૧૪. કેટલીક વ્યાખ્યાઓ
1. અન્વય-વ્યતિરેક
2. સાકાર- નિરાકાર
3. સગુણ-નિર્ગુણપણું
4. સકામ-નિષ્કામ
5. સવિકલ્પ-નિર્વિકલ્પ
6. અવતાર-અવતારી
7. કર્તા-અકર્તા-અન્યથા કર્તાપણું
8. પ્રવૃત્તિમાર્ગ-નિવૃત્તિમાર્ગ
9. સત્સંગી- કુસંગી
(1) અન્વય- વ્યતિરેક:
જે શક્તિમાન છે તે વ્યતિરેક છે ને તેની જે શક્તિ છે તેને અન્વય કહેવાય છે. જેવી રીતે સૂર્ય અને તેનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ સર્વ જગતમાં ફેલાઈને પ્રકાશિત કરે છે તે સૂર્યનું અન્વય સ્વરૂપ છે અને સૂર્યલોકને વિશે મૂર્તિમાન જે સૂર્યનારાયણ છે તે તેનું વ્યતિરેક સ્વરૂપ છે. આમ અન્વય અને વ્યતિરેક એ બે જુદા સ્વરૂપો નથી; શક્તિ તે અન્વય ને શક્તિમાન તે વ્યતિરેક. વ્યતિરેક અને અન્વય સ્વરૂપને કાર્ય-કારણભાવ છે.
અન્વય-વ્યતિરેકપણું બદ્ધ જીવથી લઈને ઉત્તરોત્તર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સુધી છે. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહે યુક્ત ને જન્મ-મરણનું ભોક્તા એવું જીવનું સ્વરૂપ સમજીએ ત્યારે તેને જીવાત્માનું અન્વય સ્વરૂપ કહેવાય, પરંતુ ત્રણ દેહથી જુદો સત્તામાત્ર, અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવાત્માનું સ્વરૂપ છે તે તેનું વ્યતિરેક સ્વરૂપ છે. તેવી જ રીતે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તે ત્રણ શરીરે યુક્ત એકરસપણે ઈશ્વર વર્તે તે ઈશ્વરનું અન્વય સ્વરૂપ છે અને પિંડ, બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદ રૂપે જે છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ છે. માયા ને માયાના કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ એટલે પ્રકૃતિપુરુષ તથા સૂર્ય, ચંદ્રાદિક સર્વે દેવતા તેના પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ છે. અને જે સ્વરૂપને વિશે પુરુષ-પ્રકૃતિની પ્રેરણા, એવી કાંઈ ઉપાધિ રહેતી ન હોય, કેવળ પુરુષોત્તમ ભગવાન જ હોય તે અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે. બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેનાં હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી. તેમજ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તેની ઉપાધિ થકી રહિત છે એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ છે.
શ્રીજીમહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વેને વિશે પોતાના તેજરૂપે અંતર્યામીપણે રહ્યા છે તે શ્રીજીમહારાજનું અન્વયપણું છે. અને પોતાના બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરધામને વિશે મૂર્તિમાન રહ્યા છે તે વ્યતિરેકપણું છે.
- (વચનામૃતના આધારે)
વિશેષ વિચાર:
પરાત્પર, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું નિત્ય સિદ્ધ ને દિવ્ય સાકાર સ્વરૂપ છે તે તેમનું વ્યતિરેક સ્વરૂપ છે. જે અચલ, અવિનાશી, પૂર્ણ ને પ્રકાશમય છે. અનંત જ્ઞાન, પ્રકાશ, ઐશ્વર્ય, સાર્મથ્ય, સૌંદર્ય, માધુર્ય, લાવણ્યતાએ યુક્ત ને સત્ય, અહિંસા, કરુણા, ક્ષમા આદિ અનેક કલ્યાણકારી દિવ્ય ગુણોએ યુક્ત છે. અનંત ઐશ્વર્યાવેશ અવતારો ને મુક્તાવતારોનું કારણ છે. સર્વકર્તા, સર્વશક્તિમાન, સર્વસમર્થ, સર્વત્રવ્યાપક એવા એ સ્વરૂપની કોઈ ઉપમા જ નથી. એ સ્વરૂપના અતિ અપાર મહિમાનો પાર સ્વયં પ્રભુ પણ નથી પામતા એવી અપારતા પોતે જણાવે છે.
એ વ્યતિરેક સ્વરૂપ સાથે પરમ સાર્ધમ્યપણું ને ઐક્ય, પ્રાપ્ત કરેલા અનંત મુક્તો તે સ્વરૂપમાં ઓતપ્રોત, તદ્રુપ-તલ્લીન રહી તે સ્વરૂપ સંબંધી મહા અલૌકિક દિવ્ય સુખ માણે છે.
એ વ્યતિરેક સ્વરૂપનો અનંત, અપાર પ્રકાશ છે તે નિરાકાર છે, ચૈતન્યરૂપ છે, પ્રકાશરૂપા ને જ્ઞાતા શક્તિ છે. દિવ્ય સુખમય, ઐશ્વર્યમય ને અંતર્યામી શક્તિ છે. જેને ચિદાકાશ, સચ્ચિદાનંદ બ્રહ્મ, બ્રહ્મપુર, બ્રહ્મજ્યોતી, અક્ષર, અક્ષરધામ વગેરે પર્યાયોથી વર્ણવેલ છે એ પ્રભુનું અન્વય સ્વરૂપ છે. એ તેજરૂપ ધામમાં શ્રીહરિ પોતાના પરમ એકાંતિક મુક્તોને પોતાના સન્મુખ રાખીને સુખ આપે છે. એ જ અન્વય શક્તિ દ્વારા જીવકોટી, ઈશ્વરકોટી, પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી, મુક્તકોટી વગેરેને પોતાની પાત્રતાની તારતમ્યતા પ્રમાણે ઐશ્વર્યશક્તિ, સુખ ને કર્મફળ વગેરે આપે છે.
એ અન્વય શક્તિ દ્વારા જ પ્રભુ અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું ને બ્રહ્માંડાધિપતિઓનું નિયમન કરે છે. એ શક્તિ સદા-સર્વદા, સર્વત્ર વ્યાપક છે.
જેમ લોખંડના ટુકડામાં અગ્નિનો પ્રવેશ થાય ત્યારે તે ટુકડાનો શ્યામવર્ણ બદલાઈ જઈ અગ્નિરૂપ થઈ જાય છે. તે મોટા ટુકડામાં અગ્નિનો પ્રવેશ થાય અને જે અગ્નિરૂપ થઈ જાય ત્યારે તે મોટો અગ્નિ કહેવાય ને નાના ટુકડામાં અગ્નિ પ્રવેશે ને તે અગ્નિરૂપ થઈ જાય ત્યારે તે નાનો અગ્નિ કહેવાય. તેમ મુક્તકોટી, અક્ષરકોટી, બ્રહ્મકોટી, પુરુષરૂપ ઈશ્વરકોટી, દેવકોટી, જીવકોટી વગેરેમાં પોતાની પાત્રતા પ્રમાણે તે શક્તિ પ્રવેશ કરીને તેમને ઐશ્વર્યશક્તિ, સુખ વગેરે આપે છે. તેઓ પોતાની શક્તિ અને પાત્રતા પ્રમાણે તે અન્વય શક્તિ ગ્રહણ કરે છે તે બાકીની શક્તિ અંતે પાછી પ્રભુમાં લીન થઈ જાય છે. પાત્રતા કરતાં વધુ શક્તિ ત્યાં ટકી શકતી નથી.
જે પાત્ર પોતાનામાં પાત્રતા પ્રમાણે અન્વય શક્તિ સમાવે છે, તે પછી તેમાંથી પણ તે શક્તિ પ્રકાશરૂપે, ઐશ્વર્ય-સુખરૂપે નીકળીને તેથી ઉતરતા પાત્રમાં પ્રવેશે છે. દા.ત. પ્રભુની અન્વયશક્તિ મૂળઅક્ષરમાં પ્રવેશે છે ને તેમાંથી તે શક્તિ નીકળી વાસુદેવબ્રહ્મમાં પ્રવેશે છે. ત્યાંથી મૂળપુરુષમાં, ત્યાંથી પ્રધાનપુરુષમાં, વૈરાજપુરુષ, બ્રહ્મા-વિષ્ણુ-શિવ વગેરેમાં, એમ ઉતરી આવે છે. દરેક પાત્રમાંથી નીકળતી તેજરૂપ શક્તિનો શ્વેત રંગ, સાર્મથ્ય, શક્તિ વગરે અલગ અલગ છે. એના તફાવતનું જ્ઞાન ફક્ત પ્રભુરૂપ થયેલા સિદ્ધ અનાદિમુક્તોને જ હોય છે. તેમના સિવાય તેનો ભેદ બીજાને સમજાતો નથી, અનુભવાતો નથી, કારણ કે અનાદિમુક્તને એ સર્વ કંઈ જ્ઞાન પ્રભુની જેમ જ હસ્તામલકવત્ હોય છે. એ શક્તિ દ્વારા મૂળઅક્ષરાદિક અનંત બ્રહ્માંડોનું સર્જન, સ્થિતિ ને વિસર્જન કરે છે. મૂળપુરુષો દ્વારા જીવોને કર્મફળ મળે છે.
શ્રીજીમહારાજ અન્વય થકા વ્યતિરેક છે અને વ્યતિરેક થકા અન્વય છે. એનો અર્થ એ છે કે શ્રીજીમહારાજનું અન્વય સ્વરૂપ જે નિરાકાર બ્રહ્મ તે સર્વત્ર વ્યાપક છે જ, પરંતુ શ્રીહરિનું વ્યતિરેક દિવ્ય સાકાર સ્વરૂપ સીમિત નથી એ પણ અન્વય સ્વરૂપમાં જ્યાં દર્શન દેવું ઘટે ત્યાં તત્કાળ પ્રગટ થાય છે, આવિર્ભૂત થાય છે. એ જ એ સ્વરૂપની દિવ્યતા છે. હા, ભૌતિક પરમાણુઓનું બનેલું સ્વરૂપ સર્વવ્યાપી ન હોઈ શકે, પરંતુ અમાયિક ને દિવ્ય એવું સ્વરૂપ સર્વવ્યાપી છે, કારણ કે તે દિવ્ય છે.
દા.ત. ભારતમાં કોઈક સાધકને પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો તેના ચૈતન્યમાં સાક્ષાત્કાર થાય તો તે સ્વરૂપ ત્યાં પ્રગટ થયું; તેમજ અમેરિકામાં કોઈક સાધકને સાક્ષાત્કાર થાય તો ત્યાં પણ પ્રગટ થાય. અરે! અન્ય બ્રહ્માંડોની પૃથ્વીઓ ઉપર પણ તેમજ આવિર્ભૂત થાય. માટે પ્રભુને જ્યાં દર્શન દેવું ઘટે ત્યાં દર્શન દઈ શકે અને તે પણ અક્ષરધામમાં રહ્યા થકા જ દર્શન દઈ શકે, એટલે હવે સમજી શકાશે કે પ્રભુ પોતાના તેજરૂપ અન્વય સ્વરૂપ સાથે વ્યતિરેક મૂર્તિમાન સ્વરૂપે પણ સર્વવ્યાપી છે. સ્થૂળ દૃષ્ટિથી આ વાત સમજવી અઘરી છે, પણ સૂક્ષ્મ રીતે વિચારતાં ને મનમાંથી ભૌતિક સ્વરૂપનો ખ્યાલ દૂર કરતાં આ વાત દીવા જેવી સ્પષ્ટ થશે.
