18

0:000:00

અનંત કોટી બ્રહ્માંડો ભગવાનની ઇચ્છાથી લય પામે છે, ઉત્પન્ન થાય છે તેમાં આ નાનકડી પૃથ્વી, તેમાંય નાનકડો પુરુષ તેમાં કેટલી બધી મહાબુદ્ધિ! પણ બધા બ્રહ્માંડો કરતાં પણ આ માનવદેહમાં રહેલો ચૈતન્ય સૌથી મહાન છે. અનંત કોટી બ્રહ્માંડો પણ આની તુલ્ય આવે નહિ. કારણ કે આ માનવદેહમાં રહેલો ચૈતન્ય જ્યારે મહારાજના અનાદિ સંત-મુક્તોના પરિચયમાં આવે, ત્યારે મહાન સંત બની જાય છે કે જે અનંત બ્રહ્માંડોને પણ હચમચાવી મૂકે- ડગમગાવી દે એવા મહાન બને છે.

શ્રીજીમહારાજે આપણા ચૈતન્યને કેવળ કૃપા કરીને, ખૂબ પ્રસન્ન થઈને, આપણો દેહભાવ સદંતર કાઢી નાખીને એમની મૂર્તિમાં રાખી દીધો! તો ભગવાન કેટલા દયાળુ છે! કાંઈ જોવે-બોવે નહિ. જે કોઈ નજરમાં આવે એના ઉપર કૃપા જ વરસાવે. એનું જ નામ કરુણાસાગર. ત્યારે એ કરુણાસાગર ભગવાન આપણને મળી ગયાને! હવે જો કરુણાસાગર ભગવાન મળ્યા હોય તો આપણે બધાય પણ કરુણાસાગર થયા. તો હવે અવગુણથી તો બીજા દૂભાય. તો આપણે કોઈનો અવગુણ લઈએ ત્યારે એને જાણપણું થાય કે આને મારો અવગુણ આવ્યો તો એ દૂભાય કે નહિ? તો એ હિંસા થઈ કે નહિ? જો હિંસા થઈ તો ભગવાન રાજી કેવી રીતે થાય? ત્યારે અવગુણનું જાણપણું કેવળ રહે, પણ એ અવગુણને લીધે અભાવ ન આવવો જોઈએ. અને એને ખબર પણ ન પડે કે આને મારો અવગુણ આવ્યો ને એનો અવગુણ ટળી જાય એવી જે આવડત તે કેળવવી જોઈએ. એમાં ભગવાન રાજી છે. અવગુણ અવશ્ય ટાળવો. અવગુણો જોવામાં પણ આવે. અવરભાવમાં જોવામાં આવે, પણ એ અવગુણ ત્યારે જ નુકસાન કરે કે એ અવગુણને લીધે સામેવાળાને નુકસાન થાય, એની પ્રતિષ્ઠા ઘવાય અને એનું દિલ દુભાય અને એને કોઈ ફાયદો ન થાય. એટલે આપણે એનો અવગુણ લઈએ તો આપણે એનું ભલું ન કર્યું. એટલે બધાનું ભલું થાય એવો ભગવાનનો સ્વભાવ છે તો એવો મુક્તનો પણ સ્વભાવ હોવો જોઈએ કે નહિ? તો એવો સ્વભાવ રાખવો.

અત્યારે દેશકાળનું પ્રધાનપણું ભગવાનની ઇચ્છાથી વર્તે છે. એ દેશકાળના વિષમપણામાં પંચ વર્તમાનનો લોપ પણ ચાલી રહ્યો છે. તે પંચ વર્તમાનનો લોપ જે ચાલી રહેલ છે તે તથા જે ભ્રષ્ટાચાર, જે કુબુદ્ધિ તે દૂર કરવા માટે ભગવાન પ્રયત્ન કરે છે. સાગરનું મંથન કરીને અમૃત કાઢ્યું. તેવી જ રીતે દેશકાળનું ચક્ર ચલાવી ધમાલ કરીને બધાને શાંત પાડશે. તેમાં સમય જોઈએ. એક બ્રહ્માંડનો દિવસ કેવડો હોય છે એ તો આપણે બધા જાણીએ છીએ. થોડા વર્ષો એવું ચાલે એથી કંઈ મુંઝાવાનું હોય નહિ. ભગવાનને પ્રાર્થના કરવાની. ભગવાન જાણે તો છે જ એની ના નહિ, છતાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ પણ એ પ્રાર્થના નિષ્કામ ત્યારે કહેવાય કે જ્યારે એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય. તે પ્રાર્થનામાં ભગવાનનો સંબંધ કરાવવાનો, જીવને પાત્ર કરવા માટેનો આશય રહેલો છે.

