૧૩. કેટલીક બાબતોનું આધ્યાત્મિક રહસ્ય

(1) 'ભગવાનના નિશ્ચયનો પ્રતાપ તથા ભગવાનના મહિમાનો પ્રતાપ તથા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપ માનવો, એ ત્રણ વાનાં તો એને અતિશે દૃઢ જાણ્યાં જોઈએ છીએ. અને એમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તેને તેજ અતિશે દેખાણું તે તેજ જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, હું બળું છું, માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, તારું સ્વરૂપ તો આત્મા છે; દેહ નથી, ને આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી, ને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે... એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે ને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી, તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ.'

- વચ. ગ. પ્ર. 25

શ્રીજીમહારાજે લાડકીબાઈને પોતાના અદભુત પ્રતાપે તેના સર્વે આવરણો હટાવીને સમાધિ કરાવી, પરંતું તેને દેહભાવ હોવાથી ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી નીકળતા કોટિ કોટિ સૂર્યના તેજ સરખું તેજ તેઓ જીરવી શક્યા નહિ. જ્યાં સુધી સંપૂર્ણપણે દેહભાવ- દેહાત્મબુદ્ધિ દૂર થઈ બ્રહ્મભાવ- પરબ્રહ્મરૂપ ભાવ ન આવે, ત્યાં સુધી સમાધિ અવસ્થામાં વધુ વખત ટકી શકાતું નથી. જ્યારે પ્રભુનો અનંત પ્રકાશ જીરવી શકાય એટલી પાત્રતા આવે, ત્યારે એ પ્રકાશ અતિ સૌમ્ય, સુખમય અને પ્રગાઢ શાંતિમય અનુભવાય છે.

શ્રીજીમહારાજે તે લાડકીબાઈને પોતાના સંકલ્પમાત્રે કરીને સમાધિ કરાવી તેમાં તેમનામાં રહેલી ચેતનાશક્તિ (કુંડલીની શક્તિ)ને જાગૃત કરી વ્યષ્ટિ-પિંડમાં સૂક્ષ્મરીતે રહેલ ભિન્ન ભિન્ન ચક્રો કેન્દ્રો (યોગની પરિભાષામાં પદ્મો-કમળ) કે જેમાં ભિન્ન ભિન્ન દેવતાઓના સ્થાન છે. વાસ્તવમાં તે ભિન્ન ભિન્ન ચૈતન્ય-ભૂમિકાઓ છે. તેમાં તે ભક્તની ચેતના શક્તિને પહોંચાડી તે સ્થાને રહેલ અધિપતિનો પ્રકાશ ને નાદ સંભળાવ્યો અને તે ભક્તના ચૈતન્યનું સ્વરૂપ તે સ્થાનમાં કેવું છે તે પણ દેખાડ્યું. માનવ શરીરરૂપ વ્યષ્ટિ-સ્વરૂપ (પિંડ) એ બ્રહ્માંડરૂપ સમષ્ટિ સ્વરૂપનું નાનું સ્વરૂપ છે. પિંડ અને બ્રહ્માંડની એકતા છે. જેટલું બ્રહ્માંડમાં છે, તેટલું પિંડમાં સૂક્ષ્મ સ્વરૂપે છે. એટલે પિંડમાં થતી ચૈતન્યની ગતિ બ્રહ્માંડમાં પણ થાય છે. પિંડના આવરણોથી મુક્ત થનાર મુમુક્ષુ-આત્મા સમગ્ર બ્રહ્માંડના આવરણોથી સહેજે જ મુક્ત થઈ જાય છે.

શ્રીજીમહારાજે અષ્ટાંગ યોગના માર્ગે પ્રાણનો નિરોધ થઈ ચિત્તના નિરોધે થતી સમાધિને પોતાના સંકલ્પમાત્રથી લાડકીબાઈને કરાવી અને મૂલાધાર ચક્રમાં રહેલ ગણપતિના સ્થાનથી શરૂ કરીને બ્રહ્માનું સ્થાન (સ્વાધિષ્ઠાન ચક્ર), વિષ્ણુનું સ્થાન (મણિપુર ચક્ર) એમ એક પછી એક ચક્રોનું ભેદન કરાવી તે તે સ્થાનોના અધિપતિ દેવોનું દર્શન તથા તેમના પ્રકાશ અને નાદની અનુભૂતિ કરાવી. એમ દેહભાવ ટળાવ્યો.

શરીરમાં સૂક્ષ્મરૂપે ચેતના-કેન્દ્રો રહેલાં છે યોગની પરિભાષામાં જેને પદ્મો-કમળો-ચક્રો કહેવામાં આવે છે. માનવ શરીરમાં રહેલી ચેતના શક્તિ સુષુપ્ત અવસ્થામાં હોય છે ત્યારે ભૌતિક જ્ઞાનથી પરનું અધ્યાત્મજ્ઞાન અનુભવાતું નથી. પ્રભુકૃપા-ગુરુકૃપા દ્વારા જ્યારે આ સુષુપ્ત ચેતના શક્તિ જાગ્રત થઈ આ કેન્દ્રો ઉપર (મૂલાધાર-સ્વાધિષ્ઠાન-મણિપુર-અનાહત- વિશુદ્ધ-આજ્ઞા અને સહસ્ત્રાર) પ્રહાર કરી તેને ખોલે છે ત્યારે તે સ્થાનમાં રહેલ દેવોનું દર્શન તેના પ્રકાશ અને તેના નાદનો અનુભવ થાય છે. અને જેમ જેમ ચેતના શકિતની ઊર્ધ્વગતિ થાય છે, તેમ તેમ ચૈતન્ય ઉપર રહેલાં આવરણો દૂર થઈ જ્ઞાનનોપ્રકાશ થાય છે. અને અંતે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતાં જીવાત્મા મુક્તભાવ પ્રાપ્ત કરે છે. જીવનમાંથી શિવ એટલે મુક્ત થાય છે.

