૨૮. પતિત પાવન શ્રીજી નામ (૨)

બીજે દિવસે સમયસર સંત હરિભક્તદાસજીએ ગઈ કાલની અધૂરી રહેલી કથાનો તંતુ સાંધતાં કહ્યું: 'વડોદરાના ગાયકવાડ મહારાજાને ખબર પડી કે ભયાનક લૂંટારો જોબન પગી, જેને આટલું લાવલશ્કર છતાં આપણે મહાત કરી શક્યા નથી, તેને સહજાનંદ સ્વામીએ ચપટીમાં વશ કરી લીધો છે. હવે એણે ચોરી-લૂંટ છોડી દીધી છે, માંસ-મદિરાનો ત્યાગ કર્યો છે, ગાંજો-અફીણ અને હૂકો-તમાકુ યે છોડ્યાં છે, અને હાથમાં માળા લીધી છે. માણસ મારવાની વાત તો રહી, પણ જૂ--માકણને યે એ મારતો નથી! બસ, ભગવાનનું નામ જપે છે અને સંતો-હરિભક્તોની સેવા કરે છે!

આ સાંભળી મહારાજાને નવાઈ લાગી. તેમને થયું કે જોબન વડતાલો એવો કેવો સાધુ થઈ ગયો છે એ મારે જોવું છે. જો એ સાચેસાચ સાધુજન થઈ ગયો હશે તો હું એના ગુના માફ કરી દઈશ. તેમણે ભગતને વડોદરા તેડાવ્યા.

ભગત આવ્યા અને મહારાજાને મળ્યા. ભગતની પ્રસન્ન મુખમુદ્રા જોઈ તથા તેમની વાતો સાંભળી મહારાજાએ પ્રસન્ન થઈ કહ્યું: 'વાહ ભગત! તમારી ચોરી-લૂંટફાટની બહાદુરી જોઈ હું દંગ થતો હતો, પણ તમે હિંસા છોડી, દારૂઅફીણ છોડ્યાં, હૂકોતમાકુ છોડ્યાં અને હાથમાં માળા અને મુખે ભગવાનનું નામ ધારણ કર્યાં. એ તમારી બહાદુરીની આગળ તમારી એ લૂંટફાટની બહાદુરી તો કંઈ જ વિસાતમાં નથી-- ખરેખર, તમે બહાદુર પુરુષ છો.'

આમ કહી મહારાજાએ તેમને 'બહાદુર પુરુષ'નો ખિતાબ આપ્યો અને એ ખિતાબનો સોનાનો કંઠો તેમની ડોકમાં પહેરાવ્યો.

રોજ મહારાજા જોબન ભગતને મળવા બોલાવે અને રોજ એમની અવનવી વાતો સાંભળે. એક વાર એમણે કહ્યું: 'જોબન ભગત, એક વાર તમારી આ ચૌર્યકલા મને દેખાડો!'

જોબન ભગતે કહ્યું: 'મહારાજ, કેમ કરી દેખાડું? ચોરી નહિ કરવાનું મેં હવે વ્રત લીધું છે.'

મહારાજાએ કહ્યું: 'બદદાનતથી કરીએ તે ચોરી કહેવાય, આ કંઈ ચોરી ન કહેવાય!'

મહારાજાનો બહુ આગ્રહ થયો, ત્યારે ભગતે કહ્યું: 'ભલે, તો મને તમારા દરબાર ગૃહમાં જ રહેવાની સગવડ આપો અને એક મહિનાની મુદત આપો!'

'આપી!' મહારાજાએ કહ્યું.

હવે જોબન ભગત રાજમહેલમાં રહેવા લાગ્યા. રોજ તેઓ મહારાજાને છૂટથી મળે. મહારાજા પણ તેમને ઘરનો માણસ ગણી પોતાનો રત્નભંડાર, શસ્ત્રભંડાર, હાથીખાનું, ઘોડાર વગેરે બધું બતાવે.

