3

0:000:00

મહારાજની મૂર્તિની જ વાતો થતી હોયને તે કારણ સત્સંગ. અને જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિકની વાતો થતી હોય અને મહારાજની મૂર્તિનું મુખ્યપણું ન આવે તો એટલી ખામી કહેવાય. સત્સંગ ખરો, પણ મહારાજની મૂર્તિની વાતો અંદર ના આવે તો એ કારણ સત્સંગ મટીને કાર્ય સત્સંગ થઈ જાય. બરાબર? કાર્ય સત્સંગમાં બહારથી આનંદ ખૂબ આવે; પણ એ કાર્ય ચાલતું હોય ત્યાં સુધી આનંદ આવે. પણ કાર્ય પૂરું થાય પછી એનો આનંદ રહેતો નથી. ક્ષણજીવી હોય એ આનંદ. મહારાજની મૂર્તિ જો અખંડ રાખીએ તો સદાય આનંદ રહે. મહારાજની મૂર્તિમાં રહીને બધું કરવાની જે મહારાજની વાત છે એ બરોબર દૃઢ કરીને એનું લક્ષ્યાર્થ કરવું જોઈએ તો એના ઉપર મહારાજની કૃપા થાય ને એને મૂર્તિમાં રહીને કાર્ય કરવાની લટક આવડે. ત્યારે બધાને એમ થાય કે મૂર્તિમાં રહીને કેવી રીતે કાર્ય થતું હશે? આપણા ચૈતન્યની એકતા મૂર્તિ સાથે બરાબર થવી જોઈએ. જ્યાં જોઈએ ત્યાં એક મૂર્તિ જ દેખાય. તેમ કરતાં કરતાં મૂર્તિમય થઈ જવાય. મૂર્તિ આકારે દૃષ્ટિ થાય એટલે આ લોકનું ન દેખાય, મૂર્તિ જ દેખાય. પછી એમ થતાં થતાં મૂર્તિ આકારે વૃત્તિ છે એ મૂર્તિમય થઈ જાય. એટલે નખથી શિખા ચૈતન્ય મહારાજની મૂર્તિ સાથે એકમેક થઈ જાય. એટલે મૂર્તિનું સુખ ખૂબ આવે. તે સાધન આ કારણ સત્સંગમાં રહેવાથી આવે. બીજા સાધનો છે તે બધાં પ્રસન્નતાનાં સાધનો એ તો કરવાં જોઈએ, પણ આ મૂર્તિની પ્રાપ્તિ અને મૂર્તિ સાથે એકતા એ વાત જબરી છે અને જુદી છે. તે તો ત્યારે જ થાય કે જ્યારે ભગવાન સ્વામિનારાયણની કૃપા ઊતરે. એ કૃપા ઝીલવા માટે હંમેશાં તૈયાર રહેવું. ધૈર્ય રાખવું, અધીરા ન થવું.

મહારાજની મૂર્તિ નખશિખાંત બરાબર અંતરમાં એટલે કે ચૈતન્યમાં ઊતારવી. અંતર એટલે અંદર. અંદર એટલે ચૈતન્યની અંદર. મહારાજની મૂર્તિ સાથે એકતા થઈ જાય એટલે આપોઆપ જ બધી એકતા થઈ જાય. મહારાજના તેજ સાથે ક્યાં એકતા કરવાની જરૂર રહી? એ આવડવું યે કઠણ. તેજ સાથે એકતા થાય તો તેજ તો નિરાકાર છે ને ચૈતન્ય પણ નિરાકાર. એમ નિરાકારે નિરાકાર સાથે એકતા થાય પછી મહારાજની મૂર્તિ દેખાય, પણ એના કરતાંય મહારાજની મૂર્તિ સાથે સીધી એકતા કરીએ તે વધારે સારું. તેજમાં એકતા થાય, પછી મહારાજની મૂર્તિ દેખાય, પછી પરમએકાંતિકની સ્થિતિમાંથી અનાદિમુક્તની સ્થિતિમાં જવું પડે એના કરતાં સીધા જ મૂર્તિને બાઝી પડીએ તો? તેજને બાઝીએ એ કરતાં સીધા જ મહારાજની મૂર્તિને બાઝીએ તો? બેયની પ્રક્રિયા અલગ અલગ. તેજ સાથે પ્રેમ કેવી રીતે થાય? થાય? ન થાય. એ તો એક માર્ગ છે, પણ એ માર્ગ લાંબો છે થોડોક. એ માર્ગે ઘણો ટાઈમ લાગે અને મૂર્તિ સાથે એકતા કરવાનો માર્ગ તો સાવ સહેલો છે. જેમ અહીંયા તમે આવ્યા તો તમારે ને મારે વાતચીત થાયને? એ જ રીતે મૂર્તિ સાથે એકતા થઈ જાય તો બધીય ગરબડ અને બીજી ખટપટ મટી જાય. બરાબર? અને ભગવાન સાથે એકતા થાય તો ભગવાનને વહાલ થાયને? વહાલા લાગેને ભગવાન? એની મૂર્તિ સાથે એકતા કરવાથી, એમની સાથે જોડાવાથી એ હસે, કહે, આશીર્વાદ આપે એ બધું થાયને? એ ક્યારે થાય? એક મૂર્તિ સાથે લગની થાય ત્યારે.

પછી યોગમાર્ગ... ને ભક્તિમાર્ગ ને... એ બધા માર્ગો છે, પણ એ બધા લાં...બા માર્ગ છે. કેટલી...ય વિધિ બતાવે. આમ કરવું..., આમ કરવું... એ કરતાં કરતાં પછી કાર્યમાં ગૂંચવાઈ જવાય. બરાબર? ભક્તિ કરનારા ભક્તિ મૂકી સાધનમાં જ પડ્યા રહે. પછી એનો ગર્વ આવે કે હું ભક્તિવાળો છું. એ બધા માર્ગોમાં આ વિઘ્ન હોય છે. મૂર્તિ સાથે જોડાઈએ એટલે અહમ્ ન આવે. કારણ કે મહારાજ કર્તા થઈ જાયને? હું દાસ ને મહારાજ સ્વામી એવું વર્તે. એટલે અહંભાવ જતો રહે. દેહભાવ જતો રહે. નહિતર એમ મોટાઈ આવતા હંમેશાં થોડીક ઉન્મતાઈ વધે. ઉન્મતાઈ એટલે 'હું', "I am something' પરંતુ આપણે મનમાં ચિંતવન કરવુંઃ "હું કાંઈ નથી, મહારાજનો દાસ છું. I am nothing but the humble servant, humblest servant. Servant of the humblest servants of Lord Swaminarayan. ભગવાન સ્વામિનારાયણના દાસનો દાસ છું." એવું અખંડ વર્તે તો આનંદ આવે.

ભક્તિ કરવી એ ગુપ્ત રીતે કરવી. કોઈને ખબર જ ન પડે કે હું ભક્તિ કરું છું. મહારાજની મૂર્તિમાં જોડાઈ જઈએ તો એમાં કોઈ શું જાણે? આપણે જ જાણીએ એકલા. ભક્તિ કરો તે બધાને ખબર પડેને? દેખાયને? ભક્તિ કરીએ તે દેખાયને? માળા ફેરવીએ, જમાડીએ, કીર્તન બોલીએ એ બધું દેખાય. પણ એ બધી જ વિધિ અંદર ચાલતી હોય તો? કોઈને ખબર પડે? ન પડે. અને દેહભાવ ત્યારે જ આવે કે જ્યારે આપણી ભક્તિ બીજા દેખે. અને બીજા દેખે એટલે આપણી પ્રશંસા કરે. પણ એ પ્રશંસા કોની થાય છે? મહારાજની ભક્તિ કરીએ છીએ તે ભક્તિની પ્રશંસા થાય છે. આપણી થતી નથી. એમ સમજણ તે વખતે રહેવી જોઈએ, પણ નથી રહેતી. જરાક ડગી જવાય છે અને ડગી જવાય એટલે પછી લપસણો માર્ગ પાછો. એટલે મહારાજની ભક્તિ કરવી તો અંદર વધુ કરવી. ગુપ્ત રીતે. કોઈને ખબર જ ન પડે કે આપણે મહારાજની મૂર્તિમાં ગૂંજન કરીએ છીએ. કોઈને ખબર પડે? દેખાવથી કાંઈ ખબર ન પડે. આપણે તો બોલવું-ચાલવું એ બધું જ મૂર્તિમાં રહીને કરવાનું. બીજા બધાય ખાય-પીવે, બોલે-ચાલે બધું જ કરે છે અને પેલો પણ એની એ ક્રિયા કરે છે, પણ એ મૂર્તિમાં રહીને કરે છે. ક્રિયા બેયની સરખી દેખાય. પણ પેલી ભગવાનની મૂર્તિના સંબંધવાળી હશે અને આને મૂર્તિના સંબંધ વગરની હોય. પણ એ તો બીજાને ખબર ન પડે. એ રીતે અંદર વધવું. બરાબર?

અંદર વધીએ તો અવયવો ફરી જાય. તે અવયવો એટલે શું? તો પૂર્વના સ્વભાવ હોય એ બધાયનું પરિવર્તન થઈ જાય. અને સ્વભાવ દૂર થઈ જાય. દેહભાવમાં તો અનેક દોષો હોયને? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા આ બધા જ દોષો છે. અંતઃશત્રુઓ. એ અંતઃશત્રુઓ આ દેહમાં છે. ત્રણ દેહ છેને? રાગ-દ્વેષ એ બધું આમાં ભરેલું છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહમાં આ બધાય દોષો અને માયા બધું જ અંદર છે. એ દોષો સહિત વર્તવું એ દેહભાવે વર્ત્યા કહેવાય. એટલે દેહભાવ રહિત વર્તવું એટલે કે આ બધાયથી રહિત થવું. અને આ બધાયથી રહિત થવું હોય તો સીધેસીધું મૂર્તિમાં જોડાવાનું કરવું એટલે આ બધા ખસી જાય. મૂર્તિમાં જોડાઈએ એટલે દેહભાવનું આવરણ મટી જાય એટલે કે બધાય આવરણો ટળી જાય. આપોઆપ. એટલે અખંડ આનંદ આવે.

જ્યાં બેઠા હોઈએ ત્યાં મહારાજની મૂર્તિ લઈને બેસીએ એટલે મુક્તો તો આવે જ ને? મહારાજ આવે એટલે મુક્તો આવે અને મુક્ત હોય તો ભેગા મહારાજે ય હોય. બરાબર? જો મૂર્તિને બરાબર વળગી રહીએ તો આનંદ આવે. મૂર્તિ સાથે હોય તો જ્યાં જઈએ ત્યાં સુખિયા. ત્યાં બધી સભા ભેગી દેખાય. પછી એમ ન લાગે કે એ સભા નથી ને સત્સંગ નથી ને શું કરીશું એવા વિચાર ન આવે. આ જ્ઞાન થઈ જાય તો આનંદ આવે. જ્યાં જાવ ત્યાં સુખિયા લાગો. એમ ન લાગે કે અહીં સત્સંગ નથી. પણ જ્યાં સુધી આ સમજણ ન થાય ત્યાં સુધી એવું થયા જ કરે. આવી સમજણ રાખવી જોઈએ. કોઈ વખત સંજોગ એવા આવે કે સત્સંગનો જોગ ના રહે બાહ્ય રીતે. પણ જો અંદરનો સત્સંગ પાકો કરી લીધો હોય તો બહારનો સત્સંગ અંદર જ દેખાય. બરાબર છે? એક મૂર્તિ આવે તો બધું અહીંયા જ છે. સ્વામિનારાયણ ભગવાનની રમણીય મૂર્તિઓમાંથી જે તમને સારું સ્વરૂપ લાગે એ અંતરમાં ઊતારવું. અંતરમાં એટલે ચૈતન્યમાં. ચૈતન્યને બરાબર એની સાથે રસબસ કરી દેવો. એટલે સદાય આનંદ આવે. આ વાત દરેકને સમજાવવી. કારણ કે જ્યાં સુધી આ વાતની સમજણ આવી ન હોય ત્યાં સુધી આનંદ આવે? આનંદ ના આવે. કાર્યનો જ આનંદ આવે. હમણાં કહ્યું હોયને કે એક ફંક્શન કે એક પ્રસંગ આપણે ઉજવવો છે, ગોઠવવો છે તો બધા કૂદી પડેને એવા! સેવાનો લાભ મળે એમ ધારીને. પણ એ બધું જ કરતાં પહેલાં મહારાજની મૂર્તિમાં જોડાઈને પછી કાર્ય શરૂ કરવું. સીધું જ કાર્ય શરૂ કરીએ તો બંધનરૂપ થાય. માટે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં મૂર્તિરૂપ થઈને પછી આગળ વધવું. અભ્યાસ કરીએ તો અભ્યાસ કરતાં પહેલાં, પુસ્તક વાંચતાં પહેલાં એક મિનિટ કે અર્ધી મિનિટ મહારાજની મૂર્તિરૂપ થઈ અને પછી કામ શરૂ કરવું.


સારાંશ

કાર્ય સત્સંગનો આનંદ ક્ષણજીવી છે. મૂર્તિમાં રહી કાર્ય કરવાની ટેવ પાડવાથી મહારાજ રાજી થાય, તેમની કૃપા ઊતરે એ માટે ધીરજ રાખવી અને એક મૂર્તિ રાખવી, તો બધું આવે. મહારાજના તેજ કરતાં સીધી મૂર્તિનું જ ધ્યાન કરવું. એ સરળ માર્ગ છે તેથી મૂર્તિમાં લગની લગાડવી. બીજા માર્ગોમાં અહંકાર આવી જાય છે, જ્યારે મૂર્તિમાં પ્રીત કરવાથી એ બીક રહેતી નથી. ભગવાનની ભક્તિ ઉદ્ઘોષ દેખાડ્યા વગર અંદર ચિત્તમાં કરવી. બધી ક્રિયા મૂર્તિમાં રહી કરવી. એમ કરવાથી અંદર જ વધાય છે. ને અંતઃશત્રુઓ નાશ પામે છે. જ્યાં જઈએ ત્યાં મૂર્તિ સાથે રાખવી. મહારાજનું ગમતું સ્વરૂપ અંતરમાં ઊતારવું, તેનામય બની જવું. ચૈતન્યને એની સાથે રસબસ કરી દેવો. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એ મૂર્તિ સંભારવી.