એ જ વચનામૃતમાં આગળ શ્રીજીમહારાજ સમાધિ બે પ્રકારે થાય છે તે વિશે જણાવે છે. તેમાં અષ્ટાંગ યોગ (યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન ને સમાધિ) દ્વારા પ્રાણનો નિરોધ થઈ ચિત્તનો નિરોધ થાય છે ને તેથી નિર્વિકલ્પ સમાધિ થાય છે; તથા બીજો પ્રકાર ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય અને તેથી નિર્વિકલ્પ સમાધિ થાય એ છે. અષ્ટાંગ યોગ દ્વારા પ્રાણનો નિરોધ કરવો તે ખૂબ જ કઠિન અને કષ્ટ સાધ્ય માર્ગ છે. તેમાં અનેક પ્રકારના વિઘ્નોનો સામનો સાધકે કરવાનો રહે છે. તે અષ્ટાંગ યોગના સંપૂર્ણ જાણકાર એવા સમર્થ ગુરુના સાંનિધ્ય અને માર્ગદર્શન વગર સાધ્ય નથી. તે યોગ સાધવા માટેની શારીરિક-માનસિક ને આધ્યાત્મિક પાત્રતા આવવી પણ ઘણી કઠિન છે. એ માર્ગમાં ઐશ્વર્ય પામવાના રાગવાળાને સિદ્ધિઓ ચલાયમાન કરી માર્ગભ્રષ્ટ કરી નાંખે છે. સાધક અજ્ઞાન ને અવિવેકને લઈને સિદ્ધિઓમાં અટવાઈ જાય તો આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ ઘણે છેટે રહી જાય. સિદ્ધિઓ અને ઐશ્વર્યોના રાગથી અને તેના ઉપયોગથી દેહાભિમાન પણ વધે છે. શ્રીજીમહારાજે આ અનેક વિઘ્નપૂર્ણ માર્ગ સિવાયનો બીજો સરળ અને સચોટ માર્ગ એ જ વચનામૃતમાં દર્શાવ્યો છે.

'અને એવી જે સમાધિ થાય છે તેના બે (પ્રકાર) ભેદ છે, એક તો પ્રાણાયમે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે; અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય ને એ તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય.... ત્યારે એની એક વાસના થઈ જાણવી.'

'અને પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે...અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો ચિત્તને નિરોધે કરીનેપ્રાણનો નિરોધ થાય છે... માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો.'

આમાં જે - ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય અને તેનો નિરોધ થઈ પ્રાણનો નિરોધ થાય અને નિર્વિકલ્પ સમાધિ થાય- શ્રીજીમહારાજના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આ સર્વોત્તમ સ્વામિનારાયણીય યોગ છે, પૂર્ણયોગ છે. અષ્ટાંગ યોગના કઠિન માર્ગ કરતાં ખૂબ જ સરળ અને નિર્વિઘ્ન માર્ગ છે.

આ માર્ગના મુખ્ય ચાર અંગ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. જેને એકાંતિક ભાગવત્ ધર્મ કહે છે. તેમાં શ્રીજીમહારાજે શિક્ષાપત્રી વગેરે શાસ્ત્રોમાં જણાવેલ નિયમો ને સદાચારનું પાલન શ્રદ્ધા ને માહાત્મ્ય સહિત કરવું તે ધર્મ છે. શ્રીજીમહારાજના સર્વોપરી દિવ્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે જ્ઞાન, ચિત્તને શ્રીજીના સ્વરૂપ સિવાય બીજે બધેથી ઉખાડી નિર્વાસનિક કરીને એક શ્રીજીના સ્વરૂપમાં જ સ્થિર કરવું, જોડવું તે રૂપ સમ્યક્ પ્રકારનો વૈરાગ્ય જે જ્ઞાનેયુક્ત છે. અને શ્રીજીમહારાજમાં માહાત્મ્ય જ્ઞાન સહિત અને સર્વોપરી ઉપાસના સહિત સ્નેહ કરવો ને સ્વરૂપનિષ્ઠા દૃઢ કરવી તે સ્વરૂપમાં અવિચ્છિન્ન પ્રેમરૂપ ભકિત કરવી તે ભક્તિ. જે સાધકને પ્રભુમાં પરાભક્તિ સુધી લઈ જાય છે.

