૧૩. અવતાર વિરુદ્ધ સાંભળવું નહિ
એક વાર મોટા શહેરમાંથી એક વિદ્વાન વક્તા ગામમાં આવ્યા.
તેમના જાહેર ભાષણની મોટી જાહેરાત થઈ.
પરાગને થયું કે વિદ્વાન વક્તા છે તો ચાલો, સાંભળીએ! કંઈ જાણવાનું મળશે.
સભામાં પરાગ એક ખૂણે શાંતિથી બેઠો.
શરૂઆતમાં કેટલાક વક્તાઓએ વિદ્વાનની વિદ્વતાનાં વખાણ કર્યાં. પછી તાળીઓના ગડગડાટ વચ્ચે વિદ્વાન વક્તા ઊભા થયા.
શરૂઆતમાં જ તેમણે કહ્યું: 'તમે તમારા દિમાગનાં બારણાં બંધ કરીને બેઠા છો, હું એ ઉઘાડવા આવ્યો છું. તમે તમારા પુરાણા પૂર્વગ્રહયુક્ત વિચારોની કિલ્લેબંધીમાં પુરાયેલા છો, હું તમને એ દુષ્ટ કિલ્લેબંધીમાંથી મુક્ત કરવા આવ્યો છું. તમે પાંખો વિનાનાં પંખી જેવા છો, હું તમને પાંખો દેવા આવ્યો છું.'
પરાગને આ શબ્દો ગમ્યા.
પછી વક્તાના વક્તવ્યનો પ્રવાહ ધસમસતો આગળ ચાલ્યો.
'આજે આપણે ચારેકોરથી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા છીએ. આપણે જેને જ્ઞાન કહીએ છીએ તે અજ્ઞાન છે. આપણે જેને શ્રદ્ધા કહીએ છીએ તે કેવળ વહેમો છે. આપણે જેને ચમત્કારો કહીએ છીએ તે કેવળ છેતરપિંડી છે, જાદુગરી છે; આપણે જેને ધર્મ કહીએ છીએ તે કેવળ ગુરુ નામે ઓળખાતા ગોધાઓને ચરી ખાવાનું ખેતર છે.
તમે આ ગુરુ કહેવાતા ગોધાઓને પૂછશો કે તમે ઈશ્વર ઈશ્વર કરો છો, તે ઈશ્વર ક્યાં છે? તો એક જણ આકાશ ભણી આંગળી ઊંચી કરી કહેશે કે ત્યાં મારો આકાશમાંનો બાપ છે. બીજો કહેશે કે ત્યાં ચંદ્રલોક, ગોલોક ને વૈકુંઠ છે, અને મારા ભગવાન ત્યાં આરામથી પોઢ્યા છે! આ સિવાય તેમની પાસે બીજો કોઈ જવાબ નથી, કારણ કે હકીકતે દેવ કે દેવી, ઈશ્વર કે પરમેશ્વર જેવી કોઈ ચીજ નથી, બધી મતલબી આળસુ ભેજાની કલ્પના છે. બસ, આંગળી ઊંચી કરી આકાશ દેખાડી દીધું! કોણ આકાશમાં જઈને તપાસ કરવાનું છે? પણ આ વીસમી સદીમાં અવકાશમાં જઈને તપાસ કરનારા નીકળ્યા! અવકાશયાત્રીઓ હજારો ગાઉ અવકાશમાં ઊડીને ચંદ્રલોકમાં યે જઈ આવ્યા અને આકાશમાં બધે જોઈ વળ્યા.
