૨૭. પતિત પાવન શ્રીજી નામ (૧)

તે પછી સંત શ્રી હરિભક્તદાસજીએ પોતાની સામે વિનયપૂર્વક બેઠેલા છોકરાઓને સંબોધીને કહ્યું: 'ભગવાને માણસને જન્મ દીધો છે તે સુખી થવા માટે, પણ માણસ એ સુખને અવળું સમજ્યો. એણે ઢોકળા જેવા આ શરીરને અછો અછો વાનાં કરવામાં સુખ માન્યું, અને સુખિયો થવાને બદલે દુખિયો થયો. એને સવળે રસ્તે વાળવા શ્રીજીમહારાજ મનુષ્યરૂપે પૃથ્વી પર પધાર્યા અને એમણે સુખના દ્વાર સમી ત્રણ વાતો લોક સમક્ષ મૂકી-- સદગ્રંથોનું સેવન કરો, સદાચારનું સેવન કરો, સત્સંગનું સેવન કરો.

શ્રીજીમહારાજ 'શિક્ષાપત્રી' રૂપે આજે આપણી સમક્ષ હાજરાહજૂર છે. ત્રણ મહિના પુણ્યધામ વડતાલમાં રહી શ્રીજીમહારાજે સ્વહસ્તે આ 'શિક્ષાપત્રી' લખી છે. વિશ્વભરમાં અવતારી પુરુષના હાથે લખાયેલો એક માત્ર ગ્રંથ આ છે. સમગ્ર માનવજાતને અવતારી પુરુષની એ સીધી ભેટ છે. એનો એક એક શબ્દ શ્રીજીમહારાજની વાણી છે, શ્રીજીમહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. શ્રીજીમહારાજે પોતે થઈને કહ્યું છે કે: 'આ જે અમારી વાણી, તે અમારું સ્વરૂપ છે.' (209)

ઘણી વાર માણસને એવું થાય છે કે હું જો રામાવતાર વખતે જન્મ્યો હોત તો ભગવાનની વાનરસેનામાં જોડાઈ એમની સેવા કરત, કૃષ્ણાવતારમાં જન્મ્યો હોત તો ગોકુલનો ગોપ બની ભગવાનની જોડે ગોધન ચરાવત! અરે, બસો વર્ષ પહેલાં જન્મ્યો હોત તો શ્રીજીમહારાજનો પાર્ષદ બની એમનો પડ્યો બોલ ઝીલી લેત! પણ હજી ક્યાં વેળા વહી ગઈ છે? શ્રીજીમહારાજ સ્વયં 'શિક્ષાપત્રી' રૂપે અહીં હાજર છે અને મોઢામોઢ આપણી સાથે વાત કરે છે-- ઝીલી લો એ પડ્યો બોલ! શ્રીજીમહારાજનો કોલ છે કે તમે મહાસુખિયા થઈ જશો.

આવા એક મહાસુખિયા ભક્તની આજે મારે તમને વાત કરવી છે.

એ ભક્તનું નામ જોબન ભગત.

બસો વર્ષ પહેલાં વડતાલ નાનું ગામડું હતું. એ ચોરોનું ગામ ગણાતું.

એ ચોરોનો સરદાર હતો જોબન પગી.

એને જોબન વડતાલો પણ કહે છે.

જોબન વડતાલો કાળ જેવો ભયંકર. પાપનો પર્વત! એના દિલમાં દયાનો છાંટો નહિ. ચીભડું ચીરવું અને માણસ મારવો એ એને મન સરખાં!

મલકમાં એની હાક વાગે એવી કે એનું નામ સાંભળી ઘરોનાં બારણાં એકાએક બંધ થઈ જાય, સરકારી કચેરીઓ સુદ્ધાંને તાળાં લાગી જાય!

વડતાલમાં બધાં ઘરને કાચી માટીનાં છાપરાં, માત્ર એક જોબન પગીનું ઘર મેડીબંધ ઇંટેરી! ગામમાં જોબન પગીથી મોટું તો શું, એના જેવું ઘર બાંધવાની પણ કોઈની હિંમત નહિ!