આ ચારેય અંગો ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય ને ભક્તિ દૃઢ થતાં આત્મામાં પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર ઝીલવાની પૂર્ણ પાત્રતા આવે છે. આ સ્થિતિને એકાંતિક કહેવાય છે. આ સ્થિતિ થયા બાદ તે સાધકને પોતાના ચૈતન્યમાં, તેની ચિત્ત વૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થવાથી શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે ને તેનો ચૈતન્ય દિવ્ય સાકાર થઈ જ્યારે સન્મુખભાવે શ્રીજીની મૂર્તિનું સુખ ભોગવે છે તે પરમ એકાંતિક મુક્તની સ્થિતિ છે, તે પણ સિદ્ધદશા છે. અને જ્યારે એ સાધકનો દિવ્ય સાકાર ચૈતન્ય શ્રીજીની દિવ્ય સાકાર મૂર્તિ સાથે સમગ્રપણે સંલગ્ન થઈ એકમેક, ઓતપ્રોત, તદ્રુપ-તલ્લીન થઈ શ્રીજીની મૂર્તિનું રસબસભાવે સુખ માણે એ આત્યંતિક સ્થિતિ છે, તે અનાદિમુક્તી સ્થિતિ છે. આ સ્થિતિએ દરેક જીવે પહોંચવાનું છે. એ સ્થિતિ તે જ આત્યંતિક મોક્ષ છે. એ સ્થિતિમાં એક વાર આવ્યા પછી એ સાધક સાધક નથી રહેતો; મુક્ત-સિદ્ધમુક્ત બની જાય છે. એ સ્થિતિથી પર બીજી કોઈ સ્થિતિ નથી. એ સ્થિતિમાંથી કદીયે પણ પતન નથી. એવા મુક્તો સ્વતંત્રપણે, શ્રીજી ઇચ્છાથી બ્રહ્માંડોમાં મનુષ્ય દેહ ધારણ કરી અનેક જીવોનો મોક્ષ કરે છે.

આ સ્થિતિ ચિત્તનો નિરોધ કરી પ્રાણનો નિરોધ થઈ પ્રાપ્ત થાય છે. આ માર્ગ શ્રી સ્વામિનારાયણીય યોગ છે. આથી પર બીજો યોગ નથી. તે અનુભવે સાધક સમજી શકશે. શ્રીજી કૃપાથી સર્વે જીવો કાળે કરીને આ માર્ગે જ આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરી શકશે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ દરેક જીવ પૂર્ણતા તરફ ગતિ કરે જ છે. કોઈને વહેલી તો કોઈને મોડી પ્રાપ્તિ થાય છે, પરંતુ આ આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કર્યા સિવાય છૂટકો જ નથી. પ્રભુ અને તેમના સમર્થ મુક્તોના સંકલ્પથી સમગ્ર જીવસૃષ્ટિ આ આત્યંતિક પૂર્ણતા પ્રાપ્ત કરી શકશે અસ્તુ!

(2) 'અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જાતા હતા.... એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો.'

- વચ. ગ. પ્ર. 10

ઉપર્યુક્ત વચનામૃતમાં કૃતઘ્ની એવા સાધુ સેવકરામની શ્રીજીમહારાજે વાત કરી છે. તે દૃષ્ટાંતનું આધ્યાત્મિક રહસ્ય અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ (બાપાશ્રીની વાતો ભાગ-1, વાર્તા-49માં) બહુ જ સુંદર રીતે કહ્યું છે. જેથી તેને યોગ્ય ગણી અહીં મૂકવામાં આવ્યું છે.

'સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો, શ્રીજીમહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ. પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર એ સર્વે આવરણ છે તે વેંકટાદ્રિ જાણવો. સેતુબંધ એટલે ધર્મમર્યાદારૂપી પાળ જાણવી. રામેશ્વર એટલે ભગવાન જાણવા. માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું. વૈરાગ્યહીન તે મંદવાડ જાણવો. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહે કરીને અને ગૃહસ્થને દ્રવ્યે કરીને સેવા કરવાની સામર્થી તે સોના મહોરો જાણવી. સત્પુરુષને ખોળવા તે રોવું જાણવું. ગામ એટલે કુસંગ જાણવો અને ફૂલવાડી તે સત્સંગ જાણવો. વૃક્ષ એટલે દેહ જાણવો. ભૂત એટલે અંતરશત્રુ જાણવા. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. આયુષ્યનો ક્ષય થતો જાય તે લોહીખંડ પેટ બેસણું જાણવું. આત્માનું તથા શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવું તે ચાકરી જાણવી. જ્ઞાન આપનાર સત્પુરુષની સેવા ન કરવી તે ખાવા ન આપ્યું કહેવાય. શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપનાર સત્પુરુષને બીજા કોઈ પાસે સેવા કરાવવી પડે તે વસ્તીમાં જમી આવ્યા કહેવાય. કોઈક વખતે સેવા કરનાર ન મળે તે ઉપવાસ જાણવો. વૈરાગ્યવાન કરવો તે સાજો કર્યો કહેવાય. ત્રણ દેહ, ત્રણ અવસ્થાઓ, ત્રણ ગુણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચ વિષય, દશ ઇંદ્રિયો, દશ પ્રાણ, ચૌદ દેવતા એ સર્વેથી જુદો આત્મારૂપે વર્તી શકે તથા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદા પાળી શકે એવો સમર્થ કરવો તે ઘી પચાવી શકે એવો જાણવો. એવી સામર્થી આપ્યા છતાં પણ એ પ્રમાણે વર્તશે કે નહિ એવી સત્પુરુષને ચિંતા રાખવી પડે તે ભાર ઉપડાવ્યો કહેવાય. જો ક્યારેય દેહાદિક ભેળો ભળીને હાણ-વૃદ્ધિ, માન-અપમાન, સુખ-દુખ, હર્ષ-શોક પામે અથવા પંચવર્તમાનરૂપી ધર્મમર્યાદામાં ફેર પાડે તો તેનું કલ્યાણ સત્પુરુષ ન કરે તે ત્યાગ કર્યો કહેવાય.'