શ્રીજીમહારાજ ને મહારાજના મુક્તોની અનુવૃત્તિમાં રહેવું એમ કહ્યું. અનુવૃત્તિ એટલે શું? બે રીતે કે અનુવૃત્તિ પ્રમાણે એની સેવા કરવી. એ એક. અને બીજી અનુવૃત્તિ વર્તનની. એટલે કે જે એમને ગમે છે કે અમે જે રીતે વર્તીએ છીએ, જે રીતે કહીએ તેવું તમારું વર્તન બનાવો. જો એવું વર્તન બને તો બધાંય દુ:ખની નિવૃત્તિ થઈ જાય કે નહિ? જરૂર થઈ જાય. માટે અનુવૃત્તિ લખી છે. અનુવૃત્તિ આ પ્રમાણે બંને રીતે જળવાવી જોઇએ. અનુવૃત્તિ બહુ જ મોટી વસ્તુ છે.

બીજું એ કે આ દિવ્ય સભા પૂરી થાય ત્યારે એવું લાગવું જોઈએ કે એ દિવ્ય સભા ભેળી ને ભેળી છે ને બ્રહ્મયજ્ઞ ચાલ્યા.... જ કરે છે. તો કોઈ દિવસ એમ ન થાય કે જુદા પડ્યા. જુદા પડવાની વાત જ ભૂલી જાવ. દેહે કરીને જુદા પડવું એ જુદા પડ્યા ન કહેવાય.

દિવ્યરૂપ થઈ જવાનું છે. મહારાજે કહ્યું કે આ સ્થૂળ દેહ પડવે કરીને દેહભાવ જતો રહેશે એમ નથી. બધાય સત્સંગી હોય નહિ, બધાએ ભગવાન ઓળખ્યા નહિ હોય એનો સ્થૂળ દેહ પડી જાય એટલે દેહભાવ જતો રહ્યો? ના. દેહભાવ તો કારણ દેહ સાથે વળગીને એને જન્મ-મરણના ચક્કરમાં મૂકી જ દે છે. દેહભાવ કાઢ્યો એનો અર્થ એ કે ચૈતન્યને દિવ્ય સાકાર બનાવી, કેવળ કૃપાએ કરીને નખથી શિખા પર્યંત સળંગ રીતે મૂર્તિમાં રાખ્યો. એ કેવળ કૃપા. હવે એ કૃપા તો પાત્રતા વગર આપીને? એ આપી એ સત્ય છે.

હવે શ્રદ્ધા રાખવી કે ગમે તેટલા અંતરશત્રુઓ નડે કે ગમે તેવી આફતો આવી પડે તો એવા નિર્ભય રહેવું કે હું તો મહારાજની મૂર્તિમાં છું! પછી કોઈ ભયનો સવાલ રહે ખરો? કદી ન રહે. એવી નિર્ભયતા રાખવી. મહારાજ અભયવર આમ (ડાબા હાથની હથેળી અભયમુદ્રામાં રાખી બતાવે છે) કરીને નથી આપતા? તો અભય એટલે શું? કે જેટલા અક્ષર સુધી આવરણ કરનાર ભયસ્થાનો છે એ ભયસ્થાનોથી રહિત કરીને નિર્ભય બનાવી દીધા! ભગવાન કહે છે કે આટલું સંપૂર્ણ રક્ષણ મેં આપ્યું છે, માટે તું નિર્ભય બની ગયો. તો ભગવાનનાં વચને આપણે નિર્ભય બની જવું જોઈએ. આપણા મનની ગ્રંથિઓ જે ભયભીત કરતી હોય છે એને દૂર કરી નાખીએ. આપત્તિમાં ખૂબ ગભરાટ થાય, કે દેહ છોડીને જવાનું થાય ત્યારે ગભરામણ થઈ જાય. તે ક્યારે ન થાય કે મહારાજની મૂર્તિમાં રહ્યા છીએ, મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એવી સમજણ થાય ત્યારે. આપણે આ દુનિયામાં નથી રહ્યા, આ અનંત બ્રહ્માંડમાંય નથી રહ્યા, આ દેહમાંય નથી રહ્યા. તો પછી ભય શાનો? શા માટે ગભરામણ? ગભરામણ થાય તો એ સમજણનો વાંક છે. સમજણ દિવસે દિવસે દૃઢ કરવાની.

