૧૭. સાધુની સાધુતા

બજરંગ બાવો યજ્ઞ કરવામાં નિષ્ફળ ગયો, એ હાર એને બહુ વસમી લાગી.

એક રાતે એ ગુસ્સાથી પાગલ બની હરિમંદિરમાં આવ્યો અને ત્રિશૂળ ઉગામી સંતને કેટલીય ગાળો દઈ ગયો. ગાળો સાથે એણે દાટી આપી: 'આજે ને આજે તું ગામ છોડી જતો રહે, નહિ તો તારી ખેર નથી!'

સંત હરિભક્તદાસજી બીજી જ સવારે ગામ છોડી જવાના હતા, પણ આ દમદાટી મળી એટલે એમણે વિચાર બદલ્યો. એ રહી ગયા.

તેમણે કહ્યું: 'બીને ગામ છોડાય નહિ! સત્સંગનું ભૂંડું દેખાય!'

પરાગ તથા અન્ય ગ્રામજનોએ કહ્યું: 'સ્વામી, ભૂંડાને કંઈ ભાન નથી, વખતે તમને કંઈ મારી બેસે--'

સંતે હસીને કહ્યું: 'તો શું? મારશે તો યે એ સાધુ છે. સાધુના હાથનો માર ખાવાનો મળ્યો તેને હું મારું સદભાગ્ય સમજીશ. અને એનું કલ્યાણ વાંછીશ.'

આમ કહી એમણે એક દૃષ્ટાંત કહ્યું:

એક વાર સ્વામી ગુણાતીતાનંદ પોતાની મંડળી સાથે એક ગામમાં જઈ ચડ્યા. આ ગામમાં સત્સંગના દ્વેષીઓ ઘણા હતા. તેમણે ગામના ઠાકોરના કાન ભંભેર્યા કે આ સ્વામિનારાયણનું પાખંડ નીકળ્યું છે. એને આપણા ગામમાં કેમ પેસવા દીધું? આ પાપ કોના માથે? ગામધણીના જ માથે તો!'

ઠાકોરે કહ્યું: 'મેં તો સાંભળ્યું છે કે એ લોકો શુદ્ધ નીતિરીતિએ ચાલનારા છે; ધનને અડતા નથી, ભાંગગાંજો કશું પીતા નથી, એલફેલ બોલતા નથી, ભજનો કર્યા કરે છે. એમાં પાપ ક્યાં આવ્યું?'

દ્વેષીઓ કહે: 'એ લોકો સ્વામિનારાયણને ભગવાન કહે છે એ પાપ ઓછું છે? પાખંડ છે પાખંડ બધું! આ કળિયુગમાં ભગવાન કેવો? હા હા હા!'

ઠાકોરે કહ્યું: 'તો શું કરવું છે એ કહો!'

'શું તે હાંકી મેલો આ પાખંડી જમાતને ગામમાંથી!'

ઠાકોરે સિપાઈઓને હુકમ કરી દીધો: 'અબઘડી સ્વામિનારાયણના આ મૂંડિયાઓને ગામમાંથી તગડી મૂકો!'

સાધુઓએ ખીચડું રાંધવા મેલ્યું હતું, ત્યાં માર માર કરતા સિપાઈઓ આવ્યા. તેમણે લાત મારી ખીચડીનું હાંલ્લું ફોડી નાખ્યું અને ધક્કા મારી મારીને બધા સાધુઓને ગામ બહાર તગડી મૂક્યા.

ભૂખ્યા સાધુઓ ગામ બહાર એક તળબાવળના ઝાડ હેઠળ જઈને બેઠા.

તે વખતે ગામનો એક હરિભક્ત તેમની સાથે હતો. સાધુસેવાની હાથમાં આવેલી વિરલ તક ગઈ તેથી તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેનાથી બોલાઈ ગયું: 'આવાં કાળાં કામો કરે તેને ઘેર દીકરો કેમ કરીને હોય?'

ગુણાતીતાનંદ સ્વામી આ સાંભળી ગયા. તેમણે કહ્યું: 'કોની વાત કરો છો, ભગત?'