(3) 'અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મૂઆને જીવતો કરવો કે કોઈને મારવો એ તો નથી આવડતું, પણ જીવનું કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે.'

- વચ. ગ. પ્ર. 8

ઉપર્યુક્ત વચનોમાં કોઈને તર્ક થાય કે શ્રીજીમહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. તો પછી આવું અસમર્થપણું કેમ જણાય છે? સર્વના કારણ, સર્વ કર્તા-હર્તા પ્રભુ આટલું ન કરી શકે? આવું અસમર્થપણું? આ કેવી રીતે માની શકાય?

વાસ્તવિકતા એ છે કે પ્રભુ તો સર્વોપરી, સર્વકારણ, સર્વકર્તા, સર્વસમર્થ, સર્વશક્તિમાન છે જ એમાં શંકાને કોઈ સ્થાન જ નથી, પરંતુ આ વચનોમાં પોતાના નિષ્કામ મુક્તોની રૂચિ દર્શાવી છે કે અમારા મુક્તોને કોઈ જીવોને માયિક સુખ આપવાની રૂચિ નથી હોતી, પરંતુ તેઓનું આત્યંતિક કલ્યાણ કરવામાં જ રૂચિ વર્તતી હોય છે. તેથી નિષ્કામ ભક્તોએ પણ એવી જ રૂચિ કેળવવી જોઈએ એવો મુમુક્ષુને બોધ આપ્યો છે.

જેમ શ્રીજીમહારાજ સમર્થ છે તેમજ તેમને લઈને એમના સ્વતંત્રસિદ્ધ મુક્તો, અનાદિમુક્તો પણ તેવા જ સમર્થ છે. તેઓ જે સંકલ્પ ધારે તે પ્રમાણે કરવા સમર્થ છે જ, પરંતુ જીવોને માયિક સુખ આપવામાં રૂચિ નથી દાખવતા. ફક્ત એવા અનિવાર્ય સંજોગોમાં જ અને તે પણ કોઈ ચૈતન્યનું તેમાં હિત થતું હોય અને આધ્યાત્મિક વિકાસ સધાતો હોય તેવા સંજોગોમાં માયિક સુખ આપે છે અથવા તન-મન કે ધનનું દુ:ખ દૂર કરે છે, જેથી તેનો વિકાસ નિર્બાધ રીતે થઈ શકે. આ વાત દરેક ચૈતન્યો માટે કે દરેક સંજોગોમાં લાગુ પાડી ન શકાય. મુક્તો દરેક ચૈતન્યને માયિક સુખ આપવાનું કર્યા કરે તો પ્રભુએ કરેલ સૃષ્ટિના નિયમોમાં તેમનો હસ્તક્ષેપ થયેલો ગણાય અને જીવોને તેના સારા-નરસા કર્મોનું ફળ યોગ્ય રીતે ન મળે. નરસા-પાપ કર્મોનું ફળ જો જીવો ન ભોગવે તો ફરી પાપ કર્મો કર્યા કરે અને તેથી તેનો આધ્યાત્મિક વિકાસ ન થાય. પ્રભુએ રચેલ સૃષ્ટિમાં કર્મના સિદ્ધાંતમાં મુક્તો સમર્થ હોવા છતાં ભાગ્યે જ હસ્તક્ષેપ કરે છે અને તે પણ ઉપર જણાવેલ અનિવાર્ય સંજોગોમાં જ; અન્ય પ્રસંગે નહિ. વળી માયિક સુખ મળ્યા કરવાથી જીવો સકામ માર્ગે વળે ને તેમાં જ બંધાઈ રહે તેથી આત્યંતિક મોક્ષને માર્ગે પ્રગતિ શી રીતે સાધી શકે? તેથી જ મુક્તોની જીવોને માયિક-ભૌતિક સુખ આપવામાં અભિરૂચી નથી હોતી.

શ્રીજીમહારાજે વચનામૃતોમાં અમુક પ્રસંગે પોતાનું સાર્મથ્ય પ્રગટ કરતાં વચનો પણ કહ્યાં છે. તે વાંચવાથી તેમના સાર્મથ્યનો વાચકને ખ્યાલ આવે.

'જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થાતું નથી.'

- વચ. કા. 10

'આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે... અમારું કર્યું પણ થાય છે. તે લ્યો કહીએ જે, જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ થાય છે પણ ખરું, જે આને રાજ આવો તો તેને રાજ પણ આવે છે અને આનું રાજ્ય છે તે જાઓ તો તેનું જાય છે, અને ધારીએ જે આ પળે આટલો વરસાદ અહીં થાઓ તો ત્યાં જરૂર થાય છે અને અહીં ન થાઓ તો ત્યાં નથી થાતો, અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાઓ તો તેને થાય છે ને આને ન થાઓ તો તેને થાતું નથી, અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી, અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થાઓ તો તેને રોગ નથી થાતો. એવી રીતે અમે ધારીએ તેમ થાય છે ખરું.'