આ અવકાશયાત્રીઓને ખાસ કહેવામાં આવેલું કે આકાશમાં ક્યાંય ઈશ્વર ભરાઈ બેઠો હોય તો એની ખબર કાઢજો! પાછા આવીને એમણે કહ્યું કે અમે આકાશમાં ઊંચે-નીચે બધે જોયું, પણ ક્યાંય ઈશ્વર નથી! ચંદ્ર તો શું, પણ મંગળ અને ગુરુ જેવા ગ્રહોની ધરતીની પણ રજેરજ માહિતી આજે આપણી પાસે છે, અને ક્યાંય કોઈ દેવલોક નથી, ઇન્દ્રલોક નથી, ગોલોક નથી કે વૈકુંઠ નથી, ક્યાંય દેવો નથી, દેવીઓ નથી કે અપ્સરાઓ નથી! એ બધી કેવળ સ્વાર્થી આળસુ લોકોની મિથ્યા કલ્પનાઓ છે. જે કંઈ ખરેખર છે તે તો આ પૃથ્વી છે; નરલોક, પરલોક કે નાનાલોક (વિવિધ લોક) જે કહો તે બધું આ પૃથ્વી પર છે. આત્મા- પરમાત્માની વાત ડિંડવાણું છે, નીતિ-અનીતિનું યે એવું ડિંડવાણું છે, નહિ તો એક જગાએ જે નીતિ તે બીજી જગાએ અનીતિ એવું કેમ હોય? ભોળા લોકોના મનમાં ભીતિનું ભૂત પેદા કરવા માટે સ્વાર્થી લોકોએ આ નીતિનું તૂત ઊભું કર્યું છે.
ભગવાન ભગવાન કહી તાળીઓ કૂટનારા બધા જૂઠા છે. જ્યાં ખુદ ઈશ્વરનું જ અસ્તિત્વ નથી ત્યાં ઈશ્વરનો અવતાર કેવો? રામ એક દંભી માણસ હતો, શ્રીકૃષ્ણ એક કુટિલ કાવતરાખોર હતો. દંભી-કુટિલ ગુરુગોધાઓ આવાઓને પૂજવાનું કહે છે! એક આરબનો ગધેડો તોફાની હતો. એણે યજમાનને કહ્યું કે મારો ગધેડો ક્યાં બાંધું? યજમાને કહ્યું કે તમારો ગધેડો જ એનો ભાઈબંધ શોધી કાઢશે. આરબે ગધેડાને છૂટો મૂક્યો તો એ બીજા એવા જ તોફાની ગધેડાની પાસે જઈને ઊભો. જે જેવો હોય, તેને તેવો જ ગમે.
માટે બુદ્ધિથી વિચાર કરો. સૃષ્ટિ કોઈ ઈશ્વરે બનાવી નથી, આપોઆપ પેદા થઈ છે. ઑક્સીજન અને હાઈડ્રોજન મળે ને પાણી બની જાય એમ! માટે સ્વાર્થીઓએ ઊભી કરેલી આ ભ્રમણા-જાળમાંથી છૂટી મુક્ત માનવી બનો અને મુક્તપણે પૃથ્વીનાં સુખોને માણો. જિંદગી મોજ માટે છે, દુ:ખ વેઠવા માટે નહિ. તમારું સુખ, તમારો આરામ એ જ દુનિયામાં મોટામાં મોટી ચીજ છે. જીવવાનું એ સુખ માટે છે, માટે ખૂબ કમાઓ, ખૂબ સમૃદ્ધ થાઓ, ખૂબ વાપરો અને ખૂબ મોજ કરો!
તે માટે તમારે પહેલાં તો આ ધર્મના નામે ચાલતા વહેમોમાંથી છૂટા થવાનું છે, આ ગુરુ-ગોધાઓની નાગચૂડમાંથી મુક્ત થવાનું છે; એ માટે હું તમારા દિમાગનાં બંધ બારણાં ઉઘાડવા આવ્યો છું. હું તમને તમારા જરીપુરાણા જડ વિચારોની કિલ્લેબંધીમાંથી મુક્ત કરવા આવ્યો છું. હું કહું છું, નાખો એ ગુરુ-ગોધાઓને ખાડમાં અને થઈ જાઓ બધા બહાદુર બંકા! વિજય તમારો જ છે! સુખ-સમૃદ્ધિ તમારી જ છે!'
વક્તાનું પ્રવચન પૂરું થયું, પણ આગલી પાટલીઓ સિવાય બીજેથી પહેલાં જેવો તાળીઓનો ગડગડાટ થયો નહિ.