આધુનિક વિજ્ઞાનની મદદથી અત્યારે દૂરદર્શન (ટેલિવિઝન) દ્વારા પણ એક જગ્યાએ દર્શાવાતો પ્રોગ્રામ, સારાય જગતના ટેલિવિઝન સેટ ઉપર દર્શાવી શકાય છે, જોઈ શકાય છે તો પ્રભુથી શું અશક્ય હોઈ શકે? કશું જ અશક્ય નથી.
આ રીતે પ્રભુના વ્યતિરેક તેમજ અન્વય સ્વરૂપની સ્પષ્ટતા થાય છે.
(2) સાકાર-નિરાકાર:
શાસ્ત્રમાં ભગવાનને અરૂપ કહ્યા છે તે એટલા માટે કે માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધ માટે છે. ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે, અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે. અને ભગવાનને 'તેજપૂંજ' એમ કહે છે તે તો મૂર્તિ વિના તેજ હોય જ નહિ. જેવી રીતે અગ્નિની મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે તેના લીધે મૂતિર્ દેખાતી નથી એકલી જ્વાળાઓ જ દેખાય છે. તેનો અર્થ એવો નથી કે અગ્નિ નિરાકાર છે; અગ્નિની મૂર્તિ તો સાકાર છે ને તેની જ્વાળાઓ નિરાકાર છે. જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર છે. જેમ સમગ્ર તડકો તે નિરાકાર છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે. તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. કોઈ એમ કહે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે, પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે, પણ માયિક નથી.
અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ભગવાન માયા સામું જોતા હતા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલીઆંખ જ હોય? હાથ-પગ પણ હોય માટે સાકારરૂપનું પ્રતિપાદન થયું.
- (વચનામૃતના આધારે)
વિશેષ વિચાર:
આમ જોતાં તો આ બંને શબ્દોના અર્થ સાવ સરળ ભાસે છે કે, જેનો આકાર હોય, જે આકૃતિ સહિત હોય તે સાકાર અને જે આકારે રહિત હોય તે નિરાકાર, પરંતુ જ્યારે અધ્યાત્મ ગ્રંથમાં તે બાબત કાંઈક વાંચવામાં આવે ત્યારે તે જો યોગ્ય રીતે સમજવામાં ન આવે તો અવળું અર્થઘટન થઈ જાય.
વિશ્વના તત્ત્વજ્ઞાનના ઘણા ખરા મતોમાં કેવળ નિરાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન થયેલું જોવામાં આવે છે. વેદાંતનો ગૂઢાર્થ નહિ સમજેલા વિદ્વાનો પરબ્રહ્મ, પરમાત્માના સદાય દિવ્ય સાકાર સ્વરૂપના અનુભવના અભાવે યુક્ત હોઈ પોતાની કલ્પનાથી શાસ્ત્રોક્ત શ્રુતિઓનું અર્થઘટન કરવા જતાં ભૂલા પડે છે અને અનેકને ગેરમાર્ગે દોરે છે.
વળી કેટલાક સાકાર સમજે છે તો, તે સગુણ સ્વરૂપને જ સાકાર સમજે છે. તેઓ એવી માન્યતા ધરાવે છે કે નિર્ગુણ તેમજ નિરાકાર એવું જે પ્રભુનું સ્વરૂપ છે, તે જ જ્યારે મનુષ્યરૂપે થાય છે ત્યારે સગુણ-સાકાર થાય છે અથવા સાધકને ધ્યાનમાં સગુણ-સાકારરૂપે, તેનો જેવો ભાવ ને કલ્પના હોય તે પ્રમાણે તેને સુખ દેવા માટે દર્શન આપે છે, પણ છે તો નિરાકાર જ. આવી રીતે પ્રતિપાદન કરે છે; એ તેમની પ્રભુના સાકાર સ્વરૂપને સમજવાની રીત ખામીવાળી છે, ભૂલ ભરેલી છે.
શ્રુતિઓ જ્યારે પરમાત્માના સ્વરૂપને સર્વવ્યાપી, નિર્ગુણ-નિરાકાર કહે છે, ત્યારે તેમના કથન પાછળનો હેતુ પ્રભુના સ્વરૂપને માયિક ને ભૌતિક આકારથી રહિત કહેવાનો છે. પ્રભુ પોતાના નિરાકાર તેજરૂપ બ્રહ્મધામમાં સદા સાકાર જ છે. એ દિવ્ય સાકાર ને મૂર્તિમાન સ્વરૂપ પ્રભુનું નિત્યસિદ્ધ સ્વરૂપ છે, શાશ્વત સ્વરૂપ છે. નિરાકાર, સર્વવ્યાપી, સચ્ચિદાનંદ બ્રહ્મ તે પ્રભુની તેજરૂપ અન્વય શક્તિ છે. જેના દ્વારા તેઓ અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું નિયમન કરે છે. આ અન્વય સ્વરૂપ તે નિરાકાર છે ને તેનું કારણ એવું વ્યતિરેક સ્વરૂપ તે સદા સાકાર છે. સ્ત્રી-પુરુષના ભાવ વગરનું છતાં નરાકૃતિ ને અતિ સ્વરૂપવાન, અનુપમેય એવું દિવ્ય ઘન તેજનું સ્વરૂપ છે. કર-ચરણાદિક સર્વે અંગો દિવ્ય તેજના જ છે. ભૌતિક પરમાણુનું બનેલ તે સ્વરૂપ નથી. ભૌતિક તત્ત્વોની કલ્પના પણ તે સ્વરૂપ માટે શક્ય નથી. એ સ્વરૂપ અખંડ, અવિનાશી, અચલ, નિત્યસિદ્ધ ને શાશ્વત છે. એ પ્રભુ ક્યારેક સાકાર ને ક્યારેક નિરાકાર; એમ નથી. સદા સાકાર જ છે.
ચૈતન્યોની થતી ભૌતિક ઉત્ક્રાંતિમાં મનુષ્ય શરીર એ છેલ્લું પગથિયું છે. અને તે મનુષ્ય શરીરમાં જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ શરૂ થાય છે. મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ છે એમ કહેવા પાછળનું તાત્પર્ય પણ એ જ છે કે પ્રભુનું સ્વરૂપ મનુષ્યાકૃતિ દિવ્ય સાકાર છે. મનુષ્ય ને પ્રભુ મનુષ્યાકૃતિ છે. મનુષ્યનું શરીર ભૌતિક પરમાણુનું બનેલું છે ને પ્રભુનું સ્વરૂપ દિવ્ય ચૈતન્યનું છે. માનવ શરીરમાં આત્મા-ચૈતન્ય નિરાકાર છે; પ્રભુનો ચૈતન્ય મનુષ્યાકૃતિ, સાકાર છે. મનુષ્યમાં દેહ-દેહી ભાવ છે, જ્યારે પ્રભુના સ્વરૂપમાં દેહ-દેહી ભાવ નથી. તે કૈવલ્ય મૂર્તિ જ છે. મનુષ્ય શરીરમાં સ્ત્રી-પુરુષ એવો લિંગભેદ છે, જ્યારે પ્રભુનું સ્વરૂપ સ્ત્રી-પુરુષના ભાવ રહિત છે. મનુષ્ય શરીર ભૌતિક પરમાણુનું હોવાથી સીમિત છે. જ્યારે પ્રભુ સાકાર હોવા છતાં સર્વત્ર વ્યાપીને દર્શન આપવા સમર્થ છે. મનુષ્ય શરીર અનેક મર્યાદાઓને આધિન છે; પ્રભુનું સ્વરૂપ અમર્યાદ છે. મનુષ્ય શરીર અપૂર્ણ છે, અસમર્થ છે, વિનાશી છે. પ્રભુનું સ્વરૂપ પૂર્ણ, સર્વશક્તિમાન, પ્રકાશમય, ઐશ્વર્યપૂર્ણ, સુખરૂપ છે. આવરણોથી, બંધનોથી રહિત છે.
આમ મનુષ્ય શરીર અને દિવ્ય મનુષ્યાકૃતિ પ્રભુમાં અનંતગણો તફાવત હોવા છતાં મનુષ્યને મનુષ્યાકૃતિ પ્રભુ સાથે સ્નેહ થવાથી તેમના સ્વરૂપમાં પરાપ્રેમ-પરાભક્તિ પ્રગટે છે અને તે પૂર્ણ પ્રભુ દ્વારા પોતે પૂર્ણ બની શકે છે. તેનો નિરાકાર ચૈતન્ય પ્રભુકૃપાથી દિવ્ય સાકાર, પ્રભુ જેવો જ સાકાર થઈ પ્રભુમાં ઐક્ય પ્રાપ્ત કરી, પ્રેમાદ્વૈત સાધી પ્રભુ સંબંધી સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે ને આત્યંતિકમોક્ષરૂપ આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરે છે.
મુમુક્ષુ સાધક પ્રભુની ઉપાસના અને ધ્યાન દ્વારા પોતાના ચૈતન્યમાં પ્રભુના સાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તેના ઉપર રહેલાં આવરણો દૂર થતાં નિરાકાર ને અણુ સરખો અલ્પ ચૈતન્ય પ્રભુના દિવ્ય તેજ સાથે એકતા થવાથી બ્રહ્મરૂપ ને સર્વત્ર વ્યાપક બને છે. જ્યારે પ્રભુના વ્યતિરેક સાકાર સ્વરૂપ સાથે આત્યંતિક પણે જોડાય છે, ત્યારે પ્રભુ જેવો જ દિવ્ય સાકાર થઈ, પ્રભુનું પરમ સાર્ધમ્ય પ્રાપ્ત કરી સિદ્ધમુક્ત દશા પ્રાપ્ત કરે છે તે દાસભાવે પ્રભુનું દિવ્ય સુખ એ સ્વરૂપમાં રસબસભાવે લીન રહી ભોગવે છે.
નિરાકારવાદીઓ અર્થાત્ પ્રભુનું સ્વરૂપ નિર્ગુણ-નિરાકાર છે એવી માન્યતા ધરાવનારને જ્યારે સમાધિ અવસ્થામાં નિરાકાર તેજરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે તેઓ પણ માયાથી રહિત થાય છે, પરંતુ પ્રભુની સર્વોપરી ઉપાસનાના અભાવે પ્રકૃતિ-પુરુષ જે મૂળપુરુષ તેના તેજમાં તેના ચૈતન્યની લીનતા થાય છે. તેથી આગળ તેની ગતિ થતી નથી; અને સર્વોપરી પ્રભુના દિવ્ય સુખ, ઐશ્વર્ય, જ્ઞાન, પ્રકાશ, શક્તિઓ ને કલ્યાણકારી ગુણોની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે.
