૬. બ્રહ્માંડની રચના
આપણે જ્યાં રહીએ છીએ તે ભારતદેશને શાસ્ત્રકારો ભરતખંડમાં આવેલો વિભાગ માને છે. ભરતખંડ જેવાં બીજાં આઠ ખંડ મળીને નવખંડ ધરતી છે. તે નવખંડના નામ:
૧. ભરત ખંડ, ૨. કિંપુરુષ, ૩. હરિવર્ષ, ૪. ઇલાવૃત્ત, ૫. રમ્યક્, ૬. હિરણ્યમય, ૭. કુરુ, ૮. કેતુમાલ, ૯. ભદ્રાશ્વ.
૧. યોજન = ૮ માઈલ = ૧૨.૮ કિલોમીટર.
જંબુદ્વીપ નકશો : ૧
૧. ભરતખંડ, ૨. કિંપુરુષ, ૩. હરિવર્ષ, ૪. ઇલાવૃત્ત, ૫. રમ્યક્, ૬. હિરણ્યમય, ૭. કુરુ, ૮. કેતુમાલ, ૯. ભદ્રાશ્વ. આ નવખંડો જેમાં આવેલા છે તેને જંબુદ્વીપ કહે છે. આ જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. નવે ખંડો મેરુ પર્વતની આજુબાજુ આવેલા છે, જેનું ચિત્ર નકશો: ૧માં આપેલ છે.
આ જંબુદ્વીપની ફરતે ખારા જળનો સમુદ્ર આવેલો છે, તે પણ ૧ લાખ યોજનનો છે.
જંબુદ્વીપ જેવા બીજા છ દ્વીપ મળીને કુલ સાત દ્વીપ છે, તે એકબીજાની ફરતે આવેલા છે.
જંબુદ્વીપની પછી બીજો દ્વીપ પ્લક્ષ નામનો છે તે બે લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ યોજનનો છે. તે સમુદ્રનું જળ ઇક્ષુ જે શેરડીનો રસ તેના જેવું છે.
તેના ફરતો ત્રીજો શાલ્મલિ દ્વીપ છે તે ચાર લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે ચાર લાખ યોજનનો છે, તેનું જળ તે સુરા જે દારૂ તેના જેવું છે.
ચોથો દ્વીપ કુશ નામનો છે તે આઠ લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે પણ આઠ લાખ યોજનનો છે, તેનું જળ તે ઘૃત જે ઘી તે જેવું છે.
તેની ફરતે પાંચમો ક્રૌંચ દ્વીપ છે, તે સોળ લાખ યોજનનો છે. તેને ફરતે સમુદ્ર છે તે પણ સોળ લાખ યોજનનો છે. જેનું જળ ક્ષીર જે દૂધ તેના જેવું છે.
છઠ્ઠો દ્વીપ શાકદ્વીપ છે તે બત્રીસ લાખ યોજનનો છે. તેના ફરતે સમુદ્ર છે તે પણ બત્રીસ લાખ યોજનનો છે, તેમાં જળ તે દધીમંડોદ તે દહીંના ઘોળવા જેવું છે.
સાતમો દ્વીપ પુષ્કર દ્વીપ છે તે ચોસઠ લાખ યોજનનો છે. તેના ફરતેનો સમુદ્ર પણ ચોસઠ લાખ યોજનનો છે, તેમાં જળ તે સુધા જેવું મીઠું છે.
આ સાતદ્વીપની ફરતે લોકાલોક પર્વત છે, તે મેરુથી ૧૨.૫ કરોડ યોજનની ત્રિજ્યાએ આવેલ છે. (૧૨.૫ કરોડ યોજન = ૧૦૦ કરોડ માઈલ = ૧૬૦ કરોડ કિલોમીટર)
લોકાલોક પર્વતની બહારની બાજુએ અંધકાર છે. તે ૧૧.૫ કરોડ યોજન વિસ્તારમાં છે. આમ, મેરુપર્વતને કેન્દ્ર તરીકે ગણીને (૧૨.૫૫ + ૧૧.૫) = ૨૪ કરોડ યોજન ત્રિજ્યા એટલે (૨૪×૨) = ૪૮ કરોડ યોજન વ્યાસમાં આ બ્રહ્માંડનો વિસ્તાર છે. તે ૪૮ કરોડ યોજન અવકાશમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર અને લોકાલોક પર્વત આવેલા છે.