ખેડા જિલ્લાનો આ પ્રદેશ ચરોતર નામે ઓળખાય છે. ચરોતરના વનવગડામાં, ઝાડીઓમાં, ટેકરીઓ પર અને નદીનાં કોતરોમાં જોબન પગીની ચોસઠ જગ્યાઓ હતી-- ચોસઠ જોગણીઓના નામે એ ઓળખાતી. એ જગ્યાએ જઈને લાળી કરે કે ઝાડ પર ચડી લૂગડું વાંસડે બાંધી હલાવે, એટલે આસપાસ રહેતા એના માણસો ત્યાં આવી મળે અને લૂંટફાટની યોજનાઓ ઘડાય. આ યોજનાઓ એવી સચોટ બનતી કે નક્કી કરેલા દિવસે ને સમયે, નક્કી કરેલા સ્થળે, નક્કી કરેલા માણસો ધાડ પાડે જ પાડે-- અને એવી યુક્તિથી કામ કરે કે કોઈ એમને પકડી શકે નહિ.

ઠેર ઠેર જોબન પગીના જાસૂસો ગોઠવાયેલા હતા-- ઉત્તરે પાલનપુર સુધી, પશ્ચિમે દ્વારકા સુધી ને દક્ષિણે સૂરત-ધરમપુર સુધી! લૂંટનો માલ છેક મુંબઈ અને પૂના સુધી પહોંચતો!

વડોદરાની ગાયકવાડ સરકારે એને જીવતો કે મરેલો પકડવા મોટું ઇનામ જાહેર કર્યું હતું, પણ પકડવા ગયેલા કેટલાયે જીવ ખોઈ બેઠા હતા, અને જોબન વડતાલો છૂટો ફરતો હતો!

પોતાના જાસૂસો દ્વારા એક વાર જોબનને ખબર મળ્યા કે અમરેલીથી આઠ લાખ રૂપિયા રોકડા લઈને વડોદરા સરકારનાં ગાડાં વડોદરા આવી રહ્યાં છે. તરત જોબને પોતાની યોજના ઘડી કાઢી. એ ગાડાંની આગળ-પાછળ બંને બાજુ, પણ ગાડાંથી છેટે, એણે પોતાના માણસો ગોઠવી દીધા, જે ગાડાંને બરાબર નજરમાં રાખીને ચાલે અને થોડા થોડા કલાકે જોબનને ગાડાંની મજલથી વાકેફ કરતા રહે.

એમ કરતાં ગાડાં વાત્રકનાં કોતરોમાં દાખલ થયાં. આ ખબર મળતાં જોબને એક ઊંડા કોતરમાં થોડા થોડા અંતરે પોતાના માણસોને ગોઠવી દીધા. કોઈ કોતરોમાં સંતાયા, તો કોઈ ઝાડ પર! કોતરની વચ્ચે થઈને એક નાનકડું ઝરણું વહેતું હતું. બીજાં ગાડાં એમાંથી પસાર થઈ ગયાં, પણ એક ગાડું રેતીમાં ફસાયું. આથી કેટલાક માણસો એ ગાડાને ઘાંચમાંથી બહાર કાઢવા રોકાયા. જોબને જોયું કે લાગ બરાબર છે, એટલે એના ઇશારે એક જણે લાળી કરી. તરત ઝાડો પર સંતાયેલા જોબનના માણસોએ તીરનો મારો ચલાવ્યો અને ગાડાની સાથે જે ઘોડેસવારો હતા તેમને વીંધી નાખ્યા. ગાડા સાથે બે મશાલચી હતા, તેમાંનો એક મરી ગયો અને બીજો ભાગી ગયો. હવે ઝાડ પરથી ને કોતરોમાંથી જોબનના માણસો દોડી આવ્યા. તેમણે ગાડાવાળાને તથા બીજા જે હતા તેમને બળદોની રાશ છોડી બાંધ્યા અને ગાડામાંથી રૂપિયાની થેલીઓ ઉપાડી લીધી! એ જ વખતે જોબનના ઊંટવાળાઓ એમની સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યા અને થેલાઓ ઊંટ પર નાખી ઘડીકમાં ક્યાં ના ક્યાં છૂ થઈ ગયા! ગાયકવાડની પોલીસે આ લૂંટારાઓને પકડવા ઘણી દોડધામ કરી, પણ પત્તો લાગ્યો નહિ.

