪-૫).

અને વળી સત્સંગિજીવન - પ્ર. ૨, અ. ૭માં નારાયણગીતામાં શ્રીહરિએ કહ્યું છે કે માનસી પૂજા કર્યા વિના અન્નજળ ખાવું - પીવું નહિ. તે જુઓ :-

स्नानं च द्विविधां पूजा-मकृत्वा प्रत्यहं हरेः ।

सर्वैरत्नं न भोक्तव्यं विना रोगादि पीडितान्‌ ।। १० ।।

શ્રીજીમહારાજે પોતાના ભક્તને કહ્યું છે : મારા ભક્ત હોય તે સર્વેએ પ્રાતઃ સ્નાન ને બે પ્રકારની મારી પૂજા જે માનસી પૂજા ને પ્રતિમા પૂજા તે કર્યા વિના કોઈ દિવસ અન્ન ખાવું નહિ, અર્થાત્‌ સ્નાન-પૂજા કરીને જ ખાવું - પીવું ને રોગાદિકથી અશક્ત હોય તેમણે મારું ચિંતવન કરવું અને દેહથી સ્નાન-પૂજા ન થાય તો તેનો દોષ નથી. (૧૦), તથા સત્સંગિજીવન - પ્ર. ૩, અ. ૬૨માં જનશિક્ષામાં :

उपविश्य तथैकान्ते ध्यात्वा प्रत्यहमेव तन्‌ ।

कर्तव्या मानसीपूजा मनोमल – विशोधनी ।। १६ ।।

શ્રીહરિએ કહ્યું છે જે મારા ભક્તોએ નિત્ય એકાંતે બેસીને મારું ધ્યાન કરીને મનમાં રહેલા વિષયના રાગ ને કામ, લોભાદિક દોષ છે તેની નિવૃત્તિ કરનારી મારી માનસી પૂજા નિત્યે પાંચ સમય કરવી (૧૬). તથા સત્સંગિજીવન - પ્ર. ૪ના દીક્ષાવિધિમાં –

विधाय मानर्सीं पूजां सद्‌गुरूक्त – क्रमेण च ।

प्रतिमायामिष्टदेवं तं भक्त्यावाहयेत मुनिः ।।

શ્રીજીએ કહ્યું છે જે દીક્ષાને પામ્યો એવો જે મુનિ કહેતાં સંત તે પ્રાતઃકાળમાં સ્નાન કરીને પૂજા કરવા બેસે ત્યારે પ્રથમ પોતાના ગુરુ થકી શીખેલી મારી માનસી પૂજા કરીને પછી માનસી પૂજામાં ભક્તિથી પૂજાયેલા એવા પોતાના ઇષ્ટદેવ જે અમે તે અમારું પ્રતિમામાં આવાહન કરવું. ઇતિ માનસી પૂજાવિધિ પ્રકાશ સમાપ્તમ્‌.