૮. આત્યંતિક કલ્યાણ
દરેક દેહધારી સુખી થવા ઇચ્છે છે, એટલું જ નહિ તે વધુમાં વધુ સુખી થવા ઇચ્છે છે. દરેક મનુષ્યમાત્રની પ્રવૃત્તિમાત્રનો મૂળ ઉદેશ સુખી થવાનો છે. તો 'વધુમાં વધુ સુખ' ક્યાં રહેલ છે?
ભગવાનની ઉપાસના વિના કેવળ સત્કાર્ય કે પુણ્ય કરે તેને સ્વર્ગ-દેવ-લોકની પ્રાપ્તિ થાય. ત્યાં મનુષ્ય કરતાં દેવને વધુ ભોગ ભોગવવાના મળે તે ભોગવે, તેણે કરેલા પુણ્યનું તે રીતે વળતર મળી રહે તે પછી ફરી પાછો તે મનુષ્ય લોકમાં આવે છે. દેવભૂમિમાંના સુખ તે મનુષ્યના સુખ કરતાં વિશેષ છે, પણ અવિનાશી નથી, તે અતિ અલ્પ છે.
તેથી પર, ઋષિના લોકમાં તેથી વિશેષ સુખ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ચૌદલોકમાં સૌથી વિશેષ સુખરૂપ કહેવાય, પણ તે પણ માયાની અંદરના સુખ છે, ને અલ્પ છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ભગવાન કહેવામાં આવે છે કારણ કે ચૌદલોકનો અધિકાર તેમનો છે. ભગ એટલે ઐશ્વર્ય આવા ઐશ્વર્ય-વાળા તે ભગ-વાન. એ રીતે ચૌદ લોકનું રાજ્ય હોવાથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જરૂર ભગવાન છે, પણ પરતંત્ર છે. આપણી શોધ "વધુ ને વધુ સુખ"ની છે, તેથી આગળ વધો. Go beyond.
તેથી પર વિરાટપુરુષ-મહતત્ત્વ કે તેથી પર પ્રધાનપુરુષ (જે ભૂમાપુરુષ) એકબીજાથી વિશેષ સુખવાળા પણ માયાની અંદરના સગુણ સ્વરૂપો છે.
માયાની બહારનું પ્રથમ સ્થાન તે મૂળપુરુષ (કે જે આ લોકમાં દેવકી-વસુદેવના પુત્ર તરીકે શ્રીકૃષ્ણ ભગવાન સ્વરૂપે વિચર્યા)ના મૂર્તિમાન સ્વરૂપમાંથી નીકળતું નિરાકાર તેજ. તે તેજને બ્રહ્મ કહે છે. નિરાકાર બ્રહ્મ કહે છે. તે માયાની બહાર (beyond)નું સ્થાન હોવાથી નિરંજન (એટલે અંજન જે માયાની રહિત) કહેવાય છે. નિરંજન નિરાકાર બ્રહ્મ તે માયાની અંદરના કોઈ પણ સ્થાન કે કોઈ પણ સ્વરૂપ કરતાં અતિ અતિ સુખરૂપ હોવાથી જેને જેને એનો યોગ થયો તે તેના સુખથી એવા અહોભાવને પામી ગયા કે તેમને થયું કે આનાથી વિશેષ કાંઈ હોઈ જ ન શકે. અને એ રીતે નિરાકાર બ્રહ્મનું ખૂબ ચલણ થયું. પરંતુ આપણે અગાઉ જોયું કે નિરાકાર બ્રહ્મ જે મૂળપુરુષનું તેજ તે તો ચૈતન્યની અસંખ્ય કરોડ ભૂમિકાઓનું સૌથી નીચલું સૌથી પ્રથમ પ્રથમિક સ્થાન છે. તેથી ઉપરના બધાં સ્થાનો-ભૂમિકાઓ વધુ ને વધુ સુખથી ભરેલા છે. તેથી નિરાકાર બ્રહ્મ કરતાં નિરાકાર બ્રહ્મનું કારણ એવું જે મૂળપુરુષનું મૂર્તિમાન સ્વરૂપ છે તેમાં અતિ ઘણો વધુ આનંદ ને ઐશ્વર્ય રહેલા છે, તે છતાં તેનાથી વિશેષ વાસુદેવબ્રહ્મમાં ને તેથી વિશેષ મૂર્તિમાન અક્ષર જે મૂળઅક્ષર તેમાં રહેલ છે.
