12
બધાને પાત્રતા ન હોય એટલે પ્રભુ કેવી રીતે દર્શન કરાવી શકે? પણ દર્શન કરાવવાને માટે ભગવાન હંમેશાં જણ-જણ પ્રત્યે કૃપા વરસાવે છે. દરેક જીવ ભગવાનને પામવાના- ભલે પાત્ર હોય કે ન હોય. મોડા-વહેલાય સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં પહોંચી જશે. અને એ ભગવાનના સ્વરૂપમાં પહોંચવું એટલે યોગ પૂર્ણ થઈ ગયો. પૂર્ણયોગ એનું નામ. અત્યારે યોગ ચાલુ છે બધાયના. દરેક ધર્મમાં યોગ ચાલે છે. સારી વસ્તુ છે. તે યોગ કરતાં કરતાં આગળ વધશે. અને છેવટે જ્યારે પૂર્ણયોગ થશે ત્યારે સર્વોપરીતાનો અનુભવ થઈ જશે. માટે, સારાય જીવન દરમ્યાન મહારાજની મૂર્તિમાં જોડાવું. યોગ એટલે જોડાવું- મૂર્તિમાં જોડાવું. બીજે જોડાય એને યોગ ન કહેવાય. કોઈ પ્રવૃત્તિમાં જોડાય તો એ યોગ ન કહેવાય. યોગ તો એનું નામ કે જે ભગવાનના સ્વરૂપમાં જોડે. તેનું નામ યોગ. એ યોગનો અભ્યાસ સારાય જીવન દરમ્યાન ચાલુ રાખીએ અને આ બ્રહ્મયજ્ઞમાં જે કંઈ સુંદર વાતો મહારાજના આ મહામુક્તોએ કરી તે વાતો સ્વામિનારાયણ ભગવાને કરાવી. એ સ્વામિનારાયણ ભગવાન, એમના અનાદિમુક્તો અને એમણે કરેલા સુંદર બોધવચનો-શાસ્ત્રો એનું ચિંતન કરીએ, એ કલ્યાણકારી ગુણોનું ધ્યાન-ચિંતન કરીએ અને ભગવાનની મૂર્તિમાં જોડાઈએ.
આપણે બધા જાણીએ છીએ કે આજ્ઞા લોપવી એ અપમૃત્યુ થયું કહેવાય. જેટલી ઘડી આજ્ઞા લોપાય તેટલી ઘડી આપણું મૃત્યુ થયું જાણવું. એમ ગુણાતીતાનંદસ્વામી અને મોટા સંતો કહેતા. અને એ હકીકત છે. અને એક મોટા સંતે પણ એમ કહ્યું કે નિશાન ચૂકવું નહિ અને મુકામ મૂકવું નહિ. ત્યારે કોઈ સમજી શક્યા નહિ એટલે પૂછયું, "સ્વામી! નિશાન શું?" તો કહે આજ્ઞા. આજ્ઞા સામી દૃષ્ટિ રાખવી અને મૂર્તિરૂપી મુકામ મૂકવું નહિ. એ મુકામ સિવાય બીજે ક્યાંય પણ પ્રતીતિ આવવી જોઈએ નહિ. શ્રીજીમહારાજની મૂર્તિ એ સર્વોપરી મૂર્તિ છે. અનંત અનાદિમુક્તો એ મૂર્તિનું સુખ અનુભવે છે. એ સુખમાં મહારાજે આપણને રાખ્યા છે. મહારાજ કૃપા વરસાવે છે. આ દિવ્ય સભામાં આપણે બધા આવી ગયા એ આપણા મોટા ભાગ્ય. હવે આપણો જન્મ રહ્યો ખરો? જેવો એમનો દિવ્ય જન્મ એવો આપણો દિવ્ય જન્મ.
યોગ એટલે ભગવાનના સ્વરૂપમાં- સર્વોપરી સ્વરૂપમાં - જોડાવું. એ યોગ તો સમગ્ર જીવન સુધી કરવો પડે. જ્યાં સુધી એ સ્વરૂપમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું તેમ જળ-તરંગવત્ એકતા ન થાય, ત્યાં સુધી એ યોગ ચાલવો જોઈએને? તો એ યોગ તો એક સરસ પ્રવૃત્તિ મળી ગઈ. આપણે આપણો કામ-ધંધો કરતાં કરતાં કંટાળીએ છીએ? રોજ ભોજન કરતાં કંટાળીએ છીએ? કોઈ દિવસ એમ નથી થતું કે આજે ન જમીએ.
સારાંશ
ભગવાનની મૂર્તિમાં જોડાવું એ ખરો યોગ છે. એ યોગ રોજ કરવો. મહારાજની આજ્ઞા એક પણ લોપવી નહિ.