મહિના પછી જોબને બીજી આથી મોટી લૂંટ કરી. દ્વારકા-ઓખામંડળથી ગાયકવાડની તિજોરી વડોદરા જતી હતી. એની સાથે સો તો ઘોડેસવારો હતા. ખેડા મેલ્યા પછી બેચાર ગાઉ જતાં એક ગાડાની ધરી ભાંગી જતાં પૈડું નીકળી ગયું અને પડવાથી એક બળદનો ટાંટિયો ભાંગ્યો. અમરેલીવાળા અનુભવને યાદ કરી આ વખતે બધાં જ ગાડાં ત્યાં રોકાઈ ગયાં, અને ભાંગેલા ગાડાને સમુ કરવા ખેડા મોકલ્યું. આ બિનાની જોબનને ખબર પડતાં એ પોતાના માણસોને લઈને છૂટ્યો ને આસપાસનાં કોતરોમાં સંતાયો.

જોબનની જાસૂસી એવી જબરી કે ગાયકવાડની ટુકડીમાં પણ એના માણસો હતા. સંકેત પ્રમાણે એવા એક જાસૂસે ગાયકવાડી ફોજનાં ઊંટ-ઘોડાં માટે રાખેલું ઘાસ સળગાવ્યું. એટલે બધા એ હોલવવા દોડ્યા, ત્યાં બીજા જાસૂસે ગાયકવાડી ફોજના દારૂગોળામાં આગ ચાંપી! અંધારી રાત હતી. ગાયકવાડી ફોજે આગ હોલવવા દોડાદોડી કરી મૂકી. આગ અને ધડાકાનો સંકેત પામી જઈ જોબનના માણસો એમની સંતાવાની જગ્યાએથી દોડી આવ્યા અને તિજોરી લૂંટી ભાગી ગયા. કોઈએ એક કોથળી લીધી, તો કોઈએ બે!

તે વખતે જોબન જંગલમાં એક ઝૂંપડામાં બેઠો હતો. બેઠો બેઠો એક નનામી (ઠાઠડી) બાંધતો હતો! એટલામાં એના માણસો લૂંટેલી થેલીઓ લઈને આવ્યા. જોબને ઠાઠડીમાં ગોદડાંના ગાભા નાખી એના પર થેલીઓ પાથરી દીધી, અને ઉપર રાતું કપડું ઓઢાડી દીધું! ઠાઠડી તૈયાર!

પછી ઠાઠડી ખભે ઉપાડી બધા ઓ ઓ ઓની પોક મૂકતા સ્મશાન તરફ ચાલી નીકળ્યા. ત્યાં કોતરમાં ઊંટ તૈયાર હતાં. રૂપિયાની કોથળીઓ ઊંટ પર નાખી કોતરના ભોંયરામાં સંતાડી દઈ જોબન વડતાલ ભેગો થઈ ગયો અને એના માણસો સ્મશાનમાં લાકડાંની ચિતા ઊભી કરી પેલી નનામી બાળવા બેઠા!

બીજી તરફ ગાયકવાડી ફોજમાં દેકારો મચી ગયો. પગેરું કાઢતા કાઢતા સિપાઈઓ પેલા ઝૂંપડા પાસે આવ્યા, પણ ત્યાં બાઈઓ જુવાનડો ફાટી પડ્યો હોય ને રુવે એમ છાતીફાટ રોતી કૂટતી હતી! એ તો છાજિયાં લે કે સિપાઈઓના હાકોટા સાંભળે? સિપાઈઓએ ઘણી દોડધામ કરી, કેટલાયને પકડ્યા, બાંધ્યા ને માર્યા, પણ કંઈ કરતાં કંઈ જ બાતમી મળી નહિ!

દરમિયાન વડોદરા સરકારનો એક અમલદાર જોબનને પકડવા મોટી પલટણ લઈને આવ્યો હતો. ખેડામાં એક રાતે એ તંબૂમાં સૂતો હતો, ત્યાં જોબનનો એક માણસ આખા શરીરે રીંછનું ચામડું ઓઢી અસલ રીંછ જેવો બનીને આવ્યો અને તંબૂ ચીરીને અંદર પેઠો અને પેલા અમલદારના એક ઘાએ બે કટકા કરી રીંછની પેઠે કૂદતો કૂદતો જંગલનાં કોતરોમાં અદૃશ્ય થઈ ગયો! બૂમ પડી કે અમલદારને જંગલી રીંછે મારી નાખ્યો!