- વચ. જે. 5.

'સર્વ બહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું. અને મારે તેજે કરીએ અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે. ને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે.'

- વચ. અમ. 7

(4) 'શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે અમે જે જે સાધન કર્યાં હતાં, તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહિ, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા... તો ય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ ત્યારે એવે ઠેકાણે પ્રારબ્ધ લેવું.'

- વચ. ગ્ર. પ્ર. 29

ઉપર્યુક્ત વચનોમાં કોઈને સંશય થાય કે શ્રીજીમહારાજ પોતે સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે તેમને પણ પ્રારબ્ધ કર્મ હતું કે શું? તો એની સ્પષ્ટતા એ છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો અનેક જીવોના સારા-નરસા પ્રારબ્ધ કર્મોનો ને શુભ-અશુભ સંસ્કારોનો ક્ષય કરીને આત્યંતિક મોક્ષ પ્રદાન કરે છે. સાધનદશાવાળાને સિદ્ધ મુક્તની દિવ્ય અલૌકિક સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. એવા સ્વતંત્ર સિદ્ધ મુક્તોને પણ પ્રારબ્ધ કર્મનો લેશ નથી તો પછી સ્વયં પુરુષોત્તમ ભગવાન શ્રીજીમહારાજને પ્રારબ્ધ કર્મ છે તેવી શંકા કરવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. સાધકને જ્યારે પ્રભુ પ્રસન્નતાના સાધન જે ધ્યાન-ભજન, ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વગેરે કરવાથી પ્રભુ કૃપા પ્રાપ્ત થતાં નિર્વિકલ્પ સમાધિ અર્થાત્ પોતાના આત્મામાં-ચૈતન્યમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે ચિત્તમાં રહેલા શુભ-અશુભ દરેક કર્મ સંસ્કારોનો ક્ષય થાય છે અને ચિત્ત શુદ્ધ થઈને પ્રભુના આકારે થાય છે ને તેથી તેનો પ્રભુના સ્વરૂપમાં નિરોધ થાય છે. તે સાધક મુક્તદશા પ્રાપ્ત કરે છે. એવા મુક્તોનું પૃથ્વી પર વિચરણ બીજા જીવોના કલ્યાણને માટે હોય છે. એવા મુક્તોને પણ પ્રારબ્ધ કર્મ નથી તો સ્વયં પ્રભુને પ્રારબ્ધ કર્મ ક્યાંથી સંભવે!

અહીં શ્રીજીમહારાજે પોતાને મિષે કરીને સાધનદશાવાળા મુમુક્ષુને ભગવાનની કૃપા, પૂર્વ સંસ્કાર-પ્રારબ્ધ કર્મ તથા પુરુષ પ્રયત્નનો ભેદ ને તેનો પ્રભાવ સમજાવવા માટે પોતાને પણ પ્રારબ્ધ છે તેવો નિર્દેશ કર્યો છે. સાધકના ઉપદેશ માટે વન વિચરણ કર્યું, આકરું તપ કર્યું વગેરે પ્રભુ પ્રસન્નતાના સાધનો પોતે કરી દેખાડ્યા. એ પ્રભુની દિવ્ય લીલા સિવાય બીજું શું છે? શું હોઈ શકે! કંઈ જ નહિ.

શ્રીજીમહારાજે પોતાની વાત કરી ત્યારે કેટલાકને તેમને વિશે મનુષ્યપણાનો સંકલ્પ થયો તેથી તે વચનામૃતમાં શ્રીજીમહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા એમ જણાવ્યું છે. એમ હસવા પાછળનું કારણ તેમને વિશે પણ સંશયકર્તાએ પ્રારબ્ધ ઠરાવ્યું તે જ હતું; જે મને ભગવાન જાણવા છતાં પણ પ્રારબ્ધ કર્મનું બંધન નડે છે એવો સંશય થયો!

(5) 'આપણ તો શ્રી નરનારાયણના દાસ છીએ તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું તે એ શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થાશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જાશે, અને એ નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું.'

- વચ. ગ. પ્ર. 74

આ વચનો વાંચીને કોઈકને પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો સત્સંગની હાણ-વૃદ્ધિનો આધાર કેવળ ભગવાનની ઇચ્છા ઉપર જ નિર્ભર હોય તો પછી સત્સંગ-વિકાસ માટે કે સત્સંગ શુદ્ધિ ને સુધાર માટે વ્યર્થ પ્રયત્નો શા માટે કરવા? શા માટે બેસી ન રહેવું? ને પોતાનું જ શ્રેય થાય તેવા જ ઉપાય શા માટે ન કરવા? કારણ કે સત્સંગનો વિકાસ કે સુધાર કે ઘટાડો તો પ્રભુની ઇચ્છા અનુસાર જ થઈ શકે!