આ સમગ્ર સૃષ્ટિ પણ વિવિધ આકારોવાળી છે. જો પ્રભુ નિરાકાર જ હોય તો તેનાથી આ સાકાર સૃષ્ટિ શી રીતે સંભવે? શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે અગ્નિ, વરૂણ, સૂર્ય વગેરે દેવો પણ મૂર્તિમાન સાકાર સ્વરૂપો છે. જગતને ફક્ત તેના કાર્યો જે પ્રકાશ, ગરમી, જળ વગેરેનો જ અનુભવ થાય છે, પણ તેના મૂર્તિમાન સ્વરૂપોનો અનુભવ થતો નથી, તેથી જ માત્ર તેને નિરાકાર સમજી લેવાની ભૂલ ન કરી શકાય.
નિરાકાર આત્માથી પર હોવાથી પ્રભુને પરમાત્મા કહેવાય છે તથા નિરાકાર તેજરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મથી પરમાત્મા પર હોવાથી પરબ્રહ્મ એવો શબ્દપ્રયોગ શાસ્ત્રોમાં છે. એ જ સાબિત કરે છે કે અન્વયશક્તિરૂપ, બ્રહ્મરૂપ નિરાકાર પ્રકાશની શક્તિના ધરતલ પરબ્રહ્મ સાકાર સ્વરૂપ જ છે. કેટલાક સમજે છે તેમ આત્મા તે પરમાત્મા, બ્રહ્મ ને પરબ્રહ્મ એક જ નથી. તેમાં તો ઘણો બધો ભેદ છે, ફક્ત મુક્તદશામાં, સિદ્ધકાળમાં પ્રભુના સ્વરૂપ સાથે ઐક્ય પ્રાપ્ત થવાથી એકરૂપતા જણાય છે, પરંતુ એક નથી. મુકતોના ચૈતન્યો ને પ્રભુનો ચૈતન્ય એકરૂપ હોવા છતાં ભિન્ન જ રહે છે. પ્રભુ સદા-સર્વદા સુખદાતા, નિયંતા, સ્વામી રહે છે ને મુક્તો પ્રભુના દાસ ને સુખ ભોક્તા રહે છે.
રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મીસરી પયમાહીં ભળી... આજ એકાદશી સુફળ ફળી.
સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી
જેમ દૂધમાં સાકર ભળી જાય ત્યારે ઉપરથી જોનારને દૂધ જ દેખાય, પણ ચાખે ત્યારે જ દૂધમાં સાકરનું અસ્તિત્વ જણાય છે, તેમ અનાદિમુક્તો- કૈવલ્યમુક્તો પ્રભુના સ્વરૂપમાં તે સ્વરૂપરૂપ થઈ, રસબસપણે પ્રભુના સ્વરૂપ સંબંધી સુખ ભોગવે છે પણ દૂધ તે દૂધ છે ને સાકર તે સાકર છે. બંને વસ્તુ ભિન્ન છે છતાં એકરૂપ થાય છે. તેમ પ્રભુનો ચૈતન્ય ને મુક્ત ચૈતન્ય ભિન્ન હોવા છતાં પ્રેમાદ્વૈત સધાવાથી એકરૂપ થાય છે. મુક્ત પ્રભુરૂપ થાય છે, પણ પ્રભુ બની જતા નથી. આ સિદ્ધાંત વાત છે.
આમ પ્રભુના સાકાર- નિરાકારરૂપની વિશદરૂપે સ્પષ્ટતા કરી છે, જેથી સાચો ખ્યાલ આવે ને શંકા દૂર થાય.
(3) સગુણ-નિર્ગુણપણું:
અષ્ટાવરણે વેષ્ટિત (આવૃત્ત) એવાં જે બ્રહ્માંડ તે મૂળપુરુષના તેજને આધારે રહ્યા છે તે મૂળપુરુષના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ પ્રધાન પુરુષાદિક સર્વે જીવને વિશે અંતર્યામીપણે રહ્યું છે તે મૂળપુરુષના તેજનું નિર્ગુણપણું છે. તેમ જ વાસુદેવબ્રહ્મના તેજને આધારે મૂળપુરુષ ઈશ્વરરૂપી કોટીઓ રહી છે તે બ્રહ્મના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળપુરુષરૂપી કોટીઓમાં વ્યાપક છે તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે, અને તેમજ અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટીઓ રહી છે તે અક્ષરના તેજનું સગુણપણું છે અને એનું એ જે અક્ષરનું તેજ તે બ્રહ્મની કોટીઓને વિશે વ્યાપક છે તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે, તેમજ શ્રીજીમહારાજના તેજને આધારે મૂળઅક્ષરની કોટીઓ રહી છે તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે, જેમ સૂર્યના પ્રકાશમાં તારા, ચંદ્રાદિક પોતાના પરિવારે સહિત રહ્યા છે તેમજ એ સર્વે શ્રીજીમહારાજના તેજમાં પોત પોતાના પાર્ષદોએ સહિત રહ્યા છે, અને એનું એ તેજ મૂળઅક્ષરની કોટીઓને વિશે અંતર્યામીપણે વ્યાપક છે તે શ્રીજીમહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજીમહારાજ તો એ પોતાના તેજથી પણ પર છે ને એ તેજના પણ આધાર છે ને સદા મૂતિર્માન છે. તેમને તો સગુણ કે નિર્ગુણ કહેવાય જ નહિ. માટે જ્યાં જ્યાં શ્રીજીમહારાજનું સગુણ-નિર્ગુણપણું આવે ત્યારે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સગુણ-નિર્ગુણપણું જાણવું.
- (વચનામૃતને આધારે)
વિશેષ વિચાર:
વચનામૃતના વચનો (ગ. મ. 42)ને આધારે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સગુણ પણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. સગુણ-નિર્ગુણપણું તો ફક્ત તેમના તેજરૂપ બ્રહ્મનું છે; તેમ છતાં અન્ય અર્થમાં સગુણ-નિર્ગુણ, ભગવાનના સ્વરૂપને પણ કહી શકાય છે.
અનંત જીવોના કલ્યાણ માટે પ્રભુ મનુષ્યરૂપે પ્રગટ થાય છે ત્યારે તેમની અમુક લીલાઓ મનુષ્ય સરખી જ જણાય છે. જેમ કે ખાવું, પીવું, સૂવું, બોલવું, ચાલવું, હસવું, રમવું વગેરે અનેક પ્રકારની ચેષ્ટાઓ મનુષ્યના જેવી જ જણાય છે, પરંતુ સાક્ષાત્કારની સ્થિતિને પામેલા મુકતોને તે ચેષ્ટાઓ દિવ્ય લીલાના રૂપમાં દેખાય છે, અનુભવાય છે. આધ્યાત્મિક પ્રગતિ કરતા બુદ્ધિશાળી મુમુક્ષુને પણ સૂક્ષ્મ રીતે જોતાં પ્રભની મનુષ્ય ચેષ્ટાઓમાં બીજા મનુષ્યોની ચેષ્ટા કરતાં ભિન્નતા જણાઈ આવે છે.
પ્રભુ પોતાના એના એ જ મનુષ્યરૂપમાં ક્યારેક દિવ્યભાવ પ્રગટ કરે છે. એ મૂર્તિમાં કેટલાકને અનંત પ્રકાશ, અનંત ઐશ્વર્યો-શક્તિઓ, અનંત જ્ઞાન વગેરે જણાઈ આવે છે તથા અનંત મુક્તાવતારો, અનંત ઐશ્વર્યાવેશ અવતારો એ મૂર્તિમાંથી પ્રગટ થતા ને લીન થતા જણાય છે. આમ પ્રભુ મનુષ્યરૂપે હોવા છતાં દિવ્ય કૈવલ્યમૂર્તિ જ છે. મનુષ્યભાવ તો ફક્ત દેખાવા માત્ર જ છે, જેથી ભકતોને સેવા-સમાગમ કરવાની સરળતા રહે. પ્રભુ જો દિવ્યભાવ જણાવે તો પાત્રતાના અભાવે ભક્ત તે સહન ન કરી શકે ને પ્રભુમાં પોતાના હૃદયના ભક્તિ ભાવોનું આરોપણ કરી તેને પ્રેમ ન કરી શકે. જ્યારે પ્રભુ મનુષ્યભાવે વર્તે ત્યારે એ બધાની સાનુકૂળતા રહે છે.
મનુષ્યભાવ ને દિવ્યભાવ એક જ છે. જે ભક્તને ભક્તિ કરતાં કરતાં પ્રભુને વિશે મનુષ્યભાવ ને દિવ્યભાવમાં ભેદ ન રહે એક જ જણાય ત્યારે તે પણ નિર્ગુણ ને ગુણાતીત અવસ્થાને પામે છે.
આમ મનુષ્યભાવ ને દિવ્યભાવ જણાવતા એવા ભગવાન માયાના જે સત્ત્વ, રજ ને તમ એ ત્રણ ગુણોથી તથા તે ત્રણ ગુણોના કાર્ય ને પ્રભાવથી સંપૂર્ણપણે પર છે, તેથી રહિત છે, કારણ કે તે સ્વરૂપ ભૌતિક પરમાણુનું બનેલું નથી; કૈવલ્ય-દિવ્ય સ્વરૂપ જ છે. માયાના ગુણોથી પર ગુણાતીત હોવાથી પ્રભુને નિર્ગુણ કહેવાય છે. એવા નિર્ગુણ-ગુણાતીત પ્રભુના સંબંધમાં જે કોઈ આવે છે તે પદાર્થ, વ્યક્તિ, તેની ક્રિયાઓ એ બધું નિર્ગુણ થઈ જાય છે. અર્થાત્ તેની ઉપર માયાના ગુણોનો પ્રભાવ નથી રહેતો. એવો ભક્ત જ્યારે પ્રભુ સંબંધી નિર્ગુણ કર્મયોગ કરતો કરતો પ્રભુના સ્વરૂપના સાક્ષાત્કારને પામે છે ત્યારે તે પ્રભુ જેવો જ દિવ્ય સાકાર સ્વરૂપે થાય છે.
નિર્ગુણ ને ગુણાતીત એવા પ્રભુમાં અનંત કલ્યાણકારી ગુણો જેવા કે સત્ય, અહિંસા, કરુણા, ક્ષમા, ઉર્ધ્વરેતાપણું, સમતા, ધૈર્ય, તિતિક્ષા, બુદ્ધિ, બલ, પ્રતાપ, સૌંદર્ય, માધુર્ય, સાર્મથ્ય, જ્ઞાન, પ્રકાશ વગેરે દિવ્ય, અમાયિક ગુણો રહેલા હોવાથી પ્રભુને સગુણ કહેવાય છે.
આ રીતે પ્રભુનું સગુણ-નિર્ગુણપણું સમજવું ઘટે.