પાત્રતાની પળે પળે ખબર પડે છે દરરોજ આપણને. ભય લાગે એ વખતે યાદ કરવું કે હું તો મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિમુક્ત છું. તરત જ ઝબકીને મહારાજને યાદ કરવા. મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એ યાદ કરવું. છતાં ય અંતરશત્રુ નડતા હોય, દેહભાવ નડતો હોય, સુખ-દુ:ખનો અનુભવ થતો હોય, કોઈ મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે ભય લાગે એવું બધું જ થવાનું. તેથી ડરવું નહિ. તેથી એમ ન માનવું કે આપણું આત્યંતિક કલ્યાણ થશે કે નહિ. અરે ભાઈ! પાત્રતા વગર પણ તને રક્ષણ આપી દીધું છે. મૃત્યુ-અંતસમો એ સમુદ્ર જેવો કઠિન છે. એ વખતે મૂર્તિયે ન દેખાય, અનંત જાતના વિચારો પણ આવે, આ લોકની વાસનાઓ કે આ લોકની આસક્તિ યાદ આવી જાય. આ બધું હું છોડીને જાઉં છું એવા વિચારો પણ આવી જાય. એ વખતે એક વસ્તુ યાદ રાખવી: "શ્રીજીમહારાજે એમના સ્વરૂપમાં મને રાખ્યો છે. આ બધી જ ગડમથલ તો આ દેહમાં થાય છે, મને થતી નથી." એ સમજણ પાકી રાખવી, ભલે મૂર્તિ એ વખતે દેખાય કે ન દેખાય. આ સમજણ પાકી કરી રાખવી. મહારાજે કહ્યું કે તમને પૂર્ણકામ બનાવી દીધા. એમાં જો સંકલ્પ થાય પોતાની નબળાઈઓને લીધે તો એ સમજણનો અભાવ કહેવાય. સમજણ એવી દૃઢ કરીએ કે જેથી દુ:ખ આવે તો પણ કદીયે આપણને એ દુ:ખનો સ્પર્શ થાય નહિ. જુઓને આટલા તાપમાં જોડા પહેર્યા વગર પેલા મજૂરો દોડ્યા જતા હોય છે. શા માટે? એની ચામડી જાડી થઈ ગઈ છે. તો એવી સમજણરૂપ બની જવું, એવી જાડી ચામડી બનાવી દેવી. એવી સમજણ બનાવી દેવી કે જેથી કોઈ જાતની તકલીફને લીધે હર્ષ કે શોક થાય નહિ. આનંદ એક મૂર્તિનો જ.

આ બધી સમૃદ્ધિ કોની છે? મહારાજની. અનંત વિશ્વ એ સમૃદ્ધિ છે. અનંત અવતારોના ધામ એ ભગવાન સ્વામિનારાયણની સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિ શા માટે રચી? એમને ઓળખવાને માટે. ભગવાન કહે છે કે તમને મેં જે કંઈ સમૃદ્ધિ આપી તે સર્વે મારી છે તે મને પામવા માટે તમને આપેલી છે. તેના માલિક આપણે ન બનીએ. તે સમૃદ્ધિનો ઉપયોગ કરી અને મહારાજની મૂર્તિનો અનુભવ કરી અને તે સમૃદ્ધિનો ઉપયોગ બીજા મુક્તો કરે તેવું કરવું. અને તે ઉપયોગ કરીને તે ય મહારાજની મૂર્તિરૂપ બની જાય. આમ સમૃદ્ધિ એ આપણને ભગવાન તરફ લઈ જવા માટે છે. એમાં અહંપણું કે મારાપણું આવવું જોઇએ નહિ. જો એ આપણી હોય તો મૃત્યુ પછી આપણી સાથે એ આવવી જોઈએ કે નહિ? એ આપણી સાથે આવતી જ નથી એ પણ સમજવું.