એમ કરતાં એક વાર વહેલા પરોઢિયે ડાબલાનો અવાજ સાંભળી જોબન ભગત જાગી ગયા. જોયું તો મહારાજા ઘોડેસવાર થઈને નીકળ્યા હતા. દરબાર ગઢના દરવાજે દરવાન સૂતો હતો, તેને મહારાજાએ સોટી અડાડી જગાડ્યો. દરવાને દરવાજો ઉઘાડ્યો અને મહારાજા બહાર ચાલી ગયા. દરવાજો ઉઘાડો જ રહ્યો.

તે પછી દોઢ-બે કલાકે મહારાજા પાછા આવ્યા. તેમણે ઘોડી પોતાના હાથે ઘોડારમાં બાંધી, પછી અગાશીએ ચડી સૂઈ ગયા. જોબને જોયું તો અઠવાડિયામાં બે વાર મહારાજા આવી રીતે ઘોડી પર સવાર થઈને બહાર જતા હતા. આ ઘોડી મહારાજાની ખાસ માનીતી ઘોડી હતી. મહારાજા સિવાય કોઈ તેની પાસે ફરકી સુદ્ધાં શકતું નહિ. પસીનાની ગંધથી એ પોતાના માલિકને ઓળખતી અને તેમના સિવાય બીજો કોઈ એની પાસે જાય તો બચકું ભરતી! ઘાસચંદી દેનારા અને પાણી પાનારા માણસો પણ દૂરથી ગમાણમાં ઘાસચંદી નાખતા અને ભૂંગળા વાટે કૂંડીમાં પાણી રેડતા. સાફ કરવાવાળા લાંબા હાથાવાળા પાવડા રાખતા અને દૂર રહી તે વડે લાદ વગેરે સાફ કરતા. આવી ઘોડીને ગંધીલી ઘોડી કહે છે. જોબન ભગતે કેટલાક દિવસ સુધી આ બધું બારીકાઈથી જોયું. તેણે મનોમન નક્કી કર્યું કે મહારાજાને મારી કળા જોવી છે, તો આ ગંધીલીને જ ગૂમ કરીને એ દેખાડું!

દિવસે કે રાત્રે ગમે ત્યારે મહારાજા જોબન ભગતને યાદ કરતા અને વાતોમાં બેસાડતા, પણ બપોરે જમીને મહારાજા આરામ કરતા તે પાંચ વાગે કચેરીમાં આવતા. ત્યાં સુધીનો ગાળો એવો હતો, જ્યારે જોબન ભગત ક્યાંય જવું હોય તો જઈ શક્તા.

મહિનો પૂરો થવામાં હવે માત્ર છ-સાત દિવસ બાકી હતા. તેથી હવે બપોરના સમયે ભગતે બહાર જવા માંડ્યું-- ચાલીને તેઓ પોતાના જૂના ઉતારે જતા. પછી ત્યાંથી ઘોડેસવાર થઈ નીકળી પડતા અને શહેરથી દૂર વિશ્વામિત્રી નદીનાં કોતરોમાં ફરતા. એમ ફરતાં ફરતાં એમણે એક ભયાનક કોતર શોધી કાઢ્યું. ત્યાં જવાનો કોઈ રસ્તો નહોતો કે આસપાસ દૂર દૂર સુધી ક્યાંય માણસનો પદસંચાર નહોતો. વાંકાચૂંકા ઉતરાણ ચઢાવવાળી ઊંડી ખીણનું આ કોતર હતું. ત્યાં ઝાડમાં માત્ર એક ખીજડાનું નાનું ઝાડ હતું. ભગતે એ જગા પસંદ કરી. બે-ત્રણ દિવસ આગળપાછળ ફરીને તેઓ એ સ્થળના બરાબર ભોમિયા થઈ ગયા.