(4) સકામ-નિષ્કામ:
ભગવાનના ભક્તો બે પ્રકારના હોય છે. સકામ ભક્ત ને નિષ્કામ ભક્ત. ભગવાનના સકામ ભક્તને ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપ ન પામતો હોય ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય ને જો તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઇચ્છા રાખે છે માટે તે સકામ ભક્ત કહેવાય. અને જેને કામ, ક્રોધ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે હૃદયમાં દાઝ આવે ને ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થની ઇચ્છા ન હોય તેને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય જો થોડા હોય તો પણ તે દેહાંતે મોટી પદવીને પામે ને ઘણું સુખ મેળવે કારણ કે તે નિષ્કામ ભક્ત છે.
સકામ ભક્ત બ્રહ્માથી લઈને મૂળઅક્ષર સુધીની પદવીને જ પ્રાપ્ત થઈ શકે, પણ એથી ઉપર તેની ગતિ નથી થતી. જ્યારે નિષ્કામ ભક્ત ભગવાનના સાર્ધમ્યપણાને પામીને મુક્ત થાય છે.
- (વચનામૃતને આધારે)
વિશેષ વિચાર:
ભગવાનના ભક્તોમાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે; સકામ ભક્ત ને નિષ્કામ ભક્ત. સકામ અર્થાત્ કામના-ઇચ્છાવાળો. કોઈ પણ પ્રકારની ભૌતિક તેમજ આધ્યાત્મિક કામનાઓની પૂર્તિ કરવાના આશયથી ભગવાનની ભક્તિ કરતો હોય તે સકામ ભક્ત છે. મહાપ્રયત્ને ભૌતિક ઇચ્છાઓથી પર થનાર ભક્ત પણ અજ્ઞાન અને અણસમજણને લઈને તથા ભગવાનના સ્વરૂપમાં સર્વોપરી ઉપાસનાની દૃઢતામાં ને મહિમા સમાજવાની ખામીને લઈને અનેક પ્રકારના રાગ તથા આસક્તિને લઈને ઐશ્વર્યો, સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઇચ્છાઓમાં બંધાઈ જાય છે. અને તેથી તે પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી. દેવો, ઐશ્વર્યાર્થી અવતારો વગેરેના ઐશ્વર્ય-સુખો પ્રાપ્ત કરવાની ને ભોગવવાની વાસના-રાગ સમાધિનિષ્ઠને પણ ક્યારેક રહે છે. ચતુર્ધા મુકિતમાં પણ જો રાગ કે ઇચ્છા રહેતી હોય તો તે સકામ ભાવ જ છે. કારણ કે પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં પ્રભુ સિવાયની બીજી ગમે તે પ્રકારની ઇચ્છા હોય તે વિઘ્નરૂપ છે.
જે ભક્ત ભગવાનમાં આસ્તિક્તા રાખી ભક્તિ કરતો હોવા છતાં જો ભગવાન પાસેથી ભૌતિક સુખો, સમૃદ્ધિ વગેરે મેળવવાની અભિલાષાથી ભજન કરતો હોય તો તે સકામ ભક્ત છે. એ એવી ઇચ્છા સેવે છે કે જો હું ભગવાનની ભક્તિ કરીશ તો મને ધન-દોલત, બંગલા-ગાડી-વાડી, એશઆરામ માટેની સુખ સગવડતાઓ ને સાધનો મળશે. શરીરનું આરોગ્ય સારું રહેશે, જેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ વગેરે પંચવિષયનું સુખ સારી રીતે ભોગવી શકું. જગતમાં- સમાજમાં નામના, કીર્તિ, પ્રતિષ્ઠા મળશે. આવા પ્રકારની ભૌતિક ઇચ્છાઓ રહે તે સકામ ભક્ત છે.
આવી ભૌતિક ઇચ્છાઓથી ભક્ત પર થાય તો આગળ જણાવ્યું છે તેમ આધ્યાત્મિક સિદ્ધિઓ, ઐશ્વર્ય શક્તિઓ મેળવવાની ઇચ્છામાં બંધાઈ જાય. જેમ કે આ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરે ક્રિયાઓ શી રીતે થાય છે? ચૈતન્ય ભૂમિકાઓ ને જુદા જુદા ધામ કેવા પ્રકારના હોય છે? ત્યાંના સુખ-ઐશ્વર્યો કેવા હશે? વગેરે જોવા, જાણવા ને ભોગવવાની ઇચ્છાઓ તથા વિભૂતિ અવતારોના પદ, અધિકાર ને સત્તા ભોગવવાની ઇચ્છાઓ બળવાન અને ઉચ્ચકક્ષાના સાધકને પણ પૂર્ણતા પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે. આવા પ્રકારના રાગ ભૌતિક ઇચ્છાઓવાળા સકામ ભક્ત કરતાં પણ ભયંકર સ્થિતિમાં ખેંચી જાય છે, કારણ કે તેવા ઐશ્વર્યના રાગમાંથી આસક્તિ દૂર થતાં કલ્પેકલ્પ વિતી જાય છે, ને તેમાંથી બહાર નીકળી શકાતું નથી.
મુમુક્ષુએ આત્મનિરીક્ષણ કરી ભૌતિક તેમજ આધ્યાત્મિક એમ તમામ પ્રકારની સિદ્ધિઓ ને ઐશ્વર્યો મેળવવાની ઇચ્છાઓનો ત્યાગ કરી, મુક્ત પુરુષ પાસેથી ભગવાનના સ્વરૂપનો યથાર્થ મહિમા ને ઉપાસના સમજી દૃઢ કરી એક પ્રભુના સ્વરૂપ સિવાય બીજે બધેથી નિરાસક્ત થવું જોઈએ. એમ કરી શકે તો તે નિષ્કામ ભક્ત થઈ શકે.
નિષ્કામ ભક્તની પ્રભુનો સાક્ષાત્કાર કરવાની ગતિ ખૂબ જ ત્વરિત રીતે થાય છે. પાત્રતા થતાં પ્રભુના સ્વરૂપના ધ્યાન અને ઉપાસના દ્વારા તેને નિર્વિકલ્પ સમાધિ થતાં પોતાના ચૈતન્યમાં પ્રભુનો સાક્ષાત્કાર થઈ પૂર્ણ આત્યંતિક સ્થિતિ અર્થાત્ મુક્તદશા પ્રાપ્ત થાય છે ને પ્રભુના સ્વરૂપમાં ઐક્ય પ્રાપ્ત કરી પ્રભુના સ્વરૂપ સંબંધી દિવ્ય ને અવર્ણનીય સુખ માણે છે. પ્રભુના દિવ્ય સુખને દાસભાવે ભોગવવા સિવાય બીજું કોઈ કર્તવ્ય તેને માટે રહેતું નથી. એક સુખમાં જ ગુલતાન રહે છે ને પ્રભુરૂપ થઈ પ્રભુ જેવો જ સ્વતંત્ર થાય છે. આ નિષ્કામ ભક્તની પ્રાપ્તિ છે. ને તે સર્વોચ્ચ પ્રાપ્તિ છે, આત્યંતિક મોક્ષ પણ તે જ છે.
ગમે તેવા કપરા સંજોગોમાં, ઝંઝાવાતોમાં, વિક્ષેપોમાં તથા સુખ-દુ:ખ, માન-અપમાન, હાણ-વૃદ્ધિ, હર્ષ-શોક, રાગ-દ્વેષ, શીત-ઉષ્ણ, પ્રિય-અપ્રિય, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે અનેક દ્વંદ્વોમાં પર્વતની જેમ અડગ રહી શકે, સ્થિતપ્રજ્ઞ કરી શકે તે નિષ્કામ ભક્તના લક્ષણ છે. નિષ્કામ ભક્ત ભગવાન સિવાય બીજા કોઈ દેવ, અવતારો, કાળ, કર્મ, માયા એ કોઈને પણ કર્તા નથી સમજતો. કેવળ પ્રભુને જ કર્તા માને છે. કોઈ પણ પ્રકારના સુખ-દુ:ખને પ્રભુની મરજી છે તેમ માની સ્થિતપ્રજ્ઞ રહે છે. મૃત્યુ થાય તેવા સંજોગોમાં પણ દેહની રક્ષા માટે નિષ્કામ ભક્ત પ્રભુને પ્રાર્થના કરતો નથી અને સકામભાવ લાવતો નથી તેથી પ્રભુપ્રસન્નતા પામે છે. જ્યારે સકામ ભક્ત કપરા સંજોગોમાં તથા કષ્ટોમાં ધીરજ ગુમાવી દે છે ને ક્યારેક શ્રદ્ધામાં પણ ડગી જાય છે. કષ્ટોમાં ભયભીત થઈને સકામ ભાવે રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. તથા અન્ય દેવોમાં તથા મંત્રોમાં કે વ્યક્તિઓમાં શ્રદ્ધા ને પ્રતિતી આવી જાય છે. પ્રભુ સિવાય બીજા કાળ-કર્માદિનું કર્તાપણું મનાય જાય છે. નિષ્કામ ભક્તને પ્રભુ સિવાય બીજે ક્યાંય પણ આસ્થા આવતી જ નથી.
આમ નિષ્કામભક્તના ને સકામ ભક્તના લક્ષણોમાં તથા તેમની પ્રાપ્તિમાં ઘણો તફાવત છે.
(5) સવિકલ્પ-નિર્વિકલ્પ:
જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, હું નારદ, સનકાદિક ને શુકજી જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમમાં મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાર્ધમ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. અર્થાત્ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામના સાર્ધમ્યપણાને પામીને શ્રીજીની મૂર્તિમાં સ્નેહે કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, અને જેને શ્રીજીની મૂર્તિમાં સ્થિતિ થઈ હોય અર્થાત્ શ્રીજીની મૂર્તિ દેખતો હોય, પણ બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને એમના મુક્ત જેવો થાઉં; એવો વિકલ્પ રહે તે સવિકલ્પ સમાધિવાળો છે.
સવિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર વગેરે પૃથક્ પૃથક્ દેખાય છે, પણ નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને તો એક શ્રીજીમહારાજ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
છ પ્રકારના નિશ્ચયવાળા ભક્તો હોય છે તેમાં વિષ્ણુ તથા વૈરાજના જેવા શ્રીજીમહારાજને જાણીને ભજે તેને સવિકલ્પમાં કનિષ્ઠ જાણવા. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને મહતત્ત્વ જેવા જાણીને મહારાજને ભજે તેને સવિકલ્પમાં મધ્યમ જાણવા. પ્રધાનપુરુષ જેવા શ્રીજીમહારાજને જાણીને ભજે તે સવિકલ્પમાં ઉત્તમ જાણવા. મૂળપુરુષ તથા નરનારાયણ જેવા જાણીને ભજે તે નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ જાણવા. વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા જાણીને ભજે તે નિર્વિકલ્પમાં મધ્યમ છે અને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં રહ્યા થકા શ્રીજીમહારાજની ઉપાસના કરે તેને નિર્વિકલ્પમાં ઉત્તમ જાણવા. આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા તે સિદ્ધદશાવાળા પરમ એકાંતિક મુક્ત જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિનાં રોમ રોમના નવીન નવીન સુખભોક્તા એવા જે અનાદિમુક્ત તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચયવાળા જાણવા.