પરાગનું મન વિચારમાં પડી ગયું હતું કે શું જિંદગી માત્ર ખાઈ-પીને મોજ કરવા માટે જ છે? આજ લગી તે જે સમજતો હતો, તેનાથી તદ્દન ઊલટી જ વાતો આજે એણે સાંભળી હતી. તે રાતે તેને ખાવું ભાવ્યું નહિ. એની ભૂખ ઊડી ગઈ હતી. તે વહેલો વહેલો સૂઈ ગયો હતો.
બીજી સવારે એ વહેલો ઊઠી પોતાના નિત્યકર્મમાં પરોવાયો અને તેનું ચિત્ત કંઈક હળવું થયુંં.
સાંજે શાળામાંથી છૂટ્યા પછી એ સંત હરિભક્તદાસજીનાં દર્શને ગયો.
એનું મોં જોઈ સંતે કહ્યું: 'તું આજે કંઈ ઊંડા વિચારમાં લાગે છે.'
પરાગે કહ્યું: 'એવું જ છે. કાલે મેં એક વિદ્વાનનું વ્યાખ્યાન સાંભળ્યું છે. તેનાથી મારું ચિત્ત ચંચળ બની ગયું છે. મને સમજાતું નથી કે સાચું શું ને ખોટું શું? શું આત્મા-પરમાત્મા જેવું કંઈ છે જ નહિ? નીતિ માત્ર ભીતિ પેદા કરવા માટે છે? પૂજા-પ્રાર્થના માત્ર ભ્રમણા છે? વહેમ છે?'
સંત થોડી વાર ચૂપ રહી બોલ્યા: 'ભાઈ પરાગ, દરેક વિચારશીલ અને સમજદાર માણસના જીવનમાં કોઈ ને કોઈ વાર આવો વિષમ કાળ આવે છે. તે વખતે તેણે ખૂબ સ્વસ્થ રહેવું જોઈએ. હકીકત એ છે કે કાળક્રમે ઊભા થતા પ્રશ્નનો જવાબ દરેક જણ આપી શક્તો નથી. દરેક જણ પ્રશ્નનું વાસ્તવિક સ્વરૂપ સમજી શક્તો નથી. એવે વખતે જેના પર આપણને વિશ્વાસ હોય તેને નિર્ણયનું કામ સોપવું જોઈએ. બે માણસ વચ્ચેની તકરાર તેના નિવેડા માટે કોઈ ત્રીજા જ ડાહ્યા માણસને સોંપવામાં આવે તેવું આ છે. તે ત્રીજો માણસ જે નિર્ણય આપે તે આપણે સ્વીકારવો જોઈએ અને તે અનુસાર કામ કરવું જોઈએ. જો આવું ન કરીએ તો મતભેદો ગાઢા થતા રહે અને મતભેદોની ચક્કીમાં આપણે પિસાઈ લોટ થઈ જઈએ!'
પરાગ એક ચિત્તે સાંભળી રહ્યો.
સંતે કહ્યું: 'ગુરુઓને ગુરુ-ગોધા કહી નિંદનારો એ વક્તા બીજાઓનો ગુરુ થઈ એમને પોતાના માનેલા રસ્તે વાળવાનું કરે છે, તો એ પોતે પણ એવો ગુરુ-ગોધો જ ઠર્યો ને! પરંતુ કોઈના પણ માટે એવું હલકું વેણ કાઢવું મને પસંદ નથી. શ્રીજીમહારાજે 'શિક્ષાપત્રી'ના વીસમા શ્લોકમાં એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે કે, પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો. એ વિદ્વાને ધર્મ, નીતિ, અવતાર, ગુરુ વગેરે વિષે મિથ્યા અપવાદનું આરોપણ કરી જે કહ્યું તે તેમને મુબારક! જે ગંદી સાવરણી એ સજ્જન હાથમાં ઝાલી શકે છે તેને અમારાથી અડકી પણ નહિ શકાય! 'એ ખાડમાં પડો!' એવું અમારાથી નહિ બોલાય. અમે તો એમનું કલ્યાણ જ વાંછીશું અને પરમાત્મા પાસે એમનું ભલું જ માગીશું.'