આ ૪૮ કરોડ યોજનના બ્રહ્માંડની ફરતે પૃથ્વીનું દળ છે જે ૧ કરોડ યોજન વિસ્તારવાળું છે.
આ રીતે બ્રહ્માંડનું કુલ પરિમાણ (વ્યાસ) ૪૮+૧+૧=૫૦ કરોડ યોજન છે.
આ બ્રહ્માંડનો વિસ્તાર આપણે જોયો. હવે બ્રહ્માંડમાં ઉપર-તળે ક્યા ક્યા લોક આવેલ છે તે જોઈએ.
શાસ્ત્રાનુસાર, આપણે જે લોકમાં રહીએ છીએ તેને મૃત્યુલોક કહે છે. મૃત્યુલોકથી નીચે સાત પાતાળ આવેલા છે. તેના નામ: ૧. અતળ, ૨. વિતળ, ૩. સુતળ. એ ત્રણેમાં દૈત્યો રહે છે. તેથી નીચે ૪. તળાતળ, ૫. મહાતળ, ૬. રસાતળ લોક છે. એ ત્રણમાં નિશાચર રહે છે. તેની નીચે ૭. પાતાળલોક આવેલો છે, તેમાં સર્પ રહે છે. તે મૃત્યુલોકથી ૧.૩ લાખ યોજનમાં નીચેની તરફ વિસ્તરેલા છે.
મૃત્યુલોકથી ઊર્ધ્વ-ઊંચો- ભુવર્લોક આવેલ છે. જેમાં મલિન દેવ રહે છે, તે ૮૦,૦૦૦ યોજન ઊંચાઈમાં આવેલ છે. તેથી ઊર્ધ્વ દેવલોક-સ્વર્ગલોક છે, તે ૩૮.૨ લાખ યોજન વિસ્તારમાં છે. તેથી ઊર્ધ્વ મહરલોક છે જે સ્વર્ગલોકથી ૧ કરોડ યોજન ઊર્ધ્વ છે. મહરલોકમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. મહરલોકથી ઊર્ધ્વ જનલોક છે જે મહરલોકથી ૨ કરોડ યોજનની ઊંચાઈ પર આવેલ છે, તેમાં ને તેનાથી ૮ કરોડ યોજનની ઊંચાઈ પરના તપલોકમાં ભૃગુ વગેરે ઋષિઓ રહે છે. તે તપલોકથી ઊર્ધ્વ ૧૨ કરોડ યોજનની ઊંચાઈએ સત્યલોક આવેલ છે. જેમાં બ્રહ્મા રહે છે. આ રીતે ચૌદ લોકની રચના છે જે નકશા-૩માં બતાવી છે.
શાસ્ત્રમાં સંખ્યાની ગણતરી છે તે નીચે મુજબ હોય છે.