- (વચનામૃતના આધારે)
વિશેષ વિચાર:
જે ભક્તને ભગવાનનો નિશ્ચય હોય અને અશુભ વાસના, વિષય ભોગની ઇચ્છા તો ન હોય, પરંતુ શુભવાસના હોય તે ભક્ત ધ્યાન-ભજન કરીને ભગવાનને વિશે સ્થિતિ તો પામે પણ તેને સકામભાવ હોવાથી સવિકલ્પ સમાધિને પામે. એ સ્થિતિ પૂર્ણતાની પ્રાપ્તિ ન કરાવી શકે. સવિકલ્પ સમાધિમાં જ્ઞાતા ને જ્ઞેય તથા ધ્યાતા ને ધ્યેય વચ્ચે ઐક્ય નથી સધાતું કારણ કે શુભ ઇચ્છારૂપી આવરણ આડું આવે છે. તેને વિકલ્પ કહેવામાં આવે છે. એવા વિકલ્પ સાથેની સમાધિ અર્થાત્ સવિકલ્પ સમાધિ. ધ્યાતા જે ધ્યાન કરનાર સાધકની ધ્યેય એવા પ્રભુના સ્વરૂપ સાથે એકતા નહિ સધાવાથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. અપૂર્ણતા રહે છે.
આવા સવિકલ્પ સમાધિવાળા મુક્તોને ઐશ્વર્ય પ્રાપ્તિની ઇચ્છા પણ રહેતી હોય છે. તથા બ્રહ્માંડોની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય વગેરે ક્રિયાઓ કેવી રીતે થાય છે તે જોવા જાણવાની ઇચ્છા રહેલી હોવાથી પ્રભુ પાસેથી પોતાની પાત્રતા પ્રમાણે ઐશ્વર્ય પ્રાપ્ત કરી તે ક્રિયામાં રાગને લઈને જોડાઈ જાય છે. એવા ભક્તો મૂળઅક્ષર, વાસુદેવબ્રહ્મ, મૂળપુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ વગેરે ભૂમિકાઓને પામે છે. અને તે પદવી, અધિકાર ને સત્તાના રાગને લીધે કોટિ કલ્પ સુધી તેમાંથી બહાર નીકળતા નથી. તેમાં જ અટવાયેલા રહે છે. આવા મુક્તોને દેવકોટીથી લઈને મૂળઅક્ષર સુધીની પદવી પ્રાપ્ત થાય છે.
જેમ અશુભ વાસના બંધનકારી છે તેમજ શુભ વાસના પણ બંધનકારી છે. સાંકળ ચાહે લોખંડની હો કે સુવર્ણની હો બંને બાંધે છે. જે સાધકને એક પ્રભુના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય પણ આસક્તિ ન હોય, નિષ્કામભાવ હોય તેના ચિત્તની વૃત્તિનો નિરોધ પ્રભુના દિવ્ય સ્વરૂપમાં થાય એટલે તેને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે. આ સમાધિમાં બીજો વિકલ્પ ન હોવાથી ધ્યાતા-ધ્યેય ને જ્ઞાતા-જ્ઞેયની સંપૂર્ણ એકતા થાય છે. સાધક ચૈતન્યમાં પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ને સાધકનો ચૈતન્ય પ્રભુ સાથે એકરૂપ થતાં પ્રભુરૂપ, સિદ્ધમુક્ત દશા પ્રાપ્ત કરે છે. એ મુક્ત પ્રભુના સ્વરૂપમાં સળંગ રસબસ લીન રહી એ સ્વરૂપ સંબંધી દિવ્ય સુખ માણે છે. તેમને મૂર્તિના એ દિવ્ય સુખનું જ જાણપણું રહે છે. એ સુખ સિવાય બીજું કાંઈ જોવા જાણવા ઇચ્છતા જ નથી. આ સ્થિતિને જ આત્યંતિકમુક્તિ કહેલી છે.
આ રીતે સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયમાં તથા સ્થિતિમાં ઘણો તફાવત છે.
(6) અવતાર-અવતારી:
મચ્છાદિકથી લઈને રામાવતાર સુધીના બધા શ્રીકૃષ્ણના અવતાર કહેવાય અને એ બધા અવતારોના અવતારી શ્રીકૃષ્ણ કહેવાય. એટલે મચ્છાદિક કરતાં શ્રીકૃષ્ણમાં સાર્મથ્ય અધિક હોય. તેવી જ રીતે વાસુદેવબ્રહ્મના અવતાર શ્રીકૃષ્ણ છે અને વાસુદેવબ્રહ્મ તે શ્રીકૃષ્ણ (મૂળપુરુષ)ના અવતારી કહેવાય. વાસુદેવબ્રહ્મ મૂળઅક્ષરના અવતાર છે અને મૂર્તિમાન મૂળઅક્ષર તે વાસુદેવ બ્રહ્મના અવતારી કહેવાય. આ રીતે ઈશ્વરકોટીમાં ને પુરુષકોટીમાં તથા અક્ષરકોટીમાં જે ઉપરી હોય તે અવતારી ને તેથી નીચેના તે અવતાર કહેવાય, કારણ કે અવતાર હોય તે તેના ઉપરી પાસેથી ઐશ્વર્ય-સુખ ને સાર્મથ્ય ભોગવે છે.
શ્રીજીમહારાજની અન્વયશક્તિ પ્રથમ મૂળઅક્ષર મેળવે છે તેથી શ્રીજીના અન્વય-સ્વરૂપના અવતાર પ્રથમ મૂળઅક્ષર છે. તેથી નીચે વાસુદેવબ્રહ્મ છે. વાસુદેવબ્રહ્મથી નીચે મૂળપુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ વગેરે; એમ ક્રમવાર પ્રભુની અન્વયશક્તિ ઉતરી આવે છે. એટલે અન્વય સ્વરૂપના બધા જ અવતારોના અવતારી શ્રીજીમહારાજ છે. શ્રીજીમહારાજના ઉપરી કોઈ નથી; તે પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરી, સર્વાવતારી છે. ઐશ્વર્યાર્થી અવતારોમાં અનુક્રમે પ્રભુની અંતર્યામી શક્તિ- અન્વયશક્તિ જ્યારે પ્રવેશે છે ત્યારે જ તે વિભૂતિ અવતારો ને ઐશ્વર્યાર્થીઓ ઉત્પત્યાદિક પોત પોતાના કાર્યો કરવા શક્તિમાન બને છે, પરંતુ શ્રીજીમહારાજની સત્તાને મૂકીને સ્વતંત્રપણે કોઈ કંઈ પણ કરવા સમર્થ નથી.
જે અવતારી હોય તેમાં સર્વ અવતાર લીન થઈ જાય, પણ જે અવતારી હોય તે કોઈ અવતારમાં લીન ન થાય. એ જ અવતારીનું લક્ષણ છે, સર્વોપરીતા છે.
શ્રીજીમહારાજની મૂર્તિમાંથી જ અનંત અવતારો પ્રગટ થાય છે ને પાછા તે મૂર્તિમાં લીન થઈ જાય છે.
- (વચનામૃતને આધારે)
વિશેષ વિચાર:
અનાદિ શ્રીકૃષ્ણ, પુરુષોત્તમ નારાયણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી, સર્વોપરી, સર્વકારણ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વનિયંતા, સર્વકર્તા છે. એ પ્રભુમાંથી જ અનંત અવતારો પ્રગટ થાય છે ને પાછા લીન થાય છે.
ઉત્પત્તિઆદિક ક્રિયા કરનારા ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, પુરુષકોટી, અક્ષરકોટી વગેરે ઐશ્વર્યાર્થી અવતારો પ્રભુના અન્વય-સ્વરૂપના અવતારો છે, તે પ્રભુના તેજરૂપ, બ્રહ્મરૂપ અન્વય-શક્તિમાંથી પ્રગટ થાય છે ને તેમાં જ ફરી પાછા લીન થાય છે. પ્રભુના દિવ્ય-સાકાર વ્યતિરેક સ્વરૂપમાંથી મુક્તાવતારો પ્રભુ ઇચ્છાથી જીવોના આત્યંતિક કલ્યાણમાટે પ્રગટ થાય છે ને શ્રીજીના સંકલ્પ મુજબ તેઓનુંકાર્ય પૂર્ણ થયે પાછા તેમાં લીન થાય છે. જ્યારે સર્વાવતારી પ્રભુ ઐશ્વર્યાર્થી અવતારો ને મુક્તાવતારોના કારણહોવાથી તેમને અન્ય કોઈ પણ સ્વરૂપમાંથી નથી પ્રગટ થવાપણું કે નથી લીન થવાપણું. તે તો અવતારી સ્વરૂપ છે ને અન્ય અવતાર સ્વરૂપો છે.
શ્રીજીમહારાજના અવતારો બે પ્રકારના છે (1) ઐશ્વર્યાવેશ અવતારો (2) મુકતાવતારો.
1. ઐશ્વર્યાવેશ અવતારો:
મુમુક્ષુ સાધક જ્યારે પ્રભુ પ્રસન્નતાના આધ્યાત્મિક સાધનો દ્વારા પ્રગતિ કરતો હોય અને ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિ એ સાધનચતુષ્ટય તથા ધ્યાનયોગ, મંત્રયોગ, અષ્ટાંગયોગ વગેરેની સાધના કરતો હોય ત્યારે અમુક સાધકોની તેમના કારણ શરીરમાં રહેલા ઐશ્વર્યના રાગ ઉદય થાય છે. જેવા કે બ્રહ્માંડોની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયની ક્રિયાઓ કેવી રીતે થાય છે? તે જોવા, જાણવાની ને તે ક્રિયા કરવાની ઇચ્છા તથા દેવકોટીના, વૈરાજપુરુષ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ વગેરે પુરુષકોટીના તથા વાસુદેવ બ્રહ્મ ને મૂળઅક્ષર કોટીના ઐશ્વર્ય-સુખો, સાર્મથ્ય, સત્તા, અધિકાર, પદ વગેરે મેળવવાની ને ભોગવવાની ઇચ્છાઓ ને મહત્ત્વાકાંક્ષા હોય છે. તથા અષ્ટસિદ્ધિ, નવનિધિ પ્રાપ્ત કરવાની ને તેનો ઉપયોગ કરવાની ઇચ્છા રહેલી હોય છે. આવા સકામ ભક્તોને ધ્યાન-યોગ દ્વારા, અષ્ટાંગ યોગની સાધના દ્વારા આત્મા-બ્રહ્મ તથા પરમાત્માના સ્વરૂપમાં સ્થિતિ થાય છે, પરંતુ આગળ જણાવ્યા મુજબ વિકલ્પ રહેવાથી સવિકલ્પ સમાધિ થાય છે. ઐશ્વર્યોના રાગને લઈને જ્ઞાતા-જ્ઞેય અને ધ્યાતા-ધ્યેય વચ્ચેનો ભેદ રહી જાય છે અર્થાત્ ધ્યેય સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ એવા પ્રભુના સ્વરૂપમાં સાધક ચૈતન્યનું ઐક્ય-એકરૂપતા થતી નથી. તેથી તેઓ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત નથી કરી શકતા અને પૂર્ણતાથી દૂર રહી જાય છે; અપૂર્ણ રહે છે. ઐશ્વર્યોના રાગને લઈને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક ક્રિયાઓમાં જોડાઈ જાય છે અને પોતાના અલગ ધામો રચી તેમાં ઐશ્વર્ય-સુખો, સત્તા વગેરે ભોગવે છે ને પોતાના મુક્તોને- ભક્તોને પોતાના ઐશ્વર્ય સુખો આપે છે, પરંતુ આત્યંતિક મોક્ષ આપી શકતા નથી. કારણ કે તેઓ પોતે જ અપૂર્ણ છે અને આત્યંતિક મોક્ષથી વંચિત છે. તેઓના ધામો, ઐશ્વર્ય-સુખો, સત્તા વગેરે ચૈતન્ય ભૂમિકામાં હોવા છતાં મર્યાદિત છે. તેઓ કોટી કલ્પ સુધી તેમાં બંધાઈ રહે છે કારણ કે તેમને ઐશ્વર્યના રાગ બાંધી રાખે છે.