અહીં પ્રભુના કહેવાનું તાત્પર્ય એવું નથી કે સૌએ હાથ જોડી બેસી રહેવું ને સત્સંગ વિકાસના કે સુધાર અંગેના પ્રયત્નો ન કરવા. વચ. ગ. પ્ર. 18માં શ્રીજીમહારાજે સત્સંગના અગ્રણીઓને સત્સંગ વિકાસ ને સત્સંગ સુધાર માટે બેદરકાર ન રહેતાં પૂરા પ્રયત્નો કરવાનો સ્પષ્ટપણે આદેશ આપ્યો છે તે વાચકે વાંચી લેવો જોઈએ, તેથી સાચો ખ્યાલ આવી શકે.

અહીં શ્રીજીમહારાજના કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ કરતા સાધકે સત્સંગની હાણ-વૃદ્ધિમાં હર્ષ-શોક ન પામવો, અને હાણ-વૃદ્ધિ, માન-અપમાન, હર્ષ-શોક, નિંદા-સ્તુતિ, શીત-ઉષ્ણ, સુખ-દુ:ખ, પ્રિય-અપ્રિય, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે અનેક દ્વંદ્વોમાં સંપૂર્ણપણે સ્થિરતા-સ્થિતપ્રજ્ઞતા ને ધૈર્ય જાળવવું જોઈએ જેથી પ્રભુનો સાક્ષાત્કાર કરવામાં કોઈ અડચણ ઊભી ન થાય કે કોઈ વિઘ્ન બાધ ન કરે. જો વ્યાવહારિક અનેક પ્રસંગોમાં, શારીરિક-માનસિક ઉપાધિઓમાં સાધક સ્થિતપ્રજ્ઞતા ન રાખે તો તેનો આધ્યાત્મિક વિકાસ રૂંધાઈ જાય. તેવું ન બને તે માટે શ્રીજીમહારાજે સાધકને હિંમત આપવા માટે અને સ્થિરતા ને ધૈર્ય ધારણ કરવા માટે એવાં વચનો પ્રયોજ્યાં છે, પરંતુ સત્સંગના અગ્રણીઓએ તો સત્સંગ વિકાસ કે સુધાર માટેના પૂરતા પ્રયત્નો કરવા જ જોઈએ, જેથી પ્રભુની પ્રસન્નતા થાય.

(6) 'એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ-બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઇચ્છતો હોય તેને કરવું નહિ.'

'અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી.'

- વચ. લો. 11

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે પ્રથમ શિવજી-બ્રહ્માજી વગેરે દેવતાઓનું ધ્યાન કરવાનો નિષેધ કર્યો ને ત્યાર બાદ પૂર્વે થઈ ગયેલા અવતારોના ધ્યાનનો પણ નિષેધ કર્યો છે. અહીં શ્રીજીમહારાજ પ્રભુની સર્વોપરી ઉપાસનાની ચરમસીમા ને શ્રેષ્ઠતા દર્શાવે છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે છે ને અનંત છે. તેઓ સકામભાવથી પરમાત્માની ઉપાસના કરતા હોવાથી સવિકલ્પ સમાધિને પામે છે અને બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયની ક્રિયાઓ જોવાની ને કરવાની તીવ્ર ઇચ્છા તથા પ્રભુ પાસેથી ઐશ્વર્ય મેળવવાની ઇચ્છા હોવાથી પોતાની પાત્રતા પ્રમાણે પ્રભુની નિરાકાર બહ્મરૂપ-તેજરૂપ અન્વય શક્તિમાંથી ઐશ્વર્ય-શક્તિ મેળવીને ઉત્પત્તિ આદિ ક્રિયામાં જોડાઈ જાય છે અને તેનો આનંદ તથા સુખ માણે છે, જે પરમાત્માના વ્યતિરેક સાકાર સ્વરૂપના દિવ્ય અપાર સુખ પાસે અત્યંત ગૌણ ને તુચ્છ છે. એ દેવોથી આગળની કક્ષામાં રહેલા વૈરાજપુરુષો, પ્રધાનપુરુષો, મૂળપુરુષો, વાસુદેવબ્રહ્મ, મૂળઅક્ષરો વગેરે ઈશ્વરકોટિના ઐશ્વર્ય-અવતારો પણ સર્વોપરી ઉપાસનાના અભાવે તથા સકામભાવને લઈને પૂર્ણતાની પ્રાપ્તિ નથી કરી શકતા. બ્રહ્માંડોની પૃથ્વી ઉપર એવા અવતારો મનુષ્યરૂપે પ્રગટ થઈ પોતાની પાત્રતા પ્રમાણે પ્રભુ પાસેથી પ્રાપ્ત કરેલાં ઐશ્વર્યો વડે અસુરોનો સંહાર કરે છે ને થોડે અંશે ધર્મનું સ્થાપન પણ કરે છે. તેઓને ચૈતન્ય ભૂમિકામાં પોતપોતાના અલગ ધામો પણ હોય છે. તેમાં પોતાના મુક્તોને- ભક્તોને લઈ જઈ સુખ-ઐશ્વર્ય પણ આપે છે, તેમ છતાં તેઓ પોતે જ પૂર્ણ સ્થિતિને પામેલા ન હોવાથી પોતાના ભક્તોને પૂર્ણતા અર્થાત્ આત્યંતિક મોક્ષ આપી શકતા નથી.