એક = એકમ = ૧૦૦
૧૦ × એકમ = દસક (દસ) = ૧૦૧
૧૦ × શતં = સહસ્ત્ર (હજાર) = ૧૦૩
૧૦ × સહસ્ત્ર = અયુતં (દસ હજાર) = ૧૦૪
૧૦ × અયુતં = લક્ષ (લાખ) = ૧૦૫
૧૦ × લક્ષ = નિયુતં (દસ લાખ) = ૧૦૬
૧૦ × નિયુતં = કોટિ (કરોડ) = ૧૦૭
૧૦ × કોટિ = અબ્રુદ (દસ કરોડ) = ૧૦૮
૧૦ × અબ્રુદ = વૃંદ (અબજ) = ૧૦૯
૧૦ × વૃંદ = ખર્વ (દસ અબજ) = ૧૦૧૦
૧૦ × ખર્વ = નિખર્વ = ૧૦૧૧
૧૦ × નિખર્વ = શંખ = ૧૦૧૨
૧૦ × શંખ = પદ્મ = ૧૦૧૩
૧૦ × પદ્મ = સાગર (જલધિ) = ૧૦૧૪
૧૦ × સાગર = અંત્ય = ૧૦૧૫
૧૦ × અંત્ય = મધ્ય = ૧૦૧૬
૧૦ × મધ્ય = પરાર્ધ = ૧૦૧૭
હવે જે બ્રહ્માંડની રચના આપણે જોઈ, તેમાં જાણ્યું કે બ્રહ્માંડનો કુલ વિસ્તાર ૫૦ કરોડ યોજન છે. તેના ફરતાં આવરણો છે. આવા આવરણો આઠ છે તેથી તેને અષ્ટાવરણ કહે છે. આવરણોના નામ ૧. પૃથ્વી, ૨. જળ, ૩. તેજ, ૪. વાયુ, ૫. આકાશ, ૬. અહંકાર, ૭. મહતત્વ, ૮. પ્રકૃતિ.
પ્રથમ આવરણ પૃથ્વીનું છે. (આમાં ‘પૃથ્વી’ શબ્દ તત્વ તરીકે સમજવાનો છે.) તે આવરણ બ્રહ્માંડના પરિમાણમાં જ ગણી લીધું છે, તેથી પૃથ્વીનું આવરણ બ્રહ્માંડના પરિમાણમાં ૫૦ કરોડ યોજન વિસ્તારવાળું છે.
તેને ફરતું જળનું આવરણ પૃથ્વીના આવરણથી દસ ગણું છે. તેથી ૧૦ × ૫૦ કરોડ = ૫ વૃંદ યોજન વિસ્તારવાળું જળનું આવરણ છે.
ત્રીજું આવરણ તેજનું છે, તે જળના આવરણથી દસ ગણું છે, તે ૫ વૃંદ × ૧૦ = ૫ ખર્વ યોજનનું છે.
તેજના આવરણની ફરતું વાયુનું આવરણ છે તે તેજના આવરણથી દસ ગણું છે, તેથી તે ૫ ખર્વ × ૧૦ = ૫ નિખર્વ યોજન વિસ્તારનું છે.
પાંચમું આવરણ આકાશનું છે, તે વાયુના આવરણથી દસ ગણું છે, તે ૫ નિખર્વ × ૧૦ = ૫ શંખ યોજન વિસ્તારવાળું છે.
છઠ્ઠું આવરણ અહંકારનું છે, તે આકાશના આવરણથી દસ ગણું છે. અહંકારનું આવરણ ૫ શંખ × ૧૦ = ૫ પદ્મ યોજન વિસ્તારનું છે.
સાતમું આવરણ મહતત્ત્વનું છે, તે અહંકારના આવરણથી દસ ગણું છે, તે મહતત્વનું આવરણ ૫ પદ્મ × ૧૦ = ૫ જલધિ યોજન વિસ્તારવાળું છે.
આઠમું આવરણ પ્રકૃતિનું છે, તે મહતત્વના આવરણ ફરતે તેનાથી દસ ગણા વિસ્તારવાળું છે, તેથી ૫ જલધિ × ૧૦ = ૫ અંત્ય યોજન વિસ્તારવાળું છે. પ્રકૃતિનું આવરણ ગાઢ અંધકારરૂપ ધુમ્રવર્ણવાળું છે.