આ ઐશ્વર્યાર્થીઓ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના તેજરૂપ-બ્રહ્મરૂપ અન્વય સ્વરૂપમાંથી પોતાની પાત્રતાની તારતમ્યતા પ્રમાણે સુખ-ઐશ્વર્ય-સાર્મથ્ય ગ્રહણ કરે છે. જેમ લોખંડના ટુકડામાં અગ્નિનો પ્રવેશ થાય તો તે અગ્નિરૂપ થઈ જાય. તે જેવડો ટુકડો તેવડો અગ્નિ કહેવાય. તેમ પ્રભુની અન્વય શક્તિનો પાત્રતા પ્રમાણે પ્રવેશ થવાથી તેઓ પોતપોતાના કાર્યો કરવા સમર્થ થાય છે. શ્રીજીમહારાજનું તેજ સર્વપ્રથમ મૂળ અક્ષરમાં પ્રવેશે છે ત્યારે મૂળઅક્ષર પોતાની પાત્રતા પ્રમાણે તેને તેમાં સમાવી લે છે, પછી તેમાંથી પણ તેજ નિકળે છે તે વાસુદેવ બ્રહ્મમાં આવે છે. વાસુદેવ બ્રહ્મ તે તેજ પોતાની પાત્રતા પ્રમાણે સમાવે છે ને તેમાંથી તેજ નીકળી મૂળપુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ, બ્રહ્મા-વિષ્ણુ-શિવ વગેરેમાં એમ ક્રમવાર ઉતરી આવે છે. એ તેજ જ સુખ-ઐશ્વર્ય-સાર્મથ્ય શક્તિ-જ્ઞાન વગેરેનું કારણ છે. આ રીતે અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું નિયમન તે તેજરૂપ અન્વય શક્તિ દ્વારા થાય છે. પ્રભુની એ તેજરૂપ અંતર્યામી શક્તિ સિવાય સ્વતંત્રપણે કોઈ પણ અવતાર કંઈ પણ કરવા શક્તિમાન નથી થતા.
જે બ્રહ્માંડોમાં પૃથ્વી ઉપર જીવોની પૂર્ણતા તરફની ગતિ જેને ઉત્ક્રાંતિ કહે છે તે શરૂ થાય છે ત્યારે મૂળઅક્ષરથી લઈને વાસુદેવ બ્રહ્મ, મૂળપુરુષો, પ્રધાનપુરુષો, વૈરાજપુરુષો તથા દેવકોટીના દેવો વગેરેના અવતારો થાય છે. અમુક અવતારો અસુરોનો સંહાર કરી પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે ધર્મનું સ્થાપન કરે છે. પોતાના ભક્તોની રક્ષા કરે છે. તેમને પોતાના ધામોમાં લઈ જઈ સુખ-ઐશ્વર્ય આપે છે, પરંતુ આત્યંતિક મોક્ષ નથી આપી શકતા કારણ કે પોતે અપૂર્ણ છે.
2. મુક્તાવતારો:
જે નિષ્કામ મુમુક્ષુ-સાધક ધ્યાન-યોગાદિ પ્રભુ પ્રસન્નતાના સાધનો કરે છે અને તે સાધનો પ્રભુ કૃપાથી સિદ્ધ કરે છે. તેમને એક પ્રભુના દિવ્ય સ્વરૂપ સિવાય બીજો કોઈ રાગ, ઇચ્છા કે આસક્તિ નથી હોતાં તેથી જ્યારે પ્રભુના સ્વરૂપમાં અખંડ ધ્યાન-ચિંતન-નિદિધ્યાસથી સ્થિતિ થાય છે ત્યારે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ પોતાના ચૈતન્યમાં પ્રભુના દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આવો ભક્ત મુક્ત થઈ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને જ્યારે પ્રભુના સ્વરૂપમાં આત્યંતિકપણે જોડાઈ જાય છે ત્યારે પ્રભુ કૃપાથી પ્રભુનું પરમસાર્ધમ્યપણું પ્રાપ્ત કરી પ્રભુરૂપ થાય છે. જ્ઞાતા-જ્ઞેય ને ધ્યાતા-ધ્યેયની એકતા થાય છે, અને સ્વતંત્ર સિદ્ધ અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરી પ્રભુના સ્વરૂપ સંબંધી દિવ્ય સુખ ભોગવે છે. એ જ આત્યંતિક મોક્ષ કહેવાય છે. આવા મુક્તને દાસભાવે મૂર્તિનું સુખ ભોગવવું એ સિવાય તેઓ બીજું જાણપણું રાખતા નથી. પ્રભુની જેમ જ આવા મુક્તોને બધું હસ્તામલ હોવા છતાં તે જોવા જાણવા ઇચ્છતા નથી.
અનંત જીવોના આત્યંતિક મોક્ષ માટે આવા મુક્તાવતારોને જે શ્રીજીના વ્યતિરેક સ્વરૂપના અવતારો છે તેમને શ્રીજીમહારાજ પોતાના સંકલ્પથી મનુષ્યરૂપે પ્રગટ કરે છે. આવા મુક્તો જ જીવોને આત્યંતિક મોક્ષ પ્રદાન કરી શકે છે કારણ કે પોતે પૂર્ણ હોય છે. તેમના દ્વારા કર્તાપણું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નરાયણનું જ હોય છે.
આવા મુક્તો પુરુષોત્તમરૂપ હોવા છતાં પુરુષોત્તમ પાસે દાસ છે. સ્વામી-સેવકભાવ, સુખદાતા-સુખભોક્તાપણું, નિયામક-નિયામ્યપણું વગેરે અખંડ રહે છે. મુક્તો પુરુષોત્તમરૂપ થાય છે, પરંતુ સ્વયં પુરુષોત્તમ થઈ શકતા નથી. પ્રભુનો ચૈતન્ય ને મુક્તોના ચૈતન્યોમાં ભિન્નતા શાશ્વત છે, ભલે તે સળંગ રસ-બસ ભાવે એકરૂપ હોય!
પ્રભુ તો 'એકમેવાદ્વિતિયંબ્રહ્મ' છે. અર્થાત્ એ જેવા એ એક જ છે; એમના જેવા અન્ય કોઈ નથી ને કોઈ થઈ શકતા પણ નથી. તેઓ ઐશ્વર્ય-અવતારોના તથા મુક્તાવતારોના અવતારી છે.
આ રીતે અવતાર-અવતારીનો ભેદ અહીં સ્પષ્ટ થાય છે.
(7) કર્તા-અકર્તા-અન્યથા કર્તા:
શ્રી સ્વામિનારાયણ ભગવાન 'કર્તુમ્કર્તુમાન્યથાકર્તુમ' છે. અર્થાત્ કર્તા, અકર્તા ને અન્યથા કર્તા છે.
શ્રીજીમહારાજ જીવકોટી, દેવકોટી, ઈશ્વરકોટી, પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી, મુક્તકોટી તથા અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું નિયમન તથા તે સર્વેને તેઓની પાત્રતા પ્રમાણે સુખ, ઐશ્વર્ય, પ્રકાશ, સાર્મથ્ય વગેરે પોતાના તેજરૂપ અન્વય-સ્વરૂપ, અંતર્યામી શક્તિ દ્વારા આપે છે. તેમની અન્વય શક્તિ વગર કોઈ પણ કાંઈ જ કરવાસમર્થ નથી. માટે શ્રીજીમહારાજ સર્વકર્તા છે. તેઓ સ્વતંત્ર છે ને તેમની પાસે બધા પરતંત્ર છે. તેઓ સર્વેના સ્વામી, નિયામક છે.
અનંત-બ્રહ્માંડોની ઉત્પત્તિ-સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયા પોતાના અન્વય સ્વરૂપમાંથી પ્રગટ થયેલા ઐશ્વયાર્થીઓ, વિભૂતિ-અવતારો જે મૂળઅક્ષરો, મૂળપુરુષો, કાળ, માયા વગેરે દ્વારા કરાવે છે. જીવોને કર્મફળ મૂળપુરુષો દ્વારા આપે છે. આ રીતે પોતે અકર્તા રહે છે. અને જીવોના આત્યંતિક કલ્યાણ પણ પોતાના સિદ્ધ મુક્તો દ્વારા કરે છે તેથી પણ તેઓ અકર્તા ગણાય છે; આમ છતાં પોતાની સંકલ્પ શક્તિ, અન્વય શક્તિ દ્વારા જ બધું થાય છે તેથી સર્વકર્તાપણું તો તેમનું જ છે.
પ્રભુ, આગળ જણાવેલ બધાં કાર્યો પોતાની અન્વય શક્તિ દ્વારા કરાવતા હોવાથી તેમને કોઈ પણ પ્રકારનું કર્મ બંધન પ્રાપ્ત થતું નથી અને આકાશની પેઠે નિર્લેપ રહે છે, અસંગી રહે છે, તેથી પણ અકર્તા ગણાય છે. તેમની દરેક ક્રિયા દિવ્ય છે તેથી ભૌતિક કર્મબંધનનો સંભવ જ નથી.
શ્રીજીમહારાજ પોતાના તેજરૂપ દિવ્યધામમાં અનંતમુક્તોને પોતાના સન્મુખ રાખી પોતાની મૂર્તિનું સુખ આપે છે. અને પોતે જો ઇચ્છે તો તે તેજરૂપ ધામને પણ પોતાના વ્યતિરેક સ્વરૂપમાં લીન કરી તથા અનંતમુક્તોને પોતાના સ્વરૂપમાં લીન કરી સ્વરાટ્ થકા રહે છે, કારણ કે તેજરૂપ ધામના આધાર ને કારણ પોતે છે ને તેજ તો તેમનું કાર્ય છે. આ રીતે અન્યથા કર્તાપણું પણ છે.