ગાયકવાડ સરકારે મોટાં ઇનામ કાઢ્યાં, પણ કોઈએ જોબનને જીવતો કે મરેલો પકડવા બીડું ઝડપ્યું નહિ. હવે તો ચારે બાજુ એવી વાતો વહેતી થઈ હતી કે જોબનને માથે કોઈ પીરનો હાથ છે. કોઈ કહે, જોબનને માતાજીએ કાળો પછેડો આપ્યો છે, એટલે એને કોઈ દેખી શક્તું નથી. કોઈ કહે, એની પાસે એવો મંતર છે કે બંદૂક ફોડો તો ય એ મરે નહિ, ગોળી એને લાગે જ નહિ! એના મંતરથી દુશ્મનનાં હથિયાર બુઠ્ઠાં થઈ જાય છે, એના માથામાં કોઈ બંદૂકની ગોળી મારે, તો ય એ મરે નહિ, ગોળી એને વાગે જ નહિ! કોઈ કહે, એ છ ફૂટ ઊંચો છે અને વજનમાં સાત મણ છે. કોઈ કહે, એ બે હાથે બે બંદૂકો ફોડે છે ને તીર છોડે છે. એ નિશાનબાજ તો એવો છે કે ઝાડની ડાળે લવિંગ બાંધ્યું હોય તેને યે વીંધી નાખે!

આવા આ જોબન વડતાલાએ સાંભળ્યું કે શ્રીજીમહારાજ ડભાણમાં મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞનાં દર્શન કરવા હજારો માણસો આવવાના છે. કાઠિયાવાડથી કાઠી દરબારો ફક્કડ ઘોડાં લાવશે અને શ્રીજીમહારાજની માણકી ઘોડીની તો વાત જ ઓર છે! પવનને યે પાછળ પાડી દે એવી!

જોબને મનથી નક્કી કર્યું: 'મારે એ માણકી ઘોડી લેવી!'

જોબનના ભાઈઓ, ભત્રીજાઓ બધા આ યોજનામાં જોડાયા. જોબને સૌને કહયું: 'આકડે મધ અને માખીઓ વિનાનું! હજારો પૈસાદારો આવશે. બહાર જંગલમાં ઉતારા થશે. ઘરેણાં, રૂપિયા, ઘોડાં જે મળે તે ઉઠાવી ભાગી જાઓ!'

યજ્ઞ શરૂ થતાં હજારો સ્ત્રીપુરુષો આવ્યાં. ગામ નાનું, એટલે ગામ બહાર વગડામાં ડેરાતંબૂ નંખાયા. યજ્ઞશાળાની એક તરફ ઘોડાંની ઘોડશાળ હતી. પહેલા જ ખીલે મહારાજની સવારીની માણકી ઘોડી, ને પછી કાઠી દરબારોનાં ઘોડાં બાંધેલાં હતાં. પાછળ આંબાવાડિયું હતું. ત્યાં જોબન પગી સંતાયો હતો. મધરાત વીત્યે એ ઘોડશાળમાં પેઠો. એની નજર માણકી ઘોડી પર હતી. જુએ તો શ્રીજીમહારાજ માણકી ઘોડીના બરડા પર હાથ ફેરવે છે અને પગેથી નીરણાં સંકોરે છે! એ પાછો ફરી ગયો. ફરી કલાક રહીને આવ્યો. જુએ તો શ્રીજીમહારાજ માણકી ઘોડીને ખરેરો કરે છે!

જોબન પગીને થયું કે આટલી રાતે પણ મહારાજ સૂતા નથી એ કેવું? એટલે એ લપાતો-છુપાતો મહારાજના મુકામે તપાસ કરવા ગયો, તો મહારાજ પલંગ ઉપર શ્વેત વસ્ત્ર ઓઢી પોઢેલા હતા અને બે પાળાઓ આંખનું મટકું યે માર્યા વિના ચોકી પર ખડા હતા! એ પાછો આવ્યો ને ફરી ઘોડારમાં પેઠો. જુએ છે તો મહારાજ માણકીને તોબરો ચડાવતા હતા! આમ સાત વખત એ ઘોડારમાં ગયો અને સાતે વખતે એણે મહારાજને ત્યાં જોયા! એમ કરતાં સવાર થઈ ગયું.

જોબન કહે: 'કંઈ વાંધો નહિ, હજી બે રાત છે.'