પછી એક દિવસ રાતના બે વાગે ભગત ઊઠ્યા. અંધારી રાત હતી. પાછલી રાતનો ચંદ્રમા હજી ઊગ્યો નહોતો. મહારાજા અગાશીમાં પલંગ ઉપર મચ્છરદાની બાંધી પોઢ્યા હતા. જોબન ભગતે અગાશીની બરાબર નીચે આવી કેડે બાંધેલી ડાબલી કાઢી. ડાબલીમાં હીરની દોરીથી બાંધેલી ચંદન ઘો હતી. નિશાન લઈને પથરો ફેંકે તેમ ભગતે ઘોને અગાશીના કઠેડા પર ફેંકી. ઘો કઠેડાને બરાબર ચોંટી. ઘોની સાથે બાંધેલી હીરની દોરી નીચે લટકી પડી. તેનો છેડો ખેંચીને ભગતે બારણાના કડા સાથે તાણીને બાંધ્યો. પછી નટ થાંભલા પર ચડે તેમ ભગત એ દોરી પકડીને ઉપર ચડ્યા અને અગાશીમાં પહોંચી ગયા. મહારાજા ઊંઘતા હતા. ભગતે ભેટમાં છુપાવેલો નાનકડો વીંઝણો કાઢ્યો અને મહારાજાના નાક આગળ ત્રણ-ચાર વાર એનાથી પવન નાખ્યો. આ વીંઝણા પર એવો સુગંધીદાર લેપ લગાડેલો હતો કે એની હવા નાકમાં જતાં માણસ ગાઢ નિદ્રામાં પડી જાય. મહારાજાને આમ ગાઢ ઊંઘમાં નાખી ભગતે એક ખીંટીએ લટકતો મહારાજાનો ઝભ્ભો ઉતારી પહેરી લીધો. બીજી ખીંટી પર મહારાજાની પાઘડી હતી તે ય ઉતારીને પહેરી લીધી. પછી ઉપાડી મહારાજાની સોટી! આટલાં વાનાં કબ્જે કરીને ભગત જેમ ચડ્યા હતા તેમ પાછા નીચે ઊતરી આવ્યા.

પછી જોબન ભગત સીધા ઘોડારમાં ગયા અને હિંમત કરીને ઘોડીની પાસે ગયા. ઘોડીએ એમનાં વસ્ત્ર સૂંઘ્યાં અને એણે ભગતને પાસે આવવા દીધા. ભગત ઘોડીને છોડી, લગામ અને જીન ચડાવી, ખીલેથી છોડી ધીરેથી બહાર લઈ આવ્યા અને એના પર સવાર થઈ ગયા. દરવાન ઊંઘતો હતો, તેને સોટી અડકાડી જગાડ્યો. આંખો ચોળતો ચોળતો એ જાગ્યો, અને મહારાજાને સલામ મારી, મૂજરો કરી, તરત જ તેણે દરવાજો ખોલી દીધો. ભગત બહાર નીકળી ગયા. દરવાજો નિયમ મુજબ ખુલ્લો રહ્યો.

હવે ભગત સીધા પેલા ભયાનક કોતરમાં પહોંચી ગયા. ત્યાં ઘોડીને પેલા ખીજડાના ઝાડ સાથે બાંધી દઈ તેને પાણી પાયું. જીન-લગામ ઉતારી નાખ્યાં અને ઘોડીને ઘાસચારો નાખી તેના બરડે હાથ ફેરવ્યો. અગાઉથી ગોઠવ્યા પ્રમાણે ત્યાં બીજી ઘોડી હાજર હતી. તેના પર સવાર થઈ ભગત મારતે ઘોડે પાછા શહેરમાં આવ્યા અને ઘોડી પોતાના માણસને સોંપી દઈ, ચાલતા દરબારગઢમાં દાખલ થઈ ગયા. દરવાજો ઉઘાડો હતો તેથી કંઈ તકલીફ પડી નહિ.

ફરીને ભગત ચંદન ઘો બાંધેલી રસ્સીની મદદથી અગાશીએ ચડી ગયા ને મહારાજાનો ઝબ્બો, પાઘડી તથા સોટી જેમ હતાં તેમ મૂકી દઈ, પાછા નીચે ઊતરી આવ્યા. હવે તેમણે કડી સાથે બાંધેલી રસ્સી ઢીલી કરી કે તરત ઘો નીચે પડી. તેને સંકેલી ફરી ડબલામાં પૂરી દઈ, ભગત પોતાના મુકામે જઈ પથારીમાં સૂઈ ગયા.