થોડી વાર રહી તેમણે આગળ કહ્યું: 'શ્રીજીમહારાજના સંતોએ આવાં અનેક અપમાનો સહ્યાં છે, અનેક ટીકાઓ ખમી છે, પણ કદી તેમણે પોતાના ચિત્તને ચંચળ થવા દીધું નથી. તેમને શ્રીજીમહારાજ પર અચળ શ્રદ્ધા હતી. તકરારી બે જણા ત્રીજા જ ડાહ્યા જણનો ચુકાદો જરા પણ અનાકાની વગર માન્ય કરે, તેમ તેમણે આવા બધા પ્રશ્નો વિષે પોતાનું ચિત્ત શ્રીજીમહારાજની વાણી પર સ્થિર કર્યું હતું અને તેમાંથી તેમને ઉત્તર મળતો હતો, આશ્વાસન મળતું હતું અને બળ મળતું હતું. આપણે પણ શ્રીજીમહારાજની વાણીમાંથી આ વિષમ પરિસ્થિતિમાં બળ મેળવવું જોઈએ.
એક દૃષ્ટાંતથી આ વાત સ્પષ્ટ થશે.
શ્રીજીમહારાજના સંત સદાનંદ સ્વામી મોટા યોગી પુરુષ હતા. એક વાર ફરતા ફરતા તેઓ બાવળી નામે ગામમાં આવ્યા અને ગામના ચોરામાં ખીંટીએ ઝોળી ટીંગાડી એકાસને બેસી સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા લાગ્યા. એમની નિર્મોહી પવિત્ર મુખમુદ્રા જોઈ ગામના લોકો તેમના પ્રત્યે આકર્ષાયા અને એમનાં દર્શન કરવા ટોળે વળ્યા. સ્વામીએ એમને શ્રીજીમહારાજના મહિમાની વાતો કરી. લોકો રાજી થયા.
પણ ત્યાં રહેતા એક બાવાને આ ગમ્યું નહિ. એ બાવાનું નામ ભાણદાસ. એને બીક લાગી કે આ સાધુ અહીં રહેશે તો મારો ભાવ કોઈ નહિ પૂછે.
આ ભયે એને ગાંડો કર્યો. એણે સ્વામીને ગામમાંથી કાઢી મૂકવાનો ત્રાગડો કર્યો.
એણે સંતને કહ્યું: 'સાધુરામ, ચાલો, જરી સત્સંગ કરીએ!'
સ્વામી તો ભોળા, વિશ્વાસુ, સત્સંગના પ્યાસી. તરત બાવાની સાથે ચાલી નીકળ્યા.
બાવો એમને ગામથી દૂર નિર્જન જગાએ લઈ ગયો. પછી એકાએક હાથમાંની લાકડી સ્વામીના બરડા પર ફટકારી કહે: 'આજે હું તને છોડવાનો નથી.'
સંતે કહ્યું: 'ભલે ના છોડશો, પણ મેં એવો શો ગુનો કર્યો છે એ કહેશો?'
બાવાએ કહ્યું: 'ગુનો મોટો! તું સ્વામિનારાયણિયો છે. 'સ્વામિનારાયણ ખોટો છે' એવું તું ત્રણ વાર બોલે અને ગામ છોડી જતો રહે તો તને છોડું!'
સંતે કહ્યું: 'ગામ છોડી જવાનું તો સહેલું છે. આજે નહિ તો કાલે હું ગામ છોડી જવાનો જ હતો, પણ સ્વામિનારાયણ ખોટા છે એવું મારાથી નહિ બોલાય.'
'તો અહીં અત્યારે આ ઘડીએ તારું મોત થશે.' બાવાએ કહ્યું.
સંતે કહ્યું: 'ભલે થાય!'
