૪. વચનામૃતની સંખ્યા

શ્રીજીમહારાજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના વહીવટ અંગે બે ગાદી સ્થાપી છે. શ્રી નરનારાયણદેવની ગાદી અમદાવાદમાં અને શ્રી લક્ષ્મીનારાયણદેવની ગાદી વડતાલમાં આવેલ છે. તે બંને મુખ્ય મથકોએ એક-એક એમ બે આચાર્ય મહારાજશ્રી બિરાજે છે. ભારતદેશના નકશામાં સૌરાષ્ટ્ર પ્રદેશના પણ બે વિભાગ થાય તેવી પૂર્વ-પશ્ચિમ રેખા દોરીએ તો તે રેખાની ઉત્તરનો ભાગ શ્રી નરનારાયણદેવ દેશમાં આવે અને દક્ષિણનો વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ દેશમાં ગણાય છે.

શ્રી નરનારાયણદેવ દેશવિભાગમાંથી પ્રસિદ્ધ થયેલા ‘વચનામૃત’ ગ્રંથમાં વચનામૃતોની કુલ સંખ્યા ૨૭૩ છે, જ્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશમાં પ્રસિદ્ધ થતાં ‘વચનામૃત’ માં તે ૨૬૨ છે. આમ અમદાવાદ દેશના ‘વચનામૃત’ માં ૧૧ વચનામૃતો વધારે છે.

અમદાવાદ પ્રકરણમાં વડતાલ દેશની પ્રતમાં ૩ વચનામૃતો છે, જ્યારે અમદાવાદ દેશની પ્રતમાં ૮ વચનામૃતો છે, આમ અમદાવાદ પ્રકરણના પાંચ વચનામૃતો તથા અશ્લાલી પ્રકરણનું ૧ વચનામૃત અને જેતલપુર પ્રકરણના પાંચ વચનામૃતો મળીને (૫+૧+૫) અગિયાર વચનામૃતો અમદાવાદ દેશની પ્રતમાં વધારે છે.

શ્રીજીમહારાજ ગામોગામ વિચરતા અને કથા-વાર્તાનો અખંડ બ્રહ્મયજ્ઞ ચલાવતા. તે વખતે સંતો તથા હરિભક્તો શ્રીજીમહારાજે જે વાતો કરી હોય, જે પ્રશ્ન-ઉત્તરો થયા હોય તે પોતાની સ્મૃતિ માટે નોંધ લેતા, તેને હસ્તલિખિત વચનામૃતના ‘ખરડા’ કહેતા. એ વચનામૃતોમાં એકસૂત્રતા આવે તથા પાઠભેદ ન રહે કે સૌને સમાસ થાય તે રીતે રજૂઆત થાય એવા હેતુઓથી શ્રીજીમહારાજે સૌ સંત-હરિભક્તો પાસેથી હસ્તલિખિત ખરડા માંગી લીધા ને મોટેરા પાંચ સદગુરુ- સ. ગુ. મુક્તાનંદ સ્વામી, સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. નિત્યાનંદ સ્વામી, સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી તથા સ.ગુ. શુકાનંદ સ્વામીને એનું યોગ્ય શોધન કરી સંપાદિત કરવા આજ્ઞા કરી.

લોયા પ્રકરણના ૭મા વચનામૃતમાં આનો ઉલ્લેખ આ રીતે છે: '... અને તે સમયમાં 'વચનામૃત'નું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા...'

આ રીતે મોટેરા સદગુરુઓએ શોધન કરીને ૨૬૨ વચનામૃત નક્કી કર્યાં, જેની નકલો કરીને બંને દેશવિભાગમાં મોકલી આપવામાં આવી. તે વચનામૃતો હસ્તલિખિત હતાં. તે વખતે છાપખાનાની સુવિધા વિકસી ન હતી. તે પ્રત જ્યારે અમદાવાદ મંદિરમાં ધ. ધુ. આદિ આચાર્ય મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ આગળ સભામાં વંચાતી હતી, ત્યારે શ્રીજીમહારાજને મળેલા ને તેમના સેવક શ્રી કુબેરસિંહ છડીદારે તે સાંભળી. તેમણે પૂછયું કે મહારાજ! આ શું વંચાય છે? ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે, શ્રીજીમહારાજે જે જે ગામમાં વાર્તાઓ કરેલી, તે મોટા સદગુરુઓએ લખી હતી, તે વંચાય છે. ત્યારે કુબેરસિંહજી છડીદારે કહ્યું કે, અહીં શ્રીજીમહારાજે જે જે વાતો કરેલી તથા તે વખતે જે જે પ્રશ્નો મેં પૂછયા હતા તેના શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને ઉત્તર કરેલા તે વાતો મેં પણ લખી રાખી છે. પછી જેતલપુરના આશજીભાઈએ પણ એમ જ કહ્યું કે, શ્રીજીમહારાજે જેતલપુરમાં તથા અશ્લાલીમાં વાતો કરેલી તે મારા પાસે લખેલી છે. પછી તે બંનેને આચાર્યજી મહારાજે કહ્યું કે તમે એ વાતો અમારી પાસે લાવો. પછી તેમણે લખેલી વાતોના ખરડા આચાર્ય મહારાજશ્રીને આપ્યા. તેમાંથી ૧૧ વચનામૃતો થયા. પછી ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજે વડતાલ મંદિરમાં પત્ર લખ્યો ને કહેવરાવ્યું કે આપણે વચનામૃતો તૈયાર કર્યાં છે તે ઉપરાંત અમને અહીંથી આ રીતે ૧૧ વચનામૃતો થયાં તેટલા ખરડાઓ મળ્યા છે, તેમાં શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું વર્ણન સારું છે તેથી તે ૧૧ વચનામૃત ફેરફાર વિના મૂળપ્રતમાં સમાવી લેશો. ત્યારે વડતાલથી ધ.ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે સંતોને પૂછીને તે ૧૧ વચનામૃતો જેમ બીજાં વચનામૃતો શોધ્યાં હતાં તેમ શોધીને નાખવા ઇચ્છા જણાવી. ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજને લાગ્યું કે આમાં શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું વર્ણવેલું છે તેથી તેમાં શોધવાની જરૂર જણાતી નથી. આવાં વચનથી ભવિષ્યમાં ઘણો સમાસ થશે એમ જાણી ફરી વડતાલ મોકલ્યા નહિ, તેથી અમદાવાદ દેશની પ્રતમાં ૧૧ વધારાના વચનોમૃતો દાખલ થયા, અને વડતાલ દેશની પ્રતમાં ન થયા.

તદુપરાંત, જે ૨૬૨ વચનામૃતો બંને દેશની પ્રતોમાં છે, તેમાં પણ પાઠભેદ જોવા મળે છે. દા. ત. ગઢડા પ્રથમ પ્રકરણના ૮, ૪૮, ૬૬, ૭૪મા વચનામૃતો, કારિયાણી પ્રકરણનું ૪, ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧મુ, ગઢડા અંત્યપ્રકરણનું ૨૧મુ વગેરે જગ્યાએ પાઠભેદ ઉલ્લેખનીય છે.