બીજી રાતે એણે ખૂબ જ કાળજી રાખી, પણ આજે ય પહેલા દિવસ જેવું જ થયું-- જેટલી વાર એ ઘોડારમાં પેઠો એટલી વાર એને ઘોડીની પાસે મહારાજ દેખાયા! મહારાજને જોઈ એનું ચિત્ત ખેંચાયું, પણ જોર કરી એણે મનને માર્યું.

ત્રીજી રાતે એણે નક્કી કર્યું કે માણકી રહી, બીજાં ઘોડાંમાંથી બે-ત્રણ છોડી જાઉં. એ ઘોડારમાં પેઠો, પણ ઘોડે ઘોડે એને મહારાજનાં દર્શન થયાં. જેટલાં ઘોડાં એટલા મહારાજ!

હવે એ વિચારમાં પડી ગયો કે આંખમાંથી કણું કાઢે તેમ પરાયું ધન લઈ લઉં એવો હું જોબન, આજે ત્રણ ત્રણ રાતના ઉજાગરા કરીને ય એક ઘોડું નથી છોડી શક્તો એ શું કહેવાય? નક્કી, આમાં કંઈક મોટો ભેદ છે. મહારાજ પાસે ગયા વિના એ નહિ ઊકલે!

એણે મનોમન મહારાજ પાસે જવાનું નક્કી કર્યું. સાથે વિચાર્યું કે મહારાજ મને નામ લઈ બોલાવે, અને મારા મનની વાત કહી આપે તો જાણું કે એ સમર્થ છે!

સવારે સ્નાન કરી સાકર-શ્રીફળ લઈ એ મહારાજનાં દર્શને ગયો. શ્રીજીમહારાજ તે વખતે સભામાં બિરાજ્યા હતા. માથેથી પાઘડી ઉતારી મહારાજના ચરણમાં મૂકી એ બોલ્યો: 'જ્યાં ગુનો છૂટવો જોઈએ ત્યાં મેં ગુનો કર્યો છે, મને માફ કરો!'

મહારાજ મરક મરક હસતા એની સામે જોઈ રહ્યા. પછી બોલ્યા: 'જોબન પગી, ઉજાગરો બહુ કર્યો, પણ ઘોડી ન લેવાણી?'

જોબનનું નામ સાંભળી સભામાં સન્નાટો છવાઈ ગયો. કાઠી દરબારોના હાથ તલવાર પર પડ્યા. મહારાજે તેમને શાંત કર્યા.

જોબન મનમાં કહે: 'મહારાજના સાર્મથ્યની હું કોણ પરીક્ષા કરનારો? મહારાજના ચરણમાં માથું મૂકી એ કહે: 'મહારાજ, શરણે લ્યો! હવે આપ ધણી, હું ચાકર!'

ગઈ કાલનો લૂંટારો જોબન વડતાલો જોબન ભગત બની ગયો. જોબન ભગતે પોતે આ ઘટનાનો વૃત્તાંત પોતાના વંશના વહી વંચા બારોટને બોલાવી તેના ચોપડામાં લખાવેલો છે.

મહારાજ એની આંખોમાં એવા વસી ગયા કે જ્યાં નજર કરે ત્યાં એને મહારાજની મૂર્તિ દેખાય. ઘેર ગયો તો ઘરની મેડીના ગોખમાં મહારાજ બિરાજેલા દેખાયા.

બીજે વરસે જોબન પગીએ મહારાજને વડતાલમાં ફૂલડોલનો ઉત્સવ કરવા નિમંત્રણ આપ્યું. મહારાજે તેનો સ્વીકાર કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગ માટે ખાસ બાર બારણાંનો હિંડોળો બનાવ્યો અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને હીરની દોરીએ ઝુલાવ્યા; અને નિત્યાનંદ સ્વામીએ ચોસઠ જ્યોતની આરતી ઉતારી.

આજે વડતાલ એક મહાન તીર્થ બની ગયું છે તેનો મોટો યશ જોબન ભગતને છે. મંદિર માટે તેમણે આખુંયે ખેતર દઈ દીધું હતું. શ્રીજીમહારાજને જોબન ભગત પર એવી પ્રીતિ હતી કે એક વાર એક આખો મહિનો જોબન ભગતના ઘરમાં રહ્યા હતા.

જોબન વડતાલો ભગત થઈ ગયો એ વાત વડોદરાના મહારાજાના કાને આવી ત્યારે શું થયું તે આવતી કાલે કહેશું.'