અનંત અવતારોને પોતાની અંતર્યામી ને અન્વય શક્તિ દ્વારા સાર્મથ્ય-ઐશ્વર્ય આપીને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક ક્રિયા કરાવે છે તે સર્વે અવતારોને પોતાના અન્વય સ્વરૂપમાં લીન કરી પોતે જ બધું કરવા સમર્થ છે. કોઈક સંજોગોમાં ઐશ્વર્યાર્થીઓને, વિભૂતિ અવતારોને અહંભાવથી એમ લાગે કે પોતે જ સર્વસમર્થ ને સર્વકર્તા છે ત્યારે તેમની પાસેથી પ્રભુ પોતાનું ઐશ્વર્ય ખેંચી લઈ તેમને અન્વય સ્વરૂપમાં લીન કરી પોતે જ બધું કરે છે. એમ પણ અન્યથાકર્તાપણું છે.
આ રીતે પુરુષોત્તમ નારાયણનું કર્તા-અકર્તા ને અન્યથાકર્તાપણું છે.
(8) પ્રવૃત્તિમાર્ગ-નિવૃત્તિમાર્ગ:
જે ભક્ત સંસાર-વ્યવહાર કરતો હોય, ગૃહસ્થાશ્રમમાં રહી પ્રભુની આજ્ઞાનું પાલન કરતો થકો ભગવાનનું ભજન-સ્મરણ, મોટા પુરુષની સેવા-ચાકરી તથા જોગ-સમાગમ કરતો હોય. સત્સંગની સેવા તથા સત્સંગનો વ્યવહાર તથા મંદિરોનો વહીવટ વગેરે કાર્યો કરતો હોય તે ભક્ત પ્રવૃત્તિમાર્ગવાળો કહેવાય.
જે ભક્ત ઘર-બાર, સંસાર-વ્યવહાર તથા કુટુંબ તથા સત્સંગનો વહીવટ વગેરે સમગ્ર પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ત્યાગાશ્રમ ગ્રહણ કરી ભગવાનનું ધ્યાન-ભજન કરે તે નિવૃત્તિમાર્ગવાળો ભકત કહેવાય.
આ બંને માર્ગનો સામાન્ય અર્થ છે. હવે તે સંબંધી સૂક્ષ્મ વિચાર કરીએ.
નિવૃત્તિમાર્ગનો સૂક્ષ્મ અર્થ એ છે કે-જે ભક્ત પ્રભુને સર્વકર્તા, સર્વકારણ, સર્વસમર્થ, સર્વ શક્તિમાન, સર્વવ્યાપી, સર્વદિવ્યસુખમય મૂર્તિ સમજીને તેમનો યથાર્થ મહિમા સમજીને એ સ્વરૂપનું ધ્યાન-ભજન કરી એ સ્વરૂપમાં અખંડ વૃત્તિ જોડવાનો નિદિધ્યાસ કર્યા કરે અને અન્ય કોઈ પણ જગત વ્યવહાર કે સત્સંગ વ્યવહારની પ્રવૃત્તિમાં જોડાય નહિ તે નિવૃત્તિમાર્ગે છે.
જે ભક્ત પ્રભુના સ્વરૂપમાં આપોપું કરવાની સાથે સાથે પ્રભુની ઇચ્છાથી પોતાને ફાળે જે કોઈ કર્તવ્ય કે કાર્ય આવ્યું હોય તેને ભક્તિરૂપ માની તથા તે કાર્ય હું નથી કરતો પ્રભુ જ કરે છે. એમ સમગ્રપણે એક પ્રભુનું જ કર્તાપણું માની પોતાનું કર્તવ્ય બજાવે કે સરસ રીતે કાર્ય કરે તો તે પ્રવૃત્તિ ભક્તિમય બની જાય છે. કર્મના ફળની ઇચ્છા વગર કેવળ પ્રભુની પ્રસન્નતાર્થે જ સેવાભકિત, ધ્યાન-ભજન વગેરે પ્રવૃત્તિ કરે તે જ સાચો નિવૃત્તિમાર્ગ છે, પરંતુ એ સિવાય ઉપરથી નિવૃત્તિમાર્ગ રાખીને બેઠો હોય, પણ મનમાં વિષયભોગના વિચારો હોય, સંસારની વાસના તથા રાગ મનને વિકૃત બનાવતા હોય અથવા પરેશાન કરતા હોય, કામ-ક્રોધાદિક અંત:શત્રુઓના પ્રભાવમાં હોય તો તે સાચી નિવૃત્તિ નથી; પ્રવૃત્તિ જ છે.
અને જે ઉપરથી પ્રવૃત્તિ કરતો જણાય, પરંતુ પહેલાં જણાવ્યું છે તેમ પોતે પ્રભુરૂપ મુક્ત છે એમ સમજી પોતે અકર્તા રહી એક પ્રભુને જ કર્તા સમજે અને કોઈ પણ પ્રકારની સકામ ભાવના રહિત થઈ કાર્ય કરે અને ફળની ઇચ્છા ન રાખે અને કોઈ પણ પ્રવૃત્તિમાં રાગ પણ ન હોય ને તે પ્રત્યે દ્વેષ પણ ન હોય કે કોઈ પ્રકારની આસક્તિ ન હોય. યશ, કીર્તિ, પ્રસિદ્ધિ કે સિદ્ધિઓ મેળવવાની અભિલાષા ન હોય. કેવળ પ્રભુની પ્રસન્નતા મેળવવાની જ ઇચ્છાથી પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ કરવા છતાં પણ નિવૃત્તિમાર્ગવાળો જ છે.
આ રીતના નિવૃત્તિમાર્ગમાં જ સાચો કર્મયોગ સમાયેલો છે. આવા કર્મયોગમાં જ્ઞાનયોગ પણ સહજ જ આવી જાય છે. આમાં કર્મમાં નૈષ્કર્મતા કહેવાય. પ્રવૃત્તિરૂપ થઈ પ્રવૃત્તિ કરે તો તે બ્રાહ્યવૃત્તિવાળો છે ને તે પ્રવૃત્તિમાર્ગવાળો છે. જે પ્રભુમય-પ્રભુરૂપ થઈ ને પ્રભુને જ કર્તા માની પ્રવૃત્તિ કરવાવાળો છે તે જ સાચો નિવૃત્તિમાર્ગવાળો છે.
શ્રીજીમહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે જે- "વચને કરીને કોઈને દુ:ખવે છે, પણ ભગવાનની અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. ને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો, ને જે ટેલ-ચાકરી કરે તેને ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે."
- વચ. ગ્ર. પ્ર. 31
"નિરૂત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ; અને એને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ, ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે."
"અને જે નિવૃત્તિમાર્ગને વિશે પ્રર્વત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા."
- વચ. ગ. મ. 14
અર્થાત્ જેની ઇંદ્રિયોની વૃત્તિ પાછી વળીને હૃદયને વિશે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખે, એવા નિશ્ચયને તદાત્મકપણું કહ્યું છે; ને તેને જ નિર્વિકલ્પ સમાધિ કહી છે. અને એવી રીતે મહાતેજરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે સંતને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે. તે મુક્ત આ પૃથ્વીને વિશે નિવૃત્તિ માર્ગમાં એટલે ત્યાગીના આશ્રમમાં અને પ્રવૃત્તિ માર્ગમાં એટલે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તો પણ નિર્ગુણ જ છે.
આ રીતે નિર્ગુણ સ્થિતિવાળા ભક્ત માટે તો પ્રવૃત્તિમાર્ગ હોય કે નિવૃત્તિમાર્ગ હોય; બંને સરખું જ છે, માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિનો સૂક્ષ્મ અર્થ સમજવો ઘટે.
(9) સત્સંગી-કુસંગી:
તે જ સત્સંગી કહેવાય કે જે ભગવાનની કહેલી આજ્ઞા બરાબર પાળે અને તેમાં ક્યારેય ચૂક ન થાય. અને જે ભગવાનની આજ્ઞા ન પાળે તે કુસંગી કહેવાય. જે સત્સંગી હોય ને ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય તેને ભક્તનો અવગુણ કયારેય ન આવે. જેણે માહાત્મ્ય સમજ્યું નથી તે ખરા અર્થમાં સત્સંગી નથી. સત્સંગી હોય તે હંમેશાં ભગવાન તથા ગુરુ કરે તેમ ન કરતાં તેઓ કહે તેમ કરે અને જે ભગવાન તથા ગુરુ કરે તેમ કરે તે વિમુખ ને કુસંગી છે. જેને વિષય ભોગમાંથી ઇંદ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે તેને સત્સંગી કહીએ. જે ભગવાનને અનેક ઐશ્વર્યે યુક્ત ને સર્વ અવતારના અવતારી જાણે ને સદા સાકાર દિવ્ય સ્વરૂપ જાણે ને બીજા દરેક પદાર્થમાંથી પ્રિતી ટાળી એક ભગવાનમાં જ પ્રિતી રાખે ને જીવાત્માનું જ્ઞાન અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન જાણી રાખે તે જ સાચો સત્સંગી. ભગવાનનો ને સંતનો ગુણ ગ્રહણ કરે અને ભગવાનને સર્વ કર્તાહર્તા જાણતો હોય, જે દુ:ખ આવે તે ભગવાનની ઇચ્છાથી જ આવે છે તેમ જાણી હંમશા મગ્ન રહે અને અંતરના કુસંગથી રક્ષણ મેળવવા બહારના કુસંગીનો સંગ ન રાખે ને હંમેશાં સત્સંગીનો જ સંગ રાખે. ભગવાનની આજ્ઞા પાળવામાં તથા ધ્યાન ધરવામાંહિંમત રાખી પ્રયત્ન કરે, પરંતુ હિંમત રહિત વાત પોતે ક્યારેય ન કરે ને બીજાને ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન કરવામાં હિંમત રહિત વાત કરી પાછા ન પાડે ને પોતે પાછો ન પડે તે જ સાચો સત્સંગી છે.
- (વચનામૃતના આધારે)
વિશેષ વિચાર:
સત્સંગ એટલે સત્ કહેતાં વ્યષ્ટિ (વ્યક્તિગત) આત્માનો સત્ એવા પરમાત્મા સાથેનો સંગ તેને વાસ્તવિક અર્થમાં, આધ્યાત્મિક અર્થમાં સત્સંગ કહેવાય. આ સત્સંગને સિદ્ધ કરનારા એવાં સહાયક ઉપકરણો મોટા પુરુષના સાંનિધ્યમાં રહીને કરવાં જેવા કે કથા-વાર્તા, આધ્યાત્મિક વિષયની ચર્ચા-વિચારણા, ધ્યાન-ભજન, આત્મનિરીક્ષણ, જપ, તપ, માળા, માનસિપૂજા વગેરે તથા ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય ને ભકિત, ઉપાસના વગેરે સાધનો સિદ્ધ કરવા પ્રયત્ન કરવો તે ઉપરોક્ત સત્સંગનો મુખ્ય ધ્યેય સિદ્ધ કરવા માટેના ઉપકરણો હોવાથી તેને પણ સત્સંગ કહી શકાય એ સત્સંગનો સામાન્ય અર્થ છે. સત્સંગનો મુખ્ય હેતુ સિદ્ધ કરવાનો અવિરત પ્રયત્ન કરનારને સત્સંગી કહેવાય.