અને મનુષ્યદેહ ધારણ કર્યો હોય એવા કોઈ મનુષ્યનો દેહ પડ્યા વગર રહે ખરો? મહાન સંતોને દેહ જેવું છે જ નહિ, છતાં પણ અવરભાવની કળા પ્રમાણે દેહનો ત્યાગ કરે છે. દેહ તો પડવાનો જ છે. ગમે એવું સુંદર શરીર હોય, પણ જ્યારે સમય થાય ત્યારે એ દેહ પડી જાય એવો રોગે ય થાય એવું બને. એ રોગ કોને? દેહને. ચૈતન્યને કોઈ રોગનો સ્પર્શ થતો નથી.

એક જ વાત બાપાએ શીખવી છે કે મૂર્તિ સિવાય બધે રોગી વાની ઊડે! ભલે ઊડે. બધેય રોગી વાની છે તે પણ આપણે છોડીએ ને તેને છોડવા માટે આપણે લડત આપીએ તે દ્વારા આપણે ભગવાનમય બનીએ છીએ, પાત્ર બનીએ છીએ. ત્યારે ભગવાને એ બધું જ આપણને પાત્ર કરવા માટે જ મૂક્યું છે. આપણા ભલા માટે જ છે બધું. આપણા શત્રુઓ પણ આપણું ભલું કરે છે. એ અંત:શત્રુઓ દૂર થાય પછી આપણે બળવાન બની જઈએ છીએ. એ અંત:શત્રુને હરાવીએ ત્યારે આપણામાં બળ આવે. એ બળ ક્યાંથી મળે? મહારાજની મૂર્તિ અને સંતો પાસેથી. એ બળ મેળવીએ એટલે એ અંતરશત્રુઓને એમ લાગે કે હવે આપણે અહીં રહી નહિ શકીએ એવો આ બળવાન બન્યો છે. એટલે એ અંતરશત્રુઓ આપણને છોડી જશે. ત્યારે હંમેશાં યાદ રાખીએ કે જે કંઈ છે તે આપણા ભલા માટે જ છે અને એ બધા ભગવાનના સેવકો છે.


સારાંશ

બ્રહ્માંડો કરતાં માનવ દેહમાં રહેલો ચૈતન્ય વધુ શક્તિશાળી છે.

કોઈનો અવગુણ આવે તેવા અવગુણ એટલે દોષો હોય તો તે અવગુણનું ફક્ત જાણપણું રાખવું, પરંતુ તે વ્યક્તિને તેની જાણ થવી ન જોઈએ. એને નુકસાન ન થવું જોઈએ. એનું ભલું થાય તેમ જ કરવું તો ભગવાન રાજી થાય. જીવને પાત્ર કરવા માટે નિઃસ્વાર્થભાવે ભગવાનને પ્રાર્થના કરવી.

અનુવૃત્તિમાં રહી સેવા કરવી અને મોટાના કહ્યા પ્રમાણે વર્તન કરવું તો મોટા રાજી થાય.

ચૈતન્યને દિવ્ય સાકાર બનાવીએ ત્યારે દેહભાવ જાય. મહારાજે આપણને નખ-શિખા સળંગ મૂર્તિમાં રાખ્યો તે કેવળ એમની કૃપા. ઓળખ્યા પછી સંપૂર્ણ નિર્ભય થઈ જવું. સમજણ એવી દૃઢ કરવી કે ગમે-તેવા સંજોગોમાં પણ એ ડગે નહિ.

સમૃદ્ધિમાં પોતાપણાનો ભાવ કે અહંકાર આવવો જોઈએ નહિ.

અંતઃશત્રુઓ તો ભગવાને આપણા માટે સેવક રાખ્યા છે કે જેથી આપણે પાત્ર થઈ તેમને પ્રાપ્ત કરીએ.