ભગતે કહ્યું: 'આ ઠાકોરની! સાઠ વરસનો થયો, તો યે એને ઘેર પારણું બંધાયું નથી!'

તરત સ્વામીએ કહ્યું: 'તો આપણે એ બંધાવવું! શ્રીજીમહારાજની આજ્ઞા છે કે મારા સંતોને કોઈ દુ:ખ દે તો એનું સારું થાય એવો સંતોએ સંકલ્પ કરવો. માટે શ્રીજીમહારાજનું નામ લઈ કરો સૌ સંકલ્પ કે ભગવાન એને રૂપવાન, ગુણવાન દીકરો આપે અને એના આંગણામાં આપણી ઝોળીઓ ટીંગાય!'

પરાગ બોલી ઊઠ્યો: 'વાહ, કેવો ઉમદા સંકલ્પ! સાધુ જેનું નામ!'

સંતે વાત આગળ ચલાવી.

સંતોના આ આશીર્વાદની વાત ઠાકોરના કાને પહોંચી. એને નવાઈ લાગી કે જેમનું ખીચડું મેં ધૂળભેગું કર્યું તે સાધુઓ આવા સહિષ્ણુ? આવા દયાળુ?

વરસ દિવસમાં તો સાધુઓના આશીર્વાદ ફળ્યા. ઠાકોરને ઘેર પુત્રનો જન્મ થયો.

વર્ષો પછી ફરી સ્વામી ગુણાતીતાનંદને સંતમંડળી સાથે આ ગામની ભાગોળે થઈને જવાનું થયું. તેમણે ગામ બહાર મુકામ કર્યો.

ત્યાં એક દશ-અગિયાર વર્ષનો છોકરો આવી કહે: 'મહારાજ, અહીં ગામ બહાર કેમ પડ્યા છો? ગામમાં ચાલો!'

સ્વામીએ કહ્યું: 'ભાઈ, ગામમાં પગ દેવાની અમને મનાઈ છે.'

'કોણે કરી મનાઈ?' છોકરાએ ભોળાભાવે પૂછ્યું.

'ગામના ઠાકોરે! બાર વર્ષ પહેલાં અમારું ખીચડીનું હાંલ્લું ફોડી નાખી અમને ભૂખે પેટે ગામમાંથી કાઢી મૂક્યા હતા. હવે એ પોતે બોલાવે નહિ ત્યાં લગી અમારાથી ગામમાં પગ ન દેવાય!'

છોકરો આ સાંભળી દોડતો ગામમાં ગયો. સંતોનું અપમાન કરી તેમને કાઢી મૂકનાર ઠાકોરનો જ એ દીકરો હતો. તેના મનમાં સાધુસંતોનો ગુણ વસ્યો હતો. તેણે ઘેર જઈ બાપને કહ્યું: 'ગામ બહાર કેવા રૂડા સંતો પધાર્યા છે. ચાલોને, આપણે બધા એમનાં દર્શન કરવા જઈએ.'

સાત ખોટના દીકરાના આગ્રહથી ઠાકોર લાવલશ્કર સાથે સંતોનાં દર્શને આવ્યો.

આવીને જુએ તો સ્વામિનારાયણના સંતો! તેને યાદ આવ્યું કે આ જ પેલા સાધુઓ જેમને મેં ધક્કા મરાવી કાઢી મેલ્યા હતા! ઠાકોરને પોતે કરેલ દુષ્કૃત્ય બદલ ખૂબ પશ્ચાત્તાપ થયો ને ગળગળા થઈ સ્વામીની માફી માગી. હવે ઠાકોરને ખાત્રી થઈ ગઈ કે આ સંતોના આશીર્વાદ જ તેને ફળ્યા છે.

પછી ઠાકોરે હાથ જોડી સ્વામીને કહ્યું: 'મહારાજ, કૃપા કરી ગામમાં પધારો!'

કુંવર બોલ્યો: 'હા, હા, મહારાજ! અમારે ઘરે જ પધારો!'

ઠાકોરે ધામધૂમપૂર્વક સંતમંડળીનો સત્કાર કર્યો. ઠાકોરના ઘરના આંગણામાં સાધુઓની ઝોળીઓ ટીંગાઈ! ચારે બાજુ ભગવી પાઘડીઓ અને ભગવાં વસ્ત્રો!