કેટલીક જગ્યાએ એવી ગેરસમજ પ્રવર્તે છે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો જે હોય તે સત્સંગી છે ને અન્ય સંપ્રદાયના જે હોય તે કુસંગી છે, એવી માન્યતા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ ધરાવે છે. આ બિલકુલ વાસ્તવિક નથી. હા! દરેક સંપ્રદાયમાં હોય છે તેવી જ રીતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કેટલાક લોકો વિચારની પરિપક્વતા વગરના ને સંકુચિત મનોદશાવાળા હોય છે. એ લોકો જડતાને લઈને તેવી માન્યતા ધરાવતા હોય છે, એ બાબતની સ્પષ્ટતા કરવા માટે જ અહીં આ વિચાર દર્શાવવામાં આવ્યો છે.
મુમુક્ષુ સાધક સાચા અર્થમાં સત્સંગ સિદ્ધ કરવા પ્રયત્ન કરતો હોય સાચા સંતપુરુષ પાસે રહી આધ્યાત્મિક સાધના કરતો હોય, પછી ચાહે તે કોઈ પણ ધર્મનો કે સંપ્રદાયનો હોય. તેને માટે પ્રભુના દિવ્ય કલ્યાણકારી ગુણો- સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, મિતભાષ્ય, મૃદુલતા, ક્ષમા, તિતિક્ષા, ઔદાર્ય, સહિષ્ણુતા, સૌંદર્ય, માધુર્ય, લાવણ્યતા, પ્રાગલ્ભ્ય, દ્વંદ્વોમાં સ્થિતપ્રજ્ઞતા, જ્ઞાન, પ્રકાશ, ઐશ્વર્ય, સાર્મથ્ય, ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, નિષ્કામ, નિર્લોભ, નિ:સ્નેહ, નિર્માન, નિ:સ્વાદ, અક્રોધ વગેરે અનેક ગુણોનું ધ્યાન પ્રભુના સ્વરૂપના ધ્યાન સાથે કરી, આત્મનિરીક્ષણ કરતાં કરતાં કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા વગેરે અંતરદોષો દૂર કરીને પોતાના ચૈતન્યમાં આવિર્ભાવ કરી તેને આત્મસાત્ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પોતાનામાં રહેલ પાશવી વૃત્તિઓ ને પશુસ્વભાવનો ત્યાગ કરી, પ્રથમ સાચા માનવ બનવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલાં પાયાના સાધનો જે પંચવ્રતમાન- દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહિ ને વટલાવવું નહિ. તેને વિશદ્ અર્થમાં સમજી લઈ તેનું યથાર્થ પાલન કરવું જોઈએ.
પહેલાં એ સાધનો દ્વારા સાચા અર્થમાં માનવ અર્થાત્ સાચા નર બની શકાય છે ને ત્યાર બાદ જ તેનો આધ્યાત્મિક વિકાસ શક્ય છે. પ્રભુના કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ પણ ત્યાર પછી જ થાય છે. અને પ્રભુના સ્વરૂપમાં જોડાઈ તે સ્વરૂપ સાથે ઐક્ય સાધવાની પાત્રતા, પ્રભુના દિવ્ય સ્વરૂપનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરવાની પાત્રતા પણ ત્યારે જ આવે છે. એ પાત્રતા આવ્યા બાદ પ્રભુના સ્વરૂપનો ચૈતન્યમાં સાક્ષાત્કાર થવાથી વ્યક્તિ નરમાંથી નારાયણ અર્થાત્ પ્રભુરૂપ થઈ મુક્ત બને છે.
1. દારૂ: દારૂ એટલે ફક્ત મદિરાપાન એટલો જ અર્થ સમજવાનો નથી, પરંતુ જે કોઈ પ્રકારે મનમાં વિકૃતિ જન્મે કે મનનું કોઈ પણ પ્રકારના નશા દ્વારા અધ:પતન થાય તે દારૂ જ છે. દા.ત. માયિક-ભૌતિકરૂપમાં આસક્ત થવું તે નેત્રનો દારૂ ગણાય, નેત્રનો નશો ગણાય. વ્યર્થ ગ્રામ્ય વાતો, કોઈની નિંદા-ટીકા કરવી કે ગંદી બિભત્સ વાતો કરવી કે સાંભળવી તે વાણી તથા શ્રોત્રનો દારૂ-નશો ગણાય. ગમે તેવા રજોગુણ ઉત્પન્ન કરે તેવા પદાર્થો ખાવાની આસક્તિ હોય તે જીહ્વા (જીભ)નો દારૂ છે; રજોગુણી પદાર્થોની સુગંધ લેવાની આસક્તિ તે ઘ્રાણ (નાક)નો દારૂ છે, વગેરે અનેક પ્રકારના ઇંદ્રિયોના વિષયરૂપ નશા તેનો સમાવેશ દારૂમાં થઈ જાય છે. તેથી મનની ક્ષુબ્ધતા ને નબળાઈ વધે ને અંત:શત્રુઓનું જોર વધે ને મનુષ્ય ચેતનાનું અધ:પતન થઈ પશુસ્વભાવ વૃદ્ધિ પામે છે.
2. માટી: અર્થાત્ માંસ ભક્ષણ ન કરવું. આમાં અહિંસાનો ભાવ રહેલો છે. વ્યક્તિએ પોતાની વાણી, વિચાર કે વર્તન દ્વારા કોઈના હૃદયને ઠેસ પહોંચે કે અંતર દુભાય તેવું થાય તે પણ સૂક્ષ્મ પ્રકારની હિંસા છે. અતિ આકરા ઉપવાસ વગેરે તપ દ્વારા અતિશય શારીરિક દમન તથા શરીર દ્વારા દૂરાચરણ કરી તેને કષ્ટ આપવું તે પણ હિંસા છે. શરીર તો દેહમંદિર ગણાય તે મંદિરરૂપ માધ્યમ દ્વારા જ આત્યંતિક મોક્ષ શક્ય બને છે. એ પ્રભુ પ્રાપ્તિનું એક શ્રેષ્ઠ સાધન છે. તેને પણ જાળવવું જોઈએ, યોગ્ય રીતે તેની માવજત કરવી જોઈએ; તે પણ નિરાસક્તભાવે. માંસ ભક્ષણથી પણ તન-મનના દોષ અને વિકારો વધે છે.
3. ચોરી: કોઈની પણ વસ્તુ તેની જાણ બહાર ચોરીના ખરાબ આશયથી લેવી તથા કોઈનો હક્ક-અધિકાર દૂરબુદ્ધિથી ને સ્વાર્થવૃત્તિથી છીનવી લેવા પ્રયત્ન કરવો એ બધાનો ચોરીમાં સમાવેશ થાય છે. કોઈને આપેલ વચન પ્રમાણે પાલન ન કરવું તથા કર્તવ્ય સરસ રીતે ન બજાવવું તે પણ સૂક્ષ્મ ચોરી છે. કોઈએ પ્રેમથી આપેલા પદાર્થોનો આસક્તિપૂર્વક પરિગ્રહ કરવો તે પણ ચોરી જ છે. કારણ કે આસક્તિપૂર્વક પરિગ્રહથી આધ્યાત્મિક વિકાસ રૂંધાય છે.
4. અવેરી: વ્યભિચાર ન કરવો. આ વર્તમાનમાં નિષ્કામવ્રત સંપૂર્ણપણે દૃઢ કરવાની ભાવના સમાયેલી છે. ઉત્તમ પ્રકારના ચારિત્ર્યબળની સિદ્ધિ આ વર્તમાન દ્વારા થાય છે. વિષય ભોગમાંથી વિચાર વર્તન દ્વારા ઇંદ્રિયોની વૃત્તિનો ત્યાગ કરી તેનો નિગ્રહ કરી બ્રહ્મચર્ય વ્રતનું યથાર્થ પાલન તે અવેરી છે. તે પણ સમજણપૂર્વક થવું જોઈએ. કામ વૃત્તિને સમજણ વગર જડતાપૂર્વક દાબી દેવાથી અનેક પ્રકારની મનોવિકૃતિઓને નબળાઈઓનો ઉદય થાય છે. જેના પરિણામો આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. એ વૃત્તિને સંસ્કારી બનાવી ધ્યાન-ઉપાસના, સદ્પ્રવૃત્તિ, સદ્વાચન, સંત પુરુષોના સેવા-સમાગમ દ્વારા કાબૂ હેઠળ લાવી ઉર્ધ્વીકરણ કરવાથી આધ્યાત્મિક વિકાસ સધાય છે ને પ્રભુનો સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે છે. જપ-તપ વગેરે તથા દેહ-દમનને શમન વગેરે સાધનો પણ નિષ્કામવ્રતની દૃઢતા અર્થે જ છે.
5. વટલવું નહિ ને વટલાવવું નહિ: વ્યક્તિએ પોતે ઇંદ્રિયોના આહાર અશુદ્ધ કરીને અશુદ્ધ બનવું નહિ ને બીજાને અશુદ્ધ બનાવવા નહિ એવો હેતુ આ વર્તમાનમાં સમાયેલો છે. પોતાના અશુદ્ધ વર્તન દ્વારા બીજાને અશુદ્ધ થવાની પ્રેરણા મળી રહે તેનો પણ આ વર્તમાનમાં સમાવેશ થઈ જાય છે.
આ મુખ્ય પાંચ પ્રકારના વર્તમાનો અહીં સંક્ષેપમાં વર્ણવેલાં છે, પરંતુ તે ખૂબ જ ગહન ને અર્થસભર છે. એનું યથાર્થ પાલન કરી પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધવાનો ખંતપૂર્વક પ્રયત્ન કરે અને આગળ ઉપર જણાવેલા પ્રભુના કલ્યાણકારી ગુણોનો પોતામાં આવિર્ભાવ કરી તેને આત્મસાત્ કરવા પ્રયત્ન કરે તે ચાહે કોઈ પણ સંપ્રદાયનો હોય તો તે જ સાચો સત્સંગી છે. અને તે પ્રમાણે ન વર્તે ને પશુસ્વભાવેયુક્ત, પાશવીવૃત્તિએ યુક્ત જડતાપૂર્વક વર્તે તે કુસંગી છે; જે અન્યને પણ પોતાના કુસંગનો પાશ લગાડી નૈતિકતાથી ભ્રષ્ટ કરે છે ને આધ્યાત્મિક વિકાસ સાધવામાં વિઘ્નરૂપ બને છે તે કુસંગી છે.
આ રીતે સત્સંગીને કુસંગીનો અર્થ અહીં સ્પષ્ટ થાય છે.
નોંધ : પંચવર્તમાનની વધુ સ્પષ્ટતા માટે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત 'પંચવર્તમાન' પુસ્તકનો અભ્યાસ કરવો.