જે સાધકને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તેમણે સર્વોપરી પ્રભુની ઉપાસના મોટા મુક્ત પાસેથી સમજી એ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું જ ધ્યાન કરવું જોઈએ તો જ તે પૂર્ણતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે. અપૂર્ણ એવા દેવો કે ઐશ્વર્ય-અવતારોની ઉપાસના કે ધ્યાન કરવાથી પૂર્ણ મુક્ત સ્થિતિ શી રીતે પ્રાપ્ત કરી શકાય?

સાધક જ્યારે ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય ભક્તિ વગેરે સાધનો સિદ્ધ કરી પ્રભુ પ્રાપ્તિ માટેની પાત્રતા સિદ્ધ કરે, ત્યારે તેના ચૈતન્ય ઉપરના આવરણો હટી જાય છે. જેમ સૂર્ય ઉપરથી વાદળોના આવરણો ખસી જતાં સૂર્ય-પ્રકાશ સર્વત્ર ફેલાય છે તેમજ ચૈતન્ય ઉપરના કર્મ- સંસ્કારના, રાગ-દ્વેષના, અહંકારના, અજ્ઞાન-અવિદ્યાના આવરણો ખસી જતાં ચૈતન્યપ્રકાશ ફેલાય છે. અણુ સરખો ને ખદ્યોત જેવો ભાસતો ચૈતન્યપ્રકાશ વૃદ્ધિ પામતો પામતો ક્રમે ક્રમે મહાતેજ જેવો પણ થઈ જાય છે. પછી તેને જે દેવોની કે અવતારોની ઉપાસના હોય, જે સ્વરૂપનું ધ્યાન હોય તેના તેજની સાથે તેના ચૈતન્ય પ્રકાશની એકતા સધાવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ- સાક્ષાત્કાર થાય છે, અને તે સ્વરૂપ સંબંધી સુખ-ઐશ્વર્ય ભોગવે છે, પરંતુ તે સ્વરૂપ સિવાય તેની આગળ ગતિ થતી નથી. તે સ્વરૂપમાં જ તે અટવાઈ પડે છે.

જો તેને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું ધ્યાન અને સર્વોપરી ઉપાસના હોય તો જ તેને પૂર્ણ પુરુષોત્તમના તેજ સાથે તેના આત્માની એકતા થવાથી તે સ્વરૂપનો તેના ચૈતન્યમાં સાક્ષાત્કાર થાય છે અને તે સ્વરૂપ સંબંધી દિવ્ય અલૌકિક સુખ, સાર્મથ્ય, પ્રકાશ, જ્ઞાન વગેરે મેળવે છે અને એ આત્યંતિક મોક્ષની સ્થિતિમાં રહી અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરે છે.

જેમ સૂર્યનું દર્શન કરવું હોય તો સૂર્યના પ્રકાશનો સંબંધ આપણા નેત્રપટલને થાય ત્યારે જ સૂર્ય દેખાય પણ ચંદ્રપ્રકાશના સંબંધથી સૂર્ય ન દેખાય, ફક્ત ચંદ્ર જ દેખાય. તેમ બીજા અવતારોના ધ્યાન ને ઉપાસનાથી તેના તેજ સાથે સાધકના આત્માની એકતા થાય તેથી તેમની જ પ્રાપ્તિ થાય, પણ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય. એ તો જ્યારે પુરુષોત્તમ નારાયણના તેજ સાથે સાધક ચૈતન્યની એકતા થાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ને તેમની પ્રાપ્તિ થાય; અને એ પણ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેમના સ્વરૂપનું ધ્યાન અને સર્વોપરી ઉપાસનાની દૃઢતા હોય. આ હેતુ માટે જ શ્રીજીમહારાજે અન્ય દેવો ને અવતારોના ધ્યાનનો નિષેધ કર્યો છે. જે હવે સ્પષ્ટપણે સમજી શકાશે.

(7) 'એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગત છે જે,..... એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે.'

- વચ. ગ. મ. 8

આ જ વચનામૃતમાં શ્રીજીમહારાજે એકાદશીનો અર્થ કહ્યો છે જે, ભગવાનના ભક્તે દસ ઇંદ્રિયો ને અગિયારમું મન એમ એકાદશ (અગિયાર) ઇંદ્રિયોના આહારનો ત્યાગ કરી તેની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં જોડવી તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય.

પાંચ ઇંદ્રિયો શ્રોત્ર (કાન)- ત્વક્ (ત્વચા)- ચક્ષુ (આંખ રસના (સ્વાદેન્દ્રિય-જીભ)- ઘ્રાણ (નાક) તથા પાંચ કર્મેન્દ્રિયો વાક્ (જીભ)- પાણિ (હાથ)- પાદ (પગ)- પાયુ (ગુદા)- ઉપસ્થ (જનનેન્દ્રિય) એમ કુલ દસ ઇંદ્રિયોનો આહાર જે શબ્દ- સ્પર્શ-રૂપ-રસ ને ગંધ તેનો ત્યાગ રાખવો ને મનનો આહાર જે પંચવિષય સંબંધી સંકલ્પ- વિકલ્પ કરવા તેનો ત્યાગ કરી મહિનામાં બે વખત, પંદર દિવસે એકવાર આવતા શુભ દિવસે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડવી તે એકાદશીનું વ્રત કર્યું કહેવાય.

મનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, રાગ-દ્વેષ વગેરેના ભાવ તથા ભૂંડા સંકલ્પનો ને અશુદ્ધ આચરણનો ત્યાગ કરવાથી ઇંદ્રિયો, અંત:કરણની શુદ્ધિ થાય છે ને અનાયાસે જ પ્રભુ પ્રસન્નતાર્થે તપ થાય છે. ઇંદ્રિયો, અંત:કરણની વૃત્તિઓને પોત પોતાના વિષયમાંથી જ્ઞાન પૂર્વક ને પ્રયત્ન પૂર્વક પાછી વાળી ભગવાનના સ્વરૂપમાં જોડવાથી યોગમાર્ગમાં દર્શાવેલો પ્રત્યાહાર સિદ્ધ થાય છે. પ્રત્યાહારથી ઇંદ્રિયો, અંત:કરણની શુદ્ધિ થવાથી અને તેને પ્રભુના નિર્ગુણ, દિવ્ય સ્વરૂપમાં જોડવાથી એક પ્રકારની અદભુત દિવ્ય શક્તિનો ઉદય થાય છે, જેથી ચૈતન્ય ઉપરના આવરણો દૂર થઈ જ્ઞાનરૂપી પ્રકાશ ઉદય થાય છે; જે જ્ઞાનરૂપી ખડગ વડે અજ્ઞાન-અવિદ્યા-અંધકાર-જડતા અને કામ-ક્રોધાદિ અંત:શત્રુરૂપ દાનવીયવૃત્તિરૂપ એવા મુરદાનવ- રાક્ષસનો નાશ થઈ જ્ઞાનપ્રકાશ ઝળહળી ઉઠે છે.

આ રીતે ઇંદ્રિયો, અંત:કરણની વૃત્તિઓનો પ્રત્યાહાર કરી ભગવાનના સ્વરૂપમાં જોડાવારૂપી યોગયજ્ઞ ને જ્ઞાનયજ્ઞ કરવારૂપ એકાદશી સાધકે હંમેશ કરવી જોઈએ, જેથી પોતાના આત્મામાં પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપોનો સાક્ષાત્કાર થઈ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય આ એકાદશી વ્રતનું આધ્યાત્મિક હાર્દ છે.

ઉપર પ્રમાણે એકાદશીનું રહસ્ય સમજીને એ વ્રત કર્યા કરવું, એ સિવાય ખાધા-પીધા વગર બેસી રહેવાથી ઉલટા ખાધા-પીધાના સંકલ્પ થયા કરે અને તેથી રજોગુણ વૃદ્ધિ પામે અને જ્યારે ઉપવાસ પૂરો થાય ત્યારે સ્વાદવૃત્તિને પોષવા બમણું ખાય. શ્રીજીમહારાજે એને એકાદશીનું વ્રત નહિ બલકે ઢોરલાંઘણ કહેલી છે. ગીતામાં જણાવ્યું છે કે- બિલકુલ નહિ ખાનારને કે અતિ ખાનારને, બિલકુલ નહિ ઊંઘનારને કે અતિ ઊંઘનારને યોગ સિદ્ધ થતો નથી. અતિ આકરા ઉપવાસ કરવાથી વિચાર શક્તિનો, શરીરની, ઇંદ્રિયોની શક્તિનો હાસ થવાથી તમોગુણની વૃદ્ધિ થઈ જડતા વ્યાપી જાય છે, જેનાથી આધ્યાત્મિક વિકાસ થવાની જગ્યાએ વિકાસ રૂંધાઈ જાય છે. માટે વિવેક રાખવો જરૂરી છે. મહારાજે પણ સમજણને વખાણી છે. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ મૂર્તિમાં જોડાવારૂપી તપને જ શ્રેષ્ઠ તપ ગણ્યું છે. બીજું બધું તેની પાસે ગૌણ છે.

માટે સાધકે પોતાના શરીરની ને મનની પુષ્ટિ ને શુદ્ધિ માટે યોગ્ય પ્રમાણમાં જ જરૂર કરતાં બિલકુલ વધારે નહિ તેવો શુદ્ધ ને સાત્વિક આહાર લેવો જોઈએ. ઊંઘ- આળસનો ત્યાગ કરી વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ સાધવા પૂરતો પ્રયત્ન કરવો જોઈએ અને યોગ્ય પ્રમાણમાં વિશ્રાંતિ પણ લેવી જ જોઈએ. શરીર પાસે અતિશ્રમ લેવો તે પણ સૂક્ષ્મ પ્રકારની હિંસા છે, કારણ કે શરીર દ્વારા જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ- વિકાસ શક્ય છે. માટે શરીરને દેહમંદિર માની, જાળવી ને પ્રભુનો સાક્ષાત્કાર કરવાના માર્ગે સાધકે પ્રગતિ કરવી જોઈએ.

નોંધ: વધુ વિગત માટે સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત 'ધર્મનો મર્મ' નામના પુસ્તકમાંથી એકાદશી વ્રતનું રહસ્ય જાણવું.