અષ્ટાવરણથી પર (beyond) મૂળમાયાનો અંધકાર છે તે અંધકારમાં અનંત પ્રધાનપુરુષો રહ્યા છે. તે માયાના અંધકારના ફરતો ચિદાકાશ જે ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. (સંદર્ભ: ગઢડા પ્રથમ પ્રકરણના ૪૬માં વચનામૃતના રહસ્યાર્થમાં પ્રશ્ન બીજો.)
બ્રહ્માંડની રચનાની સાથે સાથે બ્રહ્માંડનાં જુદાં જુદાં સ્થાનોનું આયુષ્ય જોઈ લઈએ.
ચૌદ લોકની રચના બ્રહ્મા કરે છે. તે બ્રહ્માના એક દિવસમાં (આપણે જેને ૧૨ કલાક કહીએ છીએ તેટલી સમય અવધિમાં) આપણા ૪૩૨ × ૧૦૭ ચાર અબજને બત્રીસ કરોડ વર્ષ થાય છે. તે દરમિયાન સતયુગ- ત્રેતાયુગ - દ્વાપરયુગ - કળિયુગની એક હજાર ચોકડી થઈ જાય છે. સતયુગ સત્તર લાખ અઠ્ઠાવીસ હજાર વર્ષનો, ત્રેતાયુગ બાર લાખ છન્નુ હજાર વર્ષનો, દ્વાપર યુગ આઠ લાખને ચોસઠ હજાર વર્ષનો ને કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે. આમ એક યુગની એક ચોકડી પૂરી થતાં ત્રેંતાળીશ લાખને વીસ હજાર વર્ષ થાય. આપણી આવી એક હજાર ચોકડી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુ ને ચૌદ ઇંદ્ર તે સરખે ભાગે (તુલ્ય) રાજ્ય કરીને નાશ પામે છે. આમ બ્રહ્માનો એક દિવસ આપણા ચાર અબજને બત્રીસ કરોડ વર્ષે થાય તે સમયને ‘કલ્પ’ પણ કહે છે. દિવસને અંતે બ્રહ્માની રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે, ત્યારે સ્વર્ગ, મૃત્યુને પાતાળ એમ ‘ત્રિલોકી’નો નાશ થાય છે, પણ ખરેખર સ્વર્ગ, ભૂવર્લોક, મૃત્યુલોકને સાત પાતાળ સહિત દસ લોકનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે, તે આપણાં વર્ષ આઠ અબજ ચોસઠ કરોડ થાય ત્યારે બ્રહ્માની એક અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ દિવસ પ્રત્યે નાશ પામે છે તે દિવસાંતરે (બીજા દિવસે) પાછું કરે છે, ને તે નાશ પામે છે.
બ્રહ્માના એ એક દિવસ જેવા ત્રીસ દિવસે એક માસ ને એવા બાર માસે એક વર્ષ થાય. એવા સો વર્ષ સુધી બ્રહ્માનું આયુષ્ય છે. આમ બ્રહ્માનું આયુષ્ય ૮૬૪ × ૧૦૭ × ૩૦ દિવસ × ૧૨ માસ × ૧૦૦ વર્ષ = ૮૬૪ × ૩૬ × ૧૦૧૦ વર્ષ = ૩૧૧૦૪ × ૧૦૧૦ વર્ષ.
બ્રહ્માંડની ઉત્પત્તિ બ્રહ્મા કરે છે, પોષણ વિષ્ણુ કરે છે ને લય શિવ કરે છે. બ્રહ્મા-વિષ્ણુ-શિવની ત્રિપુટી વિરાટનારાયણ સાથે સંકળાયેલ છે. આ બધાયની આયુષ્ય (આવરદા) ઉપર ગણ્યા મુજબ ૩૧૧૦૪ ખર્વ વર્ષ (અથવા ૩.૧૧૦૪ જલધિ વર્ષ)ની ગણાય. આ સમયગાળાને દ્વિપરાર્ધકાળ પણ કહે છે. એ મુજબ પરાર્ધકાળ એટલે ૧.૫૫૫૨ જલધિ વર્ષ. (આ પરાર્ધકાળ સંખ્યાવાચક ‘પરાર્ધ’થી અલગ છે. સંખ્યાવાચક ‘પરાર્ધ’ એટલે ૧૦૧૭.)
