14

0:000:00

સ્વામિનારાયણ ભગવાનની જય. આજે સમય ઘણો થયો. મહારાજની ભારે-ભારે સરસ વાતો થઈ અને મૂર્તિના સુખનો બ્રહ્મયજ્ઞ થયો.

હવે આ પ્રસંગે એક જ વસ્તુ કહું કે આખાય વિશ્વમાં કોઈ સંસ્થાએ કે કોઈ ધર્મે જ્ઞાન ઉપર પ્રતિબંધ નથી મૂક્યો. જ્ઞાન ઉપર પ્રતિબંધ હોઈ શકે જ નહિ. જ્ઞાન તો વ્યક્તિગતરૂપે વિચારવાની વસ્તુ છે. આપણે ગમે તે એક ગ્રંથ લઈએ છીએ, વાંચીએ છીએ, તેમાંથી નોંધ કરી લઈએ છીએ. આપણને ઉપયોગી હોય અને આપણને બરાબર અનુકૂળ આવે એવી વસ્તુ ગ્રહણ કરીએ છીએ. તો આ જ્ઞાનનો વિષય છે. તેની ઉપર કોઈ એક વ્યક્તિ કે સંસ્થા પ્રતિબંધ મૂકી દે એની આ બુદ્ધિશાળી જગતને કોઈ દિવસ ઘેડ ન બેસે. જ્ઞાન ઉપર શા માટે પ્રતિબંધ? હું મારા વિચારો રજૂ કરું, તમે તમારા વિચારો રજૂ કરો. ગીતા ઉપર હજારો ટીકાઓ લખાઈ છે. તેની પર કોઈએ પ્રતિબંધ નથી મૂક્યો. કોઈક અંગ્રેજોએ ગીતાને જુદી રીતે પણ રજૂ કરી છે. તો પણ આપણે પ્રતિબંધ મૂક્યો નથી. કારણ કે સૌએ પોતાની રીતે વિચારવાનું છે. વિચારવાની સ્વતંત્રતા પણ છે.

આ (વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા ઉપરનો) પ્રતિબંધ બરોબર નથી. એનું એક બીજું પણ સર્વમાન્ય કારણ એ છે કે આ સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો ધર્મ એ વિશ્વધર્મ છે એ સો ટકા સત્ય વાત. જો એ વિશ્વધર્મ હોય તો વિશ્વના જે બુદ્ધિશાળી લોકો વાંચીને વિચારે. એ એમ નહિ કહે કે ભાઈ, આમાં એવું તો શું છે કે આની ઉપર પ્રતિબંધ મૂકી દીધો? એટલે એ આપણી સંકુચિતતા પ્રત્યે વિશ્વ આંગળી ચીંધશે કે આવા સુપ્રીમ લોર્ડ સ્વામિનારાયણ ભગવાન જે એક અને એક જ દિવ્ય પ્રભુ છે, એમના અનાદિમુક્ત જે કણબી જ્ઞાતિમાં પ્રગટ થયા અને એમણે આવો સુંદર ગ્રંથ આપ્યો એ કંઈ જેવી તેવી વસ્તુ છે? એમનું તો ઊલટું સન્માન કરવું જોઈએ. અને એના બદલે રાગ-દ્વેષ અને ક્લેશ ને લીધે પ્રતિબંધ મુકવો એ એક જબરદસ્ત અન્યાય કહેવાય!

આપણા બંને દેશના સંતો કે હરિભક્તો હોય તેમાં કોઈ આજ્ઞાલોપ કરતા હોય છતાં પણ મને દિવ્યભાવ રહે છે. જે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતા હોય તેના તરફ કોઈ દિવસ તિરસ્કાર ન થાય. બીજા કોઈ તરફ પણ ન થાય. આપણને તિરસ્કાર શેના તરફ થાય? આજ્ઞાલોપ તરફ થાય. એ આજ્ઞાલોપ દૂર થાય એટલે મહામુક્ત બની જાય કે બીજું કાંઈ? ચૈતન્ય તો સરસ છે. આજ્ઞાલોપ રૂપે રહેલા આવરણો હટી જાય તો કેટલા મહાન સંત બની જાય! બંને દેશમાં સત્સંગ કેટલો શોભી ઊઠે? દ્રોહની વ્યાખ્યા મેં તમને કહી હતી કે એ દ્રોહ એનું નામ કે મન, કર્મ, વચનથી કોઈનું ખરાબ ઇચ્છવું નહિ કે કરવું નહિ. ધારો કે હું આજ્ઞાલોપ કરું છું ને તમે મને આજ્ઞાલોપ કરતો અટકાવો તો મારું શ્રેય કર્યું કે અહિત કર્યું? મારું શ્રેય કર્યું કે નહિ? અને જો મને અટકાવો નહિ તો મારો દ્રોહ કર્યો કે નહિ? કારણ કે મને ખાડામાં હડસેલી દીધો કહેવાય.