તે પછી બે કલાકે સૂરજ ઊગતી વેળાએ તબેલાવાળો તબેલો સાફ કરવા આવ્યો, એણે ઘોડી જોઈ નહિ ત્યારે ધાર્યું કે મહારાજા ફરવા પધાર્યા છે તે હજી આવ્યા નથી, એટલે જગા સાફ કરી પોતાની ફરજ પૂરી કરી એ ચાલી ગયો. ઘોડીને ઘાસચંદી કરવાવાળો પણ એ જ રીતે પોતાનું કામ પૂરું કરીને ચાલી ગયો.

સવારે નાહી-ધોઈ પૂજાપાઠ કરી, તિલક ચાંલ્લો કરી, હાથમાં માળા લઈ જોબન ભગત રોજના નિયમ પ્રમાણે મહારાજાને સલામ ભરવા ગયા, ત્યારે મહારાજાએ કહ્યું: 'ભગત, સવારની ઠંડકમાં આજે તો મને ખૂબ જ ઊંઘ આવી ગઈ, તેથી નાસ્તાપાણીનું મોડું થયું!'

એ સાંભળી ભગત મનમાં હસ્યા, કંઈ બોલ્યા નહિ. આમ વાતો ચાલતી હતી ત્યાં ઘોડારના ઉપરીએ આવી જાહેર કર્યું: 'મહારાજ, ઘોડી ઠાણમાં નથી, તો આજે એને ક્યાં બાંધી છે?'

'ઘોડી નથી!' સાંભળી મહારાજાને ફાળ પડી. એ તરત ઊભા થઈ ઘોડારમાં તપાસ કરવા ગયા. પાછળ ભગત પણ ગયા. જોયું તો ઘોડી નથી, ઘોડીની સરક નથી, જીન નથી, લગામે નથી! ઘોડી ગઈ ક્યાં?

દરવાનને પૂછ્યું તો એણે કહ્યું: 'અન્નદાતા, આપ સવાર થઈને નીકળ્યા હતા અને લાકડી અડાડી મારી પાસે દરવાજો ઉઘડાવ્યો હતો. આપ પાછા ક્યારે પધાર્યા તેની મને ખબર નથી!'

મહારાજા કહે: 'આજે હું બહાર ગયો જ નથી, તને સ્વપ્નું આવ્યું હશે!'

દરવાન બાપડો હવે શું બોલે?

પગેરું જોવાવાળા પગેરું જોવા આવ્યા, પણ કાળી માટીની ભોંયમાં એમને કંઈ પગેરું હાથ લાગ્યું નહિ. સિપાઈઓ આવ્યા, સિપાહસાલારો આવ્યા, દીવાન આવ્યા, સૂબા અને સરસૂબા આવ્યા, શહેરના શેઠિયાઓ આવ્યા, જોષીઓ આવ્યા અને શાસ્ત્રપંડિતો આવ્યા. બધાને એક વાતની ખાતરી હતી કે ગંધીલી ઘોડી જે મહારાજા સિવાય કોઈને પોતાની પાસે ગરવા ન દે એને જીન-લગામ ચડાવી સવાર થઈને કોઈ ઉપાડી જાય એ સંભવિત જ નથી!

ગંભીર મુખમુદ્રા કરી શાસ્ત્રીઓએ કહ્યું: 'કોઈ લઈ ગયું નથી! દેવલોકની દેવાંશી ઘોડી હતી, દેવઇચ્છાથી આવી હતી અને દેવઇચ્છાથી પાછી દેવલોકમાં ચાલી ગઈ! માટે એનો હર્ષશોક કરવો નહિ!'

રાજાના બારોટે ઘોડીની દૈવી નિશાનીઓનું ચટાપટ પટાપટ વર્ણન કરી કહ્યું: 'બાપજી, એ ઘોડી નહોતી, પણ ઇન્દ્રના ઘરની અપસરા હતી. શાપવશ અવતાર લઈ એ પૃથ્વી પર આપની સેવા કરવા આવી હતી. સેવા પૂરી થઈ, એટલે એ પાછી ઇન્દ્રલોકમાં ચાલી ગઈ!'

રાજગોરે કહ્યું: 'બધી પ્રભુની માયા છે, સરકાર! માટે ભગવાન જેમ રાખે તેમ રહેવું!'