વિજ્ઞાનમાં જે ખગોળશાસ્ત્ર છે તેનાથી આ વર્ણન જુદું પડતું લાગે છે, પણ આ વર્ણન પણ સત્ય જ છે અને શાસ્ત્રોક્ત છે. તે સંદર્ભમાં એક પ્રસંગનો ઉલ્લેખ પ્રસ્તુત છે. અમદાવાદમાં શ્રી બહેચરભાઈ શંકરભાઈ ગજ્જર રહેતા, તે વિજ્ઞાન અને શાસ્ત્રો ભણેલા ને ખૂબ મુમુક્ષુ હતા. તેમને અગાઉ વૈષ્ણવધર્મ પ્રત્યે અનુરાગ હતો ને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઓળખ થયેલી નહિ. પરંતુ તેમના જાણવામાં આવ્યું કે અમદાવાદ કાળુપુરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામીશ્રીના શિષ્ય સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામી મહા સમર્થ સંત છે. તેથી તેઓ તેમનો સમાગમ કરવા ગયા. ત્યારે વિજ્ઞાનમાં વર્ણવેલ ખગોળદર્શન અને શાસ્ત્રોમાં વર્ણવેલ બ્રહ્માંડોની રચના વિશે વાત નીકળી ત્યારે સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ કહ્યું કે શાસ્ત્રોમાં કહેલી વાત સત્ય છે, વિજ્ઞાન હજી તે સમજી નથી શક્યું, પણ શાસ્ત્રોક્ત વાત સાચી જ છે. ત્યારે બહેચરભાઈએ કહ્યું કે કોઈ વાત પ્રમાણગત રીતે સાબિત કરી શકાય કે પ્રમેયગત રીતે સાબિત કરી શકાય. પ્રમાણગત એટલે શાસ્ત્રોમાંથી પ્રમાણ આપી શકાય, પુરાવા આપી શકાય; જ્યારે પ્રમેયગતમાં પ્રત્યક્ષ અનુભવથી સાબિત થાય. સદગુરુશ્રી બહેચરભાઈ સામું જોઈ રહ્યા પણ કાંઈ વિશેષ બોલ્યા નહિ. ત્યાર પછી બીજે દિવસે સવારે બહેચરભાઈ ધોળકા પાસેના ગામે જવા ટ્રેનથી નીકળ્યા. ધોળકા ઉતરી ગાડામાં બેસી ધોળી ભૂમલી ગામે જતા હતા, ત્યારે ધોળે દિવસે ને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં એમને સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીના દર્શન થયા, સ્વામીના સ્વરૂપમાંથી તેજ છૂટી રહ્યું હતું. સ્વામીશ્રી કહે: બહેચર, બ્રહ્માંડની રચના પ્રમેયગત રીતે તારે જોવી હતી ને? લે જો! એમ કહેતાં જ બહેચરભાઈને ચૌદ લોક સહિત બ્રહ્માંડના દર્શન થયાં. સ્વ-અનુભવમાં બધી વાત આવી. ત્યાર પછી એમને સંપૂર્ણ શ્રદ્ધા બેઠી ને બહારગામથી પાછા આવી રેલવે સ્ટેશનથી સીધા મંદિર જઈ સદગુરુશ્રી પાસે ગયા ને વર્તમાન- કંઠી ધારી સત્સંગી- શિષ્ય થયા. આ વાત થોડા વર્ષો બાદ કોર્ટમાં સત્સંગના કેસ ચાલતા હતા ત્યારે જજની પાસે ભગવાનના સોગંદ ઉપર કહીને પોતાને ચમત્કારિક રીતે બ્રહ્માંડનું દર્શન થયેલું તે વર્ણવ્યું હતું.