અને આખું ગામ આ સાધુઓનાં દર્શન કરવા અને એમની વાણી સાંભળવા ભેગું થઈ ગયું. પરિણામે ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌને ઓળખાયા.

ગ્રામજનોને આ દૃષ્ટાંત સાંભળી અત્યંત આનંદ થયો.

તેમણે કહ્યું: 'સ્વામી, સંતસાધુના સંકલ્પમાં આટલું બળ કેમ કરીને?'

સંતે કહ્યું: 'શ્રીજીમહારાજની કૃપા! એ કૃપાએ ઘડાયેલા સંતોની વાણી સત્યવતી બની હોય છે. એ વાણીમાં શ્રીજીમહારાજનું સાર્મથ્ય વર્તાય છે.

આમ કહી 'શિક્ષાપત્રી' ઉઘાડી તેમણે કહ્યું: 'આ શ્લોકોમાં શ્રીજીમહારાજે સાધુના ધર્મો કહ્યા છે. હું ટૂંકમાં તમને એ કહું. શ્રીજીમહારાજ કહે છે:

અમારા આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા અંત:શત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. (188)

અને સર્વે ઇંદ્રિયોને જીતવી અને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી. અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ, અને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. (189)

સાધુએ ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો. (190)

સાધુએ ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ, અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ-- તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમન કરવો. (193)

અને અમારા સાધુ તેમણે જડભરતની જેમ વર્તવું. (196)

તાંબુલ, અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. (197)

અમારા સાધુએ રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ વાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. (199)

અમારા સાધુએ રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ અને સાધુની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું. (200)

અને તે સાધુ ને બ્રહ્મચારી, તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે, તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી, ને મારવો નહિ, અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. (201)

અમારા સાધુએ કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું, અને કોઈનાં ચાર ચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (202)

આટલું વાંચી સંભળાવી સંતે કહ્યું: 'આમાં ક્યાંય ઢીલાપણું કે પોચાપણું છે? ક્યાંય છિદ્ર છે? છટકબારી છે? માર ખાવો અને તે પ્રેમથી ખાવો; મનથી પણ મારનારનું હિત થાય એવું જ ચિંતવવું, એ આજ્ઞાની સાથે બીજી આજ્ઞા કે કામ, ક્રોધ, લોભમાં ફસાવું નહિ, માન-અભિમાન જીતવાં, સર્વ ઇંદ્રિયો જીતવી અને તેમાંય રસના અર્થાત્ જીભ તો વિશેષે કરીને જીતવી-- આ આજ્ઞાઓ જેના રગેરગમાં ઊતરી ગઈ છે એવા સંત, મનથી સંકલ્પ કરે અને વાણીથી વચન વદે તો એ ફળ્યા વિના રહે ખરું? સ્વામિનારાયણના સંતોની આ વિશેષતા છે.'

બધા બોલી ઊઠ્યા: 'વાહ સંતો! માર ખાવાનો અને તે ય પાછો પ્રેમથી ખાવાનો!'

પ્રેમથી માર ખાવાની આ વાતે ગ્રામજનોના અંતરને અહોભાવથી ભરી દીધું. હવે તેમને સાધુ-અસાધુના લક્ષણ સમજાયા. હવે તેમને થયું કે જો સાચા રસ્તે ચાલી પોતાનો ને ગામનો ઉદ્ધાર કરવો હશે તો સંત હરિભક્તદાસજીને ગામમાંથી જવાનું કહેવાને બદલે બજરંગ બાવાને ગામમાંથી તગડવો પડશે જેથી બધા સંત હરિભક્તદાસજીના માર્ગદર્શન હેઠળ પ્રભુ ચિંધ્યા માર્ગે નિર્વિઘ્ને આગળ વધી શકે. આમ નક્કી કરી બધાએ ભેગા થઈ બજરંગ બાવાને જ ગામ બહાર કાઢી મૂક્યો અને સંત હરિભક્તદાસજીનું શરણ સ્વીકાર્યું.