આ સાંભળતાં જ બાવાએ જેમ ધોકા વડે લુગડાં ધુએ તેમ સંતને લાકડીથી પીટવા માંડ્યા અને મોટેથી બોલવા માંડ્યું: 'બોલ, સ્વામિનારાયણ ખોટો છે! બોલ, સ્વામિનારાયણ ખોટો છે.'
માર પડતો જાય એમ સ્વામી વધારે જોરથી બોલે: 'શ્રીજી સત્ય છે! સ્વામિનારાયણ સત્ય છે! શ્રીજી સત્ય છે! સ્વામિનારાયણ સત્ય છે!'
સ્વામીનો આ પોકાર થોડે દૂર એક ખેતરની ખળાવાડમાં કામ કરતા બે ખેડૂતના કાને પડ્યો. સૂંડા પડતા મૂકી એ બંને ત્યાં દોડી આવ્યા. જુએ તો બાવો સંતને મારે અને સંત બચાવમાં હાથ પણ ઊંચો કર્યા વિના માર ખાધા કરે અને 'શ્રીજી સત્ય છે!' બોલ્યા કરે! બાવાએ સંતને એટલા મારેલા કે તેના હાથમાંની લાકડીના કકડા થઈ ગયેલા!
એકદમ બંને જણે દોડીને બાવાને પકડી લીધો ને કહ્યું: 'ખબરદાર, આ સાધુ પર હવે હાથ ઉગામ્યો છે તો!'
બાવો એકદમ મિયાંની મિંદડી જેવો થઈ ગયો.
ખેડૂતોએ જોયું તો સંતનો આખો બરડો ચિરાઈ ગયો હતો, અને આખું શરીર લોહીલુહાણ હતું. તેમણે સંતને કહ્યું: 'મહારાજ, આટલો બધો માર પડ્યો, ત્યારે બોલી દેવું હતું ને કે સ્વામિનારાયણ ખોટા છે! એમ બોલવાથી સ્વામિનારાયણ થોડા જ ખોટા થઈ જવાના હતા? કથીર કહેવાથી સોનું કંઈ કથીર થઈ જતું નથી.'
સંતે કહ્યું: 'હું જાણું છું કે સ્વામિનારાયણનું સાચાપણું મારા કે કોઈના કહેવા પર આધાર રાખતું નથી, પણ તલતલ કરીને મને કાપે તો ય હું સ્વામિનારાયણ ખોટા છે એમ નહિ કહું. મારો અટલ વિશ્વાસ છે કે શ્રીજી સાચા છે, શ્રીજી જ સત્ય છે. મારનું મને દુ:ખ નથી, પણ મને મારતાં એ બિચારાની લાકડી ભાંગી ગઈ એનું મને દુ:ખ છે. હું ધાતુને સ્પર્શ કરતો નથી, એટલે મારી પાસે પૈસા નથી, નહિ તો હું એને નવી લાકડી લાવી આપત!'
સંતની આ વાણી સાંભળી ખેડૂતો તેમના પગમાં પડ્યા.
કથાનક પૂરું કરી સંતે કહ્યું: 'આનું નામ શ્રદ્ધા! ગમે એટલું બિવડાવીને, દુ:ખ દઈને પણ એના મનમાં શ્રીજીના સર્વોપરીપણા વિષે દ્વિધા ઉત્પન્ન કરી શકાઈ નહિ.'
પરાગે કહ્યું: 'સંતની સહિષ્ણુતા પણ કેવી!'
સંતે કહ્યું: 'સંતો શું, પણ શ્રીજીમહારાજના સાધારણ હરિભક્તમાંં ય આવી શ્રદ્ધાના અને સહનશીલતાના દાખલા જોવા મળે છે.
અમરેલી પાસે પીઠવાજાલ નામે ગામમાં ખીમો ડોબરિયો કરીને શ્રીજીમહારાજનો એક ભક્ત થઈ ગયો. ગામનો તે પહેલો જ સત્સંગી હતો.
ગામમાં એક જૂનું મંદિર હતું અને તેમાં એક બાવો રહેતો હતો.
બાવો ઊંચો, તગડો ને સ્વભાવે ક્રૂર હતો.
તેણે વિચાર કર્યો કે ખીમા પાસે સ્વામિનારાયણ ધર્મ છોડાવવો, નહિ તો આખું ગામ એની પેઠે સત્સંગી થઈ જશે અને મને હડધૂત કરશે.
એણે ખીમાને બોલાવી હુકમ કર્યો: 'કંઠી તોડી નાખ, નહિ તો આ ચીપિયો જોયો છે?'
ખીમો કહે: 'બાવાજી, ચીપિયાની બીકે કંઠી ના છૂટે!'
બાવાએ ફડાક કરતો ચીપિયો ખીમાના ખભા પર ફટકાર્યો.
ખીમો કહે: 'જય સ્વામિનારાયણ!'
બાવો વધારે ખિજાયો. એણે એલફેલ બોલવા માંડ્યું. ખીમાને અને સ્વામિનારાયણને ગાળો ભાંડવા માંડી.
ખીમો કહે: 'બાવાજી, મને ગમે એટલી ગાળો દો, પણ મારા સ્વામિનારાયણનું નામ ન લેશો.'
બાવો કહે: 'હું કંઈ એનાથી બીતો નથી.'
ખીમાએ કહ્યું: 'બીતો નથી તો બી! બીતાં શીખ!'
બાવાએ કહ્યું: 'અત્યારે તો હું તને શિખવાડું છું. કંઠી તોડ ને બોલ કે સ્વામિનારાયણ પાખંડી છે!'
ખીમાએ કહ્યું: 'જય સ્વામિનારાયણ!'
બાવો કદાવર હતો. એણે ખીમાને ભોંય પછાડી એના હાથ-પગ અવળા બાંધ્યા, પછી એની છાતી પર પોતાના ઢોલિયાનો પાયો રાખ્યો ને બીજા ત્રણ પાયા હેઠળ પથરા મેલ્યા અને પછી માતેલા સાંઢ જેવો એ ઢોલિયા પર ચડી બેઠો ને ઊંચો-નીચો થઈ હીંચકા ખાવા લાગ્યો.
ખીમા ભગતની વેદનાનો કંઈ પાર ન રહ્યો, પણ એના મુખમાં સ્વામિનારાયણનો મંત્રજાપ અટક્યો નહિ.
હવે બન્યું એવું કે એક જીવડું ઊડતું ઊડતું આવ્યું અને એકદમ બાવાના કાનમાં પેસી ગયું. બાવાએ તેને કાઢવા પ્રયત્ન કર્યો, પણ જીવડું અંદર ચટકા ભરતું રહ્યું.
બાવો ચીસ પાડી ઊઠ્યો.
એની ચીસો સાંભળી લોકો દોડી આવ્યા. જોયું તો ખીમો ખાટલાના પાયા નીચે ચંપાયેલો અને ખાટલા પર બાવો માથાં પછાડે!
લોકોએ ખીમાને છૂટો કર્યો, પણ બાવાને કોઈ છૂટો કરી શક્યું નહિ. જીવડાની પીડાથી માથાં કૂટી કૂટીને એ મરી ગયો.
લોકોનાં મનમાં હવે સત્સંગનો ગુણ વસ્યો.
આ કથાનકોથી પરાગે ચિત્તમાં એકદમ શાંતિનો અનુભવ કર્યો. જાણે કોઈએ ભભૂકતી આગ ઠારી દીધી હોય એવી શાંતિ!
હવે સંતે 'શિક્ષાપત્રી'નું એક પાનું ઉઘાડી તે પરાગના હાથમાં મૂકી કહ્યું: '21 અને 29 બે શ્લોક વાંચ!'
પરાગે વાંચ્યું:
દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ-એમની નિંદા ક્યારેય ન કરવી, અને ન સાંભળવી. (21)
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતાર, તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવાં જે શાસ્ત્ર, તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવાં. (29)