નિવેદન

સમગ્ર સત્સંગ અને માનવ સમાજને દૃષ્ટિ સમક્ષ રાખી, સર્વાવતારી, પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવહિતાવહ 'શિક્ષાપત્રી'ની રચના સ્વહસ્તે કરી છે. એ માત્ર આચાર સંહિતા (Code of moral conduct) નથી; એમાં તત્ત્વજ્ઞાનનાં ઉત્તમ રહસ્યો પણ ગૂંથાયેલાં છે. શિક્ષાપત્રી એ શ્રીહરિનું વાઙમય સ્વરૂપ હોઈ, સ્વાશ્રિતોને તેમજ ભાવથી એને ઝીલનાર સૌને આશીર્વાદરૂપ નીવડશે.

સામાન્ય રીતે ખરો ધર્મ એ જ છે, જેના વડે સાચી ઉન્નતિ સધાય ને અંતે મુક્તિ મળે. મનુષ્ય જીવનને સર્વ પ્રકારે ઉર્ધ્વગામી બનાવી, આત્યંતિક મોક્ષ ભણી લઈ જતો માર્ગ શ્રીજીમહારાજે બતાવ્યો છે, જેની ઝાંખી આ પુસ્તકમાં થશે.

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાક્ષર ને લેખક શ્રીયુત રમણભાઈ પી. સોનીએ 'શિક્ષાપત્રી'ના કલ્યાણપ્રદ સુક્તોને સંવાદ સ્વરૂપે વ્યવહારુ જીવનના વિવિધ પ્રસંગોમાં વણી લઈ, એક સુંદર કૃતિ 'શ્રીજી-પ્રસાદ' તૈયાર કરી, સત્સંગની અનન્ય સેવા કરી છે. જીવન ઘડતરમાં ઉપયોગી એવા ઉત્તમ સાહિત્યના વિશેષ સર્જન માટે, પરમ કૃપાળુ શ્રીજીમહારાજ તેઓશ્રીને તંદુરસ્ત શતાયુજીવન બક્ષી, ખરી પળે તેમનું દિવ્ય સુખ પ્રદાન કરે એવી શ્રીહરિને હાર્દિક પ્રાર્થના.

શ્રીજીમહારાજની દિવ્ય પ્રેરણાથી પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનના સર્વે હક્કો આપણા આદરણીય લેખક શ્રી રમણભાઈ તરફથી સહર્ષ પ્રાપ્ત થતાં શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશને, સંસ્થાના પ્રમુખ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈના માર્ગદર્શન હેઠળ આ સર્વોપયોગી લઘુ પુસ્તકનું પ્રકાશન હાથ ધરી, તેને સત્સંગ તેમ જ માનવ સમાજની સેવામાં અર્પણ કરેલ છે, જે સૌને ખૂબ જ આવકાર્ય બનશે.

આ લઘુ કૃતિના પ્રકાશન કાર્યમાં એક યા બીજી રીતે સેવારૂપ થનાર સર્વે પર શ્રીજીમહારાજની પ્રસન્નતા સદાય રહે એ જ અભ્યર્થના.

સં. 2054, મહા વદ પાંચમ

ઇ. સ. 1998, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન