22
મહારાજે કહ્યું છે કે અમે અને અમારા અનાદિમુક્ત જળ-તરંગવત્ એક જ છીએ. ફેર એટલો સ્વામી-સેવકપણાનો. જળ-તરંગવત્ એકતા જેવું ઐક્ય સધાય ત્યારે મહારાજની મૂર્તિનું સુખ આવે. આવું ઐક્ય ત્યારે જ સધાય કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની સમજણ બરાબર દૃઢ થાય, ઉપાસના પરિપક્વ થાય અને તેનું જેમ છે તેમ માહાત્મ્ય સમજાય. એ ભગવાન કેવા છે, એમના દિવ્ય લક્ષણો કેવા છે એ જો બરાબર સંત-સમાગમ થકી સમજાય તો ભગવાનને વિષે અતિ સ્નેહે કરીને જોડાઈ શકાય. કોઈ વસ્તુની અંદર મન ત્યારે જ ચોંટે કે એની અંદર રસ ઉત્પન્ન થાય. રસ ત્યારે જ ઉત્પન્ન થાય કે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેનું માહાત્મ્ય સમજાય.
બાપાશ્રીએ કેટલાંક વિલક્ષણ એવા દિવ્ય ચરિત્રો બતાવ્યા તે એટલા જ માટે કે બહુજનને સમાસ થાય, બહુજનને પ્રતીતિ આવે કે આ પુરુષ ભગવાનના સ્વરૂપમાં રહી અને બધી જ ક્રિયા કરે છે; બીજાના કલ્યાણ કરવા માટે જ એમનું પ્રાગટ્ય છે એવી પ્રતીતિ થાય. બાકી ચમત્કારો અને પરચા બતાવવા માટે એમને કોઈ અન્ય અપેક્ષા હોતી નથી. કેવળ આ જ અપેક્ષા કે એવા વિલક્ષણ ચરિત્રને લીધે જીવો આકર્ષાય અને એના લીધે એમના જેવી સ્થિતિ કરવા માટે એમનો સમાગમ કરવા આવે.
સાત મહાકલ્પ સુધી જો યજ્ઞ કરે અને જે પ્રાપ્તિ થાય તે આ સાત દિવસના સાર્ધ-શતાબ્દી મહોત્સવરૂપી યજ્ઞથી થતી પ્રાપ્તિની સરખામણીમાં કાંઈ જ નથી. કારણ કે ભગવાન પોતે અનાદિમુક્ત દ્વારા પ્રકાશતા હોય અને તે વખતે તે દૃષ્ટિ કરે, જમાડે, ભેટે આ બધી જ ક્રિયાને લીધે આપણો આખો ચૈતન્ય બદલાઈ જાય. જો ચૈતન્ય બદલાઈ જાય તો તરત મહારાજની મૂર્તિનું સુખ આવે. છતાં પણ ભગવાન એવા દયાળુ છે કે એ ચિત્તની વૃત્તિને બાધિત કરે છે. બાધિતાનુવૃત્તિને લીધે ભગવાનના સ્વરૂપમાં એની વૃત્તિ જોડાઈ રહે છે, પરંતુ એનો દેહ પડી જતો નથી. જળ-તરંગવત્ એકતાનો વાસ્તવિક અનુભવ થાય તો દેહ રહે જ નહિ. કારણ કે નાડી-પ્રાણ ખેંચાઈ જાય. ચૈતન્ય દેહથી જુદો પડી જાય ત્યારે જ એવી એકતા થાય. અને એવી એકતા થાય ત્યારે દેહ કેવી રીતે રહી શકે? દેહથી તો ચૈતન્ય અલગ પડી ગયો. ત્યારે સ્વયં મહાપ્રભુ જ એ દેહમાં રહીને કાર્ય કરે છે. દેહ તે મુક્તનો લાગે, પણ કાર્ય પોતે જ કરે છે. પોતે જ્યારે પ્રગટ થાય મનુષ્યસ્વરૂપે અને જેવું કાર્ય કરે એવી જ રીતે પોતે સ્વયં મુક્તભાવે એવું કાર્ય કરે છે. એવી એકતા કરવી એ તો એવા મહાઅનાદિમુક્ત પ્રગટ મળે ત્યારે જ થઈ શકે. પણ મહારાજની કૃપા એવી છે અને બાપાશ્રીએ પણ કહ્યું કે વર્તમાનકાળે શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્ત કૃપાસાધ્ય બન્યા છે. કૃપાને કોઈ શરત નથી. એ કૃપા કરે તો ઘડીકમાં એવી સ્થિતિ થઈ જાય. પણ એ એમની મરજીની વાત છે. એમાં ઘણા કારણો હોય. ક્યારે કયું કામ કરવું છે એ નિર્ણય એ મહાપ્રભુ લે છે. એની કલ્પના કરવી, એમાં ઊંડા ઊતરીને સમજવું એ શક્ય નથી. પરંતુ આપણને એટલી વાત તો ચોક્કસ થઈ કે મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે એ વાત હકીકત છે.
મહારાજે આપણને અનાદિમુક્તની પંકિતમાં બેસાડી દીધા. પાત્રતાની તારતમ્યતાએ ભલે વધતું-ઓછું સુખ આવે મહારાજની મૂર્તિનું, પરંતુ આપણને અનાદિમુક્ત કર્યા એ સત્ય પણ ખરું. અનાદિમુક્તની પંકિતમાં તો બેસાડ્યા જ ને? ભલે કૃપાએ કરીને બેસાડ્યા. હવે એ સ્થિતિમાં આગળ વધવાને માટે કૃપા તો વરસ્યા જ કરે છે. એ સ્થિતિ સરળતાથી થઈ શકે. અશક્ય પણ નથી. આ સભામાં બેઠેલા બધા જ મુક્તો એવી સ્થિતિ જરૂર કરી શકે. ભલે એ સ્થિતિ છેલ્લી ઘડીએ થાય તો ય શું? અનંત જન્મ થઈ ગયા તો પણ આપણે કંટાળ્યા નથી, કાયર થયા નથી. તો આ જન્મની છેલ્લી ઘડી સુધી પણ શા માટે ધીરજ ગુમાવીએ? શા માટે અવિશ્વાસ કરીએ કે હું ભગવાનની આટલી બધી ભક્તિ કરું છું, આટલું કરું છું તો કેમ મહારાજ એમની દિવ્ય મૂર્તિનું સુખ નથી અનુભવ કરાવતા? મને એમની મૂર્તિ તેજના સમૂહમાં કેમ દેખાતી નથી? મારા ઘાટ-સંકલ્પ કેમ બંધ થતાં નથી? આવા બધા જ વિચારો આવે, પણ એ બધું જ ધીરે ધીરે શમી જશે.
આપણે ખૂબ આનંદપૂર્વક, પ્રીતિપૂર્વક મહારાજની મૂર્તિમાં જોડાવાનો પ્રયાસ કરીએ. બાપાશ્રી એમ કહેતા કે ધ્યાન કરતાં પહેલાં પોતાના સ્વસ્વરૂપનું એટલે મુક્તસ્વરૂપનું-મહારાજના અનાદિમુક્તના ગુણો, એમની સ્થિતિનું-ચિંતવન-મનન કરવું, પ્રેરણા મેળવવી અને ત્યાર પછી નેત્રો મીચીને આપણા દેહની વિસ્મૃતિ કરી નાખવી. આપણે આપણા દેહની જગ્યાએ ચૈતન્યસત્તાએ મહારાજની મૂર્તિ જોવી. જરૂર દેખાય. દેહની જગ્યાએ મહારાજ જોવા એમાં કેટલી અઘરી વાત? મહારાજ તેજના અધોઊર્ધ્વ સમૂહમાં બેઠા છે અને મહારાજ સર્વ રીતે પ્રકાશમાન છે. એમની મૂર્તિમાંથી તેજની ધારાઓ છૂટે છે એવી કલ્પના કરીને એ મૂર્તિમાં અંદર રહીને જોડાવાનું. જેમ દેહમાં રહીને જોડાયા છીએ તેમ. આપણી આંખો બંધ કરીએ તો તરત આપણો દેહ દેખાય આપણને. એ દેહનું વિસ્મરણ કરીને એ દેહની જગ્યાએ જ મહારાજની મૂર્તિ સળંગ જોવી. એ મૂર્તિમાં આપણા ચૈતન્યને રાખ્યો છે એવી ચૈતન્યસત્તાએ ધારણા કરવી. અને એ મૂર્તિનું ધ્યાન ધરવું.
હવે આ મૂર્તિ અંદર રહીને જોવી તો પાંચવાર માનસીપૂજા કેવી રીતે કરવી? મહારાજને નવડાવવા, ધોવડાવવા જેવી બધી જ ક્રિયાઓ જેમ આપણે કરીએ છીએ તેમ પાંચ વખતની માનસીપૂજામાં શી રીતે કરવી? તો પ્રતિલોમ ધ્યાનમાં પણ તે ક્રિયાઓ થઈ શકે, અને ન થઈ શકે તો કોઈ ચિંતા નહિ. ક્રિયા કરાવવાની કોઈ જરૂર નથી. દસ મિનિટ-પંદર મિનિટ કે વધુ સુધી એ મૂર્તિમાં જોડાઈ રહેવું. એ માનસી પૂજા. મહારાજ સ્નાન કરે છે, મહારાજ વસ્ત્રો પહેરે છે, વસ્ત્રો પહેરી અને પૂજામાં બેસે છે, મહારાજ થાળ જમે છે એમ દરેક ક્રિયામાં ચિત્ત વળગી રહે એટલા પૂરતી જ એ ક્રિયા કરવાની રહે. જો ધ્યાનમાં વિક્ષેપ ન આવે તો પાંચવારની માનસીપૂજામાં કોઈ જ ક્રિયા કરાવવાની જરૂર રહેતી નથી. જે ક્રિયાઓ લખી છે તે તો એમાં જોડાઈ રહેવાય, મનની વૃત્તિ મૂર્તિમાં જોડાઈ રહે, આડીઅવળી ડહોળાય નહિ એટલા માટે લખી છે. કારણ કે વિજ્ઞાનમાં એમ કહ્યું છે કે કોઈ પણ વસ્તુની ઉપર એક મિનિટ પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી. તરત જ divert થઈ જાય. મન બીજી વસ્તુ તરફ જતું રહે. એટલા માટે આ માનસીપૂજાની વિધિ મહારાજે લખી છે. એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા શરૂ થઈ જાય ભગવાન માટે. ત્યારે માનસીપૂજાનો અર્થ આ જ છે કે ભગવાનના સ્વરૂપમાં જોડાવું.
ભગવાનના કોઈ ભક્ત એમ પ્રશ્ન કરે કે મહારાજ એક જ સ્થિતિમાં દર્શન આપે છે તો મહારાજ કરે છે શું? એક જ સ્થિતિમાં શું ઊભા જ રહે છે? અરે ભાઈ! જણ જણ પ્રત્યે જે ક્રિયા થાય છે એ મહારાજ પોતે કરે છે. અત્યારે આપણે બધા બેઠા છીએ. કોઈ હાથ હલાવે છે, કોઈ પરસ્પર સામું જુએ છે તો મહારાજ એમ કરે છે. મહારાજ એક જ સ્થિતિમાં દર્શન આપે છે એનો અર્થ એ છે કે ભગવાનમાં કોઈ અસ્થિરતા કે કોઈ સંકોચ-વિકાસ અવસ્થા નથી. એ એક જ સ્થિતિમાં દર્શન આપે છે કે મહારાજ ભૂખ્યા રહ્યા કે તરસ્યા રહ્યા એવા જે ભાવ દેખાય એમ નથી એમાં. જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનના સ્વરૂપમાં જોડાય અને પછી એ સ્વરૂપમાં જોડાઈને જે જે ક્રિયા કરે છે તો એ મહારાજ જ કરે છેને? અનંત બ્રહ્માંડોમાં ભગવાનના ભક્તો જે જે ક્રિયા કરે છે તે મહારાજ પોતે કરે છે. ક્રિયાનો ક્યાં પાર છે? એક જ ક્રિયા કરતા હોય કે બેસી રહે કે સિંહાસન ઉપર બેઠા હોય એવું ક્યાં છે?
ભગવાનની મૂર્તિનું સુખ આવે પછી તે ભક્ત હરે-ફરે ગમે તે ક્રિયા કરે તો ક્રિયા સાથે ક્યાં નિસ્બત છે? પાણીમાં ડૂબી જાઓ અને અંદર રહીને તરો એનાથી પાણીના સ્પર્શનું જે સુખ આવે એની સાથે ક્રિયાને કોઈ નિસ્બત ખરી? તરવૈયો પાણીમાં તરે ત્યારે બધી જ ક્રિયા કરે પણ પાણીનો સુંદર અનુભવ તો કર્યા જ કરે છેને? એમ બધી જ ક્રિયા કરતાં કરતાં મહારાજના અનાદિમુક્ત એ સુખ ભોગવ્યાજ કરે છે, સુખ આવ્યા જ કરે છે પછી ક્યાં સવાલ રહ્યો? એમના જેવી એકતા આપણને મહારાજ સાથે થવી જોઈએ. તે ઐક્ય કરવાને માટે મહારાજના અનાદિમુક્તનો જોગ જરૂરી છે.
બાપાશ્રી એમ પણ કહેતા કે કોઈવાર એવા મુક્ત પૃથ્વી પર પ્રગટ ન પણ હોય. તો શું કરવું? તો કહે કે મોટા મુક્તોએ જે જે વાણી ઉચ્ચારી હોય, જે - જે લીલાચરિત્ર કર્યાં હોય એનું મનન કરવું. મનનનો અર્થ બહુ જબરો છે. એવો નિદિધ્યાસ કરે તો એ જોગ જ છે. શું છે બીજું? અનાદિમુક્તનો જોગ કરીએ તો એ શું કરે? આપણને વાતો કરે મહારાજની, આપણને દેખે. બીજું શું કરે? તો આ મહારાજની મૂર્તિ નથી આપણે દેખતા? દેખીએ છીએને? એમની વાણી છે તે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તો એ વાણીથી એ જ સમાગમ થાય છે. તો પ્રગટ એવા મુક્ત મનુષ્યરૂપે દૃષ્ટિગોચર હોય કે ન હોય તો પણ જરૂર એવી સ્થિતિ કરાવે. ન થાય એવું નથી. કરવી પડેને? અને કરવામાં ક્યાં હાથપગ હલાવવા પડે છે કે એમાં કોઈ ખર્ચ કરવો પડે છે કે મહેનત કરવી પડે છે? અંદર રહીને બસ મૂર્તિમાં જોડાવવાનું જ રહે છે. ફૂરસદે જોડાઓ. કામ કરતાં કરતાં થોડો અભ્યાસ કરો મૂર્તિમાં જોડાવાનો. અરે! જીવનભર એ અભ્યાસ કર્યા કરીએ આનંદથી.
અને મહારાજનું આવું મૂર્તિમાં રાખવાના આશીર્વાદનું જે અનુસંધાન તે જો બરાબર દૃઢ થાય તો હર્ષ-શોક કે સુખ-દુઃખ ન થાય. આ ભવસાગરમાં અને સંસારમાં રહ્યા થકા જે હર્ષ-શોક કે સુખ-દુઃખ ઉપસ્થિત થાય એ તો થતા જ રહેવાના. ભવસાગર કોને કહેવાય? ઘાટ-સંકલ્પ થાય, વિક્ષેપ થાય, અનેક પ્રશ્નો ઊભા થાય એનું નામ જ ભવસાગર. તો એ તો થવાના જ; ભલે થાય. આપણે એની સાથે શું સંબંધ? એક જ વસ્તુઃ મહારાજે મૂર્તિમાં રાખ્યા છે એનું અનુસંધાન રાખવાનું. જો એ પાકું હોય તો આ હર્ષ-શોક નહિ થાય. તે અનુસંધાન જેટલી ઘડી ભૂલાય તે દરમ્યાન જ એ હર્ષ-શોક થઈ જાય છે. જેવું આ અનુસંધાન આવે કે તરત જ શોક કે દુઃખ કશું જ રહેતું નથી. તો એ દૃઢ કરવાનો અભ્યાસ કરવાનો, આનંદમાં રહેવાનું. કેટલી સરળ વસ્તુ મહારાજે કરી દીધી છે! સ્વરૂપમાં જોડાવાથી વગર સાધ્યે અષ્ટાંગ-યોગ સધાઈ જાયને? ભગવાનના સ્વરૂપમાં જોડાવાથી ભગવાનના ગુણ આપોઆપ આપણામાં આવતા જાય. કામ, ક્રોધ, લોભાદિક અનેક દોષો એની મેળાએ જ વિદાય થતા જાય. કારણ કે ભગવાનનું અનુસંધાન થાય ત્યાં એ દોષો રહે નહિ. આપણને ભગવાન તરત જાગૃત કરે. હર્ષ-શોક જો થાય તો સમજવું કે આપણે અનુસંધાનનો કેફ ભૂલી ગયા.
બાપાની વિલક્ષણ બાબતો એનું પણ અનુસંધાન રાખવું. એ બધા ચરિત્રો બાપા દ્વારા કોણે દેખાડ્યા? અનાદિમુક્તો દ્વારા કોણે બતાવ્યા? મહારાજે જ તો. બધા મુક્તોમાં રહીને કામ કોણ કરે છે? મહારાજ જ કરે છેને? આપણે એ ભૂલીએ નહિ કે આપણામાં રહીને મહારાજ કાર્ય કરે છે. પરંતુ એવું બોલવું નહિ. જો આપણે બોલ્યા કરીએ તો કોઈકને ગતિ ન થઈ હોય તેને તો એમ લાગેને કે આવા ને આવા ગપ્પા મારે છે. બોલવાની મનાઈ કરી છે મહારાજે. ક્યારે બોલવું? કે જ્યારે મહારાજ બાધિતાનુવૃત્તિ ખેંચી લે અને પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશવા માંડે ત્યારે. અને જ્યારે મહારાજ પોતે જ પ્રકાશે તો પોતે જ બોલશે કે, 'હું સહજાનંદ સ્વામી સૌનો અંતરજામી.' ન બોલી શકે? 'સંત તે મારી મૂરતિ રે તેમાં ફેર નહિ એક રતી રે' એનો અર્થ શું? જળ-તરંગવત્ એકતા સ્વામી સેવકભાવે. એ અનાદિમુક્ત એ એવા સંત છે કે જેમાં અને મહારાજમાં એક રતી ફેર નથી. એટલે કે મહારાજ સ્વયં એ મુક્તમાં રહી - એ મુક્તના દેહમાં રહીને- કાર્ય કરે છે. એ જબરજસ્ત કામ કરે કે નહિ? ત્યારે જ્યાં સુધી એવી સ્થિતિ છતી દેહે ન થાય, ત્યાં સુધી એવું અનુસંધાન રાખવું. અરે! એ સ્થિતિ થાય ત્યારે તો આપણને ખબર જ રહેતી નથી કે આપણે શું કરીએ છીએ. એ તો મહારાજ જ કરે. આપણે તો ક્યાંય સુખમાં ડૂબી ગયા હોઈએ. કાંઈ ખબર ન પડે. ક્યાં ખબર પડે છે? કારણ કે મહારાજ મુક્તના ભાવમાં એ મુક્તમાં રહીને કામ કરે છે માટે મુક્તભાવ દેખાડે છે. નહિતર એમ જ કહે કે હું પોતે જ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન હું પોતે જ છું! સદ્ગુરુ વૃંદાવન સ્વામીને પ્રશ્ન કર્યો હતો કે સ્વામી! તમે જ કહો છો કે આ બધી ક્રિયા મહારાજ કરે છે, આમ કરે છે, બોલે છે, કરે છે તો આ કોણ બોલે છે? અત્યારે બોલે છે એ વૃંદાવન સ્વામી બોલે છે કે મહારાજ બોલે છે? ત્યારે સ્વામી હસીને કહે કે મહારાજ બોલે છે, ભગવાન સ્વામિનારાયણ બોલે છે! એટલી બધી સ્પષ્ટતા કરી! નહિતર સમજણ ક્યાંથી થાય, એવી સ્પષ્ટતા ન કરે તો?
અને કોઈ એમ કહે કે આ તો ભગવાન થઈ ગયો. અરે ભાઈ! ભગવાન નથી થઈ ગયો. ખોટા ભગવાન હોય એય નકલ કરે હો! ચેતતા રહેવાનું. તે તો બનાવટી હીરા કરતાં ય વધારે ચળકે. મચ્છીમાર હોય તે માછલા પકડે. માછલા તો બિચારા નિર્દોષ. અને મચ્છીમાર જાળ એવી સરસ બિછાવે, અંદર ગોળીઓ મૂકે મીઠી, એટલે માછલા અજ્ઞાની બિચારા. માછલા તો સાવ ભીરુ. જાળની અંદર એ ગોળી લેવા જાય અને ફસાઈ જાય. ફસાઈ જાય એટલે નાશ પામે. બીજું શું થાય? ત્યારે આ નકલી ભગવાનો એવી સરસ વાતો કરેને! ભગવાનની જ વાતો હોય તે એવી બધી મોઢે કરી હોય તેથી વાતો ખૂબ સરસ કરે. અને પછી પોતાના સ્વરૂપમાં જોડવા માટે બધું માળખું ગોઠવીને તૈયાર રાખ્યું હોય. અને પેલી માછલી જેમ ગોળી ખાવા જાય ને જાળમાં ફસાઈ જાય એમ ભોળા માણસો એમાં ભરાઈ પડે કે અહોહો! આ તો સાક્ષાત્ ભગવાન છે. તો બનાવટી ભગવાન થવું બહુ સહેલું છે. સંત થવું ઘણું કઠણ છે. માટે આપણે સંત થવું, ભગવાન થવું નહિ, ભગવાનરૂપ થવું.
પુરુષોત્તમરૂપ થવા માટે બોલ્યા વગર એવું થવું, એવું કરવું. બોલ બોલ ન કરવું. કોઈ પૂછે કે તમે અનાદિમુક્ત છો? તો કહેવું કે ભાઈ! મહારાજે આશીર્વાદ આપ્યા છે કે તમને અનાદિમુક્તની પંક્તિમાં બેસાડી દીધા છે અને અમે એ અનુસંધાન રાખીને શ્રીજીમહારાજના સ્વરૂપરૂપ થવા માટે આગળ વધીએ છીએ. પણ બેસાડી દીધા છે એવા આશીર્વાદ દીધા છે એમાં પૂર્ણ શ્રદ્ધા છે. આવો જવાબ આપવાનો. બરાબર? ત્યારે જવાબ આપવાની રીત પણ ધ્યાનમાં રાખી અને બાપાશ્રીએ જે આ વસ્તુ આપણને સમજાવી તેનું અનુસંધાન રાખવું.
(ડિસેમ્બર, 1992માં બાબરી-ધ્વંસ પછી જે તોફાનો થયા હતા તેને અનુલક્ષીને વાત કરે છે) : અને આ જે તોફાન છે તેના અંગે પણ થોડી પ્રાર્થના થોડીવાર ધૂન કરીને કરીએ. બધી દિશામાં કેટલાંક જીવો નાશ પામ્યા છે તેના અર્થે ને આ બે મહામુક્તો દેહોત્સવ કરી ગયા તેમના નિમિત્તે આ દિવ્ય સભામાં પ્રાર્થના થાય કે મહારાજ એમને મૂર્તિનું સુખ અધિક અધિક આપે. બીજું એમ કે અત્યારે અશાંત પરિસ્થિતિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિયમ મુજબ સતયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ યુગો પણ બદલાતા હોય છે. જ્યાં આસુરી તત્ત્વો કે આસુરી ભાવો ઉત્પન્ન થાય એનું નામ કળિયુગ. આ સભામાં સત્યયુગ છે દિવ્યયુગ છે. અહીં કંઈ કળિયુગ નથી, નથી કંઈ આસુરી. કોઈ તકલીફ નહિ, કશું જ નહિ. અહીં તો એ કોઈ બાબત પ્રવેશ જ ન કરી શકે. તો આપણે બધા સત્યયુગમાં જ જીવીએ છીએ, સત્યયુગમાં જ વર્તીએ છીએ. કેટલી સરસ વાત! આખું વિશ્વ આવી રીતે ફેરવાઈ જાય તો? અહીં કોઈ આસુરી ક્રિયાઓ થાય ખરી? ન થાય. અત્યારે વિશ્વમાં આસુરી તત્ત્વો માયામાંથી જે ઉત્પન્ન થયાને એ લોકોને હિંસા કરવામાં જ રસ પડી જાય. બોલો! તેઓ કોઈની હિંસા કરે તો આનંદ પામી જાય કે ચાલો એક હિંસા થઈ ગઈ. એ પણ આત્મા જ છે, છતાં પણ આસુરીભાવને પામ્યો તો કેટલાય નિર્દોષ બિચારાને મારી નાખે. તો જે જે માનવીઓ આવી રીતે મૃત્યુ પામ્યા હોય તે બધા જીવોનું મહારાજ સારું કરે, એમનું કલ્યાણ કરે કે એમને સત્સંગમાં જન્મ આપીને આવી સમજણ કરાવરાવે એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ ને તે આપણો પરમ ધર્મ છે. કારણ કે બાપા એમ કહેતા કે અમારે સૌનું સારું કરવું છે, એકેએક જીવનું સારું કરવું છે.
એવા આસુરી તત્ત્વો અદૃશ્ય થઈ જાય તો એ અદૃશ્ય થયા પછી નવો યુગ શરૂ થશે. તે ખૂબ સુંદર હશે, પણ તેને સમય લાગશે. અત્યારે આપણે મહારાજને એવી પ્રાર્થના કરીએ કે એ આસુરી તત્ત્વો બધા ધીરે ધીરે દબાઈ જાય. કેમ થશે એ મહારાજને અને અનાદિમુક્તને તો ખબર જ હોય. આપણે એવી કેમ થશે, કેમ નહિ એ જાણવાની જિજ્ઞાસા છોડી દેવી જોઈએ. એમને બધી ખબર છે એટલે પતી ગયું. બરાબર? આપણે તો આપણી રીતે રહી અને મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ! બધા જીવોમાંથી આસુરીભાવ દૂર થઈ અને તમારે શરણે આવે અને આશ્રિત બની જાય આવી શુભ પ્રાર્થના.
સારાંશ
અનાદિમુક્ત થકી ભગવાનનું માહાત્મ્ય, મહારાજની પરિપક્વ ઉપાસના સમજીએ ત્યારે મહારાજને ઓળખી શકાય. મહારાજના અનાદિમુક્ત મહારાજમાં જળ-તરંગવત્ સુખ ભોગવે છે.
બાપાશ્રીએ વિલક્ષણ દિવ્ય ચરિત્રો એટલા માટે કર્યાં કે બીજા જીવો આકર્ષાઈને આવે ને મહારાજને ઓળખે. અનાદિમુક્તના દિનની ઉજવણીથી મહારાજ રાજી થાય છે અને એ બ્રહ્મયજ્ઞનું ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે. મહારાજ સાથે જળ-તરંગવત્ એકતા થયા પછી દેહ ટકતો નથી. ચૈતન્ય દેહથી જુદો પડે પછી જ એ એકતા શક્ય બને છે. અને એ અનાદિમુક્ત દ્વારા જ શક્ય બને છે. તેમના વચનમાં વિશ્વાસ રાખવો અને ધીરજ રાખવી. ધ્યાન કરતાં પહેલાં અનાદિમુક્તના ગુણો સંભારવા અને પછી મૂર્તિ સંભારવી. દેહભાવ ભૂલીને સંભારવી. મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય તે માટે માનસી પૂજા કહી છે. ભગવાન ભક્તમાં રહી ક્રિયા કરે છે. એટલે ભગવાન ફક્ત એક જ સ્થિતિમાં બેસી રહે છે એમ નથી. મહારાજના અનાદિમુક્ત સર્વે ક્રિયામાં મહારાજના દિવ્ય સુખનો અનુભવ કર્યા કરે છે.
એ સુખનો આપણને અનુભવ થાય માટે અનાદિમુક્તનો જોગ કરવો. અનાદિમુક્ત પ્રગટ ન હોય ત્યારે તેમની વાણીનું મનન કરવું અને એમણે બતાવેલ રસ્તે ચાલવું. પુરુષાર્થ તો કરવો પડે. મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદનું અનુસંધાન રાખવાથી હર્ષ-શોક થતો નથી. બધા દોષો ટળી જાય છે. મૂર્તિમાં રાખ્યાનું અનુસંધાન રાખવું, પરંતુ બહાર કોઈને કહેવું નહિ. કોઈ પૂછે તો કહેવું કે અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યા છે એ આશીર્વાદનું અનુસંધાન રાખીએ છીએ. સ્થિતિ વગરનાને સંકલ્પ થાય.
અનાદિમુક્તમાં રહી મહારાજ કાર્ય કરે એટલે એ કાર્યો જબરજસ્ત જ હોય. છતી દેહે એ સ્થિતિ થાય તેવા પ્રયત્નો કરવા.