હવે રાજના જોષી કંઈ ચૂપ રહે? એમણે ટીપણું કાઢી કુંડળી માંડી ધનમકર ગણીને કહ્યું: 'દેવતાઈ કામધેનુ, પૃથ્વી પર રહેવું હતું ત્યાં લગી રહી ને અદૃશ્ય થઈ ગઈ. ઉચ્ચૈ:શ્રવા ઘોડો સમુદ્રમાંથી પેદા થઈ સ્વર્ગલોકમાં અદૃશ્ય થઈ ગયો, ગંગામૈયા પૃથ્વી પર નારી રૂપે પ્રગટ થઈ, રહેવું હતું એટલું રહીને અદૃશ્ય થઈ ગયાં, તેમ દેવલોકની આ દેવાંશી ઘોડી શાપમુક્ત થતાં પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગઈ! બાકી એને જીનલગામ ચડાવી એના પર સવાર થઈ કોઈ એને ઉઠાવી જઈ શકે એ વાત ખોટી! સરાસર ખોટી!'

શહેરના શેઠિયાઓએ કહ્યું: 'મહારાજ, દેશપરદેશ સોદાગરોને સંદેશો મોકલી અમે બીજી ઘોડી મગાવી દઈએ! એનો ખર્ચ પ્રજા આપશે.'

અમલદારોએ પણ એ વાતને ટેકો આપ્યો.

પરંતુ મહારાજા કહે: 'આટલો પહેરો, આટલો જાપતો, આટલી પલટણ, છતાં મારા જ ઘરમાંથી મારી ઘોડીની ચોરી થાય? મારે તો ચોરનો પત્તો જોઈએ!'

સૌએ કહ્યું: 'એટલે તો, મહારાજ, અમે કહીએ છીએ કે આ ચોરી નથી, દેવાંશી ઘોડી આપમરજીથી પૃથ્વી પર આવી અને આપમરજીથી દેવલોકમાં ચાલી ગઈ છે.'

મહારાજાએ કઠોર સ્વરે કહ્યું: 'જાતે જીનલગામ ચડાવીને?'

હવે કોઈ કંઈ બોલ્યું નહિ.

મહારાજાએ કહ્યું: 'આટલું બધું લાવલશ્કર અહીં શા સારુ રાખ્યું છે? તમને મોટા લોકોને હજાર હજારના દરમાયા હું શા સારુ આપું છું? જાઓ, ઘોડીના ચોરને શોધી કાઢો અને ઘોડી લઈ આવો! ઘોડી નહિ જડે ત્યાં સુધી હું અન્ન લેવાનો નથી!'

ભારે થઈ! બધે સોપો પડી ગયો. અમલદારો ઘાંઘલા બની દોડાદોડ કરવા લાગ્યા, પણ ક્યાં દોડવું ને ક્યાં ગોતવું તેની કોઈને ખબર નથી. કોઈ કહે, સૂરત તરફના લૂંટારા બાહોશ છે, એટલે એક પલટણ સૂરત તરફ દોડી અને બીજી એની ઊલટી દિશાએ દોડી!

મહારાજા ભૂખ્યા, એટલે દરબારગઢમાં બધા યે ભૂખ્યા રહ્યા. જોબન ભગત પણ ભૂખ્યા.

એમ કરતાં ચાર વાગ્યા. મહારાજા જોબન ભગતને કહે: 'ભગત, કહે છે કે મોટા જોષી યે ન જોઈ શકે એવી તમારી પાસે શુકન જોવાની વિદ્યા છે, તો મને એટલું કહો કે મારી ઘોડી મને પાછી મળશે ખરી?'

આ વાત ચાલતી હતી એટલામાં દરબારગઢના દેવઘરની ધજા પર એક કાગડો આવીને બેઠો અને બોલ્યો: 'કા કા કા!'

જોબન ભગતે કાગડા સામે જોઈ બે પળ આંખો મીંચી ભગવાનનું ધ્યાન ધરી કહ્યું: 'સરકાર, કાગઋષિ કહે છે કે તમારી ઘોડી વડોદરાની સીમ મેલીને ગઈ નથી, એ તમને જરૂર પાછી મળશે!'