આ રીતે માયાની અંદરના સ્થાનની જેમ વિવિધતા છે તેમ માયાની બહારના ચૈતન્યસ્થાનોની પણ બહુવિધતા છે, ને ઉત્તરોત્તર વધુ ને વધુ સુખ તે સ્થાનોમાં ને તે સ્થાનના અધિષ્ઠાતા સ્વરૂપોમાં રહેલ છે.
મૂળઅક્ષર જે મૂર્તિમાન અક્ષર તેને પ્રેરણા, સુખ ને ઐશ્વર્ય તો નિરાકાર અક્ષર દ્વારા મળે છે. આ રીતે સમગ્ર સૃષ્ટિમાત્રનું કારણ એ નિરાકાર અક્ષર કે અક્ષરબ્રહ્મ છે. તે કારણના પણ કારણ એવા દિવ્ય સાકાર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી છે. ઐશ્વર્યમાત્ર, સુખ-આનંદમાત્ર જે કાંઈ જ્યાં ક્યાંય છે તે બધું આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય મનોહર સાકાર સ્વરૂપના આધારે છે.
આ રીતે "વધુમાં વધુ સુખ"ની શોધ કરવી હોય તો તેનો અંત ત્યારે જ આવે કે જ્યારે એ શોધ કરનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામે.
હવે જે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામે છે, એટલે કે જેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનની વ્યતિરેક મૂર્તિનો યોગ થાય છે તેવા મુક્તોના બે ભેદ આપણે અગાઉ જોયા.
વધુમાં વધુ સુખ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં છે, પણ આપણે તે સુખને વધુમાં વધુ રીતે કેવી રીતે ગ્રહણ કરી શકીએ, પામી શકીએ, અનુભવી શકીએ? તો તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત થઈને એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાકાર સ્વરૂપમાં અતિશય સ્નેહે એવા જ સાકાર થઈ રસબસપણે લીન રહી એ સ્વરૂપમાં થીજી જવાથી, સંલગ્ન થઈ જવાથી, તન્મય થઈ જવાથી વિશેષમાં વિશેષ સુખ આપણે અનુભવી શકીએ.
આ જ "આત્યંત્યિક" એટલે કે છેલ્લામાં છેલ્લું - the last, the final- કલ્યાણ છે. કલ્યાણ એટલે ભલું થવું તે, મંગલ થવું તે. આત્યંત્કિ કલ્યાણ તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં રસબસપણે રહીને સુખ ભોગવવું તે જ છે.
આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખવચન "વચનામૃતો" અને તેમાં રહેલા રહસ્યજ્ઞાનની સમજ આપતી "રહસ્યાર્થપ્રદીપિકા ટીકા"ના અભ્યાસથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તવું સુખમય સ્વરૂપ સમજવામાં આવે છે. તે સ્વરૂપમાં અતિશય સ્નેહથી જોડાઈને તેમની આજ્ઞા-વચનમાં વર્તી આંતર-બાહ્ય શુદ્ધિ રાખી એ સ્વરૂપનું સતત અનુસંધાન રાખવું. એ સ્વરૂપને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી સિદ્ધભાવને પામ્યા હોય તેવા સિદ્ધ અનાદિમુક્તને શરણે જવું. તેમના માર્ગદર્શનથી જ એમના જેવી સ્થિતિને પમાય છે. જેમના પોતાના આવરણ ભેદાઈ ગયાં છે ને શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત બની પરમસુખમાં લુબ્ધ બન્યા છે, તે જ બીજાનાં આવરણ ભેદવામાં મદદરૂપ થઈ શકે. ખરેખર તો તેવા મુક્તો દ્વારા ભગવાન પોતે જ મુમુક્ષુને આવરણ ભેદાવે છે. જેમ કોઈ મોટા માણસે મોટો જમણવાર પ્રયોજ્યો હોય તેમાં તે મૂળ શેઠ પોતે કાંઈ સૌને પીરસવા લાગતા નથી, તેમના મદદગાર સેવકો પીરસે છે, પણ તે બધાં મેવા-મીઠાઈ-ફરસાણ એ મૂળ શેઠના છે, સેવકો તો માત્ર પીરસનારા છે, શેઠની વતી પીરસે છે. તેમ મોટા સિદ્ધ અનાદિમુક્તો છે તે ભગવાનના સેવક છે. ને અનંત મુમુક્ષુઓને ભગવાનના સ્વરૂપમાં જોડવાની ભગવાનની ઇચ્છા છે તેમાં સેવારૂપ બને છે, ને તે મુમુક્ષુને ભગવાનના સ્વરૂપસંબંધી સુખ પીરસે છે. જેના થકી મુમુક્ષુને તે સુખનો અનુભવ થાય તેમના વિશે એને અહોભાવ રહે છે, પણ જોડાવાનું તો ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ અદભુત સ્વરૂપને વિષે જ છે, કે જેમાં તે સિદ્ધમુક્ત પણ જોડાયા છે. સિદ્ધમુક્ત મુમુક્ષુને ભગવાનના સ્વરૂપમાં જોડે છે, ત્યારે ભગવાન પોતે તે મુમુક્ષુને સુખ આપે છે. અને સિદ્ધમુક્ત જેમ ભગવાનનું સુખ ભોગવે છે તેમ મુમુક્ષુને પણ ભગવાન સુખ ભોગવાવે છે, પણ તે વખતે મુમુક્ષુ અને ભગવાનની વચ્ચે પછી સિદ્ધમુક્તની અપેક્ષા રહેતી નથી. જેવા સિદ્ધમુક્ત છે તેવા જ તે મુમુક્ષુ પણ થાય છે.
આ રીતે, સૌથી વધુ સુખ જેમાં છે તેવા ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપમાં રસબસ રહીને તે સુખ વધુમાં વધુ ગ્રહણ કરી શકાય એ રહસ્યના આ વચનામૃતગ્રંથમાંથી આપણને સૌને જેમ છે તેમ સમજાય ને ભગવાન કૃપા કરીને તે સ્વરૂપમાં સૌની સ્થતિ કરાવે તે જ એ પરમકૃપાળુ મહાપ્રભુજીને અભ્યર્થના.
સંદર્ભગ્રંથો:
૧. વચનામૃત: અમદાવાદ સ્થિત નરનારાયણદેવદેશની માન્ય પ્રત.
૨. વચનામૃત: વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણદેવદેશની માન્ય પ્રત.
૩. અ.મુ. અબજીબાપાશ્રીએ કરેલી 'રહસ્યાર્થપ્રદીપિકા ટીકા' યુક્ત વચનામૃતગ્રંથ.
4. સત્સંગી જીવનગ્રંથ.
5. સ.ગુ. ગોપાળનંદ સ્વામીશ્રીની વાતો.
6. સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીશ્રીની વાતો.
7. અ.મુ. અબજીબાપાશ્રીની વાતો.
8. સ.ગુ. વૃંદાવનદાસજીસ્વામીશ્રીની વાતો.
9. સ.ગુ.શા.ધર્મસ્વરૂપદાસજી વિરચિત શ્રીજીસંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતસાગર.
10. શ્રીમદ્ ભાગવત ગ્રંથ.