આજ્ઞાલોપ થાય એટલે દશા શું કે ખાડામાં પડવાનું. એટલે જન્મો જન્મ હેરાન થવાનું. તો આજ્ઞાલોપ સામે કળપૂર્વક, બુદ્ધિપૂર્વક, સમજણ આપીને, સંપર્ક સાધીને કે કોઈ પણ પ્રકારે મારો આજ્ઞાલોપ તમે અટકાવો તો હું તમારી ઉપર અનંત ઉપકાર માનું. તો દ્રોહ થતો મટે કે નહિ? અત્યારે કેટલો બધો દ્રોહ થાય છે. હું આજ્ઞાલોપ કરું તો હું મારો જ દ્રોહ નથી કરતો? પોતાનો અથવા પારકો દ્રોહ ન કરવો એમ ભગવાન કહે છે. વચનામૃતમાં મહારાજે 2/3 ભાગમાં દ્રોહ ન કરવા ઉપર લખેલું છે. તો આ દ્રોહ તો થાય છે એ તો કોઈ જોતા નથી. દ્રોહ શું છે એ સમજે નહિ ને દ્રોહ-દ્રોહ કરે. એટલે ઘણી વાર આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન આપું છું કે દ્રોહ એટલે મન, કર્મ, વચને કોઈનું ખરાબ કરવું કે ઇચ્છવું એનું નામ દ્રોહ. એ દ્રોહ કહેવાય. એ ટળવો જ જોઈએ.

એક વાર શ્રીજીમહારાજે શુકમુનિ પાસે એક ગ્રંથ લખાવ્યો. મહારાજના એ જબરદસ્ત લહિયા અને મંત્રી હતા. આ લોકમાં કંઈક કામ કરાવવું હોય તો શુકમુનિ. જે કાંઈ લખાવવું હોય તો એ શુકમુનિ પાસે લખાવતા. તો શુકમુનિ પાસે ગ્રંથ લખાવીને મહારાજ કહે, "વાંચો." પછી શુકમુનિ અને નિત્યાનંદ સ્વામી બેઠા. પછી ગ્રંથ વાંચી લીધા પછી મહારાજ કહે, "સ્વામી, આ ગ્રંથ બરોબર હજી સારો નથી થયો." એમ કહી બધા પાનાં એક પાણીનો ઘડો પડ્યો હતો એમાં ઝબોળી દીધા, ડૂબાવી દીધા. મહારાજ પોતાના મુક્તો દ્વારા એક પ્રસંગ ઊભો કરે છે. નિત્યાનંદ સ્વામી શું કહે છે ખબર છે? "મહારાજ, પહેલેથી વિચારીને લખાવવું હતુંને! આટલી બધી મહેનત કરાવી એની પાસે ને પછી પલાળી નાખ્યું. ત્યારે વિચારીને લખાવીએને!"

પછી મહારાજ કહે, "નિત્યાનંદ સ્વામી, મને તમારા જેટલી ખબર નહિ એટલે એવું થયું. હવે તમે તમારે આસને પધારો." પછી શુકમુનિ શું કહે છે ખબર છે? તે કહે, "મહારાજ, એક હજારવાર લખું અને એક હજાર વાર આપ ફાડી નાંખો, તો ય મારે તો એ જ સેવા કરવાનીને? હું તો તમે જ્યાં સુધી દર્શન આપશો, ત્યાં સુધી આ જ સેવા કરવાની છે. તમે હજાર વાર ફરી-ફરી લખાવો ત્યારે તમે કહો કે સારું છે તો સારું ને તમે કહો કે નથી સારું તો નથી સારું." પછી મહારાજ કહે, "તમારો નિશ્ચય બહુ સારો છે." પછી નિત્યાનંદ સ્વામી કહે, "મહારાજ! પણ મને એમ થયું કે કેટલી બધી મહેનત કરાવી. આવી લીલા શું કરતા હશો." તો એના ઉપરથી એમ વિચાર કરવાનો કે આવી રીતે દાસભાવે બે હાથ જોડી મહારાજને કહી શકાય.


સારાંશ

જ્ઞાન ઉપર ક્યારેય પણ પ્રતિબંધ હોઈ શકે જ નહિ. કોઈ હરિભક્ત આજ્ઞા લોપ કરતા હોય તો એ હરિભક્ત પર તિરસ્કાર ન કરતાં, તેના આજ્ઞા લોપ તરફ તિરસ્કાર કરવો. આજ્ઞાલોપ દૂર થતાં તે પણ મુક્ત બને છે.

દ્રોહ એટલે મન-કર્મ-વચને કોઈનું ખરાબ ઇચ્છવું કે કરવું, કોઇનો ય દ્રોહ કરવો નહિ.

મુક્તે બતાવેલી સેવા નિઃસંશય થઈ કરવી. મુક્ત વખાણે કે ન વખાણે ખંતપૂર્વક સેવા કર્યા કરવી.