એટલામાં ફરી કાગડો બોલ્યો: 'કા કા કા કા!'

ભગત કહે: 'સરકાર, કાગઋષિ કહે છે કે આ પળ છે, આપણા મોટા મોટા અમલદારોને બોલાવી પૂછો કે શું તપાસ કરી? જો ઘોડીનો પત્તો લાગ્યો ન હોય તો એ બધાયને અહીં નજરકેદ કરી આપ મારી સાથે ચાલી નીકળો!'

મહારાજાએ તરત જ પાયદળ, હયદળ વગેરે ફોજના ઉપરીઓને બોલાવી પૂછ્યું: 'બોલો, શું તપાસ કરી?'

બધાએ કહ્યું: 'ચારે દિશાએ માણસો દોડાવ્યા છે, પણ ઘોડીનો હજી કંઈ પત્તો લાગ્યો નથી.'

તરત જ મહારાજાએ એ બધાંયને પોતાના રાજમહેલના કમરામાં પૂરી દઈ બહાર તાળું લટકાવી દીધું; પછી તેમણે બે ઘોડા મંગાવ્યા. એક ઘોડા પર એ પોતે સવાર થયા, અને બીજા પર ભગત. સાથે ત્રીજા કોઈને લીધો નહિ.

જોબન ભગત મહારાજાને ઊંચાંનીચાં કોતરોમાં થઈને બે-ચાર ગાઉ આડાઅવળા ફેરવીને પેલા કોતર તરફ લઈ ગયા. ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સાંભળી ગંધીલી ઘોડી હાવળ પર હાવળ દેવા લાગી. એ સાંભળી મહારાજા કહે: 'ભગત, આ હાવળ મારી ઘોડીની જ છે. આટલામાં જ એ હોવી જોઈએ.'

છેવટે તેઓ મોટા સાંઢિયા ગારત થાય એવાં પેલાં ઊંડાં કોતરોમાં આવી પહોંચ્યા. ઘોડા પરથી ઊતરી ભગત ઘોડીની નજીક જવા લાગ્યા ત્યાં તો ઘોડી ચારે પગે કૂદીને એમને કરડવાનું કરવા લાગી. એ જોઈ મહારાજાએ એમને રોકતાં કહ્યું: 'જતા નહિ, જતા નહિ, તમને લાત દઈ મારી નાખશે. એ ગંધીલીને હું જ ઓળખું!'

આમ કહી મહારાજા પોતે ઘોડા પરથી ઊતરી 'બાપો! બાપો! ગંધીલી! ગંધીલી! બેટા, બેટા, બેટા!' કરતા તેની પાસે ગયા. ઘોડીએ મહારાજાને સૂંઘી ઓળખ્યા અને એકદમ ગેલમાં આવી નાચવા લાગી. પછી મહારાજાએ બાજુમાં પડેલ લગામ-જીન ચડાવ્યાં, પણ ખીજડા સાથે બાંધેલી હીરની ગાંઠ છૂટી નહિ. ભૂખી તરસી હીઝરાતી ઘોડીએ ધમપછાડા મારી જમીનમાં વેંત વેંતના ખાડા પાડી દીધા હતા અને હીરની ગાંઠને છૂટે નહિ એવી કરી દીધી હતી. દૂરથી જોબન ભગતે છરી ફેંકી કહ્યું: 'સરકાર, સરક કાપી નાખી ઘોડીને છૂટી કરો!'

મહારાજાએ છરીથી સરક કાપી નાખી. પછી તેઓ ગંધીલી પર સવાર થઈ ગયા. જોબન ભગત પણ પોતાના ઘોડા પર સવાર થયા અને બીજા ઘોડાને સાથે દોરતા ચાલ્યા.

આમ બેઉની સવારી ગામમાં આવી.

ચારે તરફ વાત ફેલાઈ ગઈ: 'જડી! ગંધીલી જડી! જોબન ભગતે શોધી કાઢી! ભગત પંખીઓની બોલી સમજે છે. કાગઋષિએ એમને ઘોડી દેખાડી!'

લોકોનાં ટોળેટોળાં રાજમહેલ આગળ જમા થઈ ગયાં.

શાસ્ત્રીઓ, પંડિતો, જોષીઓ, અમલદારો અને શેઠિયાઓ બધા દોડી આવ્યા અને ઝૂકી ઝૂકીને મહારાજાને સલામો ભરવા લાગ્યા.

મહારાજાએ ઘોડારમાં ઘોડીને બાંધી, એને ચંદીઘાસ નાખી એના બરડે હાથ ફેરવ્યો. તે પછી એ બહાર આવ્યા. હવે એમના મોં પર સુખની ઝલક હતી. હવે તેઓ સમજી ગયા હતા કે મેં ભગતની ચૌર્યવિદ્યા જોવા માગી હતી તે ભગતે આ રીતે દેખાડી!

અટકમાં રાખેલા અફસરોને છૂટા કરવામાં આવ્યા. નિશાળોમાં છોકરાંઓને મિઠાઈ વહેંચવામાં આવી. મંદિરોમાં દીપમાળાઓ થઈ, ગાયોને લીલું ઘાસ નખાયું, હજારો ગરીબગુરબાંને ભોજન અને દક્ષિણાઓ અપાઈ.

બીજે દિવસે મહારાજાએ કહ્યું: 'ભગત, તમે તમારી કળા તો દેખાડી, પણ આ બન્યું કેવી રીતે તે મને સમજાતું નથી. કોતરમાં મેં નજરે જોયું કે ગંધીલી તમને પાસે ઢૂંકવા દેતી નહોતી, તો એ ગંધીલી પર સવાર થઈ તમે તેને કેવી રીતે આટલા ચોકી પહેરામાંથી ઉપાડી ગયા તે મને કહો!'

હવે ભગતે શરૂઆતથી માંડીને બધી વાત મહારાજાને કરી. એ સાંભળી મહારાજા રાજી રાજી થઈ ગયા. તેમણે કચેરી ભરી ભગતને ખૂબ માનપાન આપ્યું.

બીજે દિવસે ભગતે મહારાજાની રજા માગી.

મહારાજાએ કહ્યું: 'ખુશીથી જાઓ! તમારા જેવા ભગત છે, તે મારી ભૂમિનું પુણ્ય છે.'

ભગત કહે: 'સરકાર, એ બધો પરતાપ મારા શ્રીજીમહારાજનો છે. પારસમણિ અડકીને લોઢાનું સોનું કરે છે એવું સાંભળ્યું છે, પણ શ્રીજીમહારાજ તો દ્રષ્ટિમાત્રે વગર અડક્યે મારા જેવા ગધેડાની ગાય કરે છે! જુઓને, હું કેવો પાપનો પહાડ હતો, અને આજે શ્રીજીમહારાજના પ્રતાપે મહિનો મહિનો રાજદરબારનો અતિથિ થઈને રહું છું. પારસમણિ લોઢાની તલવારને સોનાની કરે, પણ તલવાર તો તલવાર જ રહે, એનો ગુણ મારવાનો ને ચીરવાનો તે ન જાય, એની વંકાઈ ન જાય, પણ શ્રીજીમહારાજનું દર્શન તો આખા યે માણસને સમૂળો બદલી નાખે છે!'

કથાનક પૂરું કરી સંતે કહ્યું: 'શ્રીજીમહારાજે સત્સંગની સ્થાપના કરી જે કુશળ ટાંકણે હરિભક્તોને અને સંતોને ઘડ્યા તેનું પ્રત્યક્ષ સ્વરૂપ તે આ 'શિક્ષાપત્રી.' શ્રીજીમહારાજે સર્વ જીવના રૂડા વાસ્તે પોતે પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કર્યું છે કે જે જન શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. માટે સૌ સત્સંગીએ નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું. રોજ તેનો પાઠ કરવો, તેનું શ્રવણ કરવું.

આ પુનિત કથાશ્રવણથી છોકરાઓનાં દિલ એવાં ભક્તિભરપૂર થઈ ગયાં કે સૌ હર્ષવિભોર થઈ બોલી ઊઠ્યા:

'જય સ